(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.)

ધર્મ પછી ધર્મનીતિ – નૈતિકતા. ‘ની’ + ‘ક્તિ’ = નીતિ. ‘ની’ એટલે લઈ જવું. જેને આગળ લઈ જવો એને નીતિ કહેવાય. કયા પથે લઈ જાય છે? ધર્મપથે અને ત્યાગસંયમના પથે.

ધર્મ અને ધર્મનીતિને આપણે ભિન્ન ગણીએ છીએ, પરંતુ એ ભૂલ છે. વસ્તુત: એ બંને એક જ છે. નીતિ તો ધર્મની વ્યાવહારિક દિશા છે. અને એ સમષ્ટિ પ્રત્યેનું વ્યષ્ટિના કર્તવ્યની વાત કરે છે. એનો ઉદ્દેશ છે, સમષ્ટિના કલ્યાણાર્થે વ્યષ્ટિનું સ્વાર્થસંકોચન અર્થાત્‌ સંયમસાધના.

નીતિ આવા વિધિનિષેધ આપે છે : સત્યવચન બોલવું, ચોરી ન કરવી, ક્ષમા આપવી, હત્યા કે હિંસા ન કરો, દયાળુ બનવું, પરસ્ત્રીથી દૂર રહેવું, ઇત્યાદિ. જગતમાં જો એક જ માણસ હોત તો આ બધા વિધિનિષેધોની જરૂર ન રહેત. આપણા સિવાય આ જગતમાં બીજા લોકો પણ છે. ટૂંકમાં કહીએ તો સમષ્ટિ છે, સમાજ છે, જીવજગત છે એટલે જે આ વિધિનિષેધોની જરૂર છે. માત્ર ‘અમે’ અને ‘અમારું’ ન ચાલે.

પાડોશીઓ છે, સમાજ છે, દેશ છે – આ સમજણને લીધે જ પ્રત્યેક વ્યક્તિને પોતાનો અધિકાર છે, એક પ્રત્યે બીજાનું કર્તવ્ય પણ છે. એટલે જ સ્વાધિકાર અને કર્તવ્ય એ ભાવનો ઉદ્‌ભવ થયો છે. આ બંને સ્વતંત્ર નથી પણ સાપેક્ષ છે. સ્વાધિકાર હોય તો કર્તવ્ય હોવાનું જ, કર્તવ્ય હોય તો સ્વાધિકાર પણ રહેવાનો. આ સ્વાધિકાર અને કર્તવ્યનો નિર્ણય નીતિશાસ્ત્રનો નિયમ છે.

કાયદો અને ન્યાયનું શાસ્ત્ર પણ ધર્મનીતિ પર પ્રતિષ્ઠિત થયું છે. ધર્મનીતિના વ્યાવહારિક ઉપયોગને કાયદો કહે છે. કાયદાનો નિયમ એ છે કે સમાજમાં દરેક વ્યક્તિને પોતપોતાનો અધિકાર છે, એટલે તમે ૧૦૦% સ્વાર્થભાવથી રહી ન શકો. બીજાના અધિકારને આપણે ધ્યાનમાં લેવો જ જોઈએ. એટલે જ કાયદાની વ્યવસ્થામાં પણ ત્યાગ-સંયમ આવી જાય છે.

માનવ સભ્યતાના ઇતિહાસમાં પ્રથમ ધર્મ જોવા મળે છે, પછી ધર્મનીતિ જોવા મળે છે, પછી કાયદો. સમાજનાં વિસ્તાર અને આવશ્યકતા પ્રમાણે ક્રમશ: આ બધાંનું સર્જન થયું છે. ઉદાહરણ સાથે આ વાતને હું વધારે સ્પષ્ટ કરું છું.

માનવ સભ્યતાનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. એ સમયે માનવનાં મનમાં ધર્મભાવ સૌ પ્રથમ ઉદ્‌ભવ્યો હતો અને મૂર્ત થયો હતો. પરંતુ એ વખતે સમાજધારણા સ્પષ્ટ ન હતી એટલે ધર્મનીતિનું અનુશાસન વધારે પ્રમાણમાં ન હતું. ઋગ્વેદનો મહદ્‌ભાગમાં વૈદિક દેવતાગણનાં સ્તવસ્તુતિ જ વધારે છે. અહિંસા, સત્યનિષ્ઠાનો ઉલ્લેખ એમાં પણ છે. વૈદિકકાળ પછીનાં ૧૦૦૦ વર્ષ પછી નીતિશાસ્ત્રની રચના થઈ. ત્યારે માનવસમાજ સવિસ્તર અને સુવિસ્તૃત હતો. આર્યસમાજમાં ચાતુર્વર્ણ સ્થાપિત થઈ ગયા હતા. એટલે માનવનાં કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્દેશ કરનાર નીતિશાસ્ત્રનું પ્રયોજન ઘણું વધી ગયું. મનુ, યાજ્ઞવલ્ક્ય, બૃહસ્પતિ, શુક્રાચાર્ય, વગેરે સમાજ વ્યવસ્થાપક ઋષિઓ આ કામમાં લાગી ગયા. ઘણાં નીતિશાસ્ત્રો રચાયાં. આ બધાં નીતિશાસ્ત્રોમાં એક વાત તો સુંદર સ્પષ્ટ રીતે નજરે પડે છે – ઋષિઓએ પ્રથમ તો ધર્મ શું છે એની વિષદ ચર્ચા કરી, ત્યાર પછી વિધિનિષેધમૂલક ધર્મનીતિની સંરચના કરી. આનાથી એટલું તો સ્પષ્ટ થાય છે કે નીતિનું મૂળ ધર્મ જ છે.

ભારતીય સભ્યતા ક્રમશ: દેશદેશાંતરમાં પ્રસરતી ગઈ. ભારતની બહાર ગ્રીસ અને રોમમાં આ ધર્મનીતિએ પ્રવેશ કર્યો. નવભાવે ઉદ્‌બુદ્ધ થઈને ગ્રીસે પોતાનું મન માંડ્યું દાર્શનિક તત્ત્વ વિચારમાં અને રોમે પોતાનું મન લગાડ્યું નીતિનિયમ કે કાયદામાં. રોમને જગતના પ્રથમ કાયદાદાતા કહે છે. એનો અર્થ એ છે કે કાયદા શાસ્ત્રને આજનું સ્વતંત્ર રૂપ રોમે જ આપ્યું છે. પરંતુ રોમન કાયદાઓના મૂળતત્ત્વની આધારશિલા ભારતીય ઋષિઓના ધર્મશાસ્ત્ર પર રચાઈ હતી. ભારતીય ઋષિઓએ નીતિનિયમ કે કાયદાની વાત ધર્મનીતિના ભંગ રૂપે કરી છે, બીજા કોઈ પૃથક્‌ભાવે નહિ. વસ્તુત: ધર્મ, ધર્મનીતિ અને કાયદા ભલે પૃથક્‌ હોય પણ એ ત્રણેય એક સૂરે અને એકતારે બંધાયેલાં છે. કાયદા નીતિ પર અને નીતિ ધર્મ પર આધારિત છે. ભિન્ન ભિન્ન ધર્મમતો મૂળત: એક જ છે, નીતિ એક છે અને કાયદા પણ એક સરખા છે. અંતિમ ધ્યેય તો છે ત્યાગ અને સંયમ.

આજકાલ એવા તરંગો ઊઠે છે કે ધર્મકર્મ, નીતિ વગેરે એક કોરાણે મૂકી દો; નહિ તો દેશનું કામકાજ નહિ થાય. અને કેટલાક તો ઉપહાસપૂર્વક કહે છે – ત્યાગ સંયમની સાધના કરતાં કરતાં તો કપડાં તો ઊંચે સુધી આવી ગયાં! હવે એ વસ્ત્રવિહીન બનવાનું બાકી છે. એ વિશે એકાદ-બે વાત કરીને આ લેખ પૂરો કરીશ.

જે લોકોએ આવી ઉક્તિ ઉચ્ચારી છે. એમને કદાચ ધર્મ ને નીતિનું મૂળ રૂપ શું છે, એનું જ્ઞાન નથી. ત્યાગ અને સંયમ ધર્મ અને નીતિનો મૂળ મંત્ર છે. પરંતુ એનો અર્થ એ નથી કે દેશ અને સમાજ સાથેના બધા સંબંધો તોડીફોડીને, કોપીન પહેરીને, ગાઢ વનમાં કુટિર બનાવીને એકલા તપશ્ચર્યા કરીને સમગ્ર જીવન વિતાવી દેવું. શ્રુતિ સ્પષ્ટ શબ્દોમાં શું કહે છે તે સાંભળો – ‘અન્નં બહુ કુર્વીત, તદ્‌-વ્રતં … ન કંચન વસતૌ પ્રત્યાચક્ષિત તદ્‌-વ્રતં તસ્માત્‌ જયાકયા ચ વિધયા બહ્‌વન્નં પ્રાપ્નુયાત’ (તૈતરીય ઉપનિષદ, ૯.૧૦) અર્થાત્‌ અન્નની જ્યાં વધારે પ્રમાણમાં પ્રાપ્તિ થાય ત્યાં પ્રયત્ન કરવો. બ્રહ્મવિદ્‌ગણનું આ જ વ્રત છે. આ વ્રત શા માટે? એના ઉત્તરમાં શ્રુતિ કહે છે : ‘રહેવા માટે કોઈ વ્યક્તિ આવે તેને પાછો ન વાળવો એ બ્રહ્મવિદોનું વ્રત છે. અને બ્રહ્મવિદ્‌ કોઈ વ્યક્તિને વસવા માટે સ્થાન આપે તો આહાર માટે અન્ન પણ આપે છે. એટલે જ ગમે તેમ કરીને વધુ ને વધુ અન્ન મેળવવું-જાળવવું.’ કેવો સુંદરમજાનો પ્રાચીન યુગનો આ સામાજિક આદર્શ! અહીં છે સમાજસેવાની વાત, નહિ કે સમાજત્યાગની! 

જે લોકો પોતાની મુક્તિની કામના કરે છે એ લોકો બહિર્જગતના બધા સંબંધોનો ત્યાગ કરીને નિર્જન વનમાં પરમાત્મ તત્ત્વનાં ચિંતનમનનમાં લીન રહે છે, આ વાત સાચી છે. પરંતુ અધ્યાત્મ સાધનાની આ એક બાજુ થઈ. એ સિવાય એક બીજી બાજુ પણ છે. એનો નિર્દેશ ભગવાન શ્રીકૃષ્ણે ભૂતકાળમાં પોતે જ કર્યો છે. અને વર્તમાન કાળમાં પ્રવર સંન્યાસી સ્વામી વિવેકાનંદે પોતાના જીવનમાં આ પથનું નિદર્શન કર્યું છે. એ પથ છે ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ – પોતાની મુક્તિ અને જગતનું કલ્યાણ’ શ્રુતિ વચનની આ વિષદ વ્યાખ્યા છે. સ્વામી વિવેકાનંદ તો ત્યાગ અને સંયમની પ્રતિમૂર્તિ હતા. સાથે ને સાથે વર્તમાન બંગાળ અને વર્તમાન ભારતના નવજાગરણના અગ્રદૂત પણ હતા.

ત્યાગ-સંયમની સાધના કરવાનું શીખવાથી ‘હું’ અને ‘મારા’ની લોખંડી સાંકળ તૂટેની છે. જ્યાં સુધી આ લોખંડની સાંકળ ન તૂટે ત્યાં સુધી પોતાનાં સુખશાંતિની વાત ભૂલીને બીજાના મંગળ ભાવિને કેળવવાનું આપણે શીખી ન શકીએ અને ત્યાં સુધી મારા દ્વારા સમાજ સેવા કે દેશ સેવા એ બધું કેવી રીતે થઈ શકે? આ જ છે મૂળવાત. એટલે જો કોઈ ખરેખર સમાજ સેવા કે દેશસેવા કરવા ઇચ્છતા હોય તો તેમનું સર્વપ્રથમ કર્તવ્ય છે – ત્યાગ અને સંયમને કેળવવા. કેટલાક વળી કહે છે કે ત્યાગ-સંયમની કેળવણી માટે ધર્મનીતિની આવશયકતા નથી. પણ આ મોટી ભૂલ છે. ધર્મનીતિને છોડીને ત્યાગ-સંયમની સાધના સુદૃઢ ન જ બની શકે. એકાએક આવતી ઉત્તેજનામાં બે-ચાર દહાડા ત્યાગી અને સંયમી બની શકાય પણ મર્કટ વૈરાગીની જેમ મનનો આ ભાવ ઝાઝો ટકતો નથી, સાચી ત્યાગ-નિષ્ઠા જન્મતી નથી.

આજે સ્વામી વિવેકાનંદ જેવા કેટલાક ત્યાગી-સંયમનિષ્ઠ મહાપુરુષો હોત તો આ હતભાગી ભારતભૂમિ ઘણી ઘણી આગળ વધી શકી હોત. ઘણા માણસોની માન્યતા એ છે કે ધર્મનીતિના પથે ચાલીને જ ભારત શૌર્ય અને વીર્યહીન તેમજ ચિર પરાધીન બન્યો. પ્રાગૈતિહાસિક યુગમાં યુગાવતાર શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણ ધર્મની પ્રતિમૂર્તિ બનવા છતાં પણ રામ-રાવણનું યુદ્ધ થયું અને મહાભારતનો ભીષણ સંગ્રામ થયો. એ બંનેમાં ક્રમશ: રામ અને કૃષ્ણ નાયક બન્યા હતા. આ કેવું તેજ! આ કેવું વીર્ય! આ કેવું બુદ્ધિચાતુર્ય! મહર્ષિ જનક ત્યાગસંયમના મહાન આધાર હોવા છતાં પણ કાર્યદક્ષતા સાથે રાજ્યનું સંચાલન પણ કરતા હતા.

ઐતિહાસિક કાળમાં આવાં ઉદાહરણોનો અભાવ નથી. અશોક, ચાણક્ય, મહારાણા પ્રતાપ, શિવાજી, વગેરે આજે પણ ભારતની ભૂમિ પર દૃઢ અને અચલ બનીને ઊભા છે. તેઓ એ વાતની સાક્ષી પૂરે છે કે ધર્મનીતિ સંમત ત્યાગસંયમની સાધના કરીને કેટલા વિપુલ પ્રમાણમાં શૌર્ય અને વીર્યની પ્રાપ્તિ કરી શકાય છે!

ભારતની પરાધીનતાનું કારણ ઇતિહાસમાં બીજા રૂપે પણ વર્ણવવામાં આવ્યું છે. હિંદુ રાજાઓ ધર્મનીતિ મૂલક ત્યાગ-સંયમ ત્યજીને ‘હુંપણા’ના ગર્વમાં ડૂબી ગયા અને ‘સ્વ-સ્વપ્રધાન’ બની ગયા તેમજ સામાન્ય ક્ષુદ્ર સ્વાર્થ સાથે પરસ્પર કલહ અને વિવાદમાં મગ્ન રહ્યા; એટલે કે એ લોકોમાં સંઘશક્તિનો લોપ થયો ત્યારે જ બહારના શત્રુઓ ભારતમાં પ્રવેશ્યા અને આ દેશ પર એકાધિકાર સ્થાપ્યો. ઈસ્લામ રાજ્યના પતનનું કારણ પણ આ જ છે. કેવળ ભારત જ શા માટે? અતિવિશાળ ગ્રીસ અને રોમનાં સામ્રાજ્યો ગંજીફાનાં પાનાંના ઘરની જેમ ભાંગી પડ્યાં. એનું કારણ એ છે કે એ લોકોએ પણ ત્યાગ-સંયમનો પથ છોડીને ભોગવિલાસના સ્રોતમાં પોતાની જાતને ડૂબાડી દીધી.

જગતના ઇતિહાસમાં એવું એકેય ઉદાહરણ નથી કે કોઈ પણ દેશ કેવળ માત્ર ધર્મ અને નીતિનું યથાર્થ અનુશીલન કરીને વિદેશીઓના હાથમાં આવી પડ્યો હોય.સંકુચિત ધર્મનાં લોકો કેવી વિચિત્ર રીતે ધ્વંશલીલાનું પ્રદર્શન કરે છે, આ બધું તો આપણી આંખ સામે જ થાય છે. બાળકો, વૃદ્ધો, નારીઓ, માંદલા – કોઈનેય છોડતા નથી. નિર્દોષ લોકોની વિના કારણે નિર્મમ હત્યાઓ થાય છે. આ બધું શા માટે? માત્ર ને માત્ર ખોટી આત્મતૃપ્તિનું અનુસરણ કરવાથી જ આ સ્થિતિનું નિર્માણ થયું છે. કોણ કહે છે કે આ શતાબ્દિ સભ્યતાનો યુગ છે? રાક્ષસી ભોગલાલસાની પ્રતિમૂર્તિ બનીને, ભોગલાલસાની અનેક જ્વલંત જિહ્‌વાઓ લઈને એણે મહાદેશના વક્ષ:સ્થળ પર તાંડવ નૃત્યનો આરંભ કર્યો છે. કોણ જાણે એનો અંત ક્યારે આવશે?

એટલે જ કહું છું કે નવભારત આ દૃશ્ય જોઈને આજે અને અત્યારે જ સાવધાન થઈ જાય એ હિતાવહ છે. ઉચ્છૃંખલ વૃત્તિ છોડો; પોતાના ધર્મનીતિ સંમત ત્યાગ-સંયમની સાધના કરો; સાચી દેશહિતવૃત્તિવાળા બની જાઓ; ભૌતિકવાદી પાશ્ચાત્યના આ અમંગલ હતભાગ્યને આ દેશમાં વિના કારણે નોતરો નહિ.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.