(ગતાંકથી આગળ)

સુખદુ:ખ

દક્ષિણેશ્વરમાં સંસારી ભક્તો તથા યુવાન ભક્તો શ્રીઠાકુર પાસે આવતા. ઠાકુર તેમને ઉપદેશ આપતા. શ્રીઠાકોરભાઈ એવા એક સંસારી ભક્ત. આમ તો શ્રીઠાકોરભાઈ બ્રાહ્મણપંડિતના પુત્ર. હરિકથા કરવાનો અભ્યાસ કરે. ભગવાનને પણ સ્મરે. છતાં ક્યારેક ક્યારેક મન અશાંત થઈ જાય. ઠાકુરને તેની વાત કરી. ઠાકુરે કહ્યું કે સંસારમાં રહીએ એટલે સુખદુ:ખ તો છે જ. જરા તરા અશાંતિ પણ હોય. ઉપમા આપતા ઠાકુર કહે કે કાજળની કોટડીમાં રહેવાથી જરાક કાળાશ લાગે જ.

બીજા એક પ્રસંગે શ્રીઠાકુરે કહ્યું કે સુખદુ:ખ એ ભગવાનની લીલા, રમત. એ રમતમાં સુખદુ:ખ, પાપપુણ્ય, સારું-નરસું, જ્ઞાન અજ્ઞાન બધું છે.

તો ઈલાજ શું? ઠાકુર કહે, ‘બે હાથથી તાળી દેતા હરિ બોલ, હરિ બોલ,’ બોલતા રહો.

સ્વામી અરૂપાનંદજીએ આવો જ પ્રશ્ન શ્રીમાને પૂછ્યો, ‘જો ઈશ્વર હોય તો દુનિયામાં આટલું બધું સુખદુ:ખ શા માટે?’ શ્રીમાએ ઠાકુરની વાણીમાં જવાબ આપ્યો: આ સૃષ્ટિ જ સુખદુ:ખમય છે. જો દુ:ખ ન હોય તો મનુષ્ય સુખનો ઉપભોગ કેવી રીતે કરી શકે? એક જ સમયે બધા લોકો કેવી રીતે સુખી થઈ શકે? શ્રીમાએ એક રમુજી પ્રસંગ કહ્યો. સીતામાતાના આગ્રહથી ભગવાન શ્રીરામે તમામ નાગરિકોને માટે રાજ્યની તિજોરી ખૂલી મૂકી. લોકો સુખમાં મહાલવા લાગ્યા. એવામાં રાજમહેલમાં છતમાંથી પાણી ચૂવા લાગ્યું. સમારકામ માટે કડિયાઓને બોલાવવામાં આવ્યા. પરંતુ કોઈ કડિયા ના આવ્યા. બધા જ સુખી થઈ ગયા હતા ને? સીતામાતા તો તંગ આવી ગયા, આવા ભેજમાં કેમ રહેવાય? તેમણે રામચંદ્રજીને કહ્યું કે પહેલાં હતું તે મુજબ કરો. તેમ થતાં કડિયા મળ્યા, સમારકામ થયું, મહેલમાં પાણી ચૂતું બંધ થયું.

શ્રીમાએ કહ્યું કે સુખદુ:ખ એ બધું કાર્ય કારણ સાથે સંકળાયેલ છે. મનુષ્ય જેવું વાવે છે તેવું લણે છે.

અહૈતુકી ભક્તિ

મહિમાચરણ ચૌધરી ઠાકુરના અંતરંગ ભક્તોમાંના એક. એમ. એ. સુધી અભ્યાસ કરેલો અને સરકારી નોકરી કરે. પત્નીનો વિયોગ થતા મનની શાંતી માટે ઠાકુરના દર્શને દક્ષિણેશ્વર આવે.

અંગ્રેજી ભણેલાઓને ઠાકુર ઈંગ્લીશમેનો કહે. આ બધા ફીલોસોફીની વાતો કરે. માત્ર તર્ક અને શુષ્ક ચર્ચા. ઠાકુરને આ ન ગમે. મહિમાચરણને ઉપદેશ આપતા ઠાકુરે કહ્યું કે કેવળ તર્ક કરવાથી ભગવાનને પામી ન શકાય. તો ભગવાનને શી રીતે પ્રાપ્ત કરી શકાય? ઠાકુરે કહ્યું કે જો રાગાત્મિક ભક્તિ, શુદ્ધ ભક્તિ ને અહૈતુકી ભક્તિ આવે, અનુરાગ સહિતની ભક્તિ આવે તો ભગવાન દૂર રહી શકે નહિ. અહૈતુકી ભક્તિ કોને કહેવાય? ઠાકુર દાખલો આપે. કોઈ શેઠ, કોઈ મોટો માણસ હોય. તેની પાસે તમે રોજ અમથા મળવા જાઓ, માત્ર તેને મળવાનું ગમે તે માટે. શેઠ પૂછે તો તમે કહો કે મારે જરૂર કશાયની નથી. માત્ર આપને મળવા આવ્યો છું. શેઠની પાસે જાઓ અને કંઈ માગો નહિ તો શેઠને તમારે માટે પ્રીતિ થાય. તેવી રીતે પૈસા ટકા, માન મરતબો કશું ભગવાન પાસે ન માંગો અને ભગવાનને કહો કે ઈશ્વર હું તમને જ ઇચ્છું છું. તો તેને અહૈતુકી ભક્તિ કહેવાય.

શ્રીયુત્‌ ગિરીશચંદ્ર ઘોષ મહાન બંગાળી નાટ્યકાર. નાટકો લખે અને ભજવે. કોલકાતામાં પોતાનું થીયેટર. ઠાકુરની તેમના પર ઘણી પ્રીતિ. તેમને ઘેર જાય ને સત્સંગ કરે. વળી, તેમના થિયેટરમાં જાય અને તેમના લખેલાં, ભજવેલાં નાટકો જુએ.

શ્રી ઘોષે ઠાકુરને એકવાર કહ્યું કે મારી ઇચ્છા અહૈતુકી ભક્તિની છે. ઠાકુરે જવાબ આપ્યો કે અહૈતુકી ભક્તિ ઈશ્વર કોટિને હોય, જીવકોટિને થાય નહિ. શ્રીમાને પૂછવામાં આવ્યું કે આનો અર્થ શું? તો શ્રીમાએ જણાવ્યું કે ઈશ્વરકોટિ મનુષ્યો જેવા કે શુકદેવે પોતાની બધી જ વાસનાઓ પૂર્ણ કરેલી હોય છે. જ્યાં સુધી મનુષ્ય કાંઈ આકાંક્ષા રાખે ત્યાં સુધી તે અહૈતુકી ભક્તિ મેળવી શકે નહિ.

ઠાકુર કહે છે કે સાધારણ લોકોને જીવકોટિ કહેવાય. તેઓ સાધના કરીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. ટૂંકમાં, જીવકોટિ પણ સાધના કરી, અહૈતુકી ભક્તિ દ્વારા ઈશ્વરપ્રાપ્તિ કરી શકે.

ભગવાનનો સ્વભાવ બાળક જેવો

માણસ ૩૦-૩૦ વર્ષથી માળા ફેરવે, પણ હતો ત્યાંનો ત્યાં. કારણ? ઠાકુર કહે છે કે જરાક જેટલી પણ કામના અંદર હોય તો ભગવાનને પ્રાપ્ત કરી શકાય નહિ. અને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત થાય નહિ. ઠાકુર દૃષ્ટાંત આપે. દોરાનો તાંતણો જરાક પણ આડો હોય તો સોયના નાકામાં દોરો જાય નહિ.

આમ છતાં, ઈશ્વરની કૃપા થાય, ઈશ્વરની દયા થાય તો એક ક્ષણમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે? હજાર વરસનો અંધારો ઓરડો હોય તેમાં અચાનક કોઈ દીવો કરવામાં આવે તો એક ક્ષણમાં અજવાળું થઈ જાય. તેવી જ રીતે કોઈ ગરીબ માણસનો દીકરો કોઈ પૈસા પાત્ર માણસની નજરમાં આવી જાય અને તેને પોતાની પુત્રી પરણાવે તો ગાડી, વાડી, નોકરચાકર, ઘર-બંગલો, વગેરે મળી જાય.

ઈશ્વરની કૃપા કેવી રીતે થાય? ઠાકુર કહે ઈશ્વરનો સ્વભાવ બાળક જેવો. બાળક ખોળામાં કિંમતી રત્ન લઈને બેઠું હોય, ઘણા માણસો આવે, જાય. કેટલાય તેની પાસેથી રત્નની માંગણી કરે, પણ કહી દે, ‘ના હું નહિ આપું.’ અને છતાંય કોઈ માણસ અમસ્તો ચાલ્યો જતો હોય અને માંગે નહિ, તો પણ તેની પાછળ દોડીને પોતાની મેળે જ રત્ન આપી દે.

એકવાર વાતવાતમાં સ્વામી શ્રી અરૂપાનંદજીએ શ્રીમાને કહ્યું કે ભગવાનની કૃપા થયે ગમે ત્યારે સિદ્ધ થાય, એને સમય સાથે કંઈ લેવાદેવા નહિ. શ્રીમાએ કહ્યું કે તે વાત ખરી. પરંતુ પછી દૃષ્ટાંત આપતાં શ્રીમા કહે છે કે કેરીમાં જેઠ મહિનામાં જેવી મીઠાશ હોય તેવી બીજી કોઈ ઋતુમાં હોતી નથી. તેવું જ કોઈ વ્યક્તિ ઈશ્વરને શોધે છે. ત્યારે બને છે. આ જીવન દરમિયાન મનુષ્ય ધ્યાન ધરે, પ્રાર્થના કરે. બીજા અવતારમાં સાધનાની તીવ્રતા આવે. આમ, ઉત્તરોત્તર તીવ્રતા વધતી જાય. એમ ચાલ્યા કરે પણ ઈશ્વરની અચાનક કૃપા થાય તો શું? શ્રીમા કહે ઈશ્વરનો સ્વભાવ બાળક જેવો. જે શોધે નહિ તેને આપે, ને શોધે તેને આપે નહિ. આવું કેમ થતું હશે? શ્રીમા કહે છે કે એવા લોકો પોતાના પૂર્વજન્મમાં ઉચ્ચ પ્રકારના આત્માઓ હશે. તેથી, તેમને ઈશ્વરની કૃપા થાય છે.

કેટલીક સ્ત્રી-ભક્તો સાથે મોક્ષ વિશે વાતો થતી હતી. મોક્ષ શી રીતે મળે? શ્રીમા કહે કે એક બાળકના હાથમાં સંદેશ (એક જાતની મીઠાઈ) છે કોઈ તેની પાસેથી સંદેશનો કટકો માંગે, તો ના પાડે. પણ જ્યારે ખુશ થાય ત્યારે તેની જાતે જ આપી દે. તે જ પ્રમાણે કેટલાક મનુષ્યો જીવનભર પ્રયત્ન કરે છે, છતાંય નિષ્ફળ જાય છે; જ્યારે બીજાને મુક્તિ મળે છે. જે ક્ષણે ઈશ્વરની દયા થાય છે, તે જ ક્ષણે તે મળે છે. તેની જ કૃપા.

ટૂંકમાં, ભગવાનની પ્રાપ્તિ કૃપાસાધ્ય છે, શ્રમસાધ્ય નહિ. જન્મોજન્મના પુણ્યના સંચયને પરિણામે ભગવાનની કૃપા થાય તો મુક્તિ મળે, સિદ્ધિ મળે, તો જ ભગવાન માગ્યા વગર રત્ન આપી દે.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.