કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે. આપણા સીમાવર્તી જિલ્લા કચ્છના પ્રવાસન-ઉદ્યોગમાં અને દેશના સાંસ્કૃતિક વારસામાં મહત્ત્વનું સ્થાન ધરાવતી હડપ્પીય વસાહતોમાંથી મળી આવતા પુરાવાઓ કહે છે કે, આપણી વર્તમાન સંસ્કૃતિ અને સંસ્કારનાં મૂળ એ પ્રાચીન સંસ્કૃતિમાં રહેલાં છે. કચ્છની આ તમામ હડપ્પીય વસાહતોનો ટૂંક પરિચય મેળવી આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવાનો અહીં પ્રયાસ કરાયો છે. કચ્છમાં ર00થી વધારે હડપ્પીય વસાહતો હોવાનું પુરાતત્ત્વવેત્તાઓએ શોધી કાઢયું છે. તે પૈકી 60 વસાહતોની ઓળખ કરી શકાઈ છે અને તેમાંની કેટલીક વસાહતોનું ઉત્ખનનકાર્ય ચાલુ છે. કચ્છની આ વસાહતોમાં ધોળાવીરા, કુરન, ખીરસરા(નેત્રા), કાનમેર, શિકારપુર, દેશલપુર (ગુંતલી), પાબુમઠ, ભડલી, નાની રાયણ વગેરેનો સમાવેશ થાય છે. આ વસાહતોમાં ગુજરાત સરકાર, ભારત સરકાર કે કેટલીક યુનિવર્સિટીઓ તરફથી ઉત્ખનન કરાયું છે. વળી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોથલ, કુંતાસી જેવાં અનેક નગરો પણ મળી આવ્યાં છે.

છેલ્લા સૈકામાં કચ્છ પ્રદેશે વિકાસ-વિપત્તિ અને અનેક પ્રકારની લીલી સૂકી ઘટનાઓની તવારીખ નિહાળી છે અને આ ઘટનાઓની સાથે માનવજીવનના અસ્તિત્વનાં પદચિહ્નો શોધવાનો પ્રયાસ પણ આપણી સરકારો અને અનેક શૈક્ષ્ાણિક સંસ્થાઓએ ર્ક્યો છે.  એને પરિણામે ધોળાવીરા જેવી ઉત્કૃષ્ટ હડપ્પીય વસાહતની સાથોસાથ એના જેવી બીજી અનેક વસાહતો શોધી શકાઈ છે.  માનવીના જન્મથી મૃત્યુ સુધીના ઘટનાક્રમની વાત હડપ્પીય વસાહતોમાં સચવાઈ હોય તો તે એકમાત્ર ધોળાવીરામાં જ. દેશની હડપ્પીય વસાહતોનો ઇતિહાસ ધોળાવીરાના ઉલ્લેખ વગર શૂન્ય છે.  સિંધના મોહેંજો- દરોમાં નર્તકીનું કાંસાનું શિલ્પ મળી આવ્યું છે અને હડપ્પામાં શાલ ઓઢેલા પુરુષનું પૂતળું મળી આવ્યું છે. મોહેંજો-દરો અને હડપ્પા કરતાં નાની વસાહત હોવા છતાં ધોળાવીરાનું મહત્ત્વ હડપ્પીય નગરોમાં અદકેરું છે.

વિશાળ  સિંધુ નદીના કાંઠે વિકાસ પામેલી જગતની સૌથી પ્રાચીનતમ લેખાતી સિંધુ સંસ્કૃતિ એ હડપ્પાકાલીન સંસ્કૃતિ તરીકે જાણીતી છે. આ શબ્દ કાળસૂચક છે કારણ કે સિંધુ નદીના કાંઠેથી લઈને છેક હડપ્પા, લોથલ, ધોળાવીરા અને મહારાષ્ટ્રમાં ડાઈમાબાદ સુધી વિક્સેલી આ સંસ્કૃતિને સિંધુકાલીન અથવા હડપ્પાકાલીન સંસ્કૃતિ તરીકે જ ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિ પાંચ હજારથી વધારે વર્ષ પ્રાચીન હોવાનું પુરવાર કરી શકાયું છે.

કચ્છ એક સમયે અનેક ટાપુઓમાં વહેંચાયેલો હતો. હાલમાં જે કચ્છનું રણ છે તે એક સમયે વિશાળ દરિયો હતો અને કાળક્રમે તેનું રણમાં પરિવર્તન થયું છે, એ હકીક્ત પણ પુરવાર થયેલી છે. તેને જોતાં ધોળાવીરા એ સમયે મોટું બંદર હશે અને એ સમયની વસાહતો સાથે બંદરીય માર્ગે તે જોેડાયેલું હશે, એમ કહી શકાય.

ધોળાવીરા પૂર્વ કચ્છના ખડીર બેટમાં આવેલું છે. આ બેટ ચારે તરફથી ઘેરાયેલો છે. ઈ.સ. 1970ના દાયકામાં કચ્છમાં પડેલા દુષ્કાળના સમયમાં ખડીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહતકામ દરમિયાન શંભુદાનભાઈ ગઢવીને એક મુદ્રા મળી. આ મુદ્રા કંઈક વિશેષ જણાતાં તેમણે તેને સંબંધિત સત્તાધીશો સુધી પહોંચાડી અને આ પછી આરંભાઈ અતીતનાં સ્પંદનો ઝીલવાની ક્વાયત.

1991ના ગાળામાં ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષ્ાણના વડા શ્રી બિસ્ત અને તેમના સાથીદારોએ ઉત્ખનનકાર્યનો આરંભ ર્ક્યો. પરિણામે ત્રણ ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિંધુનગર પ્રકાશમાં આવ્યું. તમામ દૃષ્ટિએ જોેતાં કંઈક ને કંઈક વિશિષ્ટતાવાળું  આ નગર સિંધુ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો પુરવાર થયો, જેણે કચ્છને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અપાવી દીધી. પુરાતત્ત્વ ક્ષેત્રે છેલ્લા છ દાયકાની આ સૌથી મોટી ઘટના પુરવાર થઈ.

હડપ્પીય ધોળાવીરાની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંદી છે. મુખ્ય મહેલ કે જેને સિટાડેલ કહેવામાં આવે છે, તે ખૂબ જ મજબૂત કિલ્લાથી રક્ષવામાં આવ્યો છે. બીજોે કિલ્લો આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો છે.

આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પણ કચ્છનું આ શહેર (આજની જેમ) દુશ્મનોથી સાવધ રહેતું હશે, આ ઉપરથી તેનો અંદાજ કરી શકાય છે. અહીંના સુશોભિત સ્તંભો પણ વિશેષ છે. આ સ્તંભો  શાના હોઈ શકે તે સંશોધનનો વિષય છે. પરંતુ પૂનાની ડેક્કન કોલેજના પૂર્વ નિયામક ડૉ. એમ. કે. ધવલીકરનું માનવું છે કેે શંકુ આકારના આ સ્તંભો કોઈ સ્મારક સ્તંભો હોઈ શકે છે. સિંધુકાલીન લોકો કલાના ઉપાસક ન હતા, એવી માન્યતાને ધોળાવીરાએ જબરી શિકસ્ત આપી છે. ધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે ક્યાંય પણ જોવા મળ્યું નથી. આ જ હકીક્ત પુરવાર કરે છે કે આપણી વર્તમાન કલા-સંસ્કૃતિનાં મૂળ હડપ્પીય સંસ્કૃતિમાં રહેલાં છે.

ધોળાવીરામાંથી મળી આવેલું એક વિશાળ બોર્ડ પણ રસપ્રદ છે, જેના પર સિંધુલિપિમાં અક્ષ્ારો લખવામાં આવ્યા છે. આ બોર્ડ પર લુગદી જેવા પદાર્થ વડે ચોંટાડીને મણકાઓથી લખાયેલા 10 અક્ષરો કે સંજ્ઞાઓ છે. હજુ સુધી આપણે સિંધુલિપિ ઉકેલી શક્યા નથી. જયારે પણ લિપિ ઉકેલાશે ત્યારે આ બોર્ડ પરની સંજ્ઞાઓનો ઉકેલ ખૂબ જ રસપ્રદ નીવડશે, એ ચોક્કસ છે. જો કે હાલમાં આ લિપિનો ઉકેલ શોધાયો હોવાના અહેવાલો આવ્યા છે, પરંતુ તેને સમર્થન પ્રાપ્ત થયું નથી.

અહીં પાણીની બચત કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અને દૂરની નદી તેમજ ઝરણામાંથી પાણી લઈ આવવાની સુંદર યોજના જોેઈ શકાય છે. મહેલમાં પાણીનો એક મોટો ટાંકો છે. તેમાં વિશાળ ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા છે. આ ગરનાળું ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો આ પ્રવાહ ચાલુ રહે છે. વરસાદી પાણી ભેગું થઈને તળાવમાં ભરાય તેવી રચના પણ છે. નહાવાનો એક મોટો હોજ પણ અહીં છે.

મહેલની બાજુમાં રમતગમતનું વિશાળ મેદાન છે. એ મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો મેદાનમાં બેસીને રમતગમત કે અન્ય કાર્યક્રમો જોેઈ શકે. મહેલથી થોડે દૂર ઉપલું નગર છે. એમાં ધનિકો અને વેપારીઓ વસતા હશે. બે થી પાંચ ઓરડાવાળાં મોટાં મકાનો પથ્થરોનાં બનાવેલાં છે. ખૂબ જ વ્યવસ્થિત કાટખૂણે કાપતા રસ્તાઓ છે. વપરાયેલા પાણીના નિકાલ માટે અહીં સુંદર ગટર વ્યવસ્થા જોવા મળે છે. દરેક ઘરમાંથી નીકળતું પાણી ઘરની બહાર રહેલી ભોંખાળ જેવાં માટલાંમાં અને ત્યાંથી ગટરમાં લઈ જવાતું. ઘરેણાં બનાવવાની, મણકા બનાવવાની અને તેમાં કાણાં પાડવાની હાર પણ અહીં જોવા મળી છે.

આ ઉપલા નગરથી દૂર એક ગરીબ વસતી હોવાનું જણાય છે. એને પુરાતત્ત્વવિદો નીચલું નગર કહે છે. અહીં કાચાં-પાકાં નાનાં મકાનો દેખાય છે. શ્રમિક વર્ગ માટે પણ મેલા પાણીના નિકાલની વ્યવસ્થા ઉપલા નગર જેવી જ છે.  અહીંથી હડપ્પીય મુદ્રાઓ, વજનિયાં (કાટલાં), હથિયારો, મણકા, સોનાનાં આભૂષણો મળ્યાં છે. એકાદ માતૃકા પણ મળી છે, છીપની એક ગોળાકાર રીંગ મળી છે. એમાં ઉપરના ભાગમાં છ અને નીચેના ભાગમાં છ એમ ઊભા કાપા કરવામાં આવ્યા છે. વિદ્વાનો એને પંચાંગની બાર રાશિઓનાં પ્રતીક અથવા નેવીગેશન કંપાસ (હોકાયંત્ર) હોવાનું તારણ કાઢે છે.  તમામ સિંધુકાલીન વસાહતો વચ્ચે એક પ્રકારનું સામ્ય જોેવા મળ્યું છે. તેમ છતાં પણ ધોળાવીરા સમકાલીન વસાહતો કરતાં અમુક અંશે જુદું તરી આવે છે. (1) સ્થાપત્યની કલાત્મક્તા અહીંનું આગવું લક્ષ્ાણ છે. (ર) આ શહેર નદીકાંઠે આવેલું નથી. એટલે કદાચ ખેતી તેનો મુખ્ય વ્યવસાય નહીં હોય. (3) જમીનની અંદરથી પાણી લઈ આવવાનાં ગરનાળાં પણ અહીંજ જોવા મળે છે. (4) સંરક્ષણની આટલી મજબૂત વ્યવસ્થા મોહેંજો-દરોે કે હડપ્પામાં પણ જોેવા મળતી નથી. (પ) લોથલમાં મૃતદેહોને દાટવાની, એકથી વધુ મૃતદેહો ભેગા દફનાવવાની પ્રથા જોેવા મળે છે. તો અહીં અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષોને દફનાવવામાં આવ્યા છે. (6) તો વળી લોથલમાંથી મોટા પ્રમાણમાં સિંધુલિપિવાળી મુદ્રાઓ મળેલ છે જ્યારે અહીંથી જૂજ મુદ્રાઓ મળેલ છે. સિંધુલિપિમાં લખેલ મોટું બોર્ડ પણ ધોળાવીરા સિવાય ક્યાંય જોેવા મળતું નથી.

1991 થી ર004 સુધી ધોળાવીરાને પોતાનું વતન બનાવી રહેલા અને સવાયા કચ્છી બનેલા પદ્મશ્રી ડૉ.આર. એસ. બિસ્તની સાથે ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય સંપન્ન થયા પછી હવે શું, એ અંગે વાત કરતાં  તેમણે કચ્છની વસાહતોના જતન માટે ચિંતા વ્યક્ત કરતાં  કહ્યું કે પંજાબ અને હરિયાણાની વસાહતો ખેતી અને ઉદ્યોગોના કારણે તબાહ થઈ ગઈ છે, તેવું કચ્છમાં ન થાય એ માટે આજે વિશ્વવારસાના દિવસે પ્રત્યેક કચ્છીએ કટિબદ્ધ બનવા સંકલ્પ કરવો જોેઈએ. સમગ્ર કચ્છ જિલ્લાને હેરિટેજ જિલ્લા તરીકે જાહેર કરવાનું મંતવ્ય વ્યક્ત કર્યું. કચ્છમાં હવે પ્રવાસન ઉદ્યોગની સાથો સાથ અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે ત્યારે આ વસાહતોની જમીન ઉદ્યોગો હડપ ન કરે તે માટે તમામ વસાહતોની જમીનને રક્ષિત જાહેર કરવી જરૂરી  હોવાનો અભિપ્રાય પણ તેમણે આપ્યો હતો.

શ્રીબિસ્તે ધોળાવીરાના સંદર્ભમાં દુ:ખ સાથે જણાવ્યું હતું કે ધોળાવીરા વસાહતમાંથી મળી આવેલા પ9000 જેટલા નમૂનાઓ હાલ ભારત સરકાર પાસે દિલ્હીમાં સુરક્ષિત છે. એ માટે ભારત સરકાર  આંતરરાષ્ટ્રિય કક્ષાનું સંગ્રહાલય તૈયાર કરે એવી પણ એમણે માગ કરી હતી.

હડપ્પીયન સંસ્કૃતિનો સીધો સંબંધ આપણા પ્રાચીન વેદો સાથે હોવાની વાત કરતાં ડૉ. બિસ્ત જણાવે છે કે ઋગ્વેદમાં વર્ણવાયેલી નગરરચનાઓ ધોળાવીરાને મળતી જ આવે છે. આ પણ બતાવે છે કે આપણી હડપ્પીયન સંસ્કૃતિ વેદકાલીન સંસ્કૃતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. આપણી વેદકાલીન કલા-સંસ્કૃતિના સંસ્કારો પણ હડપ્પીય નગરોમાં જોેવા મળે છે.

પૂનાની ડેકકન કોલેજના પૂર્વ નિયામક અને દેશના જાણીતા પુરાતત્ત્વવિદ પ્રા.ડૉ. એમ. કે. ધવલીકરે પણ આ લખનારને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ગુજરાત, સિંધ અને પંજાબમાંથી મળી આવેલાં હડપ્પીય નગરો પણ ધોળાવીરા જેવી જ ચાર સ્તરીય નગરરચના ધરાવે છે અને આપણા વેદોમાં કહેવાયેલી વર્ણવ્યવસ્થા સાથે તે સીધું તાદાત્મ્ય ધરાવે છે. આમ, આપણી હડપ્પીય સંસ્કૃતિની નગરરચના અને કલા-સંસ્કૃતિ વૈદિકકાળ સાથે જોેડાયેલી હોઈ આપણા દેશની સંસ્કૃતિ, કલા અને સંસ્કારનાં મૂળ હડપ્પીય સભ્યતામાં પણ જોેવા મળે છે. સિંધના હડપ્પા અને કચ્છના ધોળાવીરાની નગરરચના હાલના ચંડીગઢ અને ગાંધીનગરની સાથે સરખાવી શકાય.

આજના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતની ગુજરાતની ભૂમિમાં કાચા માલની પુષ્કળ ઉપલબ્ધિ અને વિશાળ દરિયા કાંઠો વિદેશો સાથે વ્યાપાર માટે અનુકૂળ હોવાથી હડપ્પીઓએ પણ આ ધરતીને પસંદ કરીને વસાહતોનું નિર્માણ ર્ક્યું હતું, જેમાં ધોળાવીરા ઉપરાંત કાનમેર, ખીરસરા, લોથલ, કુંતાસી અને નાગેશ્ર્વર જેવાં નગરોનો સમાવેશ થાય છે. આ નગરોમાં કાચા માલનો સંગ્રહ અને રક્ષ્ાણની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી તેના આધારો આજે પણ જોવા મળે છે. ગુજરાતનાં આ નગરોને એકબીજા સાથે સાંકળીને પોતાની હસ્તકળાના માલનું પરિવહન સરળ બનાવવા છેક ઇજિપ્ત ઉપરાંત સિંધ, ગુજરાત અને પંજાબ સાથે વેપાર વિક્સાવ્યો હતો.ઇજિપ્ત સાથે હડપ્પીયનોના સંબંધની વાત કરીએ તો ઇજિપ્તમાં મમી માટે વપરાતો ખાસ પ્રકારનો ઈન્ડિગો કલર જે તે સમયે માત્ર ભારતમાં જ ઉપલબ્ધ હતો અને ગુજરાતમાંથી મળી આવતી હડપ્પીયન પોટરીઓ પણ અસલ ઇજિપ્ત જેવી જ કાળી છે. વળી હડપ્પીયનો એ સમયે જે વિસ્તારમાં સ્થાયી થયા હતા તે સ્થળના વાતાવરણ અને પર્યાવરણ સાથે સમતુલન સાધીને રહેતા. હાલે મળતા આપણા બાજરા કે જુવારનું મૂળ પણ છેક હડપ્પીય કાળ સાથે જોડાયેલું છે કેમ કે આ નગરોમાંથી મળતા અવશેષોમાં જુવાર, બાજરાના અવશેષો પણ મળ્યા છે અને એ સમયે જુવાર, બાજરો ઇજિપ્તમાં થતો. આથી એવું અનુમાન પુરાતત્ત્વવિદો કરે છે કે આ જુવાર, બાજરો હડપ્પીયનો ઇજિપ્તથી લાવ્યા હશે.

આ જ રીતે આપણી અદ્‌ભુત વાવ-સંસ્કૃતિની ઓળખ પણ ધોળાવીરા જ કરાવે છે. બૌદ્ધ સ્થાપત્યમાં જોવા મળતા સ્તૂપ જેવા જ સ્તૂપ પણ ધોળાવીરામાં મળી આવ્યા છે.

કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરામાં મળી આવેલા નગરના અવશેષોમાં આયોજનબદ્ધ રીતે ચણાયેલી મકાનની દીવાલો પીળા રંગના પથ્થરની છે. સાતથી આઠ ફૂટની હારબંધ દીવાલો સુધીનું કરાયેલું ઉત્ખનનકાર્ય જોતાં, જોનારને પ્રથમ નજરે જ ભવ્ય સંસ્કૃતિનો અહેસાસ થાય છે. ઉત્ખનન દરમ્યાન વિવિધ આભૂષણો અને તેમાં ઉપયોગમાં લેવાતાં મોતી મોટી સંખ્યામાં મળી આવ્યાં છે, જે અહીં વિક્સેલી કલાના પુરાવા આપે છે. અહીંથી મળી આવેલા અનાજ સંગ્રહવાના કોઠાર એ આ સ્થળની અનોખી શોધ છે.  અહીંની મકાનબાંધણી, ઓરડાનાં માળખાં, તત્કાલીન ગઢના ચાર ખૂણાઓ પણ ઉત્ખનન દરમ્યાન મળી આવ્યા છે. અહીંથી ગોળ પીલર અને બેઝ પણ મળી આવ્યા છે.

કુશળ વેપારી એવા હડપ્પીઓએ લોથલમાં પોતાનું માલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપ્યું હતું અને અન્ય નાના ખીરસરા જેવાં નગરોમાં તેના સંગ્રહની  વ્યવસ્થા કરી હતી. તેના રક્ષ્ાણ માટે આ નગરોને કિલ્લેબંધ કરી સુરક્ષ્ાની ખાસ વ્યવસ્થા કરી હતી અને ખાસ વોચ ટાવર પણ બનાવ્યા હતા. આવું વોચ ટાવર કુંતાસીમાંથી મળી આવ્યું છે. કિલ્લેબંધી તો મોટાભાગનાં હડપ્પીય નગરોમાં જોવા મળે છે. આમ, આપણી વ્યાપારી સંસ્કૃતિ અને કુનેહનાં મૂળ પણ હડપ્પીય સંસ્કૃતિમાંથી ઊતરી આવ્યાં છે.

કચ્છના ઉત્તરપૂર્વ કિનારે આવેલો ટીંબો એટલે રાપર તાલુકાનું શિકારપુર. તે સામખિયાળીથી 19

કિ.મી. દૂર હાઈવે પર આવેલો છે. અકીક, કાર્નેલિયમ, સ્ટીએરાઈટ પેસ્ટમાંથી બનેલા અસંખ્ય મણકા, તેમાં કાણું પાડવા માટેની શારડીઓ, સુંદર ચિતરામણ કરેલાં વાસણો, રમકડાં, ગાડી, વૃષભ વગેરે અહીંથી મળ્યાં છે. સૌથી રસપ્રદ ઉપલબ્ધિ સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ છે. આ તમામ અવશેષો આપણી પ્રવર્તમાન કલાસંસ્કૃતિના મૂળ સમાન છે.

કચ્છના રણકાંધીના પ્રખ્યાત કાળા ડુંગરની ગોદમાં આવેલ કુરન ગામની સીમમાં શહીદોના ગઢ તરીકે જાણીતા વિસ્તારમાં સરસ્વતીની શોધ માટે આરંભિક ઉત્ખનન દરમ્યાન જ આ સ્થળમાં રહેલાં હડપ્પીય સભ્યતાનાં અનેક પ્રમાણો મળવાનું શરૂ થયું. અહીં માટીનાં પાત્રો, ઘરેણાં, માટીના અવશેષો, વાસણો, ગટરની પાકી નહેર અને ત્રણ પ્રકારના કિલ્લાઓથી રક્ષિત વસાહતો મળી આવી છે. 4103પ0 મીટરના વિસ્તારની કિલ્લેબંધીમાં રરપરર0 મીટરના ક્ષેત્રફળમાં રાજભવન આવેલ છે. આ ઉપરાંત લોઅર ટાઉન આવ્યું  છે.

કુરન વિસ્તારમાં જોેવા મળ્યું છે કે મોટી ઉંમરની વ્યક્તિને રાજભવનની નજીક દફનાવવામાં આવતી. સંશોધન દરમ્યાન વધુ એક નવીનતા એ પણ જોેવા મળી છે કે કાળા ડુંગરમાંથી એક વહેણ બહાર નીકળી કિલ્લાને સમાંતર વહી પૂર્વ તરફના ભાગને સ્પર્શે છે. આ વહેણની પૂર્વ તરફ વસાહત હોવાના સગડ મળે છે, જયારે પશ્ચિમ બાજુ સ્મશાનનાં નિશાનો મળે છે. તે સૂચવે છે કે અહીંના નગરજનો પોતાના નિવાસસ્થાનથી દૂર મૃતદેહના અંતિમસંસ્કાર કરતા હશે.

માટીનાં પાત્રોમાં કરવામાં આવેલ વિવિધ રંગકામ અહીંના વસાહતીઓની કલાસૂઝનાં દર્શન કરાવે છે. સ્મશાન પાસેથી મળતાં માટીનાં પાત્રોમાં માત્ર કાળો અને સફેદ રંગ મૃતદેહ પ્રત્યેની તેમની માનની લાગણી સૂચવે છે.

કચ્છના પ્રાચીન વાગડ વિસ્તારમાંથી ખનન કાર્યના આરંભમાં જ એક સુંદર નગરરચના ધરાવતું નગર, રાપર તાલુકાના કાનમેર ગામ નજીક આવેલી ટેકરીથી મળી આવ્યું છે. અહીંથી 1પ01પ0 મીટરના વિસ્તારમાં 17 મીટર લાંબી અને 11 મીટર ઊંચી દિવાલ મળી આવેલ છે. તે જોતાં સુરક્ષાના મજબૂત ક્વચથી આ નગર રક્ષિત હશે એવું અનુમાન કરી શકાય છે.  ડૉ. એમ. કે. ધવલીકરના અનુમાન મુજબ આ નગર એક કેમ્પ હશે કારણ કે આ નગરમાં એક જ સામૂહિક રસોડાના અવશેષો મળ્યા છે. નગરની અંદર મકાનો તથા માર્ગો પણ દેખાય છે. ખંભાતમાં મળતાં મોતી જેવાં જ મોતી પણ અહીંથી મળી આવ્યાં છે. આ કાર્ય માટે ખંભાતના મોતીકામના નિષ્ણાત કારીગરોની મદદથી કાળજીપૂર્વક ખોદકામનું વિચારાયું છે.

કાનમેરનું આ હડપ્પાકાલીન નગર એક સમયે દરિયાથી વધુ નજીક હોવાની સંભાવના છે અને જે તે સમયે તે એક મોટું વ્યાપારી મથક હોવાની સંભાવના  છે, કારણ કે તેનાં પ્રમાણો પણ અહીંથી મળી આવ્યાં  છે. અહીંથી  છેલ્લે, ગત વર્ષે કરાયેલા સંશોધન દરમ્યાન માટીના ગોળ મણકા મળી આવ્યા છે જેનો ઉપયોગ અહીંના વ્યાપારીઓ ઓળખપત્ર તરીકે કરતા હોવાની સંભાવના સંશોધન ઈન્ચાર્જ કે.પી. સિંઘે વ્યક્ત કરી  છે.

રાપર તાલુકાના સુવઈ ગામની નજીક શિકારપુર ખાતેથી પ્રારંભિક કાળમાંનાં કાચા લાકડાનાં અને પાછળથી પથ્થરનાં બનાવેલાં રહેઠાણો મળ્યાં છે. એક શિંગડાવાળા પ્રાણીની મુદ્રા મળી છે, જેમાં હડપ્પન લિપિમાં લખાણ છે. અકીકના મણકા, શંખ, તાંબા અને કાંસાની બંગડીઓ તેમજ ઉત્કૃષ્ટ પ્રકારનાં વાસણો મળ્યાં છે, જે તે સમયની કલાસૂઝની ઓળખ આપે છે.

માંડવી તાલુકામાં માંડવીથી 4-પ કિ.મી. દૂર વસેલું એક ગામ છે, જ્યાંથી જાણીતા પુરાતત્ત્વરસિક ડૉ. પુલિનભાઈ વસાને પૂર્વ હડપ્પાકાળથી શરૂ કરી આજ દિવસ સુધીના વિવિધ માનવ વસવાટના પુરાવાઓ મળ્યા છે. પક્વેલી માટીનો સિંધુકાલીન વૃષભ, પક્ષીનું માથું, પક્વેલી માટીના મણકા, શંખનાં ઘરેણાં, મુદ્રા, કિંમતી પથ્થરના મણકા અને વાસણો મળ્યાં છે. પક્વેલી માટીની 8 ફૂટ પહોળી અને પ ફૂટ ઊંચી અનાજ ભરવાની કોઠી સિંધુકાલીન માટીકામનો ઉત્તમ નમૂનો છે.

કચ્છના પશ્ચિમ છેવાડે ખીરસરા અને દેશલપર (ગુંતલી) પછી નખત્રાણા તાલુકાના ભડલી નજીકના કોટડા (થરાવડા)માંથી પણ હડપ્પીય વસાહત મળી આવી છે.  અહીં 1પ મીટર લાંબા વિસ્તારમાં પ મીટર પહોળી અને 4 મીટર ઊંચી દીવાલ શોધી કઢાઈ છે. આ હડપ્પીય વસાહતમાં નવ ખંડો પણ મળી આવ્યા છે, જે પૈકીના ત્રણ ખંડોમાં પ્લેટફોર્મ પણ છે. આથી આ ખંડો વર્કશોપ હશે એવું અનુમાન કરવામાં આવે છે. અહીંથી તાંબાનાં પાત્રો અને તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો પણ મળી આવ્યા છે. આ વસાહતમાંથી માછલી પકડવાની જાળ, જુવાર તથા બાજરાના અવશેષો પણ મળી આવ્યા છે. સિંધથી ધોળાવીરા આવ-જા કરતા વસાહતીઓ આ સ્થાને વિશ્રામ લેતા હશે, સંશોધકો એવું પણ અનુમાન કરે છે.

આમ, કચ્છમાં થયેલા પુરાતત્ત્વીય ઉત્ખનન અને સંશોધન થકી મળેલ આપણી પાંચ હજાર વર્ષ પ્રાચીન સંસ્કૃતિનો સંસ્કારવારસો આજે પણ કચ્છના લોક્સંસ્કારમાં, લોકમાનસમાં, ઘર પરની ડિઝાઈનોમાં, સ્વસ્તિક, માતૃપૂજા, વૃક્ષપૂજા, ગૌપૂજા, શિવપૂજા વગેરેમાં સચવાયેલો જોઈ શકાય છે.

પરંતુ આ મૂર્ત અવશેષોને જાળવવા એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. દુનિયાના તમામ દેશોએ પોતાની અસ્મિતા જાળવી રાખવાના પ્રયત્નો ર્ક્યા છે ત્યારે આપણે પણ આપણી સંસ્કૃતિને જીવંત રાખવા કટિબદ્ધ થવું જોઈએ, કારણ કે સંસ્કૃતિ એ સંસ્કાર છે અને સંસ્કાર છે તો આપણે છીએ.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.