એ સાલ હતી ૧૯૭૬ની, હું મોરબી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા દેવા માટે રાજકોટ આવેલ, કોલેજવાડીમાં રોકાયેલ, એક દિવસ સાંજના સમયે ફરતા ફરતા શ્રીરામકૃષ્ણ આશ્રમનાં દરવાજે આવી ઊભો રહ્યો. અંદર જવાની ઇચ્છા હતી અને સાથે સાથે ઉંમર સહજ સંકોચ પણ. આજે જ્યાં કાર્યાલય છે ત્યાં જૂનું શ્રીમંદિર. મંદિરનાં દ્વારે પ્રથમ પગથિયું ચડતા, શ્રીમંદિરમાંથી આવતી અગરબત્તીની મંદ મંદ સુગંધ, ફૂલોની પવિત્રતા ભરી દેતો પમરાટ, શાંત વાતાવરણ, કમલ પર આસનસ્થ આછી દાઢીવાળા પરમ શ્રદ્ધેય પુરુષની સામે દૃષ્ટિ મંડાણી, અંદરથી આનંદની લહેરખીઓ ઊઠી, તન, મન, પ્રાણ, સમગ્ર ચેતના સહજતાથી જોડાઈ ગઈ. શ્રીમુખારવિંદ પર અને સહજતાથી જોડાઈ ગયા બંને હાથ, અંદરની હળવાશ અને સાષ્ટાંગ દંડવત્.

હા, વર્ષોથી છૂટા પડેલા કોઈ પરમ પુરુષનું મિલન હતું, મારું પ્રથમ અને અંતિમ ગંતવ્ય મળી ગયું હતું. આછા, ગેરુઆ વસ્ત્રો, સ્વર્ણીમ વાન, હૃદયને પલ્લવિત કરતી કરુણા અને આંખોમાં ઊભરાતો પ્રેમ. જે બધાને પ્રાપ્ય નથી હોતું એ દિવ્ય વાતાવરણ મને મળ્યું હતું. બસ ત્યારથી આજ સુધી માત્રને માત્ર શ્રીઠાકુર મારા અંત:પ્રાણ સાથે જોડાયેલા છે.

કથામૃત પ્રથમવાર વાંચવાનું શરૂ કર્યું. ત્યારની મારી પરિસ્થિતિ ખૂબ જ વિદારક હતી. લાગણીશીલ સ્વભાવ, વાસ્તવિકતા કરતા કલ્પનામાં રાચવાની ટેવ, ઉજળું એટલું દૂધ માની લેવાની ભૂલ અને એ એના અનુસંધાને આવતા આઘાત, પ્રત્યાઘાત, સંબંધોને આહત કરતા બનાવો. ઘણીવાર આશ્રમમાં આવીને રડ્યો છું, કરગર્યો છું અને દરેક વખતે કથામૃતનાં ઉઘડતા પાને મને શાતા આપી છે, સમાધાન આપ્યા છે, શ્રીઠાકુરના અક્ષર દેહે મને આશ્વસ્ત કર્યો છે.

‘ઈષ્ટ પાસે માગ માગ શું કરવું?’ ઠાકુર કહે છે કે જગન્માતા બધું જ જાણે છે. એના ક્યા સંતાનને શું જરૂર છે. એની એને ખબર છે. બસ આ અભય વચને મારા તમામ ભય દૂર કરી દીધા.

આ તો થઈ મારી અંગત રામ કહાણી. ઉંમર વધી થોડી સમજણ વિકસી, તેમ તેમ ખબર પડી શ્રી ઠાકુરની વૈશ્વિક પ્રતિભા અને પ્રતીમાની; બચપણમાં અપાયેલ સંસ્કાર, શિક્ષણની અને સામાજિક પરિવેષની એક નક્કર રેખાઓ માણસના મન પર અંકાઈ જતી હોય છે. અલગ અલગ ધર્મો, રીત, રિવાજ, ખાન-પાન લોકો પાસેથી સાંભળેલી સાચી ખોટી વાતો. કથામૃતમાં ઠાકુર કહે છે કે વર્ષો બંધ પડેલા ઓરડાની બંધ બારીઓ ખોલો એટલે પ્રકાશ કંઈ ધીરે ધીરે નથી આવતો, એ તો એક ઝાટકે અંધકારને અદૃશ્ય કરી દે છે. એ જ રીતે વર્ષોથી મનમાં ઘર કરી ગયેલા સંકુચિત વિચારોનો છેદ ઠાકુરનાં આ શ્રીવચનોએ ઉડાડી દીધો. નાત-જાત-ધર્મો છૂત-અછૂત આભડછેટ વિવિધ ધર્મોને, દેવતાઓને સમજવાની, માનપૂર્વક જોવાની નવી જ દૃષ્ટિ મળી.

ક્યારેક વસ્તુઓનો કે આર્થિક સંકડામણનો અભાવ મનને ગ્લાનિથી ભરી દેતો. ત્યારે પણ દક્ષિણેશ્વર આવતા ઠાકુરના શિષ્ય, ભક્તોની વાતો, એમના જીવનનાં સંઘર્ષો, સામાજિક મુશ્કેલીઓ આ બધાની વચ્ચે ઠાકુર બધાને સંભાળી લેતા અને કંઈ ને કંઈ માર્ગ સૂઝાડતા કહેતા, મા બધું સંભાળી લેશે. મને મળી જતું આશ્વાસન અને ગૌણ બની જતા બધાં દુ:ખ આ શીતલ વચનો સાંભળીને.

દેશ અને વિશ્વનાં પ્રશ્નો કે સમસ્યાઓની વાત કરવા માટે હું ખૂબ જ નાનો કહેવાઉં. પરંતુ મને એટલી સમજણ છે કે શ્રીરામકૃષ્ણે ચિંધેલા માર્ગ ઉપર ચાલનાર કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ધર્મ ધર્મ- વચ્ચેની અસમતુલા, નાત-જાતની ભેદરેખાઓ અને એના પરિણામ ભોગવતા સામાન્ય સુવિધાઓથી વંચિત, પીડિત સમાજના એક વર્ગને દિશા, સમાધાન અને રાહત મળે તેમ છે. એક જ ધરતી પર વસતા માનવ સમાજ માટે આજથી દોઢસો વર્ષો પહેલા બંગાળનાં આ આર્ષદૃષ્ટા અવતારી પુરુષ અને તેઓનો ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જીવન તો પરિવર્તનશીલ છે. અનેક લોભ-પ્રલોભનો-આસક્તિ તરફ ખેંચાણ અનુભવાતું હોય છે. દરેક વખતે શ્રીઠાકુરે કોઈ ને કોઈ રીતે પ્રેરણા આપી છે. જેમ કે જહાજ પરનાં પંખીની વાત. દરેક દિશાઓનાં લાંબા પ્રયાણ બાદ અંતે થાકીને પંખી જહાજ પર આવીને બેસે છે. બસ એમ જ શ્રીઠાકુર મારા જીવનનું જહાજ બનીને રહી ગયા એ અતૂટ વિશ્વાસ સાથે કે જીવનનાં કોઈ પણ ઝંઝાવાતે, તોફાને, અંધકારોની વચ્ચે પણ હું પાર ઉતરીશ. કારણ કે મારા ઈષ્ટનાં હાથોમાં હું સુરક્ષિત છું. જન્મે અમે ચારણ, દેવી ઉપાસનાનો સંસ્કાર વારસો તો સહજ હોય અને એમાં શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોત વધારે સતેજ કરી ઠાકુરજીની મા ભવતારિણી પ્રત્યેની અનંત ભક્તિ એ. સાધક – ભક્ત મૂર્તિમાં ચૈતન્ય લાવી શકે છે, ચિન્મય બનાવી દે એ વાતનો અહેસાસ જ જીવન ધન્ય કરી ગયો.

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.