(નવેમ્બરથી આગળ…)

અમેરિકન શિક્ષણમાં ફન્ડામેન્ટલ સમજવાની તથા સમજાવવાની ક્ષમતા કેળવવામાં આવે છે. ત્યાં યાદશક્તિ કે ગોખણપટ્ટીની પરીક્ષા લેવાતી નથી. અહીં શીખેલા સિદ્ધાંતો જિંદગીભર યાદ રહે છે, એ દૃષ્ટિએ અહીંનું શિક્ષણ સ્વયંપ્રેરિત છે. અહીં ઘેર પ્રશ્નપત્ર લઈ જઈ, સપ્તાહમાં ઉત્તરવહી તૈયાર કરી, પરત કરવાની હોય છે. આ પ્રમાણે ‘Take home exam’ તરીકે ઓળખાતી પરીક્ષા આપવાની હોય છે, તેમ અમારી સાથે કોલેજના વિભાગો બતાવનાર પ્રો.. ત્રિપર્ણાએ સમજાવ્યું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીમાં સ્વયં ઉત્સુકતા કેળવાય એ અહીંની પદ્ધતિનું મુખ્ય હાર્દ છે.

‘પેનસ્ટૅટ યુનિવર્સિટી’ના પ્રા.. ત્રિપર્ણાએ અમને ચાર પ્રવેશ કાર્ડ આપ્યાં અને જણાવ્યું કે આવતીકાલે દીક્ષાન્ત સમારંભ (કોન્વોકેશન – પદવીદાન સમારોહ) છે, તમે જરૂર આવજો. આ એક અનેરી તક હતી. વિદ્યાર્થીઓ અને મા-બાપને પોરસ ચઢે તેવો આ સમારોહ હતો. કોલેજની બધી શાખાઓનો શૈક્ષણિક સ્ટાફ; ડિગ્રી લેનારા વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ, તેમનાં માતા-પિતા તથા સગાંસંબંધીઓ મળી હજારોની સંખ્યાથી હાૅલ ભરચક થઈ ગયો હતો. પ્રવચનો વખતે ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય તેવી શાંતિ હતી. પદવી લેનારા વિદ્યાર્થીઓ, ટીચિંગ સ્ટાફ, મેનેજિંગ સ્ટાફ – આ બધાના નામની સાથે વિગતના ઉલ્લેખવાળું એક કાર્ડ બધાને આપવામાં આવ્યું. હેરિસ બર્ગની આ નામાંકિત યુનિવર્સિટીનો આ સમારોહ અમારા માટે યાદગાર બની ગયો. વિદ્યાર્થીઓને બિરદાવવા માટેનું કેવું અદ્‌ભુત પ્રોત્સાહનપર્વ ! અમેરિકામાં વિદ્યાર્થીજીવનનું આ એક ખૂબ જ મહત્ત્વનું ‘સેલેબ્રશન’ ગણાય છે. આ પર્વ બધા માટે દબદબાપૂર્વક અને ઉત્સાહપ્રેરક રીતે ઉજવાય છે. વિદ્યાર્થી કે.જી.થી ધો-૧૦-૧૧-૧૨નું શિક્ષણ પૂરું કરે ત્યારે તેમને બિરદાવવા આવા દીક્ષાન્ત સમારોહ આયોજિત કરાય છે. ધો-૧૨ ઉત્તમ ગ્રૅડમાં પાસ થનાર શિંગાળા આકાશ નામના વિદ્યાર્થીના ‘સાઉથ કરાૅલિ’ નામના રાજ્યમાં આવેલા કોલંબિયા શહેરમાં આયોજિત દીક્ષાન્ત સમારંભમાં જવાની તક મળી. એક અલભ્ય ગણાતો બીજો લાભ અમેરિકામાં મળ્યો. સમારંભ પૂરો થયો ત્યારે એક યુવાને મારી પાસે આવીને પૂછ્યું, ‘સર, તમે ? હું તમારી પાસે વીરાણી સ્કૂલમાં ૭મા ધોરણમાં ભણતો હતો. મારું નામ પૂજારા કીર્તિ. મારો ભત્રીજો બારમું પાસ થઈને બાયાકેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા ફિલાડેલ્ફિયા જાય છે.’ મેં કહ્યું, ‘હું અહીં મારી પુત્રી કાનનને ઘેર આવ્યો છું. તેનાં બહેનપણી હીનાબહેને તેના પુત્ર આકાશના સમારોહનું પ્રવેશકાર્ડ આપી, આકાશને પ્રોત્સાહિત કરવા આમંત્રણ આપ્યું છે’. ખરેખર! મારા માટે અમેરિકામાં આજનો દિવસ (તા. ૭-૬-૨૦૧૪) એક અદ્‌ભુત સંભારણાનો દિવસ બની ગયો. ૮ વર્ષના આર્નવ નામના એક વિદ્યાર્થીએ કરાટેનું પ્રથમ વર્ષ પૂરું કરી, યલો બેલ્ટમાં પ્રવેશ કર્યો તે પ્રસંગના એક દીક્ષાન્ત સમારોહમાં ઉપસ્થિત રહેવાની ત્રીજી તક પણ સાઉથ કરાૅલિ રાજ્યના કોલંબિયા શહેરમાં મળી. કરાટેના ૧૭ વિદ્યાર્થીઓના યલો બેલ્ટના પ્રારંભ પ્રસંગે આયોજિત દીક્ષાન્ત સમારંભમાં બાળારાજાઓને પોરસ માટેની તાલીઓ પાડવા અને આનંદના પોકારો દ્વારા અભિનંદન આપવા હાજર રહેવાની આ એક સુવર્ણ તક હતી. અમેરિકામાં કે.જી. થી માંડીને બારમા સુધી અને કોલેજની કોઈ પણ ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓને બિરદાવવા યોજાતા આવા બધા જ સમારંભો ‘ગ્રેજ્યુએશન ફંક્શન’ તરીકે ઓળખાય છે. અમેરિકામાં આવા સમારંભો વિદ્યાર્થી જીવનમાં કેટલું ઊંચું મહત્ત્વ ધરાવે છે, તે માટેનું એક જવલંત ઉદાહરણ ટાંકવાનો લોભ જતો કરી શકતો નથી : એક શિક્ષક (લેખક) અમદાવાદથી ઇઊ કરેલ પોતાના પુત્રને અમેરિકા કમ્પ્યૂટરનો માસ્ટર્સ કોર્સ કરવા સંઘર્ષપૂર્વક મોકલે છે. વિદ્યાર્થી (M.S. Comp) કોર્સ પૂરો કરી, પોતાની માતાને દીક્ષાન્ત સમારોહમાં ઉપસ્થિત રહેવા અમેરિકા બોલાવે છે. એ જ સમયે ભારતમાં તેમની દીકરીનાં લગ્ન હોય છે, માતા અમેરિકામાં યુનિવર્સિટીના હાલમાં દીકરાની માસ્ટર્સ ડિગ્રી સ્વીકારી રહ્યાં છે, પિતા (લેખક) પંદર જણા સાથે રાજકોટમાં દીકરીનાં લગ્ન સાદાઈથી ઊજવે છે. રસિકભાઈ ચેવડાવાળા મળે છે અને પૂછે છે : ‘દીકરીને પરણાવી દીધી, અમને કોઈને આમંત્રણ પણ ન આપ્યું?’ મેં ત્વરિત ઉત્તર આપ્યો, ‘તેની સગી માતાને પણ મેં આમંત્રણ આપ્યું નહોતું.’ દીકરીના લગ્ન કરતાં, દીકરાનું ‘પ્રોત્સાહન પર્વ’ મારી પત્નીને મન ખૂબ જ મહત્ત્વનું હતું. રસિકભાઈ મારી પત્નીના સગા મામા થાય. તેમણે ખૂબ જ હર્ષભેર ખુશાલીના અભિનંદન આપ્યા. આવાં દૃશ્યો નિહાળવાં એ અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે એક લહાવો છે.

આજે અમેરિકાનાં ઘણાં બધાં શહેરોમાં ભારત અને ભારતીયતામાં રસ ધરાવતા અમેરિકનોને સારું અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો ચાલે છે.

અહીં અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા આપણાં પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યો શિખવાડવાના પ્રયત્નો થાય છે. બન્ને દેશોને વધુ નજીક લાવવાની આ એક સાંસ્કૃતિક કવાયત છે. ભારતના સાંસ્કૃતિક વારસાને મઠ અને મિશન દ્વારા વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા બદલ અમેરિકામાં ચાલતાં કેન્દ્રો વંદનીય અને અભિનંદનીય છે.

એ જાણીને તમને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં નથી એટલાં જ્ઞાતિમંડળો અમેરિકામાં જોવા મળ્યાં. અમેરિકામાં ભારતીયોએ અનેક એસોસિયેશનો સ્થાપ્યાં છે. ગામે ગામનાં પણ જુદાં જુદાં એસોસિયેશન ! તેમની અમુક નબળી બાજુઓ પણ જોવા મળી. ન્યૂજર્સીમાં આયોજિત બે હરીફ જૂથોનાં અલગ અલગ બે સંમેલનો યોજાયાં; દોષદૃષ્ટિએ નહીં, પરંતુ વિચારજાગૃતિની દૃષ્ટિએ જોઈએ તો ટાઈમ-મની-એનર્જી કેટલાં બધાં વેડફાયાં ! ન્યૂજર્સીમાં ફરતા હોઈએ ત્યારે જાણે કે ગુજરાતમાં હોઈએ તેવું લાગે. ન્યૂજર્સીના ગુજરાતીઓ જ ગુજરાતીઓ હોય તે જાતનું વલણ પણ જોવા મળ્યું. અમેરિકામાં વસતા ભારતીયોમાં ૪૨% ગુજરાતીઓ છે. સંમેલનો દ્વારા લાખો ડાૅલર ખર્ચાય છે. અનેક મંદિરો બંધાવાય છે. તેને બદલે ભારતથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગ-હોસ્ટેલ્સ જેવી સુવિધા ઊભી કરાય તો કેટલું સારું ! બીજું, મધ્યમવર્ગીય ભારતીયો માટે ઓછા દરના એપાર્ટમેન્ટ પણ બાંધી શકાય. ન્યૂજર્સી, ન્યૂયાર્ક, કેલિફોર્નિયા જેવાં શહેરોમાં ગુજરાતીઓની વસ્તી ખૂબ જ હોવાથી ત્યાં ભારતથી આવતા પ્રવાસીઓ માટે ભારતમાં છે તેવા ગુજરાતી સમાજો બંધાય તો તેમાં તેઓ વાજબી દરે રોકાઈ શકે; અમેરિકામાં નોકરીની અસલામતી દેખાય છે, તે વિશે પણ વિચારાય તો તે કાર્ય પણ ખૂબ જ ઉપકારક બની રહે.

અમેરિકાની બીજી નબળી બાજુ, મારી દૃષ્ટિએ જુગારખાનાં (કસિનોઝ) છે. વિશ્વનું સૌથી મોટું જુગારખાનું કેલિફોર્નિયા અને નેવાડા સ્ટેટની સરહદે રણ વિસ્તારના પણ અતિ રમણીય શહેર ‘લાસ વેગાસ’માં છે. કેસિનો જોવા જવા બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા પણ હોય છે. બસમાંથી ઊતરીએ કે તરત ૧૫ થી ૨૦ લર જેટલું ફ્રી બોનસ પણ મળે. કેસિનોમાં આવવા આકર્ષણરૂપે બોનસ આપે! કેવું આશ્ચર્ય!

ભારતથી ભણવા આવેલા યુવાનો મૂળભૂત સ્વપ્નો સાકાર કરવા મંડી પડતા જોયા. એટલાન્ટાની જ્યોર્જિયા યુનિવર્સિટી જોવા ગયા ત્યારે ત્યાં રાજકોટ-અમદાવાદ-બરોડાના વિદ્યાર્થીઓ મળ્યા. તેમને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે IT નો માસ્ટર્સ કોર્સ કરવા અહીં આવ્યા છીએ. અમે અમારાં સ્વપ્નો સુધી પહોંચવાનું અમેરિકામાં કઠિન હોવાનું માનતા હતા તેના કરતાં તો ખૂબ જ સરળ છે. સફળતાની પ્રાપ્તિ કરવા પૂરી મહેનત સાથેની તેમની એકાગ્રતા જોઈને પક્ષીની આંખ વીંધતા અર્જુનની એકલક્ષિતા યાદ આવી. કીડી પોતાના કદ-વજન કરતાં અનેક ગણો મોટો ખોરાકનો કણ ઊંચકી જાય છે, પેલો કરોળિયો કલાકોની મથામણ કરીને જાળું રચે છે. પેલી મધમાખી ઊંઘ કે આરામ કર્યા વગર સતત મધ બનાવવામાં મગ્ન રહે છે. તે ત્રણેય અપ્રાપ્ય (દૂર લાગતું હોય) તેવા ધ્યેય સુધી પહોંચીને જંપે છે. સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું છે કે પહેલાં ધ્યેય નક્કી કરો. તો અશક્ય શબ્દમાંથી ‘અ’ કાઢી લેવાનું અઘરું નથી.

એટલાન્ટાની યુનિવર્સિટીના યુવાનોને મળી – સ્વામીજીને યાદ કરી-બાજુમાં આવેલી માર્ટિન લ્યૂથર કિંગની સમાધિનાં દર્શન કરવા ગયા. પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ ગાંંધીજીનું આરસમાંથી બનાવેલું ભવ્ય સ્ટેચ્યૂ જેાવા મળ્યું. વિશાળ સમાધિનાં દર્શન કરી બહાર નીકળ્યા, ત્યાંથી નજીકમાં આવેલો T.V.CNN નામનો અદ્‌ભુત સ્ટુડિયો જોવાની અનેરી તક મળી.

અમેરિકાની ત્રીજી મુલાકાત વખતે અમે ૨૪ નવેમ્બરે કોલંબિયામાં હતાં. આ દિવસ ‘થેન્કસ ગિવિંગ ડે’ તરીકે ઊજવાય છે. સમગ્ર અમેરિકામાં જાહેર રજા હોય છે. આ દિવસ જ એક એવો દિવસ હોય છે કે જે દિવસે માબાપ જે રાજ્યમાં, જ્યાં હોય ત્યાં જઈને દીકરા-દીકરીઓ, પોતાનાં બાળકોને લઈને સૌ સાથે મળીને ડિનર લે છે. નવેમ્બર મહિનાના ચોથા ગુરુ-શુક્ર-શનિ-રવિવાર એમ ચાર દિવસ કુટુંબ સાથે રહે છ, ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. જે રીતે ‘ઈદ’ને દિવસે મુસ્લિમો બકરીઓની કતલ કરી માંસ રાંધીને વહેંચે છે અને ખાય છે, તે રીતે અહીં ૨૪ નવેમ્બરે કરોડો ટર્કી (મરઘી પ્રકારનાં પક્ષી)ની કતલ થાય છે. ઘરે ઘરે માંસ રંધાય છે – દારૂ સાથે ખાઈને લોકો ભવ્ય મિજબાની માણે છે. રસ્તાઓનો ટ્રાફિક ઠપ્પ થઈ જાય છે. ન્યૂજર્સીના એક મિત્રે પૂછ્યું : ટર્કી જમ્યા? સવિનય ના પાડતાં મેં કહ્યું : ગજ્ઞ ળયફિં, ગજ્ઞ રશતવ. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, ‘તમે ગુજરાતીઓ ખાઓ છો શું?’ મેં આપણી વેજિટેરિયન વાનગીઓની વાત કરી. તેથી તેને નવાઈ લાગી. તે માને છે કે માંસ-મચ્છી વગરનું લંચ કે ડિનર હોઈ જ ન શકે. નિર્દાેષ ટર્કીની કતલમાં ધર્મનો કોઈ હેતુ હોતો નથી. માત્ર અભિનંદનનો જ હેતુ હોય છે!!

અમેરિકન પ્રજાનો રસ્તાઓ પ્રત્યેનો પ્રેમ અદ્‌ભુત છે. અહીંના લોકો માટે કાર મુક્તિનું વાહન બની ગઈ છે. ભારતમાંથી ઞ.જ માં ફરવા આવતા પ્રવાસીઓ અહીંના વિશાળ રસ્તાઓ અને ઝડપી વાહનવ્યવહાર જોઈને આશ્ચર્યથી દંગ બની જાય છે. અહીં કારનું સ્ટિયરિંગ જમણી તરફ નહીં, પણ ડાબી તરફ હોય છે; કારને રસ્તાની જમણી બાજુ દોડાવવામાં આવે છે. એટલે કે આપણા ભારત કરતાં વિરુધ્ધ દિશામાં! અમેરિકાના ધોરીમાર્ગાે ઉપર થોડા થોડા માઈલોના અંતરે રેસ્ટ-એરિયાની વ્યવસ્થા છે. રેસ્ટ એરિયામાં ચા-નાસ્તો-પેટ્રોલ-ટાઈલટ વગેરે સુવિધાઓ હોય છે. અમેરિકામાં ટાઈલટને ‘રેસ્ટરૂમ’ કહે છે. તેની સ્વચ્છતા અદ્‌ભુત હોય છે. હાઈ-વે પોલીસ તેનું રડાર અતિઝડપે જતી કાર ઉપર ફોકસ કરી, ઝડપ માપી, તેમને પકડી પાડે છે! તરત જ તેમને દંડ ચૂકવવાનું કાર્ડ અને તારીખ આપે છે – ૧૫૦/૨૦૦ લર દંડ થાય છે. અમેરિકામાં બીજી સૌથી અગત્યની સુવિધા અફલાતૂન રોડ મેપ્સ. ડાયરેકશન મેળવવા ઈન્ટરનેટ ઉપરથી માર્ગદર્શન આપતી વેબસાઈટ પર પહોંચી જાઓ એટલે તમારું કામ ખૂબ જ સરળ બની જાય છે. (ક્રમશ:)

Total Views: 183
By Published On: January 1, 2015Categories: S G Manseta0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram