(મન હોય તો માળવે જવાય તેને ચરિતાર્થ કરનાર ‘રોંઢા વેળા’નામના આત્મકથા પુસ્તકમાંથી ‘ભણતરની ભૂખ’લેખ અત્રે પ્રસ્તુત છે. – સં)

દિવાળી બાદ પ્રાથમિક શાળાંત આપવાની માહિતી મળી. એકાદ માસ બાદ સોગંદનામું મેજિસ્ટ્રેટ પાસે વકીલ મારફત કરાવ્યું અને પ્રાથમિક શાળાંતનું ફોર્મ જ્યારે ભરાતું હતું ત્યારે ભર્યું. લગભગ મારી યાદદાસ્ત પ્રમાણે જાન્યુઆરી – ફેબ્રુઆરી હશે, ત્યારે ફોર્મ ભર્યું, ખેતરમાં સાથીનું કામ ચાલું હતું. વચ્ચેથી રજા લઈને આ કામ પતાવ્યાં. પરંતુ હવે સમસ્યા ઊભી થઈ કે વાંચવું શું અને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. લખવાના રફ ચોપડા લાવ્યો તે મારા ઘેર રાખી દીધા. કયારેક રાત્રે વાડીએ જવાનું થાય ત્યારે એકાદ કલાક ઘેર આંટો મારી બા-બાપુજીને મળી આવું ને વાંચી આવું. બા સાથે જાગે પણ ખરાં પછી મોડી રાત્રે ખેતરે જતો રહું.

મને જે સમસ્યા હતી તે એ હતી શાળાંતના અભ્યાસક્રમની માહિતી પૂરતી હતી નહિ. જે છોકરાઓ હાઈસ્કૂલમાં ધો. ૮ થી ૧૧માં ભણતા હતા તેમાંથી કેટલાકે પ્રાથમિક શાળાંત પરીક્ષાનાં ફોર્મ ભર્યાં હતાં. પરંતુ તેને તો સાતમા ધોરણની પરીક્ષા આપવાની હતી. પ્રાથમિક શાળાંત એટલે સાત ધોરણને અંતે લેવાતી પરીક્ષા તેથી તેને તો વાંચવાની જરૂર નહિ. મને પૂરી માહિતી મળે નહિ. ઘણા વિદ્યાર્થીઓને છાનો છાનો પૂછવા જાઉં, પરંતુ શિક્ષકો પાસે જવાની હિંમત ચાલે નહિ. શરમ આવે, બોલતાં ફાવે નહિ. એકાદ-બે અનુભવ થયા હશે. બોલું તો ભણેલા હસે તેથી લઘુતા આવી ગઈ કે મને બોલતાં આવડતું નથી. ખેડૂતની બરછટ ભાષામાં વાત કરતાં આવડે, શિષ્ટ ભાષા આવડે નહિ. આમ થતાં એકાદ મહિનો વીતી ગયો. કોઈકે કહ્યું તેનો ‘ભોમિયો’ આવે છે. તે જેતપુરમાં મળશે.

એક દિવસ ખેતીનું મજૂરીકામ જ્યાં કરતો હતો તે ઘરધણીની રજા લેવા ગયો. કહ્યું, મારે જેતપુર જવું છે. ઘરધણી તાડૂકયા : જેતપુર અને વળી તારે? અમેય કોઈ’ દિ જેતપુર જાતા નથી. તું વળી જેતપુર જઈને શું કરીશ? વાત છુપાવતાં આવડે નહિ બોલાઈ જવાયું મારે ચોપડી લેવા જાવું છે. તેમનું મોઢું લાલ થઈ ગયું. બોલ્યા : ‘કાગડા થઈને બગલાની હાલે હાલવા જઈએ તો ફસાઈ પડીએ. જેમ તારે કરવું હોય તેમ, હું દિ’ કાપી લઈશ.’ રજા તો માંડ માંડ દીધી પરંતુ કચવાતાં કચવાતાં.

હું વડિયા ગામમાંથી પ્રાઈવેટ બસમાં વડિયા દેવળી સ્ટેશને ગયો. રેલગાડીમાં બેઠો. જેતપુર સ્ટેશને ઊતરી ગયો. ચાલીને ગામમાં ગયો. ચોપડીવાળાની દુકાન શોધી. વેપારી સાથે શું બોલવું એ ગમ ન પડે. ધીમે ધીમે હિંમત કરીને બોલી નાખ્યું. ‘સાવંતનો ભોમિયો છે?’ વેપારીએ કહ્યું : ‘ના’ પણ પાછળથી હસીને બોલ્યો, ‘સાવંત’ શું? શાળાંત પરીક્ષા હોય’. મેં કહ્યું, હા હા, એ શાળાંતનો ભોમિયો. તેણે કહ્યું કે ભોમિયો નામનું કોઈ પુસ્તક આવતું નથી. ત્યાંથી બીજી કાગદીની દુકાન હતી ત્યાં ગયો. તેમને પૂછયું તો કહે : ‘ધોરણ આઠમાનો અભ્યાસ એ શાળાંતનો અભ્યાસ. તેની પાસેથી બેત્રણ પુસ્તકો આઠમાનાં લઈને પાછો આવ્યો.

બીજે દિવસે કામે ચઢી ગયો. રાત્રે ગામની બજારમાંથી પસાર થતો હતો ત્યારે શાળાંત આપનારો એક વિદ્યાર્થી મળ્યો. તેણે કહ્યું : ‘બબાભાઈ બ્રાહ્મણ પાસે ભોમિયો છે. તેને પરીક્ષા આપવી હતી એટલે લીધેલો પરંતુ તેને હવે પરીક્ષા નથી આપવી એટલે વેચવો છે.’

બબાભાઈ જકાત કારકુન તરીકે નોકરી કરતા હતા. જકાત નાકે તેમની રાતની ડયૂટી હતી. ત્યાં મળ્યો, ભોમિયોની વાત કરી તો કહે મારે વેચવો છે. મને રૂપિયા પોણા ચારમાં આવ્યો છે. પૂરી કિંમત આવે તો જ વેચવો છે. હું અધીરો થયો, મેં કહ્યું : ‘હું પૂરી કિંમત આપીશ.’ બબાભાઈએ બીજે દિવસે મળવાનું કહ્યું.

પરંતુ મારી ધીરજ ન રહી એટલે વિનંતી કરી? પરંતુ તેમણે કહ્યું, ‘અહીં જો બીજા ભાઈ આવી જાય તો તેને બેસાડીને ઘેરથી લાવી આપું.’ એટલામાં બીજા તેના સાથીદાર બેસવા આવ્યા. બબાભાઈ ઘેર ગયા. થોડીવારમાં ઘેરથી ‘ભોમિયો’ લાવી આપ્યો. મેં ગજવામાં પાંચની નોટ કાઢી પૈસા આપ્યા. બબાભાઈએ સવા રૂપિયો પાછો આવ્યો. મેં તેમને ચાર આના પાછા આપ્યા અને કહ્યું : તમે બ્રાહ્મણ છો. ચાર આના દક્ષિણામાં.

હું ભોમિયો લઈને મારે ઘેર આવ્યો. ઘેર આવી ફાનસ સળગાવ્યું. ફાનસના ધીમા પ્રકાશમાં ઉપરનું પૂંઠુ જોયું. તેમાં લખેલ હતું કે નવા સુધારેલા અભ્યાસક્રમ મુજબની પ્રાથમિક શાળાંત પરીક્ષા માટેની માર્ગદર્શિકા. હું ચિંતામાં પડી ગયો : ‘આ ભોમિયો તો નથી.’ એક જાણકારને પૂછયું. હજાર જેટલાં પાનાંનું આ પુસ્તક તો બીજું છે. તેમણે કહ્યું, ભોમિયો નામ નથી આવતું. નામ તો માર્ગદર્શિકા કહેવાય. ભોમિયો એટલે માર્ગ બતાવનારો, માર્ગનો જાણકાર. સાંભળીને મન મનાવી લીધું. અંદર બધું ‘પ્રાથમિક શાળાંતની પરીક્ષા માટે તેમ લખેલું હતું.’ કલાક ઘેર રહીને પુસ્તક ઘેર મૂકીને વાડીએ ગયો. રાતનું કામ પતાવી વહેલી સવારે પીઠમાં ગાડું લઈને પહોંચ્યો. શિરામણ કરીને ફરી પાછો ગાડું લઈને બીજે ખેતરે ગયો.

ઘરધણીને પૂછીને રાત્રે બે કલાક ઘેર જતો. કિંમતી પુસ્તક વાડીએ ન લઈ જવાય એવો મારો ખ્યાલ. હુતાસણીને પણ થોડા દિવસ બાકી હતા એટલે ઘરધણી વધુ આકરા થાય નહિ. પંદરેક દિવસમાં હુતાસણી આવી. આ વરસમાં મારા દસેક દિવસ પડેલા. જેટલા દિવસની રજા લઈએ તેટલા દિવસ પડેલા કહેવાય. તેટલા દિવસ હુતાસણી પછી એ જ ખેડૂતને ત્યાં રોકાઈને કામ કરવું પડે.

પરીક્ષાને એક મહિનાનો સમય બાકી હતો તેથી ઘરધણીને કહ્યું ‘મારે પરીક્ષા આપવી છે તેથી દિવસ ન ભરું તો?’ એ સમયે ખેડૂતોને બહુ કામ હોય નહિ પરંતુ ઘરધણીએ કહ્યું : ‘દિવસ ભરી આપવા પડશે, નહિતર પગારમાંથી દોઢા પૈસા કાપી લઈશ.’ મારા સરેરાશ દિવસનો જે હિસાબ થતો હોય તેનાથી દોઢ ગણા પૈસા કાપી નાખ્યા. અને બાકીનો પગાર આપી દીધો. તે કચવાતે મને લઈ લીધો. બીજા ખેડૂતોને ખ્યાલ આવ્યો એટલે તેમની ટીકા કરવા લાગ્યા કે વરસના દસ દિવસ માફ કરી દેવા જોઈએ, પરંતુ તેમણે પોતાને હિસાબે વ્યવહાર કરી લીધો. વધુ પૈસા કાપ્યા તેનો જ ફક્ત રંજ હતો.

નાપાસ થયો

હું ઘેર આવ્યો. વાંચવાનું ફાવતું હતું તેથી દિવસ-રાત વાંચવાનું શરૂ થયું. પરંતુ ગણિત આવડે નહિ. મારા પિતાશ્રીના એક પરિચિત શિક્ષક હતા. તેમનું નામ જસુભાઈ પરમાર. તેઓ એ વખતના શિક્ષકોમાં હોશિયાર ગણાતા હતા. મેટ્રિક પાસ હતા. ડ્રોઈંગ કામ પણ સારું જાણતા હતા. શ્રી જસુભાઈ પરમાર બાજુના બાંટવા દેવળી ગામે શિક્ષક તરીકે હતા. બે ગાઉ દૂર બાંટવા દેવળી ગામ આવેલું હતું. તેમણે કહેલું કે દરરોજ બાબુ આવે તો હું ભણાવું. પોતે રાત્રિશાળા ચલાવતા હતા.

એ રાત્રિશાળામાં તેમની પાસે ગામના મોટા ભણવા આવતા હતા. મને પણ બેસાડતા. મારે ફક્ત હિન્દી અને ગણિત શીખવાની જરૂર હતી. પ્રાથમિક શાળાંતનું મને ગણિત શીખવે પરંતુ એકડો નહિ આવડતા માણસને સીધું શાળાંતનું ગણિત મગજમાં બેસે નહિ.

મારા જીવનમાં અક્ષરનાં અજવાળાં પાથરવાનો મારો સંકલ્પ પ્રદીપ્ત થતો ગયો. હું નિયમિત બે ગાઉ ચાલીને બાંટવા દેવળી ગામે જવા લાગ્યો. રાત્રે ભણું અને સવારે પાછો વડિયા આવી જાઉં. આવું એક મહિના પર્યંત ચાલ્યું. આ પછી પરીક્ષા આવી એ આપી. હું એક બહારથી પરીક્ષા આપનારો હતો. જ્યારે બાકીના નિયમિત વિદ્યાર્થીઓ હતા. બધા મળીને દસ ઉમેદવારો હતા.

પરીક્ષા આપ્યા બાદ હું પરિણામની પ્રતીક્ષામાં હતો ત્યાં દોઢેક માસ બાદ છાપામાં મારું પરિણામ આવ્યું. એક વિદ્યાર્થી પાસ થયો અને બાકીના બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા. હું પણ નાપાસ થયો. મને આ પરિણામથી નિરાશા ઘેરી વળી. એક અઠવાડિયું ઘેર વિતાવ્યું. મારી આ નિરાશાથી માતાપિતા દુ:ખી થતાં હતાં. આથી બાપુજીને સાંત્વના આપીને હું ૪૭૫ રૂપિયા વરસમાં જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામે સાથી તરીકે એક ખેડૂતને ત્યાં ગયો.

ઉનાળાના એ દિવસો હતા. દિવસભર કામ રહે. રાત્રિના ઘેર આવવાનું થતું. વાળુપાણી કરીને સૂઈ જવાનું. વહેલી સવારે ત્રણ વાગે ઊઠવાનું. ઢોરને ચાર કરવાની. વાસિદું – પાણી કરવાનું, ઘાસ ફેરવવાનું. બીજી વખત ઢોરને ચાર કરવાની પછી શિરામણ કરવાનું અને પાંચ વાગે બળદગાડું લઈ ને ઘેરથી નીકળી જવાનું અને ખેતરે પહોંચી જવાનું.

મારી અક્ષર આરાધનાયાત્રામાં નાનાં નાનાં વિઘ્નોરૂપી અંતરાયો આવતા હતા, પરંતુ મારું ધ્યેય તો અક્ષર આરાધના દ્વારા જીવતરમાં પ્રકાશના દીવડા પ્રગટાવવાનું હતું. એક દિવસની વાત છે. વહેલી સવારે વાંચતો હતો તે ઘરધણી જોઈ ગયેલ હશે. આથી બીજા દિવસે વાડીએ રાતવાસા માટે મોકલ્યો. કંઈ સમજ ન પડી પરંતુ ગામમાં ઘેર રાત્રે રહેવાની મનાઈ કરી. પાછળથી ખ્યાલ આવ્યો કે ‘ફાનસ બળે એ ન પોસાય’ એમ વાત વાતમાં એક વખત ઘરધણીથી બોલાઈ ગયેલું.

એક દિવસ ઘરધણી ખેડૂતનો દીકરો ખૂબ રડયો. એ છોકરો ચોથા ધોરણમાં ભણતો હતો.એણે વેન લીધું કે ‘નિશાળે જવું નથી. માસ્તર મારે છે.’ પોતે ઘેર આપેલું લેસન કરી શકતો નથી. સાંજે હું ઘેર આવું. વાળુ કરીને વાડીએ રાતવાસા માટે જાઉં. એ છોકરો સાંજે લેસન કરતો હતો. બે ત્રણ જવાબ તેને આવડતા ન હતા. વાળુને થોડી વાર હતી. મેં ન આવડતા જવાબો શિખવાડી દીધા. છોકરાએ આ વાત તેના પિતાને કરી કે ‘બાબુભાઈ મને લેસન કરાવે છે.’ મને ઘરધણીએ પૂછયું, ‘તને આવડે છે?’ મેં ‘હા’ કહી. થોડા દિવસ હું સાંજે ઘેર આવું ત્યારે લેસન કરાવું પછી વાડીએ જાઉં. પરંતુ કયારેક વધુ લેસન હોય તો મોડું થાય એટલે ઘરધણી કહે અહીં સૂઈ રહે.

આમ છોકરાને વિવિધ વિષયો શીખવવા લાગ્યો પણ મને ગણિત જેવો વિષય શીખવવામાં તકલીફ પડતી હતી. આથી મેં ધોરણ પહેલા અને બીજાનું ગણિત પાડોશમાંથી મંગાવ્યું. હું ગણિતની પદ્ધતિ વાંચીને પહેલા ધોરણના દાખલા ગણીને તેને શીખવું. સાદા સરવાળા અને બાદબાકી શીખવ્યાં પછી ત્રીજાનું ગણિત મંગાવી પ્રેકિટસ કરી અને કરાવી. બે મહિનામાં ચોથા ધોરણના ગણિતમાં હું પોતે પહોંચી ગયો. પછીનું ભોમિયામાં હતું તે જાતે તૈયાર કરવા લાગ્યો. ચોમાસું આવ્યું. પાકના રખોપા માટે સીમમાં રહેવાનું થયું. છોકરાને લેસન કરાવી મારું વાંચનનું લઈને સીમમાં જાઉં. ગામમાંથી એક ફાનસ માગેલું. કેરોસીન પુરાવી ખેતરે લઈ ગયો.

મોસમ પૂરી થઈ હતી. બાજરીના સાંઠાનો ઓઘો કરેલો તેમાં ફાનસ સંઘરી રાખેલું. રાત્રે ઓઘાની બખોલમાં આડી લાકડી રાખી ફાનસ પેટાવું અને અંદર છુપાઈને વાંચવાનું ચાલુ કર્યું. થોડા રફ કાગળો અને પેન્સિલ પણ રાખેલાં. કયારેક દાખલા ગણું. મોટે ભાગે ગણિતનો અભ્યાસ શીખવતાં શીખવતાં કરતો. આમ ગણિત પાકું થઈ જતું હતું.

આ વરસમાં વડિયા કયારેક બા – બાપુજીને મળવા જતો. સાંજના રેશમડી ગાલોળ ગામથી નીકળી ચાલતો વડિયા જાઉં. ત્યાંથી વડિયા જવા માટેનું લગભગ પંદરેક કિલોમીટર જેટલું અંતર થાય. ચાલીને જાઉં અને વહેલી સવારે નીકળી સૂર્યોદય પહેલાં રેશમડી પહોંચી જાઉં. રાતના ત્રીસ કિલોમીટર અંતર પગે ચાલીને કાપી દિવસના કામ કરવાનું એ પણ રાબેતા મુજબનું. એટલી સ્ફૂર્તિ કેમ હતી તે આજે પણ સમજાતું નથી.

રેશમડી ગાલોળમાં હજુ વરસ પૂરું થયું ન હતું ત્યાં મારે ઘેર મારું લગ્ન આવ્યું. અહીં સમાચાર મળ્યા. મને ચાંદલો કરવામાં આવ્યો અને રજા લઈને વડિયા ગયો.

એ સમયે જાન મોટે ભાગે ગાડાંઓમાં જતી. વડિયા ગામમાં ઢોલરિયા કુટુંબનાં ત્રીસેક ઘર હતાં. બધાં બળદગાડાંવાળાં હતાં. એક ફકત અમારી પાસે જમીન કે ગાડું હતું નહીં. કુટુંબીઓ પરિસ્થિતિને કારણે જાનમાં ગાડું જોડાવાની લાચારી કરાવે. એવી લાચાર દશામાં મારા પિતાશ્રીને મેં જોયેલા. મેં પિતાશ્રીને કહેલું હું ગમે ત્યાંથી ગાડાં લાવીશ, લાચારી મૂકો. બહારગામથી મારા સંબંધોનો ઉપયોગ કરી ગાડાં લાવ્યો. કુટુંબીઓ પછી તો તૈયાર થઈ ગયા. જાન કુંકાવાવ તાલુકાના બગસરા પાસેના માવઝીંઝવા ગામે ગઈ. માવઝીંઝવા એટલે જગમશહૂર જાદુગર કે. લાલનું જન્મસ્થળ. આજે અહીં કે. લાલના નામની હાઈસ્કૂલ છે.

મેં પ્રભુતામાં ડગ માંડયાં. મારી પત્ની આવી. નામ તેનું શાંતા. શાંતા કશું જ ભણેલી નહિ તેમ ગણેલી પણ નહિ. સમજનો અને તાલીમનો પણ અભાવ. કારણ કે માનસિક પરિસ્થિતિ કંઈક અસામાન્ય. તે એક અઠવાડિયું રોકાઈ. રિવાજ એવો કે લગ્ન બાદ એક અઠવાડિયું રોકાવાનું બાદ એક કે બે વરસ પછી આણું તેડવા જવાનું હોય. અઠવાડિયા બાદ શાંતાના પિયરવાળા તેડવા આવ્યા. તેને તેડી ગયા અને હું વળી પાછો રેશમડી ગાલોળ સાથીનું વરસ પૂરું કરવા માટે ગયો. કામ કરતાં કરતાં વરસ પૂરું થયું. હુતાસણી આવી. હું પાછો ઘેર આવ્યો.

આ વખતે ફરીથી પ્રાથમિક શાળાંત પરીક્ષા આપવાની હતી. તે આપી. આ વખતે અમે બધા વિદ્યાર્થીઓ ગોંડલ મુકામે પરીક્ષા આપવા ગયા હતા. વડિયાથી આઠ વિદ્યાર્થીઓ હતા તેમાં સાત નિયમિત વિદ્યાર્થીઓ અને હું એક બહારથી સીધી પરીક્ષા આપનારો હતો. પરીક્ષા આપવા ગયા ત્યારે બધાની પાસે સારી એવી સગવડ હતી. બીજા કમાનાર ન હતા, પણ હું કમાતો હતો છતાં મારે કરકસર કરવી પડે. કારણ કે અમારા ઘરમાં સાત ખાનારાં અને ખરેખર કમાનારા બે જ હતા. તેમાં પણ બારે માસ કમાનારો હું એકલો.

મારાં બાને વરસના છ થી સાત માસ કામ મળે. બાપુજીની શારીરિક સ્થિતિ નબળી હતી તેથી વરસના બે થી ત્રણ માસ કામ કરી શકે. નાનો ભાઈ કામ કરે પરંતુ તેને ફક્ત પોતા પૂરતું ખર્ચ મળે.

ત્રીજા નંબરનો ભાઈ કામ કરે તેનાથી ખર્ચ વધુ કરી નાખે. તેને કંટ્રોલ કરનાર ઘરમાં કોઈ નહિ. હું ઘેર જાઉં એટલા દિવસ કંટ્રોલમાં રહે, બાકી છૂટો દોર મળે. નાની બે બહેનો ખૂબ જ નાની.

મારા ઘરની આર્થિક સ્થિતિ કફોડી હતી. તેમાં મારાં લગ્ન થયાં. હજુ મારી પત્ની પિયર હતી એટલે તેનો ખર્ચ ન હતો. મારાં લગ્નના ખર્ચનું કરજ તો મારા પર હતું જ, આથી દરેક વખતે કરકસર કરવી પડે. ચોરણી – કેડિયાનો પોશાક પહેરતો હતો. પરીક્ષા આપવા જવા માટે પણ કપડાં નહિ! જો ખેતી અને લગનનાં કપડાં પહેરીએ તો પરીક્ષામાં મશ્કરી થાય. તેમાંથી છૂટવા કપડાં પણ માગીને પહેરેલાં. આમ પરીક્ષા આપી.

એકાદ માસ બાદ પરિણામ આવ્યું ને પ્રાથમિક શાળાંત પરીક્ષામાં હું અને એક નિયમિત વિદ્યાર્થી બે પાસ થયા. બાકીના નાપાસ થયા. પરિણામ આવતાં બા-બાપુજી ખુશ થયાં. આડોશપાડોશનાં પણ ખુશ થયાં. હવે મને નોકરીની લાલચ જાગી હતી. આ વરસે પરિણામની રાહ જોવા ઘેર જ હતો. આ અરસામાં વડિયા ગામની લાઈબ્રેરીમાં વાંચવા જતો. છાપાં વાંચું, પુસ્તકો વાંચું, મેગેઝિન વાંચું. વાચન ખૂબ જ ફાવી ગયેલું. ત્યાં બેસીને જ સો-દોઢસો પાનાંની ચોપડી પૂરી કરી દેતો.

પંદરેક દિવસ ગયા હશે. બાપુજી નારાજ થયા. જાણવા મળ્યું કે ઈર્ષાળુ માણસોએ તેમના મગજમાં ઠસાવી દીધું કે હવે એ તમને કમાઈને ન દે. ભણે એટલે બગડે. એ નહિ કુટુંબનો કે સગાંસંબંધીનો. ગામમાંથી દાખલા શોધીને આપે. અત્યાર સુધી મેં મારી કમાણી પૂરેપૂરી બાપુજીના હાથમાં જ મૂકી હતી. કદી મારા માટે પૈસો વાપર્યો ન હતો. મારે કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું, છતાં આ વખતનો અસંતોષ મેં જોયો.

મને થયું હવે મારે કામ શોધવું જોઈએ. મધ્ય સૌરાષ્ટ્રમાં નોકરી મેળવવા નોંધણી કરાવી પરંતુ એમ તત્કાલ નોકરી મળવાની શકયતા ન હતી. આ વખતે દૂર જવાનો વિચાર થયો. ફરીથી સાથી તરીકે જ જોડાવું પડે. ગામમાં નાકા કારકુનની જગ્યા ખાલી પડવાની શકયતા હતી. તેની રાહ જોતાં મહિનો કાઢયો હતો.

પાડોશમાં એક ભાઈ સાથી તરીકે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં બે વરસ કામ કરી આવેલા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સાથીના પગાર ગીંગણી ગામમાં હતા. વધુ પગાર વધુ કામ. એ ભાઈને મેં ભલામણ કરી કે જગ્યા હોય તો મને લખજો. તેઓ ગયા અને એકાદ અઠવાડિયામાં પત્ર આવ્યો. ગીંગણીના એક ખેડૂતને ત્યાં જગ્યા હતી. ત્યાં હું ‘વાર્ષિક રૂ. ૬૦૦માં વરસ’નું નક્કી કરીને ગયો.

શરૂઆતના દિવસોમાં ત્યાંનું વાતાવરણ મને જુદું જ લાગવા માંડયું. પણ ધીમે ધીમે ત્યાંના વાતાવરણમાં હું ગોઠવાવા લાગ્યો. મકાન બાંધકામનું કામ ચાલતું હતું. આથી રેતી અને પાણી નદીએથી લઈ આવવાનાં, પથ્થર અને સિમેન્ટનું ઉપાડવાનું અને વધારામાં રાત્રે વાડીએ જઈને ઢોરની ચાર કાપીને લાવવાની. વાડી પણ ત્રણ માઈલ જેટલી દૂર. કુટુંબ ખૂબ જ સમજુ. ખાવાનું સારું મળે. માન પણ મળે. વળી ગામમાં ખબર પડી કે હું ભણેલો છું, પ્રાથમિક શાળાંત પાસ છું એટલે ગામમાં માન વધ્યું.

એ કુટુંબમાં એક દાદા હતા. તેઓ આફ્રિકામાં એક મોટી પેઢીના એકાઉન્ટ લખતા. પહેલાં તેઓ શિક્ષક હતા. આફ્રિકા કેટલાંક વરસ રોકાઈને તેઓ પરત આવ્યા હતા. તેમના દીકરા પણ સાત ગુજરાતી ભણેલા હતા અને તેઓ પણ આફ્રિકા ગયા હતા, આમ કેળવાયેલું કુટુંબ હતું.

દાદાને રાત્રે ઓછું દેખાય. રાત્રે હું ઘેર સૂવા આવું એટલે છાપું મંગાવે. મારી પાસે ફાનસના અજવાળે મોટેથી વંચાવે અને તેઓ સાંભળે. પછી ચર્ચા કરે એટલે વિકાસ માટે થોડી તક મળી. વળી વખત જતાં તે કુટુંબને મેનેજમેન્ટના માણસની જરૂર હતી.  ફક્ત મજૂરની નહિ. આમ બરાબર ગોઠવાઈ ગયું. એક વરસ પૂરું થયું. બીજા વરસ માટે નક્કી કરવાનું કહ્યું પરંતુ મેં હુતાસણી સમયે જામનગર નોકરી માટે નોંધણી કરાવેલી એટલે ઘરધણીને કહ્યું, ‘મને કદાચ નોકરી મળે તો મારે અધવચ્ચે તમારું કામ છોડવું પડે.’

આથી વરસ સુધી બંધાઈ જવાની મેં ના કહી. મેં કહ્યું રહું ત્યાં સુધી તમારે આપવું હોય તે આપજો. તો તેમને ગમે તેમ લાગ્યું પરંતુ કહે, ‘અધવચ્ચે જવાની છૂટ પણ વરસનો પગાર નક્કી કરીએ.’ વરસના આઠસો રૂપિયા નક્કી કરી ફરીથી જોડાયો. આ વરસે વડિયા ઘેર રહ્યો નહિ, પરંતુ ફક્ત આંટો મારીને ચારેક દિવસમાં પાછો ફર્યો. ફરીથી કામે ચઢી ગયો.

ચારેક માસ વીત્યા ને જામનગરથી ઈન્ટરવ્યૂ કોલ લેટર આવ્યો. હું ઈન્ટરવ્યૂ આપવા ગયો. બે માસ બાદ દિવાળી પછી તુરત જ અમે મગફળી ઉપાડીને ઢગલા કરતા હતા. પાથરા માથે ઉપાડી ભોર ભરતા હતા. એ સમયે મારા માલિક નારદબાપા ગામમાંથી આવ્યા. ખેતર ગામથી ઘણું દૂર હતું. ચાલીને આવવાનું હતું. ખિસ્સામાંથી કવર કાઢયું. મારા હાથમાં મૂકયું અને બોલ્યો, ‘વાંચો બાબુભાઈ’, મેં કવરમાંથી કાગળ બહાર કાઢીને વાંચ્યો.

સાથીમાંથી ‘સાહેબ!’

જામનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની  ભરતીનો ઓર્ડર હતો. મારું નામ વાંચ્યું. સામે લખ્યું હતું ‘બાબુભાઈ જાદવભાઈ ઢોલરીયા મદદનીશ પ્રાથમિક શિક્ષક, નાની વાવડી પ્રાથમિક શાળા.’ નારદબાપા મારી સામે જોઈ રહ્યા. હું તેમની સામે જોઈ રહ્યો. થોડી વાર પછી મેં તેમને પૂછયું ‘શું કરું? તેઓ કહે; ‘જેમ તમારે કરવું હોય તેમ’ મેં કહ્યું : ‘અત્યારે બરાબર મોસમ ચાલે છે. અત્યારે હું છોડીને જતો રહું, માણસો મળે ન મળે.’ તેમણે કહ્યું : ‘એ પરિસ્થિતિ છે જ, છતાં તમે છૂટમાં.’

હું સાંજે ઘેર આવ્યો. કપડાં તૈયાર કર્યાં. લોખંડની પેટી હતી તે તૈયાર કરી. રાત્રે બધાંની રજા લીધી. ઘરનાં બધાંને વાત કરી ‘શિક્ષક તરીકેની નોકરી મળી’ ખૂશ થયાં. થોડાં નારાજ પણ થયાં. એ નારાજગી છૂટા પડવાની હતી, કારણ કે તેમને કુટુંબના સભ્યથી જરા પણ જુદું લાગતું ન હતું. વળી, કટુંબની મર્યાદાને જાળવીને દોઢ વરસ વફાદારીપૂર્વક પસાર કર્યું હતું.

કુટુંબને કામમાં પૂરો સંતોષ આપ્યો હતો. લાગણી અરસપરસ જિતાયેલી હતી. બધાએ લાગણીસભર વદને વિદાય આપી. હું ગીંગણીથી ધોરાજી ગયો. નાની વાવડી ગામ કયાં આવ્યું તેની મને બિલકુલ ખબર ન હતી. નાની વાવડી અને મોટી વાવડી નામનાં ગામ એક કરતાં વધારે હતાં.

ધોરાજીમાં એક પરિચિત સંબંધી, નાનકડો વેપાર કરતા હતા. તેમની દુકાને હાલાર પંથકમાંથી ભરવાડ ભાઈઓ આવતા હતા. તેમણે માહિતી આપી : ‘કાલાવાડ શીતલા તાલુકામાં નાની વાવડી ગામ છે.’ હું કાલાવાડ પ્રાઈવેટ બસમાં ગયો. એ સમયે ધોરાજીથી કંડોરણા થઈને ખાનગી બસ ચાલતી હતી. જે ચારેક કલાકે પચાસ કિલોમીટરનું અંતર કાપતી.

બીજા દિવસે સવારના નીકળીને હું બપોરના કાલાવાડ પહોંચ્યો. તાલુકાશાળામાં ઓર્ડરની વિધિ કરી. હાજર રિપોર્ટ આપ્યો. સાંજની બસમાં નીકળી નાની વાવડી ગામે પહોંચ્યો. તે ગામમાં એક શિક્ષક હતા અને હું બીજો શિક્ષક મુકાયો હતો.

ખેતમજૂરમાંથી શિક્ષક બન્યો! મનમાં આનંદ સમાતો ન હતો. બીજી બાજુ લઘુતા, ક્ષોભ, ગ્લાનિ, ડર, સંકોચ અને શરમના ભાવ ડગલે ને પગલે વારંવાર ઉત્પન્ન થતા હતા. એ વખતે છૂઆછૂત તેમજ એક બાજુ જાતિઓ વચ્ચે અભડાવાનું વાતાવરણ. 

સાંજના એક ખેડૂતના ઘેર જમવા મોકલ્યો. જમી આવ્યો. સૂવાનું એક ઘેર રાખ્યું. મનમાં વિચાર આવતો કે ઓછું બોલાવે તો સારું, કારણ કે જવાબ આપવા માટે મારી પાસે ભાષા અને અનુભવ ન હતાં. છતાં ગીંગણી ગામમાં છાપાં વાંચીને તેમ જ દાદા સાથે ચર્ચાઓ કરીને થોડો તૈયાર થયો હતો, પરંતુ ઘડાવા માટે ઘણું બાકી હતું.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.