સૌરાષ્ટ્રની ભૂમિ એ શ્રીકૃષ્ણની લીલાભૂમિ છે. તેથી તે પુણ્યભૂમિ છે. આ ભૂમિના ખૂણેખૂણામાં શ્રીકૃષ્ણનું પદાર્પણ થયેલું છે. શ્રીકૃષ્ણની ચરણધૂલિથી પવિત્ર બનેલી આ ભૂમિની હજારો વર્ષની પુરાની સંસ્કૃતિ છે. શ્રીકૃષ્ણ એટલે? ‘કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્‌’. પૂર્ણ પુરુષોત્તમ. ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ રૂપે આ ધરતી પર વિહર્યા છે. દ્વારકાથી માંડીને સોમનાથ, પોરબંદર, જૂનાગઢ બધે સ્થળે શ્રીકૃષ્ણ ફર્યા છે. શ્રીકૃષ્ણે ગીતા જેવું ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક આપ્યું છે, જેમાં તેમણે જીવનનો ધર્મ સમજાવ્યો છે. ગીતામાં તેમણે અધ્યાત્મનાં સર્વ પાસાંને આવરી લીધાં છે. ગીતા એ મનુષ્યને આધ્યાત્મિકતા પ્રદાન કરતો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે કે જેની સરખામણી બીજા કોઈ ધર્મગ્રંથ સાથે કરી શકાય નહીં. બાઈબલનો ઉપદેશ અશિક્ષિત સામાન્ય લોકોને આપવામાં આવેલો હોવાથી તેની ભાષા, તેના ઉદાહરણો ગ્રામ્ય જણાય છે. કુરાન લડાકુ જાતિને આપવામાં આવેલો ઉપદેશ હોવાથી તેમાં તેવા પ્રકારનાં શબ્દો અને ઉદાહરણો પ્રયોજાયેલાં છે. જ્યારે ગીતાની ભાષા, શબ્દરચના, દૃષ્ટાંતો અને પરમ સત્યનું સર્વાંગી ઉદ્‌ઘાટન અતુલનીય છે. કારણ કે વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિએ તે સમયના શ્રેષ્ઠ શિક્ષણ પામેલા સુસંસ્કૃત, મહાપરાક્રમી યોદ્ધાને આપેલો એ ઉપદેશ છે. વળી શ્રીકૃષ્ણનો એ સમય પણ સંસ્કૃતિના વિકાસની દૃષ્ટિએ ભારતનો શ્રેષ્ઠ સમય હતો. ગીતા જેવા ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનના પ્રદાતાની આ ભૂમિમાં આપણે ધર્મનો સર્વશ્રેષ્ઠ પ્રકાશ જોવાની આશા રાખીએ તે સ્વાભાવિક જ છે.

પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. અહીં ગુજરાતમાં મંદિરોની સંખ્યા વિશેષ રૂપે જોવા મળે છે. અહીંની ગલીએ ગલીએ મંદિરો છે. રામ, શિવ, શક્તિ, કૃષ્ણ, હનુમાનજી, ગણેશ વગરેનાં અનેક મંદિરો છે. લોકો દરરોજ સવાર-સાંજ મંદિરમાં દર્શન કરવા જતા હોય છે. પુષ્પ, ચંદન, ધૂપ-દીપ, નૈવેદ્ય પણ ધરતા હોય છે. પ્રાર્થના પણ કરતા હોય છે. પરંતુ આ ઉપર ઉપરનો ભાગ છે. આ ધાર્મિકતા છે. લોકોના આચારમાં આ છે. પણ તેમના માંસ મજ્જામાં આ નથી. વળી વિચારમાં પણ બહુ પ્રમાણમાં આ નથી. મંદિરમાં જવું, પ્રણામી ધરવી, પૂજા કરવી, વ્રત કરવાં, સત્યનારાયણની કથા કરવી, તીર્થયાત્રા કરવી, દાન આપવું વગેરે ધાર્મિક કાર્યો કરવાથી ધર્મ સમાપ્ત થઈ જતો નથી. આ બધું એ ધર્મ નથી પણ સંસારનો વિસ્તાર છે. મંદિરમાં દેવતાઓ પાસે જઈને સંસારની જ કામનાઓની પૂર્તિની માંગણી કરવામાં આવે છે. એ બીજું કંઈ નથી પણ સંસારનો જ વિસ્તાર છે. ધર્મ અને આધ્યાત્મિકતા એક નથી. આપણે આચારમાં ધાર્મિક છીએ. વિચારમાં ઓછા ધાર્મિક અને અંતરમાં તો બિલકુલ નહીં. અંતરમાં તો ધર્મને બદલે સંસાર છે. આપણું જીવન જન્મથી મૃત્યુ સુધીની કામનાઓની પૂર્તિ માટેની દોડ છે, જે ક્યારેય પૂરી થતી નથી. આ દોડ તો અનંત જન્મો સુધી ચાલતી રહે છે.

આંખ મીંચીને દૃષ્ટિ કરતાં જણાય છે કે મનુષ્ય જન્મે છે, ત્યારથી તેની ભાગદોડ શરૂ થઈ જાય છે. બાળકનો જન્મ થાય છે, ત્યારે તે માતાના દૂધ માટે રડે છે. અલબત્ત આ તેની શારીરિક આવશ્યકતા છે. પણ તે માટે તેનું ભાગવાનું શરૂ થઈ જાય છે. મોટાં થતાં તે શિક્ષણ મેળવવા માટે દોડે છે. શિક્ષણથી સારું જીવન મળે, ધનસંપત્તિ મળે – આ બધું તેનાં માતાપિતાએ શીખવ્યું છે, એટલે તે શિક્ષણ માટે દોડે છે. શિક્ષણ મેળવી લીધા પછી પણ તેની દોડ પૂરી થતી નથી. પછી લગ્ન, બાળકો, બાળકોનો અભ્યાસ, એમને ઠેકાણે પાડવા- આમ જીવનભર મનુષ્ય દોડતો જ રહે છે. તો પ્રશ્ન ઊઠે છે કે શા માટે તે જીવનભર દોડતો જ રહે છે?

ત્રિવિધ પ્રાપ્તિ માટેની દોડ :

મનુષ્યની જીવનભરની દોડ પાછળ ત્રણ પ્રેરકબળ કાર્ય કરી રહેલાં છે.

(૧) સુખની પ્રાપ્તિ :

પ્રત્યેક મનુષ્ય જીવનમાં સુખ ઇચ્છે છે. સુખ મેળવવા માટે જન્મથી મૃત્યુ સુધી તે દોડતો રહે છે. તે જન્મે, મોટો થાય, ભણે, લગ્ન કરે, બાળકો થાય, મોટાં કરે, પછી તેમને પરણાવે… આમ આ બધી ક્રિયાઓ પાછળનો હેતુ તો સુખ મેળવવાનો જ છે. મૃત્યુ મુખે પડેલો માણસ પણ સુખને ઇચ્છે છે, જીવનભર સુખની પાછળ અવિરત દોડવા છતાં સુખ ક્યારેય વાસ્તવ રૂપે હાથમાં આવતું નથી. સુખ એ ક્ષિતિજ જેવું છે. દૂર મેદાનમાં ઊભા હોઈએ ત્યારે એવું લાગે છે કે આ દશેક કિલોમીટરના અંતરે જ પૃથ્વી-આકાશના મિલનની ક્ષિતિજ છે. ત્યાં પહોંચીએ તો ક્ષિતિજ પાછી દૂર થતી રહે છે. ગમે તેટલું આગળ ને આગળ ચાલીએ પણ ક્ષિતિજ તો દૂર ને દૂર સરતી જ જાય છે. સુખની ક્ષિતિજ પણ આમ દૂરને દૂર સરતી જ જાય છે, તે જીવનમાં ક્યારેય પકડાતી નથી. મનુષ્ય મનમાં વિચાર છે કે જો મને એક લાખ રૂપિયા મળી જાય તો હું સુખી થઈ જાઉં. પુરુષાર્થ કરીને આટલી રકમ તેણે મેળવી લીધી પણ પછી શું થયું? સુખ મળ્યું? તુરત જ મનમાં થાય છે કે દશ લાખ રૂપિયામાં તો સારું ઘર પણ અત્યારે નથી આવતું. જો દશ કરોડ રૂપિયા હોય તો બંગલો, મોટર, બગીચો વગેરે મળી શકે. આમ ક્ષિતિજ દૂર સરકી ગઈ. જો દશ કરોડ રૂપિયા મેળવી લીધા તો પછી અપેક્ષાઓ વધી ગઈ, મિત્રો બદલાઈ ગયા અને દશ કરોડ રૂપિયા ઓછા પડવા લાગ્યા. આમ કરોડો રૂપિયા મળે તો પણ સુખ મળતું નથી. સમગ્ર જીવન સુખ માટેની દોડમાં પૂરું થઈ જાય છે, પણ સુખ ક્યારેય મળતું નથી.

(૨) મોટા થવાની કામના :

પ્રત્યેક મનુષ્ય મોટો થવા ઇચ્છે છે. એટલે કે બધા તેને માન-સન્માન આપે મોટો ગણે એવું બધા ઇચ્છે છે અને એ માટે અવિરત પ્રયત્ન કરતા રહે છે. નાનાં બાળકો જ્યારે રમતા હોય છે ત્યારે તેમનું વલણ પણ એવું હોય છે કે બધાં તેનો હુકમ માને, તેને માન આપે, આમ નાનપણથી જ મોટા બનવાનો પ્રયત્ન દરેકનો હોય છે. આ મોટા થવું એટલે અહંકારની પૂર્તિ કરવી. પરંતુ અહંકારની પૂર્તિ ક્યારેય થતી નથી. પોતાના કરતાં વધારે વિદ્વાન, ધનવાન કે વિકસિત મનુષ્ય હોય તો તેની આગળ વ્યક્તિ પોતે લઘુતાગ્રંથિ અનુભવે છે. મોટે ભાગે તો બધા લોકો એક યા બીજા પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાય છે. કેમકે જીવનમાં દરેકને કોઈને કોઈ વસ્તુનો અભાવ જણાય છે. આ અભાવની પૂર્તિ કરવા માટેની મનુષ્યની દોટ છે. મનુષ્ય નાનો બનવા ઇચ્છતો નથી કેમ કે એ અભાવથી, દુ:ખોથી પર જવા પ્રયત્ન કરે છે. મોટું થવું, અહંકારની પૂર્તિ કરવી એ તેની મૂળભૂત ઇચ્છા છે. આ ઇચ્છા પૂર્ણ કરવા તે જન્મથી મૃત્યુ સુધી દોડતો જ રહે છે.

(૩) અમરતાની ઇચ્છા :

પ્રત્યેક મનુષ્યની અંદર અમરતાની ઇચ્છા રહેલી છે. મૃત્યુ કોઈનેય ગમતું નથી. મૃત્યુને ટાળવા માટે જ તે ધન, ઘર, સુવિધાઓ માગે છે. ધન હશે તો શરીરને સારું પોષણ આપી શકાશે, માંદગીમાં સારી દવા થઈ શકશે, આમ ધન સંપત્તિ મેળવવાના પ્રયત્નની પાછળ પણ મૃત્યુને પાછળ ઠેલવાની કામના રહેલી હોય છે. સંસારમાં સહુથી મોટો કોઈ ભય હોય તો તે મૃત્યુનો ભય છે. દરેક મનુષ્યને આ ભય સતાવતો જ રહે છે. જો મૃત્યુનો ભય ન હોય તો જગતનો કોઈ પણ ભય સતાવી શકતો નથી.

શરીર, મન, પ્રાણ એ આ સંસારની ભૌતિક જગતની ઉત્પત્તિ છે. ભૌતિકજગત માયાથી બનેલું છે. સંસાર દેખાવમાં સત્ય છે, પણ વાસ્તવમાં સત્ય નથી, એ માયા છે. જે નથી દેખાતું એ સત્ય છે. પરમેશ્વર, બ્રહ્મ એ સત્ય છે. સંસારતિ ઇતિ સંસાર. સંસાર જે નાશવંત છે, પરિવર્તનશીલ છે. સંસાર એ પ્રવાહ છે. મન એ પ્રવાહ છે. પ્રાણ એ પ્રવાહ છે. બાળપણનું શરીર આજે નથી. શરીરના કોષાણુઓ બદલાતા રહે છે. એ સદા મરતા રહે છે, અને નવા ઉત્પન્ન થતા રહે છે. શરીરમાં પ્રતિપલ મૃત્યુની પ્રક્રિયા ચાલતી જ રહે છે. અઢાર વર્ષ સુધી આ કોષો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને મરે છે ઓછા. ત્રીસથી ચાળીસ વર્ષમાં ઘટાડાની પ્રક્રિયા ઝડપી બને છે. કોષો એ પછી વધુ પ્રમાણમાં મરે છે, અને સર્જાય છે ઓછા. એટલે ‘એઈજિંગ પ્રોસેસ – વૃદ્ધત્વ પ્રત્યેની ગતિ’ ઝડપી બને છે. ક્ષીણતા વધે છે અને છેવટે શરીર મૃત્યુ પામે છે. સંસારમાં ક્યારેય કશું પણ સ્થિર નથી. અને છતાં કોઈ મૃત્યુ ઇચ્છતું નથી. બધાં મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરે છે.

આ રીતે સુખની ઇચ્છા, અહંકારની પૂર્તિ અને મૃત્યુને ટાળીને અમર બનવાની ઇચ્છા – મનુષ્યની અનવરત દોડ પાછળનાં પરિબળો છે. પરંતુ આ ઇચ્છાઓ એ મૂળભૂત ઇચ્છાઓ છે. તો પ્રશ્ન એ ઊઠે છે કે મન, પ્રાણ અને શરીરના સંઘાતની આ મૂળભૂત ઇચ્છાઓ આવી ક્યાંથી?

મૂળભૂત ઇચ્છાઓનું ઉદ્‌ભવ સ્થાન :

આ મૂળભૂત ઇચ્છાઓ શરીર, મન કે પ્રાણમાંથી નથી ઉદ્‌ભવી. પરંતુ તેનું ઉદ્‌ભવ સ્થાન આત્મા છે. આત્મા આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા ભૂમા છે. વળી આત્મામાં મૃત્યુ નથી. ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા જે સુખ મળે છે તે ક્ષણિક છે. ઇન્દ્રિયો ક્ષણિક છે, આથી ક્ષણિક દ્વારા મળતું સુખ પણ ક્ષણિક જ હોય છે. આપણું મૂળ સ્વરૂપ આનંદમય છે અને સુખ મેળવવાની – આનંદ પ્રાપ્ત કરવાની ઇચ્છા આપણા એ આનંદમય સ્વરૂપ આત્મામાંથી આવે છે. પણ આપણે જે દિશામાં જવું જોઈએ એ દિશામાં જતા નથી. આપણે પ્રતિબિંબને પકડીએ છીએ. આપણી દિશા જ ખોટી છે. પ્રતિબિંબને ક્યારેય પકડી શકાતું નથી. દર્પણમાં આપણા પ્રતિબિંબને આપણે પકડી શકતા નથી. ઇન્દ્રિય વિષયો દ્વારા સુખ પામવાની ઇચ્છા એ પ્રતિબિંબ દ્વારા સુખ મેળવવાની ઇચ્છા જ છે, જે ક્યારેય હાથમાં આવતી નથી. પરંતુ આપણે અંતર્મુખ બનીએ, આત્મામાં જે છે, તે મેળવીએ તો પછી તે આનંદ ક્યારેય ચાલ્યો જતો નથી. આત્મા નિજસ્વરૂપે અનંત, આનંદ સ્વરૂપ, સનાતન છે. અવિદ્યાને કારણે એ સ્વરૂપને ભૂલી ગયો છે અને પોતાના એ અનંત આનંદ, સનાતન સ્વરૂપને બાહ્ય વિષયોના જગતમાં શોધે છે. આ જ મનુષ્યની સર્વ સમસ્યા અને દુ:ખોનું મૂળ છે. જીવનની અનંત દોડ, અનંત દુ:ખોમાંથી મુક્તિનો એક જ ઉપાય છે, પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને જાણવું – હું કોણ છું, તે જાણવું.

બીજું, મોટા થવાની ઇચ્છા એ પણ આત્માનો જ સ્વભાવ છે. આત્મા ભૂમા છે. સર્વવ્યાપી પરમાત્મા સાથે જોડાયેલો છે. વેદમાં પણ કહ્યું છે, ‘ભૂમૈવ સુખમ્‌ નાલ્પે સુખમસ્તિ’ વિરાટનું એ કેન્દ્ર આપણી અંદર રહેલું છે. વિરાટ બનવું એ આત્માની પ્રકૃતિ છે. સ્વામી વિવેકાનંદ આત્મા અને પરમાત્માની વ્યાખ્યા આપતાં કહે છે કે આત્મા એ છે કે જેનું કેન્દ્ર મનુષ્યના શરીરમાં આવેલું છે, પણ જેનો પરિઘ ક્યાંય નથી. પરમાત્મા એ છે કે જેના બિંદુ દરેક જગ્યાએ આવેલા છે પણ જેનો પરિઘ ક્યાંય નથી. આત્મા-પરમાત્માની આવી શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક વ્યાખ્યા બીજા કોઈએ આપી નથી. સર્વવ્યાપી પરમાત્માનું કેન્દ્ર આપણી અંદર રહેલું છે. એ કેન્દ્રનો આશ્રય કરીને શરીર, મન, પ્રાણ, બુદ્ધિ કામ કરે છે અને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. આનંદ મેળવે પણ છે, પરંતુ એ આનંદ ટકતો નથી. એકાદ ક્ષણ માટે મન શૂન્ય થાય ત્યારે વીજળીના ચમકારાથી પણ વધારે ઝડપથી એ આનંદ આપણા આત્મામાંથી મન પ્રાણમાં આવે છે અને આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. પરંતુ એ આનંદ આવે છે તો આત્મામાંથી જ. છતાં પણ આપણે એ જાણી શકતા નથી.

ત્રીજું, મૃત્યુ ન પામવાની ઇચ્છા પણ આપણા આત્માની જ છે. આત્મા સત્‌ ચિત્‌ સ્વરૂપ છે. સત્‌ એટલે કે અભાવ ન થાય, પરિવર્તન ન થાય, જેનો આદિ અને અંત ન હોય તે. વેદાંતમાં વ્યાવહારિક સત્ય નથી, પારમાર્થિક સત્ય છે. જ્યારે જગતમાં વ્યાવહારિક સત્ય છે, પારમાર્થિક સત્ય નથી. જે આરંભમાં નહોતું વચ્ચે છે પણ અંતમાં નથી, તો જે વચ્ચે છે, તે છે ભ્રાંતિ. આત્માને આરંભ નથી, આત્માને અંત નથી, સીમા પણ નથી. આરંભ અને અંત બે જાતના છે. ટાઈમ એટલે કાળનો આરંભ અને અંત અને બીજો સ્પેઈસ એટલે અવકાશનો આરંભ અને અંત. આ સ્થળ અને કાળ બંને પરમાત્માની અંદર રહેલા છે. જેની અંદર હોય તે વધારે મોટો હોય. આમ પરમાત્માને આદિ અને અંત નથી. વળી તે મન અને ઇન્દ્રિયોથી પર છે. ‘અવાઙ્‌ગમનસગોચરમ્‌’ છે. વાણીથી તે વ્યક્ત કરી શકાતો નથી. મનની સીમામાં તેને બાંધી શકાતો નથી. હે શ્વેતકેતો! તત્ત્વમસિ, તે તું જ છે.

આપણે જે ધર્મને અનુસરીએ છીએ તે આ ધર્મ નથી. આ વાસ્તવિક ધર્મ નથી. પરંતુ ધર્મના બીજ અહીંથી શરૂ થાય છે. તમે પરમાત્મા પાસે જઈને પ્રાર્થના કરો છો, સાચા દિલની પ્રાર્થના સફળ થાય છે, પરમાત્મામાં વિશ્વાસ જાગે છે અને આ વિશ્વાસ થવો એ ધર્મનું પહેલું પગથિયું છે. સંસારના વિસ્તારવાળા ધર્મથી આધ્યાત્મિકતાનો આરંભ થાય છે. આ ધાર્મિકતા એ હોરિઝોન્ટલ-સમાંતર વિકાસ થાય છે. એમાં આપણે ગોળ ગોળ ફરતાં રહીએ છીએ. સંસારમાં જ રહીએ છીએ તેનાથી ઊંચે ઊઠતા નથી. જ્યારે આધ્યાત્મિકતા એ ઊર્ધ્વગામી વિકાસ છે. એ ‘વર્ટીકલ’ છે.

અહંકારથી ઊંચે ઊઠ્યું એ આધ્યાત્મિકતા છે. જ્યારે મનમાં પ્રશ્ન ઊઠે કે હું કોણ? હું અનેક જન્મો-મરણના ચક્રાવામાં ભટકું છું શા માટે? શું આ જ જીવન છે? કે પછી જીવનનો કોઈ બીજો હેતુ છે? જ્યારે આવા પ્રશ્નો જાગે ત્યારે મનુષ્યની આધ્યાત્મિકતાની દિશા ખુલે છે. ઈશ્વરકૃપાથી સાધુસંગ-સત્સંગ મળે. સિદ્ધયોગી મળે, આત્માની કૃપા થાય. સદ્‌વૃત્તિ જાગે, શાસ્ત્રવાંચન થાય. વિવેકની જાગૃતિ થાય, ત્યારે આધ્યાત્મિક વિકાસનો આરંભ થાય છે. ત્યારે ઊર્ધ્વગતિ વિકાસની શરૂઆત થાય છે. નહીંતર સમાંતર વિકાસ ચક્રાકાર ફર્યા કરે છે. એ વિકાસ નહીં પણ દુ:ખદાયક સ્થિતિ છે. સંસારનો સ્વભાવ જ દુ:ખદાયક છે. સંસારનો બીજો અર્થ છે મૃત્યુ. સંસાર = દુ:ખ = જન્મમૃત્યુ = ચક્રાકાર ગતિ. આપણે આખી જિંદગી ભટકીએ છીએ. પણ જીવનની સાર્થકતાનો અનુભવ થતો નથી. જીવનમાં કૃતકૃત્યતા આવતી નથી. જેને ખરેખર મોટા થવું હોય, સાચો આનંદ અને અમરતા જોઈતી હોય તેમણે ધર્મથી ઊંચે ઊઠીને આધ્યાત્મિક બનવું જોઈએ.

આધ્યાત્મિક બનવા શું કરવું?

આધ્યાત્મિક થવા માટે માત્ર દિશા પરિવર્તન કરવાની જરૂર છે. અનાસક્તિ, અન-અહંકાર, નિ:સ્વાર્થતા, આત્મસમર્પણ, આત્મ જિજ્ઞાસા એ આધ્યાત્મિક જીવનની દિશા છે. આધ્યાત્મિક બનવા સંસારથી ભાગી જવાની જરૂર નથી. બધાએ કંઈ સંન્યાસી બનવાની પણ જરૂર નથી. સંન્યાસી એ ‘ઈન્ટેન્સીફાઈડ’ કોર્સ છે. ગૃહસ્થજીવન એ ‘સ્લોકોર્સ’ છે. આનંદ કરો અને ભોગવી લો અને તેનાથી પર થાઓ એ જરૂરી છે. કેમ કે તમે જેને સત્ય માનો છો, એની નિરર્થકતા તમે ન જાણો ત્યાં સુધી તેનાથી ઉપર ઊઠી ન શકાય. ભોગની પૂર્તિ ન થાય ત્યાં સુધી તેનાથી પર ન જઈ શકાય. પરંતુ બુદ્ધિમાન લોકો બહુ જ ટૂંકાગાળામાં સમજી જાય છે કે ભોગની પૂર્તિથી કાયમી સુખ મળતું નથી. જ્યારે મૂઢ લોકો જન્મજન્માંતર સુધી સમજી શકતા નથી અને ભટક્યે રાખે છે. બુદ્ધિમાન બીજાનું દુ:ખ જોઈને સમજી જાય છે અને દિશા પરિવર્તન કરી લે છે. કેટલાકની પૂર્વ જન્મોના સંસ્કારને પરિણામે નાનપણથી જ વૈરાગ્ય વૃત્તિ પ્રબળ હોય છે. કેટલાકને સત્સંગથી વિવેક જાગે છે અને સમજે છે કે સંસારમાં વાસ્તવિક રૂપે કંઈ મળતું નથી. જો વાસ્તવિક રૂપે કંઈ પ્રાપ્ત કરવું હોય તો પરમાત્માની અભિમુખ થવું પડે. માટે ધીર અને બુદ્ધિમાન થવાની જરૂર છે.

સંસારમાં અનાસક્તિપૂર્વક રહેવું :

સંસારમાં મનુષ્યને બાંધવાની શક્તિ નથી. પણ આસક્તિમાં એ શક્તિ છે. હું કોણ એ વિચાર કરીને અહંકારથી મુક્ત બનવું જોઈએ. આત્મસ્થિત થવું, અહંકારથી મુક્ત થવું અને નિ:સ્વાર્થી થવું – આ ત્રણ વસ્તુ થાય ત્યારે આધ્યાત્મિક વિકાસનો આરંભ થાય છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ ભોગ નથી, સાંસારિક વિકાસ નથી પણ ઈશ્વરપ્રાપ્તિ છે. એ સમજાવવા માટે તો શ્રીરામકૃષ્ણ જેવા અવતાર પૃથ્વી પર આવે છે. મનુષ્ય જીવનનું એક માત્ર ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ માટે અનાસક્તિ એ સહુથી મોટો ઉપાય છે. ગીતામાં વારંવાર અનાસક્તિનો ઉપદેશ આપવામાં આવેલ છે. એક દૃષ્ટાંત કથામાં શિષ્યે ગુરુને પૂછ્યું હતું કે સંસારની આસક્તિને છોડવા માટે આપ વારંવાર કહો છો, પણ સંસાર બાંધી રાખે છે. એ કેમેય છોડતો નથી. તો એનો ઉપાય શો? ગુરુએ ત્યારે કંઈ જવાબ ન આપ્યો. પણ પછી એક થાંભલાને જોરથી પકડીને બૂમો પાડવા લાગ્યા કે થાંભલાએ મને પકડ્યો છે, કોઈ છોડાવો, શિષ્યને હસવું આવ્યું, તે બોલી ઊઠ્યો, ‘ગુરુજી થાંભલાએ તમને નથી પકડ્યા, પણ તમે થાંભલાને પકડ્યો છે, હાથ છોડી દો. તમે છૂટા જ છો’ પછી ગુરુએ કહ્યું: ‘આ તારો જવાબ છે. સંસારે તને નથી પકડ્યો પણ તે સંસારને પકડ્યો છે. તું સંકલ્પ કરીશ તો સંસારમાંથી છૂટી જઈશ.’

આધ્યાત્મિક થવું એટલે જીવન દૃષ્ટિ કેળવવી. એ જીવન જીવવાની કળા શીખવાની વાત છે. શ્રીરામકૃષ્ણે સંસારમાં અનાસક્ત ભાવે કેવી રીતે રહેવું એની વાત ફક્ત એક જ લીટીમાં કહી છે – ‘મોટા ઘરની કામવાળીની જેમ રહો.’ મોટા ઘરની કામવાળી શેઠના ઘરને પોતાનું માને છે, શેઠના છોકરાને મારો હરિ કહીને બોલાવે છે, પણ અંદરથી જાણે છે કે આ મારું ઘર નથી. મારું અસલ ઘર તો ગામડામાં છે. આથી શેઠના ઘરમાં કોઈનું મૃત્યુ થાય કે ભારે નુકશાન જાય તો થોડીવાર દુ:ખ થાય. પણ પછી એ ચાલ્યું જાય છે. કારણ કે તેને આસક્તિ નથી. જ્યાં આસક્તિ નથી ત્યાં દુ:ખ નથી. સિકંદરે પોતાના મરી ગયા પછી તેના બે હાથ જનાજામાંથી ખુલ્લા રાખવા કહ્યું હતું કે જેથી લોકોને સંદેશ મળે કે આખી દુનિયા જીતી હોવા છતાં સિકંદર સાવ ખાલી હાથે પાછો ગયો છે.

મનુષ્યે એ વિચારવું જોઈએ કે પોતાનું અસલ ઘર આ નથી પણ તે પરમાત્મામાં રહેલું છે. અસલ સંપત્તિ આ નથી પણ રામ છે. રામ રતન ધન પાયો જી મૈંને રામ રતન ધન પાયો. પરમાત્મા જ સર્વ કંઈ છે. તે જ માતા, તે જ પિતા, તે જ બંધુ, તે જ સખા, તે જ વિદ્યા અને તે જ ધનસંપત્તિ, સર્વસ્વ પરમાત્મા જ છે. એ જ સાચું નિજધામ છે. જ્યાં સુધી એનું મિલન નથી થયું ત્યાં સુધી શરીર, મન, બુદ્ધિ, અહંકાર એ સાધન છે. એ સાધન દ્વારા પરમાત્મા પ્રત્યેની ઊર્ધ્વગતિનો આરંભ એ જ આધ્યાત્મિકતાનો ઉદય છે, આરંભ છે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.