સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

લંડનમાં મારા પહેલા પ્રવચન વિશે કંઈ કહ્યા વિના સ્વામીજીએ આમંત્રણપત્ર છાપી નાખ્યો અને જાહેરાત પણ કરી દીધી. વાત જાણ્યા પછી મેં સ્વામીજીને કહ્યું, ‘હું કેવી રીતે પ્રવચન આપીશ ? શું કહેવું, શું બોલવું એ તો હું કંઈ જાણતો નથી !’ આખો દિવસ માથાપચ્ચીસીમાં ગયો. સ્વામીજીની તો એક જ વાત હતી, જાહેરાત થઈ ગઈ છે અને તારે બોલવું જ પડશે. પછી મેં સ્વામીજીને કહ્યું, ‘તો પછી કેવી રીતે આરંભ કરવો અને કેવી રીતે પૂર્ણ કરવું એ જરા શીખવી દો.’ થયું એમ જ. પ્રવચન કરવા ઊભા થતાંવંેત નખશીખ એક વિદ્યુત પ્રવાહ જાણે કે વહેતો થયો. લોકો શું કહેશે એનો પણ મનમાં ભય ઊભો થયો. એ ભયને દબાવીને પ્રવચન તો આપી દીધું. જોઉં છું તો સ્વામીજી વક્તવ્ય સાંભળીને માથું હલાવી રહ્યા છે. સ્વામીજીને આવી રીતે માથું હલાવતા જોઈને હું તો ડરી ગયો. મને લાગ્યું કે કંઈક ભૂલ થાય છે. મારું પ્રવચન પૂરું થયા પછી સ્વામીજીએ ખૂબ પ્રસન્ન થઈને પ્રશંસા કરી અને આનંદમગ્ન બનીને કહ્યું, ‘આ જ છે વેદાંતચર્ચાનું ફળ, સમજ્યોને ?’ અને પછી મને કહ્યું, ‘You have a resonant voice which has Carrying Power too – તારા મધુર કંઠમાં શ્રોતાઓને આકર્ષવાની શક્તિ પણ છે.’ પછી મેં કહ્યું, ‘હું જ્યારે પ્રવચન આપતો હતો ત્યારે આપ શા માટે માથું હલાવતા હતા?’ સ્વામીજીએ ઉત્તરમાં કહ્યું, ‘ખૂબ આનંદ આવતો હતો એટલે.’ મારા વક્તવ્ય પછી સ્વામીજીએ એ સભામાં કહ્યું, ‘Even if I perish out of this plane, my message will be sounded through these dear lips and the world will hear it. – જો હું આ દુનિયામાંથી ચાલ્યો જાઉં તો મારા આ ગુરુભાઈના કંઠથી મારી વાણી પ્રચારિત થશે અને જગત તેને સાંભળશે.’

હવે ઈંગ્લેન્ડથી ન્યૂયોર્ક જવું પડ્યું. સ્ટર્ડીએ કહ્યું, ‘હું તમારી ટિકિટ લઈ દઈશ.’ મેં કહ્યું, ‘ના, તમારા પૈસા મારે કેમ લેવા ? હું ગમે તેમ કરીને પૈસા મેળવી લઈશ.’ ત્યારે સ્ટર્ડીએ કહ્યું, ‘આ મારા પૈસા નથી, આ તો સ્વામીજીના પૈસા છે. તેમણે અમને આ રકમ આપીને કહ્યું હતું, ‘‘જો અભેદાનંદ ક્યાંય જવા ઇચ્છે તો એમને આપજો અને તમે પણ લેજો’’. એટલે મેં કહ્યું, ‘જરૂર એમ જ કરીશ, સ્વામીજીના પૈસા આનંદથી લઈશ.’ ત્યાર પછી એ પૈસાથી ટિકિટ લઈને હું ન્યૂયોર્ક ચાલ્યો ગયો.

એકાએક લંડનથી અમેરિકા આવવાથી નવા અને અજાણ્યા વાતાવરણમાં આવીને ઘણી અસુવિધા ભોગવવી પડી. એકાએક કોઈ સાથી-સંગાથી નહીં, એવી સ્થિતિમાં આવી પડ્યો. સ્વામીજી તો ત્યારે ભારતમાં હતા. એક દિવસ સ્વામીજીને એક લાંબોલચ પત્ર લખ્યો. પત્રનો મર્મ એ હતો – એમના જે સુપરિચિત મિત્રો હોય તેમને મને મદદ કરવા પત્ર લખજો. સ્વામીજીએ તેના પ્રત્યુત્તરમાં લખ્યું, “You must stand on your own feet and struggle – તમારે પોતાના પગ પર ઊભા રહીને મથવું પડશે.’ પહેલાં તો વ્યથિત થયો, પછી મને સમજાયું કે સ્વામીજી શું ઇચ્છે છે. શ્રીઠાકુરની અપાર કરુણા અને સ્વામીજીનાં અત્યંત પ્રેમભાવ અને વિશ્વાસ માનવને સબળ બનાવી દે છે. મેં પોતાના પગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો. એમના આશીર્વાદ ફળ્યા અને કાર્ય થયું.

બીજીવાર પશ્ચિમની મુલાકાત દરમિયાન સ્વામીજી જ્યારે ન્યૂયોર્ક આવ્યા ત્યારે મારું કામ જોઈને ખૂબ રાજી થયા. મેં કહ્યું, ‘તમે હવે તમારા કોઈ શિષ્યને આ ભાર સોંપો.’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, તમે જ રહો.’ એ દિવસે સાંજે રસ્તા તરફ નજર નાખી અને ઘણા માણસોને જોઈને સ્વામીજીએ એકાએક કહ્યું, ‘આ બધા લોકો જે જઈ રહ્યા છે તે જાણે કે ઇન્દ્રિયો. આત્મા જુએ છે, સાક્ષીચેતા બનીને, નિર્ગુણ રહીને.’ રસ્તો જોઈને મારામાં પણ આત્માનો એ ભાવ આવે છે.

એ સમયે અમેરિકામાં રોબર્ટ ઈંગરસોલ નામના વિખ્યાત વક્તા હતા. તે ઘણા યુક્તિવાદી-તર્કવાદી હતા. તેઓ ધર્મનું કોઈ ઓર્થાેડોક્સ-રૂઢિચુસ્ત સ્વરૂપ પસંદ ન કરતા. બધા લોકો એમને નાસ્તિક ગણતા. પરંતુ એ એવા ન હતા. સ્વામીજી સાથે એમની મુલાકાત થઈ હતી. એમણે સ્વામીજીને કહ્યું હતું, ‘પહેલેથી જ જો આવા કુસંસ્કાર સામે લડતો ન હોત તો “You would have been stoned in the streets of New York – ન્યૂયોર્કની ગલીઓમાં લોકોએ તમારા તરફ પથ્થરા ફેંક્યા હોત.’

શિકાગોમાં સ્વામીજીને એકવાર એક ગૃહસ્થે પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. કઈ શેરીમાં ઊતરવું અને ક્યાંથી કેવી રીતે આવવું, તે બધું એમણે બતાવી દીધું હતું. પછી ત્યાં જવા માટે સ્વામીજી ટ્રામમાં નીકળ્યા. કંડક્ટરને કહ્યું, ‘મને ફલાણી શેરી પાસે ઉતારી દેજો.’ કંડક્ટરે કહ્યું, ‘સારું.’ એ પછી સ્વામીજીને થોડું ધ્યાન કરવાની ઇચ્છા થઈ અને તેઓ ધ્યાનમાં લીન થઈ ગયા. સમય થતાં કંડક્ટરે કહ્યું, ‘એ શેરી હવે આવે છે.’ પણ સ્વામીજી તો કંઈ બોલ્યા નહીં. કેટલીયેવાર કંડક્ટરે એમને બોલાવ્યા, પણ સાંભળે કોણ ? એ વખતે તેઓ ધ્યાનમાં લીન હતા. જ્યારે ટ્રામ મુખ્ય ડેપોમાં પ્રવેશવા લાગી ત્યારે એમનું ધ્યાન તૂટ્યું. ત્યારે એમણે કંડક્ટરને પૂછ્યું, ‘ભાઈ, મને એ શેરીએ ઉતારી ન દીધો ?’ કંડક્ટરે કહ્યું, ‘ઠવફિં, ૂયયિ ુજ્ઞી મયિફળશક્ષલ ? – શું તમે સ્વપ્નની દુનિયામાં હતા ? મેં તો તમને કેટલીયે વાર બોલાવ્યા હતા. બીજું તો કરું શું ?’ ત્યાર પછી સ્વામીજીએ તેને કહ્યું, ‘હવે હું એ શેરીમાં કેવી રીતે જાઉં ?’ તેણે કહ્યું , ‘ડેપોમાંથી એ તરફ બીજી ટ્રામ જાય છે. એમાં બેસી જાઓ.’

સ્વામીજી દેશનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હતા. એટલે તેઓએ બીજીવાર ન્યૂયોર્કમાં જઈને મને કહ્યું, ‘મને જો જેલમાં પૂરી દે તો દેશ એની મેળે ઊભો થઈ જશે.’ એટલે સ્વામીજી જેલમાં જવા પણ તૈયાર હતા. પરંતુ સ્વામીજીને નાની નાની બાબતોમાં માથું મારવાની ટેવ ન હતી. અંગ્રેજો ભારતીયોને તો માણસ જ ગણતા ન હતા. જો એમ ન હોત તો તેમણે ભારતીયો ઉપર આટલા અત્યાચાર ર્ક્યા હોત ? તેઓ કહેતા કે કાળા આદમી વળી તે પાછા માણસ ! એમના દેશમાં જઈએ તો તેઓ ભારતીયોને તિરસ્કારતા અને સાથે બેસતા પણ નહીં. હોટલમાં સુધ્ધાં પણ આવું જ વર્તન. હવે એ બધું ઘણું ઓછું થઈ ગયું છે. સ્વામીજીએ એ દેશમાં જઈને એમનાં વલણમાં પરિવર્તન લાવી દીધું.

રામદત્તના ઘરે એકવાર શ્રીઠાકુર આવ્યા હતા. સ્વામીજી આવ્યા ન હતા. રામબાબુએ કહ્યું, ‘બિલે-નરેનનું બહુ માથું ચડ્યું છે.’ છતાં શ્રીઠાકુરે શશી, નિરંજન, મને અને સંભવત : મનમોહનબાબુને બોલાવવા મોકલ્યા. રામબાબુના ઘરથી નરેનનું ઘર કંઈ દૂર ન હતું. જઈને જોયું તો ઘરમાં અંધારું અને નરેન માથે પંચિયું બાંધીને સૂતો હતો. માથામાં શૂળ ભોંકાતા હોય એવું દર્દ. તેમણે કહ્યું, ‘હું નહીં આવું.’ અંતે ગમે તેમ કરીને નરેનને શ્રીઠાકુર પાસે લઈ ગયા. શ્રીઠાકુરે ત્યારે તેના માથા પર હાથ મૂકીને કહ્યું, ‘અરે, તને શું થયું છે ?’ નવાઈની વાત તો એ હતી કે સ્વામીજીના માથાની પીડા ક્યાં ગાયબ થઈ ગઈ એ કોઈને ખબર ન પડી. એમણે ત્રણ કલાક સુધી ભજન-ગીત ગાયાં. શ્રીઠાકુરની પાસે healing power દર્દને દૂર કરવાની શક્તિ હતી. શ્રીઠાકુર સ્વામીજીનો માનઆદર કરતા. ક્યારેય તેઓ એમને પીવાનું પાણી આપવાનું પણ ન કહેતા. જંગલ જતી વખતે જંગલ જવાનો લોટો પણ ન આપતા.

સ્વામીજી પોતાના કોલેજના સહપાઠીઓને સાથે લઈને દક્ષિણેશ્વર જતા. સ્વામીજીએ શ્રીઠાકુરને એક દિવસ કહ્યું, ‘આપ અમારા સહપાઠીઓને કેમ મળતા નથી ?’ શ્રીઠાકુરે જવાબ આપ્યો, ‘એમનું કંઈ થઈ શકે તેમ નથી એમ હું મારી નજરે જોઉં છું. પછી હું શું કરું ?’

રાજા મહારાજ સાકાર ઈશ્વરના પક્ષપાતી હતા. તેઓ તો સાકારવાદીના આદર્શરૂપ હતા અને સ્વામીજી તો સાકાર અને નિરાકાર બન્ને અને વળી પાછા એનાથી પર પણ ખરા. હું તો હતો નિરાકારી. શ્રીઠાકુર તો હતા બધા ભાવના મૂર્તિમંત સ્વરૂપ. તેઓ સાકાર, નિરાકાર; દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને બધાં નામરૂપથી પર પણ ખરા. તેઓ કોણ હતા તે તેઓ પોતે જ જાણતા. સ્વામી વિવેકાંનદ કે અમે, અમારા બીજા બંધુઓ જે કંઈ કરી રહ્યા છીએ કે કર્યું છે એ બધી શ્રીઠાકુરની જ શક્તિ છે. અશરીરી રહીને પણ એમનો ભાવ અમારામાં રમમાણ થઈ રહ્યો છે.

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.