(સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીમા સારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. રાંચી સેનોટોરિયમ ઓરાં અને મુંડા આદિવાસી લોકોનાં ગામડાંની વચ્ચે આવેલું છે. એ ગ્રામ્યજનોની અમે એક સભા યોજી. એ સભામાં એમણે નિખાલસ ભાવે અમને જે કહ્યું એનાથી અમે આશ્ચર્યમાં પડી ગયા. તેમણે એકી અવાજે કહ્યું કે છયે છ ગામના લોકો આ વિશાળ શોભાયાત્રામાં ભાગ લેશે. આ શોભાયાત્રાનો વહેલી સવારે પ્રારંભ થવાનો હતો અને આશ્રમના પ્રાંગણમાં સવારે ૧૧ વાગ્યે પૂર્ણ થવાની હતી. આ વિશિષ્ટ પ્રસંગે દરેકેદરેક ગામની ઝાંખીને વ્યક્ત કરતો ફ્લોટ પણ રહેશે.

તિથિપૂજાના દિવસે શોભાયાત્રા ટુપુદાનામાંથી શરૂ થઈ અને ૧ કિ.મી.નું અંતર કાપીને આશ્રમના પ્રાંગણમાં પહોંચી. ડુંગરી ગામની ઝાંખીના ફ્લોટમાં શ્રીમાની જેમ સફેદ સાડી પહેરીને અને પોતાના ખભા પર લાંબા વાળ ઝૂલતા રાખીને એક નાની બાલિકા હતી. આ ફ્લોટ સૌના રસ અને આકર્ષણનું કેન્દ્ર બની ગયો. તે બાલિકા એક ધકેલ ગાડી પર બેઠી હતી. એમની પાછળ કાર્ડબોર્ડ શીટ પર દોરેલ બેલૂર મઠની છબિ હતી.

આ છોકરીનું નામ આરતી કચ્છપ હતું અને તે ધો.૫માં અભ્યાસ કરતી હતી. મેં એ બાલિકાને મારી નજીકમાં મંદિરની સામે આવેલ લોન પર બેસવા કહ્યું. તે ગાડામાંથી નીચે ઊતરીને ત્યાં બેઠી. કેટલાય ભક્તજનો પણ ત્યાં બેઠા હતા, કારણ કે મંદિર તો ખીચોખીચ ભરાઈ ગયું હતું.

મેં આરતીને પૂછ્યું: ‘બેટા, તું ઘરેથી ક્યારે નીકળી?’ બાલિકાએ જવાબ આપ્યો: ‘સવારના ૭ વાગ્યે જ્યારે મોટી બહેનો (ગામડાની મોટી છોકરીઓ આ સમગ્ર શોભાયાત્રાનું નિરીક્ષણ કરતી હતી) આવી અને મને મા સારદાની જેમ શણગારી અને પછી આ ગાડા પર બેસી જવા કહ્યું.’ મેં વળી પૂછ્યું: ‘બેટા, આરતી ઘરેથી નીકળતાં પહેલાં તેં કંઈ ખાધું હતું કે નહિ?’

તેણીએ જવાબ આપ્યો: ‘ના, મેં કંઈ ખાધું નથી.’ સવારમાં થોડોઘણોય નાસ્તો કર્યા વિના આ નાની બાલિકા આટલા લાંબા સમયથી ગાડામાં બેઠી હતી એ જાણીને મેં તરત જ એક મોટી છોકરીને મંદિરમાંથી થોડો પ્રસાદ લાવવા કહ્યું. જ્યારે મેં એને પ્રસાદ આપ્યો ત્યારે તેણે એ પ્રસાદને પોતાના નાના હાથોમાં ગ્રહણ કર્યો પણ એ પ્રસાદ આરોગ્યો નહિ. મેં આશ્ચર્ય સાથે કહ્યું: ‘આરતી, લઈ લે. અરે! તેં તો આ જ વહેલી સવારથી કંઈ લીધું જ નથી, હવે તો લઈ લે!’

મારા આશ્ચર્ય સાથે આરતીએ એ પ્રસાદ ખાવાનો ઈન્કાર કર્યો. મેં એને પૂછ્યું: ‘બેટા, શા માટે તું આ પ્રસાદ લેવા ઇચ્છતી નથી?’ તે બાલિકાએ પાઠવેલો જવાબ સાંભળીને મારા અને બીજા બધાનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. બાલિકાએ કહ્યું: ‘મારી માતાએ મને કંઈ ન ખાવા માટે સૂચના આપી છે.’ હું તો દિઙ્મૂઢ થઈ ગયો. હું એ બાલિકાની માતાને પણ જાણતો હતો. તે એક ગરીબ આદિવાસી સ્ત્રી હતી. ટૂંકી આવકમાં ઘરનો અને ત્રણ બાળકોનો નિર્વાહ કરતી હતી. તે ચોખામાંથી હડિયા નામનું પીણું તૈયાર કરીને વેંચતી. મેં આરતીને પૂછ્યું: ‘તારી માતાએ તને અહીં પ્રસાદ લેવાની ના કેવી રીતે પાડી?’ મેં જ્યારે વારંવાર એને આ વિશે પૂછ્યું એટલે આરતીએ થોડું ખચકાઈને કહ્યું: ‘મારી માએ મને કહ્યું છે, જો બેટા આરતી! તેં આજે શ્રીમા સારદાદેવીનો સ્વાંગ ધારણ કર્યો છે. એટલે આખા ડુંગરી ગામના લોકોને જ્યાં સુધી ભોજન પ્રસાદ ન મળી રહે ત્યાં સુધી તારે કોઈ ભોજન લેવું ન જોઈએ. એનું કારણ એ છે કે શ્રીમા સારદાદેવી બધા ભક્તોને જમાડીને પોતે છેલ્લે જમતાં.’

આ સાંભળીને મારી આંખમાં આંસું આવ્યાં. ચોખામાંથી હડિયા નામનું કેફી પીણું બનાવીને બજારમાં વેંચતી હતી. એવી આ નારીએ જુઓ તો ખરા! કેવા ઉત્તમ સંસ્કારોનું આપણી સામે ઉદાહરણ રજૂ કર્યું છે! એ નારીએ શ્રીમા સારદાદેવીના મર્મરૂપ ગુણને પોતાના જીવનમાં પ્રતિબિંબિત કર્યો છે. અને પોતે જે માના મર્મને સમજી છે એ રીતે, તે પોતાની બાળકીના જીવનને વાળવાનો પ્રયત્ન કરી રહી છે. જો લોકો શ્રીમાનાં જીવન-સંદેશના એકાદ અંશને પણ અનુસરે તો આપણો સમાજ કેટલો સારો અને ભદ્ર બની જાય! શ્રીમા સારદાદેવી સૌને એવી પ્રેરણા આપો.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.