ડૉ. વી.એચ. યાજ્ઞિકને શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે સારો સંબંધ હતો. તેમને તત્કાલીન રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પન્નાલાલ ઘોષના આતિથ્ય માટે જામનગર, દ્વારકા વગેરે સ્થળની જવાબદારી સોંપી હતી. એ વખતનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. – સં.

ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે મારા જીવનમાં ત્રણચાર પ્રસંગો ઘટ્યા છે. છેલ્લાં બારતેર વર્ષથી હું વડોદરામાં સ્થાયી થયો છું. એ પહેલાં આશરે ૬૦ વર્ષ સુધી ૪, જાગનાથ પ્લોટ, રાજકોટમાં અમારો વસવાટ. શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે નિકટનો ઘનિષ્ઠ નાતો. આઝાદી પછી દરવર્ષે ૧,૨ અને ૩ જી મે ના દિવસે આ આશ્રમમાં ભવ્ય કાર્યક્રમો યોજાય. દિવસે પ્રવચનો અને રાત્રે સંગીતનો કાર્યક્રમ હોય. રાત્રીના સંગીતના બીજા કલાકારો બદલાતા રહે પણ બાંસુરી પર શ્રી પન્નાલાલ ઘોષ, સિતાર પર શ્રી નિખિલ બેનરજી અને સાથે તબલાંની સંગત હોય શ્રી નિખિલજ્યોતિ ઘોષની. આ ત્રિપુટી દરરોજ અને દર વર્ષે હૃદયના પ્રેમથી સંગીતની લહાણી કરતી.

હવે વાત આવે છે, ૫ મે, ૧૯૫૭ની. એ વખતે હું જામનગરની મેડિકલ કોલેજમાં ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતો હતો. દર વર્ષની જેમ રાજકોટમાં કાર્યક્રમ આપીને આ ત્રિપુટીએ ૪ મે ના રોજ રાત્રે જામનગરની નેશનલ હાઈસ્કૂલના પટાંગણમાં કાર્યક્રમ આપ્યો. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજને હું પહેલેથી જ પ્રિય. આ ત્રણેય કલાકારોને ઊતરવા-રહેવા અને સાચવવાની એમણે મને સૂચના આપી.

કાર્યક્રમના બીજે દિવસે શ્રી પન્નાલાલ ઘોષને દ્વારકામાં દ્વારકાધીશનાં દર્શન કરવા જવાની ઇચ્છા થઈ. તેમને વળાવવા અને ટ્રેનમાં બેસાડવા હું જામનગર સ્ટેશને ગયો. ટ્રેન ઘણી મોડી હતી. એટલે થોડી ગપસપ કરવાનો મોકો મળી ગયો.

અમે તો ભાઈ નાગર, નરસિંહ મહેતાના વંશજો. નાગરોને શાસ્ત્રીય સંગીત પ્રત્યે ઘણી રુચિ હોય છે એવી મોટી મોટી વાતો કરવા લાગ્યો. નરસિંહ મહેતા શાસ્ત્રીય સંગીતના જાણકાર હશે એટલે એમણે પોતાનાં ઘણાં ભજનો-પદો શાસ્ત્રીય રાગો પર આધારિત હોય એમ રચ્યાં છે. પન્નાલાલ ઘોષને તો ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ એ પદ નરસિંહ મહેતાએ રચેલું એની ખબર હતી. શાસ્ત્રીય સંગીતના જ્ઞાન વિશે મારી વાત સાંભળીને તેમણે વધુ સાંભળવાનો રસ દાખવ્યો. મેં તેમને નરસિંહ મહેતાના જીવનમાં બનેલ રાસલીલા, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હૂંડી, હારમાળા વગેરેની વાતો માંડીને કહી.

મેં વિશેષમાં કહ્યું કે તમે દ્વારકા જાઓ છો તો ત્યાં ભદ્રકાળી માતાના મંદિરને ઓટલે જજો. ત્યાંના કોઈ ગુગળી બ્રાહ્મણને કહેશો તો તે બતાવશે. એ ઓટલા ઉપર ઊભા રહીને ભગવાન શ્રી કૃષ્ણે શેઠ શામળશાનું રૂપ લઈને ૭૦૦ કોરીની હૂંડીની રકમ રોકડી ચૂકવી હતી. સાથે ને સાથે ગોમતી ઘાટ પર દામોદર રાય અને નરસિંહ મહેતાની મૂર્તિનાં દર્શન કરવાનું મેં કહ્યું.

પછી મેં નરસિંહ મહેતાના એક પ્રસંગની વાત માંડીને કહી : ‘ભગવાન શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાને એવું વરદાન આપેલું કે તેને મુશ્કેલી પડે ત્યારે કેદાર રાગ ગાય અને એ સાંભળીને પોતે ભક્તની ભીડ ભાંગવા આવી પહોંચશે. મહેતાજીએ ધરણીધર શેઠ પાસે કેદારનો રાગ ગીરવે મૂકીને તેની પાસેથી થોડી રકમ ઉછીની લીધી. એવામાં કેટલાક હિતશત્રુઓએ જુનાગઢના રાજા રાં માંડલિકના કાન ભંભેર્યા અને કેટલાક જૂઠા આરોપો પણ લગાવ્યા. રાજાએ મહેતાજીને દરબારમાં બોલાવ્યા અને ચમત્કારનો પરચો બતાવવા કહ્યું. એ ન થતાં એમને કેદમાં પૂરી દીધા. સવાર સુધીમાં જો ભગવાન પોતે મહેતાજીના ગળામાં હાર ન પહેરાવે તો મારી નાખવાની ધમકી પણ આપી. જો કેદારો ગાય તો આફત ટળે પણ કેદારો તો ગીરવે મૂક્યો હતો ! કેમ ગાય ? એ તો મંદિરમાં ભજન-કીર્તન કરવા લાગ્યા. ભક્તની લાજ જાય તો ભગવાનનીય લાજ જાય. નરસિંહની વિકટ પરિસ્થિતિ જોઈને અરધી રાતે ભગવાને શેઠનું રૂપ લીધું. વ્યાજ સાથે બધી રકમ ધરણીધર શેઠને ચૂકવી કેદારો છોડાવ્યો. ધરણીધર શેઠે અડધી રાતે કારાવાસમાં આવી મહેતાજીને કેદારો પાછો આપ્યો, નરસિંહ મહેતાએ કેદાર રાગ ગાયો અને દામોદરરાય મંદિરના દરવાજા આપોઆપ ખૂલ્યા. બધાંના આશ્ચર્ય વચ્ચે મૂર્તિનો હાર ઊડતો ઊડતો મહેતાજીના ગળામાં આવ્યો અને નરસિંહ મહેતા કેદમાંથી છૂટ્યા. મારી વાત સાંભળીને પન્નાલાલ ઘોષની આંખમાંથી ડબડબ આંસુ વહેવાં માંડ્યાં.

ત્રીજે દિવસે પન્નાલાલ ઘોષ દ્વારકાથી પાછા ફર્યા, મને મળીને ભેટી પડ્યા, કંઈ બોલી ન શક્યા, ગળે ડૂમો આવી ગયો. થોડીવાર પછી મને કહ્યું, ‘તમે કહેલી બધી જગ્યાએ દર્શન કર્યાં અને દર્શન પછી મંદિરના ગર્ભદ્વારમાં મૂર્તિ સામે બેસી પૂરા દોઢ કલાક સુધી વાંસળી પર કેદાર રાગ વગાડ્યો. પણ ભાઈ એકવાત કહું, ‘મેં ઘણા કાર્યક્રમો આપ્યા છે, ઘણીવાર કેદાર રાગ વગાડ્યો છે પણ આટલી સુંદર મજાની રીતે મેં ક્યારેય કેદાર રાગ પર વાંસળી વગાડી નથી. એવી તો અદ્‌ભુત મીઠાશ હતી એ વખતે વગાડેલા કેદાર રાગમાં! હું તો જાણે કે વાંસળીને ફૂંક મારતો, આંગળીઓ આમતેમ હલાવતો પણ સૂર તો કંઈક બીજું અદ્‌ભુત સંગીત રેલાવે ! મેં ખરેખર વાંસળી પર આ રાગ મનહૃદય લગાડીને ગાયો. તે મારી જિંદગીનું એક અનોખું સંભારણું બની ગયું. મને લાગે છે કે હવે પછી ક્યારેય આવી રીતે નહીં વગાડી શકું.

હવે હું કોલકાતા જઈશ, ત્યાં કાલીમંદિરને ઓટલે કે બેલુર મઠની પાળીએ કે હુબલીને કિનારે જ્યારે જ્યારે આ કેદાર રાગ વાંસળી પર વગાડીશ ત્યારે સૌ પ્રથમ દ્વારકાધીશની મૂર્તિનું સ્મરણ કરીને, નરસિંહ મહેતાને યાદ કરીને વંદન કરીને પછી એ રાગ છેડીશ.

વિદાય લેતા લેતા શ્રી પન્નાલાલ ઘોષ પાછા ફર્યા. મરમાળું અને થોડું તોફાની સ્મિત કરીને મને કહ્યું, ‘નરસિંહ મહેતા ભક્ત અને ભજનો લખતા ખરા, સુંદર રીતે ગાતા પણ હશે, પણ મૂળે તો એ ગુજરાતી !’ એમની વાત હું સમજ્યો નહીં એટલે મને કહ્યું, ‘નરસિંહ જેવા કેટલાય ભક્તો આપણા ભારત દેશમાં થઈ ગયા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુજી, મીરાંબાઈ, કબીર, નાનક, મહારાષ્ટ્રના સુખ્યાત સંતો એ બધાં પ્રભુના ભક્તો, સેવકો. ભજનો લખે અને ગાય. પણ કોઈએ ભગવાનને હૂંડી સાથે સાક્ષાત હાજર કર્યા હોય એવું પ્રમાણ મળતું નથી. હૂંડી શબ્દનો ઉપયોગ તો બેંકિંગ વિશે જાણે એ કરી શકે અને ગુજરાતી સિવાય બીજું કોણ કરી શકે ?’

નરસિંહ મહેતાએ શ્રી પન્નાલાલ ઘોષ જેવા મહાન સંગીતકારના જીવનમાં કેવી હલચલ મચાવી દીધી ? એમનો કેટલો મોટો પ્રભાવ ! શ્રી પન્નાલાલજીએ આત્મકથા લખી નથી, જો લખી હોત તો નરસિંહ મહેતા વિશે કદાચ એકાદ પ્રકરણ હોત ખરું !

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.