એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ આવ્યો. યાદીની ઊલટતપાસ કરીને પિતાએ લાલ પેનથી આખીય યાદી ચેંકી નાખી અને મોટા અક્ષરે ફરીથી લખ્યું, ‘મનની શાંતિ’. પછી પિતાએ પુત્રને સલાહ આપી, ‘પ્રિય પુત્ર, આ સત્તરેય ચીજો મળ્યા બાદ પણ જો તને મનની શાંતિ ન હોય તો એ બધુંય નિરર્થક છે. એથી ઊલટું, જો તને મનની શાંતિ હશે તો આ સત્તરેય ચીજો અપ્રસ્તુત બનશે!’ જીવન પ્રત્યેનો કેવો અદ્‌ભુત દૃષ્ટિકોણ!

જાણે-અજાણે આપણે સૌ શાંતિપ્રાપ્તિ માટે સંઘર્ષરત છીએ. જ્યાં સુધી આપણું મન ટુકડાઓમાં વહેંચાયેલું છે અને આ ટુકડાઓ અવિરતપણે પરસ્પર સંઘર્ષમાં રચ્યાપચ્યા છે ત્યાં સુધી આપણું મન શાંતિથી દૂર રહે છે. આપણા મનને સુગ્રથિત કરવા માટે જ્યારે આપણે આ ટુકડાઓનું એકત્રીકરણ કરવાનું શીખીશું ત્યારે આપણે કૈવલ્યની શાંતિ પ્રાપ્ત કરીશું.

કરવા કરતાં કહેવું સરળતર છે. આમ છતાં, અનંત કરુણાવશ પતંજલિ જેવા સમર્થ માર્ગદર્શકોને કારણે આ કાર્ય કઠિન ન બની રહેવું જોઈએ.

યોગપ્રણાલીના મહાન આચાર્ય પતંજલિ મનના આ ટુકડાને વૃત્તિને નામે ઓળખાવે છે. આ વૃત્તિઓ સ્વભાવત: સર્વદા ઉદ્ભવતી અને કદાપિ ન ઘટવાના સ્વભાવવાળી છે. આ વૃત્તિઓ જ્યારે સુયોગ્ય સ્વ-શિસ્ત અને પ્રશિક્ષણ દ્વારા સંયમિત, સુનિયોજિત અને વિલિનીકૃત કરાય ત્યારે યોગ દ્વારા વ્યષ્ટિસત્તાનું સમષ્ટિસત્તા સાથે સંમિલન થાય છે. આ સ્વ-શિસ્ત અને પ્રશિક્ષણ યોગ પણ છે.

સ્વસ્થ અને સુદૃઢ બનવા માટે વ્યક્તિએ સ્વાસ્થ્યને હાનિકારક રોગો અને નબળાઈઓથી સુપરિચિત થવું જોઈએ. સાચું તો એ છે કે પાણી પહેલાં પાળ બાંધવી! એવી જ રીતે, યોગસાધકે યોગમાં હાનિકર્તા બાબતોથી માહિતગાર થવું જોઈએ અને વળી જે સહાયકર્તા પરિબળો છે તે પણ જાણવાં જોઈએ. મહર્ષિ પતંજલિએ ઉચ્ચતર વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી આ પરિબળોની સૂચિ પ્રસ્તુત કરી છે અને એનું નામકરણ કર્યું છે ‘અંતરાય’.

અંતરાયોને તેમણે બે વિભાગમાં વહેંચ્યા છે. એક છે ‘અંતરાય’ અને બીજા છે ‘વિક્ષેપભુવ:’. અંતરાયો નવ છે : વ્યાધિ (રોગ), સ્ત્યાન (માનસિક જડતા), સંશય (શંકા), પ્રમાદ (પ્રમાદ), આલસ્ય (આળસ), અવિરતિ (વૈરાગ્યનો અભાવ), ભ્રાંતિદર્શન (ભ્રાંતિ) અલબ્ધભૂમિકત્વ (ધ્યાનમાં ચિત્તની અસ્થિરતા), અનવસ્થિતત્વ (મેળવેલી ઉચ્ચ અવસ્થામાં સ્થિર ન રહી શકવું).

૧. વ્યાધિ (શારીરિક રોગ) : હિન્દુ વૈદકશાસ્ત્ર આયુર્વેદ અનુસાર વાત, પિત્ત અને કફમાં અસમાનતા અર્થાત્ રોગ. રસ (ખાદ્ય અને પેય દ્વારા ઉત્પન્ન રસાયણો)નું અનિયમિત ઉત્સર્જન અને વહેંચણી તેમજ પાચન અંગોનો અભાવ કે અતિશયતા એ રોગનું બીજું કારણ છે. દેહ અને મન પરસ્પર વિશેષ સંકલિત હોવાથી એ સ્વાભાવિક છે કે દેહના રોગો યોગાભ્યાસ કરવાનું મન માટે અસંભવિત બનાવે છેે. તેથી રોગમુક્તિ, સ્વાસ્થ્યની પુન: ઉપલબ્ધિ, સુદૃઢ દેહયષ્ટિ અને બળ યોગાભ્યાસ માટે અત્યંત આવશ્યક છે. તદ્ઉપરાંત ઔષધો, આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમોનું પાલન, આસનોનો અભ્યાસ આ બધું યોગાભ્યાસમાં મહાન મદદરૂપ બની શકે છે. મહદ્અંશે પશુ-પક્ષીના અનુકરણરૂપનાં આસનો માત્ર સ્વાસ્થ્ય અને બળ જ નથી આપતાં પરંતુ જે તે પશુ-પક્ષીની આગવી નિશ્ચિત નૈસર્ગિક શક્તિમત્તા પણ બક્ષે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે :

‘હે અર્જુન, ખૂબ ખાનાર કે જરાય ન ખાનારને, ખૂબ ઊંઘણશી કે બહુ જાગનારને આ યોગ સિદ્ધ થતો નથી. પરંતુ, યોગ્ય પ્રમાણમાં આહાર-વિહાર કરનારને, યથાયોગ્ય રીતે કર્મોમાં પ્રયત્ન કરનારને તેમજ યથાયોગ્ય રીતે ઊંઘનાર-જાગનારને આ દુ:ખનાશક યોગ સિદ્ધ થાય છે.’ (ગીતા-૬.૧૬-૧૭)

ઉપર્યુક્ત ઉપદેશ આ સંદર્ભમાં અત્યંત પ્રસ્તુત છે.

૨. સ્ત્યાન (માનસિક જડતા) : મન ચાલાકી કરવામાં કુશળ છે. વળી તે સારું-નરસું પસંદ કરનારું છે. જ્યારે સુખોપભોગ અને તત્કાલ પરિણામ મળે તેમ હોય ત્યારે તે પ્રવૃત્તિમાં કૂદી પડે છે. જ્યારે અને જ્યાં દીર્ઘકાલીન કઠિન કાર્ય ઉપસ્થિત થાય છે ત્યારે તે ‘હા’ ‘ના’ કરે છે! પરિશ્રમ ઉઠાવ્યા વિના સારું કરીને શુભ ફળો મેળવવાની ઇચ્છા સેવવાની માનવપ્રકૃતિ છે. અશુભ પરિણામ લાવનાર કાર્યથી દૂર ન રહેવાનો પણ તેનો સ્વભાવ છે. અર્થાત્ પાપકાર્ય માટે લોકો અનાચાર પણ આચરે છે!

અનિષ્ટને જીતવા માટેનો એકમાત્ર ઉપાય છે- સત્-અસત્ વિવેક અને ઇચ્છાશક્તિને કેળવવાં. વિવેક ખાતરી આપે છે કે એકાગ્રતા અને શાંતિ મેળવવા માટે યોગ સહાયરૂપ છે. એક વખત ખાતરી આવી જાય પછી મનને સાધકના આદેશો પાળવા જોર કરવું. ઇચ્છાશક્તિનો વિકાસ એ આપણા બધાની સમસ્યા છે. જો આપણે આપણા શરીરનો વ્યાયામ કરી શકતા હોઈએ અને તેમાં શક્તિમત્તા લાવી શકતા હોઈએ તો પછી આપણે આપણા મન સાથે તેવું કેમ ન કરી શકીએ! શરૂઆત કરતી વખતે આપણાં ક્ષુદ્ર મોજમજા અને લાલચોના ઇન્કાર દ્વારા આપણે ધીરે ધીરે અને નિશ્ચિતપણે આપણી ઇચ્છાશક્તિ કેળવી શકીએ. શ્રી શ્રીમા શારદાદેવી એક સુંદર દૃષ્ટાંત આપતાં : એક વાછરડું નાનકડું હતું ત્યારથી એક ખેડૂત દરરોજ તેને ઊંચકતો રહેતો અને આમ દીર્ઘ નિરંતરના પ્રયાસથી તે વાછરડું બળદ બન્યું ત્યારે પણ તેને ઊંચકી શક્યો. અહીં આ દૃષ્ટાંત આપણને અતિ આવશ્યક પ્રોત્સાહન પૂરું પાડે છે.

૩. સંશય (શંકા) : સાહસના કોઈ પણ નવીન ક્ષેત્રમાં હંમેશાં શંકા અને અવિશ્વાસ રહેલાં છે. જ્યારે મન સંયમ અને એકાગ્રતાના ક્ષેત્રનો વિચાર કરે છે કે જે બે ગુણ ઇન્દ્રિયાતીત અને સૂક્ષ્મ છે, ત્યારે અનિવાર્યપણે શંકાઓ ઉદ્ભવે છે. આવી શંકાના નિર્મૂલનના ઉપાયો અસીમ છે. પ્રારંભમાં શાસ્ત્રો અને ગુરુની સત્યતા અંગે શંકા કરે અને પછી પોતાના યોગાભ્યાસના સામર્થ્ય અંગે શંકા કરે તેનો અંત પોતાના અસ્તિત્વ અંગેની શંકામાં પરિણમે! આપણે જોઈએ છીએ કે અજ્ઞાની, શંકાશીલ અને કોઈ જ બાબતમાં ન માનનારા પોતાનો વિનાશ નોતરે છે. શ્રીકૃષ્ણ આવા શંકાશીલ માટે જણાવે છે કે તેઓ ઇહલોક અને પરલોક બન્ને ગુમાવે છે. આ માટે જુઓ ગીતાનો શ્લોક ૪.૪૦ :

‘પણ અજ્ઞાની અને શ્રદ્ધા રહિત સંશયવાળો મનુષ્ય નાશ પામે છે. શંકાશીલ મનુષ્યને નથી તો આ લોક કે નથી તો પરલોક. એને સુખ નથી.’

પવિત્ર શાસ્ત્રો, આધ્યાત્મિક ગુરુ અને સ્વયંમાં શ્રદ્ધા-વિશ્વાસ કેળવવાં એ આ અંતરાયનું રોગનિવારક ઔષધ છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના મનમાં એ ઠસાવવું જોઈએ કે દૈનંદિન જીવનમાં પણ સગાંસંબંધીઓ વચ્ચે વિશ્વાસ સિવાય જીવવું શક્ય નથી, તો પછી અજાણી અને અદૃષ્ટ આધ્યાત્મિક યાત્રા માટે કેટલાં શ્રદ્ધા-વિશ્વાસની જરૂર હશે?

૪. પ્રમાદ (અસાવધાની) : જો સતત સાવધાની એ દુન્યવી સ્વતંત્રતાનું મૂલ્ય હોય તો પછી વ્યક્તિએ આધ્યાત્મિક મુક્તિ માટે વિશેષ મૂલ્ય ચૂકવવું જોઈએ. તેથી સાવધતાનો અભાવ અર્થાત્ અસાવધાની અવશ્યપણે સંસારચક્ર તરફ દોરી જશે. તેથી મહાન ઋષિ સનતસુજાતા પ્રમાદને મૃત્યુ જ ગણાવે છે. અર્થાત્ જ્ઞાન અને યોગ માટે આવશ્યક સત્ય અને અહિંસાના ગુણોની કેળવણી પ્રત્યેનું ભૂલકણાપણું અને બેધ્યાનપણું એ છે પ્રમાદ. જો ઉપર્યુક્ત ગુણો ચીવટપૂર્વક ન કેળવાય અને સુરક્ષિત ન રખાય તો યોગ શક્ય નથી. સાવધતાની જરા પણ ખામી આધ્યાત્મિક જીવનમાં સત્વરે ઊંડી ગર્તામાં ધકેલે છે, જેમ કે સીડીના ઉપરના ભાગે દડો રમતા બાળકના હાથમાંથી દડો છૂટી જતાં જે દશા થાય. (વિવેકચૂડામણિ-૩૨૪) દુન્યવી જગતમાં તુચ્છ લાભો અને હલકટ વસ્તુઓ માટે સવિશેષ કાળજી રખાય છે, તો પછી આધ્યાત્મિક સંપત્તિ એવાં યોગનાં સાધનો માટે એટલી જ માત્રામાં શું કાળજી ન રાખવી જોઈએ?

૫. આલસ્ય (શારીરિક આળસ) : એક રમૂજી કથન છે કે આળસ એવી રીતે ધીરી ગતિથી મુસાફરી કરે છે કે ગરીબાઈ તરત જ કબજો લઈ લે છે! જો આળસ પ્રેય (સાંસારિક સુખોપભોગ) સુધ્ધાં માટે આવડો મોટો શત્રુ હોય તો પછી શ્રેય (આધ્યાત્મિક બાબતો)ના સંદર્ભમાં આળસ કેવો શત્રુ હોઈ શકે? અન્યની સેવા સહિત પોતાને પ્રવૃત્તિઓમાં પરોવી રાખવું એ જ એક માત્ર ઉપાય છે આળસને અંકુશમાં લેવાનો.

૬. અવિરતિ (વૈરાગ્યનો અભાવ) : યોગ આધ્યાત્મિક બાબતો સાથે સંબંધ ધરાવે છે. આત્મસાક્ષાત્કાર પ્રતિ દોરી જતી આત્માનુસંધાનકારી પૂર્ણ એકાગ્રતા એ યોગ છે. જો મન નિરર્થક બાબતોમાં ફસાઈ જાય તો યોગ અશક્ય છે. જેમ શ્રીરામકૃષ્ણદેવ કહે છે તેમ આ નિરર્થક અને મિથ્યા બાબતો એટલે અનાત્મ દુન્યવી ચીજો તેમજ કામ-કાંચન પ્રત્યેની આસક્તિ. ઈશ્વર અને ધન-સંપત્તિ સાથે ન રહી શકે તેથી યોગસાધકે અવિરતપણે અનાસક્તિ અને વૈરાગ્ય કેળવવાં જોઈએ. જેમ ઇચ્છાશક્તિના વિકાસમાં છે તેમ અહીં પણ ક્ષુદ્ર બાબતો સાથે કામ પાર પાડતા રહીને અનાસક્તિનો અભ્યાસ શરૂ કરી શકાય. આ તો થઈ માત્ર નકારાત્મક બાજુ. વિવેકજ્ઞાન દ્વારા લોભામણા પદાર્થાેમાં વાસ્તવિક ભય જોતા રહેવું તે વધુ સારો માર્ગ છે, તે થયું હકારાત્મક પાસું.

૭. ભ્રાંતિદર્શન (ભ્રાંતિ) : આ અને પછીના બે અંતરાયો ગંભીર સ્વરૂપના છે તેથી તે વિશેષ કાર્યસાધકતા અને વધુ કુનેહયુક્ત કાર્યપદ્ધતિ માગી લે છે. બૌદ્ધિક સ્તરે ભ્રાંતિ ગુરુ અને શાસ્ત્ર નિર્દિષ્ટ ઉપદેશોની ગેરસમજ દ્વારા પ્રગટ થાય છે. બુદ્ધિની સ્વચ્છંદતા અથવા મંદતાને કારણે આવું બની શકે. મોટે ભાગે તે આપવડાઈને કારણે સંભવે છે. કોઈ પણ કિસ્સામાં ગુરુ સાથે વિનમ્રતાપૂર્વકની પૃચ્છા અને વાર્તાલાપ પ્રશ્નનું નિરાકરણ કરી શકે.

માનસિક સ્તરે પણ ભ્રમની સંભાવના છે. આચરવામાં આવતી ભૂલભરેલી પદ્ધતિઓ ભ્રમણાઓ પ્રતિ દોરી જઈ શકે. ગુરુ તેમજ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી ચૂકેલાઓ સાથે વિચારવિમર્શ દ્વારા જ તેનો ઉપાય કરી શકાય. તો પછી કેવી રીતે જાણવું કે આધ્યાત્મિક અનુભૂતિ સાચી છે કે ખોટી? સાચી અનુભૂતિ આનંદ અને શાંતિ પ્રગટાવે છે, જ્યારે ખોટી અનુભૂતિ કોઈ પણ જાતની અસર નહીં ઉપજાવે અથવા તો અસુખ, ભય અને માનસિક દબાણ પેદા કરે.

માનસિક અનુભૂતિઓ જેવી કે દૂરશ્રવણ અને પારગામી દૃષ્ટિ, જો કે તે સાચી છે, છતાં તે આત્માનુભૂતિની ભૂલભરેલી સમજ ઊભી કરી શકે અને આમ આગળની પ્રગતિ રુંધાય. રોડ ઉપર બતાવાઈ રહેલ જાદુઈ ખેલ જોવા જતાં આગગાડી ચૂકી જવાની મૂર્ખામી કર્યા જેવું આ થયું કહેવાય! આધ્યાત્મિક સાધના દરમિયાન મહદ્અંશે પ્રાપ્ત થતી આવી શક્તિઓના પ્રલોભનનું અતિક્રમણ કરવા માટે વિશેષ શક્તિ અને જ્ઞાનની જરૂર છે. સ્વયં પતંજલિ સાધકોને આ ભય સામે ચેતવે છે.

૮. અલબ્ધભૂમિકત્વ (ધ્યાનમાં ચિત્તની અસ્થિરતા): યથાર્થપણે યોગપદ્ધતિનું અનુસરણ કરવા છતાંય સાધક યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ યોગભૂમિમાં અવસ્થાન કરવામાં નિષ્ફળ બને છે. આ નિષ્ફળતા પાછળનું કારણ છે બીમારી અને એનો ઉપાય. શ્રીરામકૃષ્ણદેવ દ્વારા પ્રસ્તુત દૃષ્ટાંતકથા મારફત આ બાબત સારી રીતે સમજી શકાય. એક ખેડૂત દિવસભર પરિશ્રમ કરીને પોતાના ખેતરમાં પાણી ભરતો. બીજે દિવસે આવીને જુએ તો ખેતર સાવ સૂકું. આનું કારણ શોધવામાં નિષ્ફળ જતાં, તેણે મિત્રની સહાયતા માગી. તપાસ કરીને મિત્રે જણાવ્યું કે તેના ખેતરમાંની ઝાડી પછવાડે ઉંદર દ્વારા કાણાં કરાયાં છે, જેમાંથી બધું પાણી બહાર વહી જાય છે. તરત જ તે કાણાં પૂરી દેવામાં આવ્યાં અને સમસ્યા ઊકલી ગઈ. એવી જ રીતે ‘વ્યક્તિત્વ’માં છિદ્રો છે, જેમને બંધ કરવાની અને પૂરી દેવાની આવશ્યકતા છે. કોઈ પણ દૃઢમૂલ અનિષ્ટકારી વૃત્તિઓ જેવી કે કામ-કાંચન પ્રતિ અગાધ આસક્તિ કે પ્રગાઢ તામસિકતા કે હીન સ્વાર્થીપણું, આ બધાં ‘ઉંદરનાં કાણાં’ છે. આ અનિષ્ટો ઇચ્છનીય સદ્ગુણોરૂપે મોટે ભાગે એકઠાં મળે છે અને તેથી સાધક તેમને તેમના સાચા સ્વરૂપમાં ઓળખવામાં નિષ્ફળ બને છે. વૈરાગ્યભાવ, ગહન આંતર્નિરીક્ષણ, ગુરુ અને ગુરુભાઈઓ સાથે વિચારવિમર્શ વગેરે દ્વારા વ્યક્તિ પોતાની નબળાઈ શોધી શકે છે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે અને તેના દ્વારા ત્વરિત પ્રગતિ સાધી શકે છે.

૯. અનવસ્થિતત્વ (મેળવેલી ઉચ્ચ અવસ્થામાં સ્થિર ન રહી શકવું) : આ અંતરાય સાચે જ વિશેષ ગંભીર સ્વરૂપનો છે. ઘણી મુશ્કેલીથી યોગી પોતાના મનને નિયત ઉચ્ચ સ્થિતિએ લઈ જવામાં સફળ બને છે. પરંતુ કેટલીક વાર એકાએક તરત જ નિમ્નસ્તરે આવી પડે છે અથવા મૂળ સ્થાને ઊતરી આવે છે. કેટલાક તોફાની બાળકો દ્વારા નોળિયાની પૂંછડીના છેડે બંધાયેલ ઈંટના ટુકડા જેવું આ થયું. નોળિયો મહામહેનતે છાપરાની ટોચે આવેલ પોતાના દર પાસે પહોંચે ત્યાં તો પૂંછડીએ બંધાયેલ વજન તેને પાછો નીચે પાડી દે છે.

Total Views: 389

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.