ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી ગયો હતો. એ છબી જોઈને સ્પષ્ટ રીતે એવું લાગતું હતું કે, આ છબી બનાવનાર કોઈ ભારતીય કલાકાર નથી. આવું અનુમાન એટલે કરવામાં આવ્યું હતું કારણ કે મા કાલીના ગાલનાં હાડકાં ઊપસેલાં હતાં. ભારતમાં કાલીમાતાની પૂજા કરવામાં આવે છે. તેઓ પ્રકૃતિનું સૌથી મૂળ રૂપ મનાય છે. તેમની કલ્પના માનવીઓની ખોપરીઓનો હાર પહેરેલી કરવામાં આવે છે. તેમની જીભ બહાર નીકળેલી હોય છે. તેઓ સ્મશાનમાં નૃત્ય કરતાં હોય તેવું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે તેઓ મૃત્યુ અને જીવનને મૂર્ત રૂપ આપે છે. તેમની છબીઓમાં તેમની આંખ દયાળુ બતાવવામાં આવે છે અને તેમનું શરીર કોમળ અને ઘાટીલું હોય છે. તેમના દેહને ચતુરાઈપૂર્વક લાંબા વાળ, માનવીય ખોપરીઓના હાર અને માનવીય અંગોનાં વસ્રથી આવૃત બતાવવામાં આવે છે, જેથી તે રુચિકર લાગે.

પરંપરાગત રૂપે મા કાલીને ચામુંડામાતા કરતાં અલગ બતાવવામાં આવે છે. બહાર દેખાતી જીભ મા કાલીની વિશેષતા છે, જ્યારે ચામુંડામાતાની વિશેષતા તેમનો એકવડિયો બાંધો અને ‘ગાલનાં ઊપસેલાં હાડકાં’ છે. મા કાલી ધરતીનું પ્રતીક ગણાય છે. તેઓ લોહીથી તૃપ્ત થાય છે. તેમનું વાહન વાઘ છે. મા કાલીને મોટા ભાગે બે સ્વરૂપોમાં ચિત્રિત કરવામાં આવે છે- ચાર હાથવાળું અને દસ હાથવાળું કાલી સ્વરૂપ.

આદિ શક્તિના નવદુર્ગાનું એક રૂપ ચામુંડા મા છે. તેઓ સંહારનાં દેવી છે એટલે મૃત્યુનું પ્રતીક છે. મા દુર્ગાએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો, તેમનું આ સ્વરૂપ ચંડી ચામુંડા મા તરીકે પૂજાય છે. તેમનો નિવાસ મોટા ભાગે વડના વૃક્ષમાં મનાય છે. ત્રિશૂલ અને તલવાર ચામુંડામાનાં આયુધો છે. મા પાર્વતીનું આ કાલી રૂપ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં જુદંુ છે અને પાશ્ચાત્ય સાહિત્યમાં આ રૂપ સાવ અલગ દર્શાવવામાં આવ્યું છે. પાશ્ચાત્ય દેશના લોકો માટે એ માનવું મુશ્કેલ હતું કે સ્રી રૂપને કોઈ દિવ્ય માનતું હોય.

પાશ્ચાત્ય દેશોમાં છેલ્લાં લગભગ ૨૦૦૦ વર્ષથી કુંવારી માતા મરિયમ એકમાત્ર એવી સ્ત્રી છે કે જેમની પૂજા કરવામાં આવતી હોય. એટલે શરૂઆતમાં પશ્ચિમી પ્રજા મા કાલીને ફક્ત સ્રીરૂપ માનતી હતી. ૧૯મી સદીમાં પાશ્ચાત્ય લોકોએ લખેલી નવલકથાઓમાં પણ મા કાલીના રૂપને સારું બતાવાવમાં આવ્યું નહોતું.

ભારતીય સ્વતંત્રતા સેનાનીઓએ કાલીને ભારતમાતાના રૂપે જોયાં, જેમને પોતાની અસ્મિતાથી વંચિત કરવામાં આવ્યાં હતાં.

૨૦મી સદીમાં નારીવાદીઓ તેમને મુક્તિનું પ્રતીક માનવા લાગ્યા. આ રૂપ મા લક્ષ્મીથી વિપરીત હતું. લક્ષ્મીજી વિષ્ણુના પગે શાંતિથી બેઠેલાં જોવા મળે છે. મા કાલી પોતાના પતિ શિવના શરીર પર નૃત્ય કરતાં જોવા મળ્યાં. આ છબીએ પશ્ચિમી નારીવાદીઓને મોહિત કરી દીધા હતા અને તેમણે આનો શાબ્દિક અર્થ પકડી લીધો. નવા યુગના ધર્મમાં સરસ્વતી, લક્ષ્મી અને કાલી એ માતાજીનાં ત્રણ રૂપ માનવામાં આવ્યાં છે. વસંતઋતુ, ગ્રીષ્મઋતુ અને શીતઋતુ અથવા કુંવારી, મહામાતા અને વૃદ્ધા. વિદેશી પ્રજાએ મા કાલી અને ચામુંડાની છબીને એકસરખી માની લીધી. તેમને ગાલનાં હાડકાં વધુ ઊપસેલાં ને બહાર નીકળતી જીભ સાથે બતાવવામાં આવ્યાં.

છેલ્લાં ઘણાં વર્ષમાં પાશ્ચાત્ય દેશોમાં મા કાલીની બોલબાલા વધી છે પરંતુ ઘણા લોકો તેમનું અસલી રૂપ ઓળખી શક્યા નથી. ભારતીય લોકોને તેમનું વિદેશી રૂપ પસંદ પડ્યું નથી.

પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે જ્યારે દેવીઓની છબીઓને બીજી સંસ્કૃતિમાં સ્વીકારવામાં કે અપનાવવામાં આવે છે ત્યારે તેનો અર્થ અને રૂપ બદલાઈ જતાં હોય છે. અમેરિકામાં કોઈ નારીવાદી માટે કાલીનાં અર્થ અને રૂપ ભારતના કોઈ નારીવાદીનાં રૂપ અને અર્થથી અલગ જ હોય અથવા તો કોઈ ભક્ત અથવા સાધક માટે તેમનાં અર્થ અને રૂપ સાવ જુદાં જ હોય એ સ્વાભાવિક છે.

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં મા કાલીની છબી દર્શાવવાનો મૂળ હેતુ આપણને પ્રકૃતિના પ્રકોપની યાદ અપાવવાનો હતો કારણ કે માનવીનો વિકાસ પ્રાણીઓની પ્રજાતિઓના વિનાશનું કારણ બન્યો છે.

હિંદુ પૌરાણિક કથાઓમાં દિવ્ય પ્રકોપ ‘લીલા’નું રૂપ લે છે. તેમાં એક મા પોતાનાં તોફાની બાળકને સુધારવાની કોશિશ કરે છે. પરંતુ કાલીના આ મમતાસભર રૂપને ઘણા યુરોપિયન અને અમેરિકન કલાકારો, શિક્ષણવિદ્ અને નવા યુગના સાધકો સ્વીકારી શકશે નહીં. સરળતાથી નારાજ ન થતા સહિષ્ણુઓ પોતાની અસ્વીકૃતિ દર્શાવીને સ્મિત ફરકાવશે. (‘દિવ્યભાસ્કર’માં તા.૨૩-૦૮-૨૦ના રોજ પ્રસિદ્ધ થયેલ લેખ)

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.