વિજ્ઞાન અને ધર્મ બે એવી વિજ્ઞાન શાખાઓ છે કે, તેમનું સંવાદી સંયોજન માનવબુદ્ધિનો સર્વતોમુખી વિકાસ સાધી શકે. પરંતુ, બેઉ વચ્ચેની, કોઈ વારની કરુણાભરી વિસંવાદિતા દુર્ભાગ્યે સદીઓથી ચાલી આવે છે. ટોલેમીના પૃથ્વી કેન્દ્રિત સિદ્ધાંતને સ્થાને, કોપરનિકસે, પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે એ સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત કોપરનિકસે સોળમી સદીમાં પ્રતિપાદિત કર્યો. કેથલિક અને પ્રોટેસ્ટંટ દેવળોએ એ સિદ્ધાંતનો જોરદાર વિરોધ કર્યો અને એનું આકસ્મિક મૃત્યુ ન થયું હોત તો, એને મારી નાખ્યો હોત. ટેલિસ્કોપના શોધક ગેલિલિયોએ કોપરનિકસના સિદ્ધાંતને સમર્થન આપ્યું. ધર્માંધ પાદરીઓ તરફથી જે ત્રાસ ગેલિલિયોને વેઠવો પડયો હતો તે માનવીના ધાર્મિક ઇતિહાસનું એક કાળામાં કાળું પ્રકરણ છે. બીજી તરફ, ધર્મ પ્રત્યેનો વિજ્ઞાનનો અભિગમ પણ સહાયભૂત અને રચનાત્મક નથી રહ્યો. ભૂતકાળના વૈજ્ઞાનિકો ધર્મને ઉતારી પાડતા અને, કર્મકાંડો અને ધાર્મિક રૂઢિઓનું પાલન વહેમોનું પડીકું માનતા. અર્વાચીન વિજ્ઞાન આરંભકાળમાં ધર્મને ભયંકર ભૂલ માનતું અને પછીથી નિર્દોષ ભ્રમ માનતું. આમ વર્ષોથી ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વૈમનસ્ય વિકસ્યું છે. આ બે શાખાઓ વચ્ચે સંવાદ સ્થાપવામાં અને બંનેનો સમન્વય કરવામાં સ્વામી વિવેકાનંદનાં વચનો અને લખાણોમાં, આ તબક્કે, આપણે તાજી હવા શ્વાસમાં લઈએ છીએ.

વૈજ્ઞાનિક શબ્દના કોઈપણ સ્વીકૃત અર્થમાં સ્વામી વિવેકાનંદ વૈજ્ઞાનિક ન હતા. પરંતુ, ભૌતિક કે આધ્યાત્મિક, કોઈ પણ પ્રશ્ન પરત્વે તેમનો અભિગમ વૈજ્ઞાનિક હતો. ઠાકુર સાથેની તેમની પહેલી જ મુલાકાતમાં પણ આ બાબત જોવા મળે છે. ગુરુ મહારાજને એમણે પૂછેલો પહેલો પ્રશ્ન હતો. ‘આપે ઈશ્વરને જોયો છે?’ શબ્દના વિશાળ અર્થમાં શ્રીરામકૃષ્ણ પોતે પણ વૈજ્ઞાનિક હતા. ઈશ્વર વિશે માત્ર સાંભળીને એમને સંતોષ થયો ન હતો. ઈશ્વરમાં માનવું તેનો અર્થ એમને મન ઈશ્વરનું દર્શન હતું; ઈશ્વર હોય તો એનું દર્શન થવું જ જોઈએ. એટલે, શ્રીરામકૃષ્ણ ઈશ્વરને જોવા માગતા હતા ને, ઈશ્વર પર અને ઈશ્વર સાથે પ્રયોગ કરવા માટે તેમણે પોતાના જીવનને મોટી પ્રયોગશાળા બનાવી દીધું. એમણે પોતાના ડોળા બંધ જ ન કર્યા અને, કોઈ પણ વૈજ્ઞાનિક માફક એમણે પ્રાપ્ત માહિતીને સ્વીકારી અને પોતાની પ્રયોગશાળામાં એ પ્રયોગો કરતા રહ્યા. ઈશ્વરને પોતાનો કરવાના, શોધવાના અને જોવાના પોતાના અનુભવોને પાકે આધારે વિવેકાનંદના સવાલનો જવાબ એ તરત આપી શક્યા હતા કે : ‘હા, મેં ભગવાનને જોયા છે.’

આજની સંસ્કૃતિ શુદ્ધ અને વ્યવહાર્ય વિજ્ઞાનોની નીપજ છે. પ્રાચીન સંસ્કૃતિ વિજ્ઞાનનું અને ટેકનોલોજીનું અવમૂલ્યન કરતી હતી તેમ અર્વાચીન સંસ્કૃતિએ તેમનું ઊર્ધ્વમૂલ્યન કરેલું છે. ‘વિજ્ઞાન પ્લુટોનયમનું ગુણપરિવર્તન કરી શકે છે પણ માનવહૃદયમાં રહેલી દુષ્ટતાનું નહીં,’ એમ આઈન્સ્ટાઈને કહ્યું છે. વિજ્ઞાનનું એ કાર્ય નથી. માનવીના ભૌતિક સુખ માટેની પરિસ્થિતિનું નિર્માણ કરી શકતું હોવા છતાં, વિજ્ઞાન ભૌતિક સુખ માટેની યોગ્ય પરિસ્થિતિ પેદા કરી શકતું નથી. ભારતીય ચિંતનમાં સમજાવ્યા પ્રમાણે, સુખી થવા માટે, માનવીએ ભીતરના મનુષ્યના વિજ્ઞાન ભણી વળવું જોઈએ. ભૌતિક વિશ્વની પાછળ બીજું વિશ્વ છુપાયું છે એમ માનવા તરફ વિજ્ઞાન વળ્યું છે. આશ્ચર્યકારક રીતે, વીસમી સદીનું વિજ્ઞાન માયાના પટની સામે ખડું થઈ ગયું છે અને, એને ખસેડીને એની પાર જોવા કોશિશ કરી રહ્યું છે.

ધર્મને લગતી વિચારણામાં ભારતના અને વિજ્ઞાન બાબત પશ્ચિમના, એકમેકને પૂરક યોગદાન વિશે વાત કરતાં, ‘મારા ગુરુદેવ’ વિશેના પોતાના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: આ દરેક પ્રકારને એની પોતાની મહત્તા છે, દરેકને પોતાની કીર્તિ છે. આ બંને આદર્શોની સંવાદિતા, એમનું મિલન એ વર્તમાન વ્યવસ્થા થશે. પાશ્ચાત્યને માટે ઈંદ્રિય જગત જેટલું સત્ય છે તેટલું જ સત્ય, પૌરસ્ત્યને માટે આત્માનું વિશ્વ છે. પૌરસ્ત્ય જેની આશા રાખે છે કે ઝંખે છે તે સઘળું તેને આધ્યાત્મિકમાં સાંપડે છે; જીવનને સત્ય બનાવનાર સઘળું તેને તેમાં સાંપડે છે. પશ્ચિમવાસીને મન એ સ્વપ્ન સેવી છે; ક્ષણિક રમકડાંઓથી રમતો લાગતો એ પશ્ચિમવાસી પેલાને સ્વપ્ન સેવી જણાય છે. આમ પ્રત્યેક બીજાને સ્વપ્નસેવી કહે છે. પણ, માનવજાત માટે પાશ્ચાત્ય આદર્શના જેટલો જ જરૂરી પૂર્વનો આદર્શ છે. મનુષ્યજાતિને યંત્રોએ કદી સુખી બનાવી નથી અને બનાવી શકશે પણ નહીં. જે મનુષ્ય પોતાના મનનો સ્વામી છે તે જ સુખી થઈ શકે, બીજો નહીં. યંત્રની આ શક્તિ, આખરે, શું છે? તાર દ્વારા વિદ્યુતનો પ્રવાહ મોકલનાર ખૂબ મહાન અને બુદ્ધિશાળી શા માટે ગણાવો જોઈએ? એના કરતાં લાખોગણું વધારે પ્રતિ પળ પ્રકૃતિ કરતી નથી શું? તો પ્રકૃતિને ચરણે પડી એનું પૂજન શા માટે ના કરવું?

પોતાની સમતોલ વિવેકબુદ્ધિને કારણે, સ્વામી વિવેકાનંદ વૈજ્ઞાનિકના કરતાં ધર્મગુરુનો વધારે આદર કરવાની ભારતીય વૃત્તિને ઉવેખતા હતા. સ્વામીજી કહે છે કે, ‘વેદ વાચનાર સમક્ષ આપણે ઘૂંટણીએ પડીએ છીએ અને પદાર્થવિજ્ઞાનના અભ્યાસીને ઉવેખીએ છીએ. આ નર્યો વહેમ છે, વેદાંત નથી. ઈશ્વર પાસે સર્વ જ્ઞાન પવિત્ર છે. જ્ઞાન ઈશ્વર છે.’

વિશ્વના રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિકે પોતાનાથી બનતો પ્રયત્ન કર્યો છે પણ માનવીનું રહસ્ય એનાથી આઘું રહ્યું છે. ‘અવકાશ, કાળ અને ગુરુત્વાકર્ષણ’ (Space, Time, Gravitations) નામના પોતાના ગ્રંથમાં એડિંગ્ટસે કહ્યું છે કે : ‘ભૌતિકશાસ્ત્રના સમગ્ર વસ્તુને સાપેક્ષતાના સિદ્ધાંતે આવરી લીધું છે. આજનું ભૌતિક વિજ્ઞાન જે મહાન નિયમોનો સ્વીકાર કરે છે તેમાંથી સાપેક્ષતાનો સિદ્ધાંત પસાર થઈ ચૂક્યો છે. અર્વાચીન પદાર્થશાસ્ત્ર માનવ વિશે જે જ્ઞાન ધારણ કરે છે તેમાં, સાપેક્ષતાના નિયમોની ચોકસાઈને કારણે તે નિયમોએ વિજ્ઞાનના મહાન નિયમોમાં એકસૂત્રતા આણી છે. ને છતાંય, પદાર્થોની પ્રકૃતિ પરત્વે આ જ્ઞાન ખાલી ખોખું છે – પ્રતીકોનું રૂપ છે. એ બંધારણના બાહ્ય સ્વરૂપનું જ્ઞાન છે. મૂળ વસ્તુનું નથી. સમગ્ર ભૌતિક જગતની આરપાર અજ્ઞાત તત્ત્વ વહી રહ્યું છે; એ જ આપણી જાગ્રત અવસ્થાનું સત્ત્વ હોવું જોઈએ; ભૌતિકશાસ્ત્રની દુનિયામાં ઊંડે ઊંડે રહેલા તત્ત્વનો એ નિર્દેશ છે, ને તે છતાં ભૌતિકશાસ્ત્રની પદ્ધતિઓ વડે એ સાધ્ય નથી.’ એડિંગ્ટને પ્રશ્ન પૂછયો છે : ‘આપણી જાત વિશેનું સત્ય શું છે?’ આપણે જ તો એ પ્રશ્ન કરનાર છીએ. મનુષ્ય પ્રાધાન્યત: કર્તા છે; એને માત્ર કર્મનાં પરિમાણોમાં ગોઠવી શકાય નહીં. એ જ તો તત્ત્વત: દૃષ્ટા છે, જ્ઞાતા છે, જોનાર છે – વેદાંતની પરિભાષામાં દક્‌ કે ક્ષેત્રજ્ઞ છે. ભૌતિકશાસ્ત્રની પદ્ધતિઓથી અપ્રાપ્ત એવા ભૌતિક જગતમાંના તત્ત્વ પ્રત્યે એડિંગ્ટનનું સીધું આંગળી ચીંધણું છે. અનુભૂતિ કર્તા તરીકેનો મનુષ્ય વેદાંતના ક્ષેત્રની વિશેષતા છે.

આ વિશે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના પોતાના બોલ નોંધવા જેવા છે : ‘જે છે તેનું જ્ઞાન જે હોવું જોઈએ તેનું દ્વાર સીધું ખોલતું નથી. આઈન્સ્ટાઈનને મતે, કોઈ ચોક્કસ ઘટનામાં ‘જે છે’ તેનો પૂરો સ્પષ્ટ ખ્યાલ આપણને હોઈ શકે ને તે છતાં, તેની પરથી માનવ આકાંક્ષાઓના ધ્યેય વિશે તારણ કરવા આપણે સમર્થ નથી. એનું પ્રખ્યાત સૂત્ર ચોટડુક છે : ‘ધર્મ વિનાનું વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે.’ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે દૃઢ ઉભયાન્વયી સંબંધ હોવો જોઈએ એમ આઈન્સ્ટાઈન માનતા હતા. સુસંવાદી અને સુંદર રીતે સુગ્રથિત આટલા વિજ્ઞાન અને સારપનું જ્વલંત ઉદાહરણ એમનું જીવન છે.

ધર્મ અને વિજ્ઞાન, બેઉ સત્યની શોધમાં લાગેલી બે વિદ્યાશાખાઓ છે તેમ ભારતીય ચિંતન માને છે. સત્યશોધનને યોગ્ય સ્થાન ન આપવામાં આવે તો, ધર્મના કે વિજ્ઞાનના તત્ત્વને પામી ના શકાય તેમ એડિંગ્ટન કહેછે. પશ્ચિમના વિચારકોને દેખાય છે તેવો ભેદ ધર્મના અને વિજ્ઞાનના તત્ત્વ વચ્ચે ભારતીય વિચારકોને જણાયો નથી. આવો વિરોધ અને આવું ઘર્ષણ બંનેની સંકુચિત સમજણને આભારી છે. વૈજ્ઞાનિક સંશોધન માટેની બે કસોટીઓ પરલક્ષિતા અને ચોકસાઈ છે. હકીકતો પ્રત્યે વફાદારી અને મનનું ખુલ્લું રાખવાની શક્તિ વૈજ્ઞાનિકની ઓળખાણ છે; પોતાના પ્રિય સિદ્ધાંતો ખોટા પુરવાર થતાં તેમનો ત્યાગ કરતી વેળા તેને અંગત રીતે કશું લાગવું જોઈએ નહીં. ધાર્મિક મનુષ્ય કરતાં, એક અર્થમાં એ વધારે વળગણમુક્ત છે. પરંતુ, જે હકીકતો પર વૈજ્ઞાનિક આધાર રાખે છે તે કઈ છે? જે અસ્તિત્વ ધરાવે છે કે જે બને છે તેને હકીકત – ઘટના – કહી શકાય. હકીકત – ઘટના-નું આ જ્ઞાન વિજ્ઞાનનો અધિકાર છે ત્યારે, ધર્મની વિશેષતા છે જાગ્રતિની હકીકત. સ્થલ-કાલની મર્યાદિત કારણકાર્યના ક્ષેત્રમાં વિજ્ઞાન કાર્યરત છે ત્યારે, ધર્મ એની પાર જાય છે, તે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પાયાનો ભેદ છે.

ધર્મના વિજ્ઞાનને પ્રાચીન ભારતે સમજાવેલ આંતરિક જગતની હકીકતોએ સ્વામી વિવેકાનંદે પ્રબોધી હતી. એક પંથ કે માન્યતા લોકો સ્વીકારે તે ધર્મ, એવી ધર્મ વિશેની પાશ્ચાત્ય સમજ હતી, એટલે તો અર્વાચીન વિજ્ઞાનની બૌદ્ધિકતા સાથે એનું ઘર્ષણ થયું. એથી ઊલટું, વિજ્ઞાનની સ્વીકૃત કોઈ પણ શાખામાં છે તેમ, ભારતમાં, ધર્મ એ સનાતન ખોજની તપાસની અને ચકાસી જોવાની બાબત હતી. પ્રાચીન ભારતનાં ઉપનિષદો અને પછીના સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો અને લેખો આ વાતને પુરવાર કરે છે. ‘બાહ્ય વિજ્ઞાનોને અને જ્ઞાનને આપણે જે કસોટીઓ વડે તાવીએ છીએ તે જ ધર્મના વિજ્ઞાનને લાગુ કરવાની છે? મારે મતે તેમ જ થવું જોઈએ અને, એ જેટલું વહેલું થાય તેટલું વધારે સારું. આવી કસોટીથી ધર્મ નાશ પામે તો એ સર્વથા યોગ્ય જ હતું; એ ધર્મ કેવળ વહેમો પર આધારિત હતો;  જેટલો વહેલો એ નાશ પામે એટલું વધારે સારું. ઉપરની ચમક છે તે ઉખડી જશે પણ, ધર્મનાં મૂળભૂત તત્ત્વો એ કસોટીમાંથી પાર ઊતરશે. એ પણ શાસ્ત્રીય થશે; ભૌતિક વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર જેટલો શાસ્ત્રીય થશે એટલું જ નહીં પણ, ભૌતિક વિજ્ઞાન કે રસાયણશાસ્ત્રને પોતાના સત્યને પૂરવાર કરવા માટે કશો આંતરિક આદેશ નહીં હોઈ, તે રસાયણ કે ભૌતિક શાસ્ત્રોના કરતાં શાસ્ત્રીય ધર્મ વધારે સમર્થ હશે, કારણ સમજાવતાં સ્વામી વિવેકાનંદે આમ કહ્યું છે. ‘રસાયણશાસ્ત્ર અને બીજાં ભૌતિક વિજ્ઞાનો ભૌતિક જગતનાં સત્યોની વાત કરે છે તેમ, ધર્મ પારભૌતિક જગતનાં સત્યોની વાત કહે છે. રસાયણશાસ્ત્ર શીખવા માટે આપણે પ્રકૃતિની કિતાબ વાંચવી જોઈએ છે તે રીતે, ધર્મ વિશે જાણવા માટે તમારાં મન અને હૃદયની કિતાબો વાંચવી જોઈએ.’ બાહ્ય અને આંતરિક એમ બે ક્ષેત્રોમાં મનુષ્ય પ્રવૃત્ત રહે છે ને ભારતીય ચિંતકોએ શોધી કાઢયું હતું. ‘ભીતરના અનુભવમાંથી પ્રાપ્ત કરેલું સત્ય માનસશાસ્ત્ર, ભૌતિક પારનું શાસ્ત્ર અને ધર્મ છે; બાહ્ય અનુભવમાંથી ભૌતિક વિજ્ઞાન પ્રાપ્ત થાય છે.’ સ્વામી વિવેકાનંદ ચોટદાર રીતે કહે છે કે : ‘વિજ્ઞાન માહિતી આપે છે પણ, ધર્મ પરિવર્તન કરે છે.’

વીસમી સદીના વિજ્ઞાનની સિદ્ધિઓ ખૂબ મહાન છે. સાપેક્ષતાનો આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત અને પ્લેંકનો કવોંટમ મિકેનિકસનો સિદ્ધાંત એકદમ મૂલગામી છે અને પદાર્થના વિશ્વને નવો અભિગમ આપે છે. દૃશ્યમાન અને સ્પૃશ્યમાન વિશ્વ એક તરફ અને બીજી તરફ અદૃશ્યમાન વિશ્વ એવો ભેદ હવે પાડી શકાશે નહીં કારણ, પદાર્થ અને શક્તિ એક જ છે એમ પુરવાર થઈ ચૂક્યું છે. સ્પૃશ્યમાનને સૂક્ષ્મ રૂપ આપી શકાય છે અને અસ્પૃશ્યમાનને સ્થૂળ રૂપ આપી શકાય છે, નિર્ણિતતાના (Determinism) સિદ્ધાંતને હેય્‌ઝનબર્ગના ‘અનિર્ણિતતાના (Uncertainty Principle) સિદ્ધાંતે મરણતોલ ફટકો માર્યો છે. અણુઓના જગતમાં કાર્યકારણનો નિયમ નિષ્ફળ ગયો છે તેમ મેક્સ પ્લેન્કે પુરવાર કર્યું છે. અર્વાચીન જીવશાસ્ત્ર આ વિચારોને પુષ્ટિ આપે છે. અર્વાચીન વિજ્ઞાનનાં કેટલાંક પ્રાગટયો આપણા અસ્તિત્વના આધાર ઉપર જ પ્રહાર કરે છે. તત્ત્વજ્ઞાન અને ધર્મને મળવા માટે વિજ્ઞાન અર્ધે રસ્તે આવી રહ્યું છે સ્વામી વિવેકાનંદની પણ એવી ઊંડી ઇચ્છા હતી. હેય્‌ઝનબર્ગ જેવો મહાન વૈજ્ઞાનિક પણ કહ્યા વગર રહી શક્યો ન હતો, આજના ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે નવા અભિગમની આવશ્યકતા છે અને, આ બાબત આંગળી ચિંધતો હોય તેમ તેણે દૂર પૂર્વની, અર્થાત્‌, ભારતની સહાયની શક્યતા તરફ તેણે આંગળી ચીંધી હતી.

ઉપનિષદોમાં પરા અને અપરા વિદ્યા તરીકે જ્ઞાનનું વિભાજન કરતાં, ગુરુ જણાવે છે કે, મહાન હોવા છતાં વેદો અને શાસ્ત્રો પણ અપરા વિદ્યા છે. કેવા તો તટસ્થ અને શાસ્ત્રીય અભિગમનો આ નિર્દેશ છે! આ બાબત સ્વામી વિવેકાનંદ બુલંદ સ્વરે કહે છે કે, વેદાંતને બાદ કરતાં કોઈ જ ધર્મે આવું હિંમતભર્યું કથન કર્યું નથી. ક્ષણિક – પરિવર્તન અને નાશ પામતા – પદાર્થો સાથે વિજ્ઞાન પનારો પાડે છે.’ બાહ્ય આકૃતિનો ખ્યાલ વિજ્ઞાન આપણને આપે છે, ભીતરનાં તત્ત્વનો નહીં.’ એમ એડિંગ્ટને કહ્યું છે. આપણા ધર્મ ગ્રંથો ઈશ્વર વિશે માહિતી આપે છે પણ ઈશ્વરને પ્રગટ કરતા નથી. પણ એ અજાણ તત્ત્વ સમગ્ર ભૌતિક જગતમાં વ્યાપક છે. ધર્મગ્રંથોમાં ઈશ્વરને પામવાનો માર્ગ નિર્દેશાયો છે, જુદા જુદા સંપ્રદાયો જુદા જુદા માર્ગોની વકીલાત કરે છે. આંતરિક ત્યાગવૃત્તિની ભાવનાથી સુપ્રતિષ્ઠિત મતો અને અભિગમોને પણ ટીકાકારો નકારે છે. સત્ય પ્રાપ્ત થાય ત્યાં લગી ચિંતકોમાં સનાતન સંઘર્ષ પ્રવર્તે છે.

પ્રકૃતિમાં, સ્વભાવમાં અને હેતુઓમાં વેદાંતને અને અર્વાચીન વિજ્ઞાનને નિકટનો સંબંધ છે તેમ સ્વામી વિવેકાનંદે દર્શાવ્યું છે. ભૌતિક વિશ્વના વિકાસના શાસ્ત્રમાં આ બે વિદ્યાશાખાઓનાં ઘણાં મિલન બિન્દુઓ છે. ‘આત્મવિકાસની માન્યતાને’ – અર્થાત્‌, વેદાંતની પરિભાષામાં બ્રહ્મને – સ્વામી વિવેકાનંદ પાયાનું સ્થાન આપે છે. ધર્મપરિષદમાં એમણે કહ્યું હતું કે, ‘સર્જન નહીં પણ પ્રાકટય આજના વિજ્ઞાનનો બોલ છે અને, હિન્દુને પોતાના હૈયામાં હરખ છે કે, પોતે જેને સદીઓથી પોતાના હૃદયમાં સેવી રહ્યો હતો તે, વિજ્ઞાનનાં તારણોને જોરદાર ભાષામાં અને પ્રકાશમાં આજે શિખવાડશે.’ અર્વાચીન વિજ્ઞાન આધ્યાત્મિક સત્યનો સ્વીકાર ભલે ન કરતું હોય તે છતાં, સર જુલિયન હકસ્લી જેવા વૈજ્ઞાનિકોએ આધ્યાત્મિક અનુભૂતિને પોતાની વૈજ્ઞાનિક વિચારણામાં વણી લેવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના પુસ્તક ‘ન્યુ બ્રેકગ્રાઉન્ડ ઓવ સાયન્સ’માં સર જેય્‌મ્સ જીન્સ કહે છે કે વીસમી સદીના ભૌતિક વિજ્ઞાનમાંથી ઉપસતા ચિત્ર અનુસાર સ્થૂળ પદાર્થને તદ્દન હડસેલી મૂકવામાં આવ્યો છે અને મનને સર્વોચ્ચ સ્થાને બેસાડવામાં આવ્યું છે, વાસ્તવમાં અર્વાચીન વિજ્ઞાન આધ્યાત્મિક જાગ્રતિમાંથી પસાર થઈ રહ્યું છે અને આ સંદર્ભમાં ‘વિજ્ઞાનની નવી ભૂમિકા’ની વકીલાત જીન્સ કરે છે. ‘ભીતર’ના પૂર્ણ અર્થને અર્વાચીન વિજ્ઞાન ગ્રહણ કરશે ત્યારે, એ બ્રહ્મની અને વેદાંતની નિકટ આવશે. ભૌતિક શાસ્ત્રોની વિવિધ શાખાઓ અંતે તો એક જ સત્યની ખોજ છે, એ સૌ મળીને ભૌતિક વિશ્વનું વિજ્ઞાન બને છે. બાહ્ય પ્રકૃતિનું વિજ્ઞાન. એ રીતે ભીતરનું વિજ્ઞાન અને બાહ્ય વિજ્ઞાન એક થશે અને બ્રહ્મનું વિજ્ઞાન પ્રગટશે. મુંડક ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે આ પરાવિદ્યા છે. વિશ્વધર્મ પરિષદમાંના સ્વામી વિવેકાનંદના રણકાદાર શબ્દો અહીં જોઈએ : ‘એકતાની ખોજ સિવાય વિજ્ઞાન બીજું કશું નથી. બધી શક્તિઓ જેનાં પ્રતિરૂપો છે તેની શોધ કર્યા પછી વિજ્ઞાન થંભી જશે ને તે રીતે, મૃત્યુમય જગતમાં જે એક જીવન છે, નિત્ય પરિવર્તન પામતા વિશ્વમાં જે એક સ્થિર તત્ત્વ છે, બધા આત્માઓ જે એકમાત્ર આત્માનાં ભ્રામક રૂપો છે તેની શોધ કરશે ત્યારે ધર્મનું વિજ્ઞાન પૂર્ણ થશે. અનેકતા અને દ્વૈતમાંથી આમ અંતિમ એકત્વે પહોંચાય છે. ધર્મ એથી આગળ જઈ શકતો નથી. સર્વ વિજ્ઞાનનું આ ધ્યેય છે.

વિજ્ઞાને અને વેદાંતે પરસ્પરના પૂરક થવાનું કાર્ય કરવાનું છે. માનવીની સુખસગવડમાં અને સમૃદ્ધિમાં વિજ્ઞાન અને ટેકનોલોજી યોગદાન આપે છે; ભારતમાં કરોડો લોકો અસહ્ય ગરીબીમાં સબડતાં હોઈ આપણને તેની ખૂબ જ જરૂર છે. સ્વામી વિવેકાનંદમાંનો દેશભક્ત પોતાનાં દેશ બાંધવો માટે રડ્યો હતો; એમના યજમાને આપેલી કૂણી ગાદીવાળી પથારી પણ એ માણી શક્યા ન હતા પણ, પોતાનાં દેશબંધુઓ પ્રત્યેની સહાનુભૂતિને કારણે એમણે ઠંડી ભોંયે સૂવાનું પસંદ કર્યું હતું. ભારતની પતિત પ્રજા માટે પ્રગતિશીલ વિજ્ઞાન તરફથી સાંપડતી બધી સગવડો એ પસંદ કરતા હતા. પરંતુ ભૌતિક શાસ્ત્રો માત્ર બાહ્ય વાતાવરણ આપી શકે. ઉપનિષદો અનુસાર જીવનની પૂર્ણતાને માપવા માટે તંદુરસ્ત આંતરિક પર્યાવરણ રચવા માટે આપણે આધ્યાત્મિક વિજ્ઞાન ભણી વળવું જોઈએ. પરંતુ, વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ સાથે આજની સભ્યતા આ ચિત્ર રજૂ નથી કરતી. સત્તા, સમૃદ્ધિ અને સુખસગવડોમાં માનવી સમૃદ્ધ થાય છે; પરંતુ તણાવ અને દુ:ખથી પીડાતો એ માનવી આંતરિક દારિદ્ય્ર અનુભવે છે. રબરના ટુકડાની માફક આકાશની ઘડી કરવા એ સમર્થ થશે તો પણ, એ આત્મ સાક્ષાત્કાર કરે નહીં ત્યાં સુધી એની પીડાનો અંત આવશે નહીં.

દેખીતા પતન છતાં, ભારત પોતાનો આધ્યાત્મિક વારસો જાળવી રહ્યું છે. શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ અને રમણ મહર્ષિ જેવી આધ્યાત્મિક વિભૂતિઓ ભારતમાં તાજેતરના ભૂતકાળમાં પ્રગટી છે તે આ વાતને સમર્થન આપે છે. ભારતના મહાન વારસાનો નાશ કર્યા વિના ભારતને આધુનિક કરવાના કાર્યની પૂરી જવાબદારી ભારતીય વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિસ્ટ ઉઠાવી શકે તો વિવેકાનંદનું સ્વપ્ન સાકાર થાય. ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની આછી રૂપરેખા સ્વામી વિવેકાનંદે દોરી આપી છે. સ્વામી વિવેકાનંદે સમજાવ્યા પ્રમાણે ધર્મ અને વિજ્ઞાનના એકત્રીકરણનાં કાર્યમાં મસ્તક અને હૈયાનું, રૂઢ (કલાસિકલ) અને કૌતુક સભર (રોમેન્ટિક)ના સંયોજનની આછી રૂપરેખા તેમણે દોરી આપી છે. ધર્મની બાબતોની સાથોસાથ પોતાના અનુયાયીઓ વિજ્ઞાનની માહિતીનું વિતરણ કરે એ સ્વામી વિવેકાનંદે ફરજિયાત બનાવ્યું હતું. વિજ્ઞાન અને ધર્મનું મિલન થશે અને બેઉ હસ્તધૂનન કરશે. કવિતા અને ફિલસૂફી મિત્રો બનશે, ભવિષ્યનો ધર્મ આ હશે અને, આપણે એનો અમલ કરી શક્યાં તો એ સર્વકાળને, સર્વજનોને માટે હશે.’ એમ રણકાદાર શબ્દોમાં તેમણે કહ્યું હતું.

(અનુવાદક : શ્રીદુષ્યંત પંડ્યા)

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.