રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ઉપલેટાના બધા ભક્તો ૧૯૯૦માં એક સોસાયટીમાં રહેવા આવ્યા. ૧૯૯૧માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષનું પ્રવચન હતું. પછી બધાએ મળીને એક સત્સંગ મંડળનું આયોજન કર્યું. આ સત્સંગ મંડળ દ્વારા રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું વાચન થતું. ૧૯૯૪ના ડિસેમ્બરની ૨૫મીએ નાતાલના પાવનકારી દિવસે રાજકોટ આશ્રમના વરિષ્ઠ સંન્યાસીઓની નિશ્રામાં એક ટ્રસ્ટ રચવાની વિચારણા માટે બેઠક મળી. આ કેન્દ્રનું નામ ‘રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસમિતિ’ રાખ્યું અને ૩ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ ટ્રસ્ટ ડીડ સાથે રજિસ્ટ્રેશનની અરજી કરી અને ૧ એપ્રિલ, ૧૯૯૫થી આ કેન્દ્રનું રજિસ્ટ્રેશન થયું ત્યારથી કેન્દ્રનું કામ વેગવંતુ બન્યું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર અને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટથી સંન્યાસીઓ અહીં આવતા, પ્રવચનો આપતા. પ્રાર્થના મંદિર એક સોસાયટીના રિઝર્વ પ્લોટમાં બાંધવાનો નિર્ણય થયો. ૧૪ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પોરબંદરથી રાજકોટ જતી વખતે ઉપલેટા રોકાયા. એ દિવસે એમના વરદ્‌ હસ્તે પ્રાર્થનામંદિરની ભૂમિ પર દીપ પ્રગટાવીને શુભ મુહૂર્ત કર્યું. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ફરીથી તેઓશ્રી રામકૃષ્ણ સંઘના અન્ય સંન્યાસીઓ સાથે ઉપલેટા આવ્યા. એ સમયે કેન્દ્રને પ્રાર્થનામંદિર બાંધવાની મંજૂરી મળી ગઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનદર્શનના પ્રદર્શનનું આયોજન ઉપલેટા તાલુકાની શાળા-કોલેજોમાં ગોઠવાતું ગયું. પ્રાર્થનામંદિરના બાંધકામની મંજૂરી મળતા ૨૦ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ ઉપલેટાના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં સવારના ૯ કલાકે રિઝર્વ પ્લોટનું ભૂમિપૂજન થયું. ભક્ત બહેનોએ જુદી જુદી ટુકડી પાડીને ઘરે ઘરે ફરીને ૩.૫ લાખ રૂપિયાનો લોકફાળો એકઠો કર્યો. બાંધકામના અંદાજિત ખર્ચમાં ૨.૫ લાખ રૂપિયાનો ખર્ચ વધતાં આ અંદાજિત ખર્ચ ૬.૫ સુધી પહોંચ્યો. બહેનોના ઉત્સાહથી ગામના પરિશ્રમી આગેવાનોએ, ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એક ભવ્ય લોકડાયરાનું આયોજન કર્યું. આ ડાયરા દ્વારા ૨ લાખ રૂપિયા દાનમાં મળ્યા. ઉપલેટાના ખેડૂતો અને અમેરિકામાં રહેલા ઉપલેટા વાસીઓનો સારો સહકાર મળ્યો. આમ સૌના સહકારથી પ્રાર્થના મંદિરના બાંધકામનું સ્વપ્ન પૂર્ણ થયું. ૨૨ જૂન, ૨૦૦૫ના રોજ પાવનકારી ગંગાસ્નાનના શુભદિને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ પૂજ્ય સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે આ પ્રાર્થના મંદિરનું ઉદ્‌ઘાટન થયું.

આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ; રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ અને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષે આ કેન્દ્રની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ૩૦ નવેમ્બર, ૨૦૦૬ના રોજ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ફરીથી અહીં પધાર્યા અને પોતાના શુભ આશીર્વાદ પાઠવ્યા. આ મંદિરમાં ઠાકુરની પૂજા, બપોરનો ભોગ, સંધ્યા આરતી અને સપ્તાહના ગુરુ અને શનિ એમ બે દિવસ સત્સંગ થાય છે. દર એકાદશીએ રામનામ સંકીર્તન થાય છે. દર રવિવારે વિવેકાનંદ બાલક સંઘ ચાલે છે. વિનામૂલ્યે પુસ્તકાલય પણ ચાલે છે. મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં સિવણવર્ગ, એમ્બ્રોડરીવર્ક ચાલે છે. આ કેન્દ્રનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ, બેલૂરના મદદનીશ સચિવ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ થયું હતું. ૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રિય યુવદિનની ઉજવણી થાય છે. ઠાકુર-મા-સ્વામીજીની તિથિપૂજાને દિવસે વિશેષ ઉત્સવ તથા શિવરાત્રી, કૃષ્ણજન્મ, રામજન્મના દિવસે સત્સંગનું આયોજન થાય છે.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.