ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો હતો. તેમના પિતા જગન્નાથ મિશ્ર સંસ્કૃતના પ્રખર પંડિત. માતા હતાં શચીદેવી. બન્ને ધાર્મિક સંસ્કારવાળાં. ચૈતન્ય જન્મ્યા ત્યારે તેમના કાને ‘હરિબોલ’ શબ્દો પડ્યા અને એ શબ્દો સાંભળતાં જ તેમનું શિશુવદન આનંદથી ખીલી ઊઠ્યું હતું, એમ કહેવાય છે. પિતા મોટા જ્યોતિષી હોવાથી પુત્રના જન્મતાંવેંત કહ્યંુ, ‘આ તો અલૌકિક પુરુષ થનાર છે.’ તેમનું નામ જ્યોતિષની દૃષ્ટિએ ગ્રહનક્ષત્રોના આધારે ‘વિશ્વંભર’ રાખ્યું. વિશ્વંભર નામ ભગવાનનુંય છે. આ વિશ્વંભર એટલા બધા ગૌરવર્ણના અને સુંદર હતા કે તેમને સૌ ‘ગૌરાંગ’ના નામે પણ ઓળખતા. માતાએ એમનું નામ નિમાઈ રાખેલું. એનું કારણ એ હતું કે એમનો જન્મ લીમડાના(નીમ) ઝાડ નીચે થયો હતોે. એક એવી માન્યતા હતી કે લીમડો યમદૂતોને પાસે આવવા દેતો નથી. એ રીતે યમદૂતો વિશ્વંભરની પાસે ન આવે માટે તેમનું નામ નિમાઈ પાડવામાં આવ્યું હશે.

આ નિમાઈ જ્યારે ઘણા નાના હતા, ત્યારે પિતાજીએ તેમની પરીક્ષા કરવા તેમની સામે સોનું, અન્ન, વસ્ત્ર, લેખનસામગ્રી અને શ્રીમદ્ ભાગવત મૂક્યાં. આઠ-દશ મહિનાના બાળક નિમાઈએ આ બધાંમાંથી ભાગવત પસંદ કર્યું. એના પરથી સૌને મનમાં થયું કે આ કોઈ અલૌકિક જીવ છે.

નિમાઈને ચાલતાં આવડ્યું તે પછી તેઓ ફરતા ફરતા એક ઝાડ નીચે પહોંચ્યા. ત્યાં એક નાગ ફેણ કાઢીને બેઠો હતો. નિમાઈ તેની પાસે ગયા અને તેની ફેણ પર હાથ મૂક્યો. નાગ તેમને વીંટળાઈ ગયો. આ બાજુ માબાપ નિમાઈની શોધમાં નીકળ્યાં. તેમણે નાગથી

વીંટળાયેલા નિમાઈને જોયો અને ગભરાઈ ગયાં. નિમાઈ તો બિલકુલ સ્વસ્થ જ હતા. થોડી વાર બાદ નાગ એની મેળે શાંતિથી ચાલ્યો ગયો. માબાપે રાહતનો દમ ખેંચ્યો. તેમણે વહાલથી નિમાઈને તેડી લીધોે.

નિમાઈને એમનાં માતાપિતા બહુ લાડકોડમાં રાખતાં. ઘરની સ્થિતિ સારી એટલે એમને સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવતાં. એક વાર નિમાઈના કાનમાં સોનાની કડીઓ જોઈને એક ચોરની દાનત બગડી. તે એમને ફોસલાવીને તેડીને ચાલવા મંડ્યો. નિમાઈને મનમાં જરાય બીક કે ગભરામણ હતાં નહીં. એ તો ખિલખિલાટ હસતા હતા. એમની આવી સૂરત જોતાં જ ચોરનો હૃદયપલટો થયો અને તે નિમાઈને એમના ઘરના વાડામાં પાછા મૂકીને ચુપચાપ ચાલતો થયો.

નિમાઈ ભણવામાં ઘણા હોશિયાર. પિતાએ કક્કો ભણાવવા માંડ્યોે. તે થોડા દિવસમાં શીખી લીધો. વાંચવાનુંય ઝટપટ શીખ્યા.

આ વિશ્વંભરને પોતાનાથી દશ વર્ષ મોટા એક ભાઈ હતા. એમનું નામ વિશ્વરૂપ હતું. તેય તેજસ્વી પણ સંન્યાસીની વૃત્તિવાળા. લગ્ન કરવાની વાત આવી, ત્યારે તેમણે તેનો ઇન્કાર કર્યો અને રાત્રે ગુપચુપ ચાલ્યા ગયા. પછી સંન્યાસી બન્યા. આથી માબાપને નિમાઈ વિશે પણ ચિંતા થવા લાગી. નિમાઈ પણ જો વિશ્વરૂપ જેવો થાય તો મુશ્કેલી ઊભી થાય. તેમણે નિમાઈને નિશાળમાંથી ઉઠાડી લીધો, પણ નિમાઈને તો ભણવાનું ભારે આકર્ષણ. એમણે ભણવા માટે ત્રાગડો કર્યો. ગળામાં હાંડલી લટકાવીને ફરવા માંડ્યા. માએ તે જોયું. તેમને આવા વર્તાવ માટે ટોક્યા. નિમાઈએ પોતાને ફરીથી ભણવા મોકલવામાં આવે, તે શરતે જ હાંડલી છોડવાનું સ્વીકાર્યું. આમ નિમાઈને ફરીથી માએ ભણવા મૂક્યા. નિમાઈએ ન્યાય, વ્યાકરણ આદિ અનેક શાસ્ત્રો ઘણી ઝડપથી શીખી લીધાં. પંડિત ગંગાદાસ જેવા મહાન ગુરુ દ્વારા તેમને શિક્ષણ મળ્યું. તેઓ પંદર વર્ષની ઉંમરે એટલા જ્ઞાનસમૃદ્ધ બન્યા કે તેમને પાઠશાળા ચલાવવાનું સોંપવામાં આવ્યું. તેઓ એવી સુંદર પાઠશાળા ચલાવતા કે બીજેથી પણ ઘણા વિદ્યાર્થીે એમની પાસે ભણવા આવવા લાગ્યા.

એક તબક્કે આ નિમાઈ વૈષ્ણવોની ઠેકડી કરતા હતા, ટીલાંટપકાં વિશે ટીકા કરતા હતા; પરંતુ પછીથી કાળક્રમે તેઓ પોતે જ પરમ વૈષ્ણવ બની રહ્યા.

આ નિમાઈ વિદ્વત્તામાં કેવા તેજસ્વી હતા એની કેટલીક કથાઓ છે. રઘુનાથ નામના ન્યાયશાસ્ત્રના એક પ્રખર પંડિત હતા. એમણે એ વિષય પર એક મહાન ગ્રંથ લખ્યો હતો. એક વાર નિમાઈ એમને ત્યાં પહોંચી ગયા. એ પંડિતને એક શ્લોકનો અર્થ સૂઝતો ન હતો. નિમાઈએ સહેજમાં જ એનો અર્થ સ્પષ્ટ કરી આપ્યો. પંડિત તો એમની આ શક્તિથી ચકિત જ થઈ ગયા. આ પંડિતને ત્યાં નિમાઈ જમ્યા પછી પેલો ગ્રંથ એમને બતાવવામાં આવ્યો. નિમાઈએ પણ એવો ગ્રંથ લખ્યાનું પંડિતની જાણમાં આવ્યું હતું. એટલે પંડિતે એ ગ્રંથ જોવા માગ્યો અને તે જોતાં જ પંડિત તો પામી ગયા કે નિમાઈના ગ્રંથ આગળ પોતાનો ગ્રંથ ટકી નહીં શકે. એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. નિમાઈ એ પંડિતના રડવાનું કારણ પામી ગયા અને તરત જ પોતાના લખેલા ગ્રંથને એમણે ગંગાનદીમાં પધરાવી દીધો ! પેલા પંડિત, ‘હાં, હાં, આ શું કરો છો?’ એમ કહેતા રહ્યા. નિમાઈએ આ પંડિતનું મન રાખવા પોતાના ગ્રંથને નિ :સ્પૃહભાવે ત્યજી દીધો.

નિમાઈ પાસે જેવી ઉત્કૃષ્ટ વિદ્વત્તા હતી, એવું જ ઉત્કૃષ્ટ હતું વક્તૃત્વ. એમની સંભાષણ શક્તિથી અનેક લોકો પ્રભાવિત થતા. ઈશ્વરપુરી નામે એક સંન્યાસી હતા. તેઓ નિમાઈ પાસે આવ્યા, મળ્યા, વાતો કરી, એમનાથી ઘણા અંજાઈ ગયા. એમને નિમાઈ વંદનીય લાગ્યા. પરંતુ નિમાઈ પણ ઉદાત્ત પ્રકૃતિના હતા. એમણે તો ઈશ્વરપુરીની આગતાસ્વાગતા કરી અને તેમને ગુરુપદે સ્થાપીને જ રહ્યા. એમની પાસે તેમણે વૈષ્ણવધર્મની દીક્ષા મેળવી.

આ નિમાઈએ એક કાશ્મીરી પંડિતનો પણ જ્ઞાનઘમંડ ઉતાર્યો હતો. એ પંડિત ભારે ઠાઠમાઠથી રહે. જ્યાં જાય ત્યાં હાથીઘોડાપાલખી વગેરે લઈને જાય. ઠેર ઠેર ચર્ચાઓ કરીને પ્રતિસ્પર્ધી વિદ્વાનોને માત કરે અને જ્ઞાનક્ષેત્રે દિગ્વિજય કર્યાના ભાવથી છાતી કાઢીને ફરે. એક વાર નિમાઈ ગંગાતટે બેસીને એક વિદ્યાર્થી સાથે વિનોદવાર્તા કરતા હતા, ત્યારે આ પંડિત ત્યાંથી પસાર થયા. નિમાઈએ તેમને બેસવા માટે વિવેક કર્યોે. પંડિત બેઠા, પણ એમના મનમાં ખુમારી કે આ ભાઈને શું ગતાગમ પડવાની છે. તેઓ નિમાઈ આગળ ગંગા વિશે સો શ્લોક બોલી ગયા. જ્યારે નિમાઈએ એમાંથી એમને એક શ્લોક લઈને તેનો અર્થ સમજાવવા કહ્યું, ત્યારે પેલાએ અભિમાનમાં જણાવ્યું, ‘તમે શ્લોક કહો, એટલે એનો અર્થ હું કહું.’ પેલા પંડિતના મનમાં એમ કે આ ભાઈને શું આવડવાનું છે! પરંતુ નિમાઈએ તો તરત જ શ્લોક બોલવાનું શરૂ કર્યું. અને જ્યારે પેલા પંડિતે શ્લોકના ગુણદોષ બાબત પૂછ્યું તો નિમાઈએ એનું પણ સચોટ વિવરણ કરી બતાવ્યું. આથી પેલા પંડિતના જ્ઞાનનો ઘમંડ ગળી ગયો અને તેમના પગમાં પડ્યા. પછી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને ગુરુમંત્ર માગ્યો.

નિમાઈની પાસે તો એક જ ગુરુમંત્ર હતો, ‘હરે કૃષ્ણ’નો. એ મંત્ર તેમણે સૌને આપ્યો. આજે પણ આ મંત્રના પ્રભાવ હેઠળ દેશમાં અને વિદેશમાં ‘હરે રામ હરે કૃષ્ણનાં’ મંડળો સ્થપાઈ રહ્યાં છે.

નિમાઈએ શરૂઆતમાં લગ્ન કરીને ગૃહસ્થાશ્રમ પણ માંડ્યો. એમના અડતાલીસ વર્ષના ટૂંકા જીવનકાળમાંથી ચોવીસ વર્ષ સંન્યાસનાં. બાકી રહ્યાં તે બ્રહ્મચર્ય-ગૃહસ્થાશ્રમનાં હતાં. તેમનો સંસાર સુખી હતો. તેઓ લક્ષ્મીદેવી સાથે રહે. તેઓ જે કોઈ ઘરે આવે તે સૌને પ્રેમથી જમાડે. વૈષ્ણવપણાનો રંગ એમને પાછળથી ક્રમે ક્રમે લાગતો ગયો અને ગાઢ બન્યો.

એક દિવસ નિમાઈ પિતાજીનું શ્રાદ્ધ કરવા બોધિગયા ગયા. ત્યાં ગદાધરના મંદિરમાં પહોંચ્યા. ત્યાં મૂર્તિ સામે જ એમને સહજ સમાધિ લાગી ગઈ. એમના ગુરુ ઈશ્વરપુરી તેમની સાથે જ હતા. તેમણે તેમની સંભાળ લીધી અને તેમને લઈ ગયા.

નિમાઈ બોધિગયાથી ઘેર આવ્યા તે પહેલાં તેમનાં પહેલાં પત્નીનું મૃત્યુ થયું. એમણે બીજી પત્ની કરી. એમનું નામ હતું વિષ્ણુપ્રિયા. નિમાઈ થોડો વખત સંસારમાં રહ્યા. એ સમય દરમિયાન કૃષ્ણ પ્રત્યેનો એમનો ભક્તિભાવ ઉત્કટ ને ઉત્કટ થતો ગયો. તેઓ સતત શ્રીકૃષ્ણનાં નામસંકીર્તનમાં રમમાણ રહેવા લાગ્યા. તેઓ હવે ‘ચૈતન્ય મહાપ્રભુ’ના નામે ઓળખાતા થયા. એમની આસપાસ ભક્ત વૈષ્ણવોનું મોટું વૃંદ જમા થયું. તેમના અનેક શિષ્યો થયા. સૌ કૃષ્ણનાં કીર્તન કરે, નાચે અને આનંદ કરે. આ બાજુ ગૌરાંગની અસીમ કૃષ્ણભક્તિ જોઈને માતાને ચિંતા થવા લાગી. પરંતુ ગૌરાંગનો પ્રભાવ એવો હતો કે એવી ચિંતા ઝાઝો સમય ન ટકી.

ગૌરાંગનું મન જેમ જેમ કૃષ્ણભક્તિમાં ખેંચાતું ગયું, તેમ તેમ સંસાર પ્રત્યેનાં મોહ-આસક્તિ ઘટવા લાગ્યાં. તેમના હૃદયમાં વૈરાગ્ય અને સંન્યાસની ભાવના બળવત્તર થતી ગઈ. એક રાત્રે તેઓ પરિવારને છોડીને સંન્યાસ માટે ચાલી નીકળ્યા.

સૌને પ્રભુ માટેની પ્રેમભક્તિનો સંદેશ આપતા રહ્યા. તેમનાં માતપિતાને પણ એ સંદેશો આપીને મનનું સમાધાન-સાંત્વન કર્યું.

ગૌરાંગ પ્રભુને જગન્નાથ માટે ભારે ભક્તિ. જગન્નાથપુરી જવાનો સંકલ્પ તેમના મનમાં ઊગવા લાગ્યો. તેઓ જગન્નાથપુરી જવા તૈયાર થયા. એ વખતે બંગાળના મુસલમાન રાજા અને ઓરિસ્સાના હિંદુ રાજા વચ્ચે ઝઘડો ચાલ્યા કરે. રસ્તામાં ઠેરઠેર સૈનિકોની ચોકીઓ; પરંતુ આ ચોકી કરનાર ચોકિયાતોએ જ ગૌરાંગ પ્રભુના કીર્તનથી પ્રભાવિત થઈને તેમને ગંગા પાર કરીને, સલામત રીતે જગન્નાથપુરી જવાની સગવડ કરી આપી. ગૌરાંગ પ્રભુ જગન્નાથના મંદિરે ગયા. ત્યાં મૂર્તિનાં દર્શન કરતાં જ તેઓ સમાધિમાં લીન થઈ ગયા. એ વખતે ત્યાં મંદિરમાં સાર્વભૌમ કરીને આચાર્ય હતા. તેમનો પોતાનો એક આગવો તત્ત્વવિચાર હતો. ગૌરાંગ પ્રભુએ તેમની સાથે ઊંડી તત્ત્વચર્ચા કરી અને એ આચાર્યે પણ એમનો મત સ્વીકારીને એમના શિષ્ય બનવાનું પસંદ કર્યું.

ગૌરાંગ પ્રભુમાં ચમત્કારો કરવાની શક્તિ હોવાનું દર્શાવતા અનેક પ્રસંગો લોકોમાં પ્રચલિત છે. વાસુદેવ શાસ્ત્રી નામના એક કોઢીને તેઓ જાતે જ મળવા ગયેલા અને ગૌરાંગે શ્રીઅંગથી ભેટીને તેનો કોઢ દૂર કર્યો હતો, એવી એક કથા છે.

ગૌરાંગ પ્રભુએ અવારનવાર ભક્તિયાત્રાઓ કરી છે. એક વાર તો રામેશ્વરની અને પછી ગુજરાતમાં સોમનાથ-દ્વારાકા જેવાં યાત્રાસ્થળોની મુલાકાત લઈને ત્રણ વર્ષે તેઓ વતનમાં પાછા ફર્યા. તેમણે અનેક લોકોને ભક્તિોન રંગ લગાડ્યો અને એ રીતે ભક્તિમાર્ગની નક્કર પ્રતિષ્ઠા કરી.

ગૌરાંગે વખત જતાં ભક્તિના પ્રચારનું કાર્ય પણ છોડી દીધું. પોતે કેવળ કૃષ્ણકીર્તનમાં લીન રહેતા, બીજા કશાની તેમને પરવા ન હતી. તેઓ પોતાની અંદર અને આસપાસ સર્વત્ર કૃષ્ણમયતાનો અનુભવ કરતા. તેઓ પોતાની આનંદમસ્તીમાં લીન રહેતા. એક વાર જગન્નાથપુરી ગયા ત્યારે વાદળ અને સમુદ્રને જોતાં જ તેમાં એમને કૃષ્ણભાવ થયો અને તેમણે ભાવાવેશમાં સમુદ્રમાં ઝંપલાવ્યું. એક માછીમારે સમુદ્રમાં જાળ નાખી, ત્યારે તેમાં તેમનો દેહ આવ્યો અને તેમને બહાર લાવવામાં આવ્યા. તેમને સ્પર્શતાં જ માછીમારનેય ‘હરિબોલ’ની ધૂન લાગી ગઈ. એ દરમિયાન કૃષ્ણની ભાવ-મૂર્ચ્છામાંથી ગૌરાંગ જાગ્યા. આ પછી તો ગૌરાંગનું બહાર ફરવાનું જ બંધ થઈ ગયું. તેઓ સતત કૃષ્ણરસમાં મસ્તી માણવા લાગ્યા.

એમ કરતાં કરતાં એમને પોતાનો અંતકાળ નજીક આવતો હોવાનું લાગ્યું. એટલે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરી પહોંચ્યા. ત્યાં જગન્નાથની મૂર્તિનું દર્શન કરતાં જ તેમને મહાસમાધિ લાગી ગઈ. એક જ્યોતિ એમનામાંથી નીકળીને જગન્નાથની મૂર્તિમાં સમાઈ ગઈ. એ રીતે ગૌરાંગ મહાપ્રભુ શ્રીકૃષ્ણ માટે જીવ્યા અને એમનામાં જ છેવટે સમાયા.

 

Total Views: 558

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.