સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં સ્વામી વિવેકાનંદ ગાઝીપુરમાં મહાન સંત પવહારી બાબાનાં દર્શન કરવા ગયા હતા. એક સુખ્યાત યોગી, વિનમ્રતાની મૂર્તિ, અદ્‌ભુત શાણપણ ધરાવતા, એકાંતના પરમ ચાહક પવહારી બાબાનું નામ શ્રીરામકૃષ્ણદેવના શિષ્યોમાં સુખ્યાત છે. પ્રતિભાને પ્રગટાવતો પોતાના ગુરુદેવનો ફોટો આ સુખ્યાત પવિત્ર સંતની કુટિરમાં હતો, એ બાબત બધા જાણે છે. એટલે જ સ્વામી વિવેકાનંદ જ્યારે આ વિસ્તારમાં પરિવ્રજ્યા કરતા હતા, ત્યારે તેમને એ પરમ સંતને મળવાની ઇચ્છા થઈ હતી.

પવહારી બાબાની કુટિરમાં શ્રીરામકૃષ્ણની એ છબિ કેવી રીતે આવી ? ૧૮૭૯ થી ૧૮૮૨ની વચ્ચે બંગાળના બ્રાહ્મોસમાજના મહાન અને સુખ્યાત વિદ્વાન નેતા કેશવચંદ્ર સેન પવિત્ર આત્મા અને સંતોની શોધમાં આખા ભારતમાં ઘૂમી વળ્યા હતા. તેમણે ગાઝીપુરમાં પવહારી બાબાની મુલાકાત લીધી હતી અને તેમને શ્રીઠાકુરનો આ ફોટો ભેટ આપ્યો હતો. આ સંત અલ્પાહારી હતા. એમની આ કુટિર નીચે એક ભોંયરું હતું. ક્યારેક તેઓ એ ભોંયરામાં દિવસો સુધી કે સપ્તાહો સુધી કોઈને મળ્યા વિના, કંઈ પણ ખાધા વિના ઉચ્ચ આધ્યાત્મિક સમાધિભાવમાં રહેતા.

પવહારી બાબાના જીવન સાથે ઘણી રસપ્રદ અને સાચી હકીકતવાળી વાતો જોડાયેલી છે. એક વખત એક ચોરે આ કુટિરની ચારે બાજુએ આવેલી પથ્થરની ઊંચી દીવાલમાં બાકોરું પાડ્યું. પછી ત્યાં અંદર પ્રવેશીને આ સંત પાસે જે થોડું ઘણું હોય એ ચોરી લેવાની તૈયારીમાં હતો, ત્યાં અચાનક કોઈ પદાર્થનો અજાણ્યો અવાજ આવતાં, પવહારી બાબા પોતાની ભાવાવસ્થામાંથી જાગ્યા અને તેઓ શું છે, શું થયું તે શોધવા લાગ્યા. એ જોઈને પેલો ચોર ચેતી ગયો અને ચોરેલાં વાસણનો કોથળો ત્યાં મૂકીને છાનોમાનો નાસી ગયો. આ પવિત્ર સંતનો આવી અનોખી ઘટના માટેનો પ્રતિભાવ કંઈક જુદો જ રહ્યો. સમગ્ર બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતા ઈશ્વરની અનુભૂતિ કરનાર આ સંતે તરત જ તે ચીજવસ્તુનો કોથળો ખભે મૂકયો અને પેલા ચોરની પાછળ દોડવા લાગ્યા. અંતે ચોરને પકડી પાડ્યો અને ‘પ્રભુ, આ બધું તો તમારું જ છે !’ આવી વિનંતી સાથે તેમણે તેને માલસામાનનો કોથળો લઈ લેવા કહ્યું.

સંતનું આવું સાવ વિલક્ષણ વર્તન જોઈને ચોરના પર તેનો ઘણો પ્રભાવ પડ્યો. ઘણાં વર્ષો પછી હિમાલયની પર્વતમાળાના એક ગામમાં સ્વામી વિવેકાનંદ એક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર સંન્યાસીને મળ્યા. એમની સાથે થયેલી વાતચીત દરમિયાન તે પવિત્ર માનવે પોતાનું હૃદય ખોલીને પોતાની એક ચોર રૂપે સાચી ઓળખાણ આપી. તેણે ઘણાં વર્ષો પહેલાં પવહારી બાબાની કેટલીક ચીજવસ્તુઓ ચોરી લેવાનો પ્રયત્ન કર્યો હતો.

પવહારી બાબા એક રાજયોગી અને હઠયોગી હતા. પણ આ મહાન સંતમાં સુઘડલેખન, વાર્તાકથનથી સમજણ કેળવવી અને લક્કડકામ જેવા માનવીય ગુણો પણ હતા. તેઓ ખુરશી, ટેબલ અને રાચરચીલાની ચીજવસ્તુઓ બનાવતા. સાંસારિક આકાંક્ષા, આનંદપ્રમોદ, ભય અને ઉત્તેજનાઓને પોતાની શાંત ઝૂંપડીના પવિત્ર વાતાવરણથી અળગો રાખતો નક્કર લાકડામાંથી એક ઝાંપો તેમણે પોતે બનાવ્યો હતો. ૧૦મી જૂન, ૧૮૯૮ના રોજ તેમનું અવસાન થયું હતું. હાલમાં એમનાં હસ્તાક્ષર, હસ્તપ્રતો, હસ્તચિત્રવાળી ગીતાની પ્રતો અને બીજાં શાસ્ત્રોના કલાત્મક નમૂનાઓ આજે પણ ત્યાં સંગ્રહાયેલાં છે.

જ્યારે સ્વામી વિવેકાનંદ એક પરિવ્રાજક રૂપે ગાઝીપુરમાં આવ્યા ત્યારે તેઓ પવહારી બાબાને મળવા ખૂબ આતુર હતા. પરંતુ આવા વિલક્ષણ અને એકાકી સંત સાથે વાતચીત કે પરિચર્ચા કરવાં મુશ્કેલ હતાં. તેઓ ભાગ્યે જ અને પ્રસંગોપાત્ત કુટિરના બારણાની પાછળથી લોકો સાથે વાતચીત કરતા. કેટલાય દિવસ સુધી સ્વામીજીએ બારણાની પાસે ઊભા રહીને આ વણજોયેલા સાધુ સાથે વાતચીત કરી. આ જાણીતા અવાજ સાથેના દેહને નિહાળવા સ્વામીજીને ઘણી ઉત્કટતા થઈ. અંતે બારણાનો આગળિયો ખૂલ્યો અને બે પવિત્ર અને સંતાત્માઓએ એકબીજાને જોયા.

ગાઝીપુરના નિવાસ દરમિયાન દસ અઠવાડિયાં સુધી સ્વામીજી લગભગ દરરોજ પવહારી બાબાને મળતા. એમના મનમાં આ મહાન સંત આત્મા પ્રત્યે ઘણો પ્રેમ અને અહોભાવ ઊભા થયા. આટલું ઊમેરવું પડશે કે પવહારી બાબા પણ સ્વામીજીની આધ્યાત્મિક પ્રતિભાને ઓળખી ગયા હતા અને હવે બન્નેના રોલ ઊલટા થઈ ગયા હતા. હવે તો પવહારી બાબા સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિકતાનો લાભ પામવા તેમનો સંગાથ ઝંખતા હતા. પવહારી બાબા સ્વામી વિવેકાનંદ સાથેના પોતાના સંસ્પર્શ અને સંબંધને કારણે વિશ્વમાં જાણીતા બન્યા એમ કહી શકાય.

૧૯૯૪નું મારું (સ્વામી મનીષાનંદ) વારાણસી સેવાશ્રમનું રોકાણ ઘણું સ્મરણીય રહ્યું. એ દરમિયાન મેં ઘણાં મંદિરો અને ઘણાં રસપ્રદ સ્થાનોની મુલાકાત લીધી હતી. રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સંન્યાસીઓએ મારા માટે અને આશ્રમના બીજા કેટલાક મહેમાનો માટે ગાઝીપુરના પ્રવાસનું આયોજન કર્યું. હું ભારતમાં એક પ્રવાસીને બદલે યાત્રાર્થી રૂપે ફર્યો છું. એટલે જ જ્યાં પવહારી બાબા રહેતા હતા, એમની એ જૂની કુટિરની મુલાકાત લેવાનો લાભ ખરેખર આવકાર્ય હતો. વારાણસી અને ગાઝીપુરમાં અમારા ગાઈડ રૂપે બ્રહ્મચારી સુધીર હતા. જેને માટે બનારસ પ્રખ્યાત છે તે સાંકડી ગલીઓમાંથી આગળ ચાલતા બ્રહ્મચારી સુધીરે મને પ્રથમ દિવસે જ એકાએક રોક્યો, એમની વાત ઘણી રોચક હતી. એકાએક એમણે વિનય સાથે મને પૂછ્યું, ‘સ્વામીજી, હું તમને તમારા વિશે કંઈ વ્યક્તિગત વાત પૂછું તો તેમાં કોઈ વાંધો તો નથીને?’ અમેરિકામાં જન્મેલા અને ઉછરેલાનો પ્રત્યુત્તર ભારતીય સંસ્કૃતિનાં પરિમાણો સાથે સંકળાયેલને ઉદ્વિગ્ન નહીં બનાવે એ અપેક્ષાએ મેં જવાબ આપ્યો, ‘જરાય નહીં.’ તેમણે આગળ ચલાવ્યું અને પૂછ્યું, ‘ખરેખર તમને માઠું નહીં લાગેને? કેટલાક સંન્યાસીઓ પોતાની વ્યક્તિગત વાતો કરતા નથી. જો તમારી બાબતમાં એવું જ હોય તો હું તમારી લાગણીને દુભાવવા માગતો નથી.’

હવે મારી જિજ્ઞાસા જાગી. આ બ્રહ્મચારી શું મારી પાસેથી એ જાણવા માગે છે કે એક અમેરિકન કેવી રીતે સંન્યાસજીવન પ્રત્યે આકર્ષાયો ? અથવા મારા આધ્યાત્મિક ગુરુ કોણ હતા, એ જાણવા માગે છે? ઈશ્વર વિશેની મારી મનની માનેલી કઈ સંકલ્પના હતી, એ જાણવા માગે છે? આવા વિનયી યુવાનને ના ન પાડી શકવાથી અને મારી પોતાની જિજ્ઞાસાને સંતોષવા મેં તેમને ખાતરી આપી કે મારી વ્યક્તિગત બાબત વિશે જણાવવામાં કોઈ વાંધો-વિરોધ નથી. બ્રહ્મચારી સુધીરે મારી આંખોમાં ધીરગંભીર નજર નાખીને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમને શું ભાવશે, ગોડ ફાધર્સ પીત્ઝા કે ડોમીનોઝ પીત્ઝા ?’

મારો આશ્ચર્ય સાથેનો પ્રતિભાવ જોઈને તેમનો તોફાની અને ગંભીર દેખાવ ગંગાના વિશાળ પ્રવાહ જેવા અને હિમાલયના હિમક્ષેત્ર પર પડતાં સૂર્યકિરણના પ્રતિબિંબ જેવા હાસ્યમાં પરિવર્તિત થઈ ગયો.

તેમણે માર્મિકતાથી ઉમેર્યું, ‘મેં અમેરિકામાં શિક્ષણ લીધું છે અને હું વાસ્તવિક રીતે પીત્ઝા જ ખાતો !’ હું ખડખડાટ હસી પડ્યો. પણ હું મનમાં ને મનમાં છેલ્લા એક મહિનાથી મુખ્યત્વે ભાત, કઢી, દાળ લેતો હતો, એ હકીકતને યાદ કરી. આ પળે પીત્ઝાની યાદ મારા મર્મસ્થાનને બરાબર સ્પર્શી ગઈ ! બ્રહ્મચારી સુધીર અદ્‌ભુત ગાઈડ બની રહ્યા અને તેમણે દરેક રીતે મારા અહીંના રોકાણને રસપ્રદ અને આનંદદાયક બનાવ્યું. ગાઝીપુરની યાત્રા એમાંની એક સૌથી વધારે રસપ્રદ યાત્રા છે. સવારમાં ૬ :૧૫ કલાકે સેવાશ્રમમાંથી અમારે છ વ્યક્તિએ નીકળવાનું હતું. ૫ :૩૦ વાગ્યે ચા-નાસ્તો કરીને આશ્રમની જીપમાં બેઠા અને ૬૦ કિ.મી. દૂર આવેલા ગાઝીપુર સુધી હંકારી ગયા.

ભારતની દૃષ્ટિએ રસ્તા સારા હતા. પવહારી બાબાની કુટિરે પહોંચતાં સવા કલાક જેટલો સમય લાગ્યો. મૂળ ડ્રાઈવર માંદો હતો એટલે અમારે એને બદલે બીજો ડ્રાઈવર લેવો પડ્યો. આ ડ્રાઈવર મળી ગયો અને જીપ ચલાવવમાં અમારી બધી અપેક્ષાઓને તે વટાવવા લાગ્યો. એને

લીધે સામાન્ય રીતે પશ્ચિમના લોકોનાં હૃદય ધાર્યા કરતાં વધારે ધડકવા લાગે છે. ૫૦ માઈલની ઝડપે દોડતી અમારી આ જીપ એક બસ પાસેથી પસાર થઈ અને ૨૦ ફૂટ જેટલા અંતરેથી અમે એક ટ્રક સાથે ભટકાતા રહી ગયા. પછી થોડાં બળદગાડાં કે ઘેટાંબકરાંને ઓળંગવામાં અમારા ચીસકારા નીકળી ગયા. એ દિવસે અમે કરેલા ઘણા જપ આ યાત્રાનું જમા પાસું હતું. ડ્રાઈવરની કુશળતા પર આશ્ચર્ય થયું. અમેરિકાના હાઈવે પર આ ડ્રાઈવર સંપૂર્ણપણે થાકી-કંટાળી જાય.
અમે મુખ્ય રસ્તો ત્યજીને ભારતીય ગામડાંના શાંત વાતાવરણવાળા રસ્તે કેટલા

ય માઈલો સુધી સફર કરી. ઘટાદાર છાયાવાળાં લીલાંછમ વૃક્ષો, હવામાં લહેરાતાં લીલાં ખેતરો, બીડમાં ચરતી દોરડે બંધાયેલ ગાયો, સામાન્ય અને પથ્થરથી બંધાયેલાં ઘર અમારાં ચક્ષુ અને મનહૃદયને આનંદિત કરી દેતાં હતાં. આવું આકર્ષણ તો ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં જ જોઈ શકાય. એવું લાગ્યું કે જાણે અમે કાળમાં નિબદ્ધ થઈ ગયા. ૧૮૯૦માં સ્વામી વિવેકાનંદ ગગનબાબુના ઘરે રોકાયા હતા, તે સમયના અને આજના વાતાવરણમાં નહીંવત્ પરિવર્તન થયું છે. ધૂળિયા, ખાડાખબડાવાળા રસ્તા પરથી પસાર થતી જીપના ઘરઘરાટથી ગામના પ્રભાતના પ્રશાંત વાતાવરણમાં વિક્ષેપ પડતો હોય છે. જેવા અમે ગંતવ્ય સ્થાનની નજીક પહોંચ્યા કે ગ્રામ્ય બાળકો કશેકથી નીકળી આવ્યાં. તેઓ જીપને ઓળખી ગયાં અને સમજ્યાં કે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ હંમેશાં અહીં મીઠાઈ અને આઈસક્રીમ વગેરે લઈને આવે છે. આ બાબતમાં એમણે નિરાશ ન થવું પડ્યું.

શહેરનાં અને ગ્રામ્ય વિસ્તારનાં બાળકોમાં હું થોડો ભેદ જોઈ શક્યો. કોલકાતામાં તો બાળકોે હંમેશાં પોતાનો હાથ હલાવતાં હલાવતાં, હાસ્ય ફરકાવતાં અને કંઈક માગતાં હોય તેવું બતાવતાં, ‘હરે કૃષ્ણ ! હરે કૃષ્ણ!’ કહીને મારા તરફ દોડી આવતાં. આવું મારી સાથે ઘણી વાર બન્યું. મને એવું પણ લાગતું કે આ કોઈપણ પ્રકારની રમત પણ હોઈ શકે. પરંતુ આ તો શહેરી બાળકો હતાં. ગ્રામ્ય બાળકોનું સહજ સરળ અને નિરાડંબર વર્તન ઘણું આકર્ષક હતું. શહેરનાં બાળકો જેવી પ્રારંભિક અને સાહજિક નિર્ભિકતા એમનામાં ન હતી. તેમનામાં તો એક જાતનું કુતૂહલ અને નિર્દાેષતા જોવા મળતાં હતાં. તેઓ એક ઊંચા ધવલવર્ણા સ્વામીને ટગર ટગર જોઈ રહ્યાં હતાં. થોડી મિનિટો પછી (થોડી કેન્ડી આવી જતાં!) એમનું શરમાળપણું અચાનક દૂર થઈ ગયું અને કોઈ સન્મિત્રોની જેમ અમારા જૂથની આજુબાજુ ગોઠવાઈ ગયાં.

એક અનુયાયીએ પવહારી બાબાએ બનાવેલ રાચરચીલું અને બાબાનાં હસ્તલિખિત પુસ્તકો અને ચિત્રાંકનવાળાં પુસ્તકો બતાવ્યાં. ૧૨૦ વર્ષ પહેલાં ચોરે પાડેલા બાકોરાનું સમારકામ પણ અમે જોયું. પવહારી બાબાની કુટિર નીચેના ભોંયરાનું બારણું પણ અમને બતાવ્યું. એમના અવસાન પછી ત્યાં કોઈ ગયું ન હતું. એટલે હવે એ સાપનું સ્વર્ગ બની ગયું છે. ભૂગર્ભમાં આવેલાં આ સરીસૃપ પ્રાણીઓના નિવાસ સમી આ ધ્યાન-ચિંતનની કુટિરમાં પવહારી બાબા એમની સાથે શાંતિ અને સહઅસ્તિત્વની ભાવનાથી રહેતા !

અમારી વારાણસી તરફની યાત્રા માટે જીપમાં બેસતાં પહેલાં પવહારી બાબાની કુટિરના એ ઐતિહાસિક પ્રવેશદ્વાર પાસેના નક્કર લાકડાના એ ઝાંપા તરફ હું ધીમે પગલે ચાલ્યો. આ ઝાંપા પર સદીઓના સૂર્યપ્રકાશ અને અતિવૃષ્ટિવાળા ચોમાસાંનો પ્રભાવ જોવા મળ્યો. વળી પાછો હું એ ભૂતકાળના કાળચક્રને અનુભવી રહ્યો. પરંતુ આજે તો એના કરતાં પણ કંઈક વધારે હતું. એમાં મારી અનુભૂતિનાં ઘટક તત્ત્વોની ઊર્મિઓ ઊમટી પડી. ૧૦૪ વર્ષ પહેલાં જ્યાં સ્વામીજી ઊભા હતા અને નજરે ન પડેલા એ પવહારી બાબા સાથે દિવસોના દિવસો સુધી વાતચીત કરેલી એવા સ્થળે હું અહીં એકલો જ હતો ! જ્યાં ઊર્જા અને ભક્તિભાવના ઇતિહાસની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હતી, એવા આ પવિત્ર સ્થળ સાથે યાત્રાળુઓના મનનાં ભક્તિભાવો અને મનોવલણો એકરૂપ થઈ ગયાં. સ્વામી વિવેકાનંદના ભક્તો અને ચાહકો માટે ગાઝીપુર નિશ્ચિતપણે પ્રેરક યાત્રાધામ બની રહેશે.

 

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.