સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં પણ એવી જ આશા હતી. એમના આકર્ષક વ્યક્તિત્વ અને એનાથીએ ચઢતી વાગ્વિદ્વત્તાએ અનેક લોકોને પોતાની નિકટ આવવામાં બાધ્ય કર્યા.

લંડન દરેક પ્રકારના વિચારોને પૂરો અવસર પ્રદાન કરે છે. આ અસંખ્ય પાસાંઓનું નગર છે. દુનિયાના દરેક ખૂણેથી દરેક સંપ્રદાયના ઉપદેશક તથા પ્રચારક લંડન તરફ ખેંચાઈને આવે છે. લાખો મનુષ્યોવાળી આ મહાનગરી એક નૈસર્ગિક ચુંબકની જેમ અગણિત દેશોમાંથી આવનારા અગણિત વિચારધારાઓના લોકોને આકર્ષતી રહે છે. અહીં દરેક પ્રકારના સિદ્ધાંતનું સ્વાગત થાય છે. રોમાંચકારી સિદ્ધાંતોના પ્રચારકોનાં વ્યાખ્યાન સાંભળવા ઉત્સુક જિજ્ઞાસુઓથી અહીં દરરોજ અનેક હોલ ભરાઈ જાય છે. ધર્મોની વિવેચના થાય છે; વાદોની આલોચના અને તુલના પણ થાય છે. દરેક શ્રેણીના સંગીતકારો દ્વારા માનવીય ભાવનાના આ મહાસંગીતની રચના થઈ છે. લંડન ખરેખર એક સજીવ જ્વાળામુખી છે, જેમાં સદૈવ વિસ્ફોટ થતા રહે છે. આ વિસ્ફોટ ક્યારેક ધાર્મિક, ક્યારેક દાર્શનિક તો વળી ક્યારેક કેવળ ઉપરના સ્તરના હોય છે. પરંતુ એ જિજ્ઞાસાથી યુક્ત તથા સાચા હોય છે.

સ્વામીજી આ લંડન શહેરમાં આવ્યા અને અહીંનાં અનેક પરસ્પર વિરોધી તત્ત્વોની વચ્ચે સ્વયંને હિન્દુ ધર્મના અગ્રદૂતના રૂપે પ્રસ્તુત કર્યા. બ્રિટિશ ચિંતનના આ કેન્દ્રમાં એ ભૂમિકા માટે એનાથી વધારે યોગ્ય અને પ્રતિભાશાળી બીજું કોઈ હોઈ શકે એમ ન હતું. તેઓ શ્રીરામકૃષ્ણની સાથે પોતાના અંતરંગ સંબંધ તથા તેના પ્રત્યે અનંત શ્રદ્ધાથી પૂર્ણ હતા. સાથે ને સાથે તેઓ એ મહાપુરુષોની બધી શક્તિને પોતાના શ્રોતાઓ પર રેડી દેતા જે મૂળભૂત સિદ્ધાંત પર શ્રીરામકૃષ્ણનું જીવન ટક્યું હતું અને સ્વામીજી જેના પર પ્રચારક હતા, તે પછીથી એમના શબ્દોમાં આ રીતે વ્યક્ત થયા હતા :

‘મતવાદો, આચારો, પંથો, ગિરિજાઘરો કે મંદિરોની પરવા ન કરતા. પ્રત્યેક મનુષ્યની ભીતર જે આધ્યાત્મિક સારવસ્તુ – આત્મતત્ત્વ વિદ્યમાન છે તેની તુલનામાં આ બધાં તુચ્છ છે. મનુષ્યની અંદર આ ભાવ જેટલો અભિવ્યક્ત થાય છેે, તે તેટલો જ સામર્થ્યવાન બની જાય છે. પહેલાં એને મેળવો. કોઈમાં દોષ ન જુઓ, કારણ કે બધા મતો તથા પથોમાં કંઈ ને કંઈ સારાપણું રહેલું છે. પોતાના જીવન દ્વારા એ બતાવી દો કે ધર્મનું તાત્પર્ય કેવળ શબ્દો, નામ કે સંપ્રદાયો સાથે નથી. પરંતુ તેનું તાત્પર્ય છે આધ્યાત્મિક અનુભૂતિ. જેમને અનુભવ થયો છે તેઓ જ એને સમજી શકે છે. જેમણે ધર્મલાભ કરી લીધો છે તેઓ જ બીજામાં ધર્મભાવનો સંચાર કરી શકે છે અને તેઓ જ મનુષ્યજાતિના શ્રેષ્ઠ આચાર્ય બની શકે છે. કેવળ તેઓ જ પ્રકાશના શક્તિપુંજ છે.’ (મારા ગુરુદેવ)

આધ્યાત્મિકતાના આ મૂળભૂત સિદ્ધાંત તથા તેની અનુભૂતિને સ્વામીજીએ જે અભૂતપૂર્વ ઢંગે પ્રસ્તુત કરી એને લીધે મોટાભાગના એમના તરફ આકર્ષાયા હતા. આખા લંડનને અત્યંત અલ્પસમયમાં જાણ થઈ ગઈ કે ત્યાં એક વિલક્ષણ વ્યક્તિત્વનો આવિર્ભાવ થયો છે. સ્વામીજીએ ધારાવાહિક વ્યાખ્યાન આપવાનું તથા આગંતુકોને મળવાનું શરૂ કર્યું. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાંના જનમાનસમાં એમણે પોતાનું સ્થાન બનાવી લીધું. તેમના નિષ્ઠાવાન પ્રશંસકોમાં કુમારી માર્ગારેટ નોબલ પણ હતાં. તેઓ પછીથી તેમનાં એક નિષ્ઠાવાન અનુગામિનીના રૂપે ભારત ગયાં, રામકૃષ્ણ સંઘનાં એક બ્રહ્મચારિણિ બન્યાં અને વેદાંતનું સમર્થન કરનારાં એક અદ્‌ભુત વક્તા તથા લેખિકાના રૂપે પ્રસિદ્ધ થયાં. વસ્તુત : એમના વારંવાર અનુરોધ પર આ પત્રકારે ઉપનગરીય આંચલમાં સ્વામીજીના આવાસની યાત્રા કરી. ત્યાં નિર્દિષ્ટ સમય પર એમને મળી શકાતું હતું અને વાતો પણ થઈ શકતી હતી. અમે એક અત્યંત ગહન સંધ્યાના સમયે એમના નિવાસ પર પહોંચ્યાં અને ત્યાં અમારી સર્વપ્રથમ નિરાશા સાથે જ મુલાકાત થઈ. સ્વામીજી એ સમયે પોતાના આવાસમાં ન હતા. છતાં પણ એક અત્યંત સૌજન્યપૂર્ણ સંદેશ અમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. એ સંદેશમાં લખ્યું હતું કે ત્યાં એક પૂર્વનિર્ધારિત વ્યાખ્યાન માટે વક્તાના ન આવવાના કારણે એમને એકાએક એમનું સ્થાન ગ્રહણ કરવાની સૂચના મોકલી હતી. અત : એમણે ઉતાવળથી સેસમી ક્લબ જવું પડ્યું છે અને અમે પણ ત્યાં જઈને એમનું વ્યાખ્યાન સાંભળી શકીએ છીએ.

ઘણા ઉત્સાહ સાથે અમે એમના નિર્દેશનું પાલન કર્યું અને એ ક્લબ શોધી લીધી. અમે એક મોટા બેઠકખંડ કે હોલમાં જઈ પહોંચ્યાં. એ હોલ સાંધ્યકાલીન પોશાકમાં આવેલા બુદ્ધિજીવીઓથી ખીચોખીચ ભર્યો હતો. એક અતિથિપરાયણ તથા કૃપાળુ સજ્જન અમને બેસાડવા માટે મંચની પાસે ખાલી પડેલી કેટલીક ખુરશીઓ પાસે લઈ ગયા. તે સ્થાન બધાની દૃષ્ટિમાં હતું અને એ કારણે અમને બધાને પણ દેખાતું હતું. અમારા ઓવરકોટ વરસાદથી તરબતર હતા અને આમ તો અમે સામાન્ય વેશભૂષામાં આવ્યાં હતાં. એનું કારણ એ હતું કે અચાનક જ અમને એક એવી વિશિષ્ટ સભામાં જવાનું નિમંત્રણ મળી જશે એવી કોઈ સંભાવના ન હતી. અમે જોયું કે ત્યાં ઉપસ્થિત થનારા મોટાભાગનાં શાળાનાં શિક્ષક-શિક્ષિકાઓ કે એવા પ્રકારનાં લોકો હતાં.

વ્યાખ્યાનનો ઘોષિત વિષય હતો ‘શિક્ષણ’. સ્વામીજી તરત જ મંચ પર આવ્યા. એમને એકાએક જ આ વ્યાખ્યાન માટે આમંત્રણ મળ્યું હતું. એટલે વ્યાખ્યાન માટે તૈયારીનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો ન હતો. તથાપિ હંમેશની જેમ અહીં પણ એમણે પોતાની યોગ્યતા પ્રમાણિત કરી. શાંત, શિષ્ટ, આત્મસંયમિત ભાવ સાથે તેઓ આગળ આવીને ઊભા થયા. તેઓ એક પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિથી અનુપ્રાણિત હતા અને એમનાં હૃદય અને કંઠ હિન્દુ ધર્મ તથા તેના જ્ઞાનથી પરિપૂર્ણ હતાં. આ એક અભિનવ દૃશ્ય હતું; એક સ્મરણીય અનુભવ હતો. એમનો શ્યામ રંગ, એમની ગહન ચમકતી આંખો અને એમની વેશભૂષા પણ આકર્ષિત અને સંમોહિત કરી રહ્યાં હતાં. વળી, સર્વોપરી એમનું વક્તૃત્ત્વ એમને એક ઈશપ્રેરિત વક્તા સિદ્ધ કરી રહ્યું હતું. એ ઉપરાંત અંગ્રેજી ભાષા પરનું એમના અદ્‌ભુત પ્રભુત્વે એમના શ્રોતાઓને વિસ્મિત અને મંત્રમુગ્ધ કરી દીધાં.

અહીં સ્મરણીય છે અને જેવું અમે આગળ બતાવી ચૂક્યાં છીએ કે તેઓ એવા શ્રોતાઓને સંબોધિત કરી રહ્યા હતા, જેમાંથી અધિકાંશ નરનારીઓનો વ્યવસાય હતો – અંગ્રેજ વિદ્યાર્થીઓને એમની માતૃભાષા ભણાવવી અને તે ભાષાના માધ્યમથી અન્ય વિષયોનું પણ શિક્ષણ આપવું. તરત જ એમને ખ્યાલ આવ્યો કે સ્વામીજી ઇતિહાસ તથા રાજનૈતિક અર્થશાસ્ત્રમાં પણ એટલા જ નિષ્ણાત છે. તેઓ એ લોકોની વચ્ચે પોતાની જ પ્રતિભાના બળે ઊભા હતા. કોઈ પણ જાતના ભય કે સંકોચ વિના એમણે શ્રોતાઓ સમક્ષ એ હિન્દુ સિદ્ધાંતને પ્રતિષ્ઠિત કર્યો કે ધન કમાવવાની દૃષ્ટિએ શિક્ષણ આપનારા શિક્ષકો સર્વોચ્ચ તથા ગહનતમ જ્ઞાન પ્રત્યે દ્રોહ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘શિક્ષણ ધર્મનું એક અભિન્ન અંગ છે અને બન્નેમાંથી કોઈ એકને પણ ન તો વેચવું જોઈએ કે ન ખરીદવું જોઈએ.’ એમના શબ્દોમાં રહેલી કટાર જેવી તીક્ષ્ણતાએ ત્યાંની વિદ્વત્ – પરંપરાના કવચને ભેદી નાખ્યું.

આમ છતાં પણ એમના વ્યાખ્યાનથી કોઈ પણ પ્રકારની કટુતા ન સર્જાઈ. એ સુસંસ્કૃત તથા ઉદાર હિન્દુએ પોતાની વિશિષ્ટ સ્મિતમુદ્રા સાથે બધી વિરોધપૂર્ણ સમાલોચનાઓને ઠંડી કરી દીધી. તેમણે પોતાના મતને સ્થાપિત કર્યો અને લોકો પર એક અમીટ છાપ છોડી. આ અમીટ છાપ છોડવા માટે તેઓ શ્રીરામકૃષ્ણની પ્રેરણાથી ત્યાં આવ્યા હતા અને પહેલા જ પ્રયાસમાં એમને સફળતા મળી. એમનો વિચાર હતો કે શિક્ષકોએ ધન કે પોતાની આજીવિકા સાથે પ્રેમથી નહીં પરંતુ છાત્રો પ્રત્યેના પ્રેમથી કાર્ય કરવું જોઈએ.
વ્યાખ્યાન પછી ફરી ચર્ચા થઈ. શિક્ષકો દ્વારા ધન કમાવવાના પક્ષમાં અન્ય કારણ રજુ કરવામાં આવ્યાં. પરંતુ સ્વામીજી પોતાના વિચારો પર અડગ રહ્યા.

તો આવી હતી એમની સાથેની અમારી પહેલી મુલાકાત! આ એવી મુલાકાત હતી જે એક સન્માનપૂર્વક મિત્રતા, એક સાચો પ્રશંસાભાવ તથા પરમકૃતજ્ઞતાપૂર્ણ સ્મૃતિમાં પરિણત થઈ.

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.