તા. 25 થી 27  ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન કર્યું હતું. આ સ્થળને પાદ્પરાઈ કહેવામાં આવતું હતું જ્યાં દેવી ક્ધયાકુમારીએ શિવને વરરૂપે પ્રાપ્ત કરવાના હેતુથી ધ્યાન અને તપસ્યા કર્યાં હતાં. એકનાથ રાનડેના ભગીરથ પ્રયત્નોથી, સંઘર્ષોની હારમાળાના અંતે વિવેકાનંદ શિલાસ્મારકના આ સ્થાપત્યને મૂર્તરૂપ મળ્યું છે.

શિલાસ્મારકની પ્રથમ અંદાજિત રકમ રૂપિયા 6 લાખ હતી, પરંતુ અંતે તેનો વાસ્તવિક ખર્ચ થયો રૂપિયા 1 કરોડ 35 લાખ. આ ધનરાશિના એકત્રીકરણમાં સમગ્ર દેશના અદના આદમીની સહાય લેવામાં આવી હતી. 6 નવેમ્બર, 1964માં શિલાસ્મારક માટે પ્રથમ પથ્થર તોડવામાં આવ્યો હતો. સૌ પ્રથમ તો શિલાની મજબૂતાઈની તપાસ કરવાની હતી, કારણ કે તેના પર એક વિશાળકાય સ્થાપત્ય ઊભું કરવાનું હતું. શિલા પર 70 ફૂટની ઊંડાઈએથી નીકળેલા પથ્થરોના પરીક્ષણ દ્વારા તેની મજબૂતાઈનો ખ્યાલ મેળવવામાં આવ્યો. બાંધકામ માટે સમુદ્રમાંથી સફેદ ગ્રેનાઈટ અને તુતીકોરિનમાંથી લાલ ગ્રેનાઈટ લાવવામાં આવ્યા હતા. સર્વશ્રેષ્ઠ પથ્થરોનું પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. બધા જ કારીગરો દક્ષિણના હતા.

સંપૂર્ણ શિલાસ્મારકની રચના બેલુર મઠમાં આવેલા શ્રીરામકૃષ્ણદેવના મંદિરના સ્થાપત્ય અનુરૂપ જ કરવામાં આવી છે. સ્મારકનાં વિશાળ સભાગૃહ, ગર્ભગૃહ, પ્રવેશદ્વાર, સ્તંભ, મંદિર પરના નાના મોટા ગુંબજ એ બધું બેલુર મઠના મંદિરને અનુરૂપ છે. વિવેકાનંદ શિલાસ્મારકમાં બે સ્થાપત્ય આવેલાં છે. એક વિવેકાનંદ મંડપમ્ અને બીજું શ્રીપાદ્ મંડપમ્. વિવેકાનંદમંડપમ્માં ધ્યાનમંડપમ્, સભામંડપમ્ અને મુખમંડપમ્ આવેલાં છે. શ્રીપાદ્ મંડપમ્માં ગર્ભગૃહમ્, આંતરિક પરિક્રમાપથ અને બાહ્ય પરિક્રમાપથ આવેલાં છે.

ધ્યાનમંડપમ્ : ધ્યાનમંડપમ્માં પ્રણવપીઠ છે, જ્યાં ‘ૐ’ સિવાય કોઈ દેવતા કે વ્યક્તિને સ્થાપવામાં આવ્યા નથી. સ્વામીજીની ઇચ્છાનુસાર ધ્યાનમંડપમ્ની અંદર ‘ૐ’નું પ્રતિક સ્થાપિત છે. તેઓ કહેતા કે, દેશમાં વિખરાયેલી બધી જ આધ્યાત્મિક શક્તિઓએ એક થવું જોઈએ. સંપૂર્ણ બ્રહ્માંડ ૐકારમય છે. સર્વ જીવ ૐકારની શક્તિ અને તરંગોથી ઓતપ્રોત છે. અહીં આવનાર મુલાકાતીઓ શાંત અને પવિત્ર વાતાવરણમાં બેસીને ધ્યાન-સાધના કરી શકે છે. પ્રણવપીઠની કલાત્મક બાબત એ છે કે તે પલ્લવ શૈલીમાં કરવામાં આવી છે, જ્યારે પીઠની સામે બંને બાજુઓ પરના અલંકૃત સ્તંભ ચોલ અને પલ્લવ શૈલીનું સંમિશ્રણ છે. મંડપમ્માં અત્યંત સૌમ્ય લાલ ગ્રેનાઈટનું ભોંયતળિયું છે.

સભામંડપમ્ : સભામંડપમ્માં સભાખંડ અને પ્રતિમામંડપ છે. પ્રતિમામંડપની સ્તંભને સુંદર નકશીકામ દ્વારા અલંકૃત કરવામાં આવ્યા છે. અહીં જાણે કે ‘ઊઠો, જાગો’ના મંત્રનું આહ્‌વાન કરતી હોય તેવી મુદ્રાવાળી સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા સ્થાપિત છે. તેની ઊંચાઈ 7.4 ફૂટ છે, જે 4.8 ફૂટ ઊંચી બેઠક પર રાખવામાં આવી છે. આ સ્થળે સ્વામીજીને પોતાનું જીવનધ્યેય પ્રાપ્ત થયું હતું. ઉત્થિત મુદ્રાવાળી પ્રતિમા પસંદ કરવા પાછળનો હેતુ હતો લોકોને ગતિમાન કરવાનો. સ્વામી વિવેકાનંદ કેવળ એક પૂજવાની મૂર્તિ બની રહેવાને બદલે પ્રેરણાસ્રોત બને એવી એકનાથ રાનડેની અભિલાષા હતી. તેથી એવું નક્કી થયેલું કે પ્રતિમાની સ્થાપના થશે, પરંતુ કોઈ દૈનિક પૂજાવિધિ થશે નહીં.

મુખમંડપમ્ : મુખમંડપમ્નો આકાર લંબચોરસ છે. તેના ખૂણે પૂર્ણસમૂહની પલ્લવ શૈલીની ભાત છે. તેની નીચેનો ભાગ અજન્તા શૈલીનો છે. પ્રવેશદ્વારમાં મોરને સામેલ કરીને વિસ્તૃત સજાવટ કરવામાં આવી છે. ગુંબજ પર પરંપરાગત ગાંધર્વ શૈલીની મુખાકૃતિ દર્શાવી છે. દ્વારની કમાનોને અજન્તા શૈલીથી અલગ કરવામાં આવી છે. તેના માટે લાલ ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખમંડપમ્ની છતની મધ્યમાં રહેલ પથ્થર પર કલાત્મક રીતે કમળ કંડારવામાં આવ્યાં છે. મુખ્યદ્વારનાં પગથિયાંની બંને બાજુએ કાળા ગ્રેનાઈટના હાથી મૂકવામાં આવ્યા છે. મુખમંડપમ્માં ગાંધર્વ શૈલીની મુખાકૃતિને પથ્થર પર કોતરવામાં આવી છે. પથ્થર પરની કલાત્મક કોતરણી દેશની પરંપરાગત શૈલીની છે. આ સમગ્ર પ્રકલ્પમાં પથ્થરકામના 900 થી વધુ કારીગરો કામ કરતા હતા. હવે આપણે શ્રીપાદ્ મંડપમ્ના વિભાગોનું વિવરણ જોઈએ.

ગર્ભગૃહમ્ : વિવેકાનંદ શિલા સ્મારકની શિલા અંગે પૌરાણિક પરંપરાગત એક દંતકથા અનુસાર ક્ધયાકુમારી મંદિર અહીં હશે. માતા પાર્વતી દેવીક્ધયા તરીકેનો ‘અવતાર’ હતાં. તેમણે હિમાલયના કૈલાસમાં વસતા શિવને વર તરીકે પામવા માટે કઠોર તપશ્ર્ચર્યા કરી હતી. જે શિલા પર એક પગે ઊભા રહીને તપ કરવામાં આવ્યું હતું, તે પગનું ચિહ્ન જે આછા કથાઈ રંગનું છે, તેને શ્રીપાદ્પરાઈ કહેવાયું છે. તેની પવિત્ર શિલા તરીકે પૂજા થાય છે. પ્રાચીન સમયમાં આ સાધનાભૂમિ હતી અને શક્તિ-ઉપાસકો અહીં ઉપાસના કરતા હતા. ક્ધયાકુમારીનું નામ પણ આ પરથી પાડવામાં આવ્યું છે. વર્તમાનમાં સમુદ્રના કિનારા પર ક્ધયાકુમારી માતાનું મંદિર છે. કાલી અને દુર્ગાના પરમ ભક્ત સ્વામીજીએ પણ ધ્યાન, સાધના અને તપ માટે સમુદ્રસ્થિત આ સ્થળ પસંદ કર્યું હતું. માતા પાર્વતીના ચરણચિહ્નને ‘શ્રીપાદ્મંડપમ્’માં સુરક્ષિત કરવામાં આવ્યું છે, જે દક્ષિણ ભારતીય શૈલીમાં એક ભવ્ય મંદિર જેવા મંડપમ્માં છે. સ્વામીજીની પ્રતિમાની દૃષ્ટિ સીધી શ્રીપાદ્પરાઈ પર પડે છે. આ સ્થળને કાચના દરવાજાથી બંધ કરવામાં આવ્યું છે, જેથી લોકો દર્શન કરી શકે અને શ્રીપાદ્પરાઈને નુકસાન ન થાય.

શિલાસ્મારકના અલંકૃત ગુંબજ, બિમ, સ્તંભ, દીવાલ, જાળીવાળી બારી, કમાન વગેરેમાં હાથી, મોર, ફૂલ અને પર્ણની ડિઝાઈન અને વિવિધ મુખાકૃતિમાં ગાંધર્વ, ચોલ, પલ્લવ, અજન્તા અને દક્ષિણ ભારતની શિલ્પસ્થાપત્ય શૈલીનો સમન્વય થયેલો જોવા મળે છે.

અહીં આવનાર મુલાકાતીઓ માટે સ્મારક અને તેનું પરિસર કુદરતી રીતે જ અદ્‌ભુત અને અવર્ણનીય શાંતિ, આનંદ અને જીવનની કર્મઠતાનો સંદેશો આપી જાય છે.

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.