સંન્યાસીનું ગીત : એક મનન

માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.

સ્વામી વિવેકાનંદ આપણા માટે ઘણાં વિલક્ષણ કાવ્યો મૂકી ગયા છે. આમાંનું એક ‘સંન્યાસીનું ગીત’, અંગ્રેજી કાવ્ય રસિકોના મને તેમનું ઉત્તમ કાવ્ય છે. કાવ્ય રચનાની દૃષ્ટિએ તો આમ છે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આ કાવ્ય સર્વોચ્ચ દરજ્જો ધરાવે છે. ૧૯૬૧માં સહસ્રદ્વીપોદ્યાન માંહેની વિવેકાનંદ કુટીરમાં તેની મુખ્ય પ્રત અને તેની શોધ વિશેની વિલક્ષણ વાત સાંભળીને મેં ઘણો આનંદનો અનુભવ કર્યો. મીશીગનમાં ગંગા કિનારે આવેલા મઠમાં ૭૦-૮૦ના દાયકામાં મંગલ આરતી પછી દરરોજ સવારે અમે આ કાવ્યનો પાઠ કરતા. ત્યારથી આજ સુધી મેં તેને નિયમ બનાવ્યો છે, તેથી મને સ્વામીજીનાં પ્રેરણાત્મક અર્થઘટનો સમજવાની મને પૂરતી તકો મળી છે. તેમાંના કેટલાક વિચારો અહીં પ્રસ્તુત છે.

જગાવો એ મંત્ર ! પ્રકટિત થયો જે બસ સ્વયમ્,

યુગો પ્હેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;

શકે ના જ્યાં પ્હોંચી જરી મલિનતા આધરતીની;

જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત્, આનંદ ભરતી :

અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે :

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૧

કેવું ગીત ? મુક્ત અને પ્રત્યેક સંન્યાસીનું ગીત યુગો પહેલાં ? હા, હિમાલયનાં શિખરો પર, તેનાં ગાઢાં વન મહીં અને ગિરિગહ્વર જન્મ લેનારું. શકે ના જ્યાં પહોંચી – કેમ ? એ ગાઢાં વનમાં દુનિયાદારી મૂરજાઈ જાય છે, અસ્તિત્વ ટકાવી શકતી નથી. દુન્યવી ભાવો ‘બીજા જ ભાવો બની રહે છે, અનેકવિધતા, કોલાહોલ, લોભી અને સ્થૂળ અજ્ઞાનના સઘળાં સહઅસ્તિત્વ, ત્યાં ‘શકે ના જ્યાં પહોંચી જરી.’

‘પ્રવાહો’ – પુરાતન સંન્યાસીઓ તેને આવાં ઘણાં વનોમાંથી ખળખળ વહેતા, ખીપોમાંથી પસાર થતા આવા ઘણા પ્રવાહોનો ભેટો થાય છે અને તેમના દ્વારા તેઓ તાજા તરોતર થઈ જાય છે. વેદોએ સ્વયં પોતાનું જ્ઞાન પ્રકાશ્યું છે. તેવા ઋષિઓ અને દૃષ્ટાઓની ભેટ કરતા આવા સન્યાસીઓ ભાગ્યવંતા છે. તેમના હોદ્દામાંથી વહેતા જ્ઞાનપ્રવાહો સાધકો અને પરિવ્રાજકોને મળેલા પુરસ્કાર છે.

સત્, ચિત્, આનંદ – ઋષિઓ અવર્ણનીયનો સંકેત આ ત્રિપદથી આપે છે. પરંતુ ‘આનંદ’ હંમેશા છેલ્લે હોય છે, જ્યારે સત્ અને જ્ઞાનનો પ્રવાહ વહે છે અને સાગરને આવી મળે છે ત્યારે આનંદ સ્વગત નહીં પરંતુ મુક્ત કંઠે ‘બસ એ રહે ઉચ્ચરી’, ‘ઓમ તત્ સત્ ઓમ્.’ એ જ સત્ય છે.

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,

ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;

ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;

ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.

સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.

તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે :

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૨

સંન્યાસીને વળી શું બંધન હોય ? ભૂતકાળનાં સ્મરણો, લાંબા સમય સુધી સેવેલો કુટુંબ પ્રેમ, અધિકારપૂર્વક અવરોધ બની રહેતા સુહૃદો, પ્રકૃતિ અને તેની દરેક રચનાઓનું સૌંદર્ય, સત્ત્વની ધાર્મિક અને હૃદયગ્રાહી સ્વાભાવિકતા…. ગમે તેટલા ઉત્તમ હોય છતાં પણ ગુણો દ્વંદ્વગ્રસ્ત છે. સોનાની હોય કે લોખંડની, સાંકળ બંધનકારક છે. એકવાર સંઘનિષ્ઠા સુદ્ધાંને તેમણે દૃઢ નિર્બળતા કહી છે.

તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,

તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.

તજી દે તૃષ્ણા જીવનતણી મહા ધૂમવત જે

તને મૃત્યુ ને જીવનની ઘટમાળે નિરવધિ.

જગત્ જીતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.

લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી ! ગજવી :

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૩

ફરી ગુણો વિશે. પહેલાં તમસ્ને અંધકારને તજી દે. પછી ઉપકારક હોવા છતાં, જેના પર આધાર રાખવો પડે છે તે રજસ્; આગિયાની માફક ઘડીભર પ્રકાશમાન પરંતુ અંતે મૃત્યુને ભેટતો, ક્યારેક આશાઓનો જનક અને અંતે તેમને ધૂળમાં મેળવતો, આમ તે, અંધકારને અંધકારથી ઢાંકી દે છે. આ બધું આપણામાં જીવન માટેની તૃષ્ણાઓ પેદા કરે છે જે દુ :ખદાયી હોય છે અને સ્વામીજી સૂક્ષ્મદૃષ્ટિથી આ પ્રચલિત શબ્દ-સમૂહ ઉમેરે છે – મૃત્યમાંથી જન્મ પ્રતિ – જ્યાં વાચક થંભી જાય છે. જ્યારે આપણે આપણી જાત વિશે કાર્યરત જઈએ. દુ :ખો અને દુન્યવી નિષ્ફળતાઓ પર કાબૂ મેળવવા અને જાતે જ સર્જેલી સમસ્યાનો હલ શોધવા પ્રવૃત્ત થઈએ ત્યારે રજસ્ આવી વ્યાકુળતાઓનો પ્રભાવ ક્ષીણ કરીને સત્ત્વ તરફ પ્રયાણ કરે છે. ફક્ત આટલું જ નહીં, એકવારનો પથિક આપણો આ સંન્યાસી આત્મ જ સર્વસ્વ છે. તેવા ઉચ્ચતમ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયાણ કરી ચૂક્યો છે. આ ચેતનાની ઉચ્ચત્તમ ભૂમિકાએ, યોગીભાવમાં મગ્ન આપણને સ્મરણ કરાવે છે કે એક પણ પગથિયું ચૂક્યા તો સમજી લો કે તે હિમપ્રપાતનો શરૂઆત છે. તેથી એકદમ સતર્ક રહો, ખબરદાર બનો. મનનું અધ :પતન ન થવા દો.

‘લણે તે જે વાવે, અફર,’ જન ક્હે : ‘કારણ સદા

ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.

બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી

રહી સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં.’

ખરું એ સૌ; કિન્તુ સહુથી પર આત્મા વિલસતો,

વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;

અને સંન્યાસી, તે તું જ પરમ, ર્હે ઘોષ ગજવી :

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૪

આ ચરણમાં સ્વામીજી આપણી થોડીક મજાક કરે છે. ‘સહુથી પર…’ એ શબ્દોએ પહોંચીએ ત્યારે આપણે કેવી નિરાંતનો અનુભવ કરીએ છીએ ! ત્યાંજ તેઓ પ્રથમ ક્ષતિ – ‘એ સૌ’ (કહે છે) – નિષ્ઠુર કર્મ અને તેના વિપાકની ભોગવણી પ્રતિ નિર્દેશ કરે છે અને આપણા મનને એવી ઉચ્ચ ભૂમિકાપર પહોંચાડી દે છે જ્યાં નિયમ, નામ અને પાપનાં છાંટણાઓનું અસ્તિત્વ નથી, ત્યાં માત્ર આત્મા જ વિલાસી રહ્યો છે.

પિતા, માતા, પત્ની, સુહૃદ, શિશુ, એવાં સ્વપનમાં

ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.

અલિંગી આત્મા તે, જનક ક્યમ? કોનો શિશુ વળી?

સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે ?

અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે, ઉચ્ચરી રહે :

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૫

શું ? મારા પિતા, માતા, શિશુ, મિત્ર – એ સઘળું એક સ્વપ્ન છે ? ‘પ્રિય મિત્ર !’ તે આપણને સંબોધે છે, યાદ આપે છે. આખું વિશ્વ એક વંડરલેન્ડની એલીસની જેવું એક સપનું છે. જેઓ આપણને ‘ચાહે’ છે તેવા સઘળાઓથી ઘેરાયેલરા હોઈ, આપણે આ હકીકતનો સામનો કરી શકતા નથી. છતાં પણ જ્યારે પડઘો પડી જશે ત્યારે આપણે આ જગત-નાટક વિશે જાણી જઈશું. સ્વામીજી આપણને તરત જ એ સત્ય- ‘આત્મા’ તરફ દોરી જાય છે. ‘જાતિરહિત’ – આ શબ્દમાં પણ કંઈક મુક્તિદાયીતા રહેલી છે, જેમ કે એક લેખક નોંધે છે કે આપણામાંના દરેકમાં કંઈક અંશે સંન્યાસીપણું અંત :સ્થ છે તેવી જ રીતે ‘જ્યોતિ રહિત’ એ શબ્દમાં પણ કંઈક મુક્તિદાયક તત્ત્વ સમાયેલું છે. અમારા સંઘના એક સંન્યાસી એ બાબત પ્રતિ ધ્યાન દોરે છે કે આત્માનો ‘તે’ તરીકે ઉલ્લેખ થાય છે – ‘તે’ જાતિરહિત ? ઓહ, આ દોષ માત્ર પુરુષપ્રધાન ભાષાનો છે.

વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,

અનામી જે, ને જે નિરમલ વિશુદ્ધ સ્વરૂપ જે;

વસે તેમાં માયા-જગત સહુ જેનું સ્વપન છે.

બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે :

તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે !

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૬

દરેક પદમાં સ્વામીજી સંન્યાસીને નીર્ભિક બની રહેવાનો પડકાર ફેંકે છે. આવા આપણા નીર્ભિક સંન્યાસીઓ આજે ક્યાં છે ? પાયાની ભૂમિકા રચનારા સાહસિકો – કલ્યાપાનંદ, અચલાનંદ, પ્રભાનંદ (કેતકી મહારાજ) જેવા પુરુષો ક્યાં છે કે જેઓ એ આ જગત મનોસ્વાનમા જન્મેલું જાણીને સાક્ષીભાવે રહેવા છતાં પ્રથમ રહોળનો મોરચો સંભાળીને આગેકુચ કરી હતી. એવા સેનાનાયકો શું આજે ક્યાંય નથી ?

કહીં શોધે મુક્તિ, સુહૃદ ! દઈ એ કોઈ ન શકે;

નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી

તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;

નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી

છુટી જાશે એ બંધન સજડ; ર્હે નાદ ગજવી :

‘ઓમ તત્ સત્ ઓમ્.’ – ૭

તેઓ આપણને સ્મરણ કરાવે છે કે સાચી મુક્તિ અનુભવાતીત છે જે આ ભૌતિક દુનિયા કે મરણોતર જગતમાં પ્રાપ્ત કરી શકાતી નથી. પોથીમાં ખૂંપેલા બૌદ્ધિકો ગણગણાટ કરે છે, ભક્તો બાહ્ય કૃપાની વ્યર્થ અપેક્ષા સાથે મંદિરોમાં જઈ દેવોને પ્રણામ કરે છે. ના, આવું નથી ! સ્વામીજી કહે છે, સજડ એ તેં જ ગ્રહ્યું છે. તેને છોડી દે તેવી ઇચ્છા, આકાંક્ષા અને સાથે જોડાયેલી મનોકામના છોડીને મુક્ત બન.

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.