(પી. ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રાધ્યાપકો પ્રા. હિંમતભાઈ શાહ (ભૂતપૂર્વ) અને પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકની નિષ્ઠા વિશે સુંદર છણાવટ કરે છે.)

ઘેઘૂર વડલો ગામને પાદર ગામની શોભારૂપ બાફાલ્યોફૂલ્યો હોય, અનેક પંખીઓનું આશ્રયસ્થાન હોય, પરંતુ એમાં જો ઊધઈ લાગે તો? એ વૃક્ષ બહુ જ ઝડપથી ધરાશાયી થશે; તેમ રાષ્ટ્રની આન અને શાન વધારનાર શિક્ષણરૂપી વડલાને જો ઊધઈ લાગે તો બાકી શું રહે? આજે આપણે લગભગ આવી જ પરિસ્થિતિમાંથી પસાર નથી થઈ રહ્યા? ગઈ સદીના ઉત્તરાર્ધમાં અને આ સદીના પૂર્વાર્ધમાં એક-એકથી ચડિયાતા નેતાઓ મળ્યા, જીવનનાં સર્વ ક્ષેત્રોના પાયામાં ધરબાઈ જઈ સ્વાર્પણભાવે દેશની સેવા કરનાર અનેક નવયુવકો હતા. આના મૂળમાં ઊંડા જઈએ તો તે વખતના પ્રાથમિક શિક્ષકોની બૌદ્ધિક સજ્જતા, તપસ્યા અને નિષ્ઠા રહેલાં હતાં. આજે મૂલ્યો વિશે ચર્ચાઓ પરિસંવાદો યોજવાં પડે છે; તે કાળમાં શિક્ષકો સાવ અલ્પ વેતનમાં પણ જીવ રેડીને ભણાવતા હતા.

આ સદીના પ્રથમ દસકામાં ખેડા જિલ્લાના ગંભીરા ગામે કામ કરતા પ્રાથમિક શિક્ષક કરુણાશંકર માસ્તર મહા ઉપાધિમાં આવી પડ્યા. શી હતી ચિંતા? આર્થિક મુશ્કેલી? ના. કોઈ સામાજિક સમસ્યા? ના. વ્યવહારની કોઈ આંટીઘૂંટી? નાજી. સરકાર કે ગ્રામજનતા સાથે અથડામણ? ના…ના…ના. શી હતી મુશ્કેલી? એમને ભીતિ એ હતી કે ગામમાં આવેલા તરગાળા, છ-છ વરસની મહેનત કરી વિદ્યાર્થીઓમાં સિંચેલ સંસ્કારો ભવાઈના ખેલ દરમિયાન તેઓની ભાષા અને આંગિક ચેનચાળાથી નષ્ટ કરશે. માસ્તરે ઉપાય વિચાર્યો. તુરત જ તે ભવાયાના નાયકને મળે છે અને ખેલમાં થનાર અંદાજિત કમાણી રૂપિયા અગિયાર હાથમાં પકડાવી બીજે ગામ જવા વિનવે છે. એમાં તે સફળ થાય છે. યાદ રહે કે તેમનો માસિક પગાર એ સમયે અગિયાર રૂપિયા જ હતો. શિક્ષકની આ નિષ્ઠા, વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ અત્યારે તો દુર્લભ બન્યાં છે. મારામારી, કાપાકાપી, હલકટ સંવાદો અને અશ્લીલ ગીતોથી ભરપૂર ફિલ્મો અને ટી.વી. કાર્યક્રમો સામે આજે ક્યો શિક્ષક અવાજ ઊઠાવે છે? નિષ્ઠા મમતાનો અભાવ આપણને ક્યાં લઈ જશે? મૂળશંકરભાઈ ભટ્ટ ‘શિક્ષણની નિષ્ઠા અને દૃષ્ટિ’માં આવી મમતાને શિક્ષણની ‘જિવાળી’ તરીકે ઓળખાવે છે. તંબૂરના તાર અને ઘોડી વચ્ચેનો નાનકડો તાંતણો એ ‘જિવાળી’. આ જિવાળી ચોક્કસ રીતે ગોઠવાય ત્યારે જ તારના ઝંકારમાં ચેતન આવે.

સૌરાષ્ટ્રની ધીંગી ધરતીના કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કોઠાસૂઝથી અમરેલી જિલ્લાના એક નાનકડા દલખાણિયા ગામમાં ૧૯૦૬-૧૨ના ગાળામાં સંગીત, ચિત્રકળા, ગણિત અને ભાષા શીખવવા જે અવનવા પ્રયોગો કરે છે તેની આછેરી ઝાંખી પણ આજના શોધનિબંધો કે મહાપ્રબંધોમાં જોવા મળતી નથી!

પગારનો અસંતોષ તો એ યુગના શિક્ષકોને પણ હતો, છતાં મોટા ભાગના શિક્ષક વ્યવસાયને ધર્મ માની કામ કરતા હતા. રાધાકૃષ્ણ પંચે જે શિક્ષકોનું ‘The key-stone of the arch of education’ કહી ગૌ૨વ કર્યું અને ડોંગરેકરી જેવા શિક્ષણશાસ્ત્રીએ શિક્ષકને કલાકાર કહી અંજલિ આપી કે ‘The teacher is an artist, he works with the precious clay at unfolding Personality.’ એ જ શિક્ષકોએ શિક્ષણને ધંધો બનાવી દીધો છે. ધંધામાં જેમ નફાતોટાના લેખાં-જોખાં હોય, અપ્રમાણિકતા જોવા મળે, તેમ શિક્ષણમાં પણ બન્યું છે. પરિણામે ભૂતકાળમાં જે બાળકો પ્રાથમિક શાળામાં જ સાદગી, પરિશ્રમ, પ્રામાણિકતા અને નિષ્ઠા જેવાં મૂલ્યો આત્મસાત્ કરતાં તે આજે દુર્લભ બન્યાં છે. શિક્ષકોમાં એ સમયે આ બધું ભારોભાર પડ્યું હતું.

સુરત જિલ્લાના સાવ નાનકડા ગામમાં મહાદેવ દેસાઈને અંગ્રેજી શીખવતા શિક્ષકે ભાષાજ્ઞાન સાથે ભાષાપ્રેમ અને ભાષામોહિની લગાડી તેને કારણે ગુજરાતી, અંગ્રેજી, બંગાળી, મરાઠી જેવી ઘણી ભાષાઓ મહાદેવભાઈને માતૃભાષા જેવી સરળ બની હતી. એ જ મહાદેવભાઈના પિતા હરિભાઈ પણ શિક્ષક હતા. મહાદેવભાઈએ નોંધ્યું છે કે, વરસો પછી મોટી ઉંમરના કેટલાય વડીલો એને મળવા આવતા ત્યારે અહોભાવપૂર્વક તેમના પિતાને યાદ કરતા. એ વડીલો કહેતા કે, હરિભાઈએ નાખેલો ગણિતનો પાયો અમારા જીવનનું ઉત્તમ સંભારણું છે. એ જ હરિભાઈને પોતાના વિષયમાં કેટલો આત્મવિશ્વાસ હતો તે જુઓ. એક વિદ્યાર્થીને તેણે છ માસ ગણિત શીખવ્યું. ફાઈનલની પરીક્ષામાં બેઠો. નાપાસ થયો. હરિભાઈને ખબર પડી. તેને પૂરોપૂરો વિશ્વાસ કે, મેં છ મહિના ગણિત શીખવ્યું હોય તે વિદ્યાર્થી નાપાસ થાય જ નહિ. તેમણે પેપર ખોલાવ્યાં અને એ વિદ્યાર્થી પાસ જાહેર થયો! આવી ભરપૂર શ્રદ્ધાથી આ શિક્ષકો ભર્યાભર્યા હતા. દુ:ખ તો એ વાતનું છે કે, શિક્ષકની નિષ્ઠાના અભાવે આઝાદી પહેલાં કવિશ્રી કરસનદાસ માણેકે લખવું પડેલું કે:

ખીલું ખીલું કરતાં માસુમગુલ સૂત્ર શિક્ષકને સોંપાણાં;

કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં!

વસંત, વર્ષા, ગ્રીષ્મ, શરદના ભેદ બધાય ભુલાણા,

જીવન મોહતણા લઘુતમમાં પ્રગતિ-પદ છેદાણાં!

શિક્ષક આત્મનિરીક્ષણ કરે કે, ફરી આપણે આપણા ભાવિ નાગરિકોને છેહ તો નથી આપી રહ્યા!

સ્વામી વિવેકાનંદે શિક્ષકો પાસેથી ત્રણ લાયકાતની અપેક્ષા રાખી છે: (૧) શિક્ષક શાસ્ત્રનો ખરો મર્મજ્ઞ હોવો જોઈએ (૨) શિક્ષક પાપરહિત હોવો જોઈએ (૩) વિશુદ્ધ પ્રેમને ખાતર શિક્ષણ આપતો હોવો જોઈએ. આજના શિક્ષકોના સંદર્ભમાં વિચારીએ તો સાંપ્રત કાળમાં પોતાના વિષયમાં પલ્લવગ્રાહી પાંડિત્ય પણ જોવા મળતું નથી. જ્યારે જૂના શિક્ષકોમાં એ વિષયનું અગાધ ઊંડાણ તો હતું જ પણ બીજા વિષયોમાં પણ સારા એવા ઊંડા ઊતરેલા હતા. આજે તો ઈતિહાસના અનુસ્નાતક વિદ્યાર્થી મૌર્યવંશ વિશે ઓછામાં ઓછું જાણે છે. કારણ? સ્નાતક – અનુસ્નાતક કક્ષાએ પ્રાચીન ભારતનો ઈતિહાસ લીધો ન હતો!! શિક્ષક માટે પણ એટલું જ સાચું છે.

શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. તે સતત શીખતો રહે છે; નવાં નવાં અર્થઘટનો, નૂતન અર્થચ્છાયાઓ અને નવીનતમ સંશોધનો સાથે પોતાના વર્ગશિક્ષણમાં તાલ મિલાવી શિક્ષણ આપનારા શિક્ષકો કેટલાં? પંદર રૂપિયાના આકાશવાણી-વાર્તાલાપ માટે ૨૫ રૂપિયાનું સંદર્ભ પુસ્તક ખરીદનાર રાજકોટના જ એક પ્રાધ્યાપક જનાર્દન વૈદ્યને યાદ કરીએ તો ગુજરાતના જાણીતા વિવેચક પ્રાધ્યાપક રવિશંકર જોશી કવિ ન્હાનાલાલનાં કાવ્યો શીખવતા હોય ત્યારે પ્રૌઢો પણ વર્ગમાં બેસીને માણતા! અંગ્રેજીના વિદ્વાન આચાર્ય એસ. આર. ભટ્ટના વર્ગમાં અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓ પણ ઊમટી પડતા. પ્રો. દાવ૨સાહેબનો અસ્ખલિત વાણીપ્રવાહ ગંગાસ્નાનનો અનુભવ કરાવતો. આજે પરિસ્થિતિએ પલટો લીધો છે. વર્ગમાં ૧૨૫ને પણ સાચવવા મુશ્કેલ પડે છે. અરે, ઘણા અધ્યાપકો તો ૫૦ ટકા હાજરીને પણ પોતાનું અહોભાગ્ય સમજે છે!

ભૂતકાળમાં વર્ગમાં ખૂબ જ ટાંચાં સાધનો હોવા છતાં શિક્ષકો વર્ગને થનગનતો રાખી શકતા. આજનો શિક્ષક ધારે તો અનેક સુવિધા સગવડોનો લાભ લઈ શકે તેમ છે. દૃશ્યશ્રાવ્ય સાધનો, પ્રચાર માધ્યમો, પરિસંવાદો, પુસ્તકાલય – સેવા વગેરે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. આંત૨રાષ્ટ્રીય સંશોધનો પણ સુલભ બન્યાં છે. હવે શિક્ષકને હૃદયની આકૃતિ દોરી, લોહીનું પરિભ્રમણ સમજાવવાની ઓછી જરૂર પડશે, કારણ કે હૃદયનું કાર્ય દર્શાવતી ફિલ્મ, ફિલ્મસ્ટ્રીપ પ્રાપ્ય છે. આ બધાં શૈક્ષણિક ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આજનો શિક્ષક સાચેસાચ વર્ગને સ્વર્ગ બનાવી શકે તેમ છે. આશા રાખીએ કે આવી નિષ્ઠાનું શિક્ષકોમાં ફરી અવતરણ થાય. તો પછી કોઠારી શિક્ષણપંચનું વિધાન સાચું ઠરે કે, “ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.”

મને યાદ આવે છે એક નિષ્ઠાવાન શિક્ષકની, સ્પેનિશ ભાષામાં રચાયેલ અંતરની પ્રાર્થના –

‘હે પરમાત્મા! મારા અંતરમાં મારી શાળા પ્રત્યે અનન્ય ભક્તિભાવ જાગૃત રહે. રિદ્ધિની મોહિની, મારી શાળા પ્રત્યેની નિષ્ઠાને ચલિત ન કરે, અંતરને કલુષિત કરતી અધિકાર રક્ષાની વૃત્તિ મારામાં ન જાગે. અપ્રિયકરતા વિરોધની વૃત્તિનો તો જાગતાં જ ઉચ્છેદ થઈ જાઓ,

મારા પ્રત્યે કોઈનામાં સૌહાર્દનો અભાવ હોય તો તે મને કઠે નહિ, મારા શિષ્યોની સ્મૃતિમાંથી ભૂંસાઈ જવાનું મારા માટે નિર્માયું હોય તો તેનો મને રંજ ન રહે.

કોઈ એક બાળકમાંય મારા જીવનના સંવાદનું સંગીત પૂરવાની શક્તિ આવી વસી રહે.

મારા શાળામાં જે કંઈ હો, તે જન હિતાય જન સુખાય હો, અલ્પને પણ ઉન્નત કરનારું હો,

મારી જીવનસરણી સરળતાથી વહેનારી હો, મારી દૃષ્ટિ અગાધને શોધતાંય ન થાકે એવી હો.

મારું અધ્યાપન સહજ અને દંભરહિત હો. દંડ ધારણ કરતાં પણ મારા હાથ ફૂલદડા જેવા બની રહો. એમાં માતાના હાથની દુઃખ ભૂલાવી દેનારી મૃદુતા આવી વસો. ઈંટમટોડીની મારી આ શાળામાં મારી પ્રાણશક્તિ વહેતી રહો, એની કંકાલકાયને ઉષ્મા આપી શકે એવી મારી, શ્રદ્ધા હો, મારું હૃદય એના ધારક સ્તંભનું સ્થાન પ્રાપ્ત કરો. મારી અભિલાષાઓ એના ઉન્નત શિખરરૂપ બની રહો.

પ્રાર્થના-સંદર્ભ: શિક્ષણની તાત્ત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલા, બી.એસ. શાહ પ્રકાશન અમદાવાદ લેખકોઃ ડૉ. દવે, ડૉ. પાઠક, ડૉ. પટેલ -પટેલ વિભાગ – ૨, પાના નં.- ૧૫

Total Views: 436

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.