(ગતાંકથી ચાલુ)

સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું ‘Mysticism in World Religions’ (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ) અને તેનું સરનામું હતું, [httu://www.digiserve.com/mystic] તેમાં ‘Hindu Mysticism’ વિભાગમાં ‘રામકૃષ્ણ’ નામ ઉપર બટન દાબતાં જ તેઓને શ્રીરામકૃષ્ણે વિવિધ ધાર્મિક વિષયો પર કરેલાં વિધાનો ટાંકેલાં મળ્યાં. પછી આપેલી યાદીમાંથી એક વિષય પસંદ કરવાનો હતો. જેમ કે Desire (ઇચ્છા, વાસના), અથવા ‘Where to direct your mind’ (તમારા મનને કઈ દિશામાં વાળવું). આ છેલ્લા વિષય પર બટન દાબ્યાથી તમે જોશો કે લખાણ આ મુજબ છે; ‘યોગીનું મન સતત પ્રભુ પ્રત્યે કેન્દ્રિત થતું હોય છે, અને આત્મા સાથે જ ભળેલું હોય છે.’ (u.113) આમાં જે ‘પાનાં નંબર’ આપ્યો છે તે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ક્યાં છે તે જણાવે છે. તમે જ્યારે ગ્લોસરી (Glossary) વિભાગમાં જોશો તો જણાશે કે ‘યોગી’નો અર્થ એમ બતાવ્યો છે કે જે વ્યક્તિ ‘યોગ’ કરે છે, તે ‘યોગી’ છે.

વળી તમે એ પણ જોઈ શકો છો કે ‘તમારા મનને કઈ દિશામાં વાળશો ?’ ના વિષયમાં ભગવદ્‌ગીતા, ઉપનિષદો, અભિનવગુપ્ત, પતંજલિ અથવા વસિષ્ઠનું શું કહેવું છે. — એ જ રીતે અન્ય પણ અનેક આધ્યાત્મિક વિષયોને લગતાં વર્ણનો આપવામાં આવ્યાં છે. હિન્દુ ધર્મની ગહનતા તો આ વેબસાઈટનો કેવળ એક વિભાગ જ છે. તેમાં સાથે સાથે જ્યૂ લોકોનો, ઈસાઈઓનો, મુસલમાનોનો, બૌદ્ધોનો, અને તાઓના ધર્મની ગહનતા પણ સંશોધિત કરવામાં આવી છે.

જેની વેબસાઈટ ભારતમાંથી ઉદ્‌ભવે છે, તે રામકૃષ્ણ મિશન [httu://www.in.daistech.com.rkmission] પણ રામકૃષ્ણ-વેદાન્તના જોડાણોમાં મળી શકે છે. મિશનની વેબસાઈટ બે વિભાગમાં છે : રામકૃષ્ણ ચળવળ અને રામકૃષ્ણ મિશન. આ છેલ્લો વિષય પોતાના ‘પેજ’માં મિશન દ્વારા કરાતી વૈદકીય, રાહત અને શૈક્ષણિક પ્રવૃત્તિ વગેરેનો પરિચય આપે છે. ઉપર્યુક્ત હાયપરટેક્સ્ટમાં અન્ય કેટલાય વિષયોનાં જોડાણ કરી રાખેલાં છે જે વધુ માહિતી પૂરી પાડે છે.

ન્યૂયોર્કમાં આવેલા રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર તથા પોર્ટલેન્ડની વેદાન્ત સોસાયટીએ પણ અન્ય બે પોતપોતાની વેબસાઈટો તૈયાર કરેલી છે. સર્વપ્રથમ ‘હોમ પેજ’ ઉપર એક સ્વચ્છ-સુંદર ચિત્રમાં રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રની રંગીન છબી સાયબરસ્પેસમાં ઊપસી આવે છે, જ્યારે માઉસનું બટન તમે રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રની વેબસાઈટ પર દબાવો છો. [httu://www.ramakrishna.org] આમાં જ કેન્દ્રનો ટૂંક પરિચય, ઈતિહાસ અને ભાષણોની સૂચિ દર્શાવવામાં આવે છે. પોર્ટલેન્ડની વેદાન્તની સોસાયટીની વેબસાઈટ [httu://www.cyberhighway.net/-vedanta] ઉપર કેન્દ્રનો રસિક ઈતિહાસ, જૂના સુંદર ફોટોગ્રાફસ તથા ભાષણોની સૂચિ આપવામાં આવે છે.

સાન ડિયેગોના એક ભક્તે ‘હોલી મધર્સ સાયબર-તંતુ’ નામની વેબસાઈટ બનાવી છે. (સંસ્કૃતમાં વેબ જાળાંને ‘તંતુ’ કહે છે) આ પણ વેદાન્તને સમર્પિત થયેલ છે. જેમાં વિશેષત: શ્રીરામકૃષ્ણ, શ્રી શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના બોધનો- અને ખાસ કરીને શ્રી શારદાદેવીના ઉપદેશનો- સમાવેશ કરાયો છે. એના હોમપેજ [httu://scescaue.com/saradama] ઉપર નજર નાખતાં જ જણાય છે કે કઈ રીતે સર્જકશક્તિ પોતાનો આવિર્ભાવ કરી શકે છે. ત્યાંના લખાણની પૃષ્ઠભૂમિમાં એકદમ બંગાળી ભાતની સાડીની ઝાંય પડતી જણાય છે- જેમાં લાલ કિનારની સફેદ પૃષ્ઠભૂમિ છે. જ્યારે જ્યારે આ ‘પેજ’ તમે જુઓ ત્યારે માતાજીની સાડીની યાદ આવ્યા વિના રહે નહિ એવી તેને ઉપસાવવામાં આવી છે.

કેનેડાની એક વેબસાઈટ પણ છે જેનું શિર્ષક છે ‘what is vedanta’ [httu://www.jvallabh Vedanta.html], જે ટોરોન્ટોના એક ભક્તે વિકસાવી છે. વેદાન્તની સામાન્ય સમજ પાડવા સાથે તે અન્ય વેદાન્તની વેબસાઈટો સાથે સંધાણ કરેલી છે. જો તમે કેવળ આ જ એક વેબસાઈટને ઈન્ટરનેટ પર સર્વપ્રથમ જુઓ, તો પણ તમે અન્ય બધી વેદાન્તની વેબસાઈટો અને તેમનાં એમાંથી જ જોડાણો સાથે પણ જોડાઈ શકો છે.

વિવેકાનંદ ફાઉન્ડેશને તૈયાર કરેલી વેબસાઈટ [httu://www.Vivekananda.org] તો જાણે એક કલાત્મક સર્જન છે. વેદાન્તની બધી વેબસાઈટોમાં સૌથી વધુ પ્રોત્સાહન આપતી અને આકર્ષક હોય તેવી આ વેબસાઈટ વિવેકાનંદ ફાઉન્ડેશનની છે. તેના હોમપેજની શરૂઆત થાય છે- ‘લાયબ્રેરી માટે એક પુસ્તક ભેટ’ – આમાં બધાં પુસ્તકાલયોને (એટલે કે જે ઓર્ડર મૂકે તેને ‘લિવિંગ એટ ધી સોર્સ : યોગ ટીચિંગ્સ ઓફ વિવેકાનંદ’ નામનો ગ્રંથ ભેટમાં મળશે એવી જાહેરાત થાય છે. આમ પ્રથમ પગલે જ આ વેબસાઈટ પુસ્તકાલયોને અને તેની સાથે  મોટા વાચક ગણને માટે આકર્ષક નીવડે છે. છતાં આપણે એ યાદ રાખવું જોઈએ કે સારી વેબસાઈટ હંમેશા પ્રગતિ કરે છે. તેથી આજે તમે જે ‘હોમપેજ’ જુઓ તે કદાચ કાલે બદલાઈ પણ ગયું હોય. તમે આ લેખ વાંચો ત્યારે કદાચ તે તેથી પણ જુદા પ્રકારનું ગોઠવાઈ ચૂક્યું હોય તેમ બને. સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોના ટૂંક સાર આપ્યા હોય છે તેને પણ આ જ વાત લાગુ પડે છે, તે યાદ રહે. (છતાં, જે હું અત્યારે જોઉં છું અને વર્ણવું છું તે તમારે જ્યારે પણ જોવું હોય, ત્યારે ‘આર્કાઈવ્સ’માં ‘આઈક્તિ’ના ચોકઠામાં સચવાયેલું અને ગત લખાયેલા ટૂંક સાર વગેરે પણ તમે જોઈ શકશો ખરા.)

વિવેકાનંદ ફાઉન્ડેશન સંસ્થાની વેબસાઈટમાં તમે પુસ્તકો, ટેપ, વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) અને અમુક ન પૂછાતા પ્રશ્નો (જો તમને એવા પ્રશ્નો પણ જાણવા હોય તો), સૂચિત વાચન, સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર (તથા ઘણી છબીઓ) વગેરે પણ જોઈ શકો છો. વિવેકાનંદ ફાઉન્ડેશનની સ્થાપનાનો હેતુ તથા આદર્શ પણ સમજાવવામાં આવ્યા છે, અને સાથે જ અન્ય વેદાન્ત સોસાયટીઓ તથા પુસ્તક ભંડારો (bookstores)ના નામની યાદીઓ પણ મૂકી છે. વિવેકાનંદ ફાઉન્ડેશન ભવિષ્યમાં ‘સાઉન્ડ બાઈટ’ (sound bytes)નો ઉપયોગ કરવા ધારે છે, ખાસ તો સ્વામીજીના વ્યાખ્યાનો માટે. તેને લીધે, દાખલા તરીકે ‘આપણો આદર્શ’ (The Goal) ઉપર બટન દબાવવાથી તમે એક ખાસ પ્રશિક્ષણ પામેલી વ્યક્તિના અવાજમાં સ્વામીજીના આ વિષય પરના ભાષણનો એક ભાગ અવાજમાં- નહિ કે ફક્ત વાંચવામાં – સાંભળી શકશો.

વિવેકાનંદ ફાઉન્ડેશનની વેબસાઈટનો ઉત્તમ વિભાગ છે ‘પોર્ટલ્સ’. તેમાંના ‘icon’ પર બટન દબાવવાથી તમને એક મજાના વિભાગમાં માનપૂર્વક લઈ જવામાં આવે છે- અને વિભાગમાં દાખલ થવા માટે તમારી પાસે ત્રણ દરવાજાઓ છે. જેના ઉપર સ્વામીજીના વ્યાખ્યાનોનાં નામ લખેલાં છે. આવતા ત્રણ મહિના માટે (આ લખાય છે ત્યારે ૧૯૯૫નો સપ્ટેમ્બર માસ છે) આ ત્રણ દરવાજા છે : ‘The Goal’, ‘The four Yogas’, અને ‘Immortality’. તમે આ લેખ વાંચશો ત્યાં સુધીમાં આ ત્રણ દરવાજા ઉપરની તકતીઓ અવશ્ય બદલાઈ ચૂકી હશે. જો આપણે ‘The four Yogas’નો દરવાજો વાપરીએ તો એક ટૂંકું વિધાન નજરે ચડે છે : ‘એ યોગો, જુદા જુદા જૂથોમાં વહેંચાતા હોવા છતાં, મુખ્યત્વે ચાર જૂથોમાં વહેંચાઈ શકે છે; અને આ દરેક (યોગ) સંપૂર્ણ (Absolute)ના સાક્ષાત્કાર પ્રત્યે લઈ જતી રીત દર્શાવે છે અને જુદા જુદા મિજાજની વ્યક્તિઓને અનુકૂળ આવે છે.’ ત્યાર પછી દરેક ચાર પ્રકારના યોગનો એક એક વાક્યમાં પરિચય કરાવવામાં આવે છે. દરેકની નીચે લીટી મૂકી છે, અર્થાત્ તે હાઈપરટેકસ્ટ છે, અન્ય માહિતી તેની સાથે સાંકળેલી છે (દા.ત. Karma-yoga). આ શબ્દ ઉપર બટન દાબવાથી બીજા એક ‘પેજ’ ઉપર જવાય છે જેમાં તે યોગ વિષે થોડી વિસ્તૃત માહિતી મૂકેલી છે. આમાંના ફકરામાં પણ અમુક અમુક શબ્દો નીચે લીટી કરી છે જેથી જણાય છે કે તે શબ્દો પણ હાઈપરટેકસ્ટ સાથે સંકળાયેલા છે. આને લીધે જો કોઈને તે શબ્દ વધારે વિસ્તારથી સમજવો હોય તો ત્યાં બટન દાબીને તેની માહિતી મેળવી શકે છે.

વિવેકાનંદ ફાઉન્ડેશનની વેબસાઈટ ઘણી લોકપ્રિય થઈ છે, એનો પુરાવો એ છે કે લગભગ ૫૦,૦૦૦ જેટલી ‘હિટ્સ’ એટલે કે મુલાકાતો (માઉસનું બટન દાબવાથી થતી મુલાકાત) આવી ચૂકી છે— મહિને ૨૦૦૦ જેટલી થઈ ! (૧૯૯૭ સુધીની વાત છે.) (આ ‘હિટ્સ’નો અર્થ નોટમાંથી કેવળ જોવા આવનારા લોકોની મુલાકાત નહિ, પરંતુ જેઓ મુલાકાતે આવ્યા બાદ વેબસાઈટમાંથી પોતાને માટે ઉતારો લઈ લે, ‘ડાઉનલોડ કરે’ તેવી મુલાકાતો માટે વપરાતો શબ્દ છે.) તેની વ્યાખ્યા ગમે તે હોય, આ વેબસાઈટ હંમેશા વ્યસ્ત રહી છે અને તેની પ્રશંસા થતી રહી છે. દુનિયાના દરેક દેશમાંથી સ્વામી વિવેકાનંદ વિષે માહિતી મોકલવાની વિનંતીઓ ત્યાં આવે છે— પછી તે સ્વોવેનિયા હોય કે ફિનલેન્ડ, કટાર, કોએશિયા, નોર્વે, પોર્ટલેન્ડ, ટોબેગો, વેનેઝુએલા, ન્યૂઝીલેન્ડ, કે કુવૈત હોય – અને આ યાદી તો દૂર સુદૂરના દરેક દેશમાંથી આ વેબસાઈટ પર લેવાતી મુલાકાતોની ફક્ત એક ઝાંખી છે. આશ્ચર્ય ન થાય તેવી વાત છે, કે આમાનાં ઘણા મુલાકાતીઓ ભારતમાંથી પણ હતા.

આ મુલાકાતીઓમાંથી મોટી સંખ્યાના લોકોએ પોતાની નજીકની વેદાન્ત સોસાયટીની માહિતી માગી હતી. કેટલીક વિનંતીઓ વ્યક્તિગત ચિંતાઓ રજૂ કરે તેવી પણ હતી- જેમ કે એક વ્યક્તિને એ સમજાતું નહોતું કે સ્વામીજીએ નાકમાંથી પાણી કાઢવાની રીત કહી છે તે કેવી રીતે કરવી ! કેટલાક મુલાકાતીઓ કશીક સેવા આપવા માગતા હતા : કેટલાક વેબસાઈટને ચાલુ રાખવા માટે મદદ પહોંચાડવા માગતા હતા અને એક જણે તો વિવેકાનંદ ફાઉન્ડેશનમાં જ સ્વૈચ્છિક સેવાઓ આપવાનો પ્રારંભ કરી દીધો.

જોડાણો (Joints) વિષે છેલ્લી એક વાત : આપણે દક્ષિણ કેલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીનું જોડાણ જેની જેની સાથે છે એ જોડાણોની વાત કરી. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે આપણે જેની સાથે જોડાણ કર્યું હોય- દા.ત. ‘ટાઈમ’ મેગેઝીનના GOD.Com સાથે – તે આપણી સાથે જોડાણ રાખે જ એવું કશું નથી. આ રીતે, આપણી વેબસાઈટ ઉપરથી તમે GOD.Com પર જઈ શકો એ ખરું, પણ તમે GOD.Comની સાઈટ ઉપરથી આપણી વેબસાઈટ પર પણ આવી શકો તેમ બનવું જરૂરી નથી. તદુપરાંત, આપણને એ ખ્યાલ પણ ન આવે કે આપણી સાથે અન્ય કેટલી વેબસાઈટોએ જોડાણ કરેલું છે. નેટ વાપરનારાની સારી રીતે રીતભાત (Netiquette) એ હોવી જોઈએ કે જ્યારે તમે બીજી કોઈ વેબસાઈટ સાથે જોડાણ કરો, તો તે વિષે તેમને અગાઉથી જણાવો. વળી, કેટલીક વાંધાજનક (Objectionable)  વેબસાઈટો પણ જો આપણી વેબસાઈટ સાથે જોડાણ કરી દે, તો તેને નિવારવાના કોઈ ઉપાયો પણ નથી- આ જ તો તદ્દન અરાજક વિશ્વવાળું સાઈબરનેટનું રાજ્ય છે !!

અત્રે અમે કમ્પ્યુટર ટેકનોલોજીના વિધેયાત્મક પાસાં વિષે વધુ ભાર આપ્યો છે, છતાં વધતા જતા કમ્પ્યુટરના ઉપયોગ વિષે પણ થોડું જાણવું જોઈએ. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગમાં રહેલા મોટા દોષો અને ઊભા થતા મોટા પ્રશ્નોના ઉત્તરો પણ મેળવી શકાતા નથી.

જો, દાખલા તરીકે, અમે એક સાયબર સમાજ સાથે જોડાઈએ તો અમારી આસપાસના માનવ-સમાજનું શું ? શું અમે અમારા માનવબંધુઓ સાથેનો સંબંધ ઓછો કરીએ ? અને અમારી સામે રહેલા પ્રકાશિત પડદા પ્રત્યે વધુ ધ્યાન આપીએ ? શું એ પડદા પર ધ્યાન આપવાથી માનવના અરસપરસના સંબંધોની ગૂંચો અને મુશ્કેલીઓ દૂર થાય છે ?

ઉપરાંત, જાણકારી (જ્ઞાન), સંદેશવ્યવહાર, અને મનોરંજન કમ્પ્યુટરની અંદરથી મળી રહે, તો અમારી નાજુક થઈ ચૂકી છે તેવી આ જગતની વાસ્તવિક્તાની સમજ (Sense of reality)નું શું ? એક વિચિત્ર દાખલો એક ભેજાગેપ સોફટવેરનો છે જેમાં એક સાબરનેટિક કૂતરો તેના માલિકને ભેટમાં મળે છે. આજકાલના છાપાંઓના અહેવાલ પ્રમાણે જે લોકો આ કૂતરાના ‘માલિક’ બને છે તેઓ તે કૂતરા પ્રત્યે ખૂબ આકર્ષિત થઈ જાય છે- તેઓ કામ પરથી ઘેર પહોંચવા એકદમ ઉતાવળા હોય છે, કેમ કે તરત જ પછી તેઓ પોતાના પાળેલા ‘કૂતરા’ની સાથે રમી શકે. પોતાનું સ્વાસ્થ્ય સાચવીને પણ તેઓ એ ‘કૂતરા’ને ખવડાવે, નવડાવે અને તેની બધી કાળજી લે – પણ આ ‘કૂતરો’ કેવળ એક ચિત્ર છે, કમ્પ્યુટરનું ઊભું કરેલું ભ્રામક ચિત્ર છે, ‘કૂતરો’ વાસ્તવિક નહિ ‘કૃત્રિમ’ છે. તેમની બધી મજા પણ ‘વાસ્તવિક ગંદકી’ને બદલે સ્વાસ્થ્યને જાળવતી મજા છે. પણ જો, આ રીતે ‘વાસ્તવિક્તા’ અને ‘ભ્રામક્તા’ અથવા ‘કૃત્રિમ વાસ્તવિકતા’ (virtual reality) વચ્ચેની પાતળી રેખા ભૂંસાઈ જતી હોય, તો તેના સામાજિક અને માનસિક ગર્ભિતાર્થો શા થશે ?

બીજો કાંટાળો પ્રશ્ન એ છે કે ઈન્ટરનેટ પર કોઈ સત્તાવાર ક્રમ નથી હોતો. કોઈપણ વેબસાઈટ બીજાથી ઊંચી નથી હોતી અને કોઈને બીજાથી અગ્રતા પણ મળતી નથી. નેટ ઉપર બધાનું સ્થાન એકસમાન છે. છતાં, આપણે જાણીએ છીએ કે જીવનમાં આ રીતે સમાનતા પ્રવર્તી શકે નહિ. કેટલીક ચીજો અન્ય કરતાં અવશ્યમેવ વધારે મહત્ત્વ રાખે જ છે. કેટલાકની વાતો અન્ય કરતાં જરૂર વધુ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. પણ આ સાઈબર સ્પેસના રમતમેદાનમાં વિશુદ્ધ અને પ્રમાણિક ચીજોની સાથે જ ક્ષુદ્ર અને નિર્માલ્ય ચીજો પણ એક સ્તરે મળે છે, અને સ્પર્ધા પણ કરે છે. એક રૂપક જેવું દૃષ્ટાંત છે. આમાં એક ‘રામકૃષ્ણ’નું બુલેટિન બોર્ડ છે (અને તેમાં કશું લખ્યું નથી તેથી થોડા દિવસો ખાલી રહી તે સાઈટ ખલાસ થાય છે). ‘રાલ્ફ ફિયેન્નીસ’ (જે કદાચ એક ફેન કલબ હશે એમ ધારી શકાય) અને ‘રેટ ફિન્ક’(જેના વિષે કશું ન ધારવું વધુ સારૂં જણાય છે) આવી વેબસાઈટોની વચ્ચે આ ‘રામકૃષ્ણ’ બુલેટિન બોર્ડ મૂકવામાં આવ્યું છે અને બુલેટિન બોર્ડનાં પરિશિષ્ટમાં બધી સાઈટો ભ્રામક સમાનતા ધરાવે છે !

વળી, નેટ ઉપર હિન્દુ ધર્મની સાથે સંબંધ ધરાવતી પણ ઘણી વેબસાઈટ છે. તેમાં પણ કેટલીક પોકળ છે, કેટલીક વિશુદ્ધ છે : જે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં જ્ઞાન કે વિવેકશક્તિ ન હોય તે વ્યક્તિ આવી સાઈટોની સચ્ચાઈ વિષે, તેમની વિશુદ્ધતા વિષે કઈ રીતે નિર્ણય કરી શકશે ? વળી નેટ પર લખેલું હોય તે સાચું જ છે એ માનવાની વૃત્તિ વ્યાપક છે અને શ્રીરામકૃષ્ણના એ શબ્દોની યાદ અપાવે છે કે લોકો જે કંઈ ‘છપાયું’ હોય તેને બ્રહ્મવાક્ય માને છે.

વળી, વેબસાઈટની પ્રકૃતિ પણ પ્રશ્નો ઊભા કરે છે. જો બાળકો હાઈપરટેકસ્ટ વાંચવાનું શીખે, તો એકમાંથી બીજા પેજ ઉપર કૂદયા કરે અને પોતાને સહેજે રસ પડે તેવા શબ્દ ઉપર આવીને બટન દબાવ્યા કરે : પણ આની અસર તેમના ‘¼’ (રેખામય તર્કશક્તિ) ઉપર કઈ રીતે પડે છે ? બીજું બાળક (અથવા પુખ્ત વ્યક્તિ પણ) જો આ રીતે નાના ટુકડાઓમાં વાંચન કરવાને ટેવાઈ જાય, અને સહેજ કંટાળો આવે કે તરત (કશું અઘરું લાગવાથી આમ થાય પણ ખરું) બીજે જઈને બટન દબાવવાની ટેવ પડે – તો શું તેમની એકાગ્રતાની શક્તિ ઉપર અવળી અસર નહિ પડે ? શું આવી ટેવ ધરાવનાર કદી ગંભીર રીતે અને ઊંડા વિચાર કરતાં કરતાં વાંચવાને શક્તિમાન રહે ખરી ?

આ રીતે, આ માયાની દુનિયાની દરેક વસ્તુની જેમ ઈન્ટરનેટને પણ તેના લાભો તથા ગેરલાભો છે. એક વસ્તુ વિષે આપણે ચોક્કસ કહી શકીએ કે કમ્પ્યુટર ટેકનોલોજી અને ઈન્ટરનેટ હવે કદી નાબૂદ નહીં થાય. એકવાર નીકળી ચૂકેલું ટૂથપેસ્ટ તેની ટયુબમાં પાછું નહિ મૂકી શકાય- એકવાર છૂટી ગયેલો જીન ફરીથી દીવામાં પાછો પેસાડી નહિ શકાય.વેદાન્તની ચળવળમાં હવે આપણી પાસે ફક્ત એક વિકલ્પ છે— કાં તો તેનો ઉપયોગ વેદાન્તના સંદેશના પ્રચારમાં કરવો; અથવા તેને તદ્દન અવગણવો, જે કદાચ વેદાન્તના ભવિષ્યના વિકાસને ખતરારૂપ નીવડી શકે છે.

દક્ષિણ કેલિફોર્નિયામાં અમે એ બાબતથી ખૂબ પ્રોત્સાહિત થયાં છીએ કે અમારી વેબસાઈટ દ્વારા વેદાન્ત વિષે જાણવામાં લોકોને ખૂબ રસ પડ્યો છે. એમાં શંકા નથી કે વેબમાં (www) અમારી હાજરીથી સામાન્ય પ્રજાને માટે અમારી ઉપલબ્ધતા વધી ગઈ છે. ઉત્તર અમેરિકા માટે આ એક ખૂબ નિર્ણાયક છે. પરંતુ કેવળ અમેરિકાની જ અહીં વાત નથી—અમારી વેબસાઈટની મુલાકાતે ક્રોએશિયા, ઈઝરાયેલ, બોલિવિયા, સાઉથ આફ્રિકા, સ્વીડન, મોરિશિયસ, યુ.એ.ઈ., ફિનલેન્ડ વગેરે કેટલાય દૂરસુદૂરના દેશોની પણ વાત છે. કોણ એ કહી શક્યું હોત કે એક આઈસલેન્ડ જેવા દૂરના દેશમાં પણ શ્રીરામકૃષ્ણ વિષે વધુ જાણવા તેજાર લોકો છે ? અને કેટલા દેશોમાંથી આવી માહિતી આપવાની હજી માગણીઓ થશે એ કઈ રીતે કહેવાથી વળી ઈન્ટરનેટ પૌરસ્ત્ય દેશો માટે પણ ઘણું કહી શકે. જે યુવાન વર્ગે પોતાની પરંપરાઓ સાથેનો સંબંધ જાણ્યો ન હોય, અને પાશ્ચાત્ય સંસ્કૃતિના કહેવાતા ઉચ્ચ સંસ્કારોથી રંગાઈ ગયા હોય, તેઓ પણ ફરીથી પોતાના જ આધ્યાત્મિક વારસાને જાણી પગભર થઈ શકે, અને જેને તેઓ ખૂબ માને છે અને વાપરે છે તે કમ્પ્યુટર ટેકનોલોજી તેમને આમ કરવામાં સહાયરૂપ થઈ શકે છે.

અમને પ્રતિભાવોથી એ પ્રોત્સાહન મળ્યું છે કે ઈન્ટરનેટ દ્વારા વેદાન્ત-સંદેશ હજી પણ ઘણા લોકો મેળવશે અને પોતાના જીવનમાં પરિવર્તન થતું જોઈ શકશે.

આપણે જાણીએ છીએ કે પ્રભુની લીલા અકળ છે, તે કઈ રીતે શું કરી શકે છે તે આપણે માટે રહસ્ય છે, આશ્ચર્યજનક છે. એમ લાગે છે કે પ્રભુ ઈન્ટરનેટથી પણ લીલા કરી શકે છે.

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.