મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે.

(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ન્યુયોર્કના અધ્યક્ષ હતા અને તેમણે “શ્રીરામકૃષ્ણ કથામૃત”નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ (શરત્‌ મહારાજ) રામકૃષ્ણ મિશનના પ્રથમ જનરલ સેક્રેટરી હતા. એમણે “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” ગ્રંથની રચના કરી હતી. ઠાકુરના શિષ્યો નવાગત સંન્યાસીઓને વિનમ્રતા, અહંકારનો નાશ, અને કર્મદક્ષતાના પાઠ ભણાવી એમના ચરિત્ર અને સંસ્કારની શુદ્ધિ કેવી રીતે કરતાં એ આ સ્મૃતિકથા દ્વારા આપણે જાણી શકીએ છીએ. બંગાળી પુસ્તક “સ્વામી સારદાનંદેર સ્મૃતિકથા” માંથી આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. -સં)

(આ ઘટના કાશીની છે. સ્વામી નિખિલાનંદ ત્યારે યુવા સંન્યાસી હતા અને સ્વામી સારદાનંદ સાથે સેવકરૂપે કાશી આવ્યા હતા.)

શીતકાળની બપોર હતી. હલકો વરસાદ પડી રહ્યો હતો. શરત્‌ મહારાજ વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે ગયા હતા. રહેઠાણે હું એકલો જ હતો. અદ્વૈત આશ્રમથી એક સંન્યાસીએ આવીને કહ્યું કે, “શરત્‌ મહારાજને સામાન્ય સંધિવા છે. સ્નાનઘરમાં એમના માટે એક બાલટી ગરમ પાણી રાખી દે. મહારાજના (સ્વામી બ્રહ્માનંદના) સેવકો ઠંડીના દિવસોમાં એમના હાથ-પગ ધોવા માટે હંમેશાં ગરમ પાણી રાખી મૂકતા.”

મેં સ્નાનઘરમાં એક બાલટી ગરમ પાણી રાખી દીધું. શરત્‌ મહારાજે પાછા આવીને એ ગરમ પાણી વાપર્યું. એનાથી એમને ખૂબ આરામ મળ્યો. પછી તેમણે પ્રશ્ન કર્યો, “કોણે આ ગરમ પાણી રાખ્યું છે?” મેં ઉત્તરમાં કહ્યું કે મેં જ રાખ્યું હતું. એમણે કારણ પૂછવાથી મેં જવાબ આપ્યો કે શીતકાળની સંધ્યા છે માટે જ રાખ્યું હતું. મૂર્ખની જેમ એમ પણ કહી દીધું કે મહારાજના સેવકો પણ ઠંડીના દિવસોમાં એમના માટે ગરમ પાણી રાખી દેતા. તેઓ ખૂબ નારાજ થઈ ગયા અને કહ્યું, “જોઉં છું કે તું મને મહારાજનો સમકક્ષ બનાવવા માગે છે.”

(શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે રાખાલ (રાજા મહારાજ) એમનો માનસપુત્ર છે. માટે જ શરત્‌ મહારાજ તથા ઠાકુરના અન્ય સંન્યાસી શિષ્યો રાજા મહારાજ પ્રતિ અતિશય શ્રદ્ધાભક્તિ દાખવતા. -સં.)

મારા મનમાં ખૂબ કષ્ટ થયું. હું મારા ઘરમાં જઈ, દરવાજા તરફ પીઠ ફેરવી, ધ્યાનનો ઢોંગ કરીને બેસી ગયો. થોડા સમય પછી શરત્‌ મહારાજે ધીરેથી દરવાજો ખોલ્યો અને મીઠા સ્વરે મને એમના માટે એક કપ કોફી બનાવવાનું કહ્યું. મારું અભિમાન પાણી-પાણી થઈ ગયું. ત્યાર બાદ તેઓએ મને એક પાન પણ ખાવા માટે આપ્યું. મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે.

કાશીની જ એક બીજી ઘટના છે. એક દિવસ શરત્‌ મહારાજની સાથે આવેલ મહિલા ભક્તો મંદિરમાં દર્શન માટે ગયાં હતાં. તેઓને પાછા ફરતાં મોડું થઈ રહ્યું હતું. તેમણે એમનાં કપડાં ધોયા પછી છત ઉપર સૂકવવા માટે રાખ્યાં હતાં. અચાનક વરસાદ પડ્યો. અમારામાંના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સંવિદાનંદે છત ઉપરથી કપડાં સંકેલી લઈ મહિલાઓના ઓરડામાં રાખવાનું કહ્યું. મહિલાઓનાં કપડાં ઉઠાવવાની મારી ઇચ્છા હતી નહીં, પરંતુ સંવિદાનંદે કહ્યું કે ઉદ્‌બોધનમાં શરત્‌ મહારાજની સાથે લાંબો સમય રહેવાથી તેઓ એમની ચિંતનધારા સાથે પરિચિત થઈ ગયા હતા. જો મહિલાઓનાં કપડાં ભીનાં થઈ જશે તો શરત્‌ મહારાજ નારાજ થઈ જશે. સ્વામી સંવિદાનંદના એક પગમાં પીડા થઈ રહી હતી, માટે જ તેઓ પોતે કપડાં લઈ આવી શકે તેમ ન હતા. આ વાત સાંભળી મારી અનિચ્છા છતાં હું છત ઉપર જઈ કપડાં લઈ આવ્યો અને મહિલાઓના ઓરડામાં રાખી દીધાં.

શરત્‌ મહારાજ વરંડામાં બેઠાં બેઠાં બધું જોતા હતા. તેમણે ક્રોધાવેશમાં પ્રશ્ન કર્યો કે કેમ હું મહિલાઓનાં કપડાં ઉઠાવીને એમના ઓરડામાં લઈ ગયો? મેં વરસાદનું બહાનું આપ્યું છતાં પણ તેઓએ જાણવા માગ્યું કે કોના કહેવાથી મેં આમ કર્યું હતું. સાથી સંન્યાસીનું નામ કહી દેવું અનુચિત સમજી હું મૌન રહ્યો. એમના ક્રોધથી મારા મનમાં ખૂબ આઘાત લાગ્યો હતો. ખાસ કરીને, જે ઠપકો બીજાને મળવો જોઈતો હતો એ મને મળ્યો એ વાતનું મને વધુ દુ:ખ થયું. પહેલાંની જેમ જ હું મારા ઓરડામાં પ્રવેશી દરવાજા તરફ પીઠ ફેરવી ધ્યાન કરવા બેસતો હતો, એવા જ શરત્‌ મહારાજ આવ્યા અને મને સ્નેહાસિક્ત સ્વરે એમના માટે એક કપ કોફી બનાવી દેવાનું કહ્યું. મને શીખવા મળ્યું કે જે કામ એક સંન્યાસીએ ન કરવું જોઈએ, એમાં ક્યારેય હસ્તક્ષેપ ન કરવો.

આવી જ એક ઘટના કોલકાતાસ્થિત ઉદ્બોધનની છે. શરત્‌ મહારાજ જ્વરગ્રસ્ત હતા. ડૉ. દુર્ગાપદ ઘોષ એમની ચિકિત્સા કરતા હતા. હું એમના દવાખાને જઈ શરત્‌ મહારાજની અવસ્થાનું વર્ણન કરતો અને તેઓ જણાવી દેતા કે મહારાજની સાર-સંભાળ કેમ કરવી. એક દિવસ સવારે અગ્યાર વાગ્યાના સમયે દુર્ગાપદ બાબુએ આવીને શરત્‌ મહારાજને ઔષધ આપીને ગયા. અને કહ્યું કે જો તાવ વધી જાય તો આ એક બીજું ઔષધ આપવું. થોડા સમય બાદ મહારાજનો તાવ એકાએક ખૂબ જ વધવા લાગ્યો. ભય પામી જઈને હું દુર્ગાપદ બાબુને બોલાવવા એમના ઘરે ગયો. તેઓ ભોજન બાદ વિશ્રામ કરી રહ્યા હતા. મારી વાત સાંભળી તેઓ તરત જ મારી સાથે ઉદ્‌બોધન આવવા નીકળ્યા. પરંતુ ત્યાં પહોંચતાં જ એક સંન્યાસીએ કહ્યું, “શરત્‌ મહારાજના ઓરડામાં જઈશ નહીં. તેં દુર્ગાપદ બાબુના વિશ્રામમાં ખલેલ પહોંચાડી છે તે બદલ મહારાજ તારી ઉપર ખૂબ જ અસંતુષ્ટ થયા છે.” અવશ્ય હું અને દુર્ગાપદ બાબુ એમના ઓરડામાં ગયા. તેઓ મને ખૂબ ધમકાવવા લાગ્યા, શું કામ મેં કારણ વગર દુર્ગાપદ બાબુને ખલેલ પહોંચાડી. સાથે જ કહ્યું કે જો હું ફરીથી આમ કરીશ તો તેઓ મને ક્યારેય એમની પાસે નહીં આવવા દે.

(આમ પોતાના સ્વાસ્થ્યની ચિંતા છોડીને ડૉકટરના વિશ્રામની ચિંતા ઠાકુરનાં સંતાનો જ કરી શકે. ઠપકા દ્વારા તેઓ આપણને શુભ શિક્ષણ તો આપતા જ પણ સાથે જ જન્મજન્માતરના કુસંસ્કારો પણ કાપી નાખતા. -સં)

Total Views: 828

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) August 20, 2022 at 5:55 pm - Reply

    સંતની કડવી વાણી આપણા માટે આશીર્વાદરૂપ છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.