સંસ્કૃત ભાષાનાં બે અતિ પ્રાચીન મહાકાવ્યો એટલે રામાયણ અને મહાભારત. પ્રાચીન હિંદુઓના રીતરિવાજો, એ સમાજની સ્થિતિ, એની સંસ્કૃતિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. રામાયણમાં શ્રીરામચંદ્રના જીવનચરિત્રની અને મહાભારતમાં દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના વંશજોની વાત છે. મહાભારતનો શાબ્દિક અર્થ જોઈએ તો મહા + ભારત = મહાભારત. જેમાં ‘મહા’ એટલે મોટું અને ‘ભારત’ એટલે ભરતના વંશજો, જેના ઉપરથી હિંદનું નામ ‘ભારત’ પડ્યું છે – એવો થાય. આ બે શબ્દોનો સંયુક્તાર્થ જોઈએ તો; મહાભારત એટલે મહાન ભારત અથવા ભરતના મહાન વંશજોનો ઇતિહાસ – એમ થાય. આ મહાકાવ્યના બનાવોનું સ્થળ કુરુઓનું પ્રાચીન રાજ્ય છે. આ કથા કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા મહાયુદ્ધના વિષય ઉપર રચાયેલી છે. હોમરનાં મહાકાવ્યો ગ્રીક લોકો ઉપર જે પ્રભાવ પાડતા હતા તે જ પ્રભાવ ભારતના પ્રજાજનો ઉપર આ મહાકાવ્યો પાડે છે.

મહાભારત એ આપણું સૌથી વધારે લોકપ્રિય મહાકાવ્ય છે. તેમજ વિશ્વના સૌથી મહાન ગ્રંથો પૈકી એક છે. આ ગ્રંથ અઢાર પર્વો –ભાગમાં વહેંચાયેલો છે. વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં તેમ તેમ તેમાં વિશેષ પ્રસંગો ઉમેરાતા ગયા; પરિણામે આજે તે એક લાખ શ્લોકોનો મહાન ગ્રંથ બની ગયો છે. કાળક્રમે તેમાં દરેક પ્રકારની વાતો, દંતકથાઓ, પુરાણકથાઓ, દાર્શનિક વિવેચનો, ઐતિહાસિક પ્રસંગો અને અનેક પ્રકારના વિષયોની ચર્ચા વખતોવખત ઉમેરાતી આવી છે. આમ અત્યારે તે એક મહાન સાહિત્યગ્રંથ બની ગયો છે. એમ તો જોકે આખાયે ગ્રંથમાં મૂળકથા તો ચાલુ જ રહે છે. ભારતના સામ્રાજ્યને માટે બે પિતરાઈ ભાઈઓનાં બે કુટુંબો – કૌરવો અને પાંડવો –ની વચ્ચે થયેલા યુદ્ધનો પ્રસંગ તેમાં કેન્દ્રસ્થાને છે. આ મુખ્ય કથાની સાથે આખું મહાકાવ્ય ભારતની અનેક પ્રકારની સેંકડો સુંદર પેટાકથાઓથી ભરપૂર છે. આ પેટાકથાઓમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગે પ્રાચીન ભારતની ઘણી સુંદર અને ગૌરવભરી વાતો આવે છે.

મહાભારતની મુખ્ય કથા સાથે જોડાયેલા આ કિસ્સાઓ, વાર્તાઓ અને દંતકથાઓનો મુખ્ય ઉદ્દેશ ધર્માચાર-લોકાચાર સંબંધી વ્યવહારજ્ઞાન-બોધ આપવાનો હતો. એટલે કે લોકરંજનની સાથે લોકશિક્ષણનું કાર્ય સરળતાથી પાર પડાતું. એ રીતે જોઈએ તો આ કથાઓ લોકોને ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ, ગ્રાહ્ય-ત્યાજ્ય, સ્વીકાર્ય- અસ્વીકાર્ય, જીવનનાં મૂલ્યો-નિયમો વગેરેથી જ્ઞાત કરવા માટેના એક બૌદ્ધિક-વૈચારિક તેમ જ દીર્ઘદૃષ્ટિપૂર્ણ સફળ આયોજનરૂપ હતી.

અમેરિકાની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધક મેડમ જોનીફર કહે છે કે ભારતની રામાયણ, મહાભારત, જાતકકથા, પંચતંત્ર કે બૌદ્ધ સમયની કથાઓ કહો તો તેમાં આવતા વિચારો કે બોધ જલદીથી બધા સ્વીકારશે. નર્યા ઉપદેશની અસર થતી નથી.

ધર્મનો અધર્મ પર તેમજ પુણ્યનો પાપ પર વિજય બતાવતું સમગ્ર મહાભારત મહાકાવ્ય માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યો તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ ઉત્કૃષ્ટ મહાકાવ્ય વિષે સ્વામી વિવેકાનંદજી આમ કહે છે : “મહાભારત વિષે તમારી સમક્ષ બોલતી વેળા મહર્ષિ વ્યાસે તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ પ્રતિભાથી જે મહાન વીરોનાં ભવ્ય અને ઉત્તમ ચરિત્રોની અનંત હારમાળા સર્જી છે, તેનું વર્ણન કરવું મારે માટે અશક્ય છે. ધર્મભીરુ, વૃદ્ધ, અંધ અને નિર્બળ રાજા ધૃતરાષ્ટ્રના અંતરમાં એક બાજુ ધર્મ અને બીજી બાજુ પુત્રપ્રેમ વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ, ભીષ્મપિતામહનું ભવ્ય ચારિત્ર્ય, યુધિષ્ઠિરની ઉદાત્ત, ધર્મપરાયણ પ્રકૃતિ તથા યુધિષ્ઠિરના ચારે ભાઈઓનાં પરાક્રમ, વફાદારી અને ભાતૃપ્રેમી સ્વભાવ, માનવજીવનના વ્યાવહારિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં અજોડ એવા શ્રીકૃષ્ણનું અનુપમ ચરિત્ર ગૌરવશાળી રાણી ગાંધારી, સ્નેહાળ માતા કુંતી, સદાય પતિવ્રતા અને સર્વ દુઃખને સહન કરનારી દ્રૌપદી – આ મહાકાવ્યનાં આ બધાં તથા આવાં સેંકડો પાત્રો તથા એવાં જ રામાયણનાં પાત્રો છેલ્લાં હજારો વર્ષોથી સમગ્ર ભારતીય જીવનનો મહામૂલો વારસો છે, અને તેમના વિચારો, સંસ્કૃતિ અને નૈતિક જીવનનો પાયો છે. વાસ્તવિક રીતે તો રામાયણ અને મહાભારત બંને, પ્રાચીન આર્ય જીવન અને આર્યજ્ઞાનના વિશ્વકોષ છે. આ કાવ્યોમાં એક આદર્શ સંસ્કૃતિના ચિત્રનું આલેખન કરવામાં આવેલ છે. જે આદર્શ માનવીને હજુ હાંસલ કરવાનો બાકી છે.”

માનવમૂલ્યો તેમજ જીવનમૂલ્યોથી ભરપૂર મહાભારતની એ સેંકડો કથાઓમાંની કેટલીક કથાઓ અત્રે રજૂઆત પામી છે. આ કથાઓ આપણી સમક્ષ માનવજીવનનાં શ્રેષ્ઠતમ મૂલ્યો પ્રસ્તુત કરે છે.

પ્રથમ કથા ‘અપૂર્વ ત્યાગ’નું કથાનક બહુ જાણીતું છે. કુમાર દેવવ્રતે પિતા માટે અનન્ય કહેવાય એવો ભોગ આપ્યો છે. દેવવ્રત સત્યવતીના પિતા નિષાદરાજ સમક્ષ ભીષ્મ પ્રતિજ્ઞા લે છે! પોતે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરશે એવું વેણ આપીને પોતાની આ ભીષ્મ પ્રતિજ્ઞા દ્વારા કુમાર દેવવ્રત ભીષ્મ બને છે. આમ જે સ્વજન છે – આત્મીય છે એને માટે કોઈ પણ ભોગ આપવો એ સંસ્કાર દેવવ્રતના ચરિત્રમાંથી પ્રાપ્ત થાય છે.

બીજી કથા ‘સત્તાનો મદ’ અધિકાર – પાત્રતા વિના મળેલી ઉત્તમ વસ્તુથી અર્થ સરતો નથી એવો સંદેશ આપી જાય છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ માટે અધિકાર – પાત્રતા આવશ્યક છે, એ વગર આપણે એ ઉત્તમ વસ્તુને જાળવી પચાવી શકીશું નહિ અને સ્વયંનો જ વિનાશ નોતરીશું. આ જ બાબતને વર્ણવતી ભક્તકવિ દયારામની કાવ્યપંક્તિઓ અવશ્ય મરે…

“ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુના ભરે.”

ત્રીજી કથા ‘દાનનો મર્મ’ દાનનું મહત્ત્વ બતાવે છે. સાચી તેમજ સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું નાનામાં નાનું દાન પણ શ્રેષ્ઠતમ છે. જ્યારે કોઈ અપેક્ષા-લાલચ સાથે, સામાજિક પ્રતિષ્ઠા સંપન્નતા કે સામર્થ્યના પ્રદર્શન માટે દંભપૂર્વક કરવામાં આવેલું મોટામાં મોટું દાન પણ નિમ્નતમ છે. દાન આપતી વખતેનો દાતાના મનના ભાવમાં જ દાનનો ખરો મર્મ છુપાયેલો છે.

ચોથી કથા ‘હૃદયપરિવર્તન’ પશ્ચાત્તાપના મહત્ત્વને સમજાવી જાય છે. ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર’ વારંવાર બોલાતી આ ઉક્તિ મનુષ્યના સ્વભાવને પ્રદર્શિત કરે છે. માનવીનો સ્વભાવ છે ભૂલો-અપરાધ કરવાનો, માનવ માત્ર માટે આ બાબત સહજ છે. ભૂલ કરવી કે થવી એના કરતાય મોટો દોષ એ છે કે એ ભૂલનો અહેસાસ થયા પછી પણ એનો પશ્ચાત્તાપ ન કરવો. અહીં કવિ કલાપીની કાવ્યપંક્તિઓ અચૂક યાદ આવે :

“હા, પસ્તાવો! વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે;
પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે.”

પાંચમી કથા ‘ધર્મનું રહસ્ય’ ધર્મપાલનની સાચી રીત જણાવી જાય છે. મનુષ્ય દ્વારા ગર્વપૂર્વક કરવામાં આવતા બાહ્યાચારો-કર્મકાંડો એ ધર્મનું પાલન નથી, પરંતુ ધર્મના અંતઃપ્રવેશથી એટલે કે ધર્મને અર્થ અને કામ સાથે જોડવાથી જ અર્થ અને કામ સપ્રયોજન અને પવિત્ર બને છે. માત્ર અંતઃપ્રવેશ, બાહ્ય સહચાર નહિ. ધર્મનું ખરું સ્વરૂપ અર્થ અને કામને અર્થાત્ વ્યવહારને પવિત્ર બનાવવાનું તે. માટે જ ધર્મને દુનિયાદારીના વ્યવહારનું સાધન બનાવતા લોકો દંભીઅણસમજુ છે. વળી, કરવામાં આવતાં કર્મો ફળની આશા વિના કરવાં જોઈએ. આ જ વાત ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આ રીતે કહી છે :

“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મ ફલહેતુભૂમાં તે સઞ્ઙોઽસ્ત્વકર્મણિ.”

એટલે કે;

તારો કર્મમાં જે અધિકાર છે. એનાં ફળોમાં કદાપિ નહિ. તેથી તું કર્મફળનું કારણ – ઈચ્છુક – ન થા. અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાઓ.

આ પાંચ તેમ જ આવી અન્ય કથાઓ મહાભારત તમે કાળની હોવા છતાં સામ્પ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે. આવી કથાઓના મહત્ત્વને પ્રદર્શિત કરતો ‘વર્લ્ડ સ્ટોરી ટેલિંગ ડે’ ૨૦માર્ચ, ૨૦૦૯ના રોજ ઉજવાઈ ગયો. વાર્તા વને આમ તો આબાલ વૃદ્ધ સૌને પ્રિય છે છતાં તેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને જીવનની સાદી ફિલસુફી, સદ્‌વર્તન અને ચારિત્ર્ય ઘડતરનો મોકો આપવાનો છે. બ્રિટન અને કેનેડામાં ‘સોસાયટી ફોર સ્ટોરી ટેલિંગ’ નામનું મંડળ છે. અમેરિકાનું આર્થિક દૈનિક વોલ સ્ટ્રીટ જર્નલ જ નહિ પણ ‘સાયન્ટિફિક કરી. અમેરિકન માઈન્ડ’ નામનું વિજ્ઞાનનું મેગેઝિન બાળકોને વાર્તા-કથા દ્વારા બોધ આપવાનું મહત્ત્વ સમજાવે છે.

અમેરિકાની એમોરી યુનિવર્સિટીએ સંશોધન માટે ૬૫ કુટુંબના ચૌદથી સોળ વર્ષનાં બાળકોને બોલાવીને પૂરવાર કર્યુ કે જે બાળકોને વાર્તા કહેવામાં આવતી હતી તે બાળકોને ડિપ્રેશન કે પરીક્ષાની ચિંતા ઓછાં સતાવતાં હતાં. ટેનેસી રાજ્યમાં જોન્સબરો ગામે તો ‘નેશનલ સ્ટોરી ટેલિંગ નેટવર્ક’ છે. શિકાગોમાં આરિફ ચૌધરી વૉલ્ટર પીટુન કૉલેજમાં પ્રૉફેસર છે. તેઓએ ૬ સપ્ટેમ્બર, ૨૦૦૭ ના રોજ શિકાગો ટ્રિબ્યુનને કહેલું કે તેઓ બચપણમાં બંગાળમાં રહેતા હતા ત્યારે દાદીમા વાર્તા કહેતા તેનાથી તેમનું ચારિત્ર્ય થડાયું છે.

બ્રિટનમાં સાઉથ શિલ્ડ્‌ઝ ગામની લાઈબ્રેરીમાં વર્લ્ડ સ્ટોરી ટેલિંગ ડે ને દિવસે પંચતંત્ર અને જાતકકથા કહેવાય છે. આ ઉપરાંત બ્રિટનમાં ‘ધ સોસાયટી ફોર સ્ટોરી ટેલિંગ’ દર વર્ષે દેશ પરદેશના વાર્તાકારો અને કથાકારોને બોલાવે છે. બાળકોનાં જીવન તેમજ ચારિત્ર્ય ઘડતરમાં વાર્તાનું કેટલું મહત્ત્વ છે તેને લગતા લગભગ ૪૦૦ લેખો અમેરિકા અને યુરોપનાં અખબારોમાં છપાયા છે.

ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન, હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂથી માંડીને સી. બી. એસ. ન્યૂઝ પણ બાળકના જીવનમાં વાર્તાનું કેટલું મહત્ત્વ છે તેના દાખલા આપતી સ્ટોરી છાપે છે.

આ માટે આપણે અનંત પાઈનો આભાર માનવો રહ્યો કે તેમણે પારખ્યું કે દક્ષિણ ભારતની શાળાનાં બાળકો ગ્રીક રાજાનાં નામ જાણતાં હતાં પણ ભગવાન રામચંદ્રની માતા (કૌશલ્યા)નું નામ જાણતાં નહોતાં!

આવી હાલત જોઇને તેમણે અમર ચિત્રકથા આદરી તેમાં રામાયણ, હનુમાન, કૃષ્ણ, શિવ, જાતક, પંચતંત્ર, અંગુલિમાલ, હરિશ્ચંદ્ર, નળદમયંતી, બીરબલ, અકબર, મહાભારત, શકુંતલા અને સાવિત્રીની વાર્તાઓ પ્રચલિત કરી.

અમેરિકાના ‘ન્યૂ યોર્કર’ નામના સાપ્તાહિકમાં વાર્તા વિભાગના તંત્રી વિલિયમ મેક્સવેલ નેવું વર્ષની વયે ટૂંકીવાર્તાનું મૂલ્યાંકન કરીને છાપે છે. તેમણે કહેલું કે જે જગતમાં વાર્તા ન હોય તે જગતમાં મારે જીવવું નથી. એ હિસાબે જોઈએ તો ઝવેરચંદ મેઘાણીએ ભક્ત કવિ દુલા ભાયા કાગે, આપણા તમામ ગઢવીઓએ અને રામકથા કહેનાર બાપુએ ગુજરાતને જિવાડ્યું છે.

ન્યૂયોર્કરના તંત્રી હેરલ્ડ રોસ વાર્તા છાપવાના શોખીન હતા. તેમણે કહેલું : “મને અનુભવ પરથી સમજાયું છે કે આપણું પોતાનું જીવન અનેક કથાઓથી ભરેલું છે. જિંદગી પોતે જ એક અદ્ભુત વાર્તા છે. આપણાં દાદીમાઓ વાર્તા કહે કે ન કહે, વાર્તા કદી મરવાની નથી. બાળકો ગમે ત્યાંથી વાર્તા પકડી લેશે.”

આજે ફ્રાંસ, જાપાન, સ્કોટલેન્ડ અને બીજા દેશોમાં ઝુંબેશ ચાલી છે કે ટેલિવિઝન સામે બાળકને ઓછું બેસવા દઈ વાર્તાના કલ્ચરને ફરીથી જગાડવું. અમૂલ્ય કથાઓનો ખજાનો ધરાવતા આપણા ભારત દેશમાં આવી ઝુંબેશ એ કિંમતી ખજાનાના વારસદારો એવા આપણે ક્યારથી આરંભીશું!!!

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.