રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતાં અંગ્રેજી સામયિક ‘વેદાંત કેસરી’ નવેમ્બર ર૦૧રમાં પ્રસિદ્ધ થયેલ લેખનું ભાવનગરના શ્રી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.

 

અહીં વર્ણવાયેલાં સંસ્મરણો તા. ર૬ જુલાઈ, ૧૯પપ ના રોજ રામકૃષ્ણ મઠ (પૂર્વે રામકૃષ્ણ આશ્રમ તરીકે ઓળખાતા), બુલ ટેમ્પલ રોડ, બેંગ્લોર, કર્ણાટક ખાતે રજૂ થયેલાં. શ્રીરામકૃષ્ણનાં ગૃહસ્થ ભક્ત ભવતારિણીએ, તે દિવસે રામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી વર્ણવેલાં, બેંગલોર આશ્રમના તે સમયના અધ્યક્ષ સ્વામી યતિશ્વરાનંદજીએ બંગાળીમાં કહેવાયેલાં આ સંસ્મરણોનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. શ્રીરામકૃષ્ણની ગ્રીસથી આવેલ ભક્ત જહોનમાનેટ્ટાએ તેની તે જ સમયે નોંધ લખી હતી. (જેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું ગ્રીક ભાષામાં ભાષાંતર કરેલું) અને પછી તે સ્વામી યતિશ્વરાનંદજીને મોકલી આપી હતી, જે તેમણે અમેરિકાથી પ્રસિદ્ધ થતાં ‘વેદાંત એન્ડ ધી વેસ્ટ’ના સપ્ટેમ્બર – ઓક્ટોબર, ૧૯૬૮ અંકમાં પ્રકાશિત કરેલ. (જહોનમાનેટ્ટા, જેઓ અત્યારે ૯૦ વર્ષનાં છે, શ્રીરામકૃષ્ણના જીવન સંદેશનો ગ્રીસ અને અન્યત્ર, અનેક પ્રકારે પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.)

સંસ્મરણો વર્ણવનાર ભવતારિણીની વય ફક્ત આઠ વર્ષની હતી ત્યારે તેની શ્રીરામકૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. પણ આ મુલાકાત અને પાછળથી થયેલ કેટલીક મુલાકાતોએ તેનું સમગ્ર જીવન બદલી નાખ્યું હતું. ભવતારિણીની માતા શ્રીરામકૃષ્ણનાં સંબંધી હતાં, અને શ્રીરામકૃષ્ણએ સ્વયં ભવતારિણીનાં લગ્ન અન્ય એક નજીકના ભક્ત ઉપેન્દ્રનાથ મુખર્જી સાથે ગોઠવી આપેલાં. (આ એ જ ઉપેન્દ્રનાથ કે જેના છાપખાનાના ઓરડામાં કલકત્તા ખાતે સ્વામી અદ્‌ભુતાનંદ અથવા લાટુ મહારાજ ઘણા મહિનાઓ સુધી સૂતા હતા.)

ઉપેન્દ્રનાથ ઘણા જ ગરીબ હતા, પણ તેને આશા હતી કે શ્રીરામકૃષ્ણના આશીર્વાદ દ્વારા પોતાનું ભવિષ્ય સારું બનશે. પાછળથી તે મુજબ જ થયું, કલકત્તામાં એક સંપન્ન પ્રકાશક બન્યા. તેમનું અવસાન ૧૯૧પ માં થયું.

પોતાના પતિના અવસાન પછી ભવતારિણીએ એક સંન્યાસીની જેવું જીવન વિતાવ્યું. ૯૪ વર્ષની જૈફવયે પણ વારાણસી ખાતે અત્યંત પવિત્ર જીવન પસાર કર્યું. ભોજનમાં થોડુંક દૂધ અને કેળાં લેતાં, જે તેઓ રાતના પ્રથમ પૂજા કર્યા પછી શ્રીરામકૃષ્ણને અર્પણ કરીને જ લેતાં.

શ્રીરામકૃષ્ણના જીવંત ગૃહસ્થ ભક્તોમાં સંભવત : તેઓ છેલ્લાં જ હતાં. તેમનાં સંસ્મરણો જો કે ટૂંકાણમાં છે તો પણ તે અત્યંત મનનીય છે અને શ્રીરામકૃષ્ણની દિવ્યતાના પાસાને ઉદ્ઘાટિત કરે છે. તેમની હૃદયસ્પર્શી નિખાલસતા, ઘણા જ અસાધારણ અનુભવને ઉદ્ઘાટિત કરવાની સાથેની છે, જે આપણા માટે શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્તો દ્વારા તેમના માટે લખેલ પ્રત્યક્ષપણે નાની એવી અમૂલ્ય સંપત્તિ સમાન છે. હું જ્યારે આઠ વર્ષની હતી ત્યારે ઠાકુર (શ્રીરામકૃષ્ણ) અમારા ઘેર બપોરના ભોજન માટે આવ્યા હતા. તોફાની હોવાથી હું આસપાસ રમતી હતી અને મારી માતાએ મને બોલાવી લાવવા નોકરને મોકલ્યો. ઠાકુરે મારું નામ પૂછ્યું. માતાએ તેમને કહ્યું : ‘હબી’. (જે બાળક મોડેથી બોલવાનું શીખે છે, અર્થાત્ જે બાળક બોલવાનું બહુ લાંબા સમય બાદ શીખે છે) ઠાકુર નામ બદલવા ઈચ્છતા હતા. એ સમયે રિવાજ મુજબ છોકરીઓને ફૂલનાં નામ આપવામાં આવતાં, પણ તેમણે દક્ષિણેશ્વરનાં જગજ્જનની પરથી મારું ભવતારિણી નામ રાખ્યું.

જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે અન્ય એક દિવસે બપોરના ભોજન માટે ઠાકુર અમારે ઘેર આવેલા. અમારા ઘેર રોકાયા તે દરમ્યાન તેમણે મારી માતાને હું કેટલા વર્ષની થઈ છું તે અંગે પૂછ્યું. માતાએ ઉત્તર આપ્યો, ‘આઠ વર્ષ’. ઠાકુરે ત્યારે કહ્યું, ‘તમારી દીકરી આઠ વર્ષની થઈ છે; તેનાં લગ્ન થવાં જ જોઈએ. – તેણે લગ્ન કરી લેવાં જોઈએ. (એટલે કે સગાઈ). તેને માટે મારી નજરમાં યોગ્ય પાત્ર છે.’ માતા સંમત થયાં, અને પછી પૂછ્યું કે તે કોણ છે. ઠાકુરે કહ્યું, ‘તેનું શિક્ષણ ઓછું છે.’ માતાએ પછી કહ્યું કે તે સારું નહીં. તો પણ ઠાકુરે આગ્રહ રાખ્યો. તેનું ભવિષ્યનું જીવન સારું છે કેમ કે હું ‘લક્ષ્મી’ હતી. (લક્ષ્મી એ સંપત્તિની દેવી છે, જે જગજ્જનનીનું એક અંગ છે.) જૈફ વયનો ભવતારિણીનો ફોટો છે.

એક દિવસે ઉપેન્દ્રનાથનાં માતા દક્ષિણેશ્વર ખાતે ઠાકુરની દર્શન મુલાકાતે ગયાં. ઠાકુરે તેમને કહ્યું : ‘તમારા દીકરાનાં લગ્ન આ કન્યા સાથે થવાં જ જોઈએ.’ તેઓ સંમત થયાં. નરેન (સ્વામી વિવેકાનંદ) પણ ત્યારે ઉપસ્થિત હતા. નરેને પૂછ્યું કે કોનાં લગ્ન થવાનાં છે. ઠાકુરે તેને માહિતી આપી. નરેન આ લગ્નની વિરુદ્ધમાં હતા કારણ કે હું કાંઈ સુંદર ન હતી અને વળી ખૂબ કાળી ચામડીવાળી, એટલે તેણે ઠાકુરને બીજી કોઈ છોકરી ઉપેન્દ્રનાથ માટે પસંદ કરવા કહ્યું.

ઠાકુરે આગ્રહ રાખ્યો કે હું એક નસીબવંતી છોકરી છું અને ઉપેન્દ્રનાથે મારો સ્વીકાર કરવો જોઈએ, પછીથી તેઓ ધનવાન બનશે. ઉપેનનાં માતાએ સંમતિ આપી અને પોતે અને પોતાના પતિ એ વિચારથી આનંદિત હતા કે દક્ષિણેશ્વરમાં ઠાકુર સાથે રહેતો પોતાનો પુત્ર ઘેર પાછો આવશે, અને તેમને પુત્રવધૂ પણ મળશે.

અમારાં લગ્ન પછી નરેન અમારે ઘેર આવતા રહેતા. દરમ્યાન મારાં લગ્ન નક્કી થયા પછી હું કાળી છું અને એવું બીજું ઘણું નરેને મારા વિશે અભિપ્રાય આપેલો એટલે હું તેનાથી ઘણી નારાજ હતી. જ્યારે તેઓ અમારા ઘેર આવતા ત્યારે તેમના તરફ હું જરા પણ ધ્યાન આપતી નહીં, એટલું જ નહીં કંઈ ખાવા-પીવાની વસ્તુ પણ લઈ જતી નહીં. મારી માતા કહેતી કે તેના વિરોધને લઈને મારી અનિચ્છા દર્શાવતી. પણ પછીથી નરેનને મારા માટે શુભભાવના રહેલી અને મને ઘણું આશ્વાસન આપેલું. (ક્રમશ 🙂

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.