ભારતીય આરોગ્ય વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સાનો ખજાનો આયુર્વેદ છે. આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ ગણે છે અને અથર્વવેદમાં આયુર્વેદ વિશે ઘણાં સૂક્તો જોવા મળે છે. ‘જ્ઞાનનો આ મહાભંડાર’ ભારદ્વાજ, અત્રેય, અગ્નિકાય, ચરક, ધન્વંતરી, સુશ્રુત જેવા મહાન ઋષિઓએ જગતને એક અમૂલ્ય ભેટરૂપે આપ્યો છે. વાસ્તવિક રીતે વિશ્વને આપેલી આ એક શાશ્વત ભેટ છે.

ઋગ્વેદના ૧.૧૧૬, ૧૪, ૧૫ સૂક્તમાં એવું વર્ણન આવે છે કે ખેલ રાજાનાં પત્ની ‘વિચલા’ નામની સ્ત્રી યોદ્ધાનો એક પગ યુદ્ધમાં કપાઈ ગયો હતો. દેવવૈદ્ય અશ્વિની કુમારોએ તેમને એક લોખંડનો કૃત્રિમ પગ જોડી દીધો હતો. આ જ અશ્વિની કુમારના ચક્ષુપ્રત્યાર્પણની પ્રશંસા પછીનાં સૂક્તોમાં આવે છે.

વિશ્વમાં સર્વપ્રથમ શલ્ય ચિકિત્સાની પહેલ કરનાર સુશ્રુત (ઈ. પૂર્વે ૫૦૦) સર્વપ્રથમ શલ્ય ચિકિત્સક હતા. તેઓ ધન્વંતરી પાસેથી આ વિદ્યા શીખ્યા હતા. ‘સુશ્રુત સંહિતા’ નામના એમના આયુર્વેદ ગ્રંથમાં શલ્ય ચિકિત્સા વિશે ઘણું લખ્યું છે. આ શલ્ય ચિકિત્સા સમયના પ્રવાહમાં ખરી ઊતરી છે અને આજે પણ એનું અનુસરણ થાય છે. આ સંહિતામાં આઠ પ્રકારની શલ્ય ચિકિત્સા પદ્ધતિનું વર્ણન આવે છેઃ છેદ્ય (વાઢકાપ), લેખ્ય (શરીરના ભાગને અલગ કરવો), વેદ્ય (શરીરના રોગ ગ્રસ્ત ભાગને દૂર કરવો), ઇષ્ય (રક્ત વાહિનીમાં તીક્ષ્ણ સાધનથી રોગનું કારણ શોધવું), આહાર્યક્રિયા (શરીરમાં નુકસાનકારી પદાર્થોને દૂર કરવા), વિશ્રદવ્ય (શરીરમાંથી નકામું પાણી કાઢી નાંખવું), સીવ્ય (ટાંકા મારીને જખમ બંધ કરવો), વેદ્યક્રિયા (છેદ પાડીને શલ્ય ચિકિત્સા કરવી).

સુશ્રુત સંહિતામાં આપણને અત્યારની આધુનિક કક્ષાની શલ્યચિકિત્સા જેવી કે પ્લાસ્ટિક સર્જરી, રેનો પ્લાસ્ટરીનું વર્ણન પણ જોવા મળે છે. કાન અને નાકને ફરીથી રચવા માટે આ શલ્ય ચિકિત્સાનો ઉપયોગ થતો. સુશ્રુતે ઘણાં આંખનાં ઓપરેશન કર્યાં હતાં. એમણે મૃતદેહનું વિચ્છેદન કરીને કંકાલતંત્રનો અભ્યાસ કર્યો હતો. આ સંહિતામાં આપણને મૃતદેહને વિચ્છેદન માટે જાળવી રાખવાની ઘણી પદ્ધતિઓનું વર્ણન જોવા મળે છે. એમણે આ સંહિતામાં ૧૨૫ જેટલાં શલ્યચિકિત્સા સાધનોનું વર્ણન કર્યું છે.

ઈ.સ. ૯૨૭ના ભોજપ્રબંધમાં એવું વર્ણન આવે છે કે રાજા ભોજને શલ્ય ચિકિત્સાની સારવાર મળી હતી. એના મગજમાં થયેલી ગાંઠને દૂર કરવામાં આવી હતી. આ શલ્ય ચિકિત્સા વખતે ‘સંમોહિની’ એટલે કે બેભાન થવા માટેની દવા અપાઈ હતી.

ગૌતમ બુદ્ધના દેવક નામના આરોગ્ય નિષ્ણાતે ઘણી શલ્ય ચિકિત્સાઓ કરી હતી. બૌદ્ધગ્રંથોમાં એનું વર્ણન આવે છે. ‘વિનય પીટિકા’ નામના બૌદ્ધગ્રંથમાં શલ્ય ચિકિત્સા દ્વારા મગજમાં રહેલાં નુકસાનકારી જંતુઓને દૂર કરવાનું વર્ણન પણ આવે છે.

આયુર્વેદમાં શલ્ય ચિકિત્સાનો ઉપયોગ છેલ્લા સાધન તરીકે થતો. એનો મુખ્ય હેતુ રોગને અટકાવવાનો હતો. બાયો-મેડિકલ ઉપાયો પર વધારે ભાર દેવાતો. ‘ચરક સંહિતા’, ‘અષ્ટાંગ હૃદય’, ‘ભાવપ્રકાશ’, ‘સુશ્રુત સંહિતા’ જેવા ગ્રંથોમાં આરોગ્ય અને ચિકિત્સામાં ઉપયોગી થતી વનસ્પતિના છોડોનું પણ વર્ણન આવે છે. આજે પશ્ચિમના આરોગ્ય વૈજ્ઞાનિકો આનું મહત્ત્વ સમજ્યા છે અને એના સંશોધનમાં રસ ધરાવતા બન્યા છે. શરીરમાંથી નીકળતી ગંધ અને માનવીય હાવભાવોનું નિરીક્ષણ કરીને વિવિધ રોગોના નિદાનનાં વર્ણનો માધવના ‘નિદાન શાસ્ત્ર’માં જોવા મળે છે.

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.