પ્રો. ટી. આર. શેષાદ્રિના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિના મહાપુરમાં તણાઈ રહ્યા છીએ તે એવું છે કે આપણે સૌ નિરાધાર બનીને વધારે ને વધારે અસહાયતા તરફ ઘસડી જાય છે. સાથોસાથ, ખૂબ પ્રાચીન કાળથી આપણા દેશમાં ધર્મ અસરકારક પરિબળ બની રહેલ છે; તત્ત્વત: વિજ્ઞાનની કોઈ પણ શાખાની માફક એ જેનું અવલોકન કરે છે તે પૂરી પરલક્ષી દૃષ્ટિએ કરે છે. અભ્યાસની, પ્રયોગો કરવાની અને પુરાવા મેળવવાની એની પોતાની આગવી પદ્ધતિ છે. પશ્ચિમમાં ધર્મનું મૂલ્ય રહ્યું નથી અને મોટા ભાગના વૈજ્ઞાનિકો ધર્મથી દૂર રહેવાનું પસંદ કરે છે. આપણું શું થશે? આ કોયડા ઉપર, લગભગ સીત્તેર વર્ષો પૂર્વે દૃષ્ટા, પયગંબર અને દેશભક્ત તરીકે આ પ્રશ્ન વિશે સ્વામીજીએ વિચાર કર્યો હતો. એમના બધા વિચારો અને બોલો આજે પણ એટલા જ તાજા છે અને, આપણા રાષ્ટ્રના અને વિશ્વના હિતમાં તેમને ચર્ચીને તથા તેમનો ઉપયોગ કરીને આપણે ખૂબ ફળ મેળવીશું.

સત્યની શોધના કાર્યમાં શાસ્ત્રીય – વૈજ્ઞાનિક – પદ્ધતિના મૂલ્યની એમની શ્રદ્ધા ઉપર ધાર્મિક પ્રગતિના ક્ષેત્રમાં સ્વામીજીના યોગદાનની અગત્ય છે. ધર્મોને પણ એ જ પદ્ધતિઓ લાગુ પાડવી જોઈએ તેમ એ માનતા. આ કસોટીમાંથી પાર ન ઊતરે તેવો કોઈ પણ ધર્મ ગમે તેટલા લાંબા કાળથી ચાલ્યો આવતો હોય, તેનો ત્યાગ જ કરવો રહ્યો. આવી જાંચને વેદાંત આવકારે છે અને એ માટે એ ખડું છે. અર્વાચીન પરિપ્રેક્ષ્યમાં ભારતીય ધર્મશાસ્ત્રોની અર્થ તારવણીએ પશ્ચિમને જ તેમની મહત્તા દર્શાવી છે એટલું જ નહીં પણ, પ્રત્યેક બાબતમાં પશ્ચિમને ચડિયાતું માનવાની ગ્રંથિથી પીડાતા પૂર્વમાંના આપણા અનેક લોકોને પણ એ મહત્તા તેમણે દર્શાવી છે. શ્રુતિ, સ્મૃતિ અને પુરાણો તરીકે શાસ્ત્રોનું એમણે કરેલું વર્ગીકરણ પ્રશસ્ય છે. (વેદાંતને ધારણ કરતાં ઉપનિષદો) શ્રુતિઓ સનાતન છે અને સર્વત્ર લાગુ પડી શકે છે ત્યારે, કાલાનુસાર અને દેશાનુસાર સ્મૃતિઓ પરિવર્તન પામે છે અને તેમનું મૂલ્ય શાશ્વત નથી. આપણા વિવિધ ધર્મો પાછળ રહેલી એકતા તેમણે સમજાવી અને, ‘વેદાંતના સિંહને ગર્જવા દો. ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડયા રહો’ – એ શંખનાદ તેમણે સંભળાવ્યો.

વિજ્ઞાન અને એના અભિગમની એમની સમજ એમને બીજા અગત્યના તારણ તરફ લઈ ગઈ જેને એમણે પોતાનાં વ્યાખ્યાનોમાં વ્યક્ત કરી છે. અર્વાચીન વિજ્ઞાનને તેમણે આવકાર આપ્યો અને ઘોષણા કરી કે, વિશ્વમાં વેદાંતના પ્રચારમાં એ ખૂબ પીઠબળ પૂરું પાડશે. ભારત પર પડેલી પ્રત્યેક વિદેશી અસરે વેદાંતના તત્ત્વજ્ઞાનને અને ધર્મને કેવું ઉત્તેજન આપ્યું તે એમણે વર્ણવ્યું હતું. વેદાંત વિજ્ઞાન આધારિત છે અને સત્ય અને વાસ્તવિકતા માટેનાં તેનાં ધોરણો સમાન જ છે. સ્થળ, કાલ, વિશ્વ અને આત્માની તથા મનની સૂક્ષ્મતા માટે વિજ્ઞાનનાં જ ધોરણો છે. અવકાશની, કાળની અને વિશ્વની વિશાળતાના અને સૂક્ષ્મતાના તેના ખ્યાલો એટલા અર્વાચીન છે કે, વિજ્ઞાનને એ અપીલ કરે જ. આ પરિસ્થિતિ સમજાવતા એમના પ્રખ્યાત વિચારો જાણીતા છે; છતાંય તેમની નોંધ અહીં કરવા જેવી છે.

‘ફરી એક વેળા ઇતિહાસનું પુનરાવર્તન થવાનું છે, કારણ આજે, અર્વાચીન વિજ્ઞાનના આંધળા કરી નાખે તેવા પ્રકાશ હેઠળ, પુરાણી અને દેખીતી રીતે અકાટય માન્યતાઓનો ભુક્કો થઈ ગયો છે, જુદા જુદા સંપ્રદાયો પ્રત્યે વફાદારીના દાવાઓને વેરણછેરણ કરી હવામાં ઉડાડી દેવામાં આવ્યા છે – પુરાણી બાબતોનું અર્વાચીન સંશોધન જૂની રૂઢિઓનો કાચના ટુકડાઓ જેવો કડૂસલો કરી રહ્યું છે – પશ્ચિમમાં ધર્મ માત્ર અજ્ઞાનીઓના હાથમાં રહ્યો છે, અને, ધર્મને લગતી કોઈપણ બાબત તરફ જ્ઞાનીઓ તિરસ્કારભરી નજરે જુએ છે ત્યારે, ભારતનું તત્ત્વદર્શન મંચ પર આગળ આવે છે; ભારતના ચિત્તના ઉચ્ચતમ આદર્શોને એ દર્શાવે છે, જ્યાં ઉચ્ચતમ દાર્શનિક બાબતો લોકોની વ્યવહારુ આધ્યાત્મિકતા બની ગઈ છે. આ બાબત સહજ રીતે સહાયોમાં આવે છે; એ છે સર્વની એકતાનો ખ્યાલ, અનંતનો, અવ્યક્તનો, માનવના સનાતન આત્માનો ખ્યાલ, જીવોની કૂચની અખંડ અવિરતતાનો અને વિશ્વની અનંતતાનો ખ્યાલ. જૂના ધર્મસંપ્રદાયોને મતે, વિશ્વ કાદવનું ખાબોચિયું હતું અને, કાળ – સમય – નો આરંભ હજી ગઈ કાલે જ થયો હતો. – તે સિવાય અન્યત્ર ક્યાંય ન હતું – કે સ્થલ, કાલ, અને  કાર્યકારણ સંબંધને સૌથી વિશેષે તો, ધર્મની ખોજ કરતા માનવ આત્માની અનંત ભવ્યતા – આ સઘળું આપણા પ્રાચીન ગ્રંથોમાં જ હતું. ઉત્ક્રાંતિના અર્વાચીન મહાન સિદ્ધાંતો, શક્તિસંચયના ને એવા સિદ્ધાંતો સર્વ પ્રાથમિક ધાર્મિક માન્યતાઓને મરણના ઘા મારી રહેલ છે ત્યારે, મનુષ્યના આત્મામાં જ મળતા માનવ આત્માને અદ્‌ભુત, વિસ્તૃત કરતા અને ઉન્નત કરતા, માનવીને ઉન્નત કરતા, ઈશ્વરના અવાજ, વેદાંતના કરતાં બીજું વધારે ઉન્નતિકારક શું હોઈ શકે?’

આધ્યાત્મિક વિજ્ઞાનની સૂક્ષ્મતાઓને સમજવામાં વિજ્ઞાનના વિશાળ વિકાસે સહાય કરી છે તેને એક બીજું પરિમાણ પણ છે. અવલોકન અથવા સાક્ષાત્કાર સત્યની અગત્યની કસોટી છે તેમ વિજ્ઞાન તેમજ ધર્મ બેઉ સ્વીકારે છે. ઘણા સમય પૂર્વે અવલોકનને ઈંદ્રિયો પૂરતું મર્યાદિત રાખવામાં આવતું હતું અને ઈંદ્રિયાતીત અનુભૂતિને વિજ્ઞાન સ્વીકારતું ન હતું. પદાર્થો મપાવા અને ગણાવા જોઈએ અને પુનરાવર્તન આવશ્યક મનાતું હતું. પરંતુ આજે અવલોકનની અનેક રીતો પ્રવર્તે છે. નાનામાં નાનાં Y- કિરણો X (ક્ષ) કિરણો, પારજાંબલી, ભિન્ન ભિન્ન રંગોનાં દૃશ્યમાન કિરણો, ‘ઈન્ફ્રા રેડ’ અને રેડિયો તરંગો : આ સર્વ તરંગોને આપણે આજે પ્રયોજીએ છીએ; રાસાયણિક અને વિદ્યુત્કિય એવી અનેકવિધ કસોટીઓ આપણે કરીએ છીએ. પદ્ધતિઓ પણ વૃદ્ધિ પામ્યા કરે છે. એટલે, આ પદ્ધતિઓથી પરની બીજી પદ્ધતિઓ જોવા સમજવા માટે છે તે સમજવું મુશ્કેલ નથી ને ખાસ કરીને આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ તેવું જ છે.

ધાર્મિક તત્ત્વદર્શનમાં વડીલોનું વડીલપણું જ્ઞાનનો એક અગત્યનો માર્ગ છે. આ બાબત દુરાગ્રહવાળી, વડીલશાહી અને મને અસ્વીકાર્ય ગણાતી તેવો જમાનો હતો. અર્વાચીન વિજ્ઞાન વડીલોને સ્થાને વિશેષજ્ઞોને બેસાડે છે. સૌ તજજ્ઞોનો આદર કરે છે અને, પોતે સમજતા હોય કે નહીં, તજજ્ઞોના બોલને માથે ચડાવે છે. આ દોષ નથી અને તેની પાછળ સારું કારણ છે. જ્ઞાન પ્રસારની અનેક અર્વાચીન પદ્ધતિઓ વિશિષ્ટ સાધનો, વિશિષ્ટ યુક્તિઓ, ઊંડી તાલીમ અને અનુભવ માગી લે છે. બહુ જ થોડા લોકો પાસે આ સગવડો હોય છે, ઉદાહરણ તરીકે આજના ખગોળશાસ્ત્રીઓ એટલે ‘કવાઝર્સ’ (Quasars) અને ‘પસાર્સ’ (Pulsars) જેવા અદ્‌ભુત તારકો વિશે ખગોળવિદ્‌ જે કહે છે તેને બીજા લોકો સાંભળે છે તે અચરજ પામે છે. અણુઓ અને પરમાણુઓ બાબત પણ એવી જ બાબત છે. અણુ પરમાણુના બંધારણ વિશે રસાયણશાસ્ત્રીઓ વિશેષ પદ્ધતિઓ દ્વારા પ્રાપ્ત કરે છે તે માહિતીને માઈક્રોસ્કોપ (સૂક્ષ્મ દર્શક યંત્ર)ની આવશ્યકતા રહે છે. એ યંત્ર મોટું છે, લગભગ કરોડ રૂપિયાની કિંમતનું છે, ખૂબ જગ્યા રોકતું હોઈ તેને મોટા ઓરડામાં જ રાખી શકાય છે અને તેના સંચાલન માટે તાલીમબદ્ધ વૈજ્ઞાનિકની આવશ્યકતા રહે છે. એ વૈજ્ઞાનિક સ્વાભાવિક રીતે જ પોતાના ક્ષેત્રનો વિશેષજ્ઞ અને આદરપાત્ર છે. વિશેષમાં, અને વિશેષજ્ઞ જે અસાધારણ વિગતો મેળવે છે ને જે સાચી મનાય છે તે આપણી દૃષ્ટિ સમક્ષ ખૂબ સૂક્ષ્મ બાબતો મૂકે છે. આમ, પ્રકાશ તરંગ છે અને કણ પણ છે ને તે રીતે ‘ઈલેકટ્રોન’ પણ કણ અને તરંગ છે. મનને લગતાં અને આધ્યાત્મિક શાસ્ત્રો ભિન્ન જ્ઞાન શાખાઓ છે ને તેથી, વિશેષજ્ઞોને આપણે એટલી આતુરતાથી અને શ્રદ્ધાથી સાંભળવા જોઈએ. પોતાની લક્ષ્યવેધિતા, સરળતા અને ભવ્યતા સાથે વેદાંત અહીં આવે છે.

વૈજ્ઞાનિક પ્રકૃતિ, મુક્ત અભ્યાસનું વૈજ્ઞાનિકનું વલણ અને સ્વીકાર્યા પહેલાં દરેક બાબતને કસવાની આવશ્યકતા અને તે પછી જ તેના સ્વીકાર વિશે આપણે અનેકવાર સાંભળવા મળે છે.

પ્રયોગ અને ખરાઈ પછી જ સ્વીકાર પર વિજ્ઞાનમાં ભાર દેવામાં આવે છે છતાં, એ બાબતો વૈજ્ઞાનિકોનો એકાધિકાર નથી. અનેક ફિલસુફોએ અને ધાર્મિક નેતાઓએ પણ તેમનો આગ્રહ રાખ્યો છે; વાસ્તવમાં, નિષ્ઠાવાળો કોઈ પણ બુદ્ધિશાળી માણસ આવા પુરાવાઓ માગશે જ. ઈશ્વર ભણી લઈ જતા બધા પંથો અને ધર્મોની રીતિઓ સ્વીકાર, ને તે માર્ગે ધ્યેયે પહોંચવા પ્રયોગો કરનાર શ્રીરામકૃષ્ણ કરતાં બીજો કોઈ મોટેરો દૃષ્ટાંત નથી. સ્વામી વિવેકાનંદે વૈજ્ઞાનિક તરીકે તાલીમ લીધી ન હતી પરંતુ સત્યની ખોજમાં અને એમણે કરેલી કસોટીઓમાં કોઈ વૈજ્ઞાનિક એમનાથી આગળ જઈ શકે નહીં. વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જ ધર્મના ક્ષેત્રમાં પણ લેવાવી જોઈએ; વાસ્તવમાં સિક્કાની બે બાજુઓ જેવાં એ છે.

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.