જીવતા પ્રભુની, નરરૂપી નારાયણની કૃપા અને આપણી અભિલાષા સાથે મળે તો અનન્યભાવ જાગ્રત થાય. ૧૯૬૪-૬૫માં અમે જ્યારે ભાવનગર હતા ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ રાજકોટના નવા મંદિર માટે ફંડ એકઠું કરવા આવતા. એ વખતે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ સાથે સારો પરિચય થયો અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીનાં પુસ્તકો વાંચવાનું થયું. જો કે વિદ્યાર્થીકાળથી જ આવાં કેટલાંક પુસ્તકો મેં વાંચ્યાં હતાં. ૧૯૭૧માં શ્રીરામકૃષ્ણ સંઘના ૧૦મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અમને મંત્રદીક્ષા આપી.

બિલીમોરામાં અમે હતાં ત્યારે ઘરકામમાંથી સમય કાઢીને રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર કરવા તૈયાર રહેતાં. ત્યાંથી અમે અમદાવાદ આવ્યાં. ૧૯૭૯માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીએ ૨૪ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી ત્રણ દિવસ રામચરિત માનસ પર પ્રવચનો કર્યાં. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો શાળા કે કોલેજોમાં જઈને તેનું વેંચાણ કરવાનું કાર્ય પણ થતું. ગુજરાતી પ્રકાશન સાથે હિંદી પુસ્તકો પણ મગાવતાં અને વેંચતાં. ૧૯૮૭માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓએ દર અઠવાડિયે એકવાર ભક્તો મળે એવું સૂચન કર્યું. શ્રીમતી વીરમતીબહેનની ઇચ્છાથી અઠવાડિયે એકવાર સાંજે મળવાનું ગોઠવ્યું. એમનું નિવાસસ્થાન નવરંગપુરામાં હતું. આમ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રનો પ્રારંભ ૧૩ જૂન, ૧૯૮૭ના રોજ થયો. સાંજે ૬ થી ૮ આરતી, ભજન, કથામૃત વાંચન અને પુસ્તક વેંચાણ પણ થતું. એ વખતે રામકૃષ્ણ મઠ-મિશનના હાલના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના શુભ આશીર્વાદ પણ મળ્યા. ૧૯૮૮ના ડિસેમ્બરમાં ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર દ્વારા આ કેન્દ્રની ટ્રસ્ટ રૂપે નોંધણી થઈ. હવે કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓનો પ્રારંભ પણ થયો. રાજકોટ આશ્રમમાંથી કેટલાક સંન્યાસીઓ અવારનવાર વ્યાખ્યાનો આપવા આવતા. ભક્તોનાં રહેઠાણ સ્થળે સૌ ભક્તો ભેગા થતા. ક્યારેક જાહેર સભાખંડમાં પણ વ્યાખ્યાનો યોજાતાં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીના જીવનસંદેશ પર આધારિત વિષયોવાળી નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન પણ થતું. ૧૯૯૧-૯૨માં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિની ઉજવણી થઈ. આ કેન્દ્રે સ્વામી વિવેકાનંદ શતાબ્દિ સમિતિની રચના પણ કરી હતી. આ હેતુ માટે ભારતનાં વિવિધ કેન્દ્રોના અધ્યક્ષ સંન્યાસીઓનાં પ્રવચનો યોજાયાં હતાં. કોલેજ તેમજ શાળાઓ માટે નિબંધસ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ ઉપરાંત રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અને રામકૃષ્ણ સંઘના હાલના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનાં પ્રવચન અનુક્રમે ઠાકોરભાઈ દેસાઈ હોલ અને ભાઈકાકા ભવનમાં થયાં હતાં. રામકૃષ્ણ સંઘના બીજા વરિષ્ઠ સંન્યાસીઓનાં વ્યાખ્યાનો અમદાવાદમાં યોજાયાં હતાં.

૨૦ એપ્રિલ, ૧૯૯૧ના રોજ ગુજરાત કોલેજના નહેરુ હોલમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજીની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી. આવી જ આધ્યાત્મિક શિબિર કાશીરામ હોલમાં ૧૯૯૨માં યોજાઈ હતી. આ ઉપરાંત રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ‘વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચર’ માટે અમદાવાદ આવ્યા હતા. ત્રણેય દિવસ નિયમિત રીતે ભક્તજનો સાથે એમનું મિલન યોજાતું. ઈસરોના ઓ. પી.એન. કલ્લાએ કેન્દ્રની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લીધો. ધીમે ધીમે પ્રવૃત્તિઓ વધી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની આવનજાવનમાં પણ વધારો થયો, ભક્તોની સંખ્યા પણ વધવા માંડી. ભક્તોએ દાન એકઠું કરીને ફેબ્રુઆરી, ૧૯૯૪માં પ્રેમચંદનગર વિસ્તારમાં એક નાનો ફ્લેટ ખરીદ્યો.

આ ફ્લેટમાં કેન્દ્રનો પ્રારંભ થતાં રોજ સાંજે ૬ થી ૮ આરતી, પ્રાર્થના, કથામૃત વાંચન, ભજન વગેરે થવા લાગ્યાં. બાળકો માટે સંગીત, ચિત્રકામ અને કોતરણીકામના વર્ગો પણ શરૂ થયાં. એક્યુપ્રેશર સારવાર માટેનો કેમ્પ પણ યોજાયો.

કુદરતી આફત સમયે રાહતકાર્યોમાં પણ સાથ સહકાર આપતા. કેન્દ્ર દ્વારા ગામડાંની શાળાઓમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને શાળાનો ગણવેશ, પુસ્તક, સ્કૂલબેગ વગેરે આપવામાં આવ્યાં હતાં. એક સ્મરણિકા પણ બહાર પડી હતી. રામકૃષ્ણ મિશન, મૈસૂરના ‘ઊઠો, જાગો’નું સ્વામી વિવેકાનંદ જીવનદર્શનનું પ્રદર્શન અમદાવાદની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં, અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં ગોઠવ્યું હતું. કેન્દ્રની પ્રવૃત્તિઓ વધવા લાગી, ભક્તવૃંદ પણ વિસ્તર્યો; એટલે મોટી જગ્યાની આવશ્યકતા જણાતાં બધા ભક્તોના સહકારથી ૨૦૦૨ની સાલમાં વસ્ત્રાપુર વિસ્તારના કલ્યાણ ટાવર્સમાં બે ફ્લેટ ભેગા કરીને ત્યાં કેન્દ્રનું સ્થળાંતર કર્યું. તે દિવસે ગુજરાતના મઠ-મિશનના સંન્યાસીઓની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની છબિઓ પધરાવવામાં આવી. એ દિવસે પૂજા-હવન, ભજનના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. અહીં પુસ્તક વેંચાણ કેન્દ્ર, ગરીબ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સહાયક વર્ગો શરૂ થયાં. આ કેન્દ્ર રોજ સાંજે ૬ થી ૮ ખૂલ્લું રહે છે. સાંજના ભક્તો દ્વારા આરતી, પ્રાર્થના, કથામૃત વાંચન, ભજન વગેરે થાય છે.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.