(પતંજલિનાં યોગસૂત્રો, મનના નિયંત્રણ દ્વારા જીવનની પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે સુગઠિત યુક્તિ પ્રદાન કરે છે. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી હર્ષાનંદજી એક સંસ્કૃતશાસ્ત્રી હતા. તેમણે ખૂબ જ સ્પષ્ટ શૈલીમાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સેજલબહેન માંડવિયા. -સં.)

સૂર્યનાં વિખરાયેલાં કિરણો જ્યારે બહિર્મુખ લેન્સ દ્વારા એક બિંદુ પર એકત્રિત થાય છે ત્યારે અગ્નિદેવતાને પ્રગટ કરી શકે છે. શક્તિશાળી સર્ચલાઇટ જેની તરફ ફેંકવામાં આવે, તેને પ્રકાશિત કરી શકે છે, તેવી જ રીતે સામાન્ય રીતે વિખરાયેલી અને અસ્પષ્ટ રહેતી મનની શક્તિઓ જ્યારે એકત્ર અને એકાગ્ર થાય છે ત્યારે જ્ઞાન અને શક્તિ આપી શકે છે.

જો કે મનની આ એકાગ્રતામાં ખૂબ જ કઠિન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કોઈ પણ વિજ્ઞાન, કલા અથવા હસ્તકલાની જેમ આ કલા પણ એક નિપુણ શિક્ષક પાસેથી શીખવી જોઈએ અને તેનો સખત મહાવરો કરવો જોઈએ. આ વિજ્ઞાન અને કલાના સર્વકાલીન મહાન શિક્ષકોમાંના એક છે—ઋષિ પતંજલિ. તેમનું ‘યોગસૂત્રો’ એ પાયાનું પુસ્તક છે, જેમાં આ વિષયને યોગ્ય રીતે મૂલવવામાં આવ્યો છે.

અન્ય ભારતીય દાર્શનિક પ્રણાલીઓના દૃષ્ટાંતોની જેમ અહીં પણ કૈવલ્ય અને મુક્તિને જીવનના ધ્યેય તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ તે પ્રણાલીઓથી વિપરીત, પતંજલિ તાત્ત્વિક વ્યાખ્યાની કાળજી લે છે અને સીધા વ્યવહારુ માધ્યમ દ્વારા તેને પ્રાપ્ત કરવાનું કહે છે. મન આ પ્રક્રિયામાં મુખ્ય સાધન છે, તેથી તેમણે મનનાં બંધારણ, કાર્ય અને નિયંત્રણ વિશે વિવેચન કર્યું છે. શરીર અને બાહ્ય ભૌતિક પદાર્થોની જેમ મન પણ ત્રણ ગુણો (સત્ત્વ, રજસ અને તમસ)ની ઊપજ છે, ભલે તેનાં સ્પંદનો સૂક્ષ્મ હોય. તે સામાન્ય રીતે વૃત્તિઓના સ્વરૂપમાં કાર્ય કરે છે.

સ્વામી વિવેકાનંદ મનને સરોવર સાથે સરખાવે છે. જ્યારે સરોવરનું પાણી એકદમ શાંત અને સ્થિર હોય છે ત્યારે વ્યક્તિ તેમાં પોતાના ચહેરાનું પ્રતિબિંબ કે તેના તળિયે પડેલા પથ્થરના ટુકડાને જોઈ શકે છે. જ્યારે પાણી તેના તરંગોથી ડહોળાઈ ગયેલ હોય ત્યારે આ શક્ય બનશે નહિ. તે જ રીતે આપણું મન વૃત્તિઓનાં રૂપમાં હોય ત્યારે આપણા વાસ્તવિક સ્વરૂપનું સાચું ચિત્ર મેળવવું શક્ય નથી. જ્યારે આપણે યોગના અભ્યાસના પરિણામે સફળતાપૂર્વક બધી જ વૃત્તિઓને દૂર કરી શકીએ તો આપણને મનનું અને આપણા વ્યક્તિત્વની પાછળ રહેલા આપણા સાચા સ્વરૂપનું દર્શન થશે.

પતંજલિ યોગની વ્યાખ્યા ‘ચિત્તવૃત્તિ નિરોધ’ તરીકે કરે છે, મનની વૃત્તિઓનું દમન. આ વૃત્તિઓ અસંખ્ય છે તો તેને વશમાં લેવી કે તેનું દમન કરવું? શું આ શક્ય છે? પતંજલિનો અભિગમ વૈજ્ઞાનિક અને વ્યવહારુ હોવાથી આમ કરવું શક્ય છે, તેવી ખાતરી આપે છે. કેવી રીતે?

વ્યક્તિગત રીતે આ વૃત્તિઓ અસંખ્ય લાગે છે પરંતુ વર્ગીકૃત કરવા જઈએ, તો તે પાંચ વૃત્તિઓ જ છે! તેઓ તેને આ રીતે વર્ગીકૃત કરે છે. જેમ કે—પ્રમાણ (સમજશક્તિ), વિપર્યય (ખોટી સમજણ), વિકલ્પ (મૌખિક સમજણ), નિદ્રા (ગાઢ ઊંઘ) અને સ્મૃતિ (યાદશક્તિ).

પ્રત્યક્ષ (અનુભૂતિ), અનુમાન અને આગમ (મૌખિક અથવા શાસ્ત્રોક્ત પુરાવો) સાચી સમજણ લાવે છે. ખોટી સમજણ એટલે વસ્તુનું મિથ્યા જ્ઞાન, તેમાં શંકા અને અનિશ્ચિતતાનો સમાવેશ હોય છે. જ્યારે કોઈ શબ્દ સાંભળવામાં આવે, જે વાસ્તવિકતાને અનુરૂપ નથી ત્યારે તે શાબ્દિક જ્ઞાન છે. નિદ્રાનો અર્થ અહીં સ્વપ્ન વિનાની નિદ્રા એવું અભિપ્રેત થાય છે. તેનું કારણ ચિત્તમાં રહેલા તમસનું પ્રાધાન્ય છે. તમસ, એ છે કે જે તે સમયે સામાન્ય અવધારણાની ગેરહાજરી સૂચવે છે. ‘સ્મૃતિ’ એટલે ભૂતકાળના અનુભવો કે જેમાં કોઈ નવીનતા કે ફેરફાર નથી, તેનું પુનરાવર્તન છે. બીજાં માનસિક વલણોનો આ શીર્ષક હેઠળ સમાવેશ કરી શકાય છે.

માનસિક વલણનું દમન કરવું કે તેને કાબૂમાં રાખવું શક્ય છે, એ જાણ્યા પછી તેને પ્રાપ્ત કરવાનું વર્ષો જૂનું રહસ્ય પતંજલિ કહે છે— ‘અભ્યાસ અને વૈરાગ્ય’.

જ્યારે નદી ભયાનક રીતે વહે છે ત્યારે તેની સારી એવી શક્તિનો વ્યય થાય છે અને જે લોકો નદીને કિનારે રહેતા હોય છે, તેને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. પરંતુ જ્યારે આ નદી પર બંધ બાંધવામાં આવે છે ત્યારે તેની શક્તિનો સંગ્રહ થાય છે. તેમાંથી નહેરો અને નાળાઓ દ્વારા સિંચાઈ થઈ શકે છે અને વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગી થાય છે. બરાબર તે જ રીતે માનસિક ઊર્જાનો ધસારો, જે અર્થહીન આનંદમાં અને વિષયોને લગતા આનંદમાં વેડફાઈ જાય છે, તેને વિષયોના આનંદથી અનાસક્ત કરીને, આ ઊર્જાનો સંગ્રહ કરીને, તેને ભીતર રહેલ ઈશ્વર તરફ વાળી શકાય છે.

વૈરાગ્ય અને અભ્યાસ, બસ એટલું જ વિશેષ કંઈ જ નહિ. પતંજલિ આપણને સતત નિરંતર ભાવસહિત યોગનો અભ્યાસ કરવાની સલાહ આપે છે અને સાથે સાથે તાત્કાલિક પરિણામો મળવાની આશા ન રાખવાની ચેતવણી આપે છે.

માણસનો સ્વભાવ સખત અને સતત પ્રયત્નો કરવાનો નથી હોતો, તે કાયમ શોર્ટકટ જ શોધતો હોય છે. તેથી, પતંજલિએ તેમના માટે પણ આપેલું જ છે. માનવજાત પ્રત્યેની અપાર કરુણાવશ તેઓ જાહેર કરે છે કે ભક્તિથી અને ઈશ્વર પ્રત્યેની શરણાગતિથી મન ઉપર પૂરો કાબૂ મેળવી શકાય છે, જેનાથી અંતે સમાધિ પણ પ્રાપ્ત કરી શકાય છે.

કોઈપણ વ્યક્તિ જો મજબૂત અને નિરોગી શરીર પ્રાપ્ત કરવા માગે તો જે રોગો તેને અસ્વસ્થ બનાવે છે તે રોગોનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. યોગની સાધના કરવા ઇચ્છનાર યોગમાં આવતાં વિઘ્નોથી માહિતગાર હોવો જોઈએ, જેથી કરીને તે અવરોધો નિવારી શકાય કે તેનો ઉપાય કરી શકાય.

પતંજલિ અવરોધોને આ રીતે ગણાવે છે –

૧. વ્યાધિ (શારીરિક માંદગી), ૨. સ્ત્યાન (સુસ્તી-આળસ), ૩. સંશય (શંકા અને ગેરસમજ), ૪. પ્રમાદ (બેદરકારી), ૫. આલસ્ય (આળસ), ૬. અવિરતિ (વૈરાગ્યનો અભાવ), ૭. ભ્રાંતિદર્શન (આભાસ), ૮. અલબ્ધભૂમિકત્વ (પ્રયત્ન કરવા છતાં, સંવાદિતાના તબક્કે પહોંચી શકાતું નથી), ૯. અનવસ્થિત્વ (અસ્થિરતા).

યોગ્ય સારવાર, દવા અને ખોરાક દ્વારા વ્યાધિને; વિવેક અને દૃઢ ઇચ્છાશક્તિ દ્વારા સ્ત્યાનને; પોતાની જાત તરફ, ગુરુ તરફ અને શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને સંશયને; સતત જાગૃતિ દ્વારા પ્રમાદને; શારીરિક શ્રમ દ્વારા આળસને; ક્ષણભંગુરતા યાદ કરીને ઇન્દ્રિયોના આનંદના ખરાબ સ્વભાવને સમજીને અવિરતિને; તેમજ સાચી ધારણાથી ભ્રાંતિદર્શનને જીતી શકાય છે.

છેલ્લા બે અવરોધો અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિત્વ સાધનાની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરવા આડેના જોખમકારક અવરોધો ગણાય છે. જેવી રીતે ખેતરના પાળામાં જો છિદ્ર હોય તો બધું જ પાણી નીકળી જાય છે. તેવી રીતે, ઘર કરી ગયેલા અશુભ સંસ્કારો આધ્યાત્મિક પ્રગતિ કરવાના બધા જ પ્રયત્નોને નાબૂદ કરી દે છે. ગુરુ કે મહાત્માના માર્ગદર્શન, પ્રાર્થના તથા આત્મ-નિરીક્ષણ દ્વારા આવા સંસ્કારને શોધી શકાય છે અને તેને નાબૂદ કરી શકાય છે.

શરૂઆતની યોગસાધના કરનારાઓ માટે પ્રાથમિક સમજ આપવા માટે આઠ પ્રકારના ક્રમિક તબક્કા આપવામાં આવે તે પૂરતું છે.

૧. યમ (નિયંત્રણ), ૨. નિયમ (નિયમ), ૩. આસન (મુદ્રા), ૪. પ્રાણાયામ (પ્રાણનું નિયમન), ૫. પ્રત્યાહાર (ઇન્દ્રિયોને પાછી ખેંચવી), ૬. ધારણા (નિશ્ચિત), ૭. ધ્યાન (ધ્યાન), ૮. સમાધિ (સંપૂર્ણ એકાગ્રતા કે જે ઉચ્ચ ચેતનાના અનુભવમાં પરિણમે છે.)

યમ: તે નૈતિક શિસ્ત છે અને તેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે, અહિંસા- જીવનમાં તમામ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો. સત્ય- મન, વચન અને કર્મમાં સત્યનું પાલન કરવું. અસ્તેય- ચોરી ન કરવી. બ્રહ્મચર્ય- શારીરિક સંયમ. અપરિગ્રહ- જરૂરિયાત ન હોય તેવી વસ્તુનો, ભેટનો અસ્વીકાર કરવો.

નિયમ: શૌચ- પવિત્રતા કેળવવી (ચોખ્ખાઈ), સંતોષ- (સંતુષ્ટિ), તપસ- (મન, વચન અને કર્મથી તપસ્યા કરવી), સ્વાધ્યાય- (શાસ્ત્રોનો અભ્યાસ) અને ઈશ્વર-પ્રણિધાન- (કર્મોનાં ફળને ઈશ્વરને સમર્પિત કરવું).

એ નોંધનીય છે કે યોગનું ચઢાણ ચડવા માટે યોગનાં સોપાનોમાં યમ અને નિયમ તે પાયાની શિસ્તમાં રહેલાં બે પગથિયાં છે. આ સૂચિત કરે છે કે, જે લોકોએ ખરાબ કર્મો છોડ્યાં નથી, તે યોગી બનવાની આશા ન રાખી શકે. દુષ્કૃત્યો અને ધ્યાન બન્ને સાથે રહી ન શકે.

આસન: તે શરીરનું શિસ્ત છે અને તેમાં ધ્યાન કરવા માટે સ્થિર અને આરામદાયક સ્થિતિમાં શરીરને રાખવાનું હોય છે. તે શારીરિક અને માનસિક તણાવને દૂર કરી અને અનંત આકાશનું ધ્યાન કરીને મેળવી શકાય છે. આ રીતે શરીરને સ્થિર રાખવાથી મનને ઇષ્ટ ભણી પ્રવાહિત કરવામાં અનુકૂળતા રહે છે.

પ્રાણાયામ: ઉશ્કેરાયેલું મન હોય ત્યારે તાલમેલ વગરના શ્વાસ હોય છે. જ્યારે બીજી બાજુ શાંત અને સ્થિર મન હોય ત્યારે શ્વાસ તાલબદ્ધ હોય છે. આ બાબતનો અનુભવ કરવાથી આપણને મનને સંયમમાં રાખવાનો ઉપયોગી અને વ્યવહારુ સંકેત મળે છે. તાલબદ્ધ શ્વાસ લેવાનો અભ્યાસ કરવાથી અને શ્વાસને વ્યવસ્થિત રીતે થોડા સમય માટે રોકી રાખવાથી મનને સંયમમાં રાખી શકાય છે. આ જ સિદ્ધાંત પ્રાણાયામની પાછળ રહેલો છે. ખરેખર, આ પ્રાણશક્તિ આખા જગતમાં વ્યાપી રહી છે, જે આપણાં શરીરમાં બાયો-કેમિકલ અને જ્ઞાનતંતુની શક્તિ દ્વારા વ્યક્ત થાય છે. આ શક્તિ એક બાજુ શ્વાસ અને બીજી બાજુ મન સાથે જોડાયેલી છે. જેથી, શ્વાસને નિયંત્રિત કરવાથી ધીમે ધીમે મન પણ નિયંત્રણમાં આવવા લાગે છે. આ ક્રિયામાં શ્વાસને યોગ્ય માત્રામાં અંદર લેવો, બહાર કાઢવો અને રોકવાનો સમાવેશ થાય છે. (પૂરક, રેચક, અને કુંભક).

એ રસપ્રદ બાબત છે કે આ આઠ સૂત્રોમાંથી આસન અને પ્રાણાયામને વધુ પડતું મહત્ત્વ આપી દીધું છે. જેના વિશે મહાન ઋષિ પતંજલિએ કહ્યું છે એ યાદ રાખવું જોઈએ કે આ બે અને બીજા સૂત્રોના અભ્યાસનો ઉદ્દેશ સમાધિ પ્રાપ્ત કરવાનો છે. અને આ અભ્યાસ કરવાનો અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે વ્યક્તિ યમ અને નિયમનો શિસ્તપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરે.

પ્રત્યાહાર ત્યાર પછીનો ક્રમ છે. જેમાં ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી ખેંચી લેવામાં આવે અને તેને મનના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવે. જ્યારે ઇન્દ્રિયો અસરકારક રીતે નિયંત્રણમાં આવશે, ત્યારે તે તેના વિષયોને નહીં અનુસરે, પરંતુ મનને અનુસરશે અને તેના પોતાના વિષયોને જોશે અને સાંભળશે.

આ પાંચ શાખાઓ યોગની બહિરંગ-સાધના તરીકે ગણવામાં આવે છે, જ્યારે બાકીની ત્રણ (ધારણા, ધ્યાન અને સમાધિ) અંતરંગ-સાધના તરીકે ગણવામાં આવે છે.

ધારણા એટલે ચોક્કસ વિષય પર ધ્યાન કરવું, તે છે. જેમ કે હૃદયમાં કમળ પર, મનમાં પ્રકાશ પર, નાકના ટેરવા પર, જીભ પર અથવા કોઈ બહારના વિષયો પર જેમ કે, ચંદ્ર અથવા ઈશ્વરની કોઈ છબી પર આવા વિષય પર ધ્યાન કરવું વગેરે.

ધ્યાન: જ્યારે ધારણા દૃઢ થઈ જાય ત્યારે વિચારોનો પ્રવાહ અતૂટ થઈ જાય અને ત્યારે ધ્યાન થાય છે. અહીં, મનની ગતિ ધ્યાનના વિષયની આજુબાજુ હોય છે. અહીં હજુ પણ અહંની ચેતના, ધ્યાનનો વિષય અને ધ્યાનની પ્રક્રિયા અસ્તિત્વમાં હોય છે.

ધ્યાન જ્યારે સંપૂર્ણ રીતે થાય છે અને મન ધ્યાનના વિષય પર એટલું બધું લીન થઈ જાય છે કે તે પોતે પોતાની સત્તા ગુમાવી બેસે છે અને તેને પોતાની કોઈ જાગૃતિ રહેતી નથી. આવી સ્થિતિને ‘સમાધિ’ કહે છે. આ સ્થિતિમાં માત્ર ધ્યાનનો વિષય જ પ્રકાશિત રહે છે અને યોગીને પોતાને વિચારોની પ્રક્રિયાનો ખ્યાલ રહેતો નથી. અહં પણ પૂરેપૂરો તાબે થઈ જાય છે.

સમાધિની અવસ્થામાં કે જે સાહજિક અને ઉચ્ચ ચેતનાનો અનુભવ છે, ત્યાં ધ્યાનનો વિષય બધાં જ રહસ્યો યોગી સમક્ષ ખોલી દે છે. જો યોગી સાંખ્ય પાસેથી જાણ્યા બાદ ધ્યાનનો વિષય પોતાને અથવા ઈશ્વરને રાખે તો તે કૈવલ્ય (મુક્તિ) મેળવે છે.

પતંજલિ આ બન્નેને અનુક્રમે સંપ્રજ્ઞતા અને અસંપ્રજ્ઞતા સમાધિ કહે છે. પહેલામાં, ધ્યાનનો વિષય તેની સમગ્રતામાં જણાય છે; જ્યારે બીજામાં બહારનું કંઈ જ નથી, અને આત્મા જ જણાય છે.

પતંજલિ દ્વારા જણાવાયેલી યોગની પ્રક્રિયા અને ધ્યાન ભક્તિના માર્ગથી પણ અપનાવી શકાય છે. આ ભક્તિના માર્ગમાં, ઇષ્ટદેવ (પોતાના પસંદ કરાયેલા દેવ) તે ધ્યાનનો વિષય બને છે.

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.