મદ્રાસની વિવેકાનંદ કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક, અધ્યક્ષ અને પ્રાચાર્ય પ્રો. એન. સુબ્રહ્મણ્યમના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

હિન્દુ ધર્મને એટલેંટિકની પાર લઈ જનાર હિન્દુ સંત, ફિલસૂફ અને વેદાંતી તરીકે માત્ર ઓળખનાર આપણામાં ઘણા લોકો છે. આ ચર્ચાસભામાં ભાગ લેવા માટે જોરથી તૈયારી કરવા હું બેઠો ત્યારે જ, હું પોતે પણ આ મહામાનવની ગહન બુદ્ધિ પ્રતિભા અને એમની પૃથક્કરણ શક્તિથી આકર્ષાયો હતો. ગણિતને બાજુએ મૂકતાં, માનવ શરીરવિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્રનું એમનું જ્ઞાન તત્ત્વજ્ઞાનીને માટે આશ્ચર્યકારક રીતે અધિક છે. તાત્ત્વિક અને ધાર્મિક બાબતો વિશે વિશુદ્ધ શાસ્ત્રીય રીતે તલવારબાજની અદાથી તેઓ દલીલો કરી શકતા. ગૂઢ તત્ત્વજ્ઞાનની બાબતો વિશે એમના અર્થો એવી તો શાસ્ત્રીય ચોકસાઈથી અને યુક્તિથી તેઓ કરતા કે, પોતાના કોલેજ કાળમાં સ્વામીજી વિજ્ઞાન ભણ્યા ન હતા તેની નવાઈ સામાન્યજનને લાગે. મારા અંગત પૃથક્કરણને આધારે મને લાગે છે કે, માનસશાસ્ત્રીઓ જેને સમાનતાદર્શક અભિગમો કહે છે તેમાં સ્વામીજી ખૂબ ખીલે છે. તાત્ત્વિક વિચારણાઓનું અર્થઘટન કરવા અને તેમને સમજાવવા માટે સ્વામીજી વિજ્ઞાનો પર ખૂબ આધાર રાખે છે. સ્વામીજીનાં લખાણો અને પ્રવચનોમાં જોવા મળતાં અનેક નોંધપાત્ર દૃષ્ટાંતોમાંથી થોડાંક રજૂ કરવાની કોશિશ હું કરું છું.

આ કાર્ય આરંભતાં પહેલાં, વિજ્ઞાનની વ્યાખ્યા આપવી મને ગમશે. પ્રથમત: ચોક્કસ પ્રશ્નોના ઉત્તર આપવાનો વિજ્ઞાન પ્રયત્ન કરે છે તે લઈને અને પછી, શક્ય તેટલી ચોક્કસ રીતે તેમને કસવા માટે વિજ્ઞાન પ્રકૃતિ સમક્ષ આવે છે. બીજું, એક બાજુએથી અવલોકન અને પ્રયોગ બેઉ બાબત વિજ્ઞાનનું જ્ઞાન જાહેર છે અને, બીજી બાજુએ સિદ્ધાંત અને સિદ્ધાંતમંડન બાબત પણ તેવું જ છે. વૈજ્ઞાનિક જ્ઞાન જાહેર છે તેમ કહેવું તે એ જ્ઞાન અવૈયક્તિક કે વ્યક્તિગત સંડોવણીથી ભિન્ન છે તેમ કહેવા બરાબર છે. શાસ્ત્રીય જ્ઞાન પોતાના હેતુને સિદ્ધ કરવા પાછળ જ લાગેલું છે અને એ સંપૂર્ણપણે અવૈયક્તિક છે તે એ શાસ્ત્રીય જ્ઞાનની મહાન શક્તિ છે. અને અંતમાં, વિજ્ઞાનને હકીકતો સાથે લાગેવળગે છે, સારા, ખરાબ કે સુંદર મૂલ્યો સાથે નહીં. વિજ્ઞાનની આમ ચાર લાક્ષણિકતાઓ છે – ચોક્કસ થવું, ખુલ્લા થવું, અવૈયક્તિક રહેવું અને હકીકતો સાથે કામ પાડવું.

‘વિજ્ઞાનને ધર્મ સાથે લાગેવળગે છે?’ એ પ્રશ્ન બાબત થોડાં સામાન્ય વિધાનો હું કહીશ. ઉપર વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે, વિજ્ઞાન મૂલ્યો સાથે નહીં પણ, હકીકતો સાથે કામ પાડે છે. ધર્મને વૈજ્ઞાનિક પદ્ધતિથી જોવામાં આવે તો, ધર્મનાં અમુક પાસાંઓને જ તે લાગુ પાડી શકાશે, કોઈ પણ માણસ સમજી શકે તેવી સામાન્ય ભાષામાં જ વ્યક્ત કરી શકાય તેવાં ધર્મનાં પાસાંઓની વિચારણા કરાશે. એ હકીકત આધારિત અને અવ્યક્તિગત હોવી જોઈએ. સામાન્ય રીતે જોતાં ધર્મ અને વિજ્ઞાન એકમેકનાં સંબંધી છે. ધર્મ જેની સાથે નિકટતાથી સંકળાયેલો છે તે બુદ્ધિની પાયાની માનવ પ્રવૃત્તિ શાસ્ત્રીય – વૈજ્ઞાનિક – જ્ઞાન છે ધર્મ અને વિજ્ઞાન સદીઓથી પરસ્પરને અસર કરી રહ્યાં છે – ને તે કોઈક વાર બેઉના લાભાર્થે. સત્તરમી સદીમાંની વૈજ્ઞાનિક વિચારણાના પાયાના કેટલાક મહાન વૈજ્ઞાનિકોનાં તારણો પર સંવાદિતા અને આયોજનની ધાર્મિક વિચારણાની અસર હતી. અર્વાચીન કાળમાં, ધાર્મિક ચિંતનના કેટલાય નેતાઓ અને ફિલસૂફોનાં વિધાનો પર વૈજ્ઞાનિક વિચારણાની, પ્રયોગની, અવલોકનની અને પુરાવાની અસર પડેલી છે.

માનવ અનુભવો સંબંધી ઉલ્લેખોમાં, સ્વામીજી અનેક વાર ‘અનુભવ’ શબ્દ પ્રયોજે છે તે અહીં નોંધવું રસપ્રદ થશે. આપનામાંથી ઘણા કદાચ જાણો છો કે, ‘પ્રયોગ’ માટે ફ્રેન્ચ લોકો ‘અનુભવ’ શબ્દ પ્રયોજે છે. વિશ્વની વિશાળ પ્રયોગશાળામાંના પ્રયોગોનાં અવલોકનો કે પરિણામો જ વાસ્તવમાં, માનવીય અનુભવો છે. અને ધર્મના ક્ષેત્રમાંના આ માનવીય અનુભવોને સદ્ધર વૈજ્ઞાનિક ભૂમિકાએથી સમજાવવા તે જ હેતુ સ્વામી વિવેકાનંદનો હતો.

બધું જ્ઞાન આવા અનુભવો પર આધારિત છે તેમ સ્વામીજી ભારપૂર્વક કહે છે. આવા જ્ઞાન પરથી સિદ્ધાંતોની કે જ્ઞાનની તારવણી કરવામાં સ્વામીજીના મનનું શાસ્ત્રીય વલણ પ્રગટ થાય છે. ઉદાહરણ તરીકે, રાજયોગ પરનો આખો પ્રબંધ ઉચ્ચ કોટિનું શાસ્ત્રીય પ્રદાન છે. રાજયોગના શાસ્ત્રની માંડણી કરતાં સ્વામીજી કહે છે કે આંતરિક દશાનું અવલોકન કરનાર સાધન ચિત્ત પોતે જ છે. પ્રકાશનાં ફેલાતાં કિરણોની સાથે સ્વામીજી ચિત્તની શક્તિઓને સરખાવે છે. કોઈ ચોક્કસ વસ્તુ પર એમને કેન્દ્રિત કરવામાં આવે તો તે પદાર્થ ઝળહળિત થઈ ઊઠે છે. આ બાબત ઉપર ભાર દેતાં તેઓ કહે છે કે, વૈજ્ઞાનિક આ શક્તિને બાહ્ય જગતમાં વાપરે છે અને યોગી વાપરે છે આંતરજગતમાં.

ચૈતસિક પ્રાણની વિભાવના સમજાવતી વેળા પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા સ્વામીજી ભૌતિકશાસ્ત્રની એક ઘટનાનો ઉપયોગ કરે છે, એક જ દિશામાં ગતિ કરવાના શરીરના અણુઓની વૃત્તિમાંથી, એમને મતે, શાસ્ત્રીય શ્વાસોચ્છવાસ ઉત્પન્ન થાય છે. મન ઇચ્છામાં પરિવર્તન પામે છે ત્યારે, જ્ઞાનતંતુઓનો પ્રવાહ વિદ્યુતની ગતિ જેવી ગતિમાં પરિવર્તન પામે છે કારણ, વિદ્યુત પ્રવાહના કાર્ય હેઠળ જ્ઞાનતંતુઓ જુદું ધ્રુવીકરણ દર્શાવે છે. જે દેહમાં બધી ગતિઓ પૂર્ણપણે સંવાદી અને તાલબદ્ધ બની ગઈ હોય છે તેને ઇચ્છા – સંકલ્પ – શક્તિની સમર્થ વિરાટ બેટરી સાથે તેઓ સરખાવે છે – દુર્ગમ કાર્ય કરવાને પણ સમર્થ શક્તિશાળી વિદ્યુતોત્પાદક – જનરેય્‌ટર – એ છે. પ્રાણાયામની વિભાવનાને પણ સ્વામીજીએ શરીર વિજ્ઞાનની દૃષ્ટિએ સમજાવેલ છે. શરીરમાં એ તાલબદ્ધ કાર્યને આણે છે અને શ્વસન કેન્દ્ર દ્વારા બીજાં કેન્દ્રોને અંકુશમાં રાખવા તરફ આગળ વધે છે. કુંડલિની શક્તિની વાત સ્વામીજી કરે છે તે અન્ય સ્થળે પણ સ્વામીજીમાંનો શરીરશાસ્ત્રી પ્રગટ થાય છે.

સર્વ વિજ્ઞાનનું ધ્યેય એકતાની શોધનું, જેમાંથી અનેક પ્રગટયાં છે તે એકની ખોજ કરવાનું છે, અનેક રૂપે એક જ વિલસી રહેલ છે તેની શોધનું સ્વામીજીનું ધ્યેય છે. પાશ્ચાત્ય વૈજ્ઞાનિક આ એકતા અણુમાં કે પરમાણુમાં શોધે છે. તેને એ મળે છે પછી એને માટે કંઈ જ વિશેષ શોધવાનું રહેતું નથી. એ જ રીતે, આત્માની એકતાનું દર્શન આપણને થાય છે પછી આગળ જવાનું રહેતું નથી. ઈંદ્રિય જગતમાં સઘળું એ એકનું જ પ્રાકટય છે તે સ્પષ્ટ છે.

કાર્ય – પ્રતિકાર્યની પોતાની આ વિભાવનાને સમજાવતાં, સ્વામીજી ભૌતિક વિજ્ઞાનમાંથી બીજા દૃષ્ટાંતનો ઉપયોગ કરે છે. ‘ક’ શું કરે છે ત્યારે, એનું ચિત્ત અમુક પ્રકારનું આંદોલન અનુભવે છે અને એવી સ્થિતિમાંનાં બધાં ચિત્ત ‘ક’ના ચિત્તથી પ્રભાવિત થવાનું વલણ ધરાવશે; સમાન સ્વરમાંનાં વાજિંત્રો એક ઓરડામાં હોય તેના જેવું એ છે. એકને વગાડીએ એટલે બીજાં પણ તે જ રીતે રણઝણવાનાં.

દરેકમાં જ્ઞાન રહેલું છે તેવો દૃઢ મત સ્વામી વિવેકાનંદનો હતો. ઘણાંમાં એ સુષુપ્ત હોય છે અને યોગ્ય સમયે તેને જાગ્રત કરી શકાય છે. પોતાના આત્માને આચ્છાદિત કરતા આવરણને દૂર કરીને માનવી ‘શોધી’ કાઢે છે તે જ એ ‘શીખે’ છે. વૃક્ષ પરથી અસંખ્ય સફરજનોને પડતાં ન્યુટને જોયાં હશે. પણ સમય પાક્યે જ ભીતરમાંથી સૂચન ઊભરી આવ્યું અને, ગુરુત્વાકર્ષણનો નિયમ એણે રજૂ કર્યો.

કર્મયોગમાં આત્મસંયમની વાત કરતાં ભૌતિકશાસ્ત્રમાંથી બીજી તુલનાનો ઉપયોગ સ્વામીજી કરે છે. ચાર ઘોડાથી ખેંચાતી ગાડી ઢોળાવ પરથી નીચે ગબડવા મંડે અથવા, ગાડીવાન ઘોડાઓને અંકુશમાં રાખે. તોપનો એક ગોળો દૂર જઈને પડે છે, બીજો ભીંત સાથે અથડાય છે અને એ આઘાત ખૂબ ગરમી પેદા કરે છે. સ્વાર્થી હેતુ પ્રેરિત બધી શક્તિ વેડફાઈ જાય છે; એ શક્તિ તમારી પાસે પાછી નહીં આવે. પણ એના પર અંકુશ મુકાતાં શક્તિનો વિકાસ થશે. ટૂંકમાં, બધાં બહાર પ્રતિફલિત થતાં કર્મના કરતાં, આત્મસંયમ વધારે સમર્થ શક્તિ છે.

કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન હથિયાર હેઠાં મૂકી દે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને દંભી અને કાયર કહે છે તેનો અર્થ કરતાં, બંને ધ્રુવો કેટલા સમાન છે છતાં ભિન્ન છે તે વિવેકાનંદ દર્શાવે છે.

પ્રકાશનાં આંદોલનો અતિ મંદ હોય છે ત્યારે આપણે તેમને જોઈ શકતાં નથી; વળી તેઓ અતિ વેગવાન હોય ત્યારે પણ આપણે જોઈ શકતાં નથી. ધ્વનિનું પણ તેવું જ છે; સ્વર ખૂબ મંદ હોય કે ખૂબ તીવ્ર હોય તો આપણે તે સાંભળી શકતા નથી. છતાં એ બંને તદ્દન ભિન્ન છે. સામનો અને સામનાનો અભાવ – એ બંનેનું પણ તેવું જ છે. એક આદમી નબળો છે, આળસુ છે અને શક્તિહીન છે તેથી એ પ્રતિકાર નથી કરતો પોતે પ્રતિકાર કરી શકે તેમ છે તે જાણતો હોવા છતાં બીજો તેમ નથી કરતો. બંને સમાન નથી જ. પહેલી વ્યક્તિ અનિષ્ટને વશ થાય છે ત્યારે, બીજી શત્રુઓનું પણ ભલું માંથી તેમને જીતી લે છે.

કર્મયોગનું અંતિમ લક્ષ્ય મુક્તિ – સર્વ બંધનોમાંથી મુક્તિ – છે તે આપણે જાણીએ છીએ. અણુથી મનુષ્ય સુધી, નિર્જીવ કણથી સર્વોચ્ચ આત્મા સુધી આપણે જોઈએ છીએ તે દરેક પદાર્થ મુક્તિ માટે મથે છે. હકીકતે સમગ્ર વિશ્વ આ મુક્તિ માટે મથે છે – જગતની શક્તિનું રૂપાંતર સતત વૃદ્ધિ પામી રહ્યું છે તેમ રસાયણશાસ્ત્રી કહે છે.

ધર્મને અને ધાર્મિક શિક્ષણ સદ્ધર શાસ્ત્રીય માર્ગે વિકસાવવા માટે સ્વામીજીની આતુરતા અને એમની વૈજ્ઞાનિક મનોવૃત્તિનું દર્શન એમનાં પ્રવચનોમાં અને લખાણોમાં થાય છે. તેના આ ઉપર કહ્યા થોડા દૃષ્ટાંતો છે. સ્વામીજીના આ અભિગમના બીજા અનેક દૃષ્ટાંતો છે.

વૈજ્ઞાનિક, પોતાની રીતે જ, સત્યની, બાહ્ય સત્યની, ખોજમાં લાગેલો છે. વેદાંતી અંતિમ સત્યની, એકતાની, ખોજમાં પડેલો છે. એને ફત્તેહ મળી છે કે નહીં તે કહેવા હું અધિકારી નથી. પણ, પ્રથમની બાબતે હું એડિંગ્ટનમાંથી અવતરણ જ આપીશ- ‘સતત પ્રવાહી દશામાંથી અણુ સુધી આપણે ઘન પદાર્થની મૃગયા કરી છે, અણુથી ઈલેકટ્રોન સુધી તેમ કર્યું છે અને ત્યાં આપણે એને ખોઈ બેઠાં છીએ. પ્રકાશના જથ્થા (quantum)માં ક્યાંય કણ (corpuscular) અને અકણ (non-corpuscular)નો સંગમ થાય છે અને સત્યના શોધકને મૂંઝવી ને થકવી મારે છે. વિજ્ઞાનનું સાધન, ગણિતશાસ્ત્ર, સમીકરણો સાથે કામ પાડે છે અને, સમીકરણો વધતા પદાર્થની આવશ્યક શૂન્યતાના નવા જ્ઞાનથી વિશેષ તેણે આપણને કશું જ આપ્યું નથી.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.