૧૬. ટીકાનિંદા

નિંદા કે છિદ્રાન્વેષણવૃત્તિ શું છે? કોઈ પણ વ્યક્તિ કે કાર્ય વિશે હનન કરનારા શબ્દો એટલે નિંદા. નિંદાનાં ઘણાં પાસાં છે. સામાન્ય રીતે આપણે બધા જ્યારે કંઈ કામ કરીએ છીએ કે કંઈક મેળવીએ છીએ ત્યારે લોકોની શાબાશીની અપેક્ષા રાખીએ છીએ. આ વસ્તુ સ્વાભાવિક છે, પણ આપણને હંમેશાં શાબાશી જ મળતી નથી. ક્યારેક તો લોકોમાંથી આપણને વ્યંગાત્મક આલોચના મળે છે અને એક જ ક્ષણમાં એ આપણું માનસિક સમતુલન ઘટાડી દે છે.

હંમેશાં આવું હોય એવું નથી. આલોચના કરનાર વ્યક્તિના હેતુનું આપણે પૃથક્કરણ કરવું જોઈએ. કોઈ પણ આલોચનાને એમ ને એમ સ્વીકારી લેવા કરતાં એના તરફ વિશ્લેષણાત્મક દૃષ્ટિ રાખવાનો પ્રયત્ન કરવો. એ આલોચનામાંથી એને લીધે ડંખ નીકળી જશે. એક શાણા પુરુષે કરેલા આ વિધાનને ધ્યાનપૂર્વક વાંચો: ‘એક સર્જનાત્મક વૃત્તિવાળો માનવ બીજાએ એમના તરફ ફેંકેલી ઈંટોથી મજબૂત પાયો નાખી દે છે.’

જેમ્સ એલન કહે છે: 

‘બીજા દ્વારા જે કંઈ ઈજા-હાનિ આવે છે તે તમારા કાર્યનો પ્રત્યાઘાત છે અને તમારા મનોવલણનું પ્રતિબિંબ છે. તેઓ સાધન કે ઓજાર છે, તમે કારણ છો. પ્રારબ્ધ એટલે વિકસિત કે પરિપક્વ કર્મો. માનવ અસરોને નિવારી શકતો નથી પણ તે કારણોમાં પરિવર્તન કરી શકે છે.

બીજાએ એમના પ્રત્યે કરેલાં વર્તન કે કાર્યમાં માણસ જે હાનિ કે નુકશાન જુએ છે તે એ કાર્ય કે વર્તન પોતે હોતું નથી; પણ એ માટે જવાબદાર છે એના પ્રત્યેનું માનવનું મનોવલણ. હાનિ કે દુ:ખને માનવી પોતે ઊભાં કરે છે. જો વાસ્તવિકતા આ હોય તો કોઈ પણ કાર્ય એ કાર્ય કરનારને જ હાનિ પહોંચાડે છે. આમ છતાં પણ માનવ પોતાને જ હાનિ પહોંચી છે એમ ધારીને ઉશ્કેરાય છે અને દુ:ખી થાય છે.

 સદાચારી લોકોએ આટલું પૂરવાર કર્યું છે કે વાસ્તવિક વાત તો એ છે કે આવા જ હાનિકર્તા કાર્યે કે વર્તને એમનામાં પછીથી કોઈ પણ જાતની માનસિક ખલેલ ઊભી કરવાનું બંધ કરી દીધું. આ કાર્ય કે વર્તન એવા ક્ષેત્રનું છે કે જેણે એના પર કબજો જમાવવાનું બંધ કર્યું છે, ચૈતન્યના આ રાજ્ય સાથે એને કોઈ આપ્તભાવ-પોતાપણું નથી. તે કોઈ પણ કાર્ય કે વર્તનને પોતાના પર ઓઢી લેતો નથી. એને એ નુકશાન કરશે કે ખલેલ પહોંચાડશે એવો વિચાર જ ત્યાં હોતો નથી.’

જો આપણે બીજા લોકો માટે મનનાં બારણાં ખુલ્લાં રાખીએ તો તે આપણી હતાશામાં વધારો કરી શકે. શબ્દો કે કાર્યો કે જેને આપણે એક આક્રમણ કે હુમલા રૂપે માની લઈએ છીએ, પણ વાસ્તવિક રીતે અવારનવાર તેઓ આપણને ઉદ્દેશીને કહેવાયેલ કે કરેલ નથી હોતાં. અને કદાચ આપણને ઉદ્દેશીને કહેવાયેલ હોય તો આપણે આટલું યાદ રાખવાની જરૂર છે કે આવી નિંદા કરનારા લોકો પોતાની જાતને જ પ્રગટ કરે છે. રામકૃષ્ણ મઠના એક સુખ્યાત સંન્યાસી સ્વામી પવિત્રાનંદે આ જ વાતને બીજા શબ્દોમાં રજૂ કરી છે: ‘તમને એવું લાગે છે કે આ કે તે વ્યક્તિએ તમારી માનહાનિ કરી છે, શા માટે? એનું કારણ એ છે કે તમે લાગણીશીલ છો. જો તમે ભીતરથી શક્તિમાન હોત તો તમે આ બધી બાબતોને અવગણી શક્યા હોત. તમારા મનનાં સુખ અને શાંતિનો આધાર ‘બીજાના વર્તન અને વાણી પર છે’ એ વિશે જરા ગંભીરતાથી વિચારો. આ બધાં શબ્દો કે વર્તન બીજાની નિર્બળતા કે એમના અજ્ઞાન સિવાય બીજું કશું નથી. જે માણસ અજ્ઞાની છે, નિર્બળ છે, એ તો દયાને લાયક છે – આક્રોશને લાયક નહિ.

આપણા મનને શાંતિ અને સુખચેન ત્યારે જ આવે કે જ્યારે આપણે બીજા લોકોની સમસ્યાઓને સહન કરીએ, પછી ભલે એ સમસ્યાઓ આક્રમણ કે નિંદાને રૂપે રજૂ થઈ હોય. સામા માણસની સમસ્યાઓને ઓળખી લેવાથી વાસ્તવિક પરિસ્થિતિમાં એમની સાથે કેવું વર્તન કરવું અને એને કેવી રીતે સહાયભૂત થવું એની ક્ષમતા આપણને પ્રાપ્ત થાય છે.

ટીકા કે નિંદાને સહ્ય બનાવવાની શક્તિ કેળવવા માટેના અનેક માર્ગો છે. વાસ્તવિક રીતે આપણે નિંદાને પણ આપણા માટે લાભદાયક બનાવી શકીએ છીએ. એવે વખતે તમારા મનની શાંતિ, સ્થિરતા ગુમાવ્યા વિના કે બીજાને દુ:ખી કર્યા વિના તમે નિંદા કે ટીકાનો સામનો કરી શકશો.

૧૭. નિંદાનો સામનો કેવી રીતે કરવો?

* જ્યારે તમારી ટીકાનિંદા થાય ત્યારે થોડો સમય ખમી ખાઓ. એક ઊંડો શ્વાસ લો. જ્યારે તમે માનસિક તણાવની પરિસ્થિતિમાં હો ત્યારે સામાન્ય રીતે અત્યંત ધીમે અને ઝડપથી શ્વાસોચ્છ્‌વાસની ક્રિયા કરતા હો છો. જ્યારે તમે ઊંડા શ્વાસ લો છો અને ધીમે ધીમે છોડો છો ત્યારે તમારા સ્વાસ્થ્ય સુધારામાં પણ વૃદ્ધિ કરો છો અને કોઈ નિંદકે કરેલી ટીકાનો જવાબ આપવા સમય પણ મેળવી શકો છો.

* શું ટીકા કે નિંદા ખરેખર તમને ઉદ્દેશીને થઈ હતી? ઘણી વખત આવી ટિપ્પણી આપણને ઉદ્દેશીને ન પણ થઈ હોય, પરંતુ આપણે પોતાની મેળે એમ માની લઈએ છીએ અને આપણી મૂર્ખતાને ખૂલી પાડીએ છીએ. 

વર્ગખંડમાં આવું બધું સર્વસામાન્ય હોય છે. કોઈનુંયે નામ લીધા વિના શિક્ષક પરોક્ષ રીતે વિદ્યાર્થીઓને ઠપકો આપે છે ત્યારે સાચો તોફાની ટપુડિયો પોતાનો બચાવ કરવાનો શરૂ કરે છે અને આવી રીતે તે પકડાઈ જાય છે. એટલે જ કોઈ પણ નિંદાને આપણા માથે ઓઢી લેવી એ છોકરમત છે અને ચિંતા ઊભી કરે છે. વળી એવા સમયે કોઈ આપણી કારણ વગર નિંદા કરે ત્યારે તમે ખરેખર બીજાના આક્રોશનું સાચું કારણ છો કે કેમ, એટલું તમારી જાતને પૂછજો. એવુંય બની શકે કે તમારી ટીકાનિંદા કરનાર વ્યક્તિ પોતાના કુટુંબની સમસ્યાઓને કારણે અથવા કુટુંબના નિભાવની સમસ્યાને લીધે ઉદ્વિગ્ન હશે.

* તમારી નિંદા કરનારની ક્ષમતાનું મૂલ્યાંકન કરો. તમારા પાડોશી સોફાસેટ અને કુશનવાળી ખુરશી વચ્ચેના ભેદને જાણતા નહિ હોય. જો આવા લોકો તમારા ઘરના રાચરચિલા વિશે ટીકા કરે તો તમે ઊકળી ન જતા, પણ જરા અણગમા સાથે ખભા ઉલાળો. તમારા અધિકારી તમે કરેલ વેચાણની નિંદા કરે તો સાંભળી લેવું. વળી એ નિંદક તમારાં બાળકોને કેમ મોટા કરવા એ વિશે કંઈ કહે તો એની આ નિંદા કે ટીકા નિરર્થક ગણી શકાય. એવી જ રીતે તમે કોઈને ચોક્કસ આપેલી મુલાકાત ચૂકી જાઓ અને તમારી ટીકા થાય તો વ્યાજબી ગણાય. તમારી દીવાલોના રંગની ટીકા ન કરી શકાય, કારણ કે એ તમારી રસરુચિનો વિષય છે.

* નિંદાના પ્રત્યાઘાત રૂપે કંઈ ન કહો. તેને લીધે બીજું તો કંઈ થતું નથી પણ દુર્ભાવના ઉદ્‌ભવે છે. આપણામાંથી કેટલાક લોકોને નિંદાનો સામનો કરવો કઠિન લાગે છે પણ એવો પ્રયાસ કરવો એ સુયોગ્ય રીત છે. આ મુદ્દાને સ્પષ્ટ કરવા એક સરસમજાની વાર્તા છે:

એક ગામડામાં યુવાન પતિપત્ની રહેતાં હતાં. દરરોજ જમવાના સમયે એ બંનેની વચ્ચે દલીલો થતી અને ઝઘડો પણ થતો. દરરોજની રીત પ્રમાણે પતિ પહેલાં જમી લેતો અને પત્ની પછી જમતી. એમના આવા ઝઘડાનું સમાધાન શોધવાનો કોઈ ઉપાય ન હતો. અંતે પત્નીએ પડોશના એક વૃદ્ધ સ્ત્રીની મદદ માગી. એણે સમસ્યાને સમજી લીધી અને એની રીતે ઉકેલ પણ આપ્યો. તેણીએ પેલી સ્ત્રીને કોઈ દવા ભરેલી નાની શીશી આપી અને થોડા દિવસ લેવાનું કહ્યું. યુવાન સ્ત્રીએ વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું: ‘એને ક્યારે અને કેવી રીતે લેવી?’ વૃદ્ધ સ્ત્રીએ કહ્યું: ‘આ એક ચોક્કસ દવા છે. એ પેટમાં ઊતરવી ન જોઈએ. વીસ મિનિટ સુધી એને મોઢામાં જ રાખવી અને પછી થૂંકી નાખવી. આ દવા લેવાનો સમય ભોજન પહેલાંનો છે. એટલે તમારા પતિને તમે ભોજન પીરસો એ પહેલાં લઈ લેવી વધારે સારી રહેશે.’ 

જો તમે આ વાર્તાના વલણને કે ઉદ્દેશની કલ્પના કરી શકો તો તમને ધન્યવાદ. નહિ તો હવે આગળ વાંચો – પેલી યુવતીએ સૂચનાનું પૂરેપૂરી કાળજીથી પાલન કર્યું. બીજે દિવસે ભોજન લેતાં લેતાં તેના પતિએ કંઈક દલીલો કરવાનું શરૂ કર્યું. પત્ની એના પ્રત્યાઘાત રૂપે કંઈક કહેવા ઇચ્છતી હતી પણ એ કરી ન શકી. એનું કારણ એ હતું કે પેલી દવા એના મોંમાં હતી. પરિણામે પતિ પણ વધારે દલીલ કરી ન શક્યો. થોડા દિવસમાં પરિસ્થિતિ બરાબર થાળે પડી ગઈ, સુધરી ગઈ. બંનેએ પોતાની ભીતર ડોકિયું કરીને જોયું અને બંને એકબીજાને જાણી-સમજી ગયાં. થોડા વખત પછી પેલી વૃદ્ધ સ્ત્રીએ યુવાન સ્ત્રીને બોલાવી અને કહ્યું કે હવે તેને વધારે દવાની જરૂર નથી.

હવે તમને ખબર પડી કે દવા શી છે? દવામાં તો ખાલી પાણી જ હતું. વૃદ્ધ સ્ત્રી આટલું બરાબર સમજી ગઈ હતી કે જો થોડો સમય આ યુવતી છાનીમાની રહે તો એના પતિનું વલણ બદલી જશે. વળી એ સ્ત્રીને એમ કહેવું કે તું થોડો વખત ચૂપ રહેજે, એનો કોઈ અર્થ ન હતો. એટલે આ શાણી વૃદ્ધ સ્ત્રીએ યુક્તિ અજમાવી અને એ બરાબર કામે લાગી!

* પહેલાં તો તમારા નિંદકના હેતુઓને ધ્યાનમાં લો. કેટલાક લોકો એવું ધારે છે કે બીજાનો ટાંટિયો ખેંચી અને એને પાડી દઈને પોતે આગળ વધી શકે. વળી કેટલાક લોકો બીજાની નિંદા કરે ત્યારે પોતે ગર્વ અનુભવે છે. વળી કેટલાક એવાય હોય છે કે આ બંને કામ કરે છે. વાસ્તવિક રીતે આત્મપ્રશંસા કે પરનિંદા એક સિક્કાની બે બાજુ જેવાં છે. એટલે જ જો તમે આટલી ખાતરી કરી લો કે એમના પોતાના નિંદક એમના ભયની લાગણીને જ વ્યક્ત કરે છે તો તમારે શાંત રહેવું સરળ બની જાય. એવા લોકોને આપણી સહાનુભૂતિની જરૂર હોય છે. એમને ખુલ્લા પાડીને આપણે કોઈ રીતે મદદ કરી ન શકીએ.

શ્રીમા સારદામણિદેવી કહે છે: ‘તમે કોઈના દોષની ગણતરી કરીને કોઈનું કે તમારું ભલું કરી શકવાના ખરા? એ તો તમને હાનિકારક જ નીવડશે. ક્ષમા એ તપ છે.’

જો તમે માફ ન કરી શકો તો ભૂલી જવાનું કરો. એમ કહેવાયું છે: ‘આપણે કોઈને ક્ષમા કરવા જેવા સંતહૃદયના ન હોઈ શકીએ પણ આપણે ઓછામાં ઓછું ભૂલી તો શકીએને!’ જો આ ઉપદેશનું અનુસરણ કરવું તમારા માટે અત્યંત કઠિન હોય તો અહીં એક ઉદાહરણ આપું છું. તમારા પાડોશીને એક સુંદર પુષ્પોદ્યાન છે અને તમારો બગીચો સુંદર નથી. હવે તમે છરી કે કુહાડો લઈને તમારા પાડોશીના બગીચાને નુકશાન કરો તો તમારા બગીચાની સુંદરતામાં વધારો થશે? ના, જરાય નહિ થાય. એવી જ રીતે કોઈના પર કરેલું શબ્દનું આક્રમણ પણ તમને મદદરૂપ થવાનું નથી.

વળી તમારા નિંદકો સાચાં પણ હોઈ શકે. તમારા બધા નિંદકો બધે વખતે ખોટા ન પણ હોય. તમે એક ને એક નિંદા વારંવાર સાંભળો, તો એ કદાચ સાચી પણ હોઈ શકે. લગ્ન વિશે સલાહ આપનાર ડોક્ટર એલન ફ્રોમ્મ કહે છે: ‘જો આપણે આપણી જાત સાથેની સત્યની પળનો સામનો ન કરી શકીએ તો આપણે પુખ્તવયના નથી.’

આવા સંજોગોમાં તમે સત્યનો સ્વીકાર કરો અને નિંદકનો આભાર પણ માનો. તમારી જાતને સુધારવાનો પ્રયત્ન કરો. એક કહેવત છે કે દીવાસળીને માથું હોય છે પણ એને ભેજું નથી. એટલે જ એ થોડી ઘસાય ત્યાં જ સળગી ઊઠે છે. પણ ભાઈ, આપણી પાસે તો ભેજું છે. એટલે જ આપણે તતડી ન ઊઠવું જોઈએ. ટીકાને કેવી રીતે મુલવવી એની એક વાત છે. અબ્રાહમ લિંકનના જીવનની એક ઘટના છે:

એક વખત એમણે લશ્કરનાં કેટલાંક એકમોની બદલી કરવા આદેશ આપ્યો. યુદ્ધ અને સંરક્ષણ મંત્રી સ્ટેન્ટોનને લાગ્યું કે આ ખોટું છે. એણે આવી બદલી કરવાનો ઈન્કાર કર્યો અને સાથે ને સાથે આવી ટીકા પણ કરી – ‘લિંકન તો મૂરખ છે!’ જ્યારે લિંકને આ વાત સાંભળી ત્યારે એ ઊકળી ન ઊઠ્યાં. તેમણે કહ્યું: ‘જો સ્ટેન્ટોન એમ કહે છે કે હું મૂરખ છું તો કદાચ એ સાચુંયે હોઈ શકે. મેં સ્ટેન્ટોનને ક્યારેય ખોટું કરતા જોયા નથી. મારે એમની સાથે વાત કરી લેવી જોઈએ.’ એટલે લિંકન તો સ્ટેન્ટોનના કાર્યાલયમાં ગયા. એમની સાથે વાતચીત કરી, પોતાની ભૂલ લિંકનને સમજાઈ અને પોતાનો આદેશ પાછો ખેંચી લીધો. કોઈપણ નિંદા કે ટીકાને ભાવાત્મક દૃષ્ટિએ જોવી એ લિંકનનું મહાન વિશિષ્ટ લક્ષણ હતું.

સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે એક વાર્તા કહી હતી: ‘પોતાની બદબોઈ કરવા માટે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સામે મુકદ્દમો માંડ્યો. ન્યાયધીશે એને પૂછ્યું કે સામેના માણસે શું કર્યું હતું? પેલાએ જવાબ આપ્યો: ‘સાહેબ, એણે મને ગેંડો કીધો!’ ન્યાયધીશે પૂછ્યું: ‘ક્યારે એમ કહ્યું હતું?’ પેલા ભાઈએ કહ્યું: ‘બે વર્ષ પહેલાં.’ એટલે ન્યાયધીશે પૂછ્યું: ‘તો પછી અત્યારે એની ફરિયાદ શા માટે કરો છો?’ આ સાંભળીને પેલો માણસ બોલી ઊઠ્યો: ‘સાહેબ, એનું કારણ એ છે કે આજે સવારે જ મેં ગેંડાને જોયો.’

આ વાતમાં તમે એટલું જોઈ શક્યા હશો કે જ્યારે પેલાએ એને ગેંડો કહ્યો ત્યારે એની તેના પર કોઈ અસર થઈ નહોતી. પણ ઘણા સમય પછી એવા પ્રાણીને જોઈને એના મનમાં આક્રોશ થયો. 

મારે તો તમને આટલી જ વાત કરવાની છે: ‘કોઈ પણ વસ્તુ કે વાણીને આપણે કેવી રીતે ધ્યાનમાં લઈએ છીએ એનાં પર સુખદુ:ખ નિર્ભર કરે છે. પેલો માણસ બે વર્ષ સુધી ચૂપ રહી શક્યો તો તે ગેંડાનો છે અર્થ જાણ્યા પછી પણ શાંત રહી શકત. તમે એને સ્વીકારો છો કે ત્યજો છો? તે મહત્ત્વનું છે. 

બુદ્ધના અભિપ્રાય પ્રમાણે જો આપણે કોઈ વસ્તુ ન સ્વીકારીએ તો તે આપનાર પાસે જ રહે છે. આ જ વાત નિંદાને પણ લાગુ પડે છે. જો આપણે નિંદાનો પ્રતિભાવ ન આપીએ, પરોક્ષ રીતે કહીએ તો આપણે એને ન સ્વીકારીએ તો તે નિંદા કરનારની પાસે જ રહેશે!

એક વખત વળી પાછા આમ કહેવાના: ‘ભાઈ! કરવા કરતાં કહેવું વધુ સહેલું છે.’ હા, સામાન્ય રીતે જ્યારે લોકો પોતાની વિરુદ્ધની નિંદા કે ટીકા સાંભળે છે ત્યારે તેઓ હતાશ થઈ જાય છે. પરંતુ પ્રબળ ચારિત્ર્યવાળો માનવ બીજાની જેમ ડગી જતો નથી. આખલાને શિંગડાથી પકડીને નાથી શકાય તેમ આ નિંદાને પણ કેવી રીતે નાથવી તે તે જાણે છે. કદાચ તે ડગલું પાછો હટી જાય પણ એ તો થોડા સમય માટે જ. તે વળી પાછો આગળ આવવાનો જ. આ કેવી રીતે શક્ય બને?

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.