(પ્રા. ડો. મીના શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડ.)

શ્રીમા શારદાદેવી દિવ્ય વ્યક્તિત્વધારક છે. જો દર્પણમાં ન હોય તો પ્રતિબિંબ કેવી રીતે નિર્મળ હોય? નિર્મળ પ્રતિબિંબ માટે નિર્મળ કે સ્વચ્છ દર્પણ જરૂરી છે. શ્રીમા શારદાદેવીએ ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધિઓ નિર્મળ અને સરળ હૃદયને કારણે મેળવી. નિર્મળ અને માનવલાગણીઓથી સ્નિગ્ધ હૃદયા મા શારદા વિરલ નારીરત્ન છે, જે ભારતની તપસ્વી નારીઓના ઇતિહાસને દેદીપ્યમાન કરે છે.

ઈશ્વરે નારીને વિવિધ રૂપોની ભેટ ધરી છે, તે નારીની વિશેષતા પણ બને છે ને કરુણતાનાં કારણો પણ બને છે. સમગ્ર વિશ્વમાં એવાં બહુ ઓછાં ઉદાહરણો છે કે કોઈ એક નારીમાં તમામ રૂપો વિદ્યમાન હોય! એવું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય! શ્રીમાનું ઉદાહરણ એમાં શિરમોર છે. શ્રીમાનાં વિવિધ રૂપોનું વિહંગાવલોકન કરીશું. જેમ વિવિધ સુંદર પાંખડીઓ મળી પદ્મ બને તેમ ભિન્ન ભિન્ન રૂપો મળી માનું અલૌકિક વ્યક્તિત્વ મૂર્તિમંત બન્યું છે. અલબત્ત શ્રીમા શ્વેત પદ્મ જેવા ઉજ્જવળ, અલૌકિક અને આલોક્તિ છે.

પ્રથમ જે રૂપ આપણી સમક્ષ આવે છે તે બાલિકા શારદાદેવીનું. તેમનું ગામ જયરામવાટી. એ વાટિકામાં એક દિવ્ય પુષ્પ ખીલે છે. તેમના જન્મ પહેલાં તેમનાં માતાપિતાને તેમનાં આગમનની દિવ્ય અનુભૂતિઓ અને એંધાણીઓ મળેલી. બાલિકા તરીકે શ્રી શારદા શાંત, સરળ, પરિશ્રમી, પરગજુ, કાર્યકુશળ, લાગણીશીલ અને ધર્મવૃત્તિવાળા હતાં. તેમની માતા જ્યારે ખેતરે જતાં ત્યારે તેમની ગેરહાજરીમાં શારદા રસોઈનું અને ઘરનું કામ માત્ર પાંચ વર્ષની વયે સંભાળતાં. દુકાળના સમયે તેમણે ભૂખ્યા લોકોનો પેટનો ખાડો પૂર્યો હતો. આ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે કે શિશુવયમાં પણ તેમનામાં મમતાની લાગણી હતી, ઊંડી સમજ હતી. તેઓ સ્વયં શાળામાં ગયા ન હતા પરંતુ વાંચવા પુરતું અક્ષરજ્ઞાન ભાઈઓ સાથે મેળવી લીધું હતું. આમ તેઓ મહાભારત અને રામાયણ વાંચતા થયાં. જયરામવાટીમાં અનેક નાટકમંડળીઓ આવતી, પૌરાણિક નાટકો ભજવતી અને બાલિકા શારદા હિન્દુપુરાણ કથાઓથી પરિચિત થયાં.

પાંચ વર્ષનાં મા શારદા ૨૩ વર્ષના શ્રી રામકૃષ્ણને પરણીને પરિણીતા બન્યાં. પતિએ આ લગ્ન વિશે પૂર્વસંકેત આપી દીધો હતો. આમ જોઈએ તો મા શારદા ના જન્મ સમયે, માંદગી પ્રસંગે અને જીવન દરમ્યાન જે ભાવિસંકેતો મળ્યા તેનું વિશિષ્ટ સ્થાન છે. પતિની ઉચ્ચ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને લોકો પાગલપણામાં ખપાવતા અને શ્રીમા મૌન રહી તેની પીડા એકલવાયા બનીને ભોગવતાં. ધીરે ધીરે તેઓ અંતર્મુખી બનતા ગયાં, પતિનું સ્મરણ મનમાં અહોનિશ રહેતું. શંકા અને વિશ્વાસ વચ્ચે ઝૂલતાં મનને અંતે શાંતિ મળે  છે, જ્યારે પતિને દક્ષિણેશ્વર મળવા જવાનો નિર્ણય લેવાય છે. પિતા સાથે ૬૦ માઈલ દૂર, ચાલતાં જવાની  યાત્રા કષ્ટમય હતી. માર્ગમાં તાવનો હુમલો થયો છતાં યેનકેન મા પતિના સાંનિધ્યમાં અપેક્ષિત સ્થાને પહોંચી જાય છે.

તેર વર્ષની વયે શ્વસુરગૃહે શ્રીરામકૃષ્ણના કિશોરી પત્ની તરીકે જવાબદારી સ્વીકારી લીધી હતી. આ સમય તેમના જીવનનો અદ્ભુત સમય છે, પરિવર્તનનો સમય છે. શ્રીરામકૃષ્ણ દ્વારા તેમને આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તેઓ પતિના સાચા શિષ્યા બને છે અને  પછી એવી સાધના કરે છે કે સ્વયં પતિ તેમને મા કાલી તરીકે પૂજે છે.

અતિથિ સત્કાર, કર્તવ્યપાલન, વડીલો પ્રત્યે આદર. ગૃહસ્થજીવનનાં કર્તવ્યો શ્રીમા પતિ પાસે શીખ્યા. સમય, સ્થળ અને સંજોગો અનુસાર કેમ વર્તવું – બુદ્ધિપૂર્વક વર્તવું એનું કૌશલ્ય શ્રીમામાં વિકસ્યું, અલબત્ત તે મામાં વિદ્યમાન તો હતું જ. એ સર્વનો આરંભ આ કેળવણીમાં જોઈ શકાય છે. ગુરુ પતિ હોય અને સ્વયં શિષ્યા પત્ની હોય તો જ્ઞાન સહિતના આનંદની પ્રાપ્તિ ન થાય તો જ નવાઈ! એક સકલ અને છલોછલ આનંદિનીનું રૂપ મા શારદા આ સમય દરમિયાન પામે છે.

ઈશ્વર પ્રત્યેની પ્રીતિ ને ભક્તિનો પાયો પણ આ સમય દરમિયાન નંખાય છે. શ્રીરામકૃષ્ણ પત્નીના સ્ત્રીરૂપને તપસ્વિનીના રૂપમાં ઢાળે છે. તેઓ શ્રીમાને આધ્યાત્મિક સત્યોનું સ્વરૂપ સમજાવે છે. ભૈરવી બ્રાહ્મણીએ શ્રીરામકૃષ્ણને તાંત્રિક વિદ્યાનાં અનેક રહસ્યો અને વિધિઓથી અવગત કર્યા હતા. એ બંનેનો સંબંધ પણ ગૂઢ હતો. આમ પણ શ્રીરામકૃષ્ણમાં ભક્તિ અને ભાવની પરાકાષ્ઠાને કારણે ઉન્માદ ઉદ્ભવતો. મા કાલી અને ઈશ્વર પ્રાપ્તિનાં વિરહ અને મિલનની કલ્પનામાં એવા લીન બની જતા કે કયારેક બીજા ડરી જતાં. શ્રીમા જ્યારે પતિ સાથે સહજીવન શરૂ કરે છે ત્યારે શ્રીઠાકુરનું આવું રૂપ જોઈ ગભરૂ કન્યાની જેમ ગભરાતાં ને રડતાં. શ્રીઠાકુરે પછી શ્રીમાને કેટલાંક મંત્રો શીખવ્યા, તેના ઉચ્ચારથી શ્રીઠાકુર જાગ્રત અવસ્થા પુન: પ્રાપ્ત કરતા; આમ છતાં આખરે શ્રી મા માટે અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

શ્રીમા શારદાનું શ્રી રામકૃષ્ણ સાથેનું દામ્પત્ય જીવન કેવું હતું? આ પ્રશ્નનો જવાબ કઠિન અને કલ્પનાતીત છે. આરંભમાં આ સહજીવન દ્વિધા રૂપ છે. બંનેને પરસ્પર શંકાઓ અને સંકોચ છે. ચિંતાઓ પણ છે. આ વિશે બંને વચ્ચેનો સંવાદ જોઈએ –

શ્રીરામકૃષ્ણ: તમે મને સાંસારિક જીવનમાં ખેંચી જવા માંગો છો?

શ્રી મા: બિલકુલ નહીં. મારે શા માટે તમને સંસારમાં ખેંચી જવા જોઈએ? હું તો તમારા આધ્યાત્મિક આદર્શોને મૂર્તિમંત કરવામાં સહાયરૂપ થઈશ.

હવે પ્રશ્ન પૂછવાનો વારો શ્રીમાનો આવે છે.

શ્રી મા: તમે મને કેવી રીતે જુઓ છો?

શ્રીમાએ શ્રીરામકૃષ્ણને પૂછેલો આ પ્રશ્ન જેટલો વેધક છે એટલો વેદનામય છે. આ પ્રશ્નમાં તેમના હ્યદયની હજારો આશાઓ અને ઉત્કંઠાઓ ગોપિત છે. આ પ્રશ્નના જવાબ પર તેમના ભાવિ જીવનનો આધાર છે. પતિનો સંપૂર્ણ પ્રેમ પામવાના પોતાના અધિકારની શંકાનું પ્રતિબિંબ છે. આ પ્રશ્નના ઉત્તરના આધારે શ્રીમા શ્રી ઠાકુરનાં અર્ધાંગિની બનશે કે તપસ્વિની બનશે તેનો નિર્ણય થવાનો હતો. શ્રીમાના જીવનના પરિવર્તનની આ ક્ષણ છે. સમર્પણની ક્ષણ છે. શ્રીમાના આ વિધાનમાં વિધિના વિધાન પણ છે. ખૂબ મોટી વિવેચના સહી શકે તેવું આ વિધાન – પ્રશ્ન છે. શ્રી રામકૃષ્ણ ઉત્તર એવા અર્થથી આપે છે કે તેઓ શ્રીમામાં અને મા કાલીમાં કોઈ ભેદ જોતા નથી. પતિના મુખેથી પોતાને મા કાલી માનવાની વાત સાંભળીને શ્રીમાને આઘાત થતો નથી. કદાચ તેઓ પતિનાં મનને – ચિંતનને પામી ગયાં હતાં. જ્યારે શ્રીઠાકુરે શ્રીમાની ષોડશીપૂજા અને કાલીપૂજા કરી હતી ત્યારે શ્રીમાને તેનો અંદેશો આવી ગયેલો હોવો જોઈએ! તેમણે પતિના આધ્યાત્મિક જીવનના માર્ગે પોતાનું જીવન વાળી લીધું હતું. ‘વિવિધ રૂપે શ્રી શ્રીમા’ પુસ્તકમાં જણાવ્યું છે કે ‘તેમના ઓરડામાં રાત્રે બાજુમાં સૂતાં પહેલાં કયારેય તેઓએ પરસ્પર શારીરિક આકર્ષણ અનુભવ્યું નહિ. શ્રીમા એટલાં નિર્મળ હતાં કે તેમણે પતિ પાસે દેહવિષયક અપેક્ષા રજૂ કરી જ નહિ.’ આ મુદ્દો અકલ્પ્ય અને ચર્ચાસ્પદ લાગવાનો. એવું તે શું બન્યું હશે? કયા  કારણોસર આ શકય બન્યું? શું આવું શકય બની શકે? કોઈ પણ સ્ત્રી કે પુરુષ માટે દેહવિષયક લાગણીઓથી પર રહેવું કોઈ કાળે શક્ય બને? શ્રીમાની કાલીપૂજા કરતાં પહેલાં તેમની ઇચ્છા વિષે પૃચ્છા થઈ હતી કે કેમ? અથવા શ્રીમાએ કયા સંજોગોમાં સંમતિ આપી હશે એ એક રહસ્ય છે. કાલીપૂજા પામ્યાં પછી શ્રીમામાં પણ પતિ જેવો ઉન્માદ જાગતો એવા ઉલ્લેખો છે, પરંતુ તે પતિ જેટલો તીવ્ર ન હતો. શ્રી માનું મા કાલીનું છાયા રૂપ પતિની તુલનામાં સહજ અને મધુર લાગે છે. શ્રી માએ કદીયે પતિની જેમ વિચિત્ર અતાર્કિક કે ઉન્માદભર્યું વર્તન કર્યું નથી. દા.ત. શ્રી ઠાકુરને પ્રત્યેકમાં ઈશ્વરનાં દર્શન થવાથી તેનું એઠું ખાવામાં સંકોચ થતો નથી પરંતુ સામાન્ય માનવી માટે આ બાબત અવશ્ય અસ્વીકાર્ય લાગવાની. શ્રીરામકૃષ્ણએ શ્રીમાની જગજ્જનની તરીકે પૂજા કરી, શ્રી માનું દૈવીરૂપ પ્રગટાવ્યું અને આમ શ્રીમા દૈવીરૂપા બન્યાં.

શ્રીમાનું દિવ્યરૂપ લુંટારું સાથેના પ્રસંગમાંથી પ્રગટ થાય છે. ઘોર જંગલમાં જ્યારે સાથીઓ તેમને છોડી ગયાં હતાં ત્યારે લુંટારું દંપતીમાં વાત્સલ્યભાવ જગાડી મુક્તિ મેળવી હતી. દિવ્યરૂપા શ્રીમા માનવીય લાગણીઓથી અલિપ્ત ન હતાં. શ્રીમાનું આ વાસ્તવિક સ્ત્રીનું રૂપ પણ એટલું જ મનોરમ છે. એકવાર તેમને સામાન્ય સ્ત્રીની જેમ સંતાનપ્રાપ્તિની ઇચ્છા થઈ હતી અને એ ઇચ્છા પતિ સમક્ષ વ્યક્ત પણ કરી હતી. કેવી સહજ શ્રીમાની આ ઝંખના છે? શ્રી ઠાકુરે ત્યારે આશ્વાસન આપ્યું હતું કે ‘તમારે એક નહિ અનેક સંતાનો હશે.’ ને સાચેસાચ શ્રીમાએ દરેક શિષ્ય સાથે માતૃતુલ્ય ભાવ અને વ્યવહાર રાખી માતૃત્વની ભાવનાને સંતોષી હતી.

શ્રી મા એક સિદ્ધ યોગિની હતા. યોગની જેને સર્વોત્તમ અવસ્થા કહેવાય છે તે ‘નિર્વિકલ્પ સમાધિ’નો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. ‘પંચતપા’ એટલે પાંચ અગ્નિ વચ્ચેની વિકટ તપસ્યા તેમણે કરી હતી. પોતાની ચારે બાજુ અગ્નિ રાખી, જ્યારે સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે તેને પાંચમો અગ્નિ માનીને આવી અતિ વિકટ તપસ્યા કરી હતી. સાત દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી શ્રીમાએ આ તપસ્યા કરી તમામ દૈહિક અને દુન્યવી લાગણીઓને નિર્મૂળ કરી નાખી હતી.

શ્રીમા એક સ્વમાની સ્ત્રી હતાં. પતિના મૃત્યુ પછી તેઓ એકાકી બની ગયાં હતાં. તેમને માટે નિર્વાહનો પ્રશ્ન પણ ઊભો થયો હતો. પતિની આજ્ઞા મુજબ તેમણે કદી કોઈ પાસે હાથ લાંબો કર્યો નહીં. પતિના ઘરે, પોતાના હાથે ઉગાડેલા શાકભાજી ઊકાળીને ખાતાં ને હરિસ્મરણ કરતાં. આખરે શ્રીરામકૃષ્ણના શિષ્યોને માની વિકટ પરિસ્થિતિની જાણ થઈ અને તેમના આગ્રહથી મા કોલકાતા આવ્યાં.

હૃદયમાં અવિરત ઈશ્વરનું ધ્યાન રાખી તેઓ ગૃહસ્થી જીવન જીવતાં. જ્યારે જ્યારે તેઓ જયરામવાટી જતાં ત્યારે ગૃહકાર્યમાં વ્યસ્ત રહેતાં. સ્વજનો પ્રત્યે સ્નેહ રાખતાં. તેમની એક ભત્રીજી રાધુ તેમના સાંસારિક જીવન માટેનું નિમિત્ત બની. શ્રી ઠાકુરના દેહત્યાગ પછી શ્રીમાની આધ્યાત્મિક  ઉન્નતિ કરતાં મનને રાધુએ દુન્યવી સ્તર પર બાંધી રાખ્યું; નહિ તો શ્રીમા માનવ ઉત્થાનનું કાર્ય કરી શકયા નહોત. પોતાની એ ભત્રીજીના હિત માટે જ તેમણે પોતાના મૃત્યુ પહેલાં રાધુના મૃત્યુની કામના કરી હતી.

શ્રીમામાં એક લોકસેવિકા – સમાજસેવિકાનાં દર્શન થાય છે. દુકાળ, રેલ, ધરતીકંપ, આગ કે રોગચાળા સમયે સેવા કાર્ય માટે પ્રેરણાસ્રોત બન્યાં. માનવસેવા તેમના જીવનનું અભિન્ન અંગ હતું. તેથી જ શ્રીરામકૃષ્ણએ તેમને જગત્જનની રૂપે સ્થાપીને પૂજ્યા હતા. પતિના મૃત્યુ પછી તેમના શિષ્યોને રખડતાં જોઈને તેમને દુ:ખ થતું. શ્રી મા જ્યારે બુદ્ધગયા ગયેલાં ત્યારે ત્યાંના મઠના સાધુઓને સગવડભર્યું જીવન જીવતા જોયેલા ત્યારે તેમના દુ:ખી હૃદયે શ્રીઠાકુરને મનોમન વિનંતી કરેલી કે તેમના શિષ્યો માટે પણ કોઈ મઠ 

હોય! એમની એ ઇચ્છા બેલૂર મઠની સ્થાપના સાથે પૂર્ણ થઈ. શ્રી માએ એ મઠના અધિપતિ તરીકે પરોક્ષ ભૂમિકા ભજવી. તેઓ મઠના સાધુઓ માટે પ્રેરણાસ્રોત હતાં. તમામ પ્રકારની સાધનાને તેઓ ઉત્તેજન આપતાં. સાધનામાં તેમણે વૈરાગ્ય ઉપર વિશેષ ભાર મૂકયો. ત્યાગી અને વૈરાગી પ્રત્યે તેમને ખૂબ માન હતું. તેઓ કહેતા કે સાધુ તો ત્યાગની મૂર્તિ હોવો જોઈએ. એ માટે વૈરાગ્ય પણ એટલો જ જરૂરી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને અભ્યાસ અને વૈરાગ્ય વડે મનનો નિગ્રહ કરવાનો બોધ આપ્યો હતો – अभ्यासेन तु कौन्तेय वैराग्येण गृह्यते। એવું જ કંઈ શ્રી નિષ્કુળાનંદે કહ્યું છે કે ‘ત્યાગ ન ટેક વૈરાગ્ય વિના.’ 

તેઓ માનતા કે ગૃહસ્થી શિષ્યો કરતાં જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેનો દરજ્જો ઊંચો રહેવાનો. પવિત્રતા અને ત્યાગના ઊંચા આદર્શો બાબતમાં તેમણે કદી બાંધછોડ ન કરી. તેઓ સ્વયં કર્મયોગી હતાં અને ત્યાગી શિષ્યોને પણ કામ કરવાનું ઉત્તેજન આપતાં અને કહેતાં કે કામ વિના મન મલિન બને છે. એક રીતે કહીએ તો શ્રી માની તમામ સિદ્ધિઓ મનની નિર્મળતાને આભારી છે તેમણે સ્વમાં મનુષ્યત્વ અને દૈવીતત્ત્વનું અનોખું સાયુજ્ય સિદ્ધ કર્યું હતું.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.