(‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની પેઢીના સન્નિષ્ઠ શિક્ષક અને સાચા સેવક છે. જૈફ ઉંમરે પણ તેમનાં ઉત્સાહ અને લગન યુવાનોને શરમાવે તેવાં છે. એમનો આ સ્વાનુભવરસિત લેખ સૌને ગમશે એવી આશા રાખીએ છીએ.)

સમગ્ર શિક્ષણની – તેમાંયે બાલશિક્ષણની આપણી આજની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે મનમાં ઘણા પ્રકારની દ્વિધા ઉત્પન્ન થાય છે.

આધુનિક બાલશિક્ષણની પ્રવૃત્તિઓ આપણે ત્યાં ગુજરાતમાં લગભગ ૭૦ વર્ષથી શરૂ થઈ એમ કહી શકાય. અને તેનો પાયો સ્વ. પૂ. શ્રી ગીજુભાઈએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ નામની શિક્ષણ સંસ્થામાં નાખ્યો એમ પણ કહી શકાય.

શ્રી ગીજુભાઈએ ઈટાલીઅન બાલશિક્ષણ શાસ્ત્રી મૅડમ મૉન્ટેસૉરીનાં બાલશિક્ષણ અંગેનાં પુસ્તકો વાંચ્યાં અને  સંપૂર્ણપણે તેઓ તેનાથી રંગાઈ ગયા. એટલું જ નહિ પણ પોતાનો વકીલાતનો ધંધો છોડી શિક્ષણને – બાલશિક્ષણને પોતે સમર્પિત થઈ ગયા અને તે પછી તેમણે જે વિધવિધ રીતે અને જોરશોરથી બાલશિક્ષણની અનેક પ્રવૃત્તિઓ ચલાવી તેની આપણને કલ્પના પણ નહિ આવી શકે.

બાળકો અને નાના વિદ્યાર્થીઓ માટે વાંચવાનું સાહિત્ય અને બાળકો માટે અને બાલશિક્ષણ અંગે મોટાંઓએ વાંચવા અને સમજવા માટેનું બાલશિક્ષણ સાહિત્ય તેમણે ખૂબ લખ્યું. અને એક આદર્શ નમૂના રૂપનું બાલમંદિર પણ તેમણે ચલાવ્યું અને બાલશિક્ષકો – શિક્ષિકાઓ તૈયાર કર્યાં અને વ્યાપકરૂપમાં આવી બાલશિક્ષણની પ્રવૃત્તિઓ ચલાવી અને વિકસાવી. વિશેષ તો સમાજને બાલશિક્ષણ વિષે અભિમુખ કર્યો.

એ સમયમાં અને તે પછી પણ ઠીક ઠીક વર્ષો સુધી આ બાલશિક્ષણની પ્રવૃત્તિ બાલશિક્ષણના સિદ્ધાંતો અનુસાર ખૂબ ભાવનાપૂર્વક અને ભાવપૂર્વક ચાલી. જ્યારે અત્યારની પરિસ્થિતિ બહુ જુદી જણાય છે. સાચા શિક્ષણની ભાવના કરતાં બીજાં અનેક તત્ત્વો તેમાં ભળી ગયેલાં દેખાય છે. વળી માત્ર ધંધાદારી દૃષ્ટિએ આ બાલશિક્ષણનું ફલક પણ ઘોડિયાઘરના બાળકથી શરૂ થઈ જતું જણાય છે. બેબીકેર, પ્લેહાઉસ, નર્સરી, કે.જી. વગેરે અંગ્રેજી નામોથી શહે૨માં આ પ્રવૃત્તિ ખૂબ વધતી જાય છે. બાળકના વિકાસ-પ્રગતિના નામે પોતાની આર્થિક ઉન્નતિ માટે જ આ પ્રવૃત્તિઓ વિશેષપણે ધંધાદારી રીતે જ ચાલી રહેલી હોય તેવું પણ જણાય છે.

આ પરિસ્થિતિમાં શું હોવું જોઈએ? આ પ્રવૃત્તિ કોના માર્ગદર્શન તથા કોના નિયંત્રણમાં ચાલવી જોઈએ વગેરે વિષે હું કાંઈ જણાવું તેના કરતાં તો – બાલશિક્ષણ – શિશુશિક્ષણ વિષેની કેટલીક ભાવનાત્મક વાતો હું જણાવું તો તે વધારે સારું એમ મને લાગે છે.

તો હું બાલશિક્ષક તરીકેની અમારી મૉન્ટેસૉરી પ્રાર્થનાથી જ શરૂઆત કરું. જુઓ તો ખરા, મૅડમ મૉન્ટૅસૉરીએ આ પ્રાર્થના દ્વારા બાલશિક્ષકને બાળક પ્રત્યેની કેટલી બધી ભાવનાવાળો અને જ્ઞાનની દૃષ્ટિવાળો, પ્રભુપરાયણ નમ્ર બનાવ્યો છે.

અમારી પ્રાર્થના છે:

Help us oh Lord, to penetrate into the secret of the child, so that we may know him, love him and serve him according to thy Law of Justice and Divine Will.

જેની સેવા કરવી છે, જેના શિક્ષક બનવું છે, તે બાળકનાં તન-મન-આત્માને ઊંડાણથી જાણ્યા વગર અને એ જાણ્યા પછી સમગ્ર બાળક જાતને, બાળક માત્રને પ્રેમ કર્યા વગર આપણે તેની સાચી સેવા કેવી રીતે કરી શકીએ? પૂજ્ય ગાંધીજી નજર સામે આવે છે. તેઓશ્રી રાષ્ટ્રની જે કાંઈ સેવા કરી શક્યા તેનું કારણ મારી દૃષ્ટિએ અને નમ્રતાપૂર્વક મને એ લાગે છે કે એ તેમનું ભારત વિષેનું સાચું રાષ્ટ્રદર્શન હતું. ભારતની ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, રાજકીય, આર્થિક વગેરે સમગ્ર દૃષ્ટિએ શું યોગ્ય, શું હિતકારી તે જાણવા માટે તેમણે પ્રભુપરાયણતા સાથે, સત્યપરાયણતા સાથે જે અઢળક પ્રયત્નો નમ્રતા સાથે કર્યા, જીવનને હોડમાં મૂકીને પણ કર્યા એ પછી જ એ સાચું ભારતદર્શન પામ્યા હતા એમ કહી શકાય અને તેથી જ એમના બતાવેલા રસ્તાઓ આપણે માટે, રાષ્ટ્ર માટે યોગ્ય અને સાચા હિતના હતા. એટલું નહિ આજે પણ યોગ્ય અને સાચા હિતના જ હોઈ શકે. કારણ કે સત્ય કદી જીર્ણ થાય જ નહિ. તેથી તે રસ્તાઓ આજે પણ સાચા હિતકારી હોઈ શકે. ભલે તેનું અમલીકરણ આજની પરિસ્થિતિ પ્રમાણેનું હોય.

તેવી જ રીતે જે બાળકનો સર્વાંગી સર્વતોમુખી વિકાસ સાધવા માટે આપણે વાતાવરણ સર્જવાનું છે, તે બાળકનાં બાળરહસ્યોનું આપણને હૃદયપૂર્વકનું આકલન થવું જોઈએ, અને તે પણ ભાવનાપૂર્વકનું અને પ્રભુપરાયણતા સાથેનું. આવું થાય તો જ આપણે ગમે તે બાળકને ગમે તેવી પરિસ્થિતિમાં પણ માત્ર પ્રેમ જ કરી શકીએ. અને તે પછી જ તેના માટેની સાચી સેવાની પ્રવૃત્તિઓ કરી શકીએ.

આવી ઊંચી ભાવના દૃષ્ટિ છતાં એક સામાન્ય શિક્ષક તરીકે જીવનના અને તનમનના અનેક સંઘર્ષોમાંથી પસાર થતાં ઘણી મર્યાદાઓમાં એક સાચા મૉન્ટૅસૉરી શિક્ષક તરીકેનું ઘણું ઓછું આચરણ થઈ શક્યું છે – તેવું નમ્રતા અને સદ્ભાવ સાથે જણાવતાં પ્રભુની કૃપાથી થોડીક હળવાશ અનુભવું છું. આવું જ મારા જેવા અન્ય શિક્ષકોનું પણ હશે.

અને હવે બાળદર્શન પામેલા કવિઓ, તેમજ અન્ય મહાનુભાવોના સાહિત્યમાંથી મને જે કાંઈ થોડું ઘણું પ્રાપ્ત થયું છે તેમાંથી કેટલુંક આનંદપૂર્વક રજૂ કરું છું.

સ્વ. પૂજ્ય ગીજુભાઈનું તો સમગ્ર સાહિત્ય – બાળસાહિત્ય અદ્ભુત પ્રેરણાત્મક જ છે. તેવું જ તેમના બાળશિક્ષણકાર્યના પરમ સાથીદાર સ્વ. પૂ. શ્રી તારાબેન મોડકનાં પણ બાલશિક્ષણ અંગેનાં લખાણો તેવાંજ જોશીલાં અને પ્રેરણાત્મક છે.

આવું જ સ્વ. પૂ. શ્રી જુગતરામ દવે એટલે કે વેડછી ગાંધી આશ્રમના જુગતરામકાકા જેમણે પણ બાલશિક્ષણનું મુખ્યત્વે ગામડાની દૃષ્ટિએ બાલશિક્ષણનું ખૂબ ચિંતન મનન કર્યું છે. તેમનાં ‘બાલવાડી’ અંગેનાં બે પુસ્તકો (અગાઉ ત્રણ ભાગ હતા તેમાંથી બે ભાગ કર્યા છે) પણ બાલશિક્ષણ અંગે ખૂબ માહિતી આપે છે અને ગામડાની દૃષ્ટિએ બાલશિક્ષણમાં શું શું થઈ શકે, શું શું કરવું જોઈએ તે જાત અનુભવથી જણાવે છે.

કૃષ્ણ – કનૈયો કાનુડો, કાનજીનું બાળપણ જશોદામાએ જે રીતે નભાવ્યું, શોભાવ્યું, માણ્યું અને શણગાર્યું તે દૃષ્ટિએ જશોદામાને આદર્શ માતાનું બિરૂદ આપણી સંસ્કૃતિ આપે છે. ભક્ત કવિ સુરદાસજીએ કૃષ્ણના બાલજીવનના નાના મોટા પ્રસંગોને ખૂબ પ્રેમભાવથી માણીને પછી ખૂબ ગાયા છે. “મૈયા મૈંને માખન નહીં ખાયો” આ તો બહુ પ્રસિદ્ધ છે. આવાં તો અનેક છે. ‘બાલમાધુરી’ નામની સુરદાસજીની પુસ્તિકામાં આ બધાં સંગ્રહિત થયાં છે. પૂજ્ય શ્રી તુલસીદાસજીએ પણ શ્રી રામચંદ્રજીના બાલજીવનને સપ્રેમ ગાયું છે.

આધુનિક કવિઓમાંથી પણ થોડું જણાવું. શ્રી ત્રિભુવન ગૌ. વ્યાસે ‘બાલસ્વરૂપ’ અને ‘શૈશવ’ને બહુ બિરદાવ્યાં છે. કવિ કહે છે: કેવું છે આ બાલસ્વરૂપ?

“મુખમનહરણું, સાવ સરળ ને મીઠી આંખલડી તેજાળ,

કુમળું અંગ ગુલાબકળી સમ, સોનેરી ભૂરા શિર વાળ

નિર્મળતા સુંદરતા રસરૂપ, નમું નમું હો બાલસ્વરૂપ”

સુંદર, મનનું હરણ કરનારું, વળી સાવ સ૨ળ ને નિર્દોષ આવું બાલસ્વરૂપ. વળી કવિ કહે છે-

“યોગીજન સમ દૂધાધારી, કાંતિ નગ્ન દિગંબરની

અવધૂત સરખું અંગ અહાહા, પ્રેમળતા પેગંબરની

જીવન જગમાં અજબ અનૂપ, નમું નમું હો બાલસ્વરૂપ”

જોયું ને? બાળકની નગ્નતા પણ પ્રભુમયતા, નિર્વિકારતા જ અર્પે.

વળી કવિ કહે છે:

“ગોમુખથી ઝરતાં ઝરણાં સમ,

ખિલખિલ હસતું મંજુલ નાદ,

બીક નહિ, પરવા નહિ કોની,

આત્મામાંથી ઝરે પ્રસાદ

માત પિતાનું મંગલરૂપ

નમું નમું હો બાલસ્વરૂપ”

માતા-પિતામાં રહેલી મંગલતાનું જ એ પ્રતિનિધિ ‘મંગલરૂપ.’

આવી તો કુલ આઠ કડી કવિએ બાલસ્વરૂપની સપ્રેમ ગાઈ છે. છેલ્લી કડીમાં કવિ કહે છે 

“વિકારની નહિ રેખ વદન પર,

સ્વચ્છ નિખાલસ સુરખી રમે

અંતરની અણિશુદ્ધ પ્રતિમા,

કહો કહો કોને ના ગમે?

ઈશ્વર પણ થાયે તદ્રુપ,

નમું નમું હો બાલસ્વરૂપ.”

નિર્વિકારી, સંપૂર્ણ નિર્દોષ અને પરમસત્યની નજીકનું જ ‘બાલસ્વરૂપ.’

આવા બાલસ્વરૂપ પ્રત્યે ભાવ રાખવો, તેની સેવા કરવી તે તો પ્રમાણમાં ઘણું સહેલું. કારણ કે આ શાંત બાલસ્વરૂપ માટે તો જે કાંઈ કરવાનું છે, કરવા જેવું છે તે વડીલોએ જ, મોટાંઓએ જ કરવાનું છે, પણ પ્રશ્ન તો નાચતી કૂદતી, જિજ્ઞાસાથી પ્રશ્નો કરતી શૈશવ અવસ્થાનો છે. આ શૈશવને સમજવું, તેના થનગનાટ કરતાં ચેતન સ્વરૂપને, તેની પ્રવૃત્તિઓને, તેની જિજ્ઞાસાને સંતોષતા જવી, તેની ચેતનવંતી પ્રવૃત્તિઓ, હિલચાલોથી ઉદ્‌ભવતી નાની મોટી સમસ્યાઓ, ભાંગફોડ, દોડાદોડી પ્રેમભાવથી સહન કરવી અને છતાંયે તેને વહાલથી નવડાવવો – આ જ આપણું કર્તવ્ય. બાલ્યાવસ્થામાંથી પરિણમતી આવી શિશુ અવસ્થાને વર્ણવતાં આવડા આ જ કવિ શ્રી ત્રિભુવનભાઈ જણાવે છે કે જ્યારે હવે શિશુ અવસ્થા પ્રાપ્ત થઈ એટલે જ “થયો પ્રાચીસમ બુદ્ધિ વિકાસ, નાચે શૈશવ મધુરે હાસ.

આમ બુદ્ધિ વિકસિત થઈ અને સાથે સાથે-

“કલા ખીલી કંઈ ઓર રમતમાં,

નિશદિન કુદરતમાં ગુલતાન.”

આમ કુદરતમય થવાની સાથે સાથે કિલ્લોલ કરતી, મીઠા બોલ ઝરતી વાણી પણ વિકસી:

“સરસ્વતીનાં સૂત્રો સરખી, ઊઘડી વાચા રસ કિલ્લોલ

ભાંગ્યાં તૂટ્યાં સુધા મધુર મુખ,

કાલાં કાલાં ઝરતાં બોલ

મંગલમય ગૂંજે ગૃહવાસ-

નાચે શૈશવ મધુરે હાસ”

અને જિજ્ઞાસાનો તો પાર જ નહિ:

“વિશાળ વિશ્વતણી રચનામાં,

આવી ઊભું એ અણજાણ,

આ શું? એ શું? પૂછે પળપળ,

માગે સૌની સત્ય પિછાણ

અંતર ભરતું જ્ઞાન સુવાસ, નાચે શૈશવ મધુરે હાસ”

વળી કવિ કહે છે:

“શું શોધે ઓ કુદરત ઘેલા, સઘળું શાને પરખી લે

રૂંવે રૂંવે ચંચળતા શી આ, ઘડિયે ના વિશ્રાંતિ લે,

લેતું શા ઉદ્યમના રાસ, નાચે શૈશવ મધુર હાસ”

વળી બાળકનાં સ્વમાન અને હઠને બિરદાવતાં કવિ ગાય છે:

“સ્વમાનની એ સુંદર મૂર્તિ, હઠ એનો હય પાણીદાર

પ્રેમ તણો એ દેવ મનોહર, શરમ તણા શોભે શણગાર

કૂદવું એ તો સહજ પ્રવાસ, નાચે શૈશવ મધુરે હાસ”

અને છેલ્લે, કેવી કેવી સુંદર અને ભવ્ય કલ્પનાઓમાં રાચતું આ શૈશવ છે તે કવિ વર્ણવે છે.

“રવિ શશિ ગ્રહવા, સાગર તરવા,

વાદળીઓ પર સ્વાર થવા

પતંગિયું થઈ ઊંચે ઊડવા,

ઘાટ ઘડે કૈં નિત્ય નવા

વિરાટનો એ સૌમ્ય સમાસ, નાચે શૈશવ મધુરે હાસ”

આખું કાવ્ય દસ કડીનું છે. તેમાંથી કેટલુંક મેં મૂક્યું.

આવી જ રીતે કવિશ્રી મેઘાણીભાઈએ પણ શિશુ અવસ્થાને લડાવી છે. તેમાંથી પણ થોડો રસાસ્વાદ લઈએ:

નાનો દીકરો પોતાના બાપુને પોતાની સાથે રમવાનું અને ગુલતાન કરવાનું નિમંત્રણ આપે છે.

“નાના થૈ ને, નાના થૈ ને નાના થૈ ને રે,

બાપુ તમે નાના થૈ ને રે

મારા જેવા નાના થૈ ને રે

છાનામાના રમવા આવો નાના થૈ ને રે

બાપુને મૂંઝવણ થઈ, એલા, પણ “નાના કેવી રીતે થાવું?

“આવો બાપુ રીત બતાવું

ઢીંકા, પાટું, ખાવું, પીવું પાડા થૈ ને રે

અને પછી

“શેરી વચ્ચે નાચવા આવો,

ઓળકોળાં બે હીંચવા આવો

બોથડ મોટી મૂંછ મુંડાવો, રૂપિયા દૈને રે…(બાપુ)

અને

“નાને માથે નાનકી પાંથી, દૈશ હું ઓળી મીંડલાં ગૂંથી

જોજો રાતે નાખતા ચૂંથી, ગાંડા થૈનૈ રે… (બાપુ)

અને બહાર ઘૂમવાનું આકર્ષણ થશે તો-

“ખેંચી દોરી ખૂબ હીંચોળે . . થાકેલી બા જાશે ઝોલે-

ભાગી જાશું બેઉ ભાગોળે… સાંકળ દૈને રે…

અને પછી મહાલશું-

“ખેતરકોતર ખીણ ઓળંગી,

જોઈ વાદળીઓ રંગબેરંગી,

“ઘૂમશું ડુંગર જંગીજંગી ઘેલાં થૈનેરે..

અને કોઈવા૨ રોવાનું પણ થશે ને?

“નાનકી આંખે નાનકા આંસુ, બાની સાથે રોજ રીસાશું

ખાંતે એના ધબ્બા ખાશું ખોળે જૈને રે… બાપુ તમે

નાના થૈને રે છાના માના રમવા આવો નાના થૈને રે.”

આવું જ બીજું મૂંઝાતા બાળકનું છે.

“કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે

એવું કહી શીદ બાળો મુજને કોણ કહે કજિયાળો રે…

મન મારું આકાશે તરતું, વાદળીઓની સાથે ફરતું

બા કહે છે કે લેસન કર તું, ઠપકો દેતી ઠાલો રે..”

લે, પણ હજી તો મારે વિમાનની, સ્ટીમ૨ની, દરિયાની, ચાંદા સૂરજની, એવી એવી તૌ કૈંક વાતો જાણવી છે.

“મારા મનના કૈંક વિચારો, કોને જઈ હું કહું બિચારો

ડગલે ડગલે મળતો ડારો, કોઈ ન કાં પંપાળો રે…

પણ જો

“ખિજાયા વિણ ખોળે લઈને, સમજાવો આલિંગન દઈને

બેસીશ ડાહ્યો ડમરો થઈને,

હું તો સાવ સુંવાળો રે કોણ કહે કજિયાળો?

જો કે આવું અને આટલું સુવાળું શૈશવ આપણને ભલે અનુભવાતું ન હોય તોયે આપણો પ્રેમભાવ – સહાનુભૂતિભર્યો ભાવ અખંડપણે રહેવો જ જોઈએ તે જ આપણું કર્તવ્ય.

ગુરુદેવ ટાગોર તો આપણા મહાન કવિ. બાળકને તે તો કેમ જ ભૂલે? મહાન સાહિત્ય સાથે તેમણે “શિશુકાવ્યોપણ ઘણાં બધાં લખ્યાં છે. ભારતીય સંસ્કૃતિનાં તો તે ૫૨મ ઉપાસક. તેમનું રામાયણના પ્રસંગને લગતું એક બાળ કાવ્ય ખૂબ આનંદદાયક છે. મા દીકરાનો સંવાદ છે. દીકરો માને કહે છે રામ તો બનું મા, પણ લક્ષ્મણ જેવો ભાઈ પડખે જોઈએને? કાંઈ એકલા એકલા રામ ન બનાય. તો આપને મને એક ભાઈ. બહુ મજાનું કાવ્ય છે. ‘લક્ષ્મણ જેવો ભાઈ’ કોઈ વાર તે ગીત જણાવીશ – મૂળ બંગાળી ‘વનવાસ’ નામનું છે. ભાવનગરવાળા શિશુવિહાર સંસ્થાના શ્રી પ્રેમશંક૨ભાઈએ તે ગુજરાતીમાં ઉતાર્યું છે. હવે છેલ્લે એમનું જ એક બીજું કાવ્ય “બાલમંદિરના શિક્ષકની મૂંઝવણ” જણાવીને મારું લખાણ પૂરું કરું છું. શિક્ષક કહે છેઃ

“બાલમંદિરે મોટેરાંનાં ધાડેધાડાં આવે,

પોતાના બાળકની સામે ફરિયાદો સૌ લાવે.

કવરાવે છે, કજિયાળો છે, સાવ રહ્યો છે ઠોઠ,

નાની બેનને પાડી દીધી, ભાંગી નાખ્યો હોઠ.

હજી એકડા ના આવડ્યા, બારાખડી ના ગોખે

બા, બાપાનું નથી માનતો, તમે ચડાવ્યો મોઢે.

ડારો દેજો, બીક રાખજો, જરૂર પડે તો મારો

ફાટીને તો ગયો ધૂમાડે, ઘરમાં પાડે રાડો.

જો ના માને, કાન પકડજો, તડતડ ચાર તમાચા,

એ વિના તો ભાન ન આવે વચનો કહીએ સાચા,

માસ્તર સાહેબ,

અને ગીજુભાઈ, મૉન્ટેસૉરી, ગાંધીબાપુની તેમજ અન્ય બાલપ્રેમીજનોની વાતોથી રંગાયેલો શિક્ષક બાળકોનાં મોટેરાંઓની આવી વાતોથી ખૂબ મૂંઝાય છે. પણ પછી તો જોરમાં આવી જાય છે અને જણાવે છે કે-

“મને થતું કુંભાર થાંઉ તો ગર્દભને ના મારું

તો ફૂલડાં શાં આ બાળકને શા માટે હું ડારુ?

પણ જો મારે પડે મારવું માર્યા વિણ નવ ચાલે તો

આવી વાતો કરનારાને તો ખૂબ ચખાડું.”

તો આવી રીતે બાલશિક્ષણને લગતું આપણે ઘણું બધું વિચારી શકીએ. બાળકો અને બાલશિક્ષણમાં આપણે યત્કિંચિત્ પણ યોગ્ય રીતે વિચારીને કંઈ પણ સારું-સાચું પ્રદાન કરી શકીએ તો તે પણ યોગ્ય છે અને પ્રભુની કૃપા છે. આ રીતે આવું વિચારવાની જેમણે મને તક આપી છે તેમનો હૃદયપૂર્વકનો આભાર.

Total Views: 102
By Published On: April 22, 2022Categories: Ganapatbhai Bharadwaj0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram