(ગતાંકથી આગળ…)

ત્રણ સિદ્ધાંતો : પ્રકૃતિ માતા પાસેથી પાઠ

બીજા પ્રકારની કાર્ય નૈતિકતા આપણને માતા પ્રકૃતિ પાસે લઈ જાય છે. અહીં, શ્રીકૃષ્ણ ગીતામાં ‘યજ્ઞ’નો ખ્યાલ રજૂ કરે છે અને તેનો અર્થ અને વ્યાપ પણ પુન : વ્યાખ્યાયિત કરે છે. વૈદિક સાહિત્યમાં ‘યજ્ઞ’ એટલે આહુતિ માટેનો પવિત્ર યજ્ઞ, જેમાં દુન્યવી સુખધ્યેય મેળવવા દેવોને આહુતિ અપાય છે. શ્રીકૃષ્ણ આવા અનેક યજ્ઞોનો ઉલ્લેખ કરે છે : સમૃદ્ધિ-યજ્ઞ, તપ-ત્યાગ યજ્ઞ, યોગ-યજ્ઞ અને જ્ઞાન-યજ્ઞ. અંતે તે કહે છે કે જો બધાં જ કામ યજ્ઞભાવે અને સમાજહિત માટે ન કરાય, તો આપણે આપણાં જ કર્મોથી બંધનમાં આવી જઈશું. આમ, યજ્ઞનો અર્થ જે માણસ અને ઈશ્વર વચ્ચેના સંબંધમાં જ બંધાયેલ હતો, તેમાં હવે માત્ર સર્જકનો જ નહીં, પણ તેનાં નાનાં-મોટાં સર્જનનો પણ સમાવેશ કરાયો છે. આ જ વિચારનો અમલ કરતાં શ્રીકૃષ્ણ ભારપૂર્વક કહે છે કે જે માણસ બીજાને આપ્યા વગર એકલો જ ખાય છે, તો તે પાપ જ ખાય છે અને જે કોઈ બદલામાં કશું આપ્યા વગર જ ભેટનો આનંદ લે છે, તે ચોર છે. અહીં કહેવાનો અર્થ એ છે કે માનવ, પ્રાણીઓ અને વસ્તુઓનું સમગ્ર જગત એક એવી સંવાદિતામાં સુગ્રથિત છે કે કોઈ પણ માટે બીજા પર આધાર રાખ્યા વગર એકલું જીવવું અશક્ય બની જાય છે. આપણે પરસ્પર આદાનપ્રદાનની નીતિ અપનાવવાની છે.

આ સંદર્ભમાં, તે આપણને માતા પ્રકૃતિની નકલ કરવા કહે છે, જે પોતાનું કામ નિ :સ્વાર્થ રીતે, વણઅટક્યે અને કોઈ જ વળતરની અપેક્ષા રાખ્યા વગર કરે છે. પ્રકૃતિમાં એક વિરાટ, રહસ્યમય વૈશ્વિક યજ્ઞ વણઅટક્યો ચાલી રહ્યો છે. પૃથ્વી આરામ કર્યા વગર જ વર્ષના બધા જ દિવસો રાત-દિવસ સતત ઘૂમી રહી છે. પવન પણ સતત વહી રહ્યો છે અને ભવિષ્યમાં પણ વાયા જ કરશે. તે જ રીતે નદીમાં સતત તાજું પાણી વહ્યા કરે છે. છોડવાઓમાં ફળફૂલ ઊગ્યા કરે છે. કોઈ પણ વિશ્રામ વગર ગ્રહો અને તારાઓ ઝડપથી ઘૂમ્યા કરે છે. માતા પ્રકૃતિની આ સેવા વગર માનવજાત એક પળ પણ ટકી શકે તેમ નથી.

બીજું ધ્યાનાકર્ષક તત્ત્વ એ છે કે પ્રકૃતિ હંમેશાં બીજા માટે જ કામ કરે છે, પોતાના માટે ક્યારેય નથી કરતી. વૃક્ષો અને છોડવાઓ ફળફૂલ બીજા માટે જ પેદા કરે છે, પોતાના માટે નહીં. તે જ રીતે નદી પણ બીજા માટે જ વહે છે, વગેરે. બીજો મુદ્દો એ નોંધવા જેવો છે કે પ્રકૃતિ રોજ પોતાને નવપલ્લવિત કરે છે. તે ક્યારેય થાકતી નથી, જડ બનતી નથી કે વૃદ્ધ થતી નથી. સવારે ખીલતું ફૂલ કદાચ સાંજે કરમાઈ જાય છે, પણ તે જ છોડ બીજી સવારે ફરી નવું અને તાજું ફૂલ ખીલવે છે.

આપણે આપણા દૈનંદિન જીવનમાં આ નવપલ્લવિતતાનો સિદ્ધાંત કેવી રીતે અપનાવી શકીએ? તે માટે શ્રીકૃષ્ણ પ્રાર્થના અને સમર્પણનો સાદો અને સરળ સિદ્ધાંત સૂચવે છે. તે ખાતરી આપે છે કે જો આપણે તેની ભક્તિ કરીએ, તેને બધું જ અર્પણ કરીએ, તેને જ જીવનનું સર્વોચ્ચ ધ્યેય માનીએ, તો આપણા બધાં જ પ્રશ્નો, સમસ્યાઓ, તાણ, ચિંતાઓ પણ તેનામાં સમાઈ જશે. તે આપણી ચેતનાને નવી ઊર્જા અને તાકાતથી ભરી દેશે.

ટૂંકમાં, આપણે પ્રકૃતિ માતા પાસેથી આ સિદ્ધાંતો શીખી શકીએ :

૫. આપણે અટકયા વગર કામ કરવાનું છે.

૬. આપણે સતત યજ્ઞભાવે અને સ્વાર્થી હેતુ વગર જ કામ કરવાનું છે.

૭. આજના સમાજની લાક્ષણિકતા છે તાણ અને ચંચળતા, છતાં આપણે આપણી જાતને દરરોજ નવપલ્લવિત કરતાં શીખવાનું છે.

બંધન અને મુક્તિના ત્રણ સિદ્ધાંતો

ત્રીજા અને અંતિમ તબક્કે શ્રીકૃષ્ણ જીવનના ધ્યેય તરીકે મુક્તિની વાત કહે છે. તે સ્પષ્ટ છે કે જગતનું ભલું કરવું એ તો માત્ર સાધન છે, તે ક્યારેય પણ જીવનનું ધ્યેય ન બની શકે. કારણ એ છે કે કોઈ પણ કર્મ પૂર્ણ નથી. જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલ હોય છે, તે જ રીતે બધાં જ કાર્યો મર્યાદાથી વ્યાપ્ત હોય છે. એવું કોઈ પણ કામ નથી કે જે પૂરું ઉત્તમ હોય કે પૂરું ખરાબ હોય. તે જ રીતે, પૂર્ણ જગતની કલ્પના કરવી એ જ ભૂલભરેલ છે. સ્વામી વિવેકાનંદ જગતની તુલના કૂતરાની પૂંછડી સાથે કરે છે. જેવી આપણે તેને સીધી કરીએ છીએ, તે તરત જ ફરી વાંકી થઈ જાય છે. વારંવાર પ્રયાસ કરવા છતાં કેવળ નિરાશા જ લાવે છે. અંતે ડહાપણ જાગે છે કે કૂતરાની પૂંછડી પ્રયત્ન કરવા છતાં પણ ક્યારેય સીધી નથી થવાની, કેવળ આપણે જ સીધા થઈએ છીએ. તે રીતે નિષ્કામ કર્મ કરી જગતને પૂર્ણ કરવાના પ્રયત્નમાં આપણે, અંતે જગતને નહીં, પણ આપણને જ પૂર્ણ કરીએ છીએ. એટલે જ સ્વામી વિવેકાનંદ આ જગતને નૈતિક વ્યાયામશાળા કહે છે, જેમાં આપણે પોતાને પૂર્ણ કરવા આવ્યા છીએ. વ્યાયામશાળામાં વજનિયાં કસરત માટે રાખવામાં આવેલ હોય છે. થોડાં વર્ષની કસરત પછી વ્યક્તિ પોતાનું શરીર અને સ્નાયુઓને મજબૂત કરે છે, પણ ત્યારે પણ વજનિયાં તો પહેલાં હતાં તેવાં જ રહે છે. તે જ રીતે, જગતમાં ખૂબ ઉત્તમ કામ કર્યા પછી આપણને એક દિવસ ખ્યાલ આવે છે કે જગત તો તેની મર્યાદાઓ સાથે જ ચાલુ રહેશે, પણ આપણે આધ્યાત્મિક રીતે વિકસ્યા છીએ.

આ જગતની તુલના હોસ્પિટલ સાથે પણ કરી શકાય, જ્યાં દર્દીઓને સાજા કરીને મુક્ત કરાય છે કે તરત જ નવા દર્દીઓ નવાં દર્દાે સાથે પથારીમાં ગોઠવાઈ જાય છે. અથવા તે ધોબીની દુકાન જેવું છે જ્યાં ગંદાં કપડાં ધોવાઈ, સાફ થઈ, પાછાં અપાય છે કે તરત જ બીજાં ગંદાં કપડાં આવવાં શરૂ થઈ જાય છે.

જ્યારે આપણે ધન, પદ, નામ, ખ્યાતિ કે કોઈ સાંસારિક હેતુ માટે કામ કરીએ છીએ, ત્યારે આપણને આપણી ઇચ્છા મુજબનું તો મળે છે, પણ તે આપણને જગત પ્રત્યે વધારેને વધારે બાંધે છે. જ્યારે આપણે જગત પાસેથી કશું જ નથી ઇચ્છતા અને નિષ્કામ કર્મ કરવાનું ચાલુ રાખીએ છીએ, તો આપણે આ બંધનથી મુક્ત થઈ શકીએ છીએ અને સ્વતંત્રતા તરફ ગતિ કરીએ છીએ. આ રહસ્ય સમજવા આપણને આ ત્રણ સિદ્ધાંતોની સ્પષ્ટ સમજ હોવી જોઈએ :

૮. આપણે જગતમાં રહેલાં અશુભ અને દુ :ખને દૂર કરવા કામ કરવાનું છે અને જગતમાં સુખ અને આનંદ વધારવાનાં છે.

૯. જ્યારે આપણે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જગતમાં તો શુભ-અશુભનું તથા સુખ-દુ :ખનું મિશ્રણ રહેશે જ.

૧૦. જગતને પૂર્ણ કરવાના આપણા પ્રયાસમાં અંતે તો આપણે પોતાને જ પૂર્ણ કરીશું અને તે જ તો માનવ જીવનનું ધ્યેય છે.

આ રીતે, શ્રી કૃષ્ણનો વ્યવહારુ ઉપદેશ માનવજાત, બધાં જીવો માટે ઈશ્વરની ભેટ છે એ રીતે જોવામાં આપણને સહાયક થાય છે અને એકબીજાની સેવા કરવા પ્રેરે છે. આ તથ્યનો સાક્ષાત્કાર પ્રબળ સામાજિક પ્રતિબદ્ધતા ઊભી કરવા માટે આપણા અસ્તિત્વના પાયામાં નૈતિકતા જ રહેલ છે તે માન્યતાને પુન : દૃઢ રીતે સ્વીકારવામાં, સર્જક અને તેના સર્જન પ્રત્યે સ્નેહ વધારવામાં અને આપણો પોતાનો વિકાસ સાધવામાં મદદ કરે છે. આ ઉપદેશ હજારો વર્ષોથી કસોટીએ ચડતો રહ્યો છે અને શ્રી કૃષ્ણનો આ વૈશ્વિક અને તાર્કિક ઉપદેશ હંમેશાં અનંત પ્રસ્તુત, અદ્‌ભુત વ્યવહારુ અને આધ્યાત્મિક લાભકર્તા સાબિત થયો છે.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.