આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના વિરામ પછી હવે મારી સ્મૃતિ ધૂંધળી થઈ ગઈ છે.

સામાન્ય રીતે જેવું હોવું જોઈએ, તેવું જ થયું છે. તેમની સ્મૃતિઓ તેમના ઉપદેશોમાં મિશ્રિત બનીને મારા ઊંડા વિચારોની પ્રેરણાના રૂપમાં જીવિત છે અને તેને મારા દૈનંદિન જીવનની વિચારધારાથી કદાચ જ જુદી કરી શકાય.

મારા મનમાં મુખ્ય સ્મરણ એ છે કે હું એક ‘સત્ય’ના સાન્નિધ્યમાં રહી અને તે સત્ય એટલું ભવ્ય તથા ગહન હતું કે મારા પ્રત્યેક પાછલા વિશ્વાસનો એમાં સમાવેશ થતો હતો.

તે એક એવો મૂળભૂત આધાર હતો, જે મારા વારંવાર વિશાળ થયેલા વિચારોની આવશ્યકતાઓની સાથે સદાય બંધબેસતો થતો ગયો.

જ્યારે આપણે માર્ગ ઉપર ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં અનેક સમસ્યાઓ ટાળી ન શકાય તે રૂપમાં એમ જ જોડાઈ જતી હોય છે. હું આચાર્યદેવની તે પંક્તિઓનું વર્ણન કરું છું, જેમણે સુખ અને દુ :ખ, ચિંતા અને રોગની તણાવપૂર્ણ ક્ષણની વચ્ચે પરમ વિધેયાત્મક ઢંગથી મારા ચારિત્ર્યને ઘડયું છે.

પ્રથમ તો હું જણાવી દઉં કે તે નિર્દેશ એક ચાવી સમાન છે. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તેના વગર શાંતિ અને સત્યની શોધની દિશામાં આત્માની કોઈ જ ઉન્નતિની સંભાવના ન બની શકત.

વાહ તે ચાવી છે પ્રતિદિન ધ્યાન! આ બાબતમાં ગુરુદેવના શબ્દો કદીય વિસરી ન શકાય. મને ખરેખર યાદ છે કે પાછળનાં વર્ષોમાં ધ્યાનને લગભગ પ્રત્યેક આધ્યાત્મિક અનુભૂતિમાં એક મૂલ્યવાન મોતીની સમાન માન્યતા મળી છે, પરંતુ જ્યારે પહેલીવાર આ વિષય ઉપર સ્વામીજીની વાતો સાંભળી ત્યારે તે મારા માટે એક નવીનતા હતી.

વાંદરાની સમાન મન, ઘોડાને (ઇન્દ્રિયો) કાબૂમાં રાખતો સારથિ, અન્તરાત્માની નિસ્તબ્ધતા, સાધનાની આવશ્યકતા, જીવાત્માની મુક્તિનો ઉપદેશ દેનારાં શાસ્ત્ર્રોનો અભ્યાસ, સત્ય અને અસત્યની વચ્ચે વિવેક – એવા વિચાર અને ઉપદેશ છે કે જે શિષ્યોને તુરંત સ્વામીજીની યાદ અપાવી દે છે.

વ્યાવહારિક જ્ઞાનની જે કેટલીક વાતો મને યાદ છે, તે મારા સામાન્ય શબ્દોમાં આ પ્રમાણે છે :

૧. પોતાના સંપ્રદાયના છત્ર નીચે રહીને પોતાનો વિકાસ કરો, પરંતુ જીવનપર્યંત તેમાં જ બંધાઈને ન રહો. તે ધીરે ધીરે તમને ઉચ્ચતમ જ્ઞાનની તરફ લઈ જશે.

૨. જેમ ભવનનિર્માણ માટે માંચડો બાંધવો જરૂરી છે, તેવી જ રીતે આધ્યાત્મિક પ્રાપ્તિને માટે પણ (સંપ્રદાયની જરૂરિયાત) છે. તેને ન તો પોતાના માટે નષ્ટ કરો કે ન તો બીજાના માટે (ઈશુ કહે છે : પાકના લણવાના સમય સુધી થડ તથા ડૂંડું બંનેને વધવા દો). પરંતુ તે યોગ્ય સમયની રાહ જુઓ, જ્યારે તે પોતાની રીતે જ સ્વયં નષ્ટ થઈ જશે.

૩. ખોટા કાર્યને સાચું બતાવી કદીય પોતાનાં નૈતિક મૂલ્યોને નીચાં ન કરવાં. એ જાણવા છતાં કે તમારું કોઈ કાર્ય ખોટું છે, જો તમે તેને કરવા ઇચ્છતા હો તો કરો, પણ તેને સાચું ન સાબિત કરો, કારણ કે એવું કરવું એ ઘાતક આત્મ-વંચના છે.

૪. જ્યારે તમે તમારા કોઈ નાના એવા કાર્ય માટે પશ્ચાત્તાપ કરી રહ્યા છો, ત્યારે પોતાને સ્વયં કહો – હું પ્રસન્ન છું કે મેં આ ભૂલ કરી, કારણ કે હવે હું સમજી ગયો છું કે ભવિષ્યમાં આવું ફરી વખત નહીં કરું.

૫. અન્ય માટે કરવામાં આવેલું નિ :સ્વાર્થ કર્મ તેના કરવાવાળા માટે જ લાભદાયક માનવું જોઈએ, તેથી કરવાવાળાના ચારિત્ર્યનો જ વિકાસ થાય છે.

૬. કોઈ પણ મનની સ્થિતિની સાથે પોતાના આત્માની એકરૂપતા ન કરવી. ખાસ તો પોતાને માટે દુ :ખ અથવા નિરાશાના સંદર્ભે આ મૂળભૂત નિર્દેશ છે. આત્માને અનાત્માથી મુક્ત રાખવો એ જ આપણને તુરંત યોગ્ય નિર્ણય તરફ લઈ જાય છે.

૭. આત્માને પોતાથી અલગ સમજવો એ જ સૌથી મોટું ધર્મવિરોધી કાર્ય છે.

૮. એકત્વ જ ધર્મ અને વિજ્ઞાનનું લક્ષ્ય છે.

૯. સોઽહમ્ – હું તે જ છું.

સ્વામીજીની આ મહાન પંક્તિઓની સાથે હું તે કથાઓને પણ વણી શકું છું, તે અપૂર્વ કથાઓ જે તેમના ઉપદેશનાં બિંદુઓને સ્પષ્ટ કરતી હતી. તે બાઇબલની બોધકથાઓની સમાન જ હતી – ‘અદ્‌ભુત, માર્ગનો જ્યોતિ-દીપ’.

સ્વામીજીના શિષ્યોને તે સિંહની કથા યાદ હશે, જે એક ઘેટાના રૂપમાં ઉછેરવામાં આવ્યો, પરંતુ ત્યાર બાદ તેને પોતાના સાચા સ્વરૂપની જાણ થઈ. પછી તેઓએ એ કથા પણ જણાવી, જેમાં એક વ્યક્તિ પૂરની ઝપટમાં આવીને પોતાની પત્ની, બાળકો તથા પોતાનું સર્વ કંઈ ગુમાવી બેસે છે, પણ જ્યારે તે પોતે સુરક્ષિત રીતે કિનારે પહોંચે છે અને તેને ભાન આવે છે, ત્યારે તે સમજી જાય છે કે આ મુસીબતો સ્વપ્ન માત્ર હતી અને તે પોતે તો અત્યારે પણ એવો જ છે જેવો પૂરની પહેલાં હતો.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.