(મેનેજમેન્ટ સેન્ટર ઓફ હ્યુમન વેલ્યુઝ, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતાના પ્રાધ્યાપક અને સંવાહક શ્રી એસ.કે.ચક્રવર્તીના ‘વિઝડમ લીડરશીપ’ ગ્રંથમાંથી ‘આચાર્ય દેવો ભવ’ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

આપણાં શાસ્ત્રોએ ‘છાત્રાણાં અધ્યયનં તપ:’ એવું વિદ્યાર્થીઓને સૂચવ્યું છે. એટલે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ કે શીખવું એક તપ છે અને મનની એકાગ્રતાનો વિષય છે. વિદ્યાર્થીઓ જાણે કે પ્રભુના પયગંબર છે એવી નજરે જોવાનું શિક્ષકોને કહે છે. આચાર્ય કે શિક્ષક માટે આ બે સિદ્ધાંતોનો સૂચિતાર્થ કયો છે? એમણે સાચા આચાર્ય બનવાનું છે. પોતાના આચરણ દ્વારા એણે એક આદર્શ અનુકરણીય વ્યક્તિ બનવાનું છે.

યુનિયનવાદ, રાજકારણને શિક્ષણમાં ઘુસાડવાનો સક્રિય પ્રયાસ અને કેળવણીના હાટડા માંડીને ધન રળવાની મહેચ્છાએ કેળવણીની સંસ્થાઓ અને તેમાંય વિશેષ કરીને ઉચ્ચતર કેળવણીના સ્તરે નિરંકુશ બિભત્સતા અને અધમ પ્રકારની હલકટતામાં વૃદ્ધિ કરી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રતા, લોકશાહી, હક-અધિકાર અને મનની ઉઘાડી બારીના નામે મેં પોતે જ મારી સગી આંખે અશુદ્ધ ભાષાવાળા અપરિપક્વ નાટકો, ભળતાં પાત્રવાળી વાર્તાઓનું આત્મસાતીકરણ, નજરે ચડે તેવી અન-આજ્ઞાંકિતતા, વિચિત્ર પ્રેમમૈત્રી સંબંધો, વહીવટી નિયમોની એસીતેસી કરવી, એને અવગણીને સ્વચ્છંદ રીતે વર્તવું, એવા હડહડતાં જૂઠાણાં જોયાં છે. આપણે એવી અધમ કક્ષાએ પહોંચી ગયા છીએ કે એના તરફ આંગળી ચીંધવી કે આવાં કુકર્મો પ્રત્યે પ્રશ્ન કરવો એક ગુન્હો, માનવ-અધિકાર-ભંગ બની જાય છે. આપણા નૈતિક મૂલ્યોને લકવા લાગી જવાથી જાગી ઊઠેલી અસંવેદનશીલતાએ આપણા શિક્ષણ સમાજ પર સૌથી વધારે મોટું આક્રમણ કર્યું છે.

શિક્ષકોએ પોતાની વિનમ્રતા અને પ્રકૃતિદત્ત શ્રેષ્ઠતા સાથે પાયાના તત્ત્વો તરફ પાછા ફરવાનો સમય પાકી ગયો છે. શિક્ષકનો વ્યવસાય અપનાવવો એક પુણ્યકારી અને પવિત્ર કાર્ય છે. ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ની પ્રક્રિયા દ્વારા જ આ પવિત્રતાને લાવી શકાય. ‘નાન્ય: પન્થા વિદ્યતે અયનાય’ની જેમ સાચા શિક્ષક બનવા માટે બીજો કોઈ માર્ગ જ નથી. પંચતારક અધિકારીઓની જેમ ગાડી, મોટર, બંગલા અને અદ્યતન સાધન સુવિધાઓનો વિચાર શિક્ષકોએ કરવો ન જોઈએ. એ વિશે એમણે એટલું તો યાદ રાખવું જ જોઈએ કે ભારતમાં દરેક ભારતીયની સરેરાશ વાર્ષિક આવક રૂપિયા ૧૪૦૦૦ છે. કારખાના દુકાનોના કામદારોની જેમ નારાબંધી હડતાલો કે ઘેરાવ જેવું કામ શિક્ષકો કરી ન શકે. શિક્ષકે તો આત્મસંયમ અને કરકસરવાળા સ્વયંભૂ આનંદને મેળવતા શીખવું પડે. બાકીનો સમગ્ર સમાજ એક સદ્‌ગૃહસ્થની વિનમ્ર્રતા, ગૌરવ, નીતિમયતાની સારી એવી અપેક્ષા શિક્ષક પાસે રાખે છે. જો એમ ન બને તો આ બધા ઉમદા શબ્દો શબ્દકોશમાં જ રહે છે.

ગુરુ ગૃહવાસ કેવા શિક્ષણનું સૂચક છે? થોડા વર્ષો સુધી ગુરુ અને શિષ્ય દિવસ-રાત એક સાથે રહે છે. ગુરુના જીવનનું આચરણ જોઈને મોટા ભાગનું શિક્ષણ મેળવવાનું હતું. વિદ્યાર્થીઓમાં માન-આદર અને પોતાની પ્રતિષ્ઠા જળવાય. આપણે શિક્ષકોએ બુદ્ધિ-પ્રતિભા, અવિરત સ્વનિયમન જાળવવાં જોઈએ. સ્વામી વિવેકાનંદે શિક્ષણની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે માનવની ભીતર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. જ્યાં સુધી શિક્ષક પરિપૂર્ણતા માટે અથાક મથામણ કરતો નથી ત્યાં સુધી રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ – તે વિદ્યાર્થીઓમાં કેવી રીતે ઉદ્દીપિત કરી શકે! એ હકીકત છે કે આજે આવો આદર્શ પ્રતિબિંબિત કરી શકાય તેમ નથી. પરંતુ શું એનો અર્થ એવો થાય છે કે આ ઉત્તમ સિદ્ધાંતોને સંકટ સમયે વહાણમાંથી માલ-સામાન ફેંકી દેવાય તેમ ફેંકી દેવા? જો વિદ્યાર્થીઓની સાથે રહેવા જીવવાનું આવે તો આપણામાંથી કેટલા લોકો તેમની નિરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈ શકે?!

ઉચ્ચ અને સામાન્ય કેળવણી વિશે આપણે તરકટી અને ભયાવહ ખોટા ખ્યાલે આવી પહોંચ્યા હોઈએ એવું લાગે છે. અવારનવાર પોતાની અંધાધૂંધ મનની ઘેલછાઓ અને તરંગોને નિરંકુશ અને સ્વચ્છંદી માર્ગ પૂરો પાડી દે છે. ઘર, શાળા, કોલેજ અને સમાજમાંથી મળતા શિસ્ત, આજ્ઞાંકિતતા, શાંતિ અને ધૈર્ય જેવાં સામાન્ય ઉદાત્ત મૂલ્યો કે ગુણોને ખીલે બાંધવાની સાંકળ જેવાં માનવા માંડે છે. નિમ્ન, પ્રાકૃત, અભદ્ર અને ઊતરતી કક્ષાની અભિરુચિને બદલે સાચી ઉદારતા તો શિસ્તનું પાલન કરવામાંથી જ આવે છે; આ જ વસ્તુ શિક્ષકો પોતે ભૂલી ગયા હોય એવું લાગે છે. લોભ, ઈર્ષ્યા, ક્રૂરતા, છેતરામણી, સંભ્રમતા, સ્વાર્થ, અહંકાર-દંભ, જેવા અવગુણોમાંથી છૂટકારો એટલે જ મુક્તિ-સ્વતંત્રતા. આ અવગુણો ખરેખર આપણને બાંધી દેતી સાંકળ બની જાય છે અને તે આપણા માનવીય પૂર્ણતાની આડે ઊંડા કળણ કે હાનિ કે આડખીલી રૂપ બની જાય છે. ઉદાહરણ તરીકે જાણે કે આપણે આપણી સમાનતા પ્રસ્થાપિત કરવા માટે આપણા વડીલો કે આપણા કરતાં ઉપરની કક્ષાની આવેલા લોકો પ્રત્યે અપમાનજનક અને ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરીએ છીએ. આવી કહેવાતી મુક્તિની મૂર્ખતા એક અભદ્રતા જ છે. એક બાજુએ પોતે પોતાની મેળે જાહેર કરેલી આ સ્વતંત્રતામાં સૌને પોતાના વ્યક્તિત્વનું જ મહત્ત્વ હોય છે. જ્યારે બીજી બાજુએ સામેની વ્યક્તિ વૃદ્ધ છે કે વધારે કેળવાયેલી છે કે વધારે અનુભવી છે એટલે માનની અપેક્ષા રાખે; એવી બાબતોનો ઇન્કાર કરીને બીજાની વ્યક્તિમત્તાને અવગણવાનો પ્રયત્ન થાય છે. વળી, આ નાના છે, નિર્બળ છે, ઓછા અનુભવવાળા છે, એટલે થોડી કાળજી અને ઉષ્માભરી લાગણીની અપેક્ષા તેઓ સેવે છે; એમ કરીને એમની અવગણના થાય છે. સામાજિક સંબંધોના ઉંડાણ અને ઉચ્ચત્વને બગાડી મારવું કે અસરહીન બનાવવું એ આપણા કહેવાતા મુક્તવાદની કમજોર બનાવતી અસર છે. વિલય પામતા આ સારાં માળખાંને પુન:સ્થાપિત કરવું એ શિક્ષકોની સૌથી વધારે મહત્ત્વની જવાબદારી છે.

તાજેતરમાં એક જાહેર સન્માન સમારંભમાં ઉચ્ચતર માધ્યમિક કક્ષાના સર્વોત્કૃષ્ટ વિદ્યાર્થીઓ વર્તમાન પત્રોના સંપાદકોને આવો પ્રશ્ન પૂછતા હતા: ‘તેઓ વિદેશમાં પોતાના વધુ આગળ અભ્યાસ પૂરો કરીને ભારતમાં તેમણે પાછા ફરવું જોઈએ, એ માટેનું એકાદ કારણ તો આપો?’ અરે! તેઓ વિદેશ જવા રવાના થાય તે પહેલાંથી જ પોતાના દેશ માટેના માન-આદર ગુમાવવાનું શરૂ કરી દે છે! આવી માનસિકતા આપણાં બાળકોમાં ઉદ્‌ભવે છે એને માટે કોણ જવાબદાર છે? શું આ આપણા ભારતીય સમાજના માતપિતા, શિક્ષકો કે વડીલોના ગાલ ઉપર પડેલો મોટો તમાચો નથી? અરે! કેવું વિચિત્ર રસપાન આપણા કહેવાતા મુક્તિદાયક શિક્ષણે એમને કરાવ્યું છે! એ ગમે તે હોય પણ, જે યુવાનોના અપરિપક્વતા સાથેની ખ્યાતિને કારણે ગર્વ કે મિથ્યાભિમાનથી માથાં ભમી જાય, એમની પીઠ થાબડવાના કાર્યક્રમો યોજવામાં મને કોઈ વાજબી કારણ દેખાતું નથી. એક પેઢી પહેલાંની જૂની પેઢીના કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનાં કારકિર્દી અને જીવનનાં બલિદાન ભારતની મુક્તિ માટે આપ્યાં હતાં. આપણે આજના વિદ્યાર્થીઓને માતૃભૂમિ પ્રત્યેના આ પ્રેમ અને આત્મબલિદાનની આખ્યાયિકાઓની કેળવણી આપી છે? આપણા હમણાંના ઇતિહાસના આ પાસાઓ વિશે શિક્ષક કે માતપિતાના રૂપે આપણે એમને મૂલ્યપાઠ આપ્યા છે? શું આપણા રાષ્ટ્રની પ્રજાનાં મન ‘માતૃભૂમિ ભારત’ના આ અલંકરણો વિશે થોડી ઘણી લાગણી અનુભવે છે ખરાં? 

આઝાદી પહેલાં ભારતના સૌથી વધુ મેધાવી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ જતાં. તેમાંથી મોટા ભાગના માતૃભૂમિ ભારતમાં બમણા દેશપ્રેમ સાથે પાછા ફરતા. ભારત આઝાદ થયા પછી હવે આપણે થોડા અમેરિકા તરફ દોડ લગાવીએ છીએ. સાથે ને સાથે આપણા દૃષ્ટિબિંદુમાં પણ નજરે ચડે તેવું પરિવર્તન જોવા મળે છે. હવે અમેરિકા જનારા લોકો ભારતની સંસ્કૃતિ, અને પ્રણાલીઓના કહેવાતા પછાતપણા પ્રત્યે એક તુચ્છકાર અને ઘૃણાનું વલણ ધરાવતા બની ગયા છે. ભલે કદાચ આ આરોપો સાચા હોઈ શકે તો પણ પોતાની જન્મભૂમિ સાથે લાગતું વળગતું ન હોય એવું વલણ દૂર કરવા માટે અને બીજી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમસંબંધ રાખવાના ભાવને દૂર કરવા તેઓ શું કરે છે? ‘માનવ બનાવોની કેળવણી’ આપવા સ્વામીજીએ પોતાના હૃદયનું લોહી રેડીને આપણને આગ્રહભરી વિનંતી કરી છે. છેલ્લી એક સદી સુધીમાં આપણી આ વિશે કઈ સિદ્ધિ છે? ઘાસના નિરર્થક તણખલાં સર્જતી નિ:સત્ત્વ કેળવણીથી પણ બદતર કેળવણી! આવું શા માટે બન્યું? સ્વામીજીને એ ખ્યાલ ન આવ્યો કે સ્વતંત્ર ભારતના માટીપગા, કચરાપૂંજાના માથાવાળા શિક્ષકો આવાં સત્ત્વવિહોણા વિદ્યાર્થીઓ પેદા કરવા સિવાય બીજું વધારે સારું શું કરી શકે! અલબત્ત, કેટલાક ઉચ્ચ માનને પાત્ર અપવાદો પણ એમાં છે ખરા. પણ આ તો માત્ર અપવાદો જ છે અને એ સાચું કેળવણીનું કાર્ય કરે છે. શાખા કે થળિયાનું કોહવાવું હવે સૌથી વધુ નિમ્નતમ બિંદુએ પહોંચ્યું છે. એટલે જ એના જલદ ઉપાયોની આવશ્યકતા છે. સૌથી પ્રથમ અને વધુ અગત્યનો ઉપાય કે પગલું એટલે બધા રાજનૈતિક પક્ષો અને એમની પ્રવૃત્તિઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશબંધી ફરમાવવી જોઈએ. શૈક્ષણિક કર્મચારી કે શિક્ષકો કોઈપણ રાજનૈતિક પાર્ટીના સભ્યપદેથી દૂર રહે એ નોકરી માટેની પૂર્વશરત હોવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે પણ આ જ નિયમ અભ્યાસક્રમના પ્રવેશ માટે હોવો જોઈએ. તેઓ બધા પોતાની સંસ્થા પૂરતા મર્યાદિત રહીને એમનાં ચિંતા-પ્રશ્નો રજૂ કરવા કોઈ એક સંઘ હોઈ શકે. શાળા-કોલેજોમાંથી રાજકીય પક્ષપ્રેરિત વિદ્યાર્થી શાખાઓ તો જવી જ જોઈએ. ભવિષ્યની રાષ્ટ્રિય તંદુરસ્તી માટે ચારિત્ર્ય વિકાસએ સૌથી અગત્યનું મહાકાર્ય છે. કોલેજો કે વિશ્વવિદ્યાલયો ‘પોલિટિકલ મસલબિલ્ડીંગ – રાજકીય બાહુબળ’ બનાવવાનાં પ્રશિક્ષણ કેન્દ્રો નથી. બૌદ્ધિકતા સાથેના રાજનૈતિક વિચારો કે આંદોલનોનો અભ્યાસ જ શાળા, કોલેજો અને વિશ્વ વિદ્યાલયોમાં હોવાં જોઈએ. પરંતુ કોઈ પણ રાજનૈતિક પ્રવૃત્તિઓ માટે મક્કમપણાનો ‘ઇન્કાર’ હોવો જ જોઈએ.

જો બધી શૈક્ષણિક સંસ્થાઓ તત્કાલ રાજનૈતિક પક્ષોના ચેપી રોગની દરેક જાતને જલદીથી સાફ કરવાનું અને તેને વધુ વિશુદ્ધ બનાવવાનું શરૂ નહીં કરે તો તેઓ થોડા જ સમયમાં સંપૂર્ણપણે પોતાના અસ્તિત્વનું વ્યાજબીપણું ગુમાવી દેશે. સાથે ને સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મન અને ચારિત્ર્યનો ઉત્કર્ષ પણ વિલીન થઈ જશે. શિક્ષકોએ વધારે આદર્શવાદી અને પ્રમાણમાં ઓછા સિદ્ધાંત કે તર્કવાદી બનવાનું છે. ઉપર્યુક્ત સૂચનો પ્રત્યે લોકશાહી હકોની રક્ષા કરવાની નિરર્થક ચિંતા કરનારા લોકોની કારમી ચીસ કે ઘૂરકાટની વરસતી ઝડીની અપેક્ષા કોઈ પણ કરી શકે. પણ હવે સ્પષ્ટ બુદ્ધિ પ્રતિભા સાથેની દૃઢતાનો સમય પાકી ચૂક્યો છે. રાષ્ટ્રનું ભાવિ જોખમમાં છે. માનવ બનાવોની કેળવણીમાં ઓછામાં ઓછું આવશ્યક જોશ પૂરવાનો પ્રયત્ન શિક્ષકોએ કરવો જોઈએ. રાજકારણ તો રાહ જોઈ શકે, થોભી શકે પણ ચારિત્ર્યનું એમ ન થઈ શકે. પ્રાચીન ઋષિઓના આશ્રમોમાં ઢાળેલ ‘શિક્ષક સાધકા:’ની નીતાંત આવશ્યકતા આપણા વિદ્યાર્થીજગતને છે. ટાગોરના શબ્દોમાં કહીએ તો ‘એમણે વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનો તેમજ સાદુ અને વિશુદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.’

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.