સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષોમાંના એક સ્વામી પ્રમેયાનંદજી (રામગોપાલ મહારાજ)ની અંતિમ વિદાયની નોંધ લેતાં અમને હૃદયના ઊંડા દુ:ખની લાગણી થાય છે. તેઓશ્રીએ રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન હોસ્પિટલ, કોલકાતા ખાતે તા. ૨૦મી ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૯ વર્ષના હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓનું સ્વાસ્થ્ય એકંદરે સામાન્ય હતું. ક્યારેક તેમને હીઈપોએક્ઝિમિઓ (લોહીમાં પ્રાણવાયુનું નીચું પ્રમાણ)ની મુશ્કેલીઓ રહેતી. વિજયા દશમી પછીના બે દિવસ બાદ તેમને લોહીમાં પ્રાણવાયુના વધુ પડતા નીચા પ્રમાણને લીધે સેવા પ્રતિષ્ઠાન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૭મી ઓક્ટોબરે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળતાં તેમને કૃત્રિમ ધબકાર યંત્ર- Ventilator પર રખાયા હતા. તેમની સ્થિતિ વધુ ને વધુ કથળતી ગઈ અને છેવટે તા. ૨૦ ઓક્ટોબરની સવારે તેમણે વિદાયના અંતિમ શ્વાસ લીધા.

તેમનો દેહ બેલુર મઠ લાવવામાં આવ્યો અને ભક્તોનાં દર્શન માટે બપોરના ૩.૩૦ થી રાખવામાં આવ્યો. તા. ૨૧ ઓક્ટોબરના બપોરના ૧૨.૩૦ કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સ્વામી પ્રમેયાનંદજીનો જન્મ એપ્રિલ ૧૯૩૩માં સીલહટ જિલ્લાના ઢાકદક્ષિણ (જે હવે બાંગ્લાદેશમાં છે) ગામે થયો હતો. સ્વામી શંકરાનંદ મહારાજના દિક્ષીત શિષ્ય બન્યા પછી ૧૯૫૧માં કરીમગંજ (આસામ) ખાતે સંઘમાં જોડાયા અને તેમના ગુરુ પાસેથી ૧૯૬૧માં સંન્યાસ દીક્ષા મળી. સંઘમાં જોડાયા પછી તરત જ મે ૧૯૫૧થી ઓગસ્ટ ૧૯૫૩ સુધી સાચર (આસામ) ખાતે રાહત અને પુનર્વસન કાર્યમાં સેવા આપી. એ પછી શિલોંગ શાખામાં તેમની નિમણુક થઈ. જ્યાં ૧૯૬૦ સુધી તેઓ સેવારત રહ્યા. ૧૯૬૦-૬૧ દરમિયાન કેટલાક મહિનાઓ માટે સંઘના તમલુક આશ્રમમાં તેમણે સેવાઓ આપી. એ પછી બેલુર મઠ ખાતે સ્વામી યતિશ્વરાનંદજી મહારાજના સેવક તરીકે બે મહિના રહ્યા. ૧૯૬૬માં તેમની સંઘના મુખ્યાલય બેલુર મઠમાં નિમણુક થઈ. અહીં ફેબ્રુઆરી ૧૯૬૬માં તેમની સંઘના મુખ્યાલય બેલુર મઠમાં નિમણુક થઈ. અહીં ફેબ્રુઆરી ૧૯૬૬ સુધી સેવારત રહ્યા બાદ એ સમયના સંઘના પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના અંગત મંત્રી તરીકે નિમણુક પામ્યા. આ સ્થાન પર રહીને તેઓએ પરમ પૂજ્ય મહારાજની દીર્ઘ ૧૯ વર્ષ સુધી સેવા કરી. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજની મહાસમાધિ બાદ તેઓને બંગાળી માસિક ‘ઉદ્‌બોધ’ના સંપાદક બનાવાયા. એપ્રિલ ૧૯૮૭માં તેઓને રામકૃષ્ણ મઠના ન્યાસી (ટ્રસ્ટી) તરીકે અને રામકૃષ્ણ મિશનના સંવાહક મંડળના સભ્ય તરીકે નીમવામાં આવ્યા અને તે જ વર્ષના સપ્ટેમ્બર માસમાં તેઓને બેલુડ મઠના વ્યવસ્થાપક બનાવાયા. માર્ચ ૧૯૯૭માં તેઓને આ બંને સંસ્થાના કોષાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આ સ્થાનોમાં ઘણાં વર્ષો સુધી સેવા આપતા રહીને, તેઓ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ તરીકે ફેબ્રુઆરી ૨૦૦૯માં ચૂંટાયા કે જે સ્થાન તેઓએ જીવનના અંત સુધી નિભાવ્યું. તેઓની આધ્યાત્મિક ભૂમિકા દરમિયાન તેઓએ પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મેઘાલય અને બાંગ્લાદેશના ઘણા ભક્તોને મંત્રદીક્ષા (આધ્યાત્મિક માર્ગદર્શન) આપીને કૃતાર્થ કર્યા. તેઓએ વિભિન્ન સમયે રશિયા, યુએસએ, કેનેડા, મોરેશિયસ, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરુગ્વે અને યુરોપના ભિન્ન ભિન્ન દેશોની મુલાકાત લીધી. પૂજનીય મહારાજનાં બે પુસ્તકો છે: ‘સેવાદર્શે રામકૃષ્ણાનંદ’ (સ્વામી રામકૃષ્ણાનંદનું જીવનચરિત્ર) અને ‘પૂજાવિજ્ઞાન’ (ક્રિયાકાંડગત પૂજાનું વિજ્ઞાન). તેઓના દુ:ખદ મૃત્યુથી સંઘને પારાવાર ખોટ પડી છે અને વણપૂરાયેલી ખાધ સર્જાઈ છે.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.