થોડાં વર્ષો પહેલાં પરિચારિકાઓના એક સમૂહે મને ડૉ. જોનાથન નામના કેન્સરના દર્દી સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેઓ ફિઝિશિયન હતા અને એમના રોગનું નિદાન હમણાં જ થયું હતું. તેમને દાખલ કર્યા ત્યારે શરીર સારું હતું અને રમૂજ પણ ઘણી કરતા. પરિચારિકાઓને રમૂજી ટુચકા કહેતા. રોગની જાણ થતાં તેઓ હતાશામાં સરી પડ્યા.

મેં તેમની સાથે વ્યક્તિનાં મનોવલણ અને રોગ વચ્ચેના આંતરસંબંધની વાત કરી. નોર્મલ કઝીન્સે ‘એનેટોમી ઓફ ઇલનેસ’ નામના પુસ્તકમાં પોતાને થયેલા શંકાસ્પદ ટીબી વિશેના અનુભવોનું વર્ણન આવી રીતે કર્યું છે :

‘શંકાસ્પદ રોગના નિદાન સાથે બાથ ભીડવાનો પ્રથમ અનુભવ મને દશ વર્ષની ઉંમરે ટીબી સેનેટોરિયમમાં મોકલતી વખતે થયો. હું ખૂબ નાજુક અને કુપોષિત હતો. ગંભીર રોગથી પીડાઉં છું તેનાં પૂરતાં કારણો હતાં. પછી મારા ધ્યાનમાં આવ્યું અને સાબિત થયું કે ડોક્ટરે સામાન્ય ડાઘનું ટીબીના ડાઘ રૂપે નિદાન કર્યું હતું. તે વખતે એક્સ-રેને ગંભીર રોગના નિદાન માટે પ્રમાણભૂત માનવામાં આવતું ન હતું. પરંતુ આ તમામ સંજોગો છતાં મેં ટીબી હોસ્પિટલમાં છ મહિના ગાળ્યા.

એ દરમિયાન બનેલી એક રસપ્રદ બાબત નોંધું છું. દર્દીઓને બે ભાગમાં વહેંચી નાખ્યા. એક, પ્રબળ વિશ્વાસુ અને રોગને હરાવીને તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે એવા દર્દીઓનો અને બીજો, માંદગીને શરણે થનાર રોગીઓનો હતો. હકારાત્મક અને આશાવાદી અભિગમવાળા એકબીજાના મિત્ર બન્યા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા અને નિરાશાવાદી અભિગમવાળા દર્દીઓ સાથે કોઈ સંબંધ ન રહ્યો. નવા દર્દી આવે ત્યારે નિરાશાવાદીઓથી બચાવીને તેઓ પોતાના સમૂહમાં સામેલ કરવાનો પ્રયત્ન કરતા. જે દર્દીઓ આશાવાદી સમૂહમાં દાખલ થતા તે જલદી સારા-સાજા થઈ જતા. બીજા સમૂહમાં દાખલ થનાર દર્દીઓની સાજા થવાની ટકાવારી નીચી રહેતી.’ નોર્મન કઝીન્સ આ અનુભવ પરથી સારા-સાજા થવામાં આશા અને શ્રદ્ધા ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, એવા તારણ પર આવ્યા. એમની દૃષ્ટિએ જીવન કેટલું અમૂલ્ય છે તેનો અનુભવ એમને થયો.

ડૉ. જોનાથને મને કહ્યું, ‘મને આ બાબતની ખબર છે. મને ટીબી થયો હતો. ડોક્ટરે ટીબી સેનેટોરિયમમાં દાખલ થવા કહેલું પણ મેં ના પાડી. મેં કહ્યું કે હું ક્રિસમસ મારા પરિવાર સાથે માણીશ. અને છ મહિનામાં એટલે કે ૨૬મી ડિસેમ્બરે હું પૂરેપૂરો સાજો થઈ ગયો અને મને રજા આપી.’ આવા જ અભિગમથી તું કેન્સરને હરાવી શકીશ, એમ મેં એને કહ્યું. પણ જોનાથન બે અઠવાડિયામાં મૃત્યુ પામ્યો. એની પત્નીએ જોનાથનને સારા થવાના મેં કરેલા પ્રયત્નો માટે મારો આભાર માન્યો. પણ એના પતિએ પોતાના જીવન અને કાર્યમાંથી રસ ગુમાવી દીધો હતો અને રોગમાંથી સારા થવાનો જંગ ખેલવા તે તૈયાર ન હતો.

સર વિલિયમ ઓસ્લર નામના એક મહાન કેનેડિયન ડોક્ટર અને તબીબી ઇતિહાસકારે કહ્યું છે કે ટીબીમાંથી સારા થવાને દર્દીના મન સાથે વધુ સંબંધ છે અને દર્દીના ફેફસામાં કેટલો બગાડ છે એની સાથે ઓછો. હિપોક્રેટ્સ કહેતા, ‘મને ક્યા પ્રકારના માણસને રોગ થયો છે તે જાણવામાં વધુ રસ છે, માણસને ક્યા પ્રકારનો રોગ થયો છેે તે જાણવાનું ડોક્ટર માટે બહુ મહત્ત્વનું નથી. ૧૯મી સદીના મહાન જીવવૈજ્ઞાનિકો લુઈ પાશ્ચર અને ક્લાઉડી બર્નાર્ડ કહેતા કે રોગની ઉત્પત્તિ માટે શું વધુ મહત્ત્વનું છે ? માનવશરીર કે રોગનાં જંતુ ? બર્નાર્ડ માનતા કે રોગ થવા માટે જંતુ નહીં, પણ માનવશરીર વધુ મહત્ત્વનું પરિબળ છે.

ઉપરોક્ત બધી બાબતોની જાણકારી હોવા છતાં દુર્ભાગ્યે આજે પણ ડોક્ટરો અને તબીબી વિજ્ઞાન રોગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ખરેખર રોગ માણસનો શિકાર નથી કરતો પરંતુ માણસ પોતાને રોગનો શિકાર બનાવીને પોતાની જાતને રોગને હવાલે કરી દે છે. એટલે જંતુઓ-કારણો આપણી આજુબાજુ હોવા છતાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને આપણે એના સકંજામાં ફસાઈ જઈએ છીએ. જ્યાં સુધી આપણી આંતરિક શક્તિ મજબૂત હોય ત્યાં સુધી જંતુઓ કે કારણો આપણને નુકસાન કરી શકતાં નથી. તબીબી વિજ્ઞાન માટે દર્દીઓ શા માટે તંદુરસ્ત છે તેનો અભ્યાસ કરવાનું કાર્ય બાકી છે. દર્દીનો જીવન પ્રત્યેનો અભિગમ જીવનની ગુણવત્તા અને લંબાઈ નક્કી કરે છે.

સાજા થવા માટે દર્દીઓ વચ્ચે વિશાળ ભિન્નતા જોવા મળે છે. કેટલાક પોતાની જીવનશૈલી બદલવા સિવાય કંઈપણ કરવા તૈયાર હોય છે. દર્દીઓને હું ઓપરેશન અને જીવનશૈલીમાં બદલાવ એ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા કહું છું. દશમાંથી આઠ દર્દીઓ ઓપરેશનનો વિકલ્પ પસંદ કરે છે. દર્દી કહે છે, ‘મારે કંઈ જ કરવાનું નથી, માત્ર બાળકની સંભાળ એક અઠવાડિયા માટે કોઈકને સોંપવી અને હોસ્પિટલમાં દાખલ થઈ જવું.’

બીજી બાજુએ કેટલાક દર્દીઓ કોઈપણ સંજોગોમાં હાર સ્વીકારવા તૈયાર હોતા નથી. ઉદાહરણ તરીકે કેન્સરથી પીડાતી એક અંધ, અપંગ સ્ત્રી સેવેલી અપેક્ષા કરતાં લાંબંુ જીવન જીવી ગઈ. તે હંમેશાં ટેલીફોન ઉપર બીજાને હસાવતી, પ્રોત્સાહિત કરતી અને પ્રેરણા આપવામાં વ્યસ્ત રહેતી. આવા અપવાદ રૂપ દર્દીઓએ મને શીખવ્યું કે મન શરીર ઉપર ચમત્કારિક રીતે અસર કરી શકે છે અને શારીરિક રોગો પ્રેમ કરવાની શક્તિને સીમિત કરી શકતા નથી.

સ્વસંરક્ષણની આપણી જન્મજાતવૃત્તિ અને મૃત્યુ વિશેનો કુદરતી ભય એકબીજાનાં વિરોધાભાસી છે, એવો ફ્રોઈડનો મત છે. આધુનિક મનોવૈજ્ઞાનિક એ સ્વીકારતા નથી. આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો માત્ર પોતાનું જીવન પસાર કરે છે. પણ અપવાદ રૂપ દર્દીઓ નિષેધાત્મક જીવનશૈલી સાથે સંઘર્ષ કરે છે અને તેના પર વિજય મેળવે છે. આ રીતે તેઓ ‘મૃત્યુની ઇચ્છા’ને મારી હટાવે છે. એમનાં પ્રત્યેક વિચાર અને કર્મ જીવનને દીર્ઘતા બક્ષવામાં કારણરૂપ બને છે. હું વ્યક્તિગત રીતે માનું છું કે આપણી અંદર જૈવિક દૃષ્ટિએ ‘જીવન’ અને ‘મૃત્યુ’નું એક વિજ્ઞાન હોય છે, એક યંત્ર રચના હોય છે. બીજા ડોક્ટર મિત્રોના અનુભવ અને વૈજ્ઞાનિક સંશોધનના અંતે એવું ધ્યાનમાં આવ્યું છે કે અંત :સ્રાવી ગ્રંથિઓ પર અસર કરીને આ યંત્રરચના શરીરમાં ‘જીવનસંદેશ’ મોકલે છે. ભય, હતાશા અને આંતરિક સંઘર્ષ તેમજ અશાંતિ ‘મૃત્યુસંદેશ’ મોકલે છે.

વિજ્ઞાન કેટલાક અનપેક્ષિત ‘ચમત્કાર’ કેવી રીતે બને છે તે સમજાવી શકતું ન હોવા છતાં સાજા થવાની પ્રત્યેક પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. અપવાદ રૂપ દર્દીઓ તેમની તીવ્ર જિજીવિષા તેના શ્રેષ્ઠ સ્વરૂપે પ્રદર્શિત કરે છેે. તેઓ પોતાના જીવન ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવે છે અને તંદુરસ્તી અને મનની શાંતિ પામવા અથાક પ્રયત્ન કરે છે.

તેઓ સાજા થવા ડોક્ટર પર આધારિત હોતા નથી, પરંતુ ડોક્ટરને તેઓ પોતાની ટીમના એક મહત્ત્વના સભ્ય ગણે છે. ડોક્ટરની પાસે ખુલ્લા મન, વિશાળ દૃષ્ટિકોણ, શ્રેષ્ઠ સંસાધનોની અપેક્ષા રાખે છે. જો તેમને સંતોષ ન થાય તો તેઓ ડોક્ટર બદલી નાખે છે.

 

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.