હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર મુખ્યત્વે આર્યો, મુસ્લિમો અને અંગ્રેજ પ્રજાની અસર જોવામાં આવે છે.

અતિ પ્રાચીનકાળ

નાદ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો આપણી જ્ઞાનેન્દ્રિય હર પળે અનુભવ કરે છે. તે ક્યારેક સુખદાયક  તો ક્યારેક કષ્ટદાયક નીવડે છે. સંગીતનો વિષય નાદ સાથે સંબંધ ધરાવે છે. નાદ એટલે સર્વ પ્રકારના અવાજ.અવાજના બે પ્રકાર છે. એક તો નૈસર્ગિક અથવા કુદરતી.બીજો માનવસર્જિત વાદ્ય અથવા ગળા દ્વારા ઉત્પન્ન થતો અવાજ.

કુદરતી અવાજના બે પ્રકાર છે. વાદળની ગર્જના, સાગરનો ઘૂઘવાટ, પવનના સૂસવાટા; આ બધા કુદરતના રૌદ્ર અથવા તાંડવ સ્વરૂપને સ્પર્શ કરે છે, જ્યારે ઝરણાઓનો મંદ મંદ કલરવ, પક્ષીઓનો કિલકિલાટ એ બધા સૌમ્ય અથવા લાસ્ય પ્રકૃતિને રજૂ કરે છે. જુદાં જુદાં પશુ-પક્ષીઓના અવાજમાં કોઈ અવાજ મધુર હોય છે. કોઈ કર્કશ તો કોઈ ભીતિકારક હોય છે.

પશુ-પક્ષી પેઠે આનંદિત થવું, ગણગણવું, ઘૂરકવું, રડવું વગેરે સુખદુ:ખ નિર્દેશક અવાજો મનુષ્ય પણ નૈસર્ગિક રીતે કરે છે. અવાજની બાબતમાં પશુ-પક્ષી કરતાં માનવીએ વિકાસ સાધ્યો અને તે વાણીની બાબતમાં સ્વર અને વાણીના સમન્વયથી મનુષ્ય પોતાની ભાવના વ્યક્ત કરતાં શીખ્યો. બુદ્ધિના વિકાસ સાથે નાદશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર સાથે સંકળાયેલ સંગીતકળાએ વિકાસ કર્યો.

વૈદિક અને ઉપનિષદ્કાળ

ઋગ્વેદમાં સંગીત પ્રાથમિક અવસ્થામાં હતું. તેમાં ત્રણ સ્વરોનો ઉપયોગ થતો. 1. ઉદાત્ત (ઉચ્ચ સ્વરો) 2. અનુદાત્ત (નીચા સ્વરો) 3. સ્વરિત (મધ્યમ સ્વરો)આગળ જતાં ઉદાત્તને હાલના ગ, નિ; અનુદાત્તને રે, ધ અને સ્વરિતને સા, મ, પ, સાથે સરખાવ્યા છે. ત્રણ સ્વરોને કારણે આ સમયમાં ગાયન કરતાં પઠનક્રિયા વિશેષ હતી. સામવેદની ઋચાઓ ઋગ્વેદમાંથી જ લીધેલ છે. પરંતુ તે ઋચાઓના ગાન માટે સામવેદ અગત્યનો છે, આમ સામવેદથી જ સંગીતનાં મૂળ નખાયાં. તેમાં પ્રથમ સાત સ્વરનો ઉલેખ છે. તેનાં નામ કૃષ્ટ (મ), પ્રથમ (ગ), દ્વિતીય (ર), તૃતીય (સા), ચતુર્થ (નિ), મુન્દ્ર (ધ,પ), અતિ સ્વર (પ) છે. આ સ્વરોનાં નામ આજના કરતાં જુદાં છે અને તેનો ક્રમ અવરોહનો છે. સામવેદમાં કોમળ, તીવ્ર આદિ સ્વરનો ભેદ તેમજ તાલ બાબતનો ઉલ્લેખ નથી. અલબત્ત, ત્રણ પ્રકારની લય-વિલંબિત, મધ્ય અને દ્રુત ઉપરાંત ગુરુ, લઘુ, પ્લુત ઇત્યાદિ માત્રાઓનો ઉલ્લેખ જોવામાં આવે છે.

મૌર્ય અને ગુપ્તકાળ

આ સમય દરમ્યાન હિન્દુસ્તાનનું સંગીત, શિલ્પ, ઇત્યાદિ કલાઓની કીર્તિ હિન્દુસ્તાનની બહાર પણ ફેલાઈ અને આ સમય દરમ્યાન જ આપણી કળાનાં મૂળ તત્ત્વો ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિએ અપનાવ્યાં. મહાકવિ કાલિદાસે પણ આ સમય દરમ્યાન રચેલ નાટ્ય-કૃતિઓમાં સંગીતને સારું સ્થાન આપ્યું છે.

આ સમયમાં હિન્દમાં તક્ષશિલા, કાશી અને નાલંદામાં વિશ્વવિદ્યાલય ચાલતાં, જેમાં દરેક પ્રકારની કલાના શિક્ષણને મહત્ત્વનું સ્થાન અપાતું. તક્ષશિલાની વિદ્યાપીઠમાંથી મહાન વ્યાકરણી પાણિનિ, સમર્થ ઔષધ વૈદ્યરાજ જીવક, શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ કૌટિલ્ય અને રાજર્ષિ અશોક તૈયાર થયા. ચીની મુસાફર હ્યુ-એન-સંગ નાલંદા વિદ્યાપીઠની જાહોજલાલીનું વર્ણન કરતાં થાકતા નથી.આ સંસ્થાએ સાહિત્ય અને સંગીતકલાના વિકાસમાં મહાન ફાળો આપ્યો છે. ઉપરાંત આ લલિતકલાઓને રાજ્યાશ્રય મળતો જેના પરિણામે સમાજમાં કલાઓનું મહત્ત્વ વધ્યું.

કવિ જ્યદેવ

બારમી સદી દરમ્યાન ભક્તરાજ કવિ જ્યદેવ થઈ ગયા. તેમણે કૃષ્ણલીલા તથા રાધાકૃષ્ણના પ્રણયપ્રસંગોનું વર્ણન કરેલ છે. તેમનો જન્મ બંગાળના કુન્ડલા નામના ગામમાં થયો હતો. તેમના કાવ્યોનું પદલાલિત્ય એવું સુંદર છે કે જેનો રણકાર મગજમાં ગુંજ્યા જ કરે. આ ઉપરાંત તેમણે પોતાનાં પદોને ચોક્કસ રાગ અને તાલમાં રચ્યાં. આમ, જયદેવની અષ્ટપદીઓ એ સંગીત અને સાહિત્યના સુમેળનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

મુસ્લિમોના આક્રમણથી મોગલકાળ સુધીનો સમય

તેરમા સૈકામાં સંગીતમાં ઘણા ક્રાંતિકારક ફેરફાર થઈ ગયા. આ સૈકામાં ગોપાલ નાયક નામના એક મહાન સંગીતજ્ઞ થઈ ગયા. તેમણે સંગીત ઉપર કોઈ પુસ્તકો લખ્યાં હોય એમ જણાતું નથી પરંતુ સંગીતના એક પ્રખર નાયક તરીકે તેમની ખ્યાતિ અખિલ હિન્દમાં ફેલાઈ હતી.

અલ્લાઉદ્દીન ખીલજીએ પોતાના સરદાર મલેક કાફુર મારફત દક્ષિણ હિન્દ જીત્યું તે અરસામાં ગોપાલ નાયકને દક્ષિણમાંથી ઉત્તર હિન્દમાં જવાનું થયું. તેઓ વિજયનગરના રાજાના દરબારમાં સંગીતશાસ્ત્રી તરીકે હતા. નવા રાગ અને તાલ બનાવવામાં તેઓ કુશળ હતા. તેમની બનાવેલી ચીજો (સરસ ગાયન) અને રચનાઓ હજુ પણ ગવાય છે. અલ્લાઉદ્દીન ખીલજીના દરબારમાં ઇરાનના અમીર ખુશરુ નામના સંગીતકાર સાથે તેમની હરીફાઈ થઈ હતી તેવો ઇતિહાસમાં ઉલ્લેખ છે.

મુસ્લિમોના આક્રમણ સાથે તેઓની સંસ્કૃતિ, કલા, ઇત્યાદિનું આપણા સંગીત સાથે મિશ્રણ થવા માંડ્યું. આ અસરમાંથી દક્ષિણ હિન્દુસ્તાની અને ઉત્તર હિન્દુસ્તાની એવા બે ભેદ પડ્યા.

અત્યારે જે હિન્દુસ્તાની સંગીતનું પરિવર્તન થયું છે તેમાં મુસ્લિમ સંસ્કૃતિનો પણ ફાળો છે. તેઓએ શસ્ત્ર તરફ દૃષ્ટિ કર્યા વિના હિન્દુસ્તાનના સારા કલાકારોને પ્રોત્સાહન આપી રાજદરબારમાં સ્થાન આપ્યું. પરિણામે તેમની પાસેથી પર્શીઅન સંગીતકારોએ આપણી વિદ્યાનો સારો લાભ મેળવ્યો. મુસ્લિમ શહેનશાહોમાં ઝનૂની, ધર્માંધ અને ક્રૂર હતા, તે સાથે કલારસિક અને કલાપોષક પણ હતા.

ભક્તિયુગ

પંદરમા સૈકા દરમ્યાન સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા, રાજસ્થાનમાં મીરાબાઈ અને દક્ષિણ ભારતમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય તેમજ બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ થયા. તેઓએ ભક્તિમય કાવ્યો દ્વારા જનતાને સંગીતથી તરબોળ કરી.

નરસિંહ મહેતા પોતે ભક્તકવિ ઉપરાંત સંગીતકાર પણ હતા કે જેથી પોતાનાં પદો કેદાર, મલ્હાર ઇત્યાદિ રાગોમાં રચીને અસરકારક રીતે ગાઈ શક્તા.

મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં થયો છતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતને ગુજરાતી ભાષામાં પણ સંગીતમય ગીતો, ભજનો અને રાસ આપ્યાં. ફક્ત રાજદરબારમાં અને અમુક ઉચ્ચ વર્ગમાં જ આવકાર પામતા સંગીતની સીમા નરસિંહ અને મીરાએ તોડી અને સમાજના પછાત ગણાતા વર્ગો પણ ભક્તિમય સંગીતથી તરબોળ બન્યા.

બંગાળમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ વૈષ્ણવમતનું પ્રતિપાદન કર્યું. જનસમાજને શ્રીકૃષ્ણ ભગવાનના બાળસ્વરૂપની ઉપાસના કરવા તરફ દોર્યા. વૈષ્ણવ સંપ્રદાયે સંગીતને ખૂબ આવકાર્યું. સમય સમયના ગવાતાં ગીતોમાં ધ્રુપદ-ધમારની રાગદારી પદ્વતિને આ સંપ્રદાયે હજી સુધી સાચવી રાખી છે.

આજ સમય દરમ્યાન બંગદેશને ભક્તિથી ઘેલા કરનાર ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા. તેઓ હંમેશાં ભક્તિમાં લીન રહેતા અને હરિભજનો લલકારતા, નગરકીર્તનો કરતા અને એ રીતે જનતાને ભક્તિરસનું વિશુદ્ધ પાન કરાવતા.

વિષ્ણુ નારાયણ ભાતખંડે અને વિષ્ણુ દિગંબર પલુસ્કર

વીસમી સદી દરમ્યાન આપણું સંગીત શિક્ષણ અને શાસ્ત્રની દૃષ્ટિએ ઠીક ઠીક વ્યવસ્થિત થયું. આ માટેનો યશ સ્વ.ભાતખંડે અને સ્વ.પલુસ્કરને ફાળે જાય છે. ખાનદાની ગાયકોએ વંશપરંપરા અને શિષ્યોમાં સંગીતની ગાયકી તો સાચવી, પરંતુ શાસ્ત્રની બાબતમાં મતભેદ વધી ગયેલા. દરેક ઘરાનાના ગાયકો પોતે ગાય છે તે સાચું એવું વિધાન કરતા થયા હતા. આ પરિસ્થિતિ જોયા બાદ પં.ભાતખંડેએ ઘણા ગાયકો પાસેથી રાગનાં સ્વરૂપ સમજીને ચીજો (સરસ ગાયન) મેળવી અને શાસ્ત્રને વ્યવસ્થિત કર્યું. સરળ સ્વરલિપિનો પ્રચાર કરી આમજનતાને પુસ્તકો દ્વારા શાસ્ત્રીય સંગીતમાં રસ લેતી કરી. તેમણે શાસ્ત્ર તેમજ ગાયકીનાં ઉત્તમ પુસ્તકો લખી હિંદુસ્તાનની સેવા કરી.

અંગ્રેજોના સંપર્કમાં આવ્યા બાદ વિજ્ઞાન અને શિક્ષણના વિષયનો વિકાસ થયો. આપણે ત્યાં અત્યાર સુધી વ્યક્તિગત શિક્ષણનું પ્રાધાન્ય હતું જ્યારે સંગીત શાળાઓના પ્રચાર સાથે સંગીતના સામુદાયિક શિક્ષણની પદ્વતિ વિકાસ પામી. ભાતખંડેએ ગ્વાલિયરના માધવ સંગીત વિદ્યાલય, લખનૌની મોરીસ કોલેજ અને મુંબઈના ગાયન ઉત્તેજક મંડળ જેવી સંસ્થામાં સફળ પ્રયોગો કર્યા. સ્વરજ્ઞાનની સાચી તાલીમ આપવાથી વિદ્યાર્થીઓનો સમજપૂર્વકનો વિકાસ જલદી થાય છે તેમ તેમણે સાબિત કર્યું.

શિક્ષણક્ષેત્રમાં ભગીરથ પ્રયત્ન કરનાર બીજી વ્યક્તિ વિષ્ણુ દિગંબર પલુસ્કર થયા. બાલકૃષ્ણ બુવા, ઈચલજીકર પાસેથી વિદ્યા મેળવી તેમણે તેમની ગ્વાલિયર ગાયકીનો ખૂબ પ્રચાર કર્યો. સંગીતમાં આગળ વધી શકે તેવા વિદ્યાર્થીઓને તેમણે પોતાના ખર્ચે તૈયાર કર્યા. પ્રથમ તેમણે લાહોરમાં અને ત્યારબાદ મુંબઈમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. તેમણે તૈયાર કરેલ સારા શિક્ષકો આજે હિન્દુસ્તાનનાં અનેક શહેરોમાં સંગીતનું શિક્ષણકાર્ય કરી રહ્યા છે. વિષ્ણુ દિગંબરે પણ નવી સ્વરલિપિનું સંશોધન કરી પુસ્તકો છપાવ્યાં. ભજનો, ચોપાઈ ઇત્યાદિ ઉચ્ચ ભક્તિરસનાં ગીતોના ઢાળ બેસાડી લિપિબદ્ધ કર્યા. તેમણે લગભગ 50 પુસ્તકો સ્વરલિપિ સાથે પ્રકાશિત કર્યાં, જેમાં દરેક રાગની ગાયકી, ચીજો (સરસ ગાયન) ઇત્યાદિ વસ્તુ આપેલ છે.

આ બન્ને મહાન વિભૂતિઓએ પોતાની રીતે સંગીતનો વિકાસ કરીને પ્રતિષ્ઠાપિત કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામે આજે હિન્દુસ્તાનના સુશિક્ષિત સમાજને આ પ્રાચીન કલાની મહત્તા સમજાઈ છે.

હિન્દુસ્તાન સ્વતંત્ર થયા પછીનો સમય

અત્યાર સુધી આપણી લલિતકલાઓને પરદેશી રાજ્યોનો સહકાર મળ્યો ન હતો, જ્યારે આજે કેન્દ્ર તેમજ પ્રાંતિક સરકાર આ પ્રકારની સંસ્થાઓને આર્થિક મદદ આપે છે. આ પ્રકારની સંસ્થાઓમાં દિલ્હીની સંગીત-નાટક અકાદમી, એ મુખ્ય સંસ્થા છે. આ સંસ્થા તરફથી સંગીત નૃત્ય-નાટ્યની અન્ય સંસ્થાઓને માર્ગદર્શન અને આર્થિક સહાય મળે છે. ઉપરાંત સંગીત નૃત્ય-નાટ્યનાં સંમેલનો તેમજ પરિસંવાદ યોજવામાં આવે છે. રાષ્ટ્રિય સ્વરલિપિ રાગમાં એકવાક્યતા જાળવવાનું અને વિવિધ શૈલીના બુઝર્ગ કલાકારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય આ સંસ્થા સારી રીતે કરી રહી છે. હિન્દુસ્તાન સ્વતંત્ર થયા બાદ છેલ્લાં દસેક વર્ષોમાં આપણને વારસામાં મળેલ સંગીતનો વધુ વિકાસ અને પ્રચાર થયો છે.

પ્રત્યક્ષ વ્યવહારમાં જે સંગીતકલા રજૂ થાય છે તેને પ્રાચીન સંગીતશાસ્ત્ર સાથે સુમેળ રહ્યો નથી.આપણું સંગીત વેદકાળથી ચાલ્યું આવે છે જેને ઓછામાં ઓછાં દસ હજાર વર્ષ થયાં છે. આટલા લાંબા સમયમાં ઐતિહાસિક ફેરફાર ઘણા થઈ ગયા. કેટલીય વિવિધ સંસ્કૃતિઓ આવી અને તેની સાથે પોતાનું સંગીત અને સંસ્કૃતિઓ લાવી જેનું મિશ્રણ આપણા મૂળ સંગીતમાં થયું છે. પ્રાચીનશાસ્ત્રો તો એનાં એ જ રહ્યાં, જ્યારે કલાની રજૂઆત, પ્રબંધ, પ્રકારો, સ્વરોના અંતરો ઇત્યાદિમાં ફેર પડતો ગયો.

વીણાવાદનતત્ત્વજ્ઞ: શ્રુતિજાતિવિશારદ:।

તાલજ્ઞશ્ર્ચાપ્રયાસેન મોક્ષમાર્ગં નિયચ્છતિ ॥

આમ સંગીતને મોક્ષમાર્ગના સાધન તરીકે ગણાવ્યું છે, પણ તે સંગીત કયા પ્રકારનું હતું તેના પર પ્રકાશ પડતો નથી.

આજે ઉત્તર હિન્દુસ્તાનમાં જે સંગીતકલા પ્રચારમાં છે, તે પરંપરાથી ચાલી આવતી ઉત્તમ પ્રકારની છે. પરંતુ તે પ્રમાણે વ્યવસ્થિત પુસ્તકો અને શાસ્ત્રીય નિયમોનો અભાવ જોવામાં આવે છે. શુદ્ધ સ્વરસપ્તક, બિલાવલ થાટ પ્રમાણે થતાં રાગોનાં જૂનાં સ્વરૂપો, અસરો અને ચિત્રો વગેરેમાં ફરીથી સંશોધન થવું જરૂરી છે. અલબત્ત, આ પરિસ્થિતિ જોઈને પં.ભાતખંડેએ ઘણું મહાન કાર્ય કર્યું છે. રાગના સ્વરૂપને જુદા-જુદા ગાયકો પાસેથી સાંભળી પ્રમાણભૂત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આપણી કલા જેટલી ભવ્ય છે તે જોતાં હજુ તેને અનુરૂપ વ્યવસ્થિત શાસ્ત્ર રચવાની જરૂર જણાય છે.

ભારતમાં ભાવિ સંગીતનું નિર્માણ

સમય પ્રમાણે સંગીતનું સ્વરૂપ બદલાતું આવ્યું છે. સંગીતની શરૂઆતની અવસ્થામાં સમજણ વિનાની, કુદરતી અને પશુ-પક્ષીઓના અવાજની નકલ હતી. તેમાંથી વેદકાળમાં છંદગાન આવ્યું અને પછી સ્વરોની ઉત્પત્તિ અને જાતિગાયનનો સમય આવ્યો. અંતમાં રાગપ્રાધાન્ય સંગીત આવ્યું જે હજી પ્રચારમાં છે. છતાં પ્રબંધ પ્રકારની લોકચાહનામાં ફેરફાર થતો આવ્યો એટલે કે એક વખત ધ્રુપદ-ધમારની ગાયકીનું પ્રભુત્વ હતું જ્યારે આજે ખયાલ ગાયકીએ સંગીત સમાજમાં વધુ ચાહના મેળવી છે.

આર્યોના વખતમાં સમૂહકાર્યમાં જે વ્યવસ્થા હતી તેવી જ સમૂહગાનમાં હતી. હજારો બ્રાહ્મણો એક સાથે વેદમંત્રોનું પઠન કરી અદ્‌ભુત વાતાવરણ ઉત્પન્ન કરી શકતા. મોગલકાળ દરમ્યાન જાહોજલાલીએ પહોંચેલ ધ્રુપદ ગાયકીમાં સ્વામી હરિદાસ, બૈજુ, તાનસેન જેવા ગાયકો તો ધ્રુપદ ગાનથી અનોખું વાતાવરણ સર્જતા અને સાથો-સાથ વૈષ્ણવ મંદિરોમાં પણ ધ્રુપદ ધમારનું સમૂહગાન થતું એ પરંપરાથી અનેક રાગો અને ચીજોે (સરસ ગાયન) સચવાયાં છે.

ખયાલ ગાયકીનો ઊગમ થતાં સમૂહસંગીતની પડતી થઈ. એક ખયાલની હરકતો, મીંડ ઇત્યાદિ અંગો સમૂહમાં ગાઈ શકાય તેમ નથી. આથી કલાકારોએ વ્યક્તિગત વિકાસ સાધ્યો અને સમૂહમાં ગાવાની શક્તિ ગુમાવી. પશ્ચિમના દેશોની સરખામણીમાં સમૂહગાન અને વૃંદગાનમાં આપણે હજી ઘણું કાર્ય કરવાનું છે. હિન્દુસ્તાન સ્વતંત્ર થયા પછી એક રાષ્ટ્રત્વની ભાવના વધતી જાય છે અને તેમાં પાર ઊતરવામાં સંગીત મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે. એક રાષ્ટ્રભાષા અને એક સ્વરલિપિની સાથોસાથ જુદી જુદી સંગીતપદ્ધતિઓમાં પણ એકવાક્યતા લાવવાની જરૂર છે.

દા.ત. હિન્દુસ્તાનની ઉત્તર અને દક્ષિણ સંગીતપદ્ધતિ જુદી હોવા છતાં એકસરખા સ્વરો હોય એવા રાગો બન્ને પદ્ધતિમાં છે.

આ રાગોમાં રાષ્ટ્રભાષામાં લખાયેલ ગીતો બન્ને પદ્ધતિમાં દાખલ કરવાથી આ બન્ને પદ્ધતિઓ સંગીતની દૃષ્ટિએ એકબીજાની નજીક આવશે.

આપણા શાસ્ત્રીય સંગીતનું એક નબળું પાસું હોય તો તે સાહિત્ય છે. ખયાલ એટલે કલ્પના. સાંભળનારના મન ઉપર કલ્પનાનું ચિત્ર પૂરેપૂરું તો જ ઉપસાવી શકાય કે જો ગીતમાં સાહિત્ય અને વિચારોનો સુમેળ હોય.આપણા સંગીતમાં એવા અર્થ વિનાના ઘણા ખયાલ ગવાય છે કે જેમાં ઘણીવાર સ્થાયી અને અંતરાના ભાવમાં પણ સરખાપણું હોતું નથી.

આજે ભૂતકાળ જેટલી નિરાંતને અભાવે એક રાગને કલાકો સુધી સાંભળવાની શક્તિ અને સમયનો અભાવ જોવામાં આવે છે. કલાકારોએ પણ ઓછામાં ઓછી સમયમર્યાદામાં રાગના હાર્દને રજૂ કરવાની કલા પ્રાપ્ત કરવી જોઈએ.

આજે સંગીતના સંશોધન માટે સંપૂર્ણ અવકાશ છે. સંગીતના કેટલાંય અંગોનો વિકાસ અપૂર્ણ છે. સંગીત- નાટક અકાદમી, દિલ્હી દ્વારા એ પ્રયત્નો થાય છે. છતાં સંગીતક્ષેત્રમાં તેનો પ્રચાર જેટલો થવો જોઈએ તેટલો થતો નથી. સંશોધન કાર્ય કરી શકે એવા વિદ્વાનોને તે જ કાર્યમાં રોકી રાષ્ટ્રીય સરકાર તેમના સંશોધનનો લાભ સંગીતકારને આપી શકે.

મોટાભાગના સંગીત ઉપાસકો અમુક કક્ષાએ આવી યોગ્ય દોરવણીના અભાવે અટકી જાય છે. તેમના વિકાસ માટે દરેક પ્રાંતના મુખ્ય શહેરોમાં બુઝુર્ગ અને અનુભવી કલાકારોને રોકી તેમની વિદ્યાનો લાભ મળે એવા પ્રયત્નો થવા ઘટે.

પ્રવર્તમાન સમયમાં ભારતીય સંગીતકલા શુદ્ધ, શાંત અને ગંભીર સ્વરૂપે પ્રસરે તેમજ આધુનિક કલાકારોને પણ સ્વીકારાશે તો તેની વિકાસગાથા હજી પણ ચિરંજીવી રહેશે, તે સુનિશ્ર્ચિત છે.

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.