(ગતાંકથી આગળ)

૯. આપણી પસંદગી કઈ છે?

હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને અધીન છીએ? શું આપણે એને પસંદ કરી શકીએ ખરા? આનો જવાબ ‘હા’ અને ‘ના’ બંને છે. તમે રણમેદાનની પસંદગી કરી શકો પણ યુદ્ધની નહિ. તમે યુદ્ધને નિવારી શકતા નથી, પણ સમસ્યા તમારા માટે શું કરી શકે એની પસંદગી કરી શકો છો.

‘સમસ્યા તમારા માટે શું કરી શકે?’ તમે સમસ્યાના દરેક પાસાને કદાચ અંકુશમાં લાવી ન શકો. પણ તમે એને માટે તમારા પ્રતિભાવની પસંદગી કરી શકો. આ પસંદગી તમારે જ કરવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘એ સમસ્યાની સામે તમારું પ્રતિવર્તન કેવું હશે?’

જ્યારે તમે તમારા પ્રતિભાવ કે પ્રતિવર્તન પર સંયમ લાવી શકો ત્યારે તમે તમારા પર એ સમસ્યાના પ્રભાવને પણ સંયમમાં લાવી શકો. તમારો પ્રતિભાવ એ જ અંતિમ શબ્દ છે.

તમારા જીવનની કોઈ પણ સમસ્યા માટે તમે અભાવાત્મક રીતને બદલે ભાવાત્મક અભિગમ દાખવો તો તમે કાળા-મેશ ડાઘાને ચમકતા તારામાં પરિવર્તિત કરી શકો.

રામકૃષ્ણ મઠના એક વિદેશી સંન્યાસી સ્વામી અતુલાનંદે કહ્યું હતું: ‘કોઈ પણ બાબતની કોઈ કિંમત નથી. આપણો પ્રતિભાવ જ એના માટે કંઈક કિંમત ઊભી કરે છે. જો તમે કોઈ પણ નિંદા કે ટીકાને સ્વીકારો નહિ કે ગણકારો નહિ તો તમે પ્રતિભાવને તમારી સાથે લઈ જતા નથી. તમારી નિંદા કે પ્રતિરોધની કશી કિંમત નથી. એ તમને સ્પર્શી જ ન શકે.’

૧૦. સમસ્યાઓ પ્રત્યેનું તમારું વલણ

આપણે એટલું સમજી લેવું જોઈએ કે દરેક સમસ્યામાં ભાવાત્મક શક્યતાઓ રહેલી છે. આ દુનિયામાં જેટલી શોધો કે પ્રતિશોધો થઈ છે તે કેટલીક સમસ્યાઓને લીધે જ થઈ છે. જે તે સમસ્યાઓના ઉકેલને લીધે નવી નવી શોધો થઈ અને એને કારણે જગતનું ઘણું મોટું પરિવર્તન થઈ ગયું. જો દરેક વ્યક્તિ આ સમસ્યાઓની સામેથી પાછો હટી ગયો હોય તો આ માનવ પ્રજા આજે પણ પોતાના ઉદ્‌ગમ સ્થાને જ હોય.

આ વિશેનું એક ઉદાહરણ છે ‘પેનિસિલિન’ની શોધ. પ્રયોગમાં નવી ફૂગના વિકાસની વૈજ્ઞાનિકોને અપેક્ષા કે જાણ ન હતી. આ નવી ઉપજતી ફૂગને કારણે એમના પ્રયોગો નિષ્ફળ જતા હતા. ‘અરે! આ તો સાવ નકામી છે’ એમ વિચારવાને બદલે વૈજ્ઞાનિકોએ એનો કંઈક સારો ઉપયોગ શોધી કાઢવા પ્રયત્ન કર્યો. એને પરિણામે લાખો લોકો માટે જીવન રક્ષક દવાની શોધ થઈ. જો એ વૈજ્ઞાનિક આ બાબતને નજર અંદાજ કરત અને એ સમસ્યા વિશે ગણગણતો જ રહેત તો માનવ પ્રજાએ એક અમૂલ્ય દવા ગુમાવી હોત! આને જ તમે સમસ્યાની ભાવાત્મક શક્તિઓનો ઉઘાડ કહી શકો.

૧૧. ‘જો’વાળો વિચારક અને ‘કેવી રીતે’ વાળો વિચારક

તમે કયા પ્રકારના વિચારક છો? ‘જો’ વાળો વિચારક પોતાની સમસ્યાઓ અને વિઘ્નનું જ રટણ કર્યા કરે. ‘જો મેં આમ કર્યું હોત કે તેમ કર્યું હોત..’ એવું જ રટ્યે રાખે છે. આવું વિચારી વિચારીને કેટલોયે સમય વેડફી નાખે છે.

‘કેવી રીતે’ વાળો વિચારક ભૂતકાળની ભૂલોનું પોસ્ટમોર્ટમ કરતો નથી. તે હંમેશાં આટલું વિચારવાનું શરૂ કરી દે છે : ‘સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી? આનો કંઈક ઉકેલ હોવો જ જોઈએ.’

જો તમે પરિસ્થિતિને સુધારવા ઇચ્છતા હો તો કંઈક ભાવાત્મક કરો. તમારી આજુબાજુના વાતાવરણ અને લોકો વિશે ગણગણવાથી કંઈ સહાય મળશે નહિ.

જો તમે જીવન તરફ દૃષ્ટિ કરો તો તમને પૂર્ણપણે સારું દેખાવાનું નથી. મોટાં પ્રાણીઓ નાનાં પ્રાણીઓને ખાય છે. બળવાન પુરુષો નિર્બળો પર શાસન કરે છે અને એનું દમનેય કરે છે. આમ તો પ્રકૃતિ પણ બધાને માટે સારી ભલી નથી. અને કુદરતી આફતો વિશે શું કહેવું? લાખો નિર્દોષ લોકો એનાથી પ્રભાવિત થાય છે. શું આવી આફત કે અડચણ માટે આપણે કુદરતને જવાબદાર ગણીશું ખરા?

‘આ જિંદગીમાં કંઈ ભલીવાર નથી’ એવું વારંવાર બોલીને અને સમસ્યાઓથી તમે દૂર ભાગો છો અને અંતે ‘તમારી જાત માટે કંઈ સારું નથી’ એવું માનો છો.

વિલિયમ જેમ્સ નામના એક મહાન વિચારક કહે છે : ‘માનવ પોતાનાં મનોવલણોને પરિવર્તિત કરીને પોતાના જીવનને બદલી નાખે છે – આ જાણવું એ જ આપણા યુગની સૌથી મહાન શોધ છે.’

એટલે જ મહેરબાની કરીને ‘જો’ વાળા વિચાર ન કરો અને ‘કેવી રીતે’વાળા વિચાર આરંભી દો.

૧૨. સમસ્યાઓ પ્રત્યેનો તમારો અભિગમ

જો તમે ખંત અને ધીરતાથી સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા હો તો તમે તે વધુ ઊર્જા સાથે કરી શકો, અને તે તમારા માટે વધારે લાભદાયી પણ નીવડશે. તમે દરેક વખતે સફળ થશો જ એમ કહેવાનો મારો અર્થ નથી. પણ એટલું તો ખાતરીપૂર્વક કહી શકું કે તમે હારી જાઓ તો પણ એ તમારા માટે ફાયદાકારક બની રહેશે. ‘મારું મનોવલણ કેવું છે?’ આ જ વિચાર તમારા મનમાં રહે એ સર્વપ્રથમ અને સૌથી વધુ આવશ્યક છે.

સર્વ પ્રથમ તો તમારે એટલું સમજી લેવું જોઈએ કે સમસ્યાઓ આપણને માનવ બનાવવા માટે છે, નહિ કે આપણને ભાંગી નાખવા.

નોર્મન વિન્સેન્ટ પિલ કહે છે : ‘ચિંતામગ્ન વ્યક્તિ સમસ્યા પર સુયોગ્ય જુસ્સા સાથે ખાબકતો નથી; એટલે કે સ્વાભાવિક રીતે પોતાની જાતને વિસરીને તે આગળ વધતો નથી અને પોતાનું કાર્ય કરતો નથી. આવો હતાશ માણસ કોઈ પણ કાર્યને ઈશ્વરની વિનમ્રભાવની સેવાની ઇચ્છા કરવાના ભાવને બદલે તનાવપૂર્ણ મનથી ‘પોતે નિષ્ફળ થશે જ’ એવા ભય સાથે કામ કરે છે.’

આપણા બધા મહાન લોકોમાં એક વસ્તુ સર્વ સામાન્ય છે – તેઓ કામ કરવામાં મગ્ન બની જાય છે, તેઓ કામ કરતા જ રહે છે અને પોતાની જાતને સાવ ભૂલી જાય છે. તેઓ પોતાના કાર્યને એટલા બધા સમર્પિત હોય છે કે તેઓ ટાણે ભોજનેય લેતા નથી. આવા લોકો માટે કોઈ પણ પરિસ્થિતિ કે વસ્તુ સમસ્યા જનક નથી.

એક વૈજ્ઞાનિકની વાત છે. તેણે પોતાના મિત્રને બપોરના ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેણે બધી તૈયારીએ કરી લીધી અને પછી પોતાના સંશોધનકાર્યમાં ડૂબી ગયો. તેનો મિત્ર આવ્યો અને જોયું તો વૈજ્ઞાનિક તો પોતાની પ્રયોગશાળામાં હતા. મિત્ર એના કાર્યમાં ખલેલ પહોંચાડવા ઇચ્છતો ન હતો. તેણે થોડીવાર રાહ જોઈ અને પછી પોતાનું ભોજન પતાવી લીધું. વૈજ્ઞાનિકના મિત્રને ખૂબ ભૂખ લાગી હતી એટલે એ પોતાના મિત્રનું ભોજનેય ઝાપટી ગયો. આટલું થયા છતાં પણ પેલા વૈજ્ઞાનિક તો હજીયે પોતાના કામમાં જ રત હતા; એટલે પેલો મિત્ર શાંતિથી ઘરની બહાર નીકળીને ચાલ્યો ગયો.

થોડા સમય પછી પેલા વૈજ્ઞાનિક ભોજનના મેજ પાસે ગયો. જોયું તો બધી થાળીઓ ખાલીખમ હતી. એના મનમાં વિચાર આવ્યો: ‘અરે! મેં તો ઘણા સમય પહેલાં મારું ભોજન પતાવી દીધું લાગે છે!’ એમ વિચારીને પોતાની પ્રયોગશાળામાં સંશોધનકાર્ય ચાલુ રાખવા ચાલ્યા ગયા.

નોર્મન વિન્સેન્ટ પિલ કહે છે : ‘વાસ્તવિક રીતે બધા શરમાળ લોકો અહંભાવી હોય છે. એમના વિચારો દુ:ખદાયી હોય તેવી રીતે સ્વકેન્દ્રી હોય છે. આમાંથી મુક્તિ મેળવવા આવા લજ્જાળુ વ્યક્તિએ સ્વવિસ્મૃતિના ભાવ પર સ્વામીત્વ જમાવવું જોઈએ.’

સ્વામી વિવેકાનંદનો કર્મયોગનો આદર્શ પણ આમ જ કહે છે. નિષ્કામ કર્મયોગનો હેતુ અહંભાવને ભૂંસી નાખવાનો છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘પોતાના પરિણામને વળગી રહેતો વ્યક્તિ સાચો કર્મવીર છે. પોતાને ભાગે આવેલી ફરજોના સ્વરૂપની જ રટણા કરે છે.’

બાહ્ય વસ્તુ કે પરિસ્થિતિ નહિ પણ એ વિશેના આપણા વિચારો જ આપણને બંધનમાં નાખે છે અને મુક્ત પણ કરી શકે છે. હવે તમે આવો પ્રશ્ન પૂછી શકો: ‘જ્યાં સમસ્યા જ ન હોય અથવા જે તે પરિસ્થિતિમાં બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોય, એવી પરિસ્થિતિ છે ખરી?’ કહેવાતા કલ્યાણ રાજ્ય, સમાજ કે તરંગી તુઘલખી સમાજમાં આ જ વસ્તુની અપેક્ષા રાખવામાં આવે છે. (આવાં રાજ્ય કે સમાજનું અસ્તિત્વ જ ન હોઈ શકે.) ઘણા સમય પહેલાં શોપર હોઅરે કહ્યું છે : ‘જ્યારે માનવીઓ સહિસલામતી અને ક્ષેમકલ્યાણને મેળવી લે છે, પોતાની બીજી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે ત્યારે તેઓ પોતે જ પોતાને માટે સમસ્યાઓ બની જાય છે.’

આનું વધુ સચોટ ઉદાહરણ આપવા માટે ભારતના ઘણા ભાગોમાં રામકૃષ્ણ મિશને હાથ ધરેલ પુનર્વસન પ્રકલ્પની વાત કરું છું. કેટલાક પ્રકલ્પોમાં સમગ્ર પુનર્વસન કાર્ય મિશન દ્વારા જ થયું હતું. પોતે પગભર થઈ શકે એટલે આના લાભાર્થીઓને નોકરી-ધંધો અપાયો. એનું પરિણામ શું આવ્યું? સૌના આશ્ચર્ય વચ્ચે આ બધા લાભાર્થીઓ જે કંઈ ધન રળ્યા એનો ઉપયોગ કેમ કરવો, એ સમજી શક્યા નથી. પરિણામે દારુ, બીડી જેવી બૂરી આદતોમાં ફસાઈ ગયા.

ત્યાર પછી આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો. એ લાભાર્થીને જીવનમાં ભરણપોષણ કરવા માટેના સદુપાયોની કેળવણી આપવામાં આવી. સાથે ને સાથે એમને આ પુનર્વસન કાર્યમાં પણ જોતરવામાં આવ્યા. પેલા કરતાં આનું પરિણામ વધારે સારું આવ્યું. હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ. અંતે તો મુશ્કેલી એવી પરિસ્થિતિ છે કે જેનો સામનો કરવા કે એની સાથે પનારો પાડવા આપણે તૈયાર નથી હોતા. જ્યારે આપણે આવી પરિસ્થિતિ સાથે પનારો પાડવા આપણું મન બનાવી લઈએ છીએ ત્યારે એ મુશ્કેલી મુશ્કેલી રહેતી નથી. એક કહેવત છે – ‘ઘણનો ઘા કાચના ચૂરેચૂરા કરી નાખે છે પણ લોખંડને તો સુંદરમજાનું ઘડી દે છે.’ મુશ્કેલી તમારું શું બગાડી શકે તેનો આધાર તમારી ભીતર કેટલું સત્ત્વ છે તેના પર છે. એટલે કે મુશ્કેલીઓ આપણું ઘડતર કરવા આવે છે, આપણને ભાંગી નાખવા નહિ.

સ્વામી રંગનાથાનંદજીએ કહ્યું છે : ‘સમસ્યાઓથી દૂર ભાગવું એ સમસ્યાનો ઉકેલ નથી, એનું કારણ એ છે કે સમસ્યા તો તમારો પીછો કરવાની જ છે.’

સ્વામી વિવેકાનંદે પોતાના જીવનમાંથી એક રસપ્રદ ઉદાહરણ આપ્યું છે : ‘એક વખત હું વારાણસીમાં એક મેદાનવાળા સ્થળેથી પસાર થતો હતો. એની એક બાજુએ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુએ ઊંચી દીવાલ હતી. એ મેદાનમાં ઘણા વાંદરા હતા. વારાણસીના વાંદરા વિશાળકાય અને જંગલી હોય છે અને ક્યારેક ક્યારેક આક્રમણ પણ કરે છે. હવે એમણે મનમાં એવો નિશ્ચય કરી લીધો કે મને ત્યાંથી પસાર થવા ન દેવો. જેવો હું ત્યાંથી પસાર થતો હતો કે તેઓ મારી આસપાસ વીંટળાઈ વળ્યા. હૂપાહૂપ કરીને ડાંચિયા કાઢવા માંડ્યા અને મારા પગ પાસે આવીને આળોટવા માંડ્યા. તેઓ તો વધારે ને વધારે નજીક આવતા જતા હતા. મેં ત્યાંથી દોટ મૂકવાનો પ્રયત્ન કર્યો. પણ જેટલો હું ઝડપથી દોડતો હતો એટલી જ ઝડપથી પેલા વાંદરાઓ પણ દોડીને મારી સામે આવવા લાગ્યા અને મારી સામે ડાંચિયા કાઢવા લાગ્યા. હવે એના પંજામાંથી છટકવું અશક્ય લાગ્યું. એવામાં એક અજાણ્યા માણસે મને બૂમ પાડીને કહ્યું: ‘એ ભાઈ, ડરો નહિ. આ જંગલી પ્રાણીઓનો સામનો કરો.’ હું પાછો ફર્યો અને મેં હિંમતથી વાંદરાઓનો સામનો કર્યો. તેઓ પણ પાછા હઠ્યા અને ત્યાંથી નાસી ગયા. ત્યારથી હું આ જીવનનો સૌથી મોટો બોધપાઠ શીખ્યો : ‘ભયંકર મુશ્કેલીઓનો સામનો કરો, હિંમતથી સામનો કરો. જ્યારે આપણે તેનાથી ડરીને નાસવાનું બંધ કરીએ છીએ ત્યારે આ વાંદરાઓની જેમ જ જીવનની મુશ્કેલીઓ પણ એની મેળે દૂર થઈ જાય છે.’ એક બીજા વિચારકે કહ્યું છે : ‘આપણે આપણા જીવનનો બોઝો કામ કરવાનું બંધ કરીને ઊંચકી શકવાના નથી, પણ કેવી રીતે કામ કરવું એ શીખીને એને ઉપાડી શકીએ છીએ.’

ઉપર્યુક્ત બાબત પરથી આટલું તારણ તારવી શકાય કે સફળ વ્યક્તિમાં હંમેશાં એક ગુણ હોય છે. એનામાં સમસ્યાભરી પરિસ્થિતિનો સામનો કરવાની અજબની પૂર્ણ ઉત્તેજના હોય છે. આ ઉત્તેજના જ આશ્ચર્ય સર્જે છે. તમારા માટે એ શું કરી શકે એ હવે જોઈશું.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.