(સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

‘આજે ઘણા મહત્ત્વના વિષય ‘વેપાર ઉદ્યોગમાં નૈતિક મૂલ્યો’ એ વિશે સ્વામીજી ચર્ચા કરશે.’ મેનેજમેન્ટ કોલેજના પ્રાચાર્યે એમ.બી.એ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને સંબોધન કરવા મને બોલાવ્યો ત્યારે એમણે આ વાત વિદ્યાર્થીઓને કરી. પોતાના વક્તવ્યને અંતે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા : ‘જીવનના દરેકેદરેક ક્ષેત્રમાંથી નૈતિકતા ઘસાઈ ગઈ છે. વેપાર ઉદ્યોગ, આર્થિક લેવડદેવડનાં ક્ષેત્રો પર પણ એનો પ્રભાવ પડ્યો છે. એટલે જ આપણે વેપાર ઉદ્યોગમાં નૈતિક મૂલ્યોનું કેવી રીતે પાલન કરી શકાય એ વિશે પોતાનું પ્રબુદ્ધ વક્તવ્ય આપવા આપણે સ્વામીજીને આમંત્રણ આપ્યું છે.’

મારી દરરોજની ટેવ પ્રમાણે હું મારો વાર્તાલાપ શરૂ કરતાં પહેલાં એક વૈદિક મંત્ર ઉચ્ચારવાની તૈયારીમાં હતો. ત્યાં જ એક વિદ્યાર્થી ઊભો થયો અને કહ્યું: ‘સ્વામીજી, અમને વિશેષ રીતે નૈતિકતા વિશે કહેજો. કેટલીક બાબતો કોઈકને માટે અનૈતિક લાગે છે જ્યારે બીજા ઘણાને એ બરાબર નૈતિક પણ જણાય છે. તો નૈતિકતા એટલે શું? શું એમાં આમ કરો અને આમ ન કરો એની યાદી જ છે?’ મેં વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળીને કહ્યું: ‘હું તમને વળતા બે પ્રશ્નો પૂછીને તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એક માણસે બીજા માણસને મારી નાખ્યો. એની બધી માલમત્તા લૂંટી લીધી, શું આ નૈતિક કાર્ય ગણાય?’ બસ્સોએ બસ્સો વિદ્યાર્થીઓ એકી અવાજે બોલી ઊઠ્યા: ‘ના, આ તો અનૈતિક છે.’ વળી મેં પૂછ્યું: ‘એક બહાદુર સૈનિકે લડાઈના મેદાનમાં દુશ્મન દળના દસ સૈનિકોને મારી નાખ્યા. શું આ નૈતિક કાર્ય કહેવાય?’ વળી પાછો મેઘગર્જના જેવો અવાજ આવ્યો: ‘હા, એ નૈતિક જ ગણાય.’ વિદ્યાર્થીઓ તો બધા રાજી રાજી થઈ ગયા. એનું કારણ એ હતું કે આ તત્કાલ પ્રશ્નોત્તરીમાં તેમણે સફળતાપૂર્વક જવાબ આપ્યા હતા. એટલે મેં વળી પાછો પ્રશ્ન કર્યો : ‘બંનેએ મારી નાખવાનું કામ કર્યું છે. એકે એક જ માણસને લૂંટી લીધો અને મારી નાખ્યો. બીજાએ દસને કાપી નાખ્યા. બંનેનાં કાર્યો તો ક્રૂરતાભર્યા છે, તો પછી એક માણસને મારનારને તમે અનૈતિક માનવ ગણો છો જ્યારે દસને મારનારને તમે નૈતિક ગણો છો, એવું શા માટે?’ સભાખંડમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. એમને માટે આ જટિલ સમસ્યા હતી અને એમની વિષમ મનોવસ્થાને હું રસ અને આનંદપૂર્વક નિહાળી રહ્યો હતો. એ વખતે એક યુવતી ઊભી થઈ અને કહ્યું: ‘પ્રથમ વ્યક્તિએ લૂંટના ઈરાદાથી માણસને મારી નાખ્યો એટલે અનૈતિક ગણાય. પણ બીજાએ તો દેશનું રક્ષણ કરવા અને પોતાની પવિત્ર ફરજ નિભાવવા દસને મારી નાખ્યા, એટલે એ નૈતિક કાર્ય કહેવાય.’

આટલું તો સ્પષ્ટપણે જણાય છે કે પ્રારંભથી જ દરેક માનવસમાજમાં નૈતિકતાની ભાવના હાજરાહજૂર હોય છે. જ્યારે માનવીઓએ જૂથ રચીને કે સમાજની રચના કરીને સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે તેમને વર્તન કે સદાચારના નિયમોની આવશ્યકતાનો ખ્યાલ સ્પષ્ટપણે આવી ગયો હશે. ક્રમશ: આ વતર્ણૂકના નિયમને નૈતિકતાની સંકલ્પનામાં લોકોએ વિકસાવ્યો. ભિન્ન ભિન્ન સ્થળે વિભિન્ન માનવ સમાજે જે સદાચારના નિયમોનું અનુસરણ કર્યું તેમાંથી ઘણા એક સરખા જણાય છે. તો શું માનવની પ્રકૃતિમાં રહેલ મૂળભૂત એકતાનું આ પ્રતિબિંબ પાડે છે?

ઝારાવાનાં મૂલ્યો

આંદામાન ટાપુના આદિવાસી લોકોમાં મેં અદ્ભુત મૂલ્યોનું નિરીક્ષણ કર્યું છે. જ્યારે હું આંદામાનમાં હતો ત્યારે ઝારાવા નામની એક આદિવાસી જાતિ સદીઓથી આજના કહેવાતા આધુનિક લોકોના થતા હસ્તક્ષેપનો દૃઢતાથી સામનો કરતી હતી. આ જાતિ હવે મિત્રતાના કેટલાક સંકેતો દર્શાવવા માંડી છે. ઝારાવા આદિવાસી લોકોના વિસ્તારમાંથી એકાદ-બે વખત હું પસાર થતો હતો. એ વખતે મેં એમાંથી થોડાકને દૂરથી જોયા હતા. તેજસ્વી અને પ્રતિભાથી છલકતી આંખોવાળાં બાળકોના નિર્દોષ ચહેરાએ મને એ લોકો માટે કંઈક કરવા પ્રેર્યો. આ માટે મેં આંદામાન અને નિકોબાર ટાપુના લેફ્ટનંટ ગવર્નર આઈ.પી. ગુપ્તા સાથે વાતચીત કરી. તેઓ ઉદાર દૃષ્ટિવાળા વહીવટકાર હતા અને ‘ઝારવાનાં બાળકો માટે વનશાળા’ શરૂ કરવાની મારી યોજનાની પ્રશંસા કરી. અમારા વડામથક બેલુર મઠની ઔપચારિક મંજૂરી મેળવવા માટે એનો સંપર્ક કરતાં પહેલાં હું આ વિશે કેટલીક માહિતી મેળવવા ઇચ્છતો હતો અને અનુભવ પણ મેળવવા ઇચ્છતો હતો. શ્રી ગુપ્તા સાહેબે ત્યાંની પોલીસ સાથે રાખીને મારી મુલાકાત કરવાની વ્યવસ્થા કરી દીધી. જ્યારે આ આદિવાસી લોકોના પુરુષો શિકાર કરવા કે ખાદ્યપદાર્થો મેળવવા બહાર ગયા હોય ત્યારે તેમની મુલાકાતનો સમય પસંદ કરતા.

આ આદિવાસી લોકોના નિવાસસ્થાનમાં વૃદ્ધ સ્ત્રીઓ હતી. એમાંથી એકાદ-બે તો અતિવૃદ્ધ હતી. ઘોડિયામાં હિંચકતા અને કિશોર તરુણ સુધીનાં બાળકો પણ હતા. સૌ પ્રથમ તો અમારા માટે તેઓ સંશય સેવતા હતા એટલે જાળીની પાછળ તેઓ સંતાઈ ગયા. અમે તેમને માટે લીલાં નાળિયેર, પાકાં કેળાં, લાલ વસ્ત્રો અને અરિસા જેવી આકર્ષક ભેટસોગાદ પણ લઈ ગયા હતા. જેવી એમણે આ બધી ભેટસોગાદ જોઈ કે તેઓ મારી પાસે દોડતાં આવ્યાં.

પાંચ-છ વર્ષની નાની બાલિકાને મારા પ્રત્યે વિશેષ અભિરુચિ થઈ. મારા કાને પડેલા અવાજ પ્રમાણે તેનું નામ ‘મૂ’ હતું. અને હું એને ‘કાળો ચંદ્ર’ કહેતો. સૌ પ્રથમ તો એણે મારો હાથ સૂંઘ્યો અને પછી તેના બે નાના હાથમાં એ હાથને લીધો અને પોતાના ભરાવદાર ગાલ પર ઘસ્યો. મોટી ઉંમરના પોલીસ કોન્સ્ટેબલે મને એ બાળકીના ભાવની વાત સમજાવતાં કહ્યું કે તે તમને એમ કહેવા માગે છે કે તમે એને ગમો છો અને તે તમારી મિત્ર બનવા ઇચ્છે છે. પછી તો એણે મારા હાથને હિંચકાની જેમ આમ-તેમ હિંચોળ્યો અને એમાં એને ઘણી મજા પડી. એ સમય દરમિયાન પોલીસ લોકો ભેટસોગાદોની વહેંચણી કરવા લાગ્યા. બધાં બાળકો જીપની પાસે ખડાં થઈ ગયાં. મેં કાળાચંદ્ર નામની બાળકીને ત્યાં જઈને પોતાનો ભાગ લઈ આવવા કહ્યું. જાણે કે તે મારા હોઠના હલનચલનને વાંચવા પ્રયત્ન કરતી હોય તેમ સતતપણે મારા સામે જોયે રાખ્યું. પછી એકાએક તે જીપ તરફ દોડી ગઈ. થોડાં લીલાં નાળિયેર, કેળાંને સ્પર્શ કર્યો અને પછી તે મારી પાસે હાથ હિંચોળવા આવી ગઈ. મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેણે પસંદ કરેલી ચીજવસ્તુઓ ત્યાં છોડીને આવી છે તે કદાચ બીજા લઈ જશે; પરંતુ તેણે મારું કહ્યું કાને ન ધર્યું.

ત્યાર પછી મેં એક અદ્ભુત વસ્તુ નિહાળી : કોઈ પણ વસ્તુને ઝારાવા જાતિનું બાળક સ્પર્શે તો તે વસ્તુ એ બાળકની જ બની જાય. બીજા લોકોને ચોક્કસ ચીજવસ્તુ ન મળે તો એના માટે તેઓ ઝઘડતાં નથી કે બીજાની ચીજવસ્તુઓ લઈ લેવાનો પ્રયત્ન પણ નથી કરતા. શું આ ઝારાવા કોમના લોકો નૈતિક મૂલ્યોને વરેલા નથી?

ભિન્ન ભિન્ન સંજોગો અને એ જ કાર્ય

સામાન્ય દૃષ્ટિએ જેને અનૈતિક કે દુરાચાર ગણી શકીએ એ કાર્ય ચોક્કસ સંજોગોમાં અને એમાંયે વિશેષ કરીને બીજાનાં કલ્યાણ માટે કરેલું કાર્ય નૈતિક અને સદાચાર બની જાય છે. ખોટું બોલવું એ અનૈતિક કાર્ય છે. પરંતુ કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે આચાર્ય દ્રોણ પાંડવના સહાયક યોદ્ધાઓને સેંકડોની સંખ્યામાં હણી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ સત્યનિષ્ઠ યુધિષ્ઠિરને દ્રોણના આ આક્રમણને ખાળવા અને કેટલાય લોકોને બચાવવા અસત્ય બોલવા કહ્યું.

શ્રીરામકૃષ્ણના જીવનમાંથી પણ આવો એક અનન્ય પ્રસંગ અહીં વર્ણવી શકાય. શ્રીરામકૃષ્ણ માંદા પડ્યા હતા અને કુમારતુલી કોલકાતાના વૈદ્યરાજ ગંગાપ્રસાદ સેનને બોલાવવામાં આવ્યા. વૈદ્યરાજે દવા લખી આપી અને શ્રીરામકૃષ્ણને બધાની સાથે પાણીયે પીવાની મના કરી. શ્રીમા સારદાદેવી દરરોજ એમને ઘણું દૂધ પીવા આપતાં. એમણે ધીમે ધીમે શ્રીરામકૃષ્ણને ખ્યાલ ન આવે તે રીતે આ દૂધની માત્રા વધારી. શ્રીરામકૃષ્ણ પૂછતાં: ‘આ કેટલું દૂધ છે?’ પણ શ્રીમા આ પ્રશ્નનો ઉત્તર યુક્તિપૂર્વક ટાળતાં અને જવાબમાં મૂળપ્રશ્નની ઓળઢોળ કરી નાખતાં. ત્યારે પછી એમણે આ વાત સમજાવતાં કહ્યું હતું: ‘કોઈને ખવડાવવામાં ખોટું બોલવામાં કંઈ વાંધો નથી. આ રીતે હું એમને યુક્તિપૂર્વક ખવડાવતી.’

રામકૃષ્ણ મઠ-મિશનના તેરમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજને એક વખત કોઈકે સાધુઓ ખોટું બોલે છે કે કેમ એ વિશે પૂછ્યું. સૌના આશ્ચર્ય વચ્ચે પોતાની વિશિષ્ટ નિગૂઢ ભાવે એમણે જવાબ આપ્યો: ‘હા.’ સભાખંડમાં ઉગ્રતાપૂર્વકનો ગણગણાટ ઊઠ્યો! મહારાજશ્રીએ પોતાનો જમણો હાથ સૌને શાંત કરવા ઊંચો કર્યો અને પછી એમણે આ વાત સૌને કહી : ‘પોતાની સત્યનિષ્ઠા માટે સુખ્યાત એક સાધુ હતા. એક સાંજે તેઓ એકલા રસ્તાની બાજુએ બેઠા હતા ત્યારે એક માણસ હાંફતો હાંફતો અને વ્યગ્ર બનીને દોડતો તેમની પાસે આવ્યો. તે બોલી ઊઠ્યો: ‘સ્વામીજી, કેટલાક દુષ્ટ લોકો મારો પીછો કરી રહ્યા છે. તેઓ મને મારું ધન મેળવવા મારી નાખવા ઇચ્છે છે.’ સાધુએ તેના તરફ એક નજર કરી પણ એને બોલતો બંધ ન કરી શક્યા. એ માણસ તો ઉપડ્યો ડાબી બાજુએ થોડીક ક્ષણો પછી ઘાતકી દેખાતા લોકોનો સમૂહ હાથમાં છરા લઈને પેલા સાધુ પાસે દોડી આવ્યા અને પૂછ્યું: ‘આ રસ્તે દોડતા જતા કોઈ માણસને તમે જોયો છે?’ સાધુએ પોતાનું માથું હકારમાં ધુણાવ્યું. પેલા બરાડી ઊઠ્યા: ‘કઈ બાજુ ગયો એ?’ પેલા સાધુએ જમણી બાજુએ આંગળી ચીંધી. પેલા લુંટારા તો એ દિશામાં ભાગ્યા.

પછી સ્વામી રંગનાથાનંદજીએ સભાજનોને પૂછ્યું: ‘એ વિચિત્ર પરિસ્થિતિમાં શું સાધુએ ખોટું બોલીને ધર્મનું આચરણ કર્યું ગણાય?’ સભાગૃહમાં સાધુના અસત્ય બોલવાના કથનને સહર્ષ માન્યતા આપતો તાળીઓનો ગડગડાટ થયો. જો કે નૈતિકતા અને સદાચાર વિશે વિપુલ માત્રામાં લખાયું છે અને એને સમજાવવા માટે ઘણું ઘણું કહેવાયું પણ છે. આમ છતાં પણ લોકોને નૈતિકતા અને સદાચારની સંકલ્પનાને સમજવામાં અને આચરણમાં મૂકવામાં ઘણી મુશ્કેલી પડે છે.

એક દુર્ભાગ્યની વાર્તા

એક વખત એક યુવાન સ્ત્રી મારી પાસે આવી અને તેણે માંડ માંડ છ વર્ષના પોતાના પુત્રને અમારા અનાથાલયમાં દાખલ કરવા માટે વિનંતી કરવા લાગી. મેં છોકરાના પિતા વિશે પૂછ્યું. તેણે કહ્યું કે તે આ ટાપુ છોડીને ચાલ્યો ગયો છે. આંદામાનમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટે ટાપુ છોડીને બીજી જગ્યાએ ચાલી જતા અને કુટુંબથી વિખુટા પડી જતા ઘણા દુ:ખદ પ્રસંગો બનતા હોય છે. મેં એ છોકરાને અમારા અનાથાલયમાં દાખલ કર્યો. જતાં પહેલાં પેલી યુવતીએ ઓછામાં ઓછું મહિનામાં એક વખત એને મળવા આવશે એવું વચન પણ આપ્યું.

તેણે પોતાનું વચન પાળ્યું અને અમારા અનાથાલયની મુલાકાતે અવારનવાર આવતી રહી. થોડા મહિના પછી તે એક દક્ષિણી પુરુષની સાથે આવી. તેણીએ મને પોતાના પુત્રના પિતા તરીકે એ પુરુષનું નામ નોંધવા કહ્યું. એકાદ વર્ષ પછી વળી પાછી તે કોઈ બીજા સ્થાનિક પુરુષ સાથે આવી. આ વખતે તેણીએ પહેલાંના પુરુષને બદલે પોતાના પુત્રના પિતા તરીકે નવા આવનાર પુરુષનું નામ લખવા કહ્યું. હું કંઈ બોલ્યો નહિ. પણ મારા ચહેરાના હાવભાવ ઉપરથી તેણી એટલું પામી ગઈ કે મને એનું આ વર્તન જરાય ગમ્યું નથી.

એક દિવસ બપોર પછી તે એકલી આવી અને તેણીએ મારાં ચરણ સ્પર્શ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં તેને એમ કરવા ન દીધું અને થોડી ઉદ્ધતાઈથી ઓસરીમાં બેસી જવા કહ્યું. તેણીએ મારી કચેરી છોડી અને ઓસરીમાં નીચે બેઠી અને પછી ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી. શા માટે તે રડી પડી એની મને ખબર નથી પણ મને એના પ્રત્યે લાગણી ન થઈ અને સહાનુભૂતિ પણ ન બતાવી.

પેલી સ્ત્રી ડૂંસકા સાથે બોલવા લાગી: ‘તમે શા માટે મને તિરસ્કારો છો એ હું જાણું છું. હું એ પણ જાણું છું કે તમારા જેવા પવિત્ર સાધુ પુરુષ આવી ચારિત્ર્યહીન સ્ત્રીને કેવી રીતે સહન કરી શકે? પણ મહારાજ, મારી રામ કહાની હું તમને સંભળાવું એ માટે મને રજા આપો.’ પછી એ સ્ત્રીએ પોતાના દુર્ભાગ્યની વાત માંડીને કહી:

મારા જન્મ પછી તરત જ મારી માતા મૃત્યુ પામી. અપર માના હાથ હેઠળ હું મોટી થઈ. મારા પિતા પણ હું દસ-અગિયાર વર્ષની હતી ત્યારે મૃત્યુ પામ્યા. અમારે ખેડવા જમીન હતી પણ ખેતી કરનાર પુરુષ ન હતો. એક દિવસ જ્યારે હું શાળાએથી પાછી આવી ત્યારે મારી સાવકી માએ મને કહ્યું: ‘લગ્ન કરવા તૈયાર થઈ જા.’ મારાથી ત્રણ ગણા મોટા એક હિંદી ભાષી મજૂરને મેં જોયો. મારે બળજબરીથી એની સાથે પરણવું પડ્યું. એ માણસ ખરાબ ન હતો અને એણે મારી સાથે એવું બેહુદુ વર્તનેય નહોતું કર્યું. પણ મારી શાળાના દિવસો આથમી ગયા. એકાદ વર્ષ પછી અનાજની ભાગીદારી માટે મારી સાવકી મા સાથે એને ઝઘડો થયો. એ ઘર છોડીને ચાલ્યો ગયો. મારી સાવકી માએ મને વળી પાછી શાળાએ જવાની છૂટ આપી. થોડાક મહિના પછી શાળાએ જવાનું બંધ થયું. સાવકી માને પોતાની ખેતી માટે એક બીજો મજૂર મળી ગયો. મારે મારી સાવકી માના આદેશને માથે ચડાવવો રહ્યો. એ પુરુષ મારી સાથે આઠેક વર્ષ સુધી રહ્યો અને મારા આ પુત્રનો પિતા બન્યો. વળી એક સવારે એ પણ ચાલ્યો ગયો એની મને ખબર પડી. હવે હું મોટી થઈ ગઈ હતી અને બધું સમજતી હતી કે મારી સાવકી મા પોતાની જમીનને ખેડવા મજૂર મેળવવા મારો દુરુપયોગ કરે છે.

જ્યારે ત્રીજી વખત પોતાની જમીન માટે કામ કરે તેવો પુરુષ મળ્યો ત્યારે કોઈનેય કહ્યા વગર અને ક્યાં જવું એની કાંઈ સાનભાન વિના હું ઘરમાંથી નીકળી ગઈ. મને એક હોડી મળી ગઈ. કિનારે મારી મુલાકાત એક ભલી સ્ત્રી સાથે થઈ. તેમણે મને તમારા અને આ આશ્રમ વિશે કહ્યું. એ આશ્રમમાં મારા પુત્રને મૂકવાની મને સલાહ આપી. ત્યાર પછી પથ્થરના એક કારખાનામાં રોજિંદા મજૂર તરીકે જોડાઈ જવા કહ્યું. સ્વામીજી મહારાજ! તમે તો એક પવિત્ર પુરુષ છો. તમે ઘણી બાબતો જાણતા હશો પણ પતિના આધારવિહોણી એક સ્ત્રીની દુર્દશા અને દુ:ખપીડાને તમે નથી જાણતા. જીવનમાં ટકી રહેવા માટે પણ મારે એક વ્યક્તિ સાથે પરણવું પડ્યું. તે ડ્રાઈવર હતો અને હવે એ જ કારણે આ માણસનો મારે આશરો લેવો પડ્યો. પણ સ્વામીજી, હું તમને આટલું વચન આપું છું કે જ્યારે આ મારો દીકરો અઢાર વર્ષનો થઈ જશે અને પોતાની સારસંભાળ પોતે લેતો થઈ જશે ત્યારે હું મારું આ જીવન પૂરું કરી દઈશ. મારા વચનમાં વિશ્વાસ રાખજો, સ્વામીજી.

ડૂસકાંભર્યા અવાજે, ચોધાર આંસું વહેતી આંખે તે સ્ત્રીએ મને પ્રશ્ન પૂછ્યો : ‘સ્વામીજી, શું હું દુરાચારી કે અનૈતિક પથે ચાલનારી છું?’

હું આ પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યો. શું વાચકો એનો ઉત્તર આપી શકશે?

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.