(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્અઅ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૭૧ના પ્રથમ અંક (પૃ.૯૯)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

એક તપોવનમાં ગૌતમ નામના એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા. એમને એક મેધાવી અને બળવાન પુત્ર હતો; પરંતુ તે ઘણો દીર્ઘસૂત્રી હતો. જ્યારે તેને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું કહેવામાં આવતું ત્યારે એ કાર્ય તેઓ ધીમે ધીમે કરતા અને તેમાં બહુ વાર લાગતી. આને લીધે એમનાં બીજાં ભાઈ-બહેનોને એનાથી અસંતોષ રહેતો અને એના સહપાઠીઓ એની મશ્કરી કરતા. બધા એમને ‘ચિરકારી’ કહીને પજવતા. પરંતુ આ ચિરકારી એ બધી વાતોની ચિંતા ન કરતો. તે પોતાના મનથી અને પોતાની ધૂનથી કાર્ય કરતો.

આશ્રમવાસીઓ, સહપાઠીઓ પોતાનાં ભાઈ-બહેન બધાં એની ધીમે કામ કરવાની વૃત્તિથી સંતુષ્ટ ન હતાં. આમ છતાં પણ એમના પિતાએ ક્યારેય એ વિશે અસંતોષ વ્યક્ત ન કર્યો. પિતાનું એમના પ્રત્યે આવું વલણ જોઈને બધાં આશ્ચર્યમાં પડી જતાં અને પિતાજીને કારણે જ ચિરકારી બગડતો જાય છે એમ વિચારવા લાગ્યાં. કેટલાંક કહેતા કે ગૌતમ પુત્રના મોહને લીધે કંઈ એને કહેતા નથી; વળી કોઈ કહેતું કે ચિરકારી તો મૂર્ખ જ છે એટલે ગૌતમ એમને કંઈ કહેતા નથી. બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ ધારણાઓ કરી લીધી. પરંતુ તપસ્વી ગૌતમના મનની વાત કોઈ જાણતા ન હતા.

એકવાર ચિરકારીની માતાથી કોઈ અપરાધ થઈ ગયો. એ જોઈને એના પિતા ક્રોધિત થયા અને એમણે ચિરકારીને બોલાવીને આદેશ આપ્યો: ‘જા અને તારી માતાનું માથું કાપી નાખ!’ આવો આદેશ આપીને તેઓ વનમાં ચાલ્યા ગયા. આ બાજુએ ચિરકારી પોતાના સ્વભાવ પ્રમાણે ધીમે ધીમે પિતાના આદેશ પર વિચાર કરવા લાગ્યા : ‘કયા શસ્ત્રથી હું માનો વધ કરું? એ શસ્ત્ર હું ક્યાંથી લાવું? શા માટે લાવું?’ આવું કેટકેટલું પોતાના મનમાં ને મનમાં વિચારતો રહ્યો. થોડીવાર પછી તે ઊભો થયો અને તલવાર લઈને આવ્યો. વળી પાછો વિચારવા લાગ્યો : ‘હું મારી માતાનો વધ કરું કે ન કરું? જો હું એનો વધ નહિ કરું તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થશે! એ કોઈ પુત્ર માટે યોગ્ય ન ગણાય. અને જો હું માની હત્યા કરી નાખું તો પુત્ર માટે તો એનાથી મોટું પાપ બીજું કોઈ ન હોઈ શકે.’ આમ મનમાં ને મનમાં વારંવાર વિચાર કરતાં કરતાં વળી પાછો ‘માતા અને પિતામાંથી શ્રેષ્ઠ કોણ? આવા ધર્મસંકટકાળે કોની આજ્ઞાનું પાલન મારે કરવું જોઈએ? અને કોને શ્રેષ્ઠ ગણવું જોઈએ?’ જેવા વિચારોનાં વમળમાં પડી ગયો.

પિતા માટે એમના મનમાં આવો વિચાર આવ્યો: ‘પિતા ભરણપોષણ તથા શિક્ષાદીક્ષાની વ્યવસ્થા કરે છે, એટલે તેઓ જ મુખ્ય ગુરુ છે અને પાલનકર્તા પણ છે. એટલે પિતાએ જે આજ્ઞા આપી છે એને ધર્મ સમજીને મારે એનું પાલન કરવું જોઈએ. પિતા જ પુત્રને બધી દેય વસ્તુઓ આપે છે. એટલે એમની આજ્ઞાનું પાલન વિચાર કર્યા વિના જ કરવું જોઈએ. પિતાની આજ્ઞાનું પાલન કરનાર પુત્રનાં બધાં પાપ નાશ પામે છે. તો પછી એમની આજ્ઞાનું પાલન કરવામાં વળી પાપ શું હોય? એટલે પિતા જ શ્રેષ્ઠ છે. શાસ્ત્રોએ પણ પિતાને ધર્મ અને સ્વર્ગ કહ્યા છે.’

વળી પાછો ચિરકારીના મનમાં એક બીજો વિચાર પણ આવ્યો: ‘મેં પિતા વિશે તો વિચારી લીધું એમની શ્રેષ્ઠતાને પણ જાણી લીધી. હવે માતા વિશે પણ થોડું વિચારી લઉં. પિતાએ મને માને મારી નાખવાની આજ્ઞા કરી છે. એક તો તે સ્ત્રી છે અને વળી પાછી મને ગર્ભમાં ધારણ કરનારી મા છે. જો હું પિતાની આજ્ઞાનું પાલન કરીશ તો મને બે હત્યાનું પાપ લાગશે. એક સ્ત્રી હત્યાનું પાપ અને બીજું માતૃહત્યાનું પાપ. મનુષ્યના જન્મમાં માતા જ વિશેષ કારણરૂપ બને છે. એનું કારણ એ છે કે નવ માસ સુધી તે પોતાના બાળકને પોતાના ઉદરમાં ધારણ કરે છે. એની પુષ્ટિ માટે અનેક કષ્ટ પણ સહન કરે છે. જન્મ થતાં જ નાનું બાળક સાવ અસહાય હોય છે. માતા જ એને સહાય અને આશ્રય આપે છે. પોતાનું દૂધ પાઈને એને પાળી પોષીને મોટો કરે છે. એટલે મનુષ્યના જન્મ અને એની ઉન્નતિમાં માતાનું યોગદાન વિશેષ હોય છે. એટલે માતા પણ શ્રેષ્ઠ છે. પુત્ર ભલે કપાતર થઈ જાય પણ માતા ક્યારેય કુમાતા થતી નથી. તે તો હંમેશાં પુત્રની મંગલ કામના જ કરતી રહે છે. એને હંમેશાં મૂક આશિષ આપતી રહે છે. મા તો પૂજ્ય છે એટલે એની હત્યા ન જ થઈ શકે. એની હત્યા કરવી એ સર્વથા ધર્મવિરોધી કાર્ય છે.’

વળી પાછો ચિરકારીના મનમાં એક બીજો વિચાર આવ્યો: ‘જમદગ્નિના પુત્ર પરશુરામે પિતાની આજ્ઞાથી પોતાની માતાનો વધ કર્યો હતો. તો પછી શું મારે પણ  પિતાની આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ?’ વળી પાછો એક અન્ય વિચાર આવ્યો: ‘મેં પણ ઉત્તમ ગુરુ પાસેથી શિક્ષણ લીધું છે. ધર્મશાસ્ત્રો, સ્મૃતિ, શ્રુતિ વગેરેનું અધ્યયન પણ કર્યું છે, તો પછી મારે મારી વિવેકબુદ્ધિ પ્રમાણે શા માટે નિર્ણય ન કરવો?’

આમ ચિરકારી ચલજાઉં કે ટપજાઉંની મનો-મૂંઝવણમાં અટવાઈ ગયો અને સમય પણ પસાર થતો ગયો. આ બાજુએ વનમાં ગયેલા તપસ્વી ગૌતમનો ક્રોધ શાંત થયો ત્યારે એને એકાએક યાદ આવ્યું કે ક્રોધમાં ને ક્રોધમાં મેં ચિરકારીને એની માતાનો વધ કરવાનો આદેશ આપી દીધો હતો. ચિરકારી તો આજ્ઞાકારી પુત્ર છે. અરેરે! ક્યાંક એણે મારી આ અનર્થકારી આજ્ઞાનું પાલન તો નહિ કરી નાખ્યું હોય ને? આવા વિચાર સાથે તપસ્વી ગૌતમ ખૂબ વ્યાકુળ થઈ ગયા અને ઝડપથી આશ્રમ તરફ ચાલવા લાગ્યા. અરે! ક્રોધના આવેશમાં મારી બુદ્ધિ જ બહેર મારી ગઈ અને મેં ચિરકારીને આવી પાપપૂર્ણ આજ્ઞા પણ આપી દીધી. ‘અરેરે! ક્રોધના આવેગમાં મેં પોતાના જ પુત્રના હાથે મારી પત્નીની હત્યા કરવાનો આદેશ આપી દીધો!’ આમ મનમાં પસ્તાવો કરતાં કરતાં આશ્રમ તરફ પાછા ફરતા હતા.

ગૌતમના દુ:ખી ઉદ્વિગ્ન મનમાં એક આશાનું કિરણ ફૂટ્યું: ‘મારો પુત્ર તો ધીમે ધીમે કાર્ય કરનારો છે. બધાં કામમાં તે ઘણી વાર લગાડે છે. માતૃહત્યાનું મહાપાપ કરવામાં પણ તેણે આવો જ વિલંબ કર્યો હશે, એવું બની શકે.’ આ વિચાર આવતાં જ ગૌતમ ઋષિ જેટલી ઝડપથી ચાલી શકે એટલી ઝડપથી આશ્રમ તરફ ચાલવા લાગ્યા. સાથે ને સાથે ચિરકારીને વારંવાર મોટે અવાજે કહેવા લાગ્યા : ‘બેટા, ચિરકારી! જો તેં મારી આજ્ઞાનું પાલન કરવામાં અત્યાર સુધી વાર લગાડી હોય તો ખરેખર તું ચિરકારી જ સિદ્ધ થશે અને તારું નામ સાર્થક થશે.’

આશ્રમની નજીક આવતાં જ ગૌતમે જોયું તો એમનો પુત્ર ચિરકારી હાથમાં ખડગ લઈને ઊભો છે અને એની નજીક એની મા ઉદાસ ચહેરે ઝૂંપડીની એક થાંભલીના ટેકે ઊભી છે. પિતાને જોતાં જ ચિરકારીએ ખડગ એકબાજુ ફેંકી દીધું અને પિતાનાં ચરણોમાં પડી ગયો. પિતાએ એને બેઠો કર્યો, સ્નેહપૂર્વક ભેટી પડ્યા અને કહ્યું: ‘બેટા, તું ધન્ય છે. આજ સુધી લોકો તને દીર્ઘસૂત્રી કે આળસુ કહેતા હતા; પરંતુ તું આળસુ કે દીર્ઘસૂત્રી નથી એ હું જાણતો હતો. તું તો બધાં કાર્યો બરાબર વિચારી વિચારીને જ કરે છે. આને લીધે જ આજે તું માતૃહત્યા, સ્ત્રીહત્યાના મહાન પાતકમાંથી બચી ગયો! સાથે ને સાથે મને પણ પત્ની હત્યાના મહાન પાપમાંથી બચાવી લીધો. બેટા! તારી આ બુદ્ધિમત્તા અને તારા ધૈર્યથી હું પ્રસન્ન થયો છું. આજે હું તને કાર્યકુશળતાનું એક રહસ્ય બતાવું છું. આ રહસ્ય મેં અનુભવી વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે અને એનું મેં મારા જીવનમાં પાલન પણ કર્યું છે :

બેટા! લાંબા કાળ સુધી વિચાર કરીને જ કોઈની સાથે મૈત્રી કરવી જોઈએ. એકવાર જેને મિત્ર બનાવ્યો એને એકાએક છોડી પણ ન દેવો જોઈએ. જો એનો ત્યાગ કરવાની આવશ્યતા પડે તો એના પર પણ ઠીક ઠીક સમય સુધી વિચાર કરી લેવો જોઈએ. ચિરકાળ સુધી વિચારીને કરેલા મિત્રની મૈત્રી પણ દીર્ઘકાલીન બની રહે છે.

રાગ, દ્વેષ, અભિમાન, દ્રોહ તથા પાપનું આચરણ કરવામાં જે વિલંબ કરે છે તેનું સદૈવ કલ્યાણ થાય છે. જે પોતાના ભાઈ-ભાંડુઓ, સેવકોનો અપરાધ કરવામાં સારા એવા સમય સુધી વિચાર કરીને નિર્ણય લે તેની સદૈવ અને સર્વત્ર પ્રશંસા થાય છે. જે માણસ ઘણા લાંબા સમય સુધી રોષને દબાવી રાખે છે તથા આક્રોશપૂર્વક થનારાં કાર્યને ઘણા લાંબા સમય સુધી કરતો નથી એ માણસના જીવનમાં ક્યારેય પશ્ચાત્તાપ કરવાનો સમય આવતો નથી. ઘણા લાંબા સમય સુધી વડીલો અને વૃદ્ધોની તેમજ શાણા સજ્જનોની સેવા કરનારનો ધર્મ સહજ રીતે સિદ્ધ થઈ જાય છે. ઘણા સમય સુધી વિદ્વાનોનો સત્સંગ કરીને પોતાના મનને ચિરકાળ સુધી વશમાં રાખવાથી મનુષ્ય દીર્ઘકાલીન યશ અને સન્માન પામે છે. જો કોઈ ધર્મવિષયક પ્રશ્ન પૂછે તો ઠીક ઠીક સમય સુધી વિચાર કરીને એનો ઉત્તર દેવો જોઈએ. આવું આચરણ કરનાર મનુષ્ય ક્યારેય દુ:ખભાગી બનતો નથી અને એનું પરમ કલ્યાણ પણ થાય છે.’

દોડભાગ, જલદી કરો-જલદી કરો અને ચંચળતાના આ યુગમાં મહાભારતની આ કથા આપણું ધ્યાન એના તરફ ખેંચે છે અને જાણે કે આપણને આમ કહે છે: ‘હે માનવ! દોડતાં પહેલાં તું એક ક્ષણ ઊભો રહીને એટલું તો વિચારી લે કે તારે દોડીને ક્યાં પહોંચવાનું છે. ત્યાં પહોંચીને શું મેળવવાનું છે! શું આવી અર્થહીન દોડભાગ જ જીવનનો હેતુ છે?’

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.