તા. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના બહોળા ભક્ત સમુદાયને છોડી સ્વધાન પહોંચી ગયા. શ્રી શ્રીમા સારદાદેવી તે વખતે શ્રીઠાકુર પાસે હતા. શ્રીઠાકુરને મહાસમાધિસ્ત થયેલા જોઈને શ્રીશ્રીમા ભાંગી પડ્યાં. અને એક નાના બાળકની જેમ આકુળ વ્યાકુળ થઈ રડી પડ્યાં. પોતાના ઓરડામાં જઈ હિંદુ સમાજમાં પ્રચલિત રિવાજ પ્રમાણે સૌભાગ્યના ચિહ્‌નસમા ઘરેણાં ઉતારવા માંડ્યાં. તથા એક વિધવાની જેમ સફેદ સાડી પહેરવા માંડ્યાં. તે વખતે શ્રીઠાકુર શ્રીમા સમક્ષ હાજર થયા અને તેમને કહ્યું: ‘તમે વિધવાની જેમ કેમ વર્તો છો? શું હું મૃત્યુ પામ્યો છું? હું તો માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’

શ્રીમાને ઠાકુરે મહાસમાધિ લેતા પહેલાં કહેલી વાત યાદ આવી. શ્રીરામકૃષ્ણે શ્રીમાને તે વખતે કહ્યું હતું : ‘શું તમે કશું જ નહિ કરો? શું આ બધું મારે જ કરવું જોઈએ?’ સ્ત્રી સહજ લજ્જાથી શ્રીમાએ કહ્યું: ‘હું તો માત્ર સ્ત્રી છું. હું શું કરી શકું?’ પણ ઠાકુરે કહ્યું: ‘તમે ઘણું બધું કરશો.’

શ્રીરામકૃષ્ણ પોતાની માતામાં, શ્રીમામાં તથા જગજ્જનની મા કાલીમાં કાંઈ ફરક જોતા નહિ. તેમને શ્રીમાની ઉચ્ચ ભૂમિકાનો પૂર્ણ ખ્યાલ હતો. તેઓશ્રી જાણતા હતા કે શ્રીમા કોઈ સામાન્ય સંસારી જીવ નથી ને તેઓ કંઈક ચોક્કસ હેતુ પાર પાડવા જ જગતમાં આવ્યા છે. અને તેથી જ તેઓશ્રી શ્રીમાને સર્વગ્રાહી કેળવણી આપતા હતા. અને ભવિષ્યના શિષ્યોને આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા કેમ માર્ગદર્શન આપવું તેની સમજ આપતા હતા. શ્રીમાએ પણ ઠાકુરની મહાસમાધિ પછી પોતાના આધ્યાત્મિક સંતાનોને પ્રેરણા આપી સાચે માર્ગે વાળ્યા. શ્રીમા શિષ્યોને જે રીતે ઉપદેશ તથા માર્ગદર્શન આપતા તે પરથી જાણે એમ જ લાગતું કે શ્રીમા ખરેખર ઠાકુરની વાણી જ બોલતા હતા. તો આવો આપણે પણ ઠાકુરની વાતો શ્રી શ્રીમાના મુખે સાંભળીએ.

સત્ય

સત્યની બાબતમાં ઠાકુર તુલસીદાસજીનો આ દોહો કાયમ સંભળાવતા :

સત્યવચન ઔર નમ્રતા; પરસ્ત્રી માત સમાન;
ઈતને મેં હરિ ના મિલે, તુલસી જુઠ સમાન.

ઠાકુર કહેતા કે સત્યને પકડી રાખીએ તો ભગવત્‌ પ્રાપ્તિ થાય; સત્યને વળગી રહેજો, તો એથી જ ઈશ્વર પ્રાપ્તિ થશે.

આવા સત્યના આગ્રહી એવા ઠાકુર તો એટલે સુધી કહેતા કે સત્યરૂપે વિનોદમાં પણ ખોટું બોલવું સારું નહિ.

સંસારીએ શું કરવું? ઠાકુર કહે છે કે જેઓ સંસાર વહેવાર કરે, ઓફિસનું કામ કરે કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ.

કળિયુગમાં બીજી તપસ્યા તો ક્યાં થઈ શકે? મનુષ્યના આયુષ્ય ટૂંકા. તેથી ઠાકુરે કહ્યું કે કલિકાળમાં બીજી તપસ્યા કઠણ. સત્યને વળગી રહીએ તો ભગવાનને પામી શકાય. સત્ય બોલવું એ કળિયુગની તપસ્યા.

ઠાકુરની મહાસમાધિ પછી શ્રીમા ભક્તો સાથે વાતો કરી ઠાકુરનો સંદેશો ભક્તોને આપતા. સ્વામી અરૂપાનંદ તેમાંના એક અંતરંગ ભક્ત, ઠાકુરની વાતો કરતા શ્રીમાએ તેમને કહ્યું કે આ કળિયુગમાં ઈશ્વરને માત્ર દૃઢ સત્ય દ્વારા જ મેળવી શકાય. ઠાકુરના શબ્દો વાગોળતા શ્રીમાએ કહ્યું કે ઠાકુર કહેતા જે સત્યને વળગે છે તે ભગવાનના ખોળામાં સૂતો હોય છે.

સત્યનું પાલન ન થાય ત્યારે ઠાકુર બહુ નારાજ થતાં. એક વખત પંડિત વિદ્યાસાગરે દક્ષિણેશ્વર આવવાનું કહ્યું. પરંતુ ન ગયા, ઠાકુર દુ:ખી થઈ ગયા.

લજ્જા

પોતાના દેહવિલય પહેલા શ્રીમા બીમાર રહ્યા કરતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવન કથનની વિગતોની મહામૂલી ભેટ જગતને ધરનાર સ્વામી સારદાનંદ, જેને શ્રીમા શરત કહેતા, શ્રીમાને તેમની સુશ્રૂષા માટે કોલકાતા લઈ ગયા. જેવો તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો કે ભક્તો તેમનાં દર્શને આવતાં હતાં. એક વખત કેટલાંક સ્ત્રી ભક્તો શ્રીમાનાં દર્શને આવ્યાં. તેમાંની એક સ્ત્રી ભક્તે કપડાં-ઘરેણાંનો ભારે ઠઠારો કર્યો હતો. શ્રીમાએ સ્ત્રીભક્તને સ્ત્રી લજ્જાનું માહાત્મ્ય સમજાવતાં કહ્યું કે લજ્જા તો સ્ત્રીઓનું મોટામાં મોટું આભૂષણ છે.

કેરી ખાવા આવ્યા છો?

બુદ્ધિવાદીઓની એક વિશિષ્ટ ચેષ્ટા. ઈશ્વરનાં કાર્ય જાણવા માટે લાખ ફાંફા મારે. પેલી કવિતા છે ને? ‘કોઈ કહેશો કે ભગવાન કેવો હશે? કેવો હશે. શું કરતો હશે?’ ઠાકુર તેનો બહુ સુંદર જવાબ આપતા : ‘બગીચામાં ઝાડ, ઝાડમાં કેટલી ડાળીઓ, એ બધા હિસાબનું આપણે શું કામ છે? બગીચામાં આવ્યા છો તે કેરી ખાઈને જાઓ. ઈશ્વર ઉપર ભક્તિ, પ્રેમ મેળવવા માટે જ મનુષ્ય જન્મ. કેરી ખાઈને ચાલ્યા જાઓ. ઈશ્વરનું અનંત કાર્ય જાણવાની જરૂર શી?’

આવા પ્રકારની શુષ્ક ચર્ચા પ્રત્યે નારાજગી બતાવતા, શ્રીમાએ સ્વામી અરૂપાનંદને ઠાકુરના શબ્દોની યાદ દેવડાવી કહ્યું કે નકામા શબ્દો શા માટે બગાડો છો? બગીચામાં કેરી ખાવા આવ્યા છો. તમે કેરી ખાઓ અને ચાલ્યા જાઓ. ત્યાં કેટલી ડાળીઓ અને કેટલાં પાંદડાં છે, તે જાણવાની તમારે શી જરૂર છે?

કામિની કાંચન

કામિનીકાંચનનો ત્યાગ, એ શ્રીઠાકુરનો મુદ્રાલેખ. પરંતુ એમાં સંસારી ગૃહસ્થો તથા સાધુઓના તે પરત્વેના અભિગમમાં સ્પષ્ટ ભેદ સૂચવ્યો.

ભક્ત મણિ ઠાકુર સાથે વૈરાગ્ય – ત્યાગ વિશે ચર્ચા કરે છે. ઠાકુરે પૂછ્યું : ‘વૈરાગ્યનો અર્થ શું?’ ‘વૈરાગ્યનો અર્થ સંસાર પર વૈરાગ્ય અને ઈશ્વર પર અનુરાગ’, મણિએ ઉત્તર આપ્યો. ઠાકુરે તે વાતને અનુમોદન આપ્યું. પરંતુ ઉમેર્યું, ‘સંસારમાં રૂપિયાની જરૂર છે.’ અલબત્ત, ઠાકુરે એમ પણ કહ્યું હતું કે પૈસા માટે બહુ ચિંતા ન કરવી. અન્ય એક પ્રસંગે ઠાકુરે મણિને એવો પણ ઉપદેશ આપ્યો કે વધુ કમાવાનો પ્રયાસ કરવો, પરંતુ સદ્‌ ઉપાયે.

સંસારીઓને આટલી છૂટ શા માટે? પ્રખર બંગાળી સાહિત્યકાર શ્રી બંકીમબાબુએ ઠાકુરનો સત્સંગ કર્યો. તેમને કહ્યું કે સંન્યાસીએ કામિનીકાંચનને ત્યજવા જોઈએ. પરંતુ સંસાર-વહેવારી માણસને પૈસાની જરૂર છે. કારણ કે બૈરી-છોકરાં છે. તેમણે પૈસાની બચત કરવી એ જરૂરનું છે. કારણ કે બૈરા-છોકરાને ખવડાવવાનું છે.

ઠાકુર પાસે શાળામાં ભણતા છોકરાઓ પણ આવે. મોટા ભાગના માસ્ટર મહાશયના વિદ્યાર્થીઓ. ઠાકુર કહે આ બધા શુદ્ધ આત્મા. નવી દોણી જેવા, પાત્ર સારું, એમાં દૂધ નચિંતપણે રાખી શકાય. આવો એક છોકરો દ્વિજ. સોળેક વર્ષની ઉંમર. માસ્ટર મહાશય સાથે વારંવાર ઠાકુર પાસે આવે. દ્વિજના પિતાએ કોલકાતાની કોલેજમાં અભ્યાસ કરેલ. વળી, હાઈકોર્ટમાં વકીલાતની પરીક્ષા પણ પાસ કરી હતી. કોલકાતાની સોદાગર ઓફિસમાં એક મોટા અમલદાર. દ્વિજ ઠાકુર પાસે આવે તેથી તેના પિતા નારાજ. એકવાર દ્વિજના પિતા ઠાકુર પાસે આવ્યા. ઠાકુરે તેમને ધરપત આપતાં કહ્યું કે દીકરો તેમની (ઠાકુરની) પાસે જાય તેથી મનમાં કાંઈ લાવવું નહિ. કારણ તેઓ પોતે તો બીજાઓને પણ અનાસક્ત રહી સંસાર કરવાનો ઉપદેશ આપે છે; સંસાર છોડવાનું કહેતા નથી. તે પ્રસંગે ઠાકુરે માણસને માટે કેટલા બધા ઋણ છે તેની વાત કરી. પિતૃ ઋણ, દેવઋણ, ઋષિઋણ, માતૃઋણ તેમજ વળી પત્ની પ્રત્યેનું ઋણ. પત્નીનું ભરણપોષણ કરવું જોઈએ. માણસે પોતાના પરલોક ગમન બાદ પણ પત્નીના ભરણપોષણની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધા માટે દ્રવ્ય-ઉપાર્જન તો સંસારીએ કરવું જ પડે. પરંતુ તે સદ્‌ ઉપાયે. માણસ માથેના ઋણ અદા કરવા ઠાકુર ખૂબ ભાર મૂકતા. અને કોઈ પણ ભક્ત તે બાબતમાં ફરજ ચૂકતા તો ઠાકુર તેમનો ઉધડો લઈ લેતા. માસ્ટર મહાશય પોતે પણ પુત્રાદિને લઈને પિતાથી છૂટા થયા. સદ્‌ભાગ્યે પિતાશ્રીને પૈસાનો તોટો ન હતો. ઠાકુરે માસ્ટર મહાશયને ઠપકો આપતાં કહ્યું કે પિતા સદ્ધર છે. બાકી તેમને રઝળતા મૂકી છૂટા પડ્યા હોત તો તમને કહેત કે ધિક્કાર.

નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) તથા નિરંજનની બેલડી, શ્રી ઠાકુરના પ્રિય શિષ્યોમાંની જોડી. ઠાકુર કહે કે નિરંજન એકલો દેખાવે જ સરસ નહિ, સરળ પણ છે. નિરંજન નોકરી કરે. ઠાકુર કહે કે નિરંજન નોકરી કરે છે પોતાની માના ભરણપોષણ માટે. તેમાં દોષ નહીં. એટલે મનુષ્ય માથેનું ઋણ અદા કરવા દ્રવ્ય ઉપાર્જન કરવામાં આવે તો તેમાં દોષ નહિ.

બંગાળમાં તે જમાનામાં બ્રહ્મ સમાજનો સારો પ્રભાવ. ખાસ કરીને તેમાં બુદ્ધિજીવીઓ વધારે પ્રવૃત્ત. આમ તો બુદ્ધિજીવીઓ નિરાકારવાદી. પરંતુ ઠાકુરને બહુ માને. ઠાકુરની પાસે અવારનવાર આવે તથા સત્સંગ કરે. ઠાકુર પણ બ્રહ્મભક્તો પ્રત્યે ઘણું હેત રાખે. ઠાકુર તેમના અધિવેશન વગેરેમાં રસપૂર્વક હાજરી આપે. એક વખત આવું અધિવેશન બ્રહ્મ સમાજી શ્રીયુત વેણી માધવ પાલના ઉદ્યાન ગૃહમાં ભરાયું હતું. તેમાં અન્યો ઉપરાંત એક બ્રહ્મ સમાજી સબ જજ પણ હાજર. તેમણે ઠાકુર સાથે ઘણી ગોષ્ઠી કરી. ઠાકુરને તેઓશ્રીએ પૂછ્યું કે ગૃહસ્થે ક્યાં સુધી સાંસારિક કર્તવ્યો કરવા? ઠાકુરે સ્પષ્ટ કહ્યું કે ગૃહસ્થને માથે કર્તવ્ય છે જ. છોકરાઓને મોટા કરવા, સ્ત્રીનું ભરણ પોષણ કરવું, પોતાની પરલોક પ્રાપ્તિ પછી સ્ત્રીના ભરણ પોષણની વ્યવસ્થા કરી રાખવી. ઠાકુરે તો એટલા કડક શબ્દોમાં કહ્યું કે જો ગૃહસ્થ એટલું ન કરે તો તે નિર્દય અને જેનામાં દયા નથી તે માણસ જ નથી. સંતાનનું પ્રતિ પાલન ક્યાં સુધી કરવું? ઠાકુર કહે સંતાન ઉંમર-લાયક થાય ત્યાં સુધી. પત્નીના ભરણપોષણ પર પણ ઠાકુર ખૂબ ભાર મૂકતા. આ બધા ઋણ અદા કરવા માટે દ્રવ્ય ઉપાર્જન તથા દ્રવ્ય સંચય કરવો પડે.

પરંતુ ઠાકુર કહેતા કે સંન્યાસી માટે બહુ કડક નિયમ

શ્રીઠાકુરને ગળાની તકલીફ શરૂ થઈ. શરીર અસ્વસ્થ રહે. સારવાર માટે કોલકાતામાં શ્યામપુકુરના મકાનમાં રહે. ડૉ. સરકાર સારવાર માટે આવે. કહેવાય સારવાર માટે. પરંતુ કલાકો સુધી ઠાકુર સાથે ગોષ્ઠી કરે. તેમને ઠાકુરે કહ્યું કે તેમને માટે કામિનીકાંચનનો ત્યાગ નહિ. સંસારીએ ફક્ત મનથી ત્યાગ કરવાનો. પરંતુ સંન્યાસીની વાત જુદી. કામિનીનો તો ત્યાગ કરવાનો જ. એટલે સુધી કે સંન્યાસીએ સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધા ન જોવા. સંન્યાસી માટે એવા સ્થાનમાં રહેવું ઉચિત જ્યાં સ્ત્રીઓના મોઢા જોવામાં ન આવે. અને કાંચન? ઠાકુર કહે રૂપિયા સંન્યાસી માટે વિષ જેવા. રૂપિયા પાસે હોય એટલે ચિંતા, અહંકાર, શરીર સુખનો પ્રયાસ, ક્રોધ, એ બધા આવી પડે. અને રજોગુણને વધારે. રજોગુણ આવે એટલે તમોગુણ આવે જ. તેથી જ સંન્યાસીએ કાંચનને અડવું નહિ.

શ્રીઠાકુર જ્ઞાનયોગ તથા ભક્તિયોગના સમન્વયની વાતો કરતા. કહેતા કે જ્ઞાનયોગ અને ભક્તિયોગ, એ બંને માર્ગે બ્રહ્મજ્ઞાન થઈ શકે. પરંતુ દેહાત્મ ભાવના, ‘હું’ ભાવના સહેજે જાય નહિ. તેથી જ્યાં સુધી ‘હું પણું’ રહ્યું છે ત્યાં સુધી શાંત, દાસ્ય, વાત્સલ્ય, મધુરભાવ, વગેરે ભાવમાંથી ગમે તે એક ભાવ લઈને પ્રભુને સ્મરવા જોઈએ. 

પોતાના માટે તેઓ કહેતા કે તેમનો માતૃભાવ. કહે કે માતૃભાવ અતિશુદ્ધ ભાવ. જાણે કે નિર્જલા એકાદશી. તેમાં કશાય ભોગની ગંધ નહિ. પોતાના માટે તેઓ કહેતા કે તેમની નિર્જલા એકાદશી, તેવી જ રીતે તેઓ કહેતા કે સંન્યાસી માટે નિર્જલા એકાદશી. સંન્યાસી જો ભોગ રાખે તો પતનની બીક. કામિનીકાંચન ભોગ. જેમ કે થૂંકી નાખેલું પાછું ગળવું.પૈસા ટકા, માન-મરતબો, ઈંદ્રિય સુખ, એ બધા ભોગો. રમણ આઠ પ્રકારના, સ્ત્રીઓ સાથે બેસવું કે વધારે વાતચીત કરવી, એ પણ રમણ. ઠાકુર કહે આ પ્રકારનું રમણ સંન્યાસી માટે વર્જ્ય. આખરે તો સંન્યાસીનું દેહધારણ લોકોપદેશ માટે છે. તેથી સંન્યાસીને માટે સ્ત્રીભક્ત સાથે બેસવું અથવા વાતો કરવી, એ સારું નહિ. તેનાથી પોતાને પતનનો ભય. તથા તે બીજા માટે ઉપદેશ રૂપ ન થાય.

નિત્ય ગોપાલ ઠાકુરના અંતરંગ ભક્તોમાંનાએક. ઉંમર ૨૩-૨૪. હંમેશાં ભાવરાજ્યમાં રહે. ઠાકુર પાસે કાયમ આવે. તેની ભાવાવસ્થા જોઈને ઠાકુર તેના પર ખૂબ હેત દાખવે. તેની ભાવાવસ્થાને કારણે ઠાકુર તેને ‘બાળગોપાલ’ તરીકે જુએ. એક ૩૧-૩૨ વર્ષની બાઈ પણ ઠાકુરની પરમ ભક્ત. ઠાકુર પર અતિશય ભક્તિ રાખે. નિત્ય ગોપાલની અવસ્થા જોઈને આ સ્ત્રી ભક્ત પણ તેના પર ખૂબ ભાવ રાખે. તેના પર દીકરાની જેમ સ્નેહ દાખવે. નિત્ય ગોપાલને લગભગ રોજ પોતાને ઘેર લઈ જાય. ઠાકુરને ખબર પડી. તેમણે નિત્ય ગોપાલને પૂછ્યું શું તું તેને ઘેર જાય છે? બાળક સહજ સ્વભાવે નિત્ય ગોપાલે કહ્યું કે તે લઈ જાય છે. તેથી જાય છે. ઠાકુરે તરત તેને સાવધાન કરી દીધો : ‘સાધુએ બાઈ માણસથી દૂર રહેવું જોઈએ. વાત્સલ્ય ભાવમાંથી તાચ્છલ્ય થઈ જાય.’

ગૃહસ્થને માથે ઘણા ઋણ. તેથી તે દ્રવ્ય ઉપાર્જન સારા માર્ગે કરી શકે, તેમ દ્રવ્યનો સંચય પણ કરી શકે. ઠાકુર કહે સંચય કરે પંખી તથા દરવેશ. સાધુ સંન્યાસી માટે તે વર્જ્ય. આના સંદર્ભમાં ઠાકુર કહેતા કે સંન્યાસી માટે કઠણ નિયમો. તેને કામિનીકાંચનનો સંસર્ગ લેશ માત્ર રહેવો જોઈએ નહિ. સંન્યાસીએ રૂપિયા પોતાના હાથથી તો લેવા નહિ. પણ પોતાની નજીકમાંય રાખવા દેવા નહિ.

કોલકાતામાં મારવાડીઓની વસ્તી. મોટા ભાગના વેપારી. ઠાકુર પર ઘણો ભાવ રાખે. ઘણીવાર ઠાકુર પાસે દક્ષિણેશ્વર આવે ને ઠાકુરનો ઉપદેશ ગ્રહણ કરે. ઠાકુર પણ તેમના ઉત્સવમાં ભાગ લે. અને કીર્તનાનંદ માણે. લક્ષ્મી નારાયણ નામના મારવાડી પોતાની જાતને વેદાંતવાદી ગણાવે. ઠાકુરની પથારીનો મેલો ઓછાડ જોઈને કહ્યું કે હું દશ હજાર રૂપિયા ઠાકુરના નામે લખી દઉં. તેના વ્યાજમાંથી ઠાકુરની સેવા ચાલ્યા કરે. ઠાકુર તો આ વાત સાંભળીને જાણે માથા પર લાકડીનો ફટકો પડ્યો હોય તેમ બેશુદ્ધ બની ગયા. ભાનમાં આવ્યા બાદ ઠાકુરે તેમને કહ્યું કે એવી વાતો જો હવે ફરીથી બોલવી હોય તો દક્ષિણેશ્વર આવશો નહિ. ઠાકુર કહે તે મારાથી રૂપિયાને અડી શકાતું નથી. તેમ પાસેય રાખતો નથી.

પોતાની છેવટની માંદગી વખતે સારવાર માટે આવતા ડૉ. સરકારને પણ કહ્યું કે કામિનીકાંચનનો ત્યાગ ગૃહસ્થો માટે નથી. પરંતુ સંન્યાસી માટે રૂપિયા વિષ જેવા. સંન્યાસીઓએ સ્ત્રીઓનાં ચિત્રો સુદ્ધાં જોવા ન જોઈએ.

શ્રીમદ્‌ ભાગવતમાં છે કે અવધૂતે ચોવીસ ગુરુ કર્યા. મધમાખી એમાંના એક ગુરુ. મધમાખી મહેનત કરીને મધ ભેગું કરે . પણ એ મધ પોતે ન ખાઈ શકે. બીજો કોઈ આવીને મધપુડો ઉઠાવી જાય. તેથી અવધૂત એવું શીખ્યા કે સંચય કરવો નહિ. આ દૃષ્ટાંત આપી ઠાકુર કહેતા કે સાધુઓએ ઈશ્વર પર સોળેસોળ આના આધાર રાખવો જોઈએ. તેમણે સંચય કરવો નહિ. 

શ્રીમા જયરામવાટી મુકામે તેમના ઘેર હતા. એક દિવસ બીજા અંતરંગ ભક્તો સાથે વાતો કરતા હતા. શ્રીમાએ એક સંન્યાસી શિષ્ય વિશે પૃછા કરી. તેમને કહેવામાં આવ્યું કે તે સંન્યાસી શિષ્યનું હૃદય શ્રીમાને ઝંખે છે. શ્રીમાએ કહ્યું: ‘એ શું વળી? સાધુ તો સ્નેહથી પર હોવો જોઈએ. સોનાની સાંકળનું પણ બંધન ને લોઢાની સાંકળનું પણ બંધન. સાધુને કોઈ પ્રકારનો સ્નેહ ન હોવો જોઈએ.’ શ્રીમાએ કહ્યું કે આખો વખત તેમની પાસે કોઈ પુરુષ માણસ રહે તે તેમને પસંદ નથી. આમ, શ્રીમા પણ કોઈ સાધુ સ્ત્રીઓની નજીક રહે તે પસંદ ન કરતાં.

આશુ ભક્ત શ્રીમા માટે રોજ ચંદન ઘસી દે તથા તેવાં અન્ય કાર્યો કરે. તથા ઘરમાં ઉપર નીચે આવજા કરતાં. હવે શ્રીમા કુટુંબની અન્ય સ્ત્રીઓ સાથે રહે. તેથી આશુને તેમણે ઠપકો આપ્યો. આમ, શ્રીમાએ તો સંસારી ભક્તો માટે પણ સ્ત્રી-પુરુષ મર્યાદાની વાત કરી.

એક વખત શ્રીમા સમક્ષ બીમાર સાધુઓએ સંસારી-ભક્તોના ઘરમાં રહેવું કે નહિ, એ બાબતની ચર્ચા નીકળી. શ્રીમાએ પોતાની સખત નારાજગી દર્શાવી. બોલ્યા, ‘માત્ર સાધુ બીમાર છે તે કારણે શા માટે ગૃહસ્થીના ઘરમાં રહેવું જોઈએ?’ શ્રીઠાકુરની જ વાણી બોલતા હોય તેમ શ્રીમાએ કહ્યું: ‘સંન્યાસીએ તો રસ્તામાં પડેલી સ્ત્રીની લાકડાની મૂર્તિને પોતાના પગ વડે ઉથલાવીને પણ જોવી જોઈએ નહિ.’ સાધુએ પૈસાનો પણ સંચય ન કરવો જોઈએ. કાંચનથી કેટલું અનિષ્ટ થાય છે. તેનો દાખલો શ્રીમાએ આપ્યો. એક સાધુ પુરીમાં સાગર પાસે રહે. તેમની પાસે કેટલાક પૈસા હતા. શિષ્યોને આની જાણ થઈ. તેમણે સાધુને મારી નાખ્યા અને તેમના પૈસા લઈ લીધા.

(ક્રમશ:)

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.