દેશના, સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે :

‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં, સિંહ જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.’

સ્વામી વિવેકાનંદજીએ કહેલું કે માનવતા જ મનુષ્યનો સાચો ધર્મ છે. પડોશી ધર્મ જ મુખ્ય ધર્મ છે. પરંતુ આજે આપણે આ ભૂલી ગયા છીએ. આજે સહજીવન શકય જ નથી રહ્યું.

બે કુટુંબોથી શરૂ કરીને ગામ અને રાષ્ટ્ર સાથે રહી શકતાં નથી. સ્વામી વિવેકાનંદજીએ કહેલું કે એક્ કૂતરો પણ ભૂખ્યો નહીં રહે ત્યારે રાષ્ટ્ર ઐશ્વર્યશાળી બનશે. ગાંધીજીએ આ જ વાત પોતાની રીતે રજૂ કરેલી અને ગ્રામોત્થાનની વાત કરી હતી.

ગ્રામોત્થાન એટલે આજે ખ્યાલ એવો છે કે મકાનો બાંધવાં, રસ્તા બાંધવા, પાણી ભેગું કરવું, પરંતુ ગાંધીજીની વિકાસની કલ્પના આ ન હતી. તેઓ તો માણસને બેઠો કરવા ઇચ્છતા હતા. જ્યાં સુધી માણસ નહીં બદલાય ત્યાં સુધી ગામ, સમાજ કે દેશ નહીં બદલાય. પશુ અને પક્ષીનો સમાજ નથી હોતો. માણસ માટે સમાજ બને છે અને સમાજના ધારણ-પોષણ માટે નિશ્ચિત મૂલ્યો નક્કી કર્યાં છે.

માનવને બદલવા માટે માનવીની વૃત્તિ બદલવી પડે. તેને સ્વહિતને બદલે સમાજહિત કે પરહિત વિશે વિચારતો કરવો પડે. લોકોમાં સામાજિકતા વધે તે જરૂરી છે. સ્વામી વિવેકાનંદ કહે છે :

સમર્પાે, કિંતુ ના જરીય બદલામાં કંઈ ચહો,
અરે ! બિન્દુ ઇચ્છો !

તજી દઈ તમે સાગર મહા !
સહુ ભૂતો કેરો સુહૃદ બસ એ પ્રેમ સમજો,

અને બ્રહ્મે, કીટે સકળ અણુ આધાર ગણજો.
સહુનો એ પ્રેમી, પરમ તમ, પ્રેમાસ્પદ બનો,

બધું વારી નાખો, તનમન પ્રભુનાં ચરણમાં;
બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને,

બીજે શોધો શાને ?
જીવ – પૂજનમાં છે શિવપૂજા.

દરેક માણસમાં નિષ્કામભાવે પોતાનું સર્વસ્વ સમર્પી દઈને સેવાનો ધર્મ નિભાવવાનો છે. એટલે જ દરેક માનવમાં આવું પરિવર્તન લાવવું પડશે.

અમે આ માટે એક ગામ – રાલેગાંવસિદ્ધિમાં કામ કર્યું. તેમાં સફળતા મળી છે એટલે હવે ૩૦૦ ગામડાં પસંદ કરીને ત્યાં કામ શરૂ કર્યું છે. રાલેગાંવસિદ્ધિ ગામ અભાવગ્રસ્ત હતું, રોજગાર ન હતા, દારૂ, લૂંટ પૂરજોશમાં હતાં; તેમાં આજે પરિવર્તન થયું છે. દલિતો ૫ર રૂપિયા ૬૦ હજારનું દેણું હતું તે ગામે ભરી દીધું. દલિતો મંદિરમાં પ્રવેશે છે, એક જ કૂવેથી પાણી ભરે છે અને બધા ગ્રામજનો એક સાથે ઉત્સવો, તહેવારો ઊજવે છે. શાળા માટે રૂા.૨૨ લાખનું મકાન પોતાના ફાળામાંથી અને શ્રમથી બનાવ્યું છે. બહારથી એક પણ પૈસો લીધો નથી. અમારે ત્યાંના છાત્રાલયમાં અમે નાપાસ થયેલા નબળા વિદ્યાર્થીઓને દાખલ કરીએ છીએ અને તેનું પરિણામ ૯૦ થી ૯૫ ટકા આવે છે.

માનવને બદલવા માટે બે-ત્રણ બાબતો વિચારવી જરૂરી છે :

(૧) જે સમાજને બદલવો છે તે સ્વાર્થી છે. તેને જ્ઞાન નથી જોઈતું, ફાયદો જોઈએ છે, તેથી પ્રથમ તો તેને ફાયદો થાય તેવાં કામો શરૂ કરવાં જોઈએ. અમે પાણીની તકલીફવાળાં ગામોમાં પ્રથમ તો પાણીની સગવડ થાય તેવું આયોજન કરીએ છીએ.

(૨) નેતાગીરી ચરિત્રશીલ હોવી જોઈએ. આજે તેનો અભાવ છે તેથી તેમનો પ્રભાવ પ્રજા પર નથી પડતો. કાર્યકરોની જીવનશૈલીની અસર પ્રજા પર પડે છે.

(૩) જીવન મોજમઝા માટે નથી. જીવનનું કર્તવ્ય સેવા છે, એ પ્રજાને સમજાવવું જોઈએ. અમે આ માટે એક હજાર યુવાનો તૈયાર કરીને ગામડામાં મોકલવાનું નક્કી કર્યું છે. યુવાને વિચારવું જોઈએ કે જીવનમાં શું મેળવવું છે ? મેં મારા જીવનમાં શોધ કરી છે. જો ખાવુંપીવું એ જ જીવન હોય તો પશુ અને માણસમાં શો ફેર છે ? બધાંમાં એક ચેતનશક્તિ છે. ચેતન વગરના દેહની કોઈ કિંમત નથી. જીવનનું તત્ત્વજ્ઞાન સમજાશે નહીં, ત્યાં સુધી મૂલ્યનિષ્ઠ સમાજ નહીં બને.

માણસ બદલવાનું કામ અઘરું છે. ટીકા થશે. પણ કામ છોડવું નહીં. છોડવું એ તો દોષ છે. જે પોતાના માટે જીવે છે તે મરે છે. અને જે બીજા માટે જીવે છે તે સદીઓ સુધી જીવે છે. સેવા કરનારે અપમાન સહન કરવાં પડશે. વિરોધનો વિરોધ નથી કરવાનો; વિરોધ આપણા કામથી શાંત થશે.

માનવી જન્મથી શરૂ કરીને સતત કંઈક મેળવવાની દોડમાં રહે છે. પરંતુ મૃત્યુ વખતે કંઈ સાથે નથી આવતું. મારા ચિત્તમાં આ પ્રશ્ન ઘણા સમયથી ઘુમરાતો હતો અને અંતે થાકીને આપઘાત કરવાનું વિચારેલું. આ સમયે દિલ્હી સ્ટેશને સ્વામી વિવેકાનંદજીનું પુસ્તક વાંચવા મળ્યું અને મારા જીવનની દિશા બદલાઈ ગઈ. યુદ્ધ સમયે મારા સાથીઓને મૃત્યુ પામતા જોયા અને હું બચી ગયો તેનો અર્થ મને એ સમજાયો કે મારા જીવનનો કોઈ હેતુ છે. મારો પુનર્જન્મ થયો. લગ્ન ન કરવાનું નક્કી કર્યું અને આર્મીમાંથી વહેલો નિવૃત્ત થયો અને રાલેગાંવ આવ્યો. ત્યારે એ ગામમાં કોઈ રોજગારી નહોતી. દારૂની ૪૦ ભઠ્ઠી હતી. ત્યાં મેં સેવાકાર્ય શરૂ કર્યું અને ગામની નવરચના કરી. આજે ગામ સ્વાવલંબી તો બન્યું જ છે. બહાર માલ મોકલે છે.

આ દેશના પતનનાં કારણોમાં મુખ્યત્વે સામાજિક દાયિત્વનો અભાવ તથા ભ્રષ્ટાચાર છે. આને વિશે નાગરિકોએ ગંભીરતાથી વિચારવું પડશે. આપણે કોઈ વ્યક્તિ, પક્ષ સામે આંદોલન નથી ચલાવવું. આ વૃત્તિ સામે લડવાનું છે. પૈસા ખાવાવાળાને રોકવા એ જ અમારો હેતુ નથી, અમારે સમાજ પરિવર્તન કરવું છે, માનવને બદલવો છે. આજે તો નાગરિકોને પોતાના અધિકારોનું ભાન નથી. તેમને જાગૃત કરવા પડશે.

(‘બિરાદર’ પત્રિકાના સૌજન્યથી)

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.