લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે:

સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર,
સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ.

ઉત્તમ માનવ રત્નોની ખાણ સમી આ ધરતીએ શૂરવીરતા અને સંતોની જ્યોત અખંડ રાખી છે. જનની જણતો ભગત જણ.. કા દાતા કા શૂર..

પોતાના હાડ ગાળીને જેને આ ધરતીનો પિંડ બાંધ્યો. સાંજના ઓળા ધરતી ઉપર ઊતરી આવે અને સાથે ખીંટીએથી રામસાગર ભગતોના હાથમાં ઊતરે, ગરવા ગણપતિથી ભજનનો પહેલો પ્રહર બંધાય. સંધ્યા, કટારી, પ્યાલો, આરાધ અને ભાંગતી રાતે પરજની વિરહ વેદના છવાઈ જાય, ભોંભાખળું થાય ત્યાં તો રામગરી અને પ્રભાતી પરભાતિયાના સૂર વાગવા માંડે. સાંજે મેર બેઠેલા મહારાજ પ્રાગટ્યના દોરે પાછા પૂગે. શ્રમનો મહિમા જેને જીવનમાં વણી લીધો છે એવો ભગત કામ ધંધે વળગે, કોઈ કામમાં નાનપ નહિ, કોઈ કુંભાર, ચમાર, વણકર કે છીપા, કણબી, લોહાણા, સંઘી કે ખોજા – અહીં નાતજાતના વાડાની વાડ વીખાઈ જાય છે.

હરિનામના તાંતણે તુનાઈ ગયા કે પીરાઈના પારા જેવા આપા દાના, ગીગેવ, આપા જાદરા કે દેવીદાસ, અમરબાઈ કે રામબાઈ, ગંગાસતી કે રતનબાઈ અલ્લાઈ ધાગે પરોવાઈ ગયા. નાત-જાત, ઉચ્ચ-નીચ, સ્ત્રી-પુરુષની અહીં નોખી પંગતો નહોતી પડતી.

એને ચીંધ્યો સતનો માર્ગ, સેવાનો માર્ગ, દીનદુ:ખીઓની પીડા નિવારવાનો માર્ગ. તેઓ મુઠ્ઠી એક ધાન અને ટુકડાનો ધરમ જીવી જાણ્યા. પૂ. જલારામ, મેકરણે ટુકડો ત્યાં હરિ ઢુકડોનો મહિમા ગાયો; તો મૂળદાસ અને અખો વેદાંતની પાટલીએ બેઠા.

સૌરાષ્ટ્રની સોયલી ભૂમિની તોરલ જેસલને પાપના માર્ગેથી પાછો વાળી પુનિત પંથે ચડાવે. મારવાડમાં રૂપાદે-માલદે કે રામદેવજી ગતગંગાની જ્યોત પ્રગટાવવા પાટે પધારે.

એક એક ગામને પાધર સતની સમાધિ શ્વસતી હોય, રાવત રણશી, હોથી, ભીમસાહેબ, ખીમ સાહેબ, મોરાર, ભાણ, રવિ સાહેબની કરતાલ ખડગતી હોય – જે ખોરંભાયેલ જીવન વ્યવહારો કે જિંદગીઓને બેઠી કરે. કબીરને પોતિકો કરી નિર્ગુણ વાણીને તળપદનાં વાઘા પહેરાવી વેંતી કરે.

ગતગંગા કે ભક્તિની તરવેણીને તીર સૌરાષ્ટ્રનું જનપદ આચમન કરવા ઊભરાતું રહે. અહીં પ્રાકૃત અને સંસ્કૃત, વેદ અને વ્યવહારને વણી લીધા. નરસિંહ અદ્વૈતની અટારીએથી અખિલ બ્રહ્માંડમાં એક ને દેખે તો ગંગાસતી ષટ્ચક્રોને ભેદીને યોગમાર્ગની પરિવ્રાજિકા બને. આ બધાને આતમાની ઓળખ પ્રત્યક્ષ કે પરોક્ષ, ગુરુગમથી કે નિગમ દ્વારા થતી રહી અને સાથે સાથે શબ્દની સરવાણીએ ભજન ભાવે ભીંજાતા રહ્યા. શ્રેયાર્થી, આત્માર્થી, પરમાર્થી, મુમુક્ષુ કે સાધક નામ ભેદને એને ગણકાર્યા નહિ પણ હતા તો આ પંચ માહ્યલા.

માહ્યલાનો ડર સૌને હતો. માહ્યલાની વાત, અંતર્દ્વન્દ્વ કે મુંઝારો, દેવાંગી વિના કોને કહેવો? અધુરિયાને ન કરીએ દિલડાની વાત, કોઈ દેશી રે મળે તો રાવુ રેલીએ, પૂર્ણની શોધ હતી એટલે અધૂરપને આઘી રાખી.

દુન્યવી સંબંધો, આળપંપાળ કે આવરણોનો અંચળો ફગાવી અલખનો ખળિયો ખભે લીધો. મેકરણને જલારામની ઝોળીએ ગેબિના ભેદને ભંડારી દીધા. ગંધ સુગંધથી પર દેવીદાસ અને અમરબાઈએ રક્તપીતિયાઓની પીડા વહોરી પુણ્યની પથારી પાથરી.

અહીં ‘દાસી’ જીવણ શ્રદ્ધાનાં ઘૂઘરા બાંધી, ભક્તિના આંજણ આંજીને શામળિયાને રીઝવવા મુઝરો કરે છે. તો ભગો ચારણ, મારા વાલાને વઢીને કે’જોનો મીઠો ઠપકો આપે છે.

અહીં બ્રહ્માનંદજી, દેવાનંદજી, પૂર્ણાનંદજી અને દેદલ મીસણે ભક્તિની નવી કેડી કંડારી છે.

કેડે કેડે તો સૌ હાલે પણ પોતાનો નવો રાજમાર્ગ કોક વિરલા જ કંડારે અને કહે છે કે સૂર્યમંડળોની સૌર ઊર્જાઓને વીંધીને સંતો સંન્યાસીનો અને શૂરાઓનો પ્રાણ મોક્ષને પામે છે. એવા શૂરાઓને જન્મ આપનાર ભોમકા માટે અહીં અનેક ખાંભીઓ, પાળિયા અને છતરડીઓને સિંદૂર ચડતા રહ્યા છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રાજા હતો, તો પ્રજા પણ ઉજળા મોતે મરવાના મોકા જોતી. ગાયો માટે, બહેન દીકરીના શીલ માટે કે તસુ એક ધરતી દુશ્મનોને ન આપવા માટે લીલા માથાનાં તોરણો મોતને માંડવડે બાંધતા કોઈ અચકાયું નથી. શરણાગત ધર્મ અહીં કોઈને શીખવવો પડ્યો નથી. અતિથિ અને ચારિત્ર્ય, પશુ-પંખી અને પર્યાવરણના સાચા રખોપિયા જેવા શૂરાઓની આ ધરતી. અનેક નામ એક પછી એક માનસપટ પર અંકાતા જાય છે. સ્વાતંત્ર્ય માટે લડતા અહીં મૂળુ માણેક અને જોધો માણેક છે. તો સોમનાથની સખાતે ચડેલો માત્ર વીસીમાં પ્રવેશેલો હમીરજી ગોહિલ છે. દરિયાઈ ચાંચિયાઓને ઝેર કરનાર અહીં મોખડોજી છે, તો ગાયોને બચાવવા જનાર માંગડો છે.

વાચક મિત્રો, આ ઉજ્જ્વળ યાદી ખૂબ જ લાંબી છે. જેના સ્મરણે આપણા બંને હાથ જોડાઈ જાય અને ગૌરવથી મસ્તક ઊંચું કરી શકીએ. એવા માનવરત્નોનો આ સાગર ઘૂઘવે છે. આપણે એક પછી એક આ બધાંનો પરિચય પામીશું.

જેઓનું પ્રદાન સમાજને સંસ્કાર આપવાનું હતું, નીજ હિત કે નીજ જીવનની બાદબાકી કરીને સમષ્ટિના હિતને જેને પ્રાધાન્ય આપ્યું, એવા હુતાત્માઓ અને સંતોને ભાવાંજલિ આપીશું શબ્દોની ફૂલમાળા અર્પીને.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.