(ગતાંકથી આગળ)

શક્ય છે કે આટલું વાંચતાં વાંચતાં જ તમને ખૂબ જ રસ પડે. હવે તો વેદાન્ત વિશે વધુ જાણવું જ જોઈએ! પણ તમે તો અરકન્સાસના ‘રણ’ જેવા – વેદાન્ત કેન્દ્ર વિહીન – ક્ષેત્રની મધ્યમાં છો હવે, અહીંથી આગળ કઈ રીતે જવું! મૂંઝાશો નહિ. ‘સાહિત્ય’ના ચોકઠા પર માઉસનું બટન દબાવો – અને એક નવી જ દુનિયા તમારી સમક્ષ ખૂલી જતી જુઓ. ‘સાહિત્ય’ વિભાગમાં ક્લિક કરશો તો પ્રાથમિક વાંચન તેમજ પરંપરાગત શાસ્ત્રીય વાચન, અને સાથે જ વિશિષ્ટ વિષયોને લગતા લેખો/સાહિત્યને વિશે માહિતી મળશે. ખરું છે, કે જો તમે દક્ષિણ કેલિફોર્નિયામાં હોત, તો આ સાહિત્યના ભંડાર ધરાવતી દુકાનોનાં નામો અને ત્યાં પહોંચવાના નક્શા જેવી માહિતીને લીધે તુરંત તે મેળવી શકત – ફક્ત વેબસાઈટ પરથી જ બધી માહિતી મળી શકત! પણ, કેમ કે તમે આરકન્સાસમાં છો, તો સહુથી વ્યવહારુ વાત એ થશે કે, તમારે હવે ‘વેદાન્ત-પ્રેસ/વેદાન્ત કેટેલોગ’ ઉપર માઉસનું બટન દાબવું અને ત્યાર પછી પસંદ કરેલા સાહિત્યને ઓર્ડર કરી દેવું, જે પોસ્ટમાં આવી પહોંચશે.

ધારો કે તમને ‘યોગ’માં રસ પડ્યો. તમે એ શબ્દ ઘણી બધી વખત સાંભળ્યો પણ છે. પરંતુ એથી વધુ કંઈ જાણતા નથી. હવે, આ સ્થિતિમાં તમારે કેવળ ‘યોગ’ શબ્દને ટાઈપ કરવાનો છે – લેબલોના ચોકઠામાં – અને તુરંત તમારી સમક્ષ આ વિષય પરનાં પુસ્તકોની મોટી યાદી ઉપસ્થિત કરી દેવામાં આવશે. એટલું જ નહિ, અમુક પસંદગીના પુસ્તકોના કેટલાક અંશો પણ રજૂ કરવામાં આવ્યા છે, જેથી જેમાં તમને રસ પડ્યો હોય તે પુસ્તકનો અંશ તમે ઘેર જ વાંચી શકો છો. થોડા જ નજીકના ભવિષ્યમાં માઉસના બટનને દબાવવાથી અવાજ દ્વારા વાંચી સંભળાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી શકાશે તેવી સંભાવના છે. તો, તમે ભગવદ્‌ગીતા, રાજયોગ અને બીજા ગ્રંથોમાંના અંશો વંચાતા સાંભળી શકો તેવી સગવડ પણ મળતી થશે.

આમ, ભૌગોલિક સીમાઓથી ઘેરાઈ ગયા વિના જ ‘સાયબર બુકસ્ટોર’નો ઉપયોગ વેદાન્તના સંદેશના ભવ્ય પ્રચારનો પ્રભાવશાળી માર્ગ છે. જાણો છો! વેદાન્ત સાહિત્ય માટે માગણી છેક આઈસલેન્ડ અને સ્પેન જેવા સ્થળોએથી પણ થાય છે! ઘણા લોકો (આ લખાય છે ત્યાં સુધીમાં ૧૬૦૦ જેટલા) વેદાન્ત પ્રેસ/વેદાન્ત કેટેલોગ’નો ઉપયોગ કરી ચૂક્યાં છે, અને સમય જતાં સંખ્યા વધતી જવાની છે એમાં કોઈ સંશય નથી.

દક્ષિણ કેલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીની વેબસાઈટનું એક આકર્ષક લક્ષણ છે એમાં રહેલું ‘વર્લ્ડ વાઈડ સેન્ટર્સ’નું ચોકઠું. આ ચોકઠું આદાનપ્રદાનમાં કુશળ છે. તેમાં સમગ્ર વિશ્વનો એક નક્શો આપ્યો છે. તમે આ ગ્રહ (પૃથ્વી)ના જે સ્થળે રહેતા હો, ત્યાં માઉસનું બટન દાબો, અને તમારી સહુથી નજીકના વેદાન્ત કેન્દ્રની માહિતી પડદા પર રજૂ થઈ જશે. આ જ વિભાગમાં દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત બધી વેદાન્ત સોસાયટીઓ તથા તેમના ઈતિહાસો જણાવતી માહિતી પણ સમાયેલી છે. ઉપરાંત તેમની છબીઓ, અને ત્યાં પહોંચવા માટેની માહિતી આપતા નક્શાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તદુપરાંત, સમગ્ર વિશ્વમાંની વેદાન્ત સોસાયટીઓની યાદી પણ પ્રાપ્ય છે અને ભારતમાંના રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો વિશે ટૂંક માહિતી અપાય છે (અને સાથે એક શાણી નોંધ છે કે આ ઉપરાંત સમગ્ર ભારતમાં કેટલાંય કેન્દ્રો છે).

હવે, આપણે ધારી લઈએ કે તમારું આરકન્સાસમય હૃદય વેદાન્ત વિશે જાણવા અતિ તત્પર બની ગયું છે, અને એટલું જ નહિ તેને તમે તમારું જીવન જ બનાવી દેવા માગો છો. તો આ માટે શી સંભાવનાઓ તમારી સમક્ષ છે? તમે હવે માઉસનું બટન ‘મોનાસ્ટિક લાઈફ’ના ચોકઠા પર દબાવો – અને જાતે જ આ સંભાવનાઓ તપાસી લો. ‘મોનાસ્ટિક લાઈફ’ વિભાગના પ્રથમ ચરણમાં ‘મોનાસ્ટિસિઝમ’ એટલે શું? – સાધુતા એટલે શું? – આ પ્રશ્નની છણાવટ કરવામાં આવી છે. પછી વેદાન્તના સાધુના મઠો, વિહારો અથવા આશ્રમો – તે માટેના તબક્કાઓ, દૈનિક કાર્યક્રમો, તથા આવશ્યકતાઓની ચર્ચા કરેલ છે. આ વિભાગનું મુખ્ય આકર્ષણ છે – ‘કોલેજ જતા યુવાનો માટે વિશિષ્ટ કાર્યક્રમ’ – દક્ષિણ કેલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીનો આ સહુથી વધુ સફળ કાર્યક્રમ પુરવાર થયો છે. આ કાર્યક્રમમાં કોલેજમાં ભણતાં યુવાનોને સાધુઓના મઠમાં અથવા વિહારમાં એકથી લઈને છ અઠવાડિયાં સુધી રહેવાની તક આપવામાં આવે છે. આ કાર્યક્રમની સાથે સાંકળેલી માહિતી વાંચતાં, તેમાંનું ‘પેજ’ વિદ્યાર્થીઓના કાર્યક્રમની વિગતો આપે છે, અને તેમાં જરૂરી બાબતો પણ જણાવે છે. એટલું જ નહિ, તમને અરજીપત્રક પણ પહોંચાડી શકે છે!

આનું એક અસાધારણ તેમ છતાં અત્યંત લોકપ્રિય લક્ષણ છે પરસ્પર વાત કરાવતી સગવડ – ‘ટોક ટુ એ મોનાસ્ટિક’ – ‘કોઈ સાધુ સાથે વાત કરો.’ ત્યાં બટન દબાવતાં જ પૂછવામાં આવે છે : ‘શું તમારે કોઈ સાધુ સાથે વાતચીત કરવી છે? શું તમને વેદાન્ત દર્શન વિશે પ્રશ્નો ઊભા થયા છે? કે પછી રામકૃષ્ણ તથા તેમના શિષ્યો વિશે, સાધુતા વિશે અને આધ્યાત્મિક જીવન વિશે સામાન્ય જ્ઞાન મેળવવું છે?’

તમારા આમાંથી કોઈ પણ વિષયને લગતા પ્રશ્નોના ઉત્તર મોટે ભાગે તો સાન્તા બાર્બરાના સાધ્વી મંડળ વિહારનાં કોઈ એક સાધ્વી આપતાં હોય છે. (પુરુષ વિદ્યાર્થીઓના પ્રશ્નો હોલિવુડના વેદાન્ત પ્રેસ/વેદાન્ત કેટેલોગ પ્રતિ વાળવામાં આવે છે.) પ્રશ્નો ઉપરથી પૂછનારના જ્ઞાનની સીમા અને સર્જનાત્મક શક્તિનો પરિચય થઈ જાય છે. ઘણી વાર જિજ્ઞાસુને તેની નજીકના વેદાન્ત કેન્દ્રના અધ્યક્ષ સ્વામીનો સંપર્ક કરવાની સલાહ અપાય છે. અને ઘણી વાર બને તેટલી સ્પષ્ટ અને સરળ ભાષામાં પ્રશ્નોના ઉત્તરો ઈ-મેઈલથી સ્વામીઓ દ્વારા આપવામાં પણ આવે છે.

આ ‘પેજ’થી એ પૂરવાર થઈ ચૂક્યું છે કે ખરેખર ‘ઈન્ટરનેટ’નો વ્યાપ કેટલો વિશાળ છે. સર્વ પ્રથમ આવેલા પ્રશ્નોમાં હતો સ્પેનનો એક યુવક જેણે પોતાની સહુથી નજીકના વેદાન્ત કેન્દ્રની માહિતી માગી. આજે જ ‘મન્ક્સ ફોર એ મન્થ’ – મહિના માટે સાધુ – કાર્યક્રમમાં ભાગ લેતા એક અંગ્રેજ વિદ્યાર્થીએ સાન્તા બાર્બરા મંદિરની મુલાકાત લીધી. પોતાની કોલેજના કમ્પ્યુટર ઉપર ‘ઈન્ટરનેટ’માં ‘વેદાન્ત’ ટાઈપ કરીને જોયું તો તરત જ તેને દક્ષિણ કેલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીની ‘વેબસાઈટ’ વિશે માહિતી મળી ગઈ. તે જ્યારે અમેરિકા આવવા નીકળ્યો છેક ત્યારે તેને માહિતી મળી કે ઈંગ્લેન્ડમાં પણ વેદાન્ત કેન્દ્ર છે! આથી હવે તે ઘેર પાછા ફરીને બોર્ન એન્ડ વેદાન્ત કેન્દ્રની મુલાકાત લેવાની ઇચ્છા રાખે છે.

એમાં કશી નવાઈ નથી લાગતી કે, ‘ટોક ટુ એ મોનાસ્ટિક’ના કાર્યક્રમમાં ઈ-મેઈલનો ધસારો રહે છે. અને એમાં પણ કશી નવાઈ નથી કે પૂછાતા પ્રશ્નોનો વ્યાપ વિચિત્રથી માંડીને હૃદયસ્પર્શી પ્રશ્નો સુધી હોય છે. ‘હું બહુ તો કશું જાણતી નથી,’ જ્યોર્જિયાથી એક યુવતી લખે છે,‘પણ હું જાણું છું કે પુસ્તકોમાંથી અથવા વિદ્યાલયોમાં સમજ કેળવાતી નથી… મારે કોઈ એવાની જરૂર છે જે મને જીવન કઈ રીતે જીવવા જેવું છે તે સમજાવી શકે… તમારી ‘વેબસાઈટ’ અદ્‌ભુત છે, પણ મને લાગે છે કે હું એક ચોરાહા પર છું અને મારે વધારે (જાણવાની) જરૂર છે. ખરું જોતાં તો હું એ પણ નથી જાણતી કે મને શાની જરૂર છે – કદાચ કોઈ એવી વ્યક્તિ સાથે સંપર્કની જરૂર છે જેણે સત્યને મારા કરતાં વધુ નજીકથી જાણ્યું હોય.’

કોલોરાડોથી એક વ્યક્તિએ લખ્યું, ‘આ હું ઘણી મોટી ભૂખને લીધે લખી રહ્યો છું, જે આધ્યાત્મિક સ્વતંત્રતાને માટે છે. હું ભગવાનને ખોળું છું… ઘણાં વર્ષોથી. મારા હૃદયમાં અન્ય લોકોને મદદરૂપ થવાની એષણા છે અને મારાં માનવ-ભાઈબહેનોનો પ્રેમ પામવાના પ્રયત્નો કરવા ઇચ્છું છું, પરંતુ મારા હૃદયમાં ક્રોધ અને વિમાસણની ઘેરી ભાવનાઓ પણ વસે છે અને તેથી સામાન્યત: હું નિષ્ફળ નીવડું છું… જો તમે મને કોઈ એવાં પુસ્તકો સૂચવી શકો, જે પ્રમાણમાં સરળ વાંચન પૂરું પાડે, તો એક સારો પ્રારંભ કરી શકીશ, અને તેની હું ખૂબ કદર કરીશ. હું આપને મારો ફોન નંબર તેમજ નામ આપીશ અને જે કોઈ બીજી વ્યક્તિ મને મદદરૂપ થાય તેવી મારી નજીકમાં હોય તેને પણ મારું નામ અને ફોન નંબર આપશો.’

આટલા વિશુદ્ધ ભાવે લખાયેલા પત્રોની વિરુદ્ધ લક્ષણવાળો એક સ્ત્રીનો પત્ર જુઓ, ‘શું એવા સાધુ જીવન જેવું કંઈ છે ખરું? જેમાં તમે પરીણીત હો અને જાતીય જીવન પણ માણતાં હો?’ બીજી એક વ્યક્તિએ પૂછ્યું, ‘સભાનતામાં પરિવર્તન ના વિષયમાં તમારો શો દૃષ્ટિકોણ છે, જે તાજેતરમાં થશે એવી આગાહી થઈ છે?’ એક દાર્શનિક દૃષ્ટિકોણવાળી વ્યક્તિ લખે છે, ‘જો આત્મા શુદ્ધ છે અને જીવન અશુદ્ધ છે, તો તેમને અલગ કરતાં તત્ત્વો ક્યાં છે?’

બીજા કેટલાક પ્રશ્નો તદ્દન વ્યવહારિક હતા. એક વ્યક્તિને ધ્યાન અને દીક્ષા વિશે જાણવું હતું. તેણે લખ્યું, ‘રામકૃષ્ણના આધ્યાત્મિક વિકાસમાર્ગના વારસામાં જોડાવા મારે શું કરવું જોઈએ?’ બીજાને જાણવું હતું કે તેની પાસે કોઈ ગુરુએ આપેલો મંત્ર ન હોય તો પણ શું એ જાપ કરી શકે ખરો? એક દંપતીને ‘વાનપ્રસ્થ’ વિશે જાણવું હતું; વર્જિનિયાના એક વિદ્યાર્થીએ અદ્વૈતનો અભ્યાસ અને અનુભવ કઈ રીતે કરવો તે પૂછ્યું; બીજા એક જણે વળી વેદાન્ત અને અમેરિકન આદિવાસી આધ્યાત્મિકતાનો સુમેળ કઈ રીતે કરવો તે જાણવા ઇચ્છયું. એક યુવાને કહ્યું, કે રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતાને વણવાની તે ઇચ્છા ધરાવે છે. ‘શું તમે આ માટે કોઈ સરળ પ્રક્રિયાઓ સૂચવી શકો ખરા?’

કેટલાક પ્રશ્નો વળી વધુ વ્યક્તિગત હતા. અમેરિકાની ગ્રેજ્યુએટ યુનિવર્સિટીમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીએ લખ્યું કે તેને વ્યગ્રતા અને હતાશાની લાગણીઓ થાય છે – તે પોતાના માતાપિતાને આ વિશે જણાવી શકતો નથી અને છતાં કોઈકની સાથે તેણે વાત કરવાની ખૂબ જરૂર છે. વોશિંગ્ટનના એક કેથોલિક બિશપે વેદાન્તના સાધુ સાથે વાતચીતની માગણી કરતાં લખ્યું, ‘મારી પાસે વેદાન્તનો બહુ સીમિત અનુભવ છે છતાં વેદાન્તે મને કેથોલિક ધર્મમાંની મારી શ્રદ્ધા દૃઢ કરવામાં ખૂબ મદદ કરી છે.’

મૂળે વારાણસીના એક મુસલમાન વિદ્યાર્થી, હાલ ન્યૂયોર્કમાં પોતાની પી.એચ.ડી.ની ઉપાધિ માટે થિયોરેટિકલ પાર્ટિકલ ફિઝિક્સના વિષયનો અભ્યાસ કરી રહ્યો હતો. છેલ્લાં ૧૫ વર્ષથી તેણે વિવેકાનંદ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને તેનો પ્રભાવ પણ તેના ઉપર ખૂબ જ પડ્યો હતો; તેની હવે ઇચ્છા હતી કે એક વેદાન્ત વિહારમાં એનો ઉનાળુ રજાઓનો સમય ગાળવો. તેણે લખ્યું, ‘મારી એ ઊંડી ઇચ્છા રહી છે કે રામકૃષ્ણ-વિવેકાનંદ સંસ્થાના સાધુઓ સાથે મારે સમય ગાળવો, ભારતના સાધુતાના વારસા વિશે વધુ અભ્યાસ કરવો, ધ્યાન શીખવું, વગેરે.’ તેણે શ્રમદાન કરવાની અને કમ્પ્યુટર વિશે વધુ મદદ કરવાની વગેરે કામોથી કેન્દ્રોની સેવા કરવાની પણ તત્પરતા બતાવી હતી.

જાપાનથી નવી એક અમેરિકન સ્ત્રીનો સંદેશ મોકલ્યો. તેને જાપાનમાં ‘નિપોન વેદાન્ત ક્યોકાઈ’ના વેદાન્ત કેન્દ્રને શોધ્યું – અને તે પણ દક્ષિણ કેલિફોર્નિયાની વેબસાઈટની મદદથી જ, અલબત્ત – તેથી તેને ખૂબ ખુશી થઈ હતી. તેણે પ્રસન્નતાભર્યો સંદેશો મોકલતાં આ કેન્દ્રની પોતાની મુલાકાત ત્યાંના અધ્યક્ષ સ્વામી સાથે મેળાપ અને તેમનું પ્રવચન સાંભળવું વગેરે વિશે વિગતે લખ્યું છે. ક્યોકાઈ પાસે પોતાની જુદી વેબસાઈટ પણ છે.

વેબમાંની વેદાન્તની હાજરી વળી અન્ય રીતે પણ પ્રોત્સાહિત કરે તેવી છે. કેમ કે તેનું આકર્ષણ યુવાનવર્ગને ખાસ રહે છે. દુનિયાના ઘણા મોટા ભાગનો યુવાનવર્ગ હવે કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણે છે – (કમ્પ્યુટર-સાક્ષરતા ધરાવે છે!) અને તેઓમાંના જ મોટા ભાગના લોકો ‘નેટ’ પર ફરવા નીકળે છે, એટલે કે વિવિધ ચર્ચામંડળો અને વેબસાઈટને ખોલીને પોતાની જિજ્ઞાસાઓ સંતોષે છે. અમેરિકામાં લગભગ બધી સ્કૂલોમાં દરેક વર્ગમાં ઈન્ટરનેટના જોડાણવાળાં કમ્પ્યુટરો મૂકેલાં હોય છે. આવતી શતાબ્દીમાં તો દુનિયાની બધી સ્કૂલોને આવી સવલતોથી સાંકળી પણ લેવાઈ હશે અને જાણે આખું યે વિશ્વ એક વૈશ્વિક ગામડું – Global Village-ની કૃત્રિમ વાસ્તવિકતા – Virtual Reality – બની ગયું હશે. અહીં અમેરિકામાં અમારા જેવા લોકો જે વેદાન્ત ચળવળમાં જોડાયેલા છે તેઓ માટે આ હકીકત ખૂબ જ ગહન અને મનનીય રીતે પ્રભાવકારક સાધન છે. કારણ કે, આ ચળવળના વિકાસ માટે અને વ્યાપના વધારા માટે – સાધુજીવન અને અનુયાયીઓમાં પણ – યુવા વર્ગના લોકોનું જોડાવું અત્યંત આવશ્યક છે. ૧૯૬૦ના દાયકાથી શરૂ થયેલી આ ચળવળમાં જે પ્રારંભિક સોપાનોમાં જોડાયા તેમાંના સભ્યોને આ સમયે પ્રૌઢ થયેલા જોઈ શકાય છે – પરંતુ આ સભ્યોની સાથે નવા જોડાતા યુવાનોની સંખ્યામાં સંતુલન રહેલું જણાતું નથી. આ ‘વેબ’નો પોકાર યુવાનોને આકર્ષવામાં, આ પરિસ્થિતિને સુધારવામાં, મદદરૂપ થઈ શકે છે. એ પણ રસપ્રદ હકીકત જાણવા જેવી છે કે દક્ષિણ કેલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીમાં પદાર્પણ કર્યું તેનું કારણ ‘ઈન્ટરનેટ’માંથી તેમણે મેળવેલી માહિતી!

ઈન્ટરનેટમાંની પસંદગી પ્રત્યે પાછાં વળીએ. ‘રામકૃષ્ણ મિશન’ (Ramakrishna Order)એ એક અન્ય ભૂરું ચોકઠું છે જે આકર્ષક છે, અને તેને જોવાની તાલાવેલી લાગે છે. અહીં માઉસનું બટન દબાવતાં એક નવું ‘પેજ’ દેખાય છે, જે કહે છે, ‘રામકૃષ્ણ મિશન, જેનું મુખ્ય મથક કલકત્તામાં છે, તે આજે ભારતભરમાં શ્રેષ્ઠ આદરણીય અને મોટામાં મોટું મિશન છે. આ મિશનના પ્રણેતા હતા, બંગાળના શ્રેષ્ઠ સંત, રામકૃષ્ણ.’ રામકૃષ્ણ વિશે માહિતી આપતું ‘પેજ’ તો આપણે જોયું જ છે. પણ ઈન્ટરનેટની ખૂબી એ છેકે તમે ગમે ત્યાંથી – હાઈપરટેક્સ્ટના સંધાણને કારણે – જોઈતી જગ્યાએ પહોંચી શકો. આથી, રામકૃષ્ણ મિશનના વિભાગમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, શ્રી સારદાદેવી (અને મિશનની સીલ અથવા નિશાની)ની માહિતી ફાળવી હોવા છતાં અન્ય વિભાગોમાંથી પણ તમે તેમની માહિતી આપતાં ‘પેજ’ પર પહોંચી શકો છો ખરાં.

થોડા ફકરાઓ પછી આપણે વાંચીએ છીએ: ‘૧૪૦ કેન્દ્રોથી પણ વધારે કેન્દ્રો રામકૃષ્ણ મિશનનાં સ્થાપેલાં છે, અને કેટલાંય કેન્દ્રો વહીવટી રીતે સંકળાયા વિનાનાં અથવા ખાનગી મંડળોનાં પણ છે.’ જ્યારે આપણે આ ‘કેન્દ્રો’ શબ્દને વિકસાવીએ તો આપણે ફરીથી વિશ્વમાંના બધાં કેન્દ્રો અને સોસાયટીઓની યાદી જોઈશું અને સાથે જ ટૂંકાણમાં આપેલી ભારતમાંના રામકૃષ્ણ મઠ અને મિશનનોની પણ યાદી જોઈશું. ‘રામકૃષ્ણ મિશન’ના પેજના છેવટના ભાગમાં તેના વિશે થોડી ચર્ચા કરેલી છે, તેમાં મઠ અને મિશનોના આદર્શો તથા પ્રવૃત્તિઓ જણાવી છે.

પછી આવતી ‘Contact us’ – ‘અમને સંપર્ક કરો’ અને ‘હોમ’નાં ચોકઠાં આવે છે. તમે ‘હોમ’ પર માઉસનું બટન દબાવો, તો તમે સરળતાથી ‘હોમપેજ’ પર પહોંચી જશો – જે વેબસાઈટ પરનું પહેલું પેજ છે. આ તો જાણે ‘મોનોપોલી’ની રમતમાં ફરી ‘હોમ’ પર જવા જેવું છે. પણ ‘Contact us’ અથવા ‘અમને સંપર્ક કરો.’ના ચોકઠા પર માઉસનું બટન દાબશો, તો ફરી એક ચર્ચા કરી શકો તેવી જગ્યાએ ઉઘડશે: ‘Please send your Comment on this site to webmaster@vedanta.org’ — એટલે કે હવે કૃપા કરીને તમને અમારી વેબસાઈટ કેવી લાગી તે વિશે થોડી વાત અમને આ સ્થળે જણાવો — webmaster@-vedanta.org. પહેલાં ચર્ચા કરી શકો તે માટેની જે એક સાઈટ હતી ‘ટોક ટુ એ મોનાસ્ટિક’ તેના કરતાં આ જુદી સાઈટ છે. અહીં તમારો વાચકનો – મત લેવાનો છે. તમે તે ટાઈપ કરીને જણાવી દો અને તે વેદાન્ત સોસાયટીના ‘વેબમાસ્ટર’ પર પહોંચી જશે. -આ ‘વેબમાસ્ટર’ છે એક ખૂબ ભક્તિભાવ ધરાવતા કોલેજના વિદ્યાર્થી, જેની કમ્પ્યુટર પરની આશ્ચર્યજનક કુશળતાથી વેબસાઈટમાં જોઈતા સમયે વારંવાર પરિવર્તન કરાવી શકે છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે, ‘વેદાન્ત અંગેના સામાન્ય જ્ઞાનના પ્રશ્નોને આ સરનામે મોકલવા – into@vedanta.org આ ઈ-મેઈલનું સરનામું તે પ્રશ્નોને સીધા સાન્તા બાર્બરાના એક સાધ્વી પાસે પહોંચાડે છે. આમ, સરવાળે ત્રણ ઈ-મેઈલ સરનામાં છે, જેના હોવાથી વાચકને પણ પોતાના પ્રતિભાવ આપવામાં પ્રોત્સાહન મળે છે.

‘અમારો સંપર્ક કરો’ વિભાગમાં ‘આ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે’નો નાનો વિભાગ પણ મૂકવામાં આવ્યો છે. આમ એકના એક પ્રશ્નો (વારંવાર જે પૂછાઈ ચૂક્યા છે) પૂછવામાંથી વાચકનો અને તેના ઉત્તર આપવામાંથી સાધુનો છૂટકારો થઈ જાય છે. આ પ્રશ્નોની યાદીમાં સર્વ પ્રથમ છે, ‘શું વેદાન્ત હિન્દુધર્મ જેવું જ છે?’ આવા બીજા FAQ(Frequently asked questions) પ્રશ્નો છે, ‘શું હિન્દુ ધર્મ બહુદેવવાદી (Polytheistic) છે?’ ‘કેટલાક હિન્દુ દેવદેવીઓને આટલા બધા હાથ શા માટે હોય છે?’ ‘કર્મ એટલે શું?’ જો શેતાનનું અસ્તિત્વ નથી તો પછી દુષ્ટતા – અધાર્મિકતા શું છે?’ ‘ક્રાઈસ્ટ કહીને ગયા છે – ‘સ્વર્ગના રાજ્યમાં મારા થકી જ જઈ શકાશે, તે વિના નહિ’ – તો શું તમને નરકની ચિંતા નથી થતી?’ ‘જો બધું જ માયાવી હોય તો પછી આપણે જે કરીએ તેનું પણ શા માટે કશું મહત્ત્વ હોય?’ આ અને આવા વારંવાર પૂછાતા પ્રશ્નોની યાદી એક અમેરિકન સ્વામીએ સામાન્ય લોકોના પ્રારંભિક પ્રશ્નોના ઉત્તરો આપવાના લાંબા અનુભવ પછી તૈયાર કરી છે. આપણામાંથી જેઓ પણ આવો કશો અનુભવ ધરાવે છે તેઓ અવશ્ય સહમત થશે કે આ પ્રશ્નો ખરેખર જ વારંવાર પૂછાતા હોય છે જ.

‘વેદાન્ત શું છે?’ના વિભાગમાં ગોઠવેલો અન્ય ભાગ ‘લીંક્સ’ (કોઈ વિભાગમાં પણ ગોઠવી શકાયો હોત) પણ ખૂબ મજાનો છે, અને વેબસાઈટનું ખાસ આકર્ષક તત્ત્વ પણ છે. આપણે એ તો જોયું કે હાયપરટેક્સ્ટ ના જોડાણથી કઈ રીતે જુદા જુદા વિભાગો એક જ વેબસાઈટમાં સાંધી લેવામાં આવે છે. પણ, વધુ રસપ્રદ બાબત એ છે કે આ હાઈપરટેક્સ્ટ કઈ રીતે જુદી જુદી વેબસાઈટોને પણ વાચક સમક્ષ એકત્ર કરી શકે છે. ‘લીંક્સ’ના વિભાગ આગળ માઉસનું બટન દબાવવાથી ‘કોઈ એક વિષય પસંદ કરો’નું ચોકઠું દર્શાવાય છે. આ ચોકઠા પર ફરી માઉસનું બટન દબાવીને જોશો તો એક યાદી આવશે (pull down name) જેનાં શિર્ષક નીચે મુજબ હશે.

(૧) ધર્મ-ધર્મ વચ્ચેના અભ્યાસ (Inter religious studies) (૨) ધર્મ-ધર્મ વચ્ચેના સંવાદ (Inter religious dialogue) (૩) આધ્યાત્મિકતા / રહસ્યવાદ (Spirituality/mysticism) (૪) પુસ્તક-ભંડારો (Book stores) (૫) ધાર્મિક ગ્રંથો (Sacred scriptures) (૬) અદ્વૈત વેદાન્ત (Advaita Vedanta) (૭) વેદાન્ત-યોગના ગુરુઓ (Vedanta yoga Teachers) (૮) હિન્દુ ધર્મ (Hinduism) (૯) કાલી (Kali) (૧૦) યંત્ર (Yantra) (૧૧) રામકૃષ્ણ – વેદાન્ત (Ramakrishna Vedanta) (૧૨) ઈસાઈ ધર્મ (Christianity) (૧૩) બૌદ્ધ ધર્મ (Buddhism) (૧૪) ઈસ્લામ ધર્મ (Islam) (૧૫) જ્યુડાઈઝમ (Judaism) (૧૬) અન્ય ધર્મો (Other Religions).

તમને કદાચ અપેક્ષા જ નહિ હોય કે વેટિકન વિશેનું ‘પેઈજ’ વેદાન્ત સોસાયટીની વેબસાઈટ સાથે ક્યાંય જોડાયેલું હશે. પણ જોઈ લો, છે જ અને ‘ઈસાઈધર્મ’ સાથે સંકળાયેલા વિભાગોમાં એ પણ છે! દલાઈ લામા અને થિચન્હાટ હાન્હનાં ‘હોમ પેજ’ પણ ત્યાં છે જે બૌદ્ધ ધર્મમાં બે જોડાણોમાં છે. તમે શૃંગેરી મઠ પણ જોઈ શકો છો અને ‘ગ્લોબલ હિન્દુઈઝમ’ (વૈશ્વિક હિન્દુ ધર્મ)નાં ‘હોમ પેજ’ પણ જોઈ શકો છો. એ તો કેવળ બે જ સાંકળો છે જે હિન્દુ ધર્મના વિભાગમાં જોડાઈ છે. જો તમારે કુરાન અને ભગવદ્‌ગીતાની સરખામણી કરવી હોય તો તમે ધાર્મિક ગ્રંથોના વિભાગમાં પહોંચો. ઉપરાંત ટાઈમ મેગેઝિનના અત્યંત ઉમદા ‘હોમ પેજ’ (httu://www.god/.com) જોવા તમે ધર્મ-ધર્મ વચ્ચેના અભ્યાસો દ્વારા પણ જઈ શકો છો.

(ક્રમશ:)

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.