(સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ ઈન ધ રામાયણ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

રામાયણને આદિકાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે. આ સંસ્કૃત રામાયણના રચયિતા ઋષિ વાલ્મીકિને આદિ કવિ કહેવાય છે. રામાયણની મહત્તા એ પ્રથમ સંસ્કૃત કાવ્યગ્રંથ છે એટલા માટે જ નથી પરંતુ તે એક ઇતિહાસ કાવ્ય પણ છે. સનાતન ધર્મ એટલે કે સાચા ધર્મસદાચરણના શાશ્વત નિયમોનું જ્ઞાન સમગ્ર વિશ્વના લોકોને આપવા વાલ્મીકિએ આ મહાકાવ્યની રચના કરી હતી. આ માટે એમણે રામના ઉદાત્ત જીવન અને બીજી મહાન વ્યક્તિમત્તાઓનાં જીવનનાં ઉદાહરણોનો આશરો લીધો છે. રામ એ આપણા એક સુખ્યાત ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ, પ્રજાપ્રિય રાજા હતા.

આ સંસ્કૃત પંક્તિમાં ધર્મનો વિસ્તૃત અને ગહન અર્થ સમાયેલો છે :

ધારણાત્ ધર્મ ઈતિ આહુ:, સત્યે ધર્મ પ્રતિષ્ઠિત:, ધર્મો ધારયતે પ્રજા:।

ધર્મ એટલે ધારણા, કોઈ પણ સત્કાર્યની આધારભૂમિકાને એના દ્વારા પુષ્ટી મળે છે. ધર્મ સત્યમાં પ્રતિષ્ઠિત થાય છે, વળી એ ધર્મથી અભિન્ન છે અને એ જ સમગ્ર વિશ્વનો મુખ્ય આધાર છે; તે અસ્તિત્વનો એક નિયમ છે.

શ્રી શંકરાચાર્ય ધર્મની વ્યાખ્યા આ શબ્દોમાં કરે છે:

પ્રાણિનાં સાક્ષાત્ અભ્યુદય નિ:શ્રેયસ હેતુ: ય: સ ધર્મ: ।

ધર્મ એટલે એવો સદાચારનો નિયમ કે જેના દ્વારા કોઈ પણ માણસ આ ભૌતિક જગતની સમૃદ્ધિ સાથે પોતાના અંતિમ ધ્યેય મોક્ષની પ્રાપ્તિ કરી શકે. જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલ ધર્મના સનાતન સદાચારી જીવનનું ઉદાત્ત ઉદાહરણ શ્રીરામના પાત્ર દ્વારા રામાયણ આપણી સમક્ષ મૂકે છે. રામાયણ પછી મહાભારત આવે છે. વેદવ્યાસે રચેલ મહાભારત મહાકાવ્યને પાંચમો વેદ ગણવામાં આવે છે. આ બંને મહાકાવ્યો-જેને શબ્દદેહના બે શ્રેષ્ઠ આરસા કહ્યા છે તેમાં સનાતન ધર્મની ભૂમિકા પર રચાયેલ ભારતીય સંસ્કૃતિનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે છે. વ્યાસ પોતાના મહાકાવ્ય ગ્રંથ મહાભારતમાં ધર્મનાં વિવિધ પાસાંનો હૂબહૂ ચિતાર વિગતે આપે છે.

ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આ ચાર પુરુષાર્થ નક્કી કર્યા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મોક્ષને પરમપુરુષાર્થ એટલે કે માનવજીવનનું સર્વોત્કૃષ્ટ ધ્યેય કહ્યો છે. વળી અર્થ, કામ અને મોક્ષ આ ત્રણેય ધ્યેયને પ્રાપ્ત કરવા માટેનું પાયાનું સાધન તો ધર્મ છે. એટલે જ આપણા ઋષિઓએ આ ચાર પુરુષાર્થમાં ધર્મને સર્વપ્રથમ અને સૌથી વધારે અગત્યનું સ્થાન આપ્યું છે. એ આધ્યાત્મિકતા અને સદાચારનો પથ છે. એના દ્વારા ભૌતિક સમૃદ્ધિ અને સુખ, અર્થ અને કામ પ્રાપ્ત થાય છે. અંતે ધર્મના પાલન દ્વારા જ આપણા અંતિમ ધ્યેય મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. પરંતુ આ વિશ્વમાં મોટા ભાગના માનવીઓ પોતાના અજ્ઞાનને લીધે આ પ્રથમ અને અંતિમ ધ્યેયને ભૂલી જાય છે અને આ દુન્યવી સુખાનંદ પ્રાપ્ત કરવા માટેની આંધળી દોટ મૂકે છે; તે પણ અધર્મપૂર્વકના એટલે સદાચારવિહોણા સાધનોથી. એના પરિણામે માનવી પોતાના સમગ્ર જીવનમાં દુ:ખપીડા ભોગવતો રહે છે. અધર્મનું અનિવાર્ય ફળ દુ:ખપીડા જ છે. લોકોની આવી કફોડી હાલત જોઈને હતાશ હૃદયે વ્યાસજી જાણે કે બૂમો પાડીને કહે છે :

ઊર્ધ્વબાહુર્વિરૌમ્યેષ: ન કશ્ચિત્ શ્રૃણોતિ મે ।
ધર્માદર્થશ્ચ કામશ્ચ સ કિમર્થં ન સેવ્યતે ॥

લોકો જેની મોટી કામના સેવે છે તે અર્થ અને કામની પ્રાપ્તિ ધર્મથી કરી શકાય છે. તો પછી તેઓ શા માટે ધર્મનું અનુસરણ કરતા નથી? અરે ભાઈ, હું તો હાથ ઊંચા કરી કરીને બરાડું છું પણ કોઈ મને સાંભળતું નથી. એટલે જ શાણા લોકોએ આ ઐહિક સુખસમૃદ્ધિ સાથે મોક્ષ મેળવવા માટે ધર્મનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ભગવાન મનુ કહે છે કે તે પ્રમાણે ધર્મ દસ સદ્‌ગુણોનો બનેલો છે. મનુસ્મૃતિમાં તેનું વર્ણન કરતાં તેઓ કહે છે :

ધૃતિ: ક્ષમા દમોઽસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહ: ।
ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મલક્ષણમ્ ॥

ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, વિવેક, શાણપણ, સત્યનિષ્ઠા, નિષ્ક્રોધ – ધર્મનાં આ દશ લક્ષણો છે. વેદ વ્યાસ એમાં એક વધુ અને સૌથી ઉત્કૃષ્ટ લક્ષણ ઊમેરે છે અને એ છે અહિંસા. આ દશ અને વ્યાસજીએ ઉમેરલ લક્ષણથી ચારિત્ર્યની આધાર ભૂમિકા બને તેવા ચાર મુખ્ય પાયાના સદ્‌ગુણોને સુદૃઢ કરે છે.

અહિંસા સત્યમક્રોધો દાનમેતચ્ચતુર્વિધમ્ ।
અજાતશત્રો સેવસ્ય એષ ધર્મ: સનાતન: ॥

આ સદ્‌ગુણો ધરાવનાર વ્યક્તિ ધર્મનિષ્ઠ કહેવાય છે. એટલે કે એ વ્યક્તિમાં ધર્મ પ્રસ્થાપિત થયો છે. વ્યાસજી ધર્મની આ સર્વોત્કૃષ્ટ મહત્તાની વાત મહાભારતમાં આ શબ્દોમાં કરે છે :

ન જાતુ કામાન્ન ભયાન્ન લોભાદ્ધર્મં ત્યજેજ્જીવિત સ્યાપિ હેતો: । ધર્મો નિત્ય: સુખદુ:ખે ત્વનિત્યે જીવો નિત્યો હેતુરસ્ય ત્વનિત્ય: ॥ (મ.ભા.ઉ.૩૯.૧૨.૧૩)

કામ, ભય કે ક્રોધથી કોઈ પણ વ્યક્તિએ ધર્મના પથથી ચલિત ન થવું જોઈએ. અરે! પોતાના જીવને બચાવવા માટે પણ ધર્મને ત્યજી ન દેવો જોઈએ. એનું કારણ એ છે કે ધર્મ સનાતન છે અને દુનિયાનાં સુખ-આનંદ કે દુ:ખપીડા ક્ષણજીવી છે. જીવ નિત્ય છે, પણ એને ધારણ કરનાર દેહ અનિત્ય છે.

મનુ, વાલ્મીકિ અને વ્યાસજીની દૃષ્ટિએ આદર્શ માનવ ધર્મમાં પ્રતિષ્ઠિત હોવો જોઈએ. એટલે કે તે સદ્‌ગુણોથી ભારોભાર ભરેલો હોવો જોઈએ. તેવો માનવ પોતાનું જીવન ભયમાં આવી પડે તો પણ ધર્મને ત્યજતો નથી. મહાકવિ વાલ્મીકિને ધર્મનો સર્વોત્કૃષ્ટ આદર્શ શ્રીરામના ચારિત્ર્યમાંથી મળ્યો અને એટલે જ એમણે અયોધ્યાના રાજા રામના જીવનની કથા દ્વારા ધર્મને પ્રકાશમાં લાવવા રામાયણ નામના આદિ કાવ્યની રચના કરી.

વાલ્મીકિની દૃષ્ટિએ શ્રીરામ ધર્મનું મૂર્તિમંત રૂપ હતા. એના માટે તેઓ પોતાના આ સમગ્ર મહાકાવ્યમાં જુદા જુદા શબ્દો દ્વારા ધર્મનો સંકેત કરે છે રામો વિગ્રહવાન્ ધર્મ: એટલે કે રામ ધર્મનું મૂર્તિમંત રૂપ છે; સત્યધર્મ પરાયણ: રામ સત્ય અને ધર્મપરાયણ છે. ધર્મભૃતાં વરિષ્ઠ: રામ ધર્મની રક્ષા કરનારાઓમાં વરિષ્ઠ છે; ધર્મે પ્રતિષ્ઠિત: રામ ધર્મમાં પ્રતિષ્ઠિત થયા છે; વગેરે.

મહાકવિ વાલ્મીકિના પગલે પગલે ચાલીને બીજા કેટલાય કવિઓએ સંસ્કૃતમાં અને બીજી ભારતીય ભાષાઓમાં રામાયણની સંરચના કરી છે. કેટલાક કવિઓએ નાટકો લખ્યા છે, કેટલાકે ચંપુ, તો વળી કેટલાકે રામના જીવનને સામે રાખીને મહાકાવ્યની રચના પણ કરી છે. આ બધી કૃતિઓમાં આપણે રામને ધર્મના સર્વોત્કૃષ્ટ આદર્શને રજુ કરતા, પુરુષોત્તમ રૂપે અને સત્ય તેમજ ધર્મને મક્કમતાથી વળગી રહેનાર મહામાનવ તરીકે જોઈએ છીએ.

સત્ય અને ધર્મનું મૂર્તિમંત રૂપ શ્રીરામ

મહર્ષિ વાલ્મીકિની દૃષ્ટિએ રામનું દરેકેદરેક કાર્ય સત્ય અને ધર્મપરાયણતા પર આધારિત રહેતું હતું. આ વાતની પ્રતીતિ કરાવવા શ્રીરામના જીવનના વિવિધ પ્રસંગો એમણે આ મહાગ્રંથમાં વર્ણવ્યા છે. શ્રીરામ કોઈ પણ કાર્યની ગુણવત્તા કે દરેક શિષ્ટ આચારને ધર્મના માપદંડથી માપતા.

ધર્મો હિ પરમો લોકે ધર્મે સત્યં પ્રતિષ્ઠિતમ્ ।

‘ધર્મ જ આ વિશ્વમાં સર્વોચ્ચ તત્ત્વ છે. અને સત્ય ધર્મની આધારભૂમિકા પર રહેલું છે.’ આ હતો શ્રીરામનો આદર્શ. જ્યારે માતા કૈકેયીએ દશરથ પાસે માગેલ વરદાનને લીધે રામને અયોધ્યાનું રાજ છોડીને ૧૪ વર્ષ સુધી વનવાસ જવાનો આદેશ મળ્યો ત્યારે તેમણે આ આદેશ અને અન્ય સૂચનાઓને એક ફરજમંદ અને આજ્ઞાંકિત પુત્ર તરીકે સ્વીકારી લીધાં. જ્યારે કૈકેયીએ તેમને આ ત્વરાથી પતાવવાનું કહ્યું ત્યારે રામ એમને (૨.૧૯.૨૦માં) આમ કહે છે :

નાહમર્થપરો દેવિ લોકમાવસ્તુમુત્સહે ।
વિદ્ધિ મામૃષિભિસ્તુલ્યં કેવલં ધર્મમાસ્થિતમ્ ॥

‘હે મા, હું આ રાજ્યમાં હવે રહેવા ઇચ્છતો નથી, કારણ કે મને હવે આ દુન્યવી સુખાનંદની કોઈ આસક્તિ નથી. મને તમે સંપૂર્ણપણે ધર્મને વરેલ વનવાસી ઋષિ જેવો જ ગણજો.’ પોતાની આવી ધર્મનિષ્ઠાની વાત આટલી ધીરતા અને આત્મશ્રદ્ધાથી રામ સિવાય બીજું કોણ કહી શકે?

શ્રીરામ પોતાનાં માતા કૌશલ્યા પાસે વનવાસમાં જવા માટે રજા લેવા જાય છે ત્યારે કૌશલ્યા પણ એમને અયોધ્યા ન છોડવા વિનવે છે. આ માટે તેઓ એક પુત્રની માતા પ્રત્યેની ફરજભાવના કે માતા પ્રત્યેના ધર્મની વાત (૨.૨૧.૨૩માં) કરે છે :

ધર્મજ્ઞ યદિ ધર્મિષ્ઠો ધર્મં ચરિતુમિચ્છસિ ।
શુશ્રૂષા મામિહસ્થસ્ત્વં ચર ધર્મમનુત્તમમ્ ॥

‘હે ધર્મજ્ઞ, જો તમે ખરેખર ધર્મમાં પ્રતિષ્ઠિત થયા હો તો ધર્મ પ્રમાણે અહીં રહીને મારી સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે પોતાની માતાની સેવા કરતાં બીજો કોઈ ચડિયાતો અને પવિત્ર ધર્મ પુત્ર માટે હોતો નથી.’ કૌશલ્યાએ એમ ધાર્યું હતું કે તે ઉપર્યુક્ત શ્લોકમાં ધર્મનો એક વાક્યમાં ચાર વખત ઉપયોગ કરીને રામના મનનું પરિવર્તન કરી શકશે. પરંતુ, ખરેખર હૃદયને સ્પર્શી જતી પોતાની માતાની આ વિનંતીથી રામ તો અટલ-અચલ રહ્યા. એમણે પોતાનાં માતા કૌશલ્યાને આ પ્રસંગે (૨.૧૧.૧૬માં) આપેલ પ્રત્યુત્તર ખરેખર અત્યંત સૂચક અને મહત્ત્વનો છે :

નાહ ધર્મંમપૂર્વં તે પ્રતિકૂલં પ્રવર્તયે ।
પૂર્વૈરયમભિપ્રેતો ગતો માર્ગોઽનુગમ્યતે ॥

‘હે મા, તમારી ઇચ્છાને અવગણીને હું ધર્મવિરુદ્ધ કાર્ય કરતો નથી. હું પણ મારા પૂર્વજોએ જે ધર્મપથ કોતર્યો છે એ પથને અનુસરું છું.’ જ્યારે રામ સમક્ષ ધર્મપથે ચાલવાના વધુ વિકલ્પ આવ્યા ત્યારે અહીં રામ ચોક્કસ ધર્મપથે દૃઢતાથી ચાલવા માટે પોતાના દૃઢ મતાભિપ્રાયનો જ ઉપયોગ કરે છે. મહાભારતમાં વેદવ્યાસ ધર્મ વિશે આમ કહે છે :

ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં ।
મહાજનો યેન ગત: સ પન્થા: ॥

‘ધર્મના પથને સુનિશ્ચિત કરવો એ અત્યંત દુષ્કર કાર્ય છે એ વાત સાચી છે. કારણ કે એ તો આપણા હૃદયની ગહનગુહામાં છુપાયેલ છે. એટલે જ પોતાના શાણા પૂર્વજો જે પથે ચાલ્યા હોય તેનું શાણાએ અનુસરણ કરવું જોઈએ.’ રામની દૃષ્ટિએ જેના પર ધર્મ સ્થિર-સ્થિત રહે છે એવું સત્ય જ પાયાનો સિદ્ધાંત છે. પિતા દશરથ રાજાએ કૈકેયીને બે વરદાન આપીને એની બે ઇચ્છાઓ પૂરી કરી. એમાંનું એક વચન રામને વનવાસ એટલે રામને પોતાના પિતાના વચનને સત્ય કરવા માટે વનમાં જવું જ પડે તેમ હતું. એટલે જ પોતાની માતા પ્રત્યેની ફરજનિષ્ઠા કરતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું એમણે વધારે પસંદ કર્યું.

જ્યારે લક્ષ્મણે રામના વનવાસના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ખૂબ ઉશ્કેરાઈ ગયા. એ વખતે શ્રીરામ પોતાના ક્રોધે ભરાયેલા નાના ભાઈને ધર્મની ગહનતા અને પવિત્રતાની યાદ અપાવીને શાંત કરે છે. રામે ઉપદેશેલ ધર્મથી મનમાં ખાતરી થતાં લક્ષ્મણે પણ રામની સાથે વનવાસ જવાનું નક્કી કરે છે.

જ્યારે શ્રીરામ દંડકારણ્યમાં એક પર્ણકુટિમાં સાધુ-જીવન જીવતા હતા ત્યારે સીતા શ્રીરામને ઔચિત્યપૂર્ણ અને માનભાવ સાથે આવો પ્રશ્ન પૂછે છે : ‘મહારાજ, તમે સત્ય અને ધર્મપરાયણતાને ચુસ્તપણે વરેલા છો. અહીં તમે એક મુનિનું જીવન જીવો છો. તો પછી તમારા હાથમાં આ હિંસક શસ્ત્રો રહે છે એ શું યોગ્ય છે ખરું?’

શ્રીરામ એનો ઉત્તર આપતાં કહે છે : ‘મેં ઋષિઓને વચન આપ્યું છે કે હું એમના યજ્ઞની રક્ષા કરીશ અને બધા રાક્ષસોને હણી નાખીશ. એટલે હવે મારે મારું વચન તો પાળવું જ રહ્યું. એટલા માટે હું આ શસ્ત્રો ધારણ કરું છું. સત્ય અને ધર્મ સમાંતર રીતે ચાલતાં રહેવાં જોઈએ.’

આ સાંભળીને સીતાએ (૩.૯.૭માં) કહ્યું:

ધર્મિષ્ઠ: સત્યસન્ધશ્ચ પિતુર્નિર્દેશકારક: ।
ત્વયિ સત્યં ચ ધર્મશ્ચ ત્વયિ સર્વં પ્રતિષ્ઠિતમ્ ॥

‘જે રામ પોતાના પિતાના વચનનું પૂર્ણ પણે પાલન કરે છે તે રામ સંપૂર્ણપણે ધર્મપરાયણ અને સત્યનિષ્ઠ છે. માત્ર એટલું જ નહીં પણ સત્ય અને ધર્મ રામમાં પ્રતિષ્ઠિત થયાં છે.’ સીતાનું આ રામ વિશેનું આકલન રામનાં મન-વચન અને કર્મ દ્વારા પ્રમાણિત થતું જોઈ શકાય છે. આ જ ભૂમિકા પર રામ વાનરોના રાજા વાલીના વધને ન્યાયી ગણાવે છે. ક્ષાત્રધર્મ માટે રામના ચારિત્ર્યની ઉદાત્તતા અને એની દૃઢતા રાવણ સાથેના સામસામેના વ્યક્તિગત યુદ્ધમાં સૌથી વધુ પ્રમાણમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જ્યારે રાવણ યુદ્ધમાં ભયંકર રીતે ઘવાય છે અને થાકી-હારી જાય છે ત્યારે રામ તેમને પોતાની મનની ઉદારતા બતાવતું સંબોધન (૬.૫૯. ૧૪૩માં) કરે છે :

ગચ્છાનુજાનામિ રણાર્દિતસ્ત્વં ।
પ્રવિશ્ય નક્તંચરરાજ લંકામ્ ॥
આશ્વાસ્ય નિર્યાહિ રથી ચ ધન્વી ।
તદા બલં દ્રક્ષ્યસિ મે રથસ્થ: ॥

હે રાક્ષસરાજ, તમે ઘણા નિર્બળ બની ગયા છો અને યુદ્ધમાં મારી સાથે લડી શકો તેમ નથી. એટલે લંકામાં પાછા ફરો. તાજામાજા થાઓ અને પછી પાછા પૂરેપૂરા સાધનસજ્જ થઈને પ્રબળ શક્તિ સાથે મારી સામે લડવા આવો. પછી જ તમે મારી શક્તિને જોઈ શકશો. રામે રાવણને યુદ્ધમેદાનમાં એ જ વખતે સરળતાથી હણી નાખ્યો હોત, પણ એમણે એમ ન કર્યું. એમણે તો પોતાનો ક્ષાત્રધર્મ નિભાવ્યો. મનુસ્મૃતિ પ્રમાણે જ્યારે દુશ્મન નિર્બળ બની ગયો કે નિ:શસ્ત્ર અવસ્થામાં હોય ત્યારે ક્ષત્રિય એની હત્યા કરે તો તે અધર્માચરણ કહેવાય. રામે લક્ષ્મણને કહેલા આ શબ્દોમાં અધર્મ પ્રત્યેનો પોતાનો અણગમો (૨.૯૭.૭) વ્યક્ત કરતાં આ શબ્દોમાં કહ્યું છે :

નેયં મમ મહી સૌમ્ય દુર્લભા સાગરામ્બરા ।
ન હીચ્છેયમધર્મેણ શક્રત્વમપિ લક્ષ્મણ ॥

‘હે વત્સ, લક્ષ્મણ! જો હું ઇચ્છું તો સાગરોથી ઘેરાયેલી આ સમગ્ર ધરતીને ન મેળવી શકું એવું નથી. પણ એ બધું અને સ્વર્ગનું રાજ્ય પણ હું અધર્મના આચરણનાં સાધનોથી મેળવવા માગતો નથી.’ ઋષિ વાલ્મીકિ પોતાના મહાકાવ્ય ગ્રંથ દ્વારા રામના જીવનનું ઉદાહરણ આપીને આપણને સમજાવે છે કે ત્યાગ અને વૈરાગ્ય એ ધર્મમાં પૂર્ણપણે પ્રસ્થાપિત થવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. સ્વાર્થ ભાવનાવાળા હેતુઓને ત્યજ્યા સિવાય જીવનમાં કંઈ ઉચ્ચતર તત્ત્વ પ્રાપ્ત કરી શકાતું નથી. ધર્મના મૂલ્યમાં પોતાની જાતને પૂર્ણપણે પ્રસ્થાપિત કરવા; પૂર્ણ બનાવવા; તથા બીજાને એનો સાચો બોધપાઠ આપવા રામને રાજા તરીકેનાં બધાં સુખાનંદ છોડવાં પડ્યાં હતાં તેમજ એક વનવાસી તપસ્વી જેવું કઠોર જીવન ગાળવું પડ્યું હતું. ત્યાગ-ભાવના વિના દુનિયાના કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ માટેની આસક્તિ સાથે કરેલું કાર્ય હંમેશાં દુ:ખને જ નોતરે છે. સીતાને સોનાનું હરણું મેળવવાની ઇચ્છા થાય અને રામ એ હરણને પકડવા પ્રયત્ન કરે એ ઘટના આપણને આ વાતનો બોધપાઠ આપે છે. આવા અવાસ્તવિક સુવર્ણ મૃગની લાલસા કરવાની નિર્બળતાને કારણે સીતાએ પોતાના જીવનમાં ઘણું ઘણું સહન કરવું પડ્યું. વાલ્મીકિ ઉપર્યુક્ત સદ્‌ગુણોની મહત્તા પોતાના રામાયણનાં વિવિધ પાત્રો દ્વારા વર્ણવે છે. લક્ષ્મણ, ભરત, હનુમાન આ ધર્મપરાયણતાના અને નિષ્ઠાનાં નોંધનીય ઉદાહરણ છે. હનુમાનના પાત્ર દ્વારા સર્વ-સમર્પણભાવ, હિંમત-સાહસ, શક્તિ અને પોતાના સ્વામી શ્રીરામ પ્રત્યેની પરમ સેવાનિષ્ઠાનું સર્વોત્તમ ઉદાહરણ છે. બીજી બાજુએ સર્વસમર્પણભાવે પ્રભુ સેવા, કઠોર તપશ્ચર્યા, પરમ વિદ્યા ઉપાસના, સાહસ-હિંમત અને શૌર્ય હોવા છતાં પણ રાવણે રામના હાથે હારવું પડ્યું અને મરવું પડ્યું. રાવણ પોતાનાં અસંયત લાલસા, આસક્તિ, લોભ, ક્રોધનો જ ભોગ બન્યો. એવી જ રીતે વાનરોના રાજા વાલીએ પણ પોતાના અધર્મપૂર્વકના આચરણને લીધે દયનીય રીતે મૃત્યુને વરવું પડે છે.

રામાયણનો સંદેશ

તાકાત, શૌર્ય, વિદ્યા અને બીજા ઘણા ગુણોનું ધર્મ દ્વારા સંશોધન ન થાય તો અંતે નિષ્ફળ જાય છે. સત્યની આધારભૂમિકા પર રહેલો ધર્મ અને ત્યાગ એ જ જીવનની સફળતાનો માર્ગ છે. આ સંદેશ મહર્ષિ વાલ્મીકિએ પોતાના મહાકાવ્યનાં જુદાં જુદાં પાત્રો દ્વારા આપણને સંભળાવ્યો છે. વાલ્મીકિ પોતે જ અહીં આપેલી કાવ્ય પંક્તિ (૩.૯.૩૦, ૨.૧૦૯.૧૩) દ્વારા આ વાતને સ્પષ્ટ કરે છે.

ધર્માદર્થ: પ્રભવતે ધર્માત્ પ્રભવતે સુખમ્ ।
ધર્મેણ લભતે સર્વં ધર્મસારમિદં જગત્ ॥

‘ધર્મથી અર્થપ્રાપ્તિ થાય છે. ધર્મ જ સુખાનંદનું મૂલસ્રોત છે. ધર્મ દ્વારા જ આપણે સર્વકંઈ પ્રાપ્ત કરી શકીએ છીએ. ધર્મ જ વિશ્વનું સારભૂત તત્ત્વ છે.’

સત્યમેવેશ્વરો લોકે સત્યે પદ્મા પ્રતિષ્ઠિતા ।
સત્યમૂલાનિ સર્વાણિ સત્યાન્નાસ્તિ પરં પદમ્ ॥

‘સત્ય જ સમગ્ર વિશ્વનું નિયંતા છે. સત્યમાં જ સમૃદ્ધિ અર્પનારી મા લક્ષ્મી વસે છે. સત્ય બધાં સુખોનું મૂળ છે. સત્ય સિવાય બીજું કોઈ ઉચ્ચતર નિવાસસ્થાન નથી.’

રામના પાત્ર દ્વારા એમનામાં મૂર્તિમંત બનેલ સત્ય અને ધર્મ નામના બે મહાન સદ્‌ગુણોનું સર્વોત્કૃષ્ટ રીતે અને સુંદર મજાની રજૂઆતવાળું મહાકાવ્ય એટલે રામાયણ. આમાં રામનું પાત્ર મુખ્ય અને કેન્દ્રવર્તી પાત્ર છે. રામાયણની રચના કરનારા બીજા કવિઓએ પણ રામને ઈશ્વરના અવતારરૂપ અને સત્ય તથા ધર્મના પૂર્ણ પ્રગટીકરણ કરતા પાત્ર રૂપે વર્ણવ્યા છે. પરંતુ વાલ્મીકિ ઋષિના શબ્દોમાં કહીએ તો રામ પુરુષોત્તમ છે, રામ સત્ય-ધર્મપરાયણતા-ત્યાગ અને બીજા બધા સદ્‌ગુણોનું મૂર્તિમંત રૂપ છે. પોતાના અમર મહાકાવ્યમાં શાશ્વતી પ્રાપ્તિ માટે રામ જેવું ઉમદા પાત્ર વિશ્વસમક્ષ રજૂ કરીને આદિ કવિ વાલ્મીકિ સમગ્ર માનવજાતને ધર્મના પથે ચાલવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.

યાવત્ સ્થાસ્યન્તિ ગિરય: સરિતશ્ચ મહીતલે ।
તાવત્ રામાયણકથા લોકેષુ પ્રચરિષ્યતિ ॥

(૧.૨.૩૪)

જ્યાં સુધી આ ધરતી પર પર્વતો રહે છે અને નદીઓ વહેતી રહેશે ત્યાં સુધી રામની આ મહાકથાનો પ્રવાહ પણ વહેતો રહેશે.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.