શ્રીરામકૃષ્ણદેવ : ‘શું જોઈએ છે તારે?’

નરેન : ‘મારી એવી ઇચ્છા છે કે શુકદેવજીની જેમ એકધારા પાંચ છ દિવસ સુધી લાગલગાટ સમાધિમાં ડૂબેલો રહું. ત્યાર પછી શરીર રક્ષાને માટે જરાક નીચે ઉતરી આવીને ફરી પાછો સમાધિમાં ચાલ્યો જાઉં’.

શ્રીરામકૃષ્ણદેવ : ‘છી! છી! તું તો ઘણો હીન બુધ્ધિવાળો. તું આટલો મોટો આધાર ને તારે મોઢે આવી વાત! મેં તો ધારેલું કે તું એક વિશાળ વડલાના વૃક્ષ સમાણો બનીશ, તારી છાયામાં હજાર હજાર લોકો આશ્રય પામશે. એ ક્યાં અને એને ઠેકાણે તું કેવળ પોતાની જ મુક્તિ ઈચ્છે છે! આ તો અતિ તુચ્છ – હલકી વાત! એ અવસ્થાથી પણ ઊંચી અવસ્થા છે. તું જ તો ગાય છે ને કે ‘જો કુછ હૈ સો તુ હી હૈ!’ તને સમાધિ લાભથી પણ ઊંચી અવસ્થા થઈ શકશે.’’

શ્રીરામકૃષ્ણદેવની નિશ્રામાં બાળક નરેનના મનમાં પાંગરી રહેલું બીજ આજે મોટું વટવૃક્ષ બની ગયું છે, જેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈને અનેક દુ :ખી તપ્ત લોકોને છાંયડો પૂરો પાડે છે.

ઘણીવાર સ્વામી વિવેકાનંદના વિચારોને વાંચતી વખતે પરસ્પર વિરોધાભાસ જેવું લાગે. ‘ક્યાં સંસાર ત્યાગી રામકૃષ્ણદેવ ને ક્યાં દિવસ રાત તનતોડ શરીરને થકવી દેનારાં કર્મોમાં રત સ્વામી વિવેકાનંદ?’ શ્રીરામકૃષ્ણદેવનો જ શિષ્ય એવો નરેન આજે સ્વામી વિવેકાનંદ બનીને લોકોને એવો ઉપદેશ આપે છે કે, ‘ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્વારા તમે ઈશ્વરની વધુ નજીક પહોંચી શકશો!’ આપણી નાનકડી બુદ્ધિ આ વાતને પચાવી નથી શકતી અને પચે પણ ક્યાંથી? સ્વામી વિવેકાનંદના જ ગુરુભાઈઓ કે જેઓ સતત તેમની સાથે રહેતા તેઓ પણ શરૂમાં આ વાતને સમજી શક્યા નહોતા. સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા આવ્યા ને સેવાકાર્યોની શરૂઆત કરી ત્યારે શરૂમાં તેમના ગુરુભાઈઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. તેઓ પણ એમ માનતા કે આ શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ નથી ને સ્વામીજી આ બધું વિદેશથી લાવ્યા છે.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી યુવક ભક્તોએ સંન્યાસ લીધો. શરૂમાં મઠમાં રહ્યા બાદ બધા તીર્થભ્રમણમાં નીકળ્યા. એ વખતે દરેકના મનમાં તીવ્ર વૈરાગ્ય હતો. દરેકને સંસાર મિથ્યા જણાતો હતો. મન નિરંતર ઉચ્ચ અવસ્થાએ બિરાજમાન હતું. સ્વામી વિવેકાનંદે પણ પરિવ્રાજકરૂપે અનેક જગ્યાએ પરિભ્રમણ કર્યું. તે દરમ્યાન તેઓ સંસારથી દૂર એકાંતવાસ ઈચ્છતા હતા. એટલે જ તેમના ગુરુભાઈઓને પણ તેમની પાછળ આવવાની મનાઈ કરી હતી, ત્યાં સુધી કે તેમને કોઈ ઓળખી ન શકે તે માટે તેઓ વારંવાર નામ પણ બદલતા રહેતા. ત્યારે તેમને થતું હશે કે શ્રીરામકૃષ્ણદેવે તેમને અનેક જીવોને આશરો આપવા કહ્યું છે તો તેઓ પણ દરેક જીવને શ્રીરામકૃષ્ણદેવનો જ્ઞાનનો ઉપદેશ પહોંચાડશે, અને સંસારનું મિથ્યાત્વ સમજાવશે. ઈશ્વર એક જ સત્ય છે. તેની પ્રાપ્તિ એ જ જીવનનું લક્ષ્ય છે. પરંતુ તેમણે જોયું શું? ગુલામીની બેડીમાં જકડાયેલું લાચાર અને દુર્બળ ભારત! દુ :ખ અને દરિદ્રતાના સકંજામાં સપડાયેલું ભારત! તે ભારત ધાર્મિક તો હતું. પણ તેમનો ધર્મ છૂતાછૂત અને માટીની હાંડલી પૂરતો મર્યાદિત હતો. પંડિતો વેદાંતના સંદેશને ભૂલીને ડાબા હાથે પાણી પીવું કે જમણા હાથે તેના વિવાદ અને કર્મકાંડો તેમજ વિધિવિધાનોમાં રત હતા. લોકો અજ્ઞાનતા-દુ :ખ-દરિદ્રતા-ગુલામીનો સામનો કરવા સમર્થ નહોતા એટલે પોતાની આ અસમર્થતાને ધર્મ-ત્યાગ-વૈરાગ્યના રૂપકડા નામ હેઠળ છુપાવતા હતા. સત્ત્વગુણના અંચળા હેઠળ ઘોર તમોગુણમાં સૂતેલા ભારતને એક ચાબુકની જરૂર હતી. અર્જુનનો વિષાદ આજે સમગ્ર માનવજાતિ પર છવાયેલો હતો. આજે લોકોને ઈશ્વરનાં નામ-ગુણ-સંકીર્તન-પ્રેમ-ભક્તિના ઉપદેશની જરૂર નહોતી. પરંતુ ફરીથી આવશ્યકતા હતી યોગેશ્વર શ્રી કૃષ્ણના શક્તિદાયક ઉપદેશની કે જેણે ‘क्लैब्यं मास्म गमः पार्थ नैतत्त्वयुपपद्यते। क्षुद्रं हृदय दौर्ब्लयं त्यत्त्कवोत्तिष्ठ परंतप।’ -‘હે પાર્થ! આવી નપુંસકતા તને શોભતી નથી. આવી ક્ષુદ્ર હૃદયની દુર્બળતાને છોડીને ઊઠ! ઊભો થા! ને યુદ્ધ કર!’ ની ચાબુક દ્વારા અર્જુનને પડકાર્યો હતો. આવી જ મનોદશામાં સ્વામીજી કન્યાકુમારીના ખડક પર ઊંડા ધ્યાનમાં મગ્ન થયા અને તેમને તેમની સમસ્યાનું સમાધાન મળ્યું. તેમના આ ચિંતનનો પડઘો તેમના એક પત્રમાં પડે છે. ‘‘આજે આપણે આટલા બધા સંન્યાસીઓ છીએ તે બધા રઝળપાટ કરતા અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્ર શીખવીએ છીએ, એ બધું પાગલપણું છે. ‘ખાલી પેટે ધર્મ ન થાય’- ગુરુદેવ કહેતા હતા ને?’’ અને આ તેમના ચિંતનના પરિણામે જ તેમણે વિદેશ જવાનું નક્કી કર્યું ને હજુ આ તેમનું ચિંતન તેમના મનનો તરંગી તુક્કો માત્ર નથી ને? માટે તેમણે મા શારદાની આજ્ઞા મેળવી અને પછી જીવનની દિશા નિશ્ચિત કરી. ત્યાગના માર્ગનું સેવા સાથે ગઠબંધન કર્યું. સ્વામીજીએ અમેરિકા જતા પહેલાં આબુ પર્વત પાસે સ્વામી બ્રહ્માનંદ અને તુરીયાનંદને કહ્યું હતું. : ‘મેં આખાય ભારતનું ભ્રમણ કર્યું છે પરંતુ હાય! મેં મારી સગી આંખે દેશવાસીઓની જે દુર્દશા જોઈ છે, એથી હું મારાં આંસુ રોકી શકતો નથી. હવે મને એ સારી રીતે સમજાઈ ગયું છે કે, દેશની આ અધોગતિ અને દરિદ્રતા દૂર કર્યા વગર ધર્મપ્રચાર કરવો એ સાવ વ્યર્થ છે.’

સ્વામીજીનો આ સંદેશ અત્યારના પરિપ્રેક્ષ્યમાં પણ એટલો જ સાર્થક છે. ભૌતિક બાબતમાં આપણે ચોક્કસ પ્રગતિ કરી છે. પરંતુ દેશનું યુવાધન અત્યારે પણ ગેરમાર્ગે છે. હતાશા-નિરાશા-ડીપ્રેશન-આત્મહત્યાના વધતા જતા બનાવો સૂચવે છે કે ટેકનોલોજીની દૃષ્ટિએ ભલે આપણે હરણફાળ પ્રગતિ કરી હોય પરંતુ આંતરિક વિકાસની દૃષ્ટિએ જીવનના સંઘર્ષોનો સામનો કરવા આજે પણ આપણે સમર્થ નથી. દેશ આજે બે આત્યંતિક સીમાઓની વચ્ચે ઊભો છે. એક તરફ ઉપભોક્તાવાદ તો બીજી તરફ અજ્ઞાનતા, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચારના રાક્ષસોએ ભરડો લીધો છે. આપણે આ બધામાંથી બહાર નીકળવું હશે તો સ્વામીજીના ઉપદેશોને અપનાવ્યા સિવાય છૂટકો નથી.

સ્વામીજીએ પ્રથમ તો આપણને આશ્વાસન આપતું અભય વચન કહ્યું છે કે ‘આપણે સૌ એ પરમતત્ત્વના જ અંશો છીએ અને અમૃતત્વના સમાન રીતે અધિકારી છીએ. સૃષ્ટિમાંનો ક્ષુદ્રમાં ક્ષુદ્ર જીવ પણ એક દિવસ મુક્તિ પામશે. દુનિયા તો એક ફજેત ફાળકા જેવી છે. અસ્તિત્વ ધરાવતો દરેક જીવ પોતાનો વારો આવતાં આ હિંચકામાં બેસે છે. તેમાં કોઈ પહેલો નથી કે કોઈ છેલ્લો નથી. જે ઉપર છે તે પણ ક્યારેક નીચે આવશે અને નીચે છે તે પણ ફરી ઉપર આવશે. અને વારો પૂરો થતાં ઊતરી જાય છે. પરંતુ ફજેત ફાળકો તો ચાલુ જ રહે છે. એ જ રીતે દરેક જીવ અંતે પોતાના ઉદ્ગમસ્થાન એવા પરમતત્ત્વ સુધી પહોંચવાનો જ. એક સીધી લીટીને અનંતકાળ સુધી લંબાવો તો તે વર્તુળ થઈ જશે. એમ આપણામાંનો દરેક કોઈપણ જાતના અપવાદ વિના મોક્ષનો અધિકારી થશે. તેમાં કોઈ પાપી નથી કે પુણ્યશાળી નથી. વેદાંત પાપનો સ્વીકાર કરતું જ નથી. તમે કદાચ ભલા છો તો તેનો અર્થ એ ન થઈ શકે કે અન્ય વ્યક્તિ ખરાબ છે. સૃષ્ટિ આખી એક મહાન સંતુલનના સિદ્ધાંત પર ચાલે છે. એટલે તમે જો સારા છો તો અન્ય ખરાબ ગણાતી વ્યક્તિના ભોગે જ તમે સારા બની શક્યા છો. તમે એની જગ્યાએ હોત તો શું બન્યા હોત એ કોણ કહી શકે?’

અધ્યાત્મનો માર્ગ જો ફક્ત યોગીઓ, મહર્ષિઓ માટે હોય તો એવા ધર્મનો આપણને કોઈ ખપ નથી. સ્વામીજી અરણ્યના વેદાંતને આપણા સુધી લાવ્યા અને તેને વ્યવહારુ સ્વરૂપ આપ્યું. જેમ બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા એ શરીરની અવસ્થા માત્ર છે, તેમ અનંતકાળની આ સૃષ્ટિમાં દરેક જીવની અવસ્થા અલગ અલગ હોય છે. દરેક જીવ આગળની અવસ્થામાં જશે જ. તો આપણે શું કરી શકીએ? આપણે જો આપણી અવસ્થાને જાણી લઈએ તો આ પ્રક્રિયાને વેગ આપી શકીએ. પરંતુ અહીં એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અધ્યાત્મ માર્ગના સિદ્ધાંતો સાર્વત્રિક હોવા છતાં તેનું અમલીકરણ વ્યક્તિગત હોઈ શકે. દરેક વ્યક્તિને એક સરખા સિદ્ધાંતો લાગુ ના પડી શકે. બીજાનાં પગરખાંમાં પગ નાખવા ના જવાય, નહિ તો પડી જવાય. એક વ્યક્તિ માટે જે આચરણ ધર્મગત છે, તે બીજા માટે અધર્મનું કારણ પણ બની શકે. એટલે જ ગીતામાં સ્વધર્મનું માહાત્મ્ય ગાયું છે અને કહ્યું છે : ‘સ્વધર્મનું આચરણ કરતાં આવેલ મૃત્યુ પણ શ્રેષ્ઠ છે. પરંતુ પરમધર્મનું આચરણ ભયાવહ છે.’ અહીં સ્વધર્મનો અર્થ છે, આપણી નજીકમાં નજીકનું કર્તવ્ય. જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે. એક ડાૅક્ટરનો સ્વધર્મ દર્દીને સારા કરવાનો છે તો એક વકીલનો સ્વધર્મ અસીલને ન્યાય અપાવવાનો છે. હવે ડાૅક્ટરનું કામ મારા કરતાં વધુ સારું છે તેમ સમજી વકીલ જો ઓપરેશન કરવાનું પસંદ કરે તો? આ જ રીતે જીવન વ્યવહાર હોય કે સાધનાનો માર્ગ હોય, કોઈ એક બીજાથી મહાન નથી. સંન્યાસી હોય કે ગૃહસ્થ, બધા એક સરખી રીતે મહાન છે. પરંતુ બંનેના સ્વધર્મ-કર્તવ્ય અલગ અલગ હોય છે. એટલે પોતપોતાની અવસ્થા જાણી સ્વધર્મનું પાલન કરવામાં આવે તો આગળનો રસ્તો ખુલતો જાય. સ્વામીજીએ એક જગ્યાએ કહ્યું છે : ‘હું સુધારણા નહિ, વિકાસ ઈચ્છું છું.’ આપણો ધર્મ બસ જ્યાં છીએ ત્યાંથી એક ડગલું આગળ વધવાનો છે. આપણું લક્ષ્ય ચોક્કસ શ્રેષ્ઠતમ રાખવું, પરંતુ ત્યાં સુધી પહોંચવાની આપણી અસમર્થતા જોઈ નિરાશ ન થવું. ગતિશીલતા ધર્મ છે. અને અટકી ગયા તો એ મૃત્યુ છે. આપણે આપણી કક્ષા જાણી ક્રમશ : આગળની સીડી ચડવાની રહે છે. ઈશ્વરકૃપાની વાત અલગ છે. બાકી એક સાથે બે-ત્રણ પગથિયાં ચડવા જઈએ તો પડી જવાય. જેમ વિડીયો ગેમ રમતા હોઈએ ત્યારે જુદા જુદા લેવલ પાર કરવાના હોય છે. જ્યાં સુધી પ્રથમ લેવલ પસાર ના થાય ત્યાં સુધી બીજા લેવલની ગેમ તમે ના રમી શકો. તે જ રીતે ત્રિગુણાત્મક સૃષ્ટિમાં દરેક જીવ પણ ત્રિગુણાત્મક છે. તેની વધતી ઓછી માત્રા અનુસાર વ્યક્તિ સાત્ત્વિક રાજસિક કે તામસિક બને છે. તમોગુણવાળી વ્યક્તિ માટે જરૂરી છે કે પહેલાં રજોગુણી બને ને રજોગુણી માટે સત્ત્વગુણનું પાલન જરૂરી બને છે. તમોગુણ અને સત્ત્વગુણ બાહ્યદૃષ્ટિએ ઘણીવાર સમાન લાગે છે. કારણ કે બંનેમાં કર્મોનો અભાવ છે. પરંતુ સત્ત્વગુણ જ્ઞાનમય, પ્રકાશમય છે ને તેમાં કર્મના પરિત્યાગ દ્વારા આવેલ નૈષ્કર્મણ્ય ભાવ છે. જ્યારે તમોગુણ અંધકારમય છે. તેમાં ભય કે પ્રમાદવશ આવેલ અકર્મણ્યતા છે. એટલે આપણામાં પ્રમાદ કે ભયવશ આવેલ અકર્મણ્યતાને આપણે ત્યાગ કે વૈરાગ્ય સમજતા હોઈએ તો તે આપણી બહુ મોટી ભૂલ છે. તમોગુણી વ્યક્તિએ પહેલાં કર્મમાં-રજોગુણમાં પ્રતિષ્ઠિત થવું પડશે. એટલે જ સ્વામીજીએ કહ્યું છે : ‘ભિખારીના ત્યાગમાં મહાનતા નથી. જેની પાસે કશું છે જ નહીં તે શું ત્યાગ કરવાનો?’ પહેલાં પ્રાપ્ત તો કરો. પછી ભલે તે ભોગવિલાસનાં સાધનો જ કેમ ના હોય? એકવાર તે મળી જશે એટલે એની નિરર્થકતા સમજાઈ જશે. સત્ત્વગુણમાં પ્રતિષ્ઠિત થઈ શકાશે. આમ, સ્વામીજીએ જીવન વ્યવહારમાં વેદાંતના જ્ઞાનને વહેતું ર્ક્યું ને સર્વસામાન્ય અને દરેક માટે પાલન કરી શકાય એવું બનાવ્યું. તો આપણે સૌ એ મહાન વેદાંતના જ્ઞાનને આપણા રોજીંદા જીવનમાં અપનાવીને આગળ વધીએ.

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.