ધર્મ અને આધ્યાત્મિકતાના અલગ અલગ અર્થ આપણે જોયા. પરંતુ ધર્મમાં આધ્યાત્મિકતાનો અર્થ સમાઈ જાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે કોલંબોથી અલમોડા સુધીનાં જે વ્યાખ્યાનો આપ્યાં છે, તેમાં એક બાબત ઉપર તેમણે વિશેષ ભાર મૂક્યો છે. અને તે છે, – ધર્મ, એ ભારતની કરોડરજ્જુ છે.’ જેમ કરોડરજ્જુ એ મનુષ્યના શરીરનો મુખ્ય આધાર છે, તેના વગર મનુષ્ય ઊભો ન રહી શકે, એ જ રીતે ધર્મ એ ભારતનો મુખ્ય આધાર છે. પરંતુ સ્વામી વિવેકાનંદ જે ધર્મની વાત કરે છે, તે ક્યો ધર્મ છે? તેમણે જાતિ, છૂતાછૂત, રસોડામાં બંધાયેલા ધર્મની તો ભારે આલોચના કરી છે.’ મને અડશો મા, મને અડશોમાં એ છૂતાછૂતનો ધર્મ એ કંઈ ભારતની કરોડરજ્જુ નથી. એ તો ભારતના શરીરમાં રહેલી બીમારી છે, કેન્સર છે. આ બીમારીને દૂર કરવી હોય તો અલગ પ્રયત્નની જરૂર છે. શુદ્ધ આધ્યાત્મિકતા લાવવાની જરૂર છે. આ આધ્યાત્મિકતા જ છે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ, એ જ છે ધર્મ અને સમાજનો પ્રાણ, એ જ છે આર્ય સભ્યતાનો પ્રાણ.

સ્વામી વિવેકાનંદ ધર્મની પરિભાષા આપતાં કહે છે કે, ‘Religion is realigiation of divinity, already in man ’ ધર્મ એટલે મનુષ્યના અંતરમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અનુભૂતિ.  આ દિવ્યતા કંઈ બહારથી લાવવાની નથી. એ તો પહેલેથી જ રહેલી છે. સાકાર ઈશ્વરદર્શન એ પ્રારંભિક આધ્યાત્મિક અનુભૂતિ કહી શકાય.આ દર્શન પહેલાં નહોતું, પરંતુ પ્રાર્થનાથી, તપસ્યાથી આ દર્શન થયું, પણ પછી એ કાયમ ટકતું નથી. આથી મૂર્તિદર્શનને સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ કહી શકાય નહીં. પરંતુ પ્રારંભમાં આ અનુભૂતિ સારી છે, વિકાસની સૂચક છે. પણ આટલેથી અટકી જવાનું નથી. એનાથી આગળ જવાનું છે. શ્રીરામકૃષ્ણ કહે છે તેમ ‘એગિયે જાવ, એગિયે જાવ.’ જ્યાં સુધી આધ્યાત્મિક અનુભવ ન થાય, જ્યાં સુધી પરમાત્મા સાથે એકતાનો અનુભવ ન થાય ત્યાં સુધી અવિરત આગળ વધતા જ રહેવાનું છે. સ્વામી વિવેકાનંદ જે ધર્મની વાત કરે છે, તે આ આધ્યાત્મિકતાના અર્થમાં છે. ભલે ત્યાં આ સર્વોચ્ચ શબ્દ ધર્મ તરીકે વ્યક્ત કર્યો છે. પણ વાસ્તવમાં તે આધ્યાત્મિકતા જ છે. તેઓ કહે છે કે ‘મારા સમસ્ત ઉપદેશોનો સાર આ છે કે પ્રત્યેકની અંદર રહેલી દિવ્યતાને જાગૃત કરવી અને દૈનંદિન જીવનમાં એને કેવી રીતે અભિવ્યક્ત કરવી એ શીખવાડવું.’ મનુષ્યજીવનમાં સુપ્ત રહેલી દિવ્યચેતનાને જગાડવા માટે જ અવતારો આવે છે. અવતારો માત્ર વિધિનિષેધ શીખવાડવા આવતા નથી. શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ આ દિવ્યતાની સ્થાપના માટે પૃથ્વી ઉપર આવ્યા હતા.

આપણો ધર્મ એ સાંસારિક ધર્મ છે. એ શુદ્ધ આધ્યાત્મિકતા નથી. તો શુદ્ધ આધ્યાત્મિકતા શું છે. એ આપણે જાણવું જોઈએ. જ્યાં સુધી એ ન જાણીએ ત્યાં સુધી આપણે આગળ ગતિ કરી શકીએ નહીં. આ સમજવા માટે આપણે એક દૃષ્ટાંત કથા જોઈએ. એક મહંત પાસે એક શ્રીમંત ગૃહસ્થે આવીને ફરિયાદ કરી કે ‘મહારાજ, મનમાં ક્યાંય શાંતિ નથી. કેટલાય આશ્રમોમાં જઈ આવ્યો પણ ત્યાંય શાંતિ ન મળી.’ મહંતે પૂછ્યું; ‘કેટલા સમયથી આવી સ્થિતિ છે?’ ‘એક વરસથી.’ તેણે કહ્યું, ‘એક વરસ પહેલાં કંઈ બન્યું હતું? હા મહારાજ.’ એમ કહીને તેણે એક વરસ પહેલાં બનેલી વાત કહી કે જ્યારે તેનો એકનો એક દીકરો નિમ્નજાતિની છોકરીને પરણીને આવ્યો ત્યારે તેણે ગુસ્સે થઈને કહી દીધું હતું કે, ‘આ છોકરી સાથે તું ઘરમાં નહીં આવી શકે? કાં તો છોકરી અને કાં આ ઘર? બેમાંથી એક પસંદ કરવું પડશે. અને છોકરો એ છોકરી સાથે ઘર છોડીને ચાલ્યો ગયો. દિલ્લીમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે. મજૂરીનું કામ કરે છે. મારા પત્ની મને રોજ કહ્યા કરે છે કે નિમ્ન જાતિની છોકરી હતી તો શું થઈ ગયું? એને તો હું કેળવી લેત. પણ મારો દીકરો કેટલો દુ:ખી છે ત્યારથી ઘરમાં શાંતિ નથી.’ આ સાંભળીને મહારાજે કહ્યું, ‘તને કોઈ આશ્રમોમાં શાંતિ નહીં મળે. કારણ કે તારી અશાંતિનું કારણ છે તારા દીકરાને તેં કરેલો અન્યાય. પુખ્ત દીકરાને જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર તો હોય કે નહીં? આપણા શાસ્ત્રમાં તો પુત્ર સોળ વર્ષનો થાય ત્યારે પિતાએ તેની સાથે મિત્ર જેમ વર્તવું તેમ કહ્યું છે. ‘હવે તારે શાંતિ જોઈતી હોય તો અશાંતિનું કારણ દૂર કરી દે. તારા પુત્રની માફી માંગીને તેને ઘરમાં પાછો લઈ આવ.’ તેણે એ પ્રમાણે કર્યું. પછી એકાદ-બે મહિના બાદ મહારાજને મળવા ગયો ત્યારે તેણે કહ્યું : ‘મહારાજ, હવે બહુ જ શાંતિ છે. મારી પત્ની બહુ જ ખુશ છે અને દીકરાની વહુ તો શું વાત કરું. ભલે ભિન્ન જાતિની છે, પણ એના ગુણોથી તો એ દેવી જેવી છે. ઘરમાં આનંદ આનંદ છે.’ તો આ દુ:ખ કોણે ઉત્પન્ન કર્યુ હતું? એ ગૃહસ્થે પોતે જ ઉભું કરેલું. એમ આપણે આપણી ખોટી જીવનદૃષ્ટિને લઈને દુ:ખ ઉત્પન્ન કરીએ છીએ. આ દુ:ખને નિવારવા મંદિર, આશ્રમ વગેરે સ્થળોએ જઈએ છીએ, પણ જ્યાં સુધી આ જીવનદૃષ્ટિ બદલતાં નથી ત્યાં સુધી દુ:ખ દૂર થતું નથી. એટલે દુ:ખ દૂર કરવા માટે બે ઉપાય છે; એક જીવનદૃષ્ટિ બદલવાની. બીજો છે, સંપૂર્ણ અનાસક્ત બનવું, નિર્લેપ થઈ જવું. જેઓ અનાસક્ત છે, નિરહંકારી છે, તેમને દુ:ખ નહીં થાય કારણ કે તેમને મિથ્યા આગ્રહ નહીં હોય. આધ્યાત્મિક વ્યક્તિઓમાં કયારેય પણ મિથ્યા આગ્રહ હોતો નથી.  કારણ કે તેમનામાં અહંકાર હોતો નથી. અહંકાર છોડવાથી મિથ્યા આગ્રહ જશે અને એ જવાથી દુ:ખ પણ જશે. દુ:ખમુક્તિ માટે સાચી જીવનદૃષ્ટિ, સમ્યક્‌ દૃષ્ટિની જરૂર છે. ભગવાન બુદ્ધે સમ્યક્‌ દૃષ્ટિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. સમ્યક્‌ દૃષ્ટિ એટલે જગતનું જે સ્વરૂપ છે, તે સમજી લેવું, હું કોણ છું, એ પોતાનું સ્વરૂપ સમજી લેવું, પરમાત્માનું સ્વરૂપ સમજી લેવું, પોતાનો અને પરમાત્માનો પરસ્પર સંબંધ સમજી લેવો. પોતાના જીવનનું ધ્યેય જાણી લેવું. જ્યાં સુધી આ દૃષ્ટિ ન આવે ત્યાં સુધી આધ્યાત્મિક જીવનનો આરંભ થતો નથી.

ધર્મજીવન સહજ છે, તે સ્વાભાવિક રીતે મળી જાય છે. પણ આધ્યાત્મિક જીવન માટે પ્રયત્ન કરવો પડે છે. બધા મંદિરમાં જાય છે અને તમે પણ મંદિરમાં જાઓ છો. ભગવાનને પગે લાગો છો. અને પાછા બહાર આવો છો. પણ તમે મંદિરમાં ગયા ત્યારે જેવા હતા. એવા ને એવા જ બહાર નીકળો છો.

તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, આસક્તિ બધું એવું ને એવું જ રહે છે. તેમાં બિલકુલ પરિવર્તન આવતું નથી. તમારી આત્મચેતનામાં ફેરફાર થતો નથી. આ ધર્મજીવન તો છે, પણ આધ્યાત્મિક જીવન નથી. આધ્યાત્મિક જીવનમાં દૃષ્ટિનું પરિવર્તન કરવાનું છે. બાહ્યદૃષ્ટિને અંતર્મુખ કરવાની છે. આપણી ઈંદ્રિયો અને મનને તો બહિર્મુખ બનાવવામાં જ આવ્યાં છે. તેમાં આપણો દોષ નથી. એમની રચના જ એવી રીતે કરી છે. કઠોપનિષદમાં કહ્યું છે :

पराश्चिखानि व्यतृणात्स्वयंभू-
स्तस्मात्पराड् पश्यति नान्तरात्मन् ।
कश्चिद्धीर: प्रत्यगात्मानमैक्ष-
दावृत्तचक्षुरमृतत्त्वमिच्छन् ॥ (४ : १)

પરમાત્માએ ઈંદ્રિયોને બહિર્મુખ કરીને તેનું હનન  કરી દીધું છે. તેથી તે બહારના જગતને જ જુએ છે. અંતરાત્માને નહીં. અમૃતત્ત્વની ઇચ્છાવાળા કોઈ ધીરપુરુષ પોતાની ઈંદ્રિયોને રોકીને અંતર્મુખ કરી દે છે – તેઓ જ અંતરાત્માને જોઈ શકે છે.

આપણી ઈંદ્રિયોના મુખ જ બહાર છે. તેથી તે બહારનું જ જુએ છે. જ્યાં સુધી તે બહારનું જુએ છે, ત્યાં સુધી તે જગતને જુએ છે અને જગતમાં તો દુ:ખ જ છે. સર્વમ્‌ દુ:ખમ્‌. આ બુદ્ધનો પ્રથમ સિદ્ધાંત છે; જગતમાં દુ:ખ જ છે. આ દુ:ખમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને એ માટેનો ઉપાય છે. આ બુદ્ધના ઉપદેશના પાયા છે.

જગત દુ:ખરૂપ જ છે. કોના જીવનમાં દુ:ખ નથી? ક્યા પતિ-પત્ની, પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, સાસુ-વહુના સંબંધો પ્રેમભર્યા – નિખાલસ હોય છે. કદાચ ઉપર ઉપરથી સારા દેખાતા હોય પણ એ ભારેલા અગ્નિ જેવા હોય છે. ક્યારે ભભૂકી ઊઠે તે કહી શકાતું નથી. અહંકાર, મિથ્યા આગ્રહ અને આસક્તિ, ઘર-પરિવારમાં વિસ્ફોટક સ્થિતિ સર્જે છે. એકબીજાનો દોષ જોવો, શંકા કરવી, પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ – આ બધાં વિસ્ફોટનાં પરિબળો છે. પત્નીને પતિ પ્રત્યે શંકા જાગે કે પતિને પત્નીના ચારિત્ર્ય પ્રત્યે શંકા ઊભી થાય તો જીવન ઝેર જેવું થઈ જાય છે. કેમકે શંકા એ ઝેર જ છે. પ્રેમમાં વિશ્વાસ જોઈએ. વિશ્વાસ એ સંબંધોને ગાઢ રીતે જોડતું રસાયણ છે. જ્યાં વિશ્વાસ છે, પ્રેમ છે, ત્યાં હંમેશા સારી બાજુ જ જોવામાં આવે છે. સારી બાજુ જોવાની દૃષ્ટિ કેળવવાની છે. આધ્યાત્મિક જીવનમાં અહંકારનો વિલય કરવાનો છે. તેથી મિથ્યા આગ્રહ ઓછો થશે. આસક્તિ ઓછી થશે. સ્વાર્થ ઓછો થશે. શોષણ ઓછું થશે. જ્યારે મનુષ્યને સ્વાર્થ હોય તો તે બીજા મનુષ્યનું શોષણ કરે છે, બીજા મનુષ્યનો સાધન તરીકે ઉપયોગ કરે છે. પશ્ચિમનો મહાન તત્ત્વવેત્તા કેન્ટ કહે છે, ‘મનુષ્ય બીજા મનુષ્યનો સાધન તરીકે ઉપયોગ કરે એ ક્રિમિનલ પ્રવૃત્તિ છે. ગુનાહીત પ્રવૃત્તિ છે.’ જ્યાં મનુષ્યનો સાધન તરીકે ઉપયોગ થાય ત્યાં પ્રેમ નથી, પ્રેમ હોય ત્યાં લેવાની નહીં પણ આપવાની ભાવના હોય છે. બીજાની સેવા કરવાની, બીજાને સહાય કરવાની વૃત્તિ હોય છે. આ સ્થિતિ ત્યારે જ આવે કે જ્યારે મન અને ઈંદ્રિયો અંતર્મુખ બને. ધીર, બુદ્ધિમાન અને વિવેકશીલ મનુષ્ય ઈંદ્રિયોને અંતરમાં વાળે, બહાર વહેતા પ્રવાહને, અંતરમાં વાળે અને બહારના જગતમાં નહીં પણ આત્મચેતનામાં રહે ત્યારે આધ્યાત્મિક જીવન જીવાતું થાય.

કેન ઉપનિષદમાં કહ્યું છે :

प्रतिबोधविदितम्‌ मनम्‌ આધ્યાત્મ જ્ઞાનની સાધનાનું આ સૂત્ર છે. જ્યારે ધ્યાનમાં બેસો છો, ત્યારે મનમાં વૃત્તિઓ વિચારો આવે છે ને જાય છે. વિચારો સિનેમાના પરદા પર પડતાં દૃશ્યોની જેમ આવતા જતા દેખાય છે. પરંતુ પરદો સ્થિર જ રહે છે. તેવું જ મનનું પણ છે. મનનો બોધ કરનારી એક ચેતના છે, તે સ્થિર જ રહે છે. તે ચેતના વિચારોને જોતી રહે છે. એથી મન સજાગ બને છે. ધીમે ધીમે શાંત થવા લાગે છે. મન શાંત થઈ જતા આત્મચેતના સજાગ બને છે. ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થતાં મનનો વિલય થાય છે. મનનો વિલય થવો, અહંકારનો વિલય થવો અને ચેતના જાગૃત થવી એ આત્મસ્થિતિ છે. આ જ્ઞાનયોગનો માર્ગ છે. જ્યારે હું ચાલું છું, ખાઉં છું, બોલું છું, ત્યારે હું કોણ છું, એ આત્મ સ્વરૂપનો બોધ બધો જ વખત જાગૃત રહે તો જીવન આધ્યાત્મિક થઈ ગયું ગણાય. તે વખતે જ્યારે હું ચાલું છું ત્યારે ખબર પડે છે કે આ શરીર ચાલી રહ્યું છે, પણ તેમાં જે આત્મા છે, તે સ્થિર છે. ખાવું-પીવું, કામ કરવું, દરેક સ્થિતિમાં આત્મા જાગૃત છે. જ્યારે કંઈ કામ નથી, ત્યારે આત્મસ્થિત છું. આ ભાવ પહેલાં તો વિચારોના સ્તરમાં રહે છે, પણ પછી ધીમે ધીમે ચેતનામાં સ્થિર થઈ જાય છે. અને ત્યારે અહંકાર ધીમે ધીમે છૂટવા માંડે છે. આસક્તિ છૂટવા માંડે છે. કેમકે અહંકારને તમે જુઓ છો, આસક્તિને તમે જુઓ છો. જેને તમે જુઓ છો, એ તમે નથી. તમે માત્ર સાક્ષી છો. સાંખ્યયોગમાં કહ્યું છે, માયા એ તો શરમાળ યુવતી જેવી છે. જો તમે એના તરફ દૃષ્ટિ કરશો તો એ ઘૂંઘટ તાણીને ભાગી જશે. એ જ રીતે તમે મનના વિચારોને અલગ થઈને જોશો તો તેઓ પણ ઘૂંઘટ તાણીને ભાગી જશે. એટલે કે સાક્ષીભાવે જુઓ. આત્મજ્ઞાન પામવાનો આ ઉપાય છે. પણ જ્યાં સુધી આપણે અંતર્મુખ થતા નથી. ત્યાં સુધી આત્મચેતનાની જાગૃતિ નહીં થાય. પરંતુ આપણે અંદર તરફ જવાને બદલે, અંદર શોધવાને બદલે બહાર શોધીએ છીએ એટલે સાચું સુખ મેળવી શકતાં નથી.

આ સંદર્ભમાં એક દૃષ્ટાંતકથા છે. એક રાણી પાલખીમાં બેસીને દાસ-દાસીઓ – સિપાહીઓ સાથે પોતાના પિયર જઈ રહી હતી. રસ્તામાં નદી આવી. ત્યાં સ્નાન કરવા રોકાઈ. પોતાનાં વસ્ત્રાભૂષણો નદી કિનારે ઉતારીને દાસીઓ સાથે સ્નાન કરવા ગઈ. સિપાહીઓ દૂર દૂર ચોકી કરતા હતા. જ્યારે તેણે સ્નાન બાદ પોતાનાં વસ્ત્રાલંકારો પાછા પહેર્યા તો તેમાંથી નવલખો હાર ગાયબ હતો! ત્યાં કોઈ આવ્યું નહોતું અને હાર કોણ લઈ ગયું? ભારે શોધકરી. પણ પછી નદીમાં હાર દેખાયો. તેના સેવકો નદીમાં હાર લેવા ઊતર્યા. પણ હાર દેખાતો હતો, પણ હાથમાં પકડાતો નહોતો. ખૂબ મહેનત કરી પણ હાર હાથમાં આવ્યો નહીં તેવામાં ત્યાંથી એક સાધુ નીકળ્યા. તેઓ દૂરથી જોતા આવતા હતા કે આ લોકો કંઈક શોધી રહ્યા છે. પૂછતાં ખબર પડી કે નદીના પાણીમાં હાર દેખાય છે, છતાં તે હાથમાં આવતો નથી. સાધુ સમજી ગયા. તેમણે નીચે જોવાને બદલે ઉપર જોયું તો હાર ઉપરના વૃક્ષની નદીમાં પડતી ડાળીએ લટકતો હતો અને નદીમાં તો તેનું પ્રતિબિંબ પડતું હતું. એમાં એવું થયું હતું કે સમડીએ ચળકતી વસ્તુ સાપ છે, એમ માનીને પકડી લીધો ને ઝાડ પર લઈ ગઈ. પણ સાપ નહોતો એટલે તેને છોડી દીધો, તે હાર ડાળીએ અટવાઈ ગયેલો. સાધુએ કહ્યું, તમે ખોટી જગ્યાએ શોધો છો જીવનભર શોધશો તો ય તે હાર ત્યાં નહીં મળે. કેમકે તે ત્યાં છે જ નહીં. ત્યાં તો માત્ર પ્રતિબિંબ જ છે. આપણા જીવનનું પણ આવું છે જ છે આપણે જીવનનાં સુખોને, અહંકારની તૃપ્તિને જ્યાં શોધીએ છીએ ત્યાં તે છે જ નહીં. જીવનભર શોધતાં રહીએ તો પણ તે મળવાનાં નથી જ.

કેન્દ્રમાં આત્મા છે. આત્માનો વિસ્તાર જ પરમાત્મા છે. પણ ‘પાની મેં મીન પ્યાસી, મુજે દેખત આવે હાંસી’ – એના જેવી આપણી સ્થિતિ છે. માછલી પાણીમા રહે છે. અને છતાં તે તરસી રહે ને પાણીને શોધે. તેવી જ રીતે આપણે પરમાત્મામાં રહીએ છીએ. આપણી અંદર પરમાત્મા છે, છતાં આપણે તેને બહાર ચારેબાજુ શોધીએ છીએ. પણ તે મળતા નથી. એ તો જ્યારે આપણે અંતર્મુખી થશું, ત્યારે જ અંતરમાં તેમને જાણશું, એટલે પછી બહાર સર્વત્ર પણ એમનો અનુભવ કરી શકશું. આ જાણવાની પ્રક્રિયા એ છે સાધના. એને લઈને જીવન જીવવું એ છે આધ્યાત્મિક જીવન. એમાં દૃષ્ટિ પરિવર્તન કરવાની વાત છે. શરીર, મન, અહંકાર અને સ્વાર્થની જગ્યાએ આત્મ સજગતા લાવવાની છે.

આ આત્મસજગતા કેવી રીતે પ્રાપ્ત કરવી?

આત્મસજગતા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે, સાક્ષીભાવ કેળવવાનો. આ શરીર કામ કરે છે, પણ હું શરીર નથી. પરંતુ શરીર સાથે હું ઓતપ્રોત છું. એથી શરીરનું દુ:ખ મારું દુ:ખ બની જાય છે. પણ આ અજ્ઞાન છે. સાચી દૃષ્ટિ એ છે કે શરીર એ સાધન છે. એ મારું યંત્ર છે. એને ચલાવનાર તો કોઈ બીજું જ છે. એ જ રીતે મનનું પણ છે. મનમાં સારા વિચારો આવે, ખરાબ વિચારો પણ આવે. મન સાથે મારી જાતને એક રૂપ કરી દીધી હોવાથી એટલે એ દુ:ખી તો હું પણ દુ:ખી થઈ જાઉં છું. પરંતુ એ ય માત્ર યંત્ર છે. અહંકાર પણ મારો નથી.

એ ભલે મારી અંદર છે, પણ એ હું નથી. આ બધાંને એક ચેતના જોઈ રહી છે. જે સદાય સ્થિર છે. એ સાક્ષી ચૈતન્ય એ હું છું. એના ઉપર જ્યારે ધ્યાન ધરવામાં આવે ત્યારે સાક્ષીભાવ પ્રબળ બનતા પછી અંદરના કેન્દ્ર સાથે અનુસંધાન થઈ જાય છે. અને આ આત્માનુભુતિ પોતાની અંદર થાય છે. અને પછી બધાંમાં પણ એ જ તત્ત્વ રહેલું છે, એનો બોધ થાય છે અલગતા ચાલી જાય છે, બધાં એક જ છે.

એ સર્વાત્મભાવનો અનુભવ થાય છે. આ સર્વાત્મભાવથી બધાં સાથે જે વ્યવહાર છે તેમાં બીજાને અન્યાય કરવો, બીજાનું શોષણ કરવું. સ્વાર્થ સાધવો તેવું રહેતું જ નથી. કારણ કે બીજાં એ પણ પોતાના આત્માનો જ વિસ્તાર છે. આ એ સાચો વ્યવહાર છે. પરંતુ આ સ્થિતિ તો સર્વોચ્ચ સ્થિતિ છે. ત્યાં પહોંચ્યા પછી કોઈ સમસ્યા જ રહેતી નથી. પણ હજુ માર્ગની શરૂઆત હોય, આ અનુભવ ન થયો હોય ત્યારે કેવી રીતે વ્યવહાર કરવો?

સ્વામી વિવેકાનંદે શિવભાવે જીવસેવાનું સૂત્ર જે એમણે શ્રીરામકૃષ્ણદેવના મુખે એકવાર સાંભળ્યું હતું તેમાં દરેકમાં પરમાત્મા રહેલા છે, તેની સેવા કરવાની વાત કહેલી છે. કોઈ મનુષ્યની સેવા નહીં, પણ તેની અંદર રહેલા પરમાત્માની સેવા – એ દૃષ્ટિ રાખી કાર્ય કરવાથી અહંકારનો બોધ રહેતો નથી. પરમાત્મા તો દરેકમાં રહેલા છે. એ પરમાત્મા માટે કાર્ય થાય તો ભલે સંસારમાં હોય તો પણ એ કાર્ય સાધનારૂપ બની જાય છે. પરંતુ અત્યારના વ્યવહારમાં અહંકારથી જ બધાં કાર્યો થાય છે, એટલે સમસ્યાઓ સર્જાય છે. પતિ-પત્નીના વ્યવહારમાં પણ અહંકાર છે, સ્વાર્થ છે, આસક્તિ છે. એટલે એકતા હોતી નથી. શુદ્ધ પ્રેમ હોતો નથી. શુદ્ધ પ્રેમ તો આત્મામાંથી આવે છે અને તે ભાગ્યે જ જોવા મળે છે. ગંગા સતત વહેતી રહે છે, એટલે એ નિર્મળ છે, શુદ્ધિ છે, પવિત્ર છે પણ જો ક્યાંય તેનો પ્રવાહ બંધાઈ ગયો, રૂંધાઈ ગયો, તો તે ગંધાઈ જશે. ઉપયોગને લાયક નહીં રહે. એવું જ પ્રેમના પ્રવાહનું છે. એ જો સીમિત સંબંધો – માતા-પિતા, પતિ-પત્ની, ધન – સત્તા, કોઈપણ સંબંધમાં બંધાઈ ગયો – એટલે કે આસક્તિ થઈ તો પછી બીમારીઓ આવશે. વિકૃતિઓ સર્જાશેને વિનાશ ને માર્ગે લઈ જશે.

પરંતુ હિમાલયમાંથી નીકળેલું ઝરણું સતત વહેતું વહેતું, ગંગા જેવી વિરાટ નદી બનીને વિરાટ સાગરમાં જેમ વિલિન થઈ જાય, તેમ આત્મદૃષ્ટિનો પ્રવાહ સતત વહેતો વહેતો વિશ્વના કેન્દ્ર સાથે એકરૂપ થઈને સચ્ચિદાનંદ સાગર સ્વરૂપમાં વિલિન થઈ જશે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો પ્રારંભ, પરમાત્માએ મને પૃથ્વી ઉપર મોકલ્યો છે, અને હું તેમની સેવા કરું છું, એ ભાવ રાખી દરેક કાર્યો કરવાથી થાય છે. ભલે આત્મદૃષ્ટિ ન ખુલી હોય પણ સેવાદૃષ્ટિ તો કેળવી શકાય છે. શ્રીરામકૃષ્ણદેવે મોટાઘરની કામવાળીની જેમ રહેવાનું જે ઉદાહરણ આપ્યું તે પ્રમાણે અનાસક્ત ભાવે રહી કામ કરી શકાય છે. જે કંઈ કરું છું. તે બધું પરમાત્મા માટે છે, એ ભાવ પણ કેળવી શકાય છે. જેમ ગીતા (૯ : ૨૭)માં કહ્યું છે.

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्।
यत्तवयसि कौंतेय तत्कुरुष्व मदर्पणम्॥

તું જે કંઈ પણ કરે, જે ખાય, હોમે, જે આપે, જે  તપ કરે, તે સર્વ હે કૌંતેય! મને જ અર્પણ કર્યા કર. અર્પણનો આ માર્ગ એ ભક્તિમાર્ગ છે. શરણાગતિનો માર્ગ છે, એ દ્વારા પણ આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ જલદી થાય છે.

સાચો ધર્મ એ અનુભૂતિનો વિષય છે. મહાન ચિંતક અબ્રાહમ મોસ્લો કહે છે કે ઇીનૈર્યૈહ ૈજ ેીચં ીટેીિૈચહબી કર્ રેસચહ નૈકી. અહીં ધર્મ એ ઘણા જ ગહન અર્થમાં પ્રયોજાયેલો શબ્દ છે. જે માનવજીવનની સર્વોચ્ચ અનુભૂતિ આપે છે. આ સર્વોચ્ચ અનુભવ એટલે પરમાત્માનો અનુભવ. એ અનુભવ જ જીવનની સાર્થકતા આપે છે. સામાન્ય રીતે જે ધાર્મિક જીવન છે તે વિધિવિધાનો અને ક્રિયાકાંડ સાથે સંબંધિત છે. એ સંસાર ચલાવવા માટે છે. પણ પરમાત્મા પ્રાપ્તિ માટે એ નથી.

આધ્યાત્મિક વિકાસ કરવો હોય, આત્મજ્ઞાન મેળવવું હોય તો અંદરમાં જ વળવું પડે અને એ આ મનુષ્ય યોનિમાં જ થઈ શકે છે. પશુયોનિ અને દેવતાઓની યોનિ એ ભોગ યોનિ છે. પશુઓમાં જે પ્રોગ્રામ અંદર બેસાડી દીધેલો છે, એ પ્રમાણે જ તેઓ કામ કરશે, એમાં વિકાસની શકયતા નથી. મનુષ્યમાં કેટલાક પ્રોગ્રામ નક્કી કરેલ છે. કેટલાક ‘ઓપન’ છે, જે ઓપન છે, તેમાં પશુત્વથી દેવત્વ અને દેવત્વથી ઈશ્વરત્ત્વ તરફ ગતિ કરી શકાય છે. મનુષ્ય ઇચ્છે તો જીવનમાં ચરમસીમા સુધી એટલે પરમાત્મા સુધી પહોંચી શકે છે. આવી અદ્‌ભુત શકયતા મળેલી હોવા છતાં મનુષ્યો દુ:ખી છે, એનું કારણ અજ્ઞાન છે. આવું ઉત્તમ મનુષ્યજીવન મળ્યા પછી પણ પરમાત્માનું ઉદ્‌ઘાટન ન થાય તો એ જીવન વૃથા છે.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.