‘મારો જન્મ અને ઉછેર રાયપુરમાં થયો.’ પપ્પા-મમ્મી બંને એન્જિનિયર્સ છે. મમ્મી રાયપુર એન્જિનિયરિંગ કાૅલેજમાં પ્રોફેસર અને પપ્પા ભિલાઈના લોખંડ-પોલાદના કારખાનામાં (ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ)માં હતા.

નાનપણથી જ હું અને મારી ત્રણેય બહેનો અમારાં પપ્પા-મમ્મી સાથે રાયપુરના રામકૃષ્ણ મિશનના આશ્રમમાં નિયમિતપણે જતાં હતાં. સ્વામી આત્માનંદ મહારાજની અમારા સહુના જીવન પર ઘેરી અસર હતી. મારા પપ્પા તો ભણતા હતા ત્યારે એ જ આશ્રમમાં રહેતા હતા. આને કારણે રામકૃષ્ણ મિશનની તેમના જીવન પર અસર હોવી સ્વાભાવિક છે. આશ્રમની ઘણી પ્રવૃત્તિઓમાં પણ તેઓ સાથ આપતા.

જો કે વિરોધાભાસ એવો હતો કે હું ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવાતી કુમારશાળા ‘સેન્ટ પાૅલ હાયર સેકન્ડરી સ્કૂલ’માં ભણતો હતો. અમારી શાળા હિન્દી માધ્યમની હતી. અમારા પ્રિન્સિપાલ શ્રી જ્હોન સેમ્યુઅલની મારા જીવન પર ઊંડી અસર છે. શિક્ષણ પ્રત્યે તેમની નિષ્ઠા અને તેમનું નિષ્કલંક વ્યક્તિત્વ કોઈને પણ પ્રેરણા આપે તેવાં હતાં. સ્કૂલમાં હતો ત્યારે હું ‘લાૅર્ડ આૅફ ધ લાસ્ટ બેન્ચ’ ગણાતો. ખ્યાલ આવી ગયો ને? રોજ મારામારી કરીને ઘેર આવું, અમુક દિવસોએ શાળામાંથી ભાગી જાઉં, ઘેર કહ્યા વગર ક્રિકેટની મેચ કે પ્રેક્ટિસ જોવા ઊપડી જાઉં! એ જમાનામાં અમે બધા સાઈકલો પર સ્કૂલે જતા.

કેટલીય વાર મિત્રો સાથે સ્કૂલની વાડ સાઈકલ સાથે કુદાવીને હું ભાગતો. બધામાં હું સૌથી ઊંચો-પહોળો હોવાથી બધાની સાઈકલો હું કુદાવી આપતો.

એકવાર ભારતીય હોકી ટીમ રાયપુરમાં રમવા આવી હતી. એ જમાનામાં ઝફર ઈકબાલ અને મોહમ્મદ શહીદ અમારા હીરો હતા. એ દિવસે અમે ભાગીને મેચ જોવા સાઈકલ કુદાવી રહ્યા હતા, ને નિશાળના ચોકીદારે અમને પકડ્યા! ‘કૌન હૈ? કૌન ભાગ રહા હૈ?’ અમારો એક સાથીદાર ગભરાઈને પાછો દોડ્યો, પકડાયો.

વોચમેને એની સાઈકલ લોક કરીને ચાવી પ્રિન્સિપાલને આપી દીધી. પછી તો અમે ય પકડાયા. સાહેબે બધાની ખબર લઈ નાખી અને મને એકલાને છેલ્લે ઊભો રાખીને કહ્યું, ‘બેટા, તારી પાસે મારી આવી અપેક્ષા ન હતી. તને ખબર છે દીકરા, તારી મમ્મી પણ અહીં મારા હાથ નીચે ભણી છે? રાયપુરમાં એ જમાનામાં છોકરીઓ માટે હાઈસ્કૂલ ન હતી. એની હોશિયારી અને ધગશ જોઈને મેં એને અહીં બોય્ઝ સ્કૂલમાં દાખલ કરી હતી.’

એ આગળ કંઈ જ ન બોલ્યા પણ એમના મૌને અને એમની એ દિલગીરીભરી આંખોએ મારી અક્કલ ઠેકાણે લાવી દીધી. બોર્ડની પરીક્ષામાં મારો ખૂબ સારો નંબર આવ્યો. આઈઆઈટીની પરીક્ષામાં પણ હું પાસ થયો અને મને આઈઆઈટી કાનપુરમાં એડમિશન મળ્યું. રાયપુરમાંથી ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓને આજ સુધી આ સન્માન મળ્યું હતું.

મેં કમ્પ્યુટર સાયંસ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ મેળવ્યો. ભારતમાં મોટે ભાગે બાળકોની કારકિર્દી અંગેના નિર્ણયો માબાપ જ લેતાં હોય છે, તેથી જ આઈઆઈટીના વાતાવરણમાંથી મારી મુક્તિ માટેની ઝંખના પૂરી થઈ. જાણે મારી ખરી ‘લાઈફ’ હવે શરૂ થઈ!

હોસ્ટેલમાં સારી-ખરાબ, વિવિધ પ્રકારની કંપની મળે એ સાચું. પરંતુ મારા સદ્નસીબે મને ખૂબ જ સારા મિત્રો મળ્યા. મારું રિઝલ્ટ જ એની સાબિતી હતી. જો કે મેં ભવિષ્યની, પૈસાની કે નોકરીની ચિંતા કદીયે કરી નથી. સ્વામી વિવેકાનંદના શબ્દોની મારા જીવન પર ઊંડી અસર હતી કે તેમનાં લખાણોની શીળી છાયાનો હું સતત અનુભવ કરતો હતો. એ ખુદ મને દિશા ચીંધતા હોય તેવી અનુભૂતિ થતી. આઈઆઈટીના મારા બીજા વર્ષથી હું ‘એન્ટી-રેગિંગ કેમ્પેઈન’માં જોડાયો. જૂના વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓની થતી પજવણીએ આ સંસ્થામાં વિકૃત રૂપ ધારણ કર્યું હતું. ત્રીજા વર્ષમાં હતો ત્યારે હું ‘વિવેકાનંદ સમિતિ’ના સભ્યોના પરિચયમાં આવ્યો. સંગઠનને અમે મજબૂત બનાવ્યું.

આ સમિતિ અન્વયે આઈઆઈટી કાનપુરની બહાર વસેલા ભારૂસરાઈ નામના ગામનાં બાળકોને ભણાવવાનું અમે શરૂ કર્યું. એ ગામમાં આમ તો ચાર નિશાળો હતી પરંતુ દલિતોનાં બાળકોને પ્રવેશની પાબંદી હતી. અમે માત્ર દલિતોનાં બાળકો માટે શાળા ચાલુ કરી. એ ગામમાં એક સરકારી શાળા હતી, જે બંધ પડી હતી. અમે એ શાળા ફરીથી ચાલુ કરાવવાનાં ચક્રો પણ ગતિમાન કર્યાં. ત્યાં ત્રણ તો શિક્ષકો હતા. એકેય દિવસ ભણાવ્યા વગર જ મસ્ટર પર દર મહિને મતું મારીને પગાર લઈ લેતા! અમે તો કેળવણીખાતામાં ફરિયાદ મોકલી આપી. ત્રણેય શિક્ષકોને નિશાળે આવતા કર્યા. એમને ઘણું ય પેટમાં દુઃખતું હશે, પણ શું થાય?

સરકારી શાળા ચાલુ તો થઈ ગઈ પરંતુ ત્યાં કોઈ જ ભણાવતું ન હતું. બાળકોય આવવા ખાતર આવતાં. મોટાભાગનાં બાળકોને અમારી સાંજની શાળામાં વધારે ગમતું. ત્યાં ભાર વગરનું, પણ ભણતર તો હતું! અમે અઠવાડિયે બે દિવસ ભણાવવાથી શરૂઆત કરી હતી જે ધીમે ધીમે નિયમિત, રોજિંદી શાળા થઈ ગઈ.

દસ વિદ્યાર્થીઓ આઈઆઈટીમાંથી નિયમિત સેવા આપવા આવતા. જો કે અમુક ‘આરંભે શૂરા’ નીકળ્યા. ધીમેધીમે અમારી ટીમ છ જણની થઈ- પાંચ વિદ્યાર્થીઓ અને છઠ્ઠા અમારા ફિઝિક્સના પ્રોફેસર શ્રી આર. રામચંદ્રનનાં પત્ની શ્રીમતી વિજ્યા રામચંદ્રન (શ્રીમતી વિજ્યા રામચંદ્રન આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય શ્રી આર. વેંકટરમનનાં પુત્રી છે.)

બાળકોની કેળવણી ઉપરાંત સફાઈ અને સ્વાસ્થ્ય અંગેના કાર્યક્રમો પણ અમે વારતહેવારે યોજતા. ત્રણ જ વર્ષમાં એ ગામનાં સો ટકા બાળકોનું રસીકરણ અમે પતાવ્યું.

એ કામમાં મહેનત ઘણી પડી કેમ કે શરૂશરૂમાં તો બાળકો અમને જોઈને દોડતાં આવતાં, પરંતુ ધીમેધીમે એમને ખબર પડી કે અમે તો તેમને ઈંજેક્શન આપવાનાં છીએ એટલે બધાં અમારાથી ગભરાઈને દૂર ભાગવા લાગ્યાં. મીઠાઈ કે પિપરમીંટની લાલચ આપીને અમે બાળકોને પટાવી લેતાં શીખી ગયાં.

અમારા પ્રયત્નને પરિણામે ધીમેધીમે કાનપુરની આસપાસના વિસ્તારોમાં ફક્ત સેવાભાવી કાર્યકરોથી ચાલતી દસ સ્કૂલો ચાલુ થઈ ગઈ! કાર્યકરો ખૂબ જ ઉત્સાહી હતા. ભણવા સાથે આ વધારાનું કામ કરવા માટે શક્તિ હતી પરંતુ હવે નાણાંની પણ જરૂર ઊભી થઈ. આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ દ્વારા આ સગવડ પણ થઈ ગઈ.

અમે અમારી મેસમાં એક રજિસ્ટર મૂકી દીધું. એમાં તમારે દાનની રકમ લખી દેવાની. અમે રૂમેરૂમે ફરીને જેણે જે રકમ લખી હોય તે ઉઘરાવી લેતાં. જો તમે મને પૂછો કે કાનપુરની એ શાળાઓ ખરેખર કાંઈ ઉકાળી શકી? આ બધા પ્રયત્નોનું શું પરિણામ આવ્યું? તો મારી પાસે ખરેખર જવાબ નથી! મોટાભાગના વિદ્યાર્થીઓ પાંચમું પાસ થાય પછી ભણવાનું છોડી દેતા.

બાકીનાં બાંધકામની સાઈટો પર મજૂરીએ લાગી જતા, પરંતુ અમુક બાળકો છેક કાૅલેજ સુધી ભણ્યાં. મોટેભાગે છોકરીઓ વધુ પ્રતિબદ્ધ હતી. ‘દુમ્નબાઈ’નામની છોકરી તો બી.એ. થઈને એ જ ગામમાં આજે શિક્ષિકા છે. જે સાવ અંગૂઠાછાપ હતાં તેવાં અનેક બાળકો અમારે કારણે વાંચતાં-લખતાં થયાં તે કાંઈ ઓછું છે?

આ ગાળામાં મારું બી.ટેક પત્યું. મને સીધીસાદી નોકરી કરવામાં તો રસ હતો જ નહીં, એટલે મેં આઈઆઈટી કાનપુરમાં જ ઈન્ટિગ્રેટેડ પી.એચડીના કોર્સમાં પ્રવેશ મેળવ્યો. ફેબ્રુઆરીમાં બી.ટેક. પત્યું પછી જુલાઈ સુધી મારે બીજું કોઈ કામ ન હોવાથી મારી જ બેચના મિત્ર આલોક અગ્રવાલ સાથે હું ‘નર્મદા બચાવો આંદોલન’માં જોડાયો. આલોક અત્યારે આ આંદોલનનો સેક્રેટરી છે અને મેઘા પાટકરની સંસ્થા સાથે જોડાયો છે. જુલાઈમાં હું આઈઆઈટી કાનપુર પાછો આવ્યો. પી.એચ.ડીની સાથે સેવાકીય કામો ચાલુ જ હતાં.

સંસ્થાના હોદ્દેદારો તથા પ્રોફેસર્સ સાથે મારે ઘણીવાર શાબ્દિક ટપાટપી થઈ જતી. તે છતાં ય હું પીએચ.ડી. થયો ત્યારે મને આઈઆઈટીએ નોકરી આપવાની તૈયારી બતાવી. મેં તો ડીનને મોઢે પૂછ્યું, ‘તમારે આ ડિપાર્ટમેન્ટમાં એક ચક્રમ માણસને શા માટે લેવો છે?’ અમારા હેડ આૅફ ધ ડિપાર્ટમેન્ટ કહે, ‘તું આદર્શવાદી છે. વીસીમાં બધાં આદર્શવાદી જ હોય. ધીમેધીમે તું આ ડિપાર્ટમેન્ટ માટે મોંઘેરી મૂડી બની જઈશ એની મને ખાતરી છે.’

મેં એ આૅફર નકારી કાઢી. કારણ તો મને ય ખબર નથી પરંતુ મારું નસીબ મને બીજી દિશામાં ખેંચી રહ્યું હતું… એ નસીબ એટલે આ દુન્વયી સુખ-સગવડોથી દૂર સાધુજીવનમાં પ્રવેશ!

‘શ્રીસ, તમારા જીવનમાં એવી કોઈ ઘટના બની હતી? એવી કોઈ પળ હતી કે, જ્યારે તમે આ સંસારની ઘટમાળનો ત્યાગ કરીને સાધુ બનવાનું નક્કી કર્યું?’- મેં પૂછ્યું.

‘સાચું કહું તો એવી કોઈ પળે મેં આવો નિર્ણય નથી લીધો. હું પી.એચ.ડી. કરતો હતો ત્યારે જ મેં મારા અનેક મિત્રોને બી.ટેક. થઈને અમેરિકા જતાં જોયા. ઘણીવાર એકલો પડતો ત્યારે હું સાધુજીવન અંગે વિચારતો હતો. દ્વિધા તો ઘણી થતી. એક તરફ સમાજસેવાનું વળગણ, બીજી તરફ ભણવાનો શોખ. ત્રણ-ચાર વર્ષ સુધી આ વિચારવલોણું ચાલ્યું હશે.’

‘શ્રીસ, તો પછી સાધુજીવન તરફ વળવાનું કારણ શું? જીવનમાં પૈસાનું ખાસ મહત્ત્વ નથી એવું કહેનારા ઘણા મળે છે. પરંતુ જીવનમાં એને ઉતારનાર જૂજ હોય છે. એમાં ય ભગવાં ધારણ કરવા માટે તો ઘણું મનોબળ જોઈએ.’ – મેં પૂછ્યું.

‘સાચું કહું તો દરેક ક્રિયા પાછળનું કારણ શોધવા જાઓ તો તમે ગાંડા થઈ જાઓ! હું તો પૂર્વજન્મના કર્મ અને સંસ્કારમાં માનું છું. હું ખુદ બુદ્ધિથી વિચારું છું તો મને મારા નિર્ણય પાછળનું કારણ સમજાતું નથી.’

(ક્રમશઃ)

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.