ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા શિષ્ય હતા. છેવટ સુધી તેઓ અહિંસામાં માનતા અને તેમાંથી ચલાયમાન થવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. પોતાના અવસાન પહેલાં દસ દિવસ ઉપર તેમણે ન્યૂયોર્કના હારલેમ લત્તામાં હબસીઓને કહ્યું હતું, ‘અહિંસા એ આપણું સૌથી વધુ અસરકારક શસ્ત્ર છેે.’ ૩૯ વર્ષની યુવાન વયે તેઓ ગાંધીજીની જેમ હત્યાનો ભોગ બન્યા. એમની સાથે જ અમેરિકાના એક અંશની, સર્વોત્તમ અંશની હત્યા થઈ. ઘણા દેશો પોતાના મોટામાં મોટા પુત્રોની હત્યા કરે છે.

ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ સવિનય કાનૂનભંગમાં રોકાયેલા હતા અને તેમાં તેમને સફળતા પણ મળી હતી. તેમણે ગાંધીજીની પદ્ધતિ અપનાવી હતી. હબસીઓએ અને ગોરાઓએ ઘણીવાર રંગભેદની નીતિ સામે અને અમેરિકનોની વધતી જતી સંખ્યાએ વિયેટનામને લગતી અમેરિકાની નીતિ સામે સવિનય કાનૂનભંગનો ઉપયોગ કર્યો.

યેલ યુનિવર્સિટીના ચેપલેન રેવ. ડૉ. વિલિયમ સ્લોન કાૅફિન ઉપર બાળતાલીમના વિખ્યાત નિષ્ણાત ડૉ. બેન્જામિન સ્પોક ભેગો જુવાનોને લશ્કરી સેવા માટે ફરજિયાત ભરતીનો વિરોધ કરવા પ્રેરવાનો આરોપ મૂકવામાં આવ્યો, ત્યારે ડૉ. કિંગની હત્યાના છ દિવસ પહેલાં તેમણે ન્યૂયોર્કમાં ‘અંતરાત્માના અવાજને માથે ચડાવવાની’ તરફેણ કરી હતી. તેમણે માણસે ઘડેલા કાયદાને ગૌણ સ્થાન આપ્યું હતું.

૧૯૪૨માં અને ૧૯૪૫માં ગાંધીજીની ‘ઝૂંપડી’ના મહેમાન થયા પછી ગાંધીજી શા માટે ઉપવાસ કરે છે, એ અમેરિકાના શ્રોતાઓને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો હતો. એનો સામાન્યપણે એવો પ્રત્યાઘાત પડતો હતો કે અમેરિકામાં કોઈ જાહેર હેતુ સિદ્ધ કરવા ઉપવાસ કરવામાં આવે તો તે હાસ્યાસ્પદ બની જાય. પણ અત્યારે અમેરિકામાં શાંતિ માટેના ઉપવાસો સામાન્ય ઘટના બની ગઈ છે. ૧૯૬૮ના માર્ચમાં મેસેચ્યુસેટ્સમાં આવેલી સ્મિથ કાૅલેજમાં ૧૨૭૭ વિદ્યાર્થિનીઓએ વિયેટનામના યુદ્ધના વિરોધમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ૨૫૦ વિદ્યાર્થીઓએ-જેમાં ફુટબાૅલ ટીમના વિખ્યાત આગેવાનોનો પણ સમાવેશ થતો હતો- ૧૯૬૮ના ફેબ્રુઆરીમાં શાંતિ માટે ઉપવાસ કર્યા હતા. વિયેટનામમાં અમેરિકા વચ્ચે પડ્યું એનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અને બીજે પણ ઉપવાસ કર્યા છે. એ બધા ગાંધીજીના દૃષ્ટાંતમાંથી પ્રેરણા લે છે. વિએટનામમાં લડવાની ના પાડવા ખાતર હજારો યુવાનો જેલમાં જાય છે. કેટલીક યુનિવર્સિટીઓએ એવું જાહેર કર્યું છે કે આવા વિદ્યાર્થીઓને એમની સજાની મુદત પૂરી થયા પછી ફરી દાખલ કરવામાં આવશે અને તેમના દરજ્જાને કશી હાનિ પહોંચશે નહીં. અમેરિકાના નૌકા સૈન્યના એક કેપ્ટને વિયેટનામ માટે વિમાન ચાલકોને તાલીમ આપવાના હુકમનો ભંગ કર્યો હતો અને તેને એક વર્ષની સજા ફરમાવવામાં આવી.

ગાંધીજી અમેરિકામાં ખૂબ જીવતાજાગતા હોય એવું લાગે છે. તાજેતરમાં પાૅલેન્ડ અને સાૅવિયેટ યુનિયનમાં સવિનય કાનૂનભંગ આચરવામાં આવ્યો છે. પણ ભારતમાં શું છે ? ૧૯૬૮ના જાન્યુઆરીની ૩૦મી તારીખે ગાંધીજીની હત્યાના વાર્ષિક દિવસે જયપ્રકાશ નારાયણે જાહેર કર્યું હતું કે ‘પ્રચારના હેતુ માટે’ પોતાને ગાંધીજીના પક્ષ તરીકે ઓળખાવ્યો હતો, પણ ‘એણે તેમના ઉપદેશની સંપૂર્ણ ઉપેક્ષા કરી હતી. ભારતમાં આજે આપણે આ કરી રહ્યા છીએ. આપણે આપણા મહાપુરુષોનું માનતા નથી. આપણે તેમને ઊંચા સિંહાસન ઉપર કે પૂજાના ગોખલામાં ગોઠવી દઈએ છીએ અને પછી તેમના તરફ પીઠ ફેરવી લઈએ છીએ.’ હિન્દુસ્તાનના સરકારી અમલદારો ઉપર ગાંધીજીના જીવનદર્શનનો વધારે પ્રભાવ છે કે અંગ્રેજોની સાંસ્થાનિક પરંપરાનો, એવું પૂછવામાં આવતાં જયપ્રકાશ નારાયણે ખેદપૂર્વક જણાવ્યું હતું, ‘અંગ્રેજોની પરંપરા’નો. બરાબર આમ જ થશે એવો ગાંધીજીને ભય હતો અને તેવું ન બને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આમ છતાં જયપ્રકાશ નારાયણ માને છે કે ખેડૂતો અને સામાન્ય જનતાનાં હૈયાંમાં ગાંધીજી વસે છે. કદાચ આમાં જ જનસમુદાય અને ચુનંદા રાજકર્તા વર્ગ વચ્ચે જે અંતર પડી ગયું છે, તેનો ખુલાસો રહેલો છે. તરુણો એટલે કે યુરોપમાં અને અમેરિકામાં અને તે પહેલાં ભારતમાં મને જે ભારતીય યુવાનોનો ભેટો થયો છે, તેઓ ગાંધીજીનાં જીવન અને કાર્ય વિશે જાણવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું જાણે છે. તેઓ એટલું જ જાણે છે કે ગાંધીજીએ ભારતને સ્વતંત્રતા અપાવી હતી. પણ ગાંધીજી તો એ દેશના રાષ્ટ્રપિતા કરતાં ઘણું વિશેષ હતા. તેમનું જીવનદર્શન એવું હતું કે ભારતને ફરી બેઠું કરી શકે અને આખી માનવજાતને ઉપયોગી થઈ પડે.

આપણે હિંસાના યુગમાં જીવીએ છીએ. પૃથ્વી આજે હત્યાની જાળમાં ફસાયેલી છે અને એમાં પ્રધાન અપરાધી અમેરિકા છે. સત્યને ભોગવવું પડે છે; દ્વેષનો વિજય થાય છે; પ્રેમ માર્યો માર્યો ફરે છે.

ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કર્યું એની જે ભારતીયો કદર કરે છે અને તેમનું જીવનદર્શન સમજે છે તેઓ પણ તેમના આર્થિક વિચારોની હાંસી ઉડાવે છે. પણ ગાંધીજી ભારતને બરાબર ઓળખતા હતા, તેઓ પોતાનાં આંખથી અને કાનથી ભારતને ઓળખતા હતા; પોતાના પગથી અને ચામડીથી પણ ઓળખતા હતા, પોતાના હૃદયથી અને સહજવૃત્તિથી ઓળખતા હતા. તેમને મન ભારત એટલે એનાં લાખો ગામડાં, કરોડો ગ્રામજનો. તેમણે એવી આશા રાખી હતી કે સ્વતંત્ર ભારત પહેલી ચિંતા આ લોકોની કરશે. પણ આજે પહેલી અને બીજી પંચવર્ષીય યોજનામાં ખેતીને બદલે ઔદ્યોગિક વિકાસને વધારે મહત્ત્વનું સ્થાન મળ્યું છે. આવું લાલચીન અને સાૅવિયેટ રશિયામાં પણ બન્યું હતું. છાપરું અને આગલો દર્શનીય ભાગ બાંધવામાં ઝાકઝમક અને કીર્તિ હોય છે તેણે અમલદારોનાં મગજ ફેરવી નાખ્યાં. તેઓ અનાજ, કપાસ અને શણ પેદા કરનાર ગામડાંના પાયાને ભૂલી ગયા. એટલે ચીન અને રશિયાના આર્થિક વિકાસની જેમ ભારતનો આર્થિક વિકાસ પણ કુંઠિત થયો. લોકોને ભોગવવું પડ્યું. કેટલાક અન્ન વિના મરી ગયા. પૈસા ખર્ચીને કે દાન તરીકે અનાજ બહારથી લાવવું પડ્યું. ખેતરો, કારખાનાં, બંધો આ બધું રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી છે. ગાંધીજીએ આ રચનાકાર્ય નીચેથી શરૂ કરીને ઉપર લીધું હતું. આયોજનમાં અગ્રસ્થાન કોને આપવું એનો વિચાર પહેલાં કરવો પડે છે. ભારતનાં ગામડાંને અગ્રસ્થાન ન મળ્યું. એની ઉપેક્ષાનાં માઠાં ફળ ભારતના લોકો ભોગવે છે.

ખેડૂતોનું કલ્યાણ કે અહિંસા ઉપરાંત ગાંધીજી જાહેર જીવનમાં અમુક પ્રકારની શુદ્ધિના આગ્રહી હતા. તેમને મન સાધનો જ સૌથી મહત્ત્વનાં હતાં. સાધ્યો તો હાથમાં આવતાં જ નથી, કારણ કે બધાં જ સાધ્યો બીજાં સાધ્યોનાં સાધન બની જાય છે, જે પોતે પણ સાધન જ હોય છે. જાહેર જીવનની શુદ્ધિ એ ભારતના રાજકારણનું વિશેષ લક્ષણ હોય એમ લાગતું નથી. ચાલુ સરકારને સત્તાથી દૂર કરીને એનું સ્થાન લેવા સામ્યવાદ વિરોધીઓ સામ્યવાદીઓ સાથે જોડાણ કરે છે. સમાજવાદીઓ અને સામ્યવાદીઓ રાષ્ટ્રવાદી ધાર્મિક પક્ષો અને બીજા અત્યંત રૂઢિચુસ્તો સાથે જોડાય છે. આદર્શાે કરતાં હોદ્દાનું મહત્ત્વ વધારે મનાય છે. પરદેશ સાથેના સંબંધો વિશે બીનજોડાણની નીતિના સિદ્ધાંતને વફાદાર રહેવાની અને બહારનાં દબાણોનો સામનો કરવાની સગવડ આપે છે. પણ તેમાં નીતિનો અભાવ છે. કાર્યસાધકતાની જ આણ પ્રવર્તે છે. ભારત સરકાર હંમેશાં બહારનાં દબાણોનો સામનો કરે છે ખરી ? કાલ્પનિક લોભ ખાતર સિદ્ધાંતોને વેચી ખાવામાં આવે છે ખરા ? ભારતના રાજ્યનું પારણું ગાંધીજીએ હળવેકથી ઝુલાવ્યું એટલા કારણસર એ રાજ્ય બીજાં રાજ્યો કરતાં જુદી જાતનું છે કે ચડિયાતું છે ખરું ?

ભારતે પોતાના ઉત્તમમાં ઉત્તમ ખજાનાને બહાર મોકલી દઈને પોતાની જાતને દરિદ્ર બનાવી દીધી છે. એણે બુદ્ધને જન્મ આપ્યો. આજે ભારત બહાર તેમના કરોડો અનુયાયીઓ છે અને ભારતમાં મુઠ્ઠીભર જ. ભારતની માટીએ અને હવાએ ગાંધીજીને પોષ્યા હતા. એમના પોતાના દેશમાં આજે સાચા ગાંધીવાદી કેટલા મળે ? એ ગાંધીવાદીઓનો પ્રભાવ કેટલો ? શું ભારત ગાંધીજીને ખોઈ બેસશે ? ગાંધીજી ખોવાયેલા મહાત્મા બની જશે ? શું પયગંબર પોતાને ઘરને આંગણે આદર વગરના રહેશે ?

Total Views: 304

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.